લખાણ પર જાઓ

સમરાંગણ/જમાતનો મેળાપ

વિકિસ્રોતમાંથી
← પિતાનું પાપ સમરાંગણ
જમાતનો મેળાપ
ઝવેરચંદ મેઘાણી
મા મળી →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


24
જમાતનો મેળાપ

મુઝફ્ફરશાહને બરડાનાં ગુપ્ત કોતર બતાવી દઈને નાગ વજીર નગર તરફ વળ્યો, ત્યારે જુદા પડતા મુઝફ્ફરે એક જ ઉદ્‌ગાર કાઢ્યો :

“તમારી અમ્મા તમને મળી ગઈ, દોસ્ત ? મારી અમ્મા ગુજરાત મને પણ મળી ગઈ. પણ હવે તો જલદી જામનગર આવીશ, તમારી અમ્માના મોંમાંથી ‘બેટા’ ! એટલો બોલ સાંભળવાને માટે. કેમ કે ગુજરાત તો બાપડી મૂંગી છે. એના કલેજાના બોલ હું સાંભળી શકતો નથી. એક વાર કોઈકને મોંયેથી ‘બેટા’ શબ્દ સાંભળવો છે.”

એટલું કહી, જોશથી પંજામાં પંજો ભીંસી મુઝફ્ફર કોતરોમાં ઊતરી ગયો. વળતા દિવસના સૂર્યાસ્તે નાગ વજીર નગરને માર્ગે છેક વરતૂ નદીના વહેણમાં પોતાના ઘોડાને પાણી ઘેરી રહ્યો હતો.

ઘોડાની લગામ હાથમાં પરોવીને પોતે પાણી પીધું. પાણી પીને ઊભો થયો ત્યારે તેણે સૂર્યાસ્ત પછીનાં શરૂ થતાં અંધારામાં પોતાની સામે ચોમેરથી ચાર-પાંચ બંદૂકો મંડાતી જોઈ. એક ક્ષણનો થડકાટ અનુભવીને પછી પોતે ખામોશ રાખતો ઊભો રહ્યો. ન બંદૂકવાળા બોલતા હતા, કે ન બોલતો હતો નાગ. આ મૌન બે-ત્રણ ઘડી ટક્યું. પછી બંદૂકધારીઓમાંથી એકે કહ્યું : “ઊડા દેવેં ?”  “તો પછી કોની વાટ જુઓ છો ?” નાગે જવાબ આપ્યો : “મારે ખાંપણની કે કફનની બેમાંથી એકેયની જરૂર નથી.”

“કોણ છો ?”

“ફોજનો આદમી છું.”

“કોની ફોજનો ?”

"છાયાના જેઠવા રાજની.”

“નગરની નહિ ?”

“ના, એ અમારા દુશ્મન ગણાય.”

“તેં સાંભળી છે વાત ?”

“શેની ?”

“માજી સુલતાન મુઝફ્ફર આ તરફ નીકળ્યાની ?”

“તમે કોણ છો ? એના માણસો છો ને ?”

થોડીક વાર ખચકાઈ રહીને બંદૂકદારોએ કહ્યું : “હા. એ ક્યાં ગયા, ખબર છે ?”

“આલેચને ડુંગરે : હેડમ્બાને હીંચકે : મને મળ્યા’તા થોડાક જુવાનો. ભલામણ કરતા ગયા કે મુઝફ્ફરશાના માણસો મળે તો કહેજે : આલેચને ડુંગરે છૈયેં અમે.”

“બરડામાં નહિ ?”

“ના, બરડો તો ક્યાંય છેટો રહ્યો. આ તો આજ સવારે જ આલેચમાં ઊતર્યા.”

“આલેચનો મારગ કયો ?”

“આંહીંથી ભાણવડ આવશે. ને ત્યાંથી મારગ ડાબો મરડાશે. સીધા ‘હેડમ્બાને હીંચકે’ જઈ ઊભા રહેશો તમે.”

“તું કઈ બાજુ જાય છે, જુવાન ?”

“ખોટું કહું કે ખરું ?”

“ખરું કહીશ તો બક્ષિશ દેશું.”

