સમરાંગણ/પરાજિત પર પ્રેમ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← વાય મુઝફ્ફરો ! સમરાંગણ
પરાજિત પર પ્રેમ
ઝવેરચંદ મેઘાણી
જોડી જડી →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


20
પરાજિત પર પ્રેમ

પાનીઢક અંગરખા પર ભેટ લપેટેલા એક વૃદ્ધ કેટલીક વાર સાંજરે નાગમતીના નિર્જન કિનારા પર આંટો મારતા અને એક છીપર પર બેસીને માછલાંને દાળિયા, મમરા, લોટની ગોળીઓ ખવરાવતા. તેની સાથે એક આધેડ સ્ત્રી આવતી.

“કાલ આઠમ હતી કે આજ છે, તેનો જોષીડાઓએ જડભરતોએ કેવો ગોટાળો કરી નાખ્યો ! હવે અમાસનું આજથી જ ચોક્કસ કરી રાખજે.” ડોસાએ તપી જઈને કહ્યું.

“હોં, બાપુ.” બાઈએ જવાબ દીધો.

“માછલાં પણ કેટલાં મોટાં થઈ ગયાં !” ડોસો નવાઈ બતાવતો હતો.

“દી જાય તેમ તેમ તો થાય જ ને, બાપુ !” બાઈ પણ નાના બાળકને ફોસલાવવા જેવો તાલ કરતી હતી. “મારા હાથનું ય ખાય છે તો ખરાં. એને બાપડાંને કાંઈ ખબર છે કે ખવરાવનારા હાથ બદલી ગયા ?” ડોસો વધુ ને વધુ બેવકૂફીની મોજ લેતો હતો.

“એ તો છોકરાં જેવાં અણસમજુ કહેવાય, બાપુ ! એને તો જે ખવરાવે તે પોતાનું.”

“છોકરાંનું ય એવું જ કે ? એવું હોય કાંઈ ? છોકરાં બોલી ન શકે, પણ હાથ વરતી જાય, હોં છોડી !”

પણ બુઢ્‌ઢો આ આધેડ બાઈને ‘છોડી’ કહેતો, કેમ કે એનો જન્મ જ બુઢ્‌ઢાના ઘરમાં બુઢ્‌ઢાની સાંભરણમાં થયેલો.

“તમારો હાથ પણ માછલાંને મીઠો લાગે છે. ખવરાવો, બાપુ, ખવરાવો; આપણાંય જ્યાં હશે ત્યાં એને ઈશ્વરનો હાથ ખવરાવશે.”

“લવ લવ કર મા.” બુઢ્‌ઢો ચિડાયો : “આપણાં ને ફાપણાંવાળી વાત શું વારેવારે કાઢીને ઊભી રે’છ ? તને કોણ ડાહી કરે છે ? આપણાંને આપવા કોઈ ઈશ્વર નવરો નથી.”

“કોઈક આવતું લાગે છે.”

“બીજું તે કોણ આ ડોસાને માટે નવરું હોય ?” બુઢ્‌ઢાએ આથમતાં સૂર્યકિરણો સામે આંખો પર હાથની છાજલી કરીને કહ્યું : “અજો કુંવર પગપાળા આવતા લાગે છે. ભેળું કોણ છે ? એક જ જણ લાગે છે. આજ રસાલો નથી લીધો ને શું ?”

“ઓલ્યો નવો જુવાન છે.”

“કિયો વળી નવો ?”

“હમણાં હમણાં કુંવરબાપુની સંગાથે એ તો હોય છે ને હોય છે. આપણી ડેલીએ કુંવરબાપુ પધારે છે ત્યારે એ હેઠળ રહીને બીજું કંઈ કરતો નથી, આપણી ભીંતે ચાકળા-ચંદરવાની ને ગાદલા-ગોદડાંની માંડ્ય છે એને જ મોં ફાડીને જોઈ રહે છે. પાણિયારાને માથે કોઈ કાળોતર પહેલાં નાગપાંચમના નાગલા આલેખેલા છે કંકુના, તે બસ, એને જોતા તો ધરાતો જ નથી. એક વાર મને પૂછતો’તો છાનોમાનો, કે વજીરાણી મા ક્યાં ગયાં છે ?”

“તારે કહેવું’તું ને, કે દુનિયા આખી શા સારુ અમારા ઘરની પંચાત કરવા ભેળી થાય છે ?”

“હું તો રોઈ પડી’તી !”

