સમરાંગણ/અણપ્રીછ્યું મિલન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← વિજયી મસ્તક સમરાંગણ
અણપ્રિછ્યું મિલન
ઝવેરચંદ મેઘાણી
પુરુષાતનની પ્રતીતિ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.

17
અણપ્રીછ્યું મિલન

“અધરાત થઈ ગઈ ?” વજીરે પાછા વળતાં વળતાં ડેલીના દરવાનને પૂછ્યું : “ક્યારે થઈ ગઈ ? મને ઝાઝું ઝોકું આવી ગયું’તું? તારી મા આવી ગયાં ? ક્યારે આવ્યાં ?”

એણે એક જ શ્વાસે પ્રશ્નો પૂછ્યા. જવાબની રાહ જોતાં એને ડર લાગ્યો. સ્ત્રી ઘરમાં નથી એ ખબર પાકા કરવાની એની છાતી ચાલી નહિ. મેડીનાં પગથિયાં ચડતે ચડતે એણે ડાંગના જે પછડાટા કર્યા, તે પછડાટાની સાથે એના માથામાં નીકળી રહેલા ચસકા તાલ મેળવતા હતા. પરમ વિજયનો દિન કારમા પરાજયની રાતને જાણે કે ચોટલે ઝાલીને પાછળ ખેંચતો આવ્યો હતો, અથવા રાત જાણે કોઈ લુચ્ચી બિલાડી હતી. માળામાં લપાયેલા વિજયને એણે ચૂંથી ખાધો હતો. એનો મદ ઊતરી ગયો. પ્રશ્રો જાગ્યા : હું કયા ધણીને માટે ખપી ગયો ? કયા વીરને આ વિજયકલગીઓ છેલ્લાં પચીસ વર્ષથી પહેરાવતો આવું છું ? એક હાથીએ જ શું મારા બોલ-કોલનું વજન કાઢી લીધું ? પણ આ મારી વેદના સંભળાવવી કોને ? સાંભળનારી તો નથી. હાથીને હમણાં ને હમણાં જઈ હાથીખાનેથી છોડાવી લઉં ? પછી સવારે ઊઠીને ભલે દરબાર શૂળીએ ચડાવે ! પણ હું આમ કરવા જતાં અજાકુંવરનો અવતાર બગાડી બેસીશ તો ? પણ આ બધું મારે પૂછવું કોને ? સ્ત્રી હોત તો પૂછી જોત.

પાછો ઢોલિયે જઈને પડ્યો. પડ્યાંપડ્યાં એણે અંતરીક્ષમાં ‘મા ! મા ! મા કહાં ?’ એવા કશાક ઉદ્‌ગારો સાંભળ્યા, એણે કાન માંડ્યા. પવનમાં કોઈક કમાડ એનાં નર-માદા (નકૂચા) પર હલબલી જઈને ચાં ચાં કરતું હશે. એણે આંખો મીંચી. કાનને ઓશીકા પર ચાંપી દીધા. પણ અવાજ બંધ ન પડ્યો. એ ઊઠ્યો. ફરી ડાંગ લીધી. ઓરડેઓરડે ઘૂમી વળ્યો. નજીકમાં કોઈનો પાડોશ નહોતો. શોકગ્રસ્ત અને ભયગ્રસ્ત નોકરો ભોંયતળિયે જ લપાઈ બેઠા હતા. એકલ વૃદ્ધ ગોખમાં થઈને  ઝરૂખા તરફ વળ્યો. કયું બારણું અવાજ કરતું હતું ? આ ઘરનાં સજીવ-નિર્જીવ બધાંય કાં મારી માફક હચમચી ગયાં ? આ બારણું હલતું લાગે છે. બારણું પકડ્યું. પછવાડે કોઈનો સ્પર્શ થયો.

