સમરાંગણ/અજો જામ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ‘કહોને મા !’ સમરાંગણ
અજો જામ
ઝવેરચંદ મેઘાણી
સોરઠનો કોલ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.7
અજો જામ

જામનગરની આખી વસ્તીમાંથી એક જ માનવી એ ખોવાયેલ બાળક નાગડાની માનસિક ખોળ કરતું હતું. એ પણ એક બાળક જ હતું. સતા જામનો સાતેક વર્ષનો દીકરો અજો જામ નાગડા વજીરની ઝાલર વગાડતી મૂંગી પ્રતિમાનો પ્રેમી હતો. નાગડો અને અજો શિવાલયમાં થોડી એકાંત મેળવી લેતા. અજો શિવાલયના ઘંટને આંબી શકતો નહિ, નાગડો પોતાના શરીરની ઘોડી કરતો તેના પર ચડીને અજો મહાદેવનો ટોકરો રણઝણાવતો હતો. નાગડો ને અજો આશાપરાના દેવળની પાછલી કોરે કલાકો સુધી વગરબોલ્યા બેસી રહેતા, એકબીજાના પંજા મેળવીને જાણે ભાવિનાં અબોલ આત્મબંધનો બાંધતા. બે બાળકોના એ મૂંગા કોલની, મા આશાપરાની આંખોની કોડીઓ સાક્ષી બની હતી.

એક દિવસ બાપુ સતા જામે આ બે બાળકોનો મેળાપ જોઈને નફરત બતાવી હતી. અજાનો કાન ખેંચીને બાપે સૂચના કરી હતી કે ‘એ જોરારનાની સોબતે બાયલો બનીશ બાયલો !’ તારા બાપનું રાજપાટ બાયલાથી નહિ સચવાય. ખબરદાર જો ફરીથી એની ભેળો રમતો-ભમતો દેખ્યો છે તો’.

નાગડાને ખબર નહોતી પડી કે વળતા દિવસથી ભેરુ કેમ આવતો બંધ થઈ ગયો. નાગડાએ રોજેરોજ વાટ જોઈ હતી. બોકડાગાડીમાં અજાને બેસાડીને પાસવાનો નીકળતા ત્યારે નાગડો આંબાની ઓથે ઊભો રહેતો, અજાને ધરાઈધરાઈને જોઈ લેતો પણ બોલાવી શકતો નહિ. ભાઈબંધીની મેખો વર્તમાનમાંથી ઊખડી જઈને જાણે કોઈ આઘેઆઘેના ભવિષ્યકાળના મેદાન પર ખોડાતી હતી. ભેરુની બોકડાગાડી નજીકનજીક આવતી ત્યારે નાગડો મારગકાંઠાના ઝાડ ઉપર ખિસકોલાંની ઝડપથી ચડી જતો, ને આંબાનો ઝીણો મરવો, લીંબોળી, પેપો અથવા આંબલીનો કાતરો અજાના ખોળામાં ટપ દઈને પડતાં મૂકતો. અજો ઊંચે જોતો ત્યારે બે આંસુભરી આંખો એની નજરે આવતી.

એવો ભાઈબંધ ગાયબ બન્યા પછી અજાને થતું કે આ બોકડાગાડી હાંકતોહાંકતો એકલ પંડે આખા સંસારમાં ભ્રમણ કરું, ભાઈબંધની ભાળ લઉં, બેય જણા બોકડાગાડીમાં બેસીને દિલ્હીના પાદશાહ પાસે પહોંચશું, ચાકરી માગશું, સાવઝ મારીને શેરબહાદરો બનશે, પાદશાહ અમને શિરોહીની સમશેરોએ સોહતા કમરબંધો બંધાવશે.

દિલ્હીના પાદશાહ પાસે પહોંચવાની બાળકુંવર અજાની ધૂન હમણાં હમણાં વધુ તીવ્ર બની હતી. તેના બે કારણો હતાં. બાપુ સતો જામ અમદાવાદના સુલતાનના ભક્ત બન્યા હતા. બાપુ તાજા જ અમદાવાદ જઈ આવ્યા. બાપુ આવ્યા ત્યારે વસ્તીએ એમનું ધામધૂમથી સ્વાગત કર્યું. એ સ્વાગતમાં બાળક અજાનો જીવ નહોતો ઠર્યો. કોણ જાણે કેમ પણ બાપુ પ્રત્યે એને ધિક્કાર પેદા થયો હતો. બાપુ સુલતાનને રીઝવીને શું લઈ આવ્યા હતા ? જામશાહી સિક્કો પાડવાની સનંદ લાવ્યા હતા. પણ બાપુ એ સનંદ નામોશી વહોરીને લાવ્યા હતા ને ! કચેરી ભરાઈ ત્યારે બાપનાં બબે મોઢે વખાણ થતાં હતાં : ઓહો, શી ચાતુરી. વાપરીને બાપુએ ગુજરાતના સુલતાનને રીઝવ્યો હતો ! કાંઈ જ નજરાણો નહોતો લઈ ગયા. એક ખૂમચા ઉપર રૂમાલ ઢાંકીને સુલતાન મુઝફ્ફરશાહના તખ્ત સામે બાપુએ ભેટ કરી. કમ્મરના મકોડા ભાંગીને બાપુએ સુલતાન સામે કાયા નમાવી. સુલતાને પૂછ્યું, “ક્યા લાયે હો, સતા જામ !” બાપુએ રૂમાલ ઉઘાડીને ખૂમચો ખોલ્યો. ખાલી ખૂમચામાં ફક્ત બે સિક્કા પડ્યા હતા. એક હતો મોટો સિક્કોઃ એનું નામ ‘એહમદી’ રૂપિયો : ને બાજુમાં હતું એક નાનકડું રૂપાનાણું.

