સમરાંગણ/માનું પેટ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ચલો કિસમત ! સમરાંગણ
માનું પેટ
ઝવેરચંદ મેઘાણી
ઝવેરચંદ મેઘાણી - સાહિત્યજીવન →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


 બોલે છે : “અજાજી કુંવર, મારો દોસ્ત નાગડો, ને વજીર જેસાભાઈ: અલ્લાહ, એમનાં રૂહને શાંતિ આપજે. પરવરદિગાર, જામ સતાજી પર રહમ કરજે ! રહમ કરજે ! રહમ કરજે !” એમ બોલતાં બોલતાં એની બેય આંખો ભીંજાય છે ને એ બોલે છે: “રહીમ ! ઓ રહીમ ! હું પોતે જ કાં રહી ગયો! કયા તકદીરતાલને માટે?”

એટલું બોલીને એ એક ઊંડી ગુફામાં પેસી જાય છે.

એક દિવસ ઝાડીનાં સૂકાં પાંદમાં ખખડાટ થયો. ગુફાને મોઢે આવીને કોઈ બોલ્યું: “બહાર આવો, સાંઈ, એ તો હું રાવ ભારોજી છું.”

વૃદ્ધવેશી ફકીર બહાર નીકળ્યો. ચકળવકળ ચારેય તરફ જોયું. આવેલ આદમીને હસીને કહ્યું: “અ રે રે રે ! મુઝફ્ફરશા ! બહુ બીઓ છો ને? શું આંહીં તે હવે બીક રાખવાની હોય ! આંહીં તો માના પેટમાં હો એવા નિધડક રહો.”

“સંગ્રામજી પધાર્યા?” બીકણપણાના ટોંણાથી છણછણી ઊઠતી ખોપરીને કાબૂમાં રાખીને ફકીરે પહેલો જ સવાલ કર્યો.

"કોણ, સંગ્રામો વાઘેર?' કચ્છના રાજા રાવ ભારાજીએ સામે પૂછ્યું: “પધારે તે ક્યાંથી? મૂરખો માછીમાર તે માછીમાર જ રહ્યો.”

"પણ બન્યું શું?”

"બન્યું એવું કે તમારા શત્રુઓને ગંધ ન આવતી હોય તોયે આવી જાય. આઘોપાછો થઈ ગયો હોત તો ઠીક હતું. અને છેવટે મુગલ ફોજ આવી પહોંચી ત્યારે નાકબૂલ કરીને એકવાર તો કેદ પકડાઈ ગયો હોત તોપણ પાછળથી છટકી શક્યો હોત, પણ માછીમાર તે આખરે માછીમાર ! રાજનીતિ આવડે ક્યાંથી ?”

“એમણે શું કર્યું?”

"બાખડી પડ્યો. મુગલ ફોજ ભેળો.”

“પછી?”

"પછી વળી બીજું શું? ખાબોચિયું થોડું દરિયાને પહોંચે ?”

“ત્યારે?”  “ખપી ગયો.”

“અરરર? એનાં બાળબચ્ચાંનું વહાણ તો છૂટી ગયું હતું ને?”

"ક્યાંથી છૂટે? માછીમારોને એવી અક્કલ ક્યાંથી હોય?”

"ત્યારે ?”

"ત્યારે શું? એ તમામ મંડ્યાં લડવા ને કપાઈ ગયાં. ને તમારી ગોત કરવા સારુ મુગલોએ સંગ્રામનું ગામ જ આખું ગઢ સોતું સળગાવી દીધું.”

બુઢ્ઢો વેશધારી ફકીર બેઠોબેઠો 'ફાતીહા' પઢવા લાગ્યો. એ શું કરે છે તેની પૂરી ગતાગમ વગરના રાવ ભારોજી બોલતા જ રહ્યા: “બીજું તો ઠીક, પણ માછીમાર મુરખાએ મારું ઘર બતાવી દીધું હશે તો શું થશે? તામાં ને તામાં કહી પણ નાખ્યું હોય. એનાં કાંઈ ભરોસા થોડા ! રાજની રીત જાણે ક્યાંથી? લ્યો, ટપ કરતા મરી ગયા ! ભૂચર મોરીનું પણ ઈ જ થયું, હું જઈ ન શક્યો, નીકર લામાને અને દૌલતખાનને હું વીફરવા દેત નહિ, પણ મારાથી પહોંચાયું નહિ ને !”