“ખબરદાર !” શબ્દ એના મોંમાંથી નીકળી ગયો. એણે બારણાની પછવાડે લાકડી ઘોંચી. લાકડીને છેડે કશુંક પોચુંપોચું હોવાનો ભાસ થયો. લાકડી ક્યાંઈક અટવાઈ ગઈ. એણે પાછળ જઈને જોયું. કાળો એક ઓળો લાગ્યો. ‘તને લ્યે રે લે મા આશાપરા !’’ એમ કહીને ડોસાએ છલાંગ દીધી. સાંઠીઓની ભારી જેવી એની કાયામાં આટલું કૌવત ક્યાં લપાઈ બેઠું હતું ? એના હાથમાં એક માનવીના માથાના લાંબા કેશ આવ્યા. પણ એના હાથની લાકડી કોઈકે ઝૂંટવી લીધી. છૂટો હાથ કોઈકના પોલાદી પંજામાં પકડાઈને મરડાયો. તે જ ઘડીએ કેશનો ચોટલો જમણા હાથમાંથી મોકળો થયો. ડોસાએ બીજો દાવ સામા શત્રુની બોચી પર નાખવા હાથ ઘુમાવ્યો. તોતિંગ મોટું માથું એના પેચમાં આવી ન શક્યું. આવડું ગંજાવર માથું એણે કદી જોયું નહોતું. માથેથી છૂટેલો હાથ ગળા પર આવ્યો. ગળામાંથી એ બુઢ્‌ઢા હાથે કાંઈક રસી જેવું પકડ્યું. ‘કોઈક ફાંસીએ લટકાવેલો પ્રેત થઈને તો નથી આવ્યો ને !’ એવી એક શંકા આવીને ચાલી ગઈ તે પહેલાં તો એ ગાળિયો રુદ્રાક્ષના પારાનો બનેલો હોય એવો સ્પર્શ થયો. એ એના હાથમાં આવતાંવેંત જ સામા શત્રુએ લાકડી, હાથ, બધું જ છોડી દઈને કરજોડ કરી કરગરવા માંડ્યું : “છોડ દીજીયેં વો માલા ! વો તૂટને સે મેરી મૃત્યુ હૈ.”

બુઢ્‌ઢાએ આ માળા પહેરેલ ખુલ્લા શરીરને સ્પર્શી જોયું. કોઈક બાવો લાગે છે ! માળા ખેંચીને એને ઓરડામાં દીવાને અજવાળે દોર્યો. ગાળિયે દોરાતી ગરીબ ગાય સરીખો એ ચોર અજવાળે આવ્યો. વજીરે એને નખશિખ તપાસ્યો.

“કોણ છો ?" નીચેથી કોઈ દોડ્યું ન આવે એવા ધીરા અવાજે વાત શરૂ થઈ.

“મા કહાં ?” પૂછનાર જુવાન ડાલામથ્થો ને કદરૂપો છતાં  મીઠાશથી બોલી ઊઠ્યો.

“ચોરી કરવા આવ્યો’તો ને હવે મા મા કરછ કે, દીકરા !”

“ચોર ના થા, માતાજી ના દર્શન : મેરી માતાનાં પરસન : તમારી પાસ કાંઈ – કાંઈ – કુછ – ચોરવા નથી. મા કહાં છે ?” હિંદી ગુજરાતીનું ભરડકું કરતો જુવાન બોલ્યો.

“જોગટાઓ ! બેટા જોગટાઓએ જ રોજ રોજ એનું માથું ભમાવી નાખ્યું. કોણ જાણે ક્યાં એને કાઢી ગયા ! તું જેવા જ લંગોટા રોજ લાગી રિયા’તા. મારું ઘર ભંગાવી ગયા.” દાઝમાં ને દાઝમાં બુઢ્‌ઢાએ ધીરાધીરા શબ્દો, ચીપિયા વતી એકએક અંગારો લઈને ચાંપતો હોય તેમ ચાંપ્યા. સામે ઊભેલો જુવાન ખભે શિર ઢાળી ગયો હતો. એની માળા બુઢ્‌ઢાના હાથમાં જકડાયેલી હતી. માળાને જરીકે ઝોંટ લાગે તો પોતાનો પ્રાણ નીકળી પડે એવી બીકે જુવાન હલતો કે ચલતો નહોતો.