“ત્યારે હું એ જ લાલચે આંહીં આંટા મારું છું. મુઝફ્ફરશાના માણસો હોય તેને ખબર દેવા.”

“ઠીક, આ બાજુ જેટલા નીકળે તેટલાને આલેચને ડુંગરે જ રવાના કરીશ, દોસ્ત ?”

“કરું. હું પેટને ખાતર કહો તે કરું.”

“પેટમાં ઠંડક કરજે, આ લે.”

અશરફીઓના પાંચ સિક્કા એના હાથમાં સેરવીને પાંચ-દસ ઘોડેસવારો આગળ નીકળી ગયા. નાગને એટલી જ અબળખા રહી ગઈ કે અંધારે એની ખુશાલી જોનાર કોઈ હતું નહિ. એણે ઘોડે ચડીને માર્ગ મરડી લીધો. એ જૂઠું બોલ્યો હતો. મુઝફ્ફરને શોધવા નીકળેલા એ શત્રુઓ હતા, એ ખાતરી એને થઈ ચૂકી હતી. એણે પાદશાહી જાસૂસોને ટલ્લે ચડાવી દીધા. જીવનમાં સૌ પહેલી ચતુરાઈ સાબિત કર્યાની એ રાત્રિએ એને પિતાનો ટોંણો યાદ આવ્યો. માથું જોઈને વજીરે એને બેવકૂફ કહ્યો હતો. કાં તો બાપને જ મસ્તક-વિદ્યા ઊઠાં સુધી આવડતી હતી, અથવા તો પછી આજ રાતે એકાએક હુશિયારીની બારી આ ભેજામાં ઊઘડી ગઈ હતી ! પોતાની આ ચાતુરી ઉપર ખરેખરી શાબાશી કઈ ? પિતા તરફથી મળે તે ? અજાજી આપે તે ? ના, ના, બેમાંની કોઈ નહિ. એ શાબાશીનો એક જ બોલ જો તે દિવસવાળી ભૂચરા રજપૂતની છોકરી આપે તો જ પાકી પરીક્ષા આપી કહેવાય. પણ એ છોકરીને પૂછવા કાંઈ થોડું જ જવાય છે ? મોં તોડી લ્યે તો એની સાથે બાઝવા બેસાય નહિ, તેમ હવે તો એને અવળા હાથની એક અડબોત માર્યા વગર હાલ્યા પણ આવી શકાય નહિ. ખેર, જાવા દ્યોને વાત. પારકે પાદર ધ્રોળમાં જઈને કાંઈ કોકની છોકરીને લાપોટ મારી અવાય છે ? ક્યાંક સામી ખાઈ બેસીએ ! ઉપરાંત હડ્યમાં નાખે એ લટકામાં !

ડુંગરાળ મુલકમાંથી ભય પામતો પામતો બહાર નીકળીને સપાટ ભોં ઉપર નાગ વજીર નીકળી આવ્યો ત્યારે એણે ઘડીક સ્મશાનની કલ્પના કરાવતી તો ઘડીભર લશ્કરની છાવણીનો ભય દેખાડતી ઝાઝી બધી ધૂણીઓ દૂર ચેતાયેલી જોઈ. નજીક આવ્યો ત્યારે કેટલાંક કદાવર શરીર હાલતાંચાલતાં, ઊઠતાં ને બેસતાં દેખાયાં. બે-ત્રણ હાથીઓ અને બસો-પાંચસો ઘોડાં પણ બાંધેલાં લાગ્યાં, ધૂણીઓની પ્રભા થોડીક વાર જોર પર આવી જતી તો થોડીક વાર ઝાંખી પડતી હતી. નાગ વજીરના મનમાં ધ્રાસકો પડ્યો. મુગલ ફોજનો તો પડાવ નહિ હોય ? તો આંહીંથી સલામત નીકળવું મુશ્કિલ થશે. એણે ઘોડો જમણા હાથ તરફ મરડીને ચાલવા માંડ્યું. પણ તત્કાળ એણે ધૂણીઓવાળા પડાવમાં કાંઈક કોલાહલ, સામસામા તપતા બોલ અને વિગ્રહના પડકારા પણ સાંભળ્યા. સાંભળતાં જ એણે ઘોડો થોભાવી કાન માંડ્યા. વાર્તાલાપ સંભળાયો :

“તુમારા પડાવ દિખલાવ.”