“ઘેલસાગરી ! લાજી નહિ કોકની આગળ રોઈ પડતાં ? રોઈએ શા સારુ ? કહીએ ને, કે એને પિયર પધાર્યા છે. માંદાં પડી ગિયાં છે, મરી ગિયાં છે, બળી ગિયાં છે, કૂવે લપસી ગિયાં છે, દરિયે ડૂબી ગયાં છે.”

“હું તો કહ્યા કરું છું કે દુવારકાંની જાત્રાએ ગયાં છે.”

ઓળખવું સહેલું છે કે આ વૃદ્ધ જેસા વજીર હતા, ને એ ચાલીસ વર્ષની ‘છોડી’ વજીરાણી જોમબાઈની નિત્યસંગાથી ઘરની દાસી હતી. તલવાર બાંધવી ત્યજી દીધાંને આજે વજીરને મહિનાઓ વીત્યા છે. સતા જામની સલામે એ મશાલટાણે મહાપ્રયત્ન જઈ આવે છે. આશાપરાનું દેરું ચડી શકાતું ન હોવાથી ચોકમાં ઊભાઊભા જ દર્શન કરી પાછા વળે છે. મહિનામાં ચાર દિવસના સંધ્યાકાળ ડોસો આંહીં નદીતીરે બરાબર એ જ સ્થાન પર વિતાવે છે, જે સ્થાને એની પત્ની રાજાનું અપમાન પામ્યાં હતાં, જે સ્થાને પત્નીએ કૈં વર્ષો સુધી સ્વહસ્તે પતિના મેલ ધોયા હતા.

કુંવર અજો જામ આવ્યા એટલે વૃદ્ધે ઊભા થવા યત્ન કર્યો.

“હાં, હાં, મારા સમ, બેઠા રહો. તકલીફ...”

“ના રે ના, એમ કાંઈ હું મરવા થોડો પડ્યો છું ?” ઊભા થઈને વૃદ્ધે કુંવરને રામરામ કીધા.

કુંવરનો સંગાથી પોતાની પીઠ દઈ સારી પેઠે દૂર ઊભો ઊભો નદીનાં હેઠવાસ નીરમાં માછલીઓની રમત જોતો હતો. સૂર્ય-કિરણોનાં પ્રતિબિંબોને કૂણીકૂણી કૂંપળો ગણવાના ભુલાવામાં પડેલી માછલીઓ મોઢાંની ઝાપટો મારતી હતી. ઊભોઊભો એ યુવાન કલ્પનાના દોરને કાળ-કૂપને તળિયે ઉતારતો ઉતારતો વિમાસતો હતો : શું આ નદીતીરના જ કોઈક સ્થાન પર, માનાં સ્તનપાન કરતો કરતો હું મોટો થયો હોઈશ ? આંહીં જ ક્યાંક માને ગાળ દેવાઈ હશે કે ? મહિનાના જે ચાર દિવસ બાપુ આંહીં બેસીને ગુજારે છે, તે દિવસો માની યાદગીરીના હતા. આખા ગામમાં અદબભેર બોલાતી એ ધર્મ-કથા હતી. બેટાને કાને એ વાત અનાયાસે પહોંચી હતી. ફોજના જુવાન જોદ્ધાઓ પિતાનાં સુખદુ:ખોની ચર્ચા દિલસોજ ભાવે કરતા હતા. એ વાતો ફક્ત અજા કુંવરની ગેરહાજરીમાં જ થતી. કેમ કે પોતાના બાપની બદનામી વજીરાણીની વાત સાથે એવી તો દુઃખદાયક રીતે જોડાઈ હતી, કે એ ચર્ચામાં ભાગીદાર બનવાની કુંવરની હામ નહોતી.