“બેસ આંહીં.” બુઢ્‌ઢાએ જરીક માળા ખેંચી ત્યાં તો જુવાન ઢોલિયા પર બેઠો.

“કોણ છો તું ?”

“તુમકો નથી કહેવા. માકો કહેવા થા.” જુવાનના અક્કડ શબ્દમાં પણ કાંટાળા કેવડાની અંદરથી ઊપડતી હોય છે તેવી કુમાશભરી ખુશબો હતી.

“દિવસે સીધાં લઈ જવાં, રાતે ખાતર પાડવાં, ને પકડાઈ જાવ ત્યારે ‘મા ! મા ! મા !’ કરીને દીકરા બની જવું : ગજબ છે તમારી વાત !” બોલતો બોલતો બુઢ્‌ઢો રુદ્રાક્ષની માળાનો પ્રત્યેક પારો તપાસતો હતો. વળી વચ્ચે “કેમ, જવાબ કેમ નથી દેતો ?” એમ કહી માળાને થોડી સતાણ કરતો હતો. માળા ખેંચાતાંની વારે જ ‘દયા કરો’ ‘દયા કરો’ ‘મત ખેંચો’ એવી કાકલૂદી કરતો એ જુવાન બુઢ્‌ઢાના અપશબ્દોથી સળગી ઊઠેલી આંખોના દેવતા ઓલવી નાખતો હતો. બુઢ્‌ઢાને હવે કશી ચિંતા રહી નહોતી. ઢુંઢા રાક્ષસને મારનારના હાથમાં જેમ પોપટ આવી જાય તેમ આ ચોટ્ટા બાવાની જીવાદોરી, માળા પોતાના હાથમાં આવી ગઈ હતી.

“મારા દીકરાએ વળી માળાની વચ્ચે માદળિયું ય ઘાલ્યું છે ને શું ? કયા છોકરાની ડોકી મરડીને આ સોનાનું માદળિયું કાઢી લીધું’તું, હેં એલા સદાવ્રતિયા ? કહે તો ખરો !”

એમ પૂછતો ડોસો માદળિયાને થોડીક વાર હાથમાં ફેરવીફેરવીને પાછો આગલા પારા ઉપર આંગળીઓ લઈ ગયો. માદળિયું આંગળીઓને મળીને પાછળ નીકળી ગયું.

છેક ગરદન પર જઈને માળાના છેડાને અડક્યા પછી બુઢ્‌ઢાનો પંજો આપોઆપ એ જુવાનના બરડા પર સર્યો. ખભા નીચેના બેઉ ગઠ્ઠાદાર ટેકરા ગેંડાની કૂબાળી ઢાલો જેવડા પહોળા ને લોખંડી લાગ્યા. ઉઘાડો બરડો લીસો લપટ અને ઘણ વડે ઘડેલો ઘાટદાર લાગ્યો. લશ્કરમાં ભરતી થવા આવનારા સેંકડો જુવાનોનાં ખુલ્લાં ગાત્રો તપાસવાની વર્ષો સુધીની તાલીમે વૃદ્ધ વજીરનાં આંગળાંમાં બારીક પરખશક્તિ પેદા કરી હતી. તાકાતદાર અને સુઘાટીલો દેહ દેખીને ડોસો પ્રાચીન પાટણના કોઈ શિલ્પી સલાટના જેવી મસ્તી અનુભવતો.

