સમરાંગણ/સુરાપુરાનો સાથ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સમરાંગણને માર્ગે સમરાંગણ
સુરાપુરાનો સાથ
ઝવેરચંદ મેઘાણી
ચલો કિસમત ! →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


32
સુરાપુરાનો સાથ

“એક પહોર તો લડાઈ ચાલી ચૂકી હશે.”

“કહેવાય નહિ. લડાઈ મુદ્દલેય ન ચાલી હોય. સૂબો સુલેહ માગે તેવા જ બધા સંજોગો છે. એનું લાવલશ્કર થોડું છે, ને એની હામ ભાંગી જાય તેવી આપણી સમદર-ફોજ છે.”

“કાસદ હવે તો આવવો જોઈએ.”

"સીમાડે ખેપટ ઊડે છે.”

મુઝફ્ફર અને અજોજી નગરના ઊંચામાં ઊંચા સ્થાન પર બેઠાબેઠા યુદ્ધના સમાચારની વાટ જોતા હતા. શ્રાવણ વદ સાતમ ને બુધવારનો બીજો પહોર ચડતો હતો. ચકલાં ને કાગડાં પોતાની ભીંજાએલી પાંખો સૂકવતાં-સૂકવતાં નવી પેદા થયેલી જીવાતને ચણતાં હતાં.

“અસવાર એકલો નથી. દસેક જણ લાગે છે.” અજાજીએ કેડા ઉપર ઝીણી નજર કરીને કહ્યું.

“પાદશાહી ફોજ તો ન હોય ?” મુઝફ્ફરને વહેમ પડ્યો.

અજાજીએ બંદુકના સૂચક ભડાકા કરીને નગરનો દરવાજો બીડી, દેવા હુકમ આપ્યો, સૈનિકોને રણભેરી બજાવીને ચેતાવી દીધા ને પોતે ગઢના બુરજ પર જઈ મોરચામાંથી જોતા ઊભા. ઘોડેસવારો વધુ નજીક  આવ્યા. તેમનો નેજો પરખાણો. આ તો નગરનો જ નેજો. પણ આ વચલે ઘોડે બેઠેલો આદમી કોણ છે ? વજીરોમાંથી કોઈક ? કોઈ સખીઆતી ? અરે, ના રે ના, આ શું ? આ તો બાપુ પોતે જ...” એમ બોલતો કુંવર બુરજનાં ત્રણ પગથિયાં એકસામટાં છલાંગતો નીચે આવ્યો. દરવાણીએ પણ જામને ઓળખી દરવાજા ખોલ્યા.

“શું, બાપુ જખ્મી થયા ?” અજાજીને અમંગલ વિચાર આવ્યો. પણ આવતા પિતાના દેહ પર ક્યાંય લોહી ન દીઠું, ન કોઈ માંદગી માલૂમ પડી. અંદર પ્રવેશ કરીને પળ પણ થોભ્યા વગર જામ સતાજી ગઢમાં ચડી ગયા, અજાજી પાછળ ગયા. સાથેના અસવારો ઊભા હતા તેમણે પોતાનાં માથાં નીચાં ઢાળ્યાં. કુંવર તેમને કશું જ પૂછવાની હિંમત કર્યા વગર પિતા પાસે પહોંચ્યા. જતાંવેંત જ બાપુએ શ્વાસભેર કહ્યું : “રાણીવાસને –સાબદો – કરો. બાળબચ્ચાંને – તૈયાર કરો – મુઝફ્