“હાં હાં, ભાઈલોક, દેખ લો સબ પડાવ. એક ફક્ત હમારી દો મૈયાઓંકા ડેરા છોડ દો.”

“નહિ, તમામ દેખને હોગા.”

“તમામ કૌન દેખનેવાલા હૈ ! ક્યા તુમ અપને દેહ મેં તમામ જગહ દેખતે હૈ ? હંય ! તુમ શરીર કી અદબ કરતે હો કિ નાહિ ? હાં ? તો યે ભી અપના પરજા-શરીર હૈ, હમારા મૈયા લોગ કા પડાવ કી અંદબ કરનાં યહ અકબરશાહ કી ફોજ કા ધરમ હૈ.”

નાગે આ વાર્તાલાપમાં બે પ્રકારના સૂર સાંભળ્યા : એક બોલનારની વાણીમાં સંસ્કાર અને સમજાવટ હતી. મીઠી હિન્દી બાનીમાં વિચારધારા વહેતી હતી. સામા બોલનાર કંઠમાં સત્તાની તુમાખી હતી.

એણે કુતૂહલથી પોતાના રેવતને પડાવની નજીક લીધો. ફરી સવાલ-જવાબ સાંભળ્યા :

“તુમારે આગેવાન કહાં હૈ ?” તુમાખીભર્યો અવાજ તાડૂકતો હતો.

“યે દેખો, યહીં હી આ રહે હૈ.”

હાથીઓ ઝૂલતા હતા તે બાજુના ડેરાતંબૂમાંથી એક કદાવર દેહ ચાખડીએ ચડીને ઝૂલતો ઝૂલતો છૂટી જટાએ ચાલ્યો આવતો, નાગે મશાલોના પ્રકાશની વચ્ચે સ્પષ્ટીકારે દીઠો. જ્યાં તકરાર ચાલતી હતી ત્યાં જુદાજુદા બે દરવાજા જેવું ઊભું કરેલું હતું. એક દરવાજો પડાવની જુદી જ બાજુએ, થોડે દૂર અંધકારમાં ઊભેલી એક રાવટી તરફ જતો હતો. એ રાવટીનો માર્ગ રૂંધીને ઊભેલા એક સાધુની સાથે જ આ દાઢીઆળો ફોજી ઘોડેસવાર તુમાખી કરતો હતો. એની પાછળ બીજા પચીસેક સવારો હતા. મશાલો જેમ જેમ નજીક આવી તેમતેમ નાગને ઓળખાણ પડી કે ઘોડેસવારો મુગલાઈ પોશાકમાં હતા. તેમને આ જોગીઓના પડાવની જડતી લેવી હતી.

“શું મામલો છે, ભુવનભારથી ?” મહાકાય જોગીએ આવતાં આવતાં પેલા પહેરેગીર સાધુને ગંભીર અવાજે પ્રશ્ન કર્યો.

“જડતી લેવા માગે છે.” એમ કહી એ લાઠીધારી ચોકીદાર સાધુએ ગુરુજીને પેલા ઘોડેસવારો દેખાડ્યા.

“કૌન હો, ભાઈ, આપ લોક ?” ગુરુદેવે પરદેશીઓને પ્રશ્ન કર્યો ત્યારે એમની મુખમુદ્રા પર શત્રુને પણ મિષ્ટ લાગે તેવો પ્રભાવ રમતો હતો.

“એહમદાબાદના ફૌજીઓ છીએ. સરકારી બહારવટિયા મુઝફ્ફરને શોધીએ છીએ. તમામ પડાવો તપાસવાનો નવાબ ખાનખાનાનનો હુકમ છે.”

એમ કહીને ફોજના આગેવાને રુક્કો કાઢીને આ જમાતપતિ સામે ધર્યો.

“રુક્કાની કોઈ જરૂર નથી, અમે પણ મુગલ સરકારની જ રૈયત છીએ. અમારી ફરજ છે કે તપાસને આધીન થવું. તપાસી લો, કૌન મના કરે છે ?”