સુલતાન મુઝફ્ફરે પૂછ્યું: “ઇસકા માયના ક્યા હૈ, સતા જામ !”

ત્યારે બાપુએ જવાબ દીધો : “ખુદાવંદ સુલતાન, આ આપનો સુલતાની રૂપિયો ને આ મારી જામની પાવલી : હું એ મારી પાવલીને સુલતાનના સિક્કા સાથે પરણાવું છું. જે રીતે અમારા વડવા જાડેજાઓ  પોતાની દીકરીઓને પાદશાહો સાથે પરણાવી પોતાની આબરૂ વધારતા, તે રીતે આ મારી કુંવરી સુલતાનના સિક્કાને પરણાવીને હું આજથી મારી આબરૂ વધારું છું.”

“અચ્છા ! અચ્છા ! શાબાસ, સતા જામ ! તુમારી કુંવરી કી હમેરા રૂપિયા કે સાથ શાદી કરતે હો ? બહોત ખુશ. બડી ખુશી કે સાથ તુમ તુમારી યે છોટી ચોઆની કા ચલણ ચલાઓ. ઇસકા નામ હમેશ કે લિયે ‘કુંવરી’ હી રખના. હમારા સિક્કા, તુમારી કુંવરી. દોનોં કી શાદી : વાહવા જી વાહ ! તુમારી ઇજ્જત બઢ ગઈ.” એમ બોલીને સુલતાને બાપુને સનંદ આપી – જામનગરની ટંકશાળ ખોલીને ‘કુંવરી’નું ચલણ ચલાવવાની.

બાપુએ ન સિંહ માર્યો, ન વાઘ માર્યો, ન બિલાડું ય માર્યું, ન કોઈ તલવારની પટાબાજી રમીને સુલતાન રીઝવ્યો. રીઝવ્યો પોતાની ‘કુંવરી’ પાવલીને સુલતાનના રૂપિયા સાથે પરણાવીને ! ફિટકાર હોજો બાપુની એ કરામતને. ફિટકાર હોજો એ રાજપૂતની હીણપતને.

બાળ અજાનો આત્મા કળકળાટ કરતો ગુમરાઈ રહ્યો. જામનગરની નવી ટંકશાળમાંથી નીકળેલી એ ‘કુંવરી’ના રૂપલા સિક્કાને સ્પર્શ કરતાં પણ બાળ અજો અગ્નિસ્પર્શથી દાઝતો હોય તેવી વેદના અનુભવવા લાગ્યો. બાપુના એ વિજયોત્સવમાંથી બાળ અજો બહાવરો બની દૂર ભાગ્યો. એણે મોં છુપાવ્યું. એને પોતાના ગુમ થએલા ભેરુની લીંબોળીઓ ને પેપડીઓ, મરવા ને કાતરા વધુ જોરથી યાદ આવ્યાં.

એ કરતાં તો દિલ્હીનો પાદશાહ વધુ સેવવાલાયક એણે સાંભળ્યો. રાણા રાયસંગની વાત એણે સાંભળી હતી. હજુ તો ચાર-પાંચ જ વર્ષ થયાં હતાં એ વાતને. હળવદનો રાજરાણો રાયસંગજી ઝાલો ધ્રોળવાળા કાકા જામ જસાજીનો જુવાન ભાણેજ હતો. મોસાળ આવ્યો હતો. એક દિન ધ્રોળને પાદર નગારાંના ધ્રોંસા થયા. મામા જસા જામે હાક મારી કે “હાં, ખબરદાર, છે કોઈ કે ? તપાસ કરો, ધ્રોળને પાદર નગારાં વગાડનારો કોણ એ મોતને નોતરી રહ્યો છે !”  માણસોએ આવીને ખબર દીધા કે, “એ તો, બાપુ, દલ્લીના બાવાની જમાત હીંગળાજની જાત્રાએ જાય છે. તેમનાં નગારાં વગડતાં હતાં.”

કાકા જામ જસાજીએ હસીને કહ્યું કે “તો ભલે વગાડતા, બાવાઓ નગારાં બજાવે તેનો કોઈ વાંધો નહિ. એ તો ભીખનાં નગારાં કહેવાય. એ બચાડાઓ ભલે બજાવતા.” ત્યારે ભાણેજ ઝાલા રાયસંગે પૂછ્યું, "હેં મામા? બીજો કોઈ નગારાં બજાવે તો ?”

“મારા ધ્રોળને પાદર ?”