“પીઠ તો દીઠી, હવે જોઉં તારી છાતી !” એમ બોલીને પહેલાં પ્રથમ છાતી પર હાથ ફેરવીને મુક્કા-ઘુસ્તા મારવા લાગી પડ્યો. મુક્કા મારતે મારતે એનો આનંદ, વર્ષોના મોરલા સરીખો ગહેકી ઊઠ્યો : સદાવ્રતોના દાળિયા ય તને ઠીક સદી ગયા લાગે છે, દીકરા મારા ! માગીમાગીને ખાવા કરતાં મારી ફોજમાં ભરતી થઈ જા ને ! ભૂમિને ભાર કરી રહ્યો છે તે કરતાં કોક ધીંગાણામાં લેખે લાગી જઈશ. મા, મા, મા, કરીને ભોળી ઓરતો પાસેથી આમ માલપૂડા ક્યાં સુધી ખાધા કરવા છે ? હેં ? જવાબ કેમ દેતો નથી ?

“આ છાતી તો જો તારી ! આ તે છાતી છે કે એરણ ? સોરઠિયા જુવાનોમાં કોઈને આવી છાતી મેં તો જોઈ નથી. આખી રાત બેઠોબેઠો આ છાતી ને આ બરડા ફરતો હાથ ફેરવતો રહું તો મહિના સુધી ઊંઘવાનું મન ન થાય, હોં સદાવ્રતિયા !”  બોલતો બોલતો બુઢ્‌ઢો લગભગ હર્ષઘેલડો બની રહ્યો. એ જુવાનના શરીરની હર એક પેશીની પોતે કાયમી ઓળખાણ કરી લેતો હતો. સમજાવતો હતો કે “મૂરખા, આવી ભુજાઓ ઉપર તો હું મારી જુવાનીને ઘોળી કરી દઉં. આવા પંજામાં તુંબડાં પકડાય કે તલવાર ? રોજ પાંચસો-પાંચસો દંડબેઠક કરતો હો તો આ તારા પગની અક્કેક પાટુએ હાથીઓ ય ગડથોલું ખાઈ જાય, નાદાન ! ભોળી બાયડીઉં ભગવાન ભગવાન કરીને પગે લાગે, વાંઝણિયું છોરુની માગણીઉં કરે, કરમહીણીકું ધણીને વશ કરાવવા માટે કાકલૂદી કરે, એમાં મલકાતો શું ફરછ ?”

જુવાન કશો જ જવાબ દીધા વિના, પોતાની માળાનો ઉચાટ કરતો મૂંગોમૂંગો બેસી રહ્યો. એને આ બુઢ્‌ઢાની બોલીમાંથી બરછીઓ વરસતી હતી, અને બુઢ્‌ઢાના હાથના આખેયે શરીરે ફરી વળતા ફરસા સ્પર્શ હેઠળ એના દેહની પ્રત્યેક પાંદડી ફરકફરક થતી હતી. પોતાને ચોર ગણીને પછી પાછા આમ મોહી પડનાર પુરુષનું આ આચરણ એને વિચિત્ર લાગ્યું. બુઢ્‌ઢો મારા બેડોળ ચહેરાની કે મારા માની લીધેલા ચોટ્ટાપણાની વાત વીસરી બેસીને મારા શરીર સાથે આ શા ગેલ કરવા બેઠો છે ? તાકાત અને મર્દાઈનો પૂજક આ મારો વજીર પિતા જ લાગે છે. એકાકી લાગે છે. એની આગલી કરડાઈ ક્યાં ગઈ ? એ ગરીબડો કેમ લાગે છે ?