ફાતીહા પઢીને ફકીરે આંખો લૂછી. પછી પૂછ્યું: “રાવ સાહેબ, હું ક્યાંઈક તમારા પર આફત ઉતારીશ. હું અહીંથી ખસી જાઉં તો કેમ?”

"ના રે ના, હું એ સોરઠવાળાઓ જેવી કે ઓખાના માછીમાર જેવો થોડો છું ! ને આંહીં તો મારા ધીણોધર ડુંગરામાં તો ભલેને મુંગલા આંટા મારે, પત્તો લાગે નહિ. આંહીં એનું એક ઘોડું-ગધેડુંય પહોંચે નહિ. ને જો માણસો આવે તો મારી ઝાડવે ઝાડવે ચોકી છે. એકએક હડસેલાના સાથી છે મુંગલા ઊંડી કોતરોમાં જઈ પડે તો હાડકુંય ન રહે. આંહીંથી બેટા તમને કાઢી જઈ શકે નહિ. આ તો માનું પેટ છે, સુલતાન !”

ફકીરવેશધારીને ફરી એકવાર આંહીં પોતાની અમ્મા યાદ આવી - ભદ્રના કિલ્લામાંની અમ્માની ચીસો યાદ આવી. ભદ્ર, અમદાવાદ, શેરખાન સાથેનું યુદ્ધ, અશ્વ, આગ્રા, યમુના તીર, આગ્રાથી ગુજરાત  પરની પોતાની કાળી કૂચ, વાંસવાડાનાં જંગલોએ પૂરાં પાડેલ માનવીઓ, સારુંય તકદીર નાટક ફરીફરી નજરે તરવર્યું. જાણે કે કોઈક સાધુ એની પેટીમાંના કાચ દ્વારા અંદરની તસ્વીરો ફેરવતો ફેરવતો દેખાડી રહ્યો હતો. અને બોલતો હતો: ‘ખેલ તમાશા દેખો ! ખેલ તમાશા દેખો !'

એ તમાશાની ચિત્રમાલાને વેરવિખેર કરતો રાવ ભારાજીનો બોલ પડ્યોઃ “ફરી વાર ફોજની જમાવટ કરશું, સુલતાન ! ફરી એકવાર આપણું મેદાન સર કરશું. તમે વિચાર કરો, બધો આધાર તમારી પાસે કેટલી મતા છે તેની ઉપર છે.”

“મતા ! રાવ સાહેબ ! મતા તો હવે ક્યાંથી હોય?”

“અરે શી વાત કરો છો, નાખી દીધા જેવી !”

“સાચું કહું છું. હતી તે બધી લોમાભાઈને ઘેર રહી.”

“તોપણ જર-જવાહિરાતો હશે ના?”

"કંઈ ન મળે.”

“તો કાંઈ વાંધો નહિ. મારું છે તે તમારું જ છે, મુઝફ્ફરશા. તમો નિરાંતવા રેજો. કચ્છને માનું પેટ સમજજો.”

“બીબી અને બચ્ચે ખુશીમાં છે?”

"હિલોળા કરે છે. નિરાંતવા રે'જો. હું જઈશ હવે.”

પાછા ચાલી નીકળેલા રા’ ભારાજીનું હૃદય એને ડંખ દેવા લાગ્યું. અરે જીવ ! આવે ટાણે નાણાંની વાત કાઢી? તારી અંદર કોઈક ચોર, કોઈક કળજુગનો વાસો કાં થવા દેછ? લોમો ને દૌલતખાન ખૂટ્યા, સતો જામ રણસંગ્રામમાંથી ભાગી નીકળ્યો, ને તુંય કાં ચીંથરાં ફાડવા લાગ્યો? અજો જામ, જેસો વજીર ને સંગ્રામ વાઘેર જેવા જેને માટે ખપી ગયા તે સ્વધર્મ શું તારો પણ નથી? તું ક્ષત્રિય નથી? જદુવંશી નથી?

