સમરાંગણ/બાપે તરછોડેલો

વિકિસ્રોતમાંથી
← જેસો વજીર સમરાંગણ
બાપે તરછોડેલો
ઝવેરચંદ મેઘાણી
ખૂંદાતી ગુજરાત →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


3
બાપે તરછોડેલો
.

બાળકને આંગળીએ વળગાડીને વજીરાણી જોમાંબાઈ વજીરના ઓરડામાં દાખલ થઈ. અને એણે છોકરાને કહ્યું : “જા જોઉં, તારા બાપુને હેત કર.”

જેસા વજીરે ઓરતના હાથે વળગેલા બાળક પર એક તીરછી નજર નાખીને પાછી આંખો પોતાની કમર તરફ ફેરવી લીધી. કમરબંધ ખોલીને ઢોલિયા માથે પડતો મૂક્યો. એમાંથી તમંચો બહાર કાઢ્યો.

“જો નાગ, રમકડું.” જોમાંબાઈ વજીરનું અતડું દિલ કળી ગયા. છતાં કારણ નહોતાં કલ્પી શક્યાં એટલે હજુ ય બેટાને બાપ તરફ  આગળ કરી રહ્યાં હતાં.

“એને મારી પાસેથી લઈ જાવ.” વજીરે પોતાના ખોળા સુધી લળતા આવેલ બાળકને ધીમેથી દૂર તરછોડ્યો.

“કોઈક દિવસ તો બોલાવો છોકરાને ! દરબારે શું પેટનાં જણ્યાં સાથે ગેલ કરવાની યે મનાઈ કરી છે ?” જોમબાઈ મોં હળવું રાખીને હસવા-હસાવવા મથ્યાં.

“છોકરાંને શું બોલાવવાં ? કયા સવાદે હેત કરવાં ?”

“કાં ?”

“જણ્યો છે કેવો રૂડો તે તો જુઓ ! કે દરબારનો ને ધણીનો જ વાંક કાઢશો ?”

“કેવો જણ્યો છે ? માથું જરાક મોટું છે, નાક થોડુંક બેસી ગયું છે. ને જડબાં જરીક આઘાપાછાં છે. તે તો મોટપણે ઘાટમાં આવી જશે. નમણાંને તો ક્યાં લેવા જાવાં ! કોઈનાં માગ્યાં થોડાં મળે છે ? જેવો છે તેવો એ છે તો આપણાં બેનાં પેટનો ને ?”

“જોરારનો તો કેવોક હોય ?” વજીરે બબડી વાક્ય પૂરું કર્યું.

વજીરાણી જોમાંબાઈ પથ્થરમાં કોતરાઈ ગઈ. એની આંખોનાં અમી પડદાની અંદર સમાયાં. વજીરે તમંચો સાફ કરવાને બહાને એની સામે જોવું છોડ્યું. ને બાળક નાગડો, બાપથી ધકેલાયેલો તેમજ માના પાલવ સુધી પહોંચી ન શકેલો, આધાર વગરનો ઊભો થઈ રહ્યો.

“ફરીથી કહો તો !” આ વેણનો વક્તા પોતાનો ભરથાર સિવાય ઓરડામાં બીજો કોઈ તો ત્યાં નથી ને, તેની ખાતરી જોમાંબાઈએ શોધી.

“ફરીથી શું કહેવું હતું ? વજીરે તમંચાનો ઘોડો ઉઘાડ-પાડ ઉઘાડ-પાડ કરતે કરતે કહ્યું : “જામ પોતે જોઈ ગયા, જામના ઘોડેસવારોએ રોનક કર્યું...”

“ને તમે સાંભળી જ રહ્યા ?”

"ત્યારે શું કજિયો કરવા બેસું ?”

"સતો જામ, બાપ ઊઠીને બોલ્યા ?”  “બોલે, રાજા છે, ધણી છે. આપણને પરદેશમાં સાથે લાવેલ છે. પાળક છે આપણા. ને આપણે હોઈએ એવાં કહે એમાં ગુસ્સો શો ?”

“ખમા જોગી !”

“મારે મેણાં નથી સાંભળવાં. પણ હવેથી એ છોકરાને મારી નજર સામે ન લાવતાં એટલું કહી રાખું . મને એ કદીય નથી ગમ્યો, ગમશે પણ નહિ. એ જાણે...”

નાગડાનો હાથ ઝાલીને હળવેહળવે પગલે ચાલી જતી માતા ભરથારના ‘એ જાણે...’ એટલા શબ્દો સાંભળ્યા પછી એકકાન થઈને ઓરડા બહાર આડશ લઈ ઊભી રહી. ને એણે પૂરું વેણ પકડ્યું : “મારા પેટનો જ નહિ !”