મા ઘરમાં નહિ હોય ? મા બહારગામ ગઈ હશે ? મા જીવતી તો હશે ને ? માને સૂતી ઝબકાવવી હતી. અણધાર્યા આવીને ચકિત કરવી હતી. જોગીઓની જમાતને સુદામાપુરીને માર્ગે વળાવીને બે ગાઉ પરથી પોતે પાછો વળ્યો હતો. દિવસે આવીને બાર વર્ષ પૂર્વેની યાદદાસ્તને ટેકેટેકે મકાન ગોતી લીધું હતું. ઊંચી મેડીએ ચડવાનો માર્ગ મનમાં ગોઠવી રાખ્યો હતો. પછી રાતે વજીર સૂતા હતા તે વખતે જ ઉપર ચડી ગયો હતો. એણે પણ માને પોતાના પિતાની માફક, આખું ઘર ઘૂમીને ગોતી હતી. માને શું બાપુએ કાઢી મૂકી હશે ? એની દાઢી ઝાલીને ઝંઝેડું, ને પૂછી જોઉં કે ‘મારી માને ક્યાં ગાયેબ કરી છે ?’ પણ માળા એ ડોસાના હાથમાં હતી. માળા તૂટે તો મરવું પડે એમ ગુરુદેવે ગાંઠ વળાવી છે. હવે તો બુઢ્‌ઢાના હાથમાંથી છૂટી જવાની જ રાહ જોવી રહે છે. મા આ ઘરમાં નથી એ નક્કી વાત છે. આ ઓરડાની ભીંતો માવિહોણી દશા દાખવતી ઊભી છે. પિતા પોતે જ માવિહોણી દશાનું ખંડેર લાગે છે. પિતાનો પુત્ર બનીને આંહીં રહી એનો બુઢાપો પાળું ? નહિ નહિ, માને દુભવનાર પિતા એવી સેવાનું તીર્થ કેમ બની શકે ? સાચા સ્વરૂપે પ્રકટ થયે પિતા જ મને શાનો સંઘરશે ?

એવા વિચારગ્રસ્ત બાળકે આખરે પોતાના લલાટ પર પિતાના જરાગ્રસ્ત હાથનો સ્પર્શ અનુભવ્યો. વૃદ્ધનો હાથ એના લલાટ પર થઈને માથા પર ગયો. આખેય માથે ઘૂમતી એ આંગળીઓ એક બેનમૂન ખોપરીનો ઘાટ તપાસતી હતી. ખોપરીનો આકાર તપાસીને બુઢ્‌ઢાએ કહ્યું : “અક્કલની ઓછપ તો આ ખોપરી જ બતાવી આપે છે. માથું સાવઝનું, પણ બુદ્ધિ રોઝડાની ! નીકર કાંઈ મા, મા, મા બોલતો બોલતો ચોર ચોરી કરે ? ચોરવિદ્યા ચડી નથી તેનું કારણ જ આ માથું. ઢીંક માર્યે તો તું મદોન્મત્ત ખૂંટિયાનાં ય શીંગ ખોખરાં કરી નાખ એ વાત સાચી, પણ બુદ્ધિ નાદાન બાળકની. આવડો મોટો આદમી મા, મા, મા, કરતાં શરમાતો ય નથી ? મને તો તારું શું કરવું એ વિચાર થઈ પડે છે. તારું માથું તપાસ્યા પછી તો તને કોટવાળને સોંપવાની જરીકે મરજી થતી નથી. તારી છાતી ને તારી પીઠનાં પાટિયા પારખ્યાં પછી તને છોડવાનું મન થાતું નથી. પણ તને ફોજમાં દાખલ કરવાનો શો સબબ રહ્યો છે હવે ? હવે તો મારું જ દિલ ઊઠી ગયું છે. નાકના જુવાનોને શીદ કપાવ્યા કરવા ? જા ભાઈ, ચાલ્યો જા, હવે ઠાલો આ મેડીએ ચડતો નહિ. અહીં કોઈ માફા છે નહિ, સોનારૂપાંય નથી, કે નથી સીધાં સદાવ્રત. દ્વારકાને માર્ગે ઊતરી જાજે. જા. હવે તું આંહીં વધુ રહીશ તો મારો જીવ નાહકનો લોભમાં પડશે. એકની વાંસે બીજી ગઈ, ત્રીજાને ય હવે. ગામતરું કરવાની વાર નથી. ત્યાં તને ક્યાં ગળે વળગાડું ! જા તારે માર્ગે.”