જીવ અંદર બેઠોબેઠો અકળાતો હતો. જવાબ તો હૃદયને ન આપી, શક્યો, પણ. હિસાબ મૂકવા લાગ્યો. અજાજીએ, જેસો વજીરે ને સંગ્રામે શું મેળવ્યું? લોમો ને દોલતો શું હારી બેઠા? મેં મારે ઘેર મુઝફ્ફરાને સંઘરવાનો કોલ આપેલ તે વખત જુદો હતો. આજની વેળા છેક જુદી છે.  મારું કચ્છ, વાટકડીનું શિરામણ, મુગલોની સામે શું કરી શકશે? પતો લાગ્યો નથી ત્યાં સુધી તો ઠીક છે, પણ મારે માથે તગાદો થાય તો હું શું કરી શકીશ? મેં કાંઈ એવું તે થોડું જ માનેલું કોલ આપતી વખતે કે હું પ્રાણ દઈને ય પારકા ચોરની રક્ષા કરીશ? એ પણ ઠીક, પરંતુ પ્રાણ દીધ્યે આ થોડો બચી જવાનો? ને મારો વાલો તો પણ કેવો ! જર-ઝવેરાત બાબત પેટ જ ન આપ્યું. મને શું ગીગલો સમજતો હશે? સુલતાન જેવો સુલતાન થઈને શું માયા-મતા લીધા વિના નીકળ્યો હશે? જામ શું મતનો એને સંઘરવા તૈયાર થયો હશે ? અરે રામ ! માણસોનાં પેટ આખરની ઘડી સુધી પણ કેવાં મેલાં રહે છે !

પણ એક દિવસ ફરી વાર રા' ભારોજી ગુફાએ આવ્યા. એ માયાવી દોલતની વાત નીકળી ત્યારે મુઝફ્ફરશાહે હાથ જોડીને કહ્યું: "રાવ રાજા, આથી તો બહેતર છે કે તમે મને બંદૂકે દઈ દ્યો. મારાથી એ વાત સહેવાતી નથી.”

તે દિવસથી આ ડુંગરાઓમાં રા' ભારાનો અવરજવર ઓછો થયો અને થોડે દિવસે બિલકુલ બંધ થયો.

એમ કરતાં એક દિવસ પહાડોના કઠિયારાઓની ગુપ્ત વાતો મુઝફ્ફરને કાને પહોંચી કે નગરને માર્ગેથી કોઈ મુગલાઈ મહેમાનો ભુજમાં આવેલ છે. મુઝફ્ફરને રા’ ભારા તરફથી પણ ચેતવણી મળી. કે હાલનું રહેઠાણ મેલીને વધુ વંકા રહેઠાણમાં ચાલ્યા જાવ.

મુઝફ્ફર વધુ ઊંડાણમાં ઊતર્યો. ચાલ્યો જાય છે. ચાલ્યો જ જાય છે. એક દિવસે બપોરે એને ઘોડાની લાદની ગંધ આવવા લાગી. રાવના રક્ષકો પણ એનાથી અળગા થઈ ગયા. પોતે એકલો હતો. એકાકી એ ઊંડો ને ઊંડો ચાલ્યો. પણ ઘોડાની લાદની સોડમ એને છોડતી ન હતી. એ જાણે કે મુઝફ્ફરને ઓળખતી ઓળખતી શોધતી હતી.

આખરે સાંજ પડી હતી. ઊંડા કોતરમાં એ ભરાઈ બેઠો હતો. એકાદ તેતર બોલતું હતું. બહારથી એણે અવાજ સાંભળ્યો.

"બહાર આવો, મુઝફ્ફરશા, બહાર આવો. બીજું કોઈ નથી. હું  રા' ભારો તમને ગોતું છું. હું રાવ ભારમલજી ! બીજું કોઈ નથી આંહીં, બીઓ મા.”