“હા.”

“તો તો નગારાં ફોડી જ નાખીએં ના, બાપ !”

ભાણેજે કહ્યું: “તો તો, મામા, ફોડવા તૈયાર રે’જો. હું આવું છું નગારાં બજાવવાં.”

“આવજે, ભાણા !”

રાયસંગ રાણો હળવદ પાછો ગયો. ફોજ લીધી. ધ્રોળને પાદર આવ્યો. નગારાં પર ડાંડી રડી. મામા-ભાણેજની ફોજો આફળી. ભાણેજે મામા જસા જામને ઠાર માર્યો, મરતે મરતે આ વેરનો હિસાબ લેવા મામાએ પોતાના પિત્રાઈ કચ્છના રાવને સંદેશો મોકલ્યો. ચારણને સંદેશે કચ્છના રાવ સાહેબજી જાડેજા સોરઠમાં ઊતર્યા; રાયસંગ અને સાહેબજી આફળતા-આફળતા મેદાને સૂતા, સાહેબજી રામશરણ થયા. રાયસંગજીના જખ્મી દેહમાં જીવ બાકી હતો. ઘોર અંધારા એ રણમેદાનને માથે એકાએક એ જ રાતે મશાલોનાં અજવાળાં પથરાયાં. ‘આદેશ ! આદેશ !’નાં સ્તોત્રો એ હત્યાકાંડના હાહાકાર-સ્વરો પર છંટાયાં. સમળીઓ, શિયાળવાં અને ગીધડાંનાં જૂથ ભાગવા લાગ્યાં. એ હતી જોગી મકનભારથીની જમાત, હીંગળાજ પરસીને છ મહિને પાછી જતી હતી. તેણે જોદ્ધાઓનાં શબો વચ્ચે ઘૂમીઘૂમી ગોત આદરી, કોઈ જીવતો ? કોઈ કરતાં કોઈનું કલેજું ધબકે છે હજી ? અને હાથ આવ્યો – પૂરો પંચહથ્થો રાજરાણો રાયસંગજી : જીવ હજુ નાડ્યે હતો. જોગીઓએ એના  કદાવર દેહને ઝોળીમાં નાખીને કાંધે ઉઠાવ્યો. દિલ્હી લઈ ગયા. જીવી ગયેલો રાજરાણો અકબરને દરબાર આદર પામ્યો. અઝાઝૂડ પાદશાહ-જોદ્ધા ‘એક્કા’નું માથું એ સોરઠિયા ઝાલા રાયસંગજીએ મૂઠી મારીને ઘીના કુડલામાં દાટો બેસારી દે એમ બેસાડી દીધું. વીરતાને વંદનાર શાહ અકબરે રાજરાણા રાયસંગને લશ્કરમાં દરજ્જો દીધો. રાયસંગ હળવદ પાછા આવેલ છે. મોટો થાઉં, એની પાસે જાઉં, એની સિફારસ મેળવીને દિલ્હી પહોંચું, ભેળો મારો ભાઈબંધ નાગડો હોય તો રંગ રહી જાય.

સૌરાષ્ટ્રના સમકાલીન ઇતિહાસમાંથી એવા અભિલાષોની ઊર્મિએ થનગનતો બાળો જામ અજોજી વધુ ને વધુ એકલવિહારી બનતો ગયો. બાપુની હીણી કરામતોથી એ આઘો ભાગ્યો.

સાત વર્ષનો બાળક એ વધુ દયાજનક દૃશ્ય હતું, કેમકે ઉદ્‌ભવતા વિચારો અને ઊભરાતી લાગણીઓ ઉચ્ચારવાની વાણી એની પાસે નહોતી. અને ‘જોરારના’ નાગડાને માટે ઝૂરતું હૃદય નાગની ગામમાં કોઈની દિલસોજી મેળવી શકતું નહોતું.

આશાપરાને દેરે કોઈકોઈ વાર નાગડાની મા વજીર-પત્ની અને બાળકુંવર અજોજી ભેગાં થઈ જતાં. “ઘંટ વગાડવો છે, બાપા ?” એમ પૂછીને અજાજીને એ પારકી મા તેડી ઊંચા કરતી. અજાજીને ત્યારે ભાઈબંધ વિશેષ યાદ આવતો, કેમકે ભાઈબંધ ઘોડી થતો ને તે ઉપર ઊભા રહી ટોકરો બજાવવાનું હવે નહોતું મળતું.

પછી વજીર-પત્ની મા આશાપરાના બળતા દીવાની સામે છાનીમાની ઊભી રહીને હાથ જોડી રાખતી, આંખો ચોડી રાખતી, પોપચાં બીડી જતી, ને એ બીડેલાં પોપચાંની ચિરાડમાંથી જ્યારે શંકરને શિરે ગળતી જળાધારીના જેવાં આંસુનાં બિન્દુઓ ટપકતાં ત્યારે બાળક અજોજી એ માતાની પાસે છેક અડકીને ઊભો રહી એના મોં સામે તાકી રહેતો. બેમાંથી એકે ય પોતાના હૈયાની વાત પૂછી શકતું નહિ.