એમ કહીને વૃદ્ધે જુવાનના ગળાની માળા છોડી દીધી. તે પછી એણે કહ્યું : “ઊભો રે’, ફરી એક વાર, બેય હાથે હું તારી કાયાને તપાસી લઉં. એક હાથે પૂરું પારખું થાય નહિ.”

પછી બુઢ્‌ઢાના બંને પંજામાં લપેટાઈ રહેલો એ જુવાનનો અધખુલ્લો દેહ થરકાટ કરતો કરતો જાણે હવે છૂટવું ગમતું નથી એવી એક લાગણી અનુભવી રહ્યો. વૃદ્ધ પણ એ દેહને સ્પર્શતો સ્પર્શતો “વાહ ! રંગ ! શાબાશ ! નવરો હશે દીનોનાથ, જે દી તને ઘડવા બેઠો હશે !” એવા લગભગ હર્ષઘેલાને કાંઠે પહોંચનારા બોલ બોલતો બોલતો એ જુવાનને પોતાની બાથમાં ખેંચતો જ ગયો. જુવાન ડર ખાતો ખાતો દૂર હઠવા મથતો ગયો. પણ આખરે વૃદ્ધે જુવાનને ચોંકાવી મૂક્યો. કસકસીને એને હૈયાસરસો ખેંચી લીધો, “વાહ મર્દાઈ, વાહ !” કહીને બાથમાં ભીંસી લીધો. ને પછી કહ્યું કે “સારું થયું કે તું પાંચ વરસ વહેલો મારી બાથમાં ન આવ્યો. ભીંસીને ભાંગી નાખત. આજ તો મારી કાયામાં જોર નથી રહ્યું એટલે તું જીવતો જાછ. કોણ જાણે, તારા દેહ માથે એવું હેત ઊપજે છે કે જાણે ભીંસીને ભુક્કા કરી નાખ્યું. બસ, હવે જાતો રે'. મને જ હવે તો બીક લાગતી જાય છે, હું ક્યાંઈક તને રોકી પાડીને નવું સાલ ઊભું કરીશ. ઊઠ, ભાગવા માંડ, લંગોટા ! ખબરદાર જો નગરના સીમાડામાં ફરીને પગ મૂક્યો છે તો !”

જુવાન હસ્યો. બુઢ્‌ઢાના ક્રોધની બનાવટ એક બુઢ્‌ઢા સિવાય બીજા કોઈથી અછતી રહે તેવી નહોતી. જાણે કોઈ બાળક બનાવટી બીક બતાવતું હતું કે ‘માલી નાખીછ !’

યુવાન જે માર્ગેથી ચડ્યો હતો તે જ માર્ગે પાછો ઊતરતો હતો ત્યારે ડોસો એને જોવા માટે જઈ ગોખે ઊભો રહ્યો. ઘર પછવાડેનો એ ઉજ્જડ પ્રદેશ હતો.

“ચૂપચાપ એલા – જો પડતો નહિ.” આ અબોલ જુવાનને સડસડાટ ઊતરતો જોઈને બુઢ્‌ઢો હસ્યો : અરે ! રંગ રે મારા બેટા ખિલખોડા ! સાચો તાલમબાજ મેડીફાડ !”

અરધું ઊતરી ગયેલા એ જુવાનને બુઢુઢાએ ફરી કહ્યું :

“જરીક થોભ, મરદાઈનો પૂજનારો એક છે. સોરઠધરાનો સપૂત અજો જામ, કોક દી આ કાયાને એને માટે ખપાવજે, હોં ! નીકર કાગડા-કૂતરાંને ય ખાવા કામ નૈ લાગે, સદાવ્રતિયા ! બાવાઓ ભેળા થઈને જમીનની જીવાતને જમાડી દેશે. હોં સદાવ્રતિયા ! ખપી જાજે કોક દી મારા અજા જામને કાજે –”