‘બીજું કોઈ નથી. હું રા’ ભારો છું, બીઓ મા’ એ બોલના ત્રણ વારના હાકલાના જવાબમાં મુઝફ્ફર ગુપ્ત રહેઠાણ છોડીને બહાર નીકળ્યો. રાવ ભારોજી એને જોઈને ભેટી પડ્યા. ખૂબ હસ્યા.

“આટલા બધા બીના? એ તો બધા પાછા ચાલ્યાય ગયા. બીઓ છો શું?”

એને વાતોએ ચડાવી કોતરમાંથી બહાર કાઢ્યો. સહેજ અંધારું થઈ ગયું, અને એ અંધકારનું પેટ ચીરીને જ જાણે કે ઊઠેલા સો સૈનિકો. મુઝફ્ફરને ઘેરી વળ્યા.

“લ્યો આ તમારા ચોરને સંભાળી લ્યો, સરકાર !”

એટલું બોલીને રા' ભારોજી મુઝફ્ફર તરફ પીઠ વાળીને ઊભા રહ્યા.

“વફાદાર રાવ સાહેબ,” ફોજના આગેવાને રા’ ભારાને સલામ કરીને કહ્યું: “અહેસાન આપનો, મોરબી પગરણું આપ આવતી કાલે જ સંભાળી લેજો. લો આ રુક્કો.”

*

“ચુપ રો’, એય બદમાશ !” નગરને દરવાજે ચોકી કરતો મુસ્લિમ પહેરેગીર વાતો કરનાર વટેમાર્ગુને ચેતવતો હતોઃ “આનું નામ જામનગર નથી હવે, હવે તો ઇસ્લામાબાદ છે.”

“બહુ સારું, બાપા ! જમાદાર સાહેબ ! તમે કહો તેમ.” વટેમાર્ગુ જવાબ વાળીને ગામમાં જતો હતો. લોકોની જીભ પરથી નાગની મિટાવીને જામે પોતાનું નામધારી કરેલું જામનગર તે દિવસ (સન 1594માં) મુગલ સૂબાનું ઈસ્લામાબાદ બન્યું હતું. ત્યાં અકબરશાહના એક સૂબાની નિમણૂક થઈ હતી.

એક દિવસ ઇસ્લામાબાદની એક પાકી ઈમારતમાં કચ્છથી પાછી વળેલી ફોજનો પડાવ થયો. રાજકેદી મુઝફ્ફરને દિલ્હી પહોંચતો કરવા.  માટે પહેલો પડાવ ઇસ્લામાબાદમાં થયો હતો. પહેરેગીરોની ચોકી વચ્ચે વીંટળાઈને એકલો બેઠેલો મુઝફ્ફર કાન માંડીને ફોજી લોકોની વાત સાંભળતો હતોઃ

“કેમ જમાદાર, તમે આજ અમદાવાદ ચાલ્યા, તો અમે પાંચ દિન, પછી નીકળવાના.”

"કેમ?”

“હુકમ થઈ ગયો. ઇસ્લામાબાદ જામને પાછું સોંપાય છે. જામે તાબેદારી કબૂલી છે, ને સોરઠ માટે મુગલ સરકારની ફોજ જ્યાં જ્યાં ચડે ત્યાંત્યાં પછવાડે ફોજને અનાજ પહોંચતું કરવાની જામ સતાએ હા. પાડી છે.”

“રેવા દિયોને, મિયાં, સોરઠના રજપૂતોનો ઇતબાર કેવો હવે? સૂબા કાંઈ બેવકૂફ છે કે એમ ઇસ્લામાબાદ સોંપે?”

“ઇતબાર નથી, માટે તો જામનો નાનેરો છોકરો જસોજી એહમદાબાદ બાદશાહી ઓળમાં રહેવા આવે છે ને !”

કેદી મુઝફ્ફરે આ અહેવાલ કાનોકાન સાંભળ્યો, ને એનાં મોંમાં હસવું ન માયું. “વાહ ઇતબાર ! સોરઠી રજપૂતોનો ઇતબાર !”