વજીરને વાળુ કરાવી, હાથ-મોં વિછળાવી, પંખો ઢાળી નીંદર કરાવ્યા પછી માતા બાળકની પથારી પાસે બેસી રહી. રાત ઝમઝમ કરતી હતી, વિચારો વેગે ચડતા હતા, દિન પૂર્વેના દિન અને માસ પૂર્વેના માસ માતાની યાદદાસ્તમાં ઊઘડ્યે જતા હતા. એ ધણીનો નહિ, તો પછી કોનો ? કોની મુખમુદ્રા નાગડાના મોં પર આલેખાણી છે ? કહો કહો, હે ભૂતકાળના સ્વામી ! મને વાવડ દ્યો.

ત્રણેક વર્ષ પૂર્વેની એક સાંજ ઉઘાડ પામે છે. નાગડાની જન્મરાત પહેલાંની જ એ સમી સાંજ. એ સાંજે હું ધણીનાં લૂગડાં ધોવા ગઈ હતી. પાણી ભરતેભરતે સીમાડા ગાજેલા સાંભળ્યા હતા. જોગીની જમાત ધૂન બાંધીને આવતી હતી. એક મંડળી ગગનગુંજિત સ્વરે પૂછતી હતી :

કહાં વસૈ ચંદા, કહાં વસૈ સૂર
કહાં વસૈ નાદ વ્યંદ કા મૂલ
કહાં ચડી હંસા પીવે પાની
ઊલટી સકતી ધરી કૂણ આની?

બીજી જમાત તેનો જવાબ વાળતી હતી :

અરધે વસૈ ચંદા, ઉરધે વસે સૂર
હિરદે વસૈ નાદ વ્યંદ કા મૂલ



ગિગનિ ચડી હંસા પીવે પાની
ઊલટી સકતી આપ ધરી આની

વધુ ઊંચા શોરથી પ્રશ્ન પુછાતો હતો :

કાયા મધિ કે લખ ચંદા
પહુ૫ મધિ કહાં વસૈ ગંધા
દૂધ મધે કહાં વસૈ ઘીવ
કાયા મધે કૈસે જીવ ?

અનહદમાં ઉત્તર અફળાતો હતો :

કાયા મધિ દો લખ ચંદા
પહુપ મધિ ચેતન ગંધા
દૂધ મધિ નિરંતર વસૈ ઘીવ
કાયા મધે સકલ વ્યાપી જીવ.

ગોરખ-મછંદરનો એ ગીત-બાંધ્યો જ્ઞાનાલાપ રટતા જતા એ લંગોટીભર નાગડા જોગીઓના કાન ફાટેલા હતા. કાનમાં કોઈને લોઢાની વાળી તો કોઈને સોનાની, કોઈને લીંબડાની સળીઓ તો કોઈને મોરપિચ્છની સળી લળકતી હતી. જોગીઓનાં રૂપ કરૂપ હતાં. જમાત દ્વારકાને જાત્રામાર્ગે હતી. મારી સુરતા જોગીના વરહા જૂથ પર લાગી રહી હતી. હું વિચારે ચડી હતી : ક્યાં હશે આની જનેતાઓ ? કયે હૈયે રજા આપી હશે ? કઈ નાદાનીએ રેઢા મેલ્યા હશે ! આ ધરતી-ઘૂમતાને ઘર નથી, દિશાઓ વિના વસ્તર નથી, ભસ્મ વિના શણગાર નથી, વિચાર વિચાર ને વિચાર વિના કોઈ આનંદ નથી, જ્ઞાન વિના રસ નથી.

એ કદરૂપા રૂપોમાં રમતું મન સૂતું તે પછી, અધરાતે નાગડો અવતર્યો, મા કે બાપ બેમાંથી એકેયનો આકાર એના મોઢા પર કેમ આલેખાયો નથી તેનો મર્મ માલૂમ પડ્યો. વાત કોઈ માનવાનું નથી. તલવારનો ખેલાડી વજીર વિચારનાં રહસ્યો નહિ વેધી શકે. ને નાગડો મારો, સગા બાપથી પણ હડધૂત, બીજા કોની પાસે સંઘરાશે ! એક દિવસ એ જમાત પાછી આવી. આ બાળકને પોતાનો વરતીને ઉપાડી તો નહિ જાય ?

માતાને હૈયે ઓચિંતી ફાળ પડી. એણે એક સોનાનું ચગદું ઘડાવ્યું. અંદર કોતરાવ્યા આટલા જ બોલ : ‘નવાનગરનો નાગડો વજીર’. માદળિયું કરીને નાગડાની ડોકમાં રોપ્યું.