સમરાંગણ/નિવેદન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
સમરાંગણ
નિવેદન
ઝવેરચંદ મેઘાણી
સમરાંગણ સોરઠી ઇતિહાસની ખમીરવંતી કથા →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


નિવેદન

બારેક વર્ષ પરની મારી એક નોંધપોથીમાં ‘'ભૂચર મોરી’ એ મથાળા નીચે, નીચે મુજબની થોડીક નોંધ છે:

જેસા વજીરની વહુ: થાન લબડે: લુગડાં ધોવામાં અડચણ: પવર ખંભે નાખેલ: નાગડો ધાવે પાછળ ઊભો ઊભો:
જામ: જેસા ડાડા, હી જોરાર કીંજે ઘરજી હુંદી?
જેસો: અંજા ઘા થીંદા ઈ અગીઆં ન્યારજા.
[તૂટેલ આઉવાળી ભેંસ, ગાય ‘જોરાર’ – ઝોળાળ – જેનાં આઉને ઝોળ પડી ગયો હોય.]

તે પછી જુદા જુદા વાર્તાકાર ભાઈઓ પાસેથી આ કિસ્સો સાંભળેલો ને ‘ભૂચર મોરી’ના યુદ્ધમાં એ જ નાગડો વજીર કેવો દીપ્યો તે જાણેલું. એટલી જ વિગતવાળું એ પાત્ર મારા અંતરમાંથી બાર વર્ષો થયાં અળગું થઈ શક્યું નહોતું. એ અને બીજું પાત્ર અજો જામ, જેના વિશેના આ ત્રણ દુહાઓ પણ મારી ઉપર કહી તે નોંધપોથીમાં છે:

અજમલિયો અલંગે, લાયો લાખાહર ધણી,
દંતશૂળ પગ દે, અંબાડી હણિયા અહર.

એક લાખણશી લોય, ભોં બીજી વીહળ ભણાં,
નાઠા તણી ને કોય, હોરી શત્રશલ-રાઉત !

અજમલિયો ઓટ, કડેડ્યો કેરાના ધણી,
ભડ નો ખમે ભારોટ, સાંઠો શત્રશલ-રાઉત.

આ વેળા હું ભૂચર મોરીનું સ્થળ જોવા ગયો. જોતાં લાગણી ઘાટી થઈ. અને મેં તત્કાલીન ઇતિહાસનાં આટલાં પુસ્તકો મેળવીને વાંચ્યાં: ‘મિરાતે સિકંદરી’, ‘મિરાતે અહમદી', ભગવાનલાલ સંપતરામનો  ‘સૌરાષ્ટ્ર દેશનો ઇતિહાસ’, કાઠિયાવાડ અને ગુજરાતના સર્વસંગ્રહ, ‘કચ્છનો ઇતિહાસ’, કૅપ્ટન બેલનો ‘હિસ્ટરી ઑફ કાઠિયાવાડ’, ‘વીભાવિલાસ’, ‘સોરઠી તવારીખ’. વાંચીને પછી તવારીખના ખોખામાં વાર્તા ઉતારી.

સતા જામ, જેસો વજીર, અજો જામ, નાગડો વજીર, ઇતમાદખાન, લોમો ખુમાણ, દૌલતખાન, નહનૂ મુઝફ્‌ફર, રજપૂત ભૂચર મોરી – એ બધી ઐતિહાસિક વ્યક્તિઓ છે. મુઝફ્‌ફર તો સંપૂર્ણ ઐતિહાસિક.

નાગડા વજીરની બાલ્યાવસ્થા અને મૃત્યુ વચ્ચેનો કલ્પના-સંભાર મેં ભર્યો છે. નાગડા જોગીઓની એક હજારની જમાત ‘ભૂચર મોરી’ના યુદ્ધમાં લડીને મરી છે એ ઇતિહાસમાન્ય હકીકત છે.

નાગડા વજીરનો દુહો પણ મારાં ટાંચણમાંથી જડ્યો છે:

જોયો જોમાણા તને કાબલિયે ઊંચો કરી
નાગડા ! ભીમકના ! તારું ધડ પાડિયું આવટ-ધડે.

વજીર અને વજીરાણીના સંસારનું આલેખન એ મારી કલ્પના છે. રાજુલ અને સરાણિયણ બાઈ પણ મારાં કલ્પના-સંતાનો.

લોમાની, દૌલતખાનની, તેમ જ રા’ ભારાની દગલબાજી ઇતિહાસમાં નોંધાયેલ છે. બેટ દ્વારકાના સવા કે સંગ્રામ વાઘેરનું સ્વાર્પણ ઇતિહાસભાખ્યું છે. સતા જામનું યુદ્ધમાંથી પલાયન ને અજા જામનું યુદ્ધ ગમન ઈતિહાસમાન્ય છે. સતા જામે પાછળથી મુગલો પાસેથી આવી સ્વમાનઘાતક શરતે નવાનગર પાછું મેળવ્યાનું ઇતિહાસમાં છે. નગરનું ઇસ્લામાબાદ બનવું એ પણ તવારીખમાં છે.

મુઝફ્‌ફરનો ધ્રોળને પાદર અસ્તરાથી આપઘાત એ તવારીખમાં છે.

‘વીભાવિલાસ’ નામનો નવાનગરના રાજકુલનો બિરદાઈ ગ્રંથ મેં જોયો છે. એ એક પ્રશસ્તિ-કાવ્ય છે. કાવ્યદૃષ્ટિએ આ કૃતિ અતિ ઊંચા પ્રકારની છે. પણ જામ સતાને ઊજળા ને ઊજળા જ બતાવનારી એમાંની લખાવટ દોષિત છે. અને ભૂચર મોરીના સંગ્રામમાં જામની જીત થઈ તથા કુંવર જસાજીને દિલ્હી તો કેવળ સમાધાન માટે મોકલ્યા એ તો  રમૂજની અવધિ છે. મારું તારણ ઇતિહાસના આધારોવાળું છે. એક દોષ મેં કર્યો છે. દેદાઓની દગાથી કતલ જામ સતાએ નહિ પણ એના પિતા રાવળ જામે કરેલી.

‘જોરારનો’વાળો કિસ્સો ઇતિહાસમાં નોંધાયેલો નથી પણ કંઠસ્થ કથાસાહિત્યમાં પ્રચલિત હોઈ જુનો લાગે છે.

‘ભૂચર મોરી’નું યુદ્ધાલેખન કરતાં બે પ્રાચીન ચિત્રોની તસ્વીરો *[૧] મને પૂરી પાડનાર શ્રી પચાણજીભાઈ વારા (જામનગર)નો હું અત્યંત આભારી છું.

રાણપુર: 28-4-’38
ઝવેરચંદ મેઘાણી
 


[બીજી આવૃત્તિ]

આ આવૃત્તિમાં હકીકતનો કશો ફેરફાર કરવો પડયો નથી, પણ લખાવટમાં સારી પેઠે સમારકામ કર્યું છે.

બોટાદઃ 2-2-’46
ઝ૦ મે૦
 
  1. * પાનાં 228-229.