પણ તત્કાળ એ નમાજમાં બેસી ગયો. એને પોતાનું દિલ ઝટ માલિક સાથે મિલાવવાની જરૂર પડી, પોતાની મશ્કરી એ પોતે જ ન સાંખી શક્યો.

*

કારતક મહિનો હતો. ઘઉંના તાજા ફૂટેલા કોંટાના ક્યારામાં ઊતરીને લાંબા સૂર કાઢતાં કુંજડાં દરિયાપારના દેશાટનની જાણે કે જગતને વાતો કહેતાં હતાં. ચાંદની રાત હતી. ધ્રોળનું જ પાદર હતું. મુઝફ્ફર રાવટીમાંથી બહાર નીકળીને ઊભો હતો. એની કલ્પના ચાંદનીમાં તરતી હતી. આ વેરાન પર થોડા જ મહિના પર હજારો જનોની હત્યા થઈ હતી. તોપોના ધુંવાધાર સળગ્યા હતા. આજે તો પાછાં લીલે ક્યારે કુંજડાં રમે છે. વાહ ખુદા ! તું રહીમ છે. એટલે જ  પૃથ્વી સળગી જઈને પાછી ફરી લીલી બને છે ને ! ધરતીના જખ્મોને આટલી ઝડપે રુઝવનાર માલિક ! કોણ કહે છે કે તું રહીમ નથી?

“જરા નમાજ પડી લઉં, જમાદાર સા’બ !” એણે પહેરેગીરની પરવાનગી માગી.

“જી.” જમાદાર પોતાના કેદીની સલૂકાઈ પર, એના મૃદુ મિષ્ટ બોલ પર ફિદા હતો. એણે મુઝ્ફ્ફરને રજા આપી. મુઝફ્ફર થોડે દૂર જઈને ખાડામાં બેઠો. ચાંદની હતી. કેદી દેખાતો હતો. વચ્ચેવચ્ચે એના શબ્દો સંભળાતા હતા: “રહીમ ! રહીમ ! ઓ. ખુદા ! તું કેવો રહીમ છે !”

કેમ બહુ વાર લાગી? હજુ કેમ ઊઠતો નથી? શું કરતો હશે બેવકૂફ !

પહેરેગીર બેઠેલા મુઝફ્ફર તરફ ગયો. એણે હાક મારી. સામો ખોંખારો પણ ન મળ્યો. એને ફાળ પડી. એ પાસે ગયો. એણે ભયંકર દૃશ્ય દીઠું.

મુઝફ્ફર નમાજમાં ઝૂક્યો હોય તે રીતે પૃથ્વી પર બેઉ હાથ ટેકવીને અને મસ્તક ધરતીને ખોળે રાખીને પડ્યો હતો. એના ગળાનો હરડિયો કપાયેલો હતો. લોહીઆળ એક અસ્તરો એની બાજુમાં પડ્યો હતો.

હથિયારહીન કરી નાખેલા રાજકેદીની પાસે છૂપો એ એક જ અસ્તરો હતો – વીસ વર્ષો પર એક સરાણિયણ બહેનનો દીધેલો જેણે આખરની પળે મુઝફ્ફરની ઇજ્જત બચાવી. પ્રભુ રહીમ હતો. ભૂચર મોરીના ટીંબા ઉપર તે વખતે ત્રણ સ્ત્રીઓ બેઠી હતી. ત્રણમાંથી જે એક અબોલ હતી, તે ફરી વાર બોલતી થઈને ગાતી હતી:

કાટેલી તેગને રે
ભરોસે હું તો ભવ હારી
રે હું તો ભવ હારી.

એ ગાનારી એક વારની સરાણિયણ હતી. એક વારની રાજપુત્રી  હતી. તે રાત્રિએ ગાંડી હતી. એના સાથમાં એક વૃદ્ધા હતી, ને એક યુવતી હતી. ભૂચર મોરીને ટીંબે ફરી વાર એક ઝૂંપડી ખડી થઈ હતી તેમાં એ ત્રણેય રહેતી હતી. રોતી હતી ને ગાતી હતી.