નાનપણનાં નિગૂઢ સંભારણાંને સંઘરતો આ નાગમતી-તટ ઘડીક ઘોડિયા સમો ને ઘડીક ચિતા સમો લાગતો રહ્યો. એ વહેતાં નીર વેદનાની વાત ભાખતાં હતાં. હરિયાળી ધ્રોની પાંદડીઓ પગને ગલીપચી કરતી હતી. પોતે ત્યાં ઊભો હતો – વર્તમાનની ગૌરવ-કલગી પહેરીને, પણ ભૂતકાળનો કપાળ-ડામ સહેતો રહેતો. આવી જ મિશ્ર લાગણીઓ યમુના-તીરે મુઝફ્ફરને અનુભવવી પડી હતી ને ! યમુનામૈયાની આશિષે મુઝફ્ફરના કલેજામાં મર્દાઈનો કોંટો ફૂટ્યો. મુઝફર તલસ્યો હતો થોડાક સાથીદાર જોદ્ધાઓના સાથને માટે, અભયની એક ઝંઝારૂપિણી ઊર્મિને માટે. મુઝફ્ફરે એકલા હાથે ગુજરાતનાં કબ્રસ્તાનમાં શબો બેઠાં કર્યા. દિલ્હીપતનો એ સમોવડિયો નીવડ્યો. અને શી ફિકર છે આજે એક વર્ષે પાછો એ પછડાયો તેની ? મોહરમ માસનો તેરમો ઉપવાસ (રોજો) મોંમાં જલતો હશે, અને કરાળ કાળ મોટા ખાનના ગાંડાતૂર એક સો ગજરાજોની પ્રલય-લીલા વચ્ચે ઘોડો ઘુમાવતો સાબરમતી-સુત નહનૂ પોતાની સરિત-મૈયાને સામે પાર કેવો સોહામણો લાગ્યો હશે એ શુક્રવારના સંધ્યા-તારાની આંખે જ ! ઓ મૈયા નાગમતી ! મને ય આપવો હોય તો આપજે, એવો જ સુંદર પરાજય.

જે વખતે આ એકલ યુવાન મુઝફ્ફરના વિચારો કરતો હતો, તે વખતે વજીર અને કુંવર વચ્ચે પણ મુઝફ્ફરની જ વાતો થતી હતી.  “ક્યાંથી ખેપિયો આવ્યો છે ?”

“ગોંડળને ગઢેથી.”

“સાવ ખરચીખૂટ ?”

“હા, અમીનખાને ફોસલાવી-પટાવી બે લાખ મેહમૂદી કઢાવી લીધી. હાં, આજ ફોજ ભેગી કરું છું, કાલ લાખમલાખનાં લશ્કરો ઊભાં કરું છું, એવી લાલચ દઈને લૂંટી લીધો. હવે કહે છે કે કોઈ ફોજ આપતું નથી.”

“ખેરડી કેમ ન ગયા ?”

“ગયા, પણ ‘લાવો નાણાં, લાવો નાણાં’વાળી જ વાત : હતાં તેટલાં કાઢી આપ્યાં.”

“હવે ?”

“આપણો આશરો માગે છે. કહેવરાવે છે કે હજુ ય મારા નામના સિક્કા પાડનારી ટંકશાળ ચલાવી રહેલા જામ માથે મને ઇતબાર છે.”

“તમે ગોંડળને ગઢ આંટો જઈ શકશો ?”

“શું જવાબ દઉં ? બાપુએ તો કહેરાવ્યું છે, કે ઓ અમારો બહોળો વંકો બરડો ડુંગર પડ્યો. પેસી જાવ.”

“બસ ત્યારે, બાપુએ શરણ આપ્યું છે એટલે તમે સ્નેહ કરી આવો. તમને ને મને મળવા ય એ ઝાઝા દિ’થી ઝંખે છે. આજ એ પાકો દુઃખી છે, પણ વીર છે. ગણી તો જુઓ, એનું તખત પડી ગયાં પછી પણ એ કેટલી લડાઈઓ લડતો રહ્યો છે. અમદાવાદ હાર ખાધી તો ખંભાત જઈને ઝૂઝ્યો. ખંભાતમાં માર ખાધો તો ક્યાં જાતો રાજપીપળાના ઝાંબા ડુંગરાઓમાં પહોંચ્યો. નર્મદાને ઓળંગીને સો-સો ગાઉ માથેથી પાછો ફોજ ભેડવી ભેડવીને રણમાં ઓરાણો, એ તે કેવો સમશેરબહાદુર હશે ? જોઈ આવો. મારી ને તમારી વતી તો ખાતરી આપી આવો, કે નાણું નહિ દઈ શકાય, પ્રાણ તો દઈ જાણશું.”

“મને અચરજ તો બાપુની થઈ છે.”

“શું ?” “કે બાપુએ એને બરડામાં રહેવાની રજા દીધી.”

“ઉદય થવાનો હશે અંતરમાં. ઉદય થવા બેસે ત્યારે કાંઈ વાર લાગે છે ? ઘોર અંધકારમાં જ તેજ-ફુવારા છૂટવા માંડે. નગરનો ય ઉદય થનારો હશે.”

“મને–ના–ના–” કુંવર કશુંક કહેતાં કહેતાં બોલ પાછા પી ગયા. એનું માથું ફક્ત હલ્યું.

“વિશ્વાસ રાખો, બાપા !” વૃદ્ધે ધોળાં ભવાં ફરકાવ્યાં. એનું લલાટ કરચળીઓને ખંખેરી નાખી આત્માની આરસી બની ગયું.