“પણ, ગુરુદેવ,” ભુવનભારથીએ આસ્તેથી જાણ કરી : “એ તો મૈયાની રાવટી પણ તપાસવા કહે છે. હું કહું છું કે આ વેળા નહિ બને, સવારે તપાસો. એ તો અત્યારે જ તપાસવાની જિદ્દ લઈ ઊભા છે.”

“હા–હા–હા–” ગુરુ હસ્યા : “હિન્દુઓ કરતાં તો મુસ્લિમોમાં બહેનોની ઇજ્જતના વિશેષ આગ્રહીઓ હોય છે, ખાં સાહેબ, ને નવાબ મિરજાખાનને જો ખબર થશે કે એની ફોજે અધરાતને સુમારે બાવાઓની રક્ષિતા એક બુઢ્‌ઢી મૈયાના નિવાસની જડતી લીધી છે, તો એ કેટલા ગુસ્સે થશે, જાણો છો ? હું જાણું છું. નવાબ તો મને પિછાને છે. અમારે અખાડે તો એમણે તાલીમ લીધી છે.”

દરમિયાન દૂર ઊભેલો નાગ ઘોડો ચલાવીને નજીક આવ્યો, મુગલ આગેવાનને મૂંઝવણમાં ને મૂંઝવણમાં ચુપ ઊભેલો જોઈને એણે તરત તક સાધી. એણે છેલ્લા ઊભેલા ઘોડેસવારને કાનમાં કહ્યું : “બેગ સા’બને આંહીં બોલાવો. હું ખબર લાવેલ છું.”

તકરાર કરતા આગેવાનને આ ખબર મળતાં જ એણે ઘોડો બહાર કાઢીને દૂર લીધો એટલે નાગે શુદ્ધ આગ્રાશાહી જબાનમાં કહ્યું : “આપ જેને શોધી રહ્યા છો તે આલેચના ડુંગરમાં ‘હેડમ્બાને હીંચકે’ પહોંચી ગયેલ છે.”

“તું કોણ છે ?”

“દોસ્ત છું. આ જુઓ.” એમ કહીને એણે આગળ ગયેલી ટુકડી પાસેથી મળેલી અશરફીઓ બતાવી સવિસ્તર વાત કરી.

“કયો મારગ ?”

“સીધો મારગ. ભાણવડ ગામથી રસ્તો મરડાશે. સીધા ‘હેડમ્બાને હીંચકે’ જઈ ઊભા રહેશો. તમારી રાહ જોઈને આગલી ટુકડી ભાણવડને વટાવ્યા પછી દીપડા-જર પાસે થોભશે.”

“તમને મળેલી ટુકડીનું વર્ણન આપો.” ફોજદારે લશ્કરી તોરથી કહ્યું. નાગનો જવાબ પણ એટલો જ શિસ્તબદ્ધ હતો.

“આગે બઢો ! પાછળ આવતાઓને ચેતવો.”

એટલું બોલીને ટુકડીનો આગેવાન જમાતપતિ પાસે આવી ‘માફ કરના’ કહી ચાલી નીકળ્યો.

સૌ ગયા બાદ એક સવારને ઊભેલો જોઈને જોગીઓ કુતૂહલ પામતા હતા ત્યાં તો નાગ ઘોડાને નજીક લાવ્યો. નીચે ઊતરીને એણે એ મહાકાય સંઘપતિની સામે અદબથી હાથ જોડીને શબ્દોચ્ચાર કર્યા તે જોઈ સાંભળીને ગુરુદેવ ચકિત થયા. પૂછ્યું : “અરે કૌન રે, ભાઈ ?” “વાસુકિ.”

“કૌન? બેટા વાસુકિ? આંહીં ક્યાંથી? મા ક્યા મિલ ગઈ તુઝકો, બચ્ચા ? આ, નજીક આ, બેટા !”

ગુરુદેવે એને બાથમાં લીધો.

“વાસુકિ ! ક્યા વાસુકિ ! યહાં કહાંસે આયા વાસુકિ ? દેખો તો, ભાઈ, વાસુકિ કૈસા મર્દ દિસતા હૈ ! જટાપટા ઉતાર કે દેખો કૈસી મરોડદાર કેશાવલી રખી હૈ ! બડા બાહોશ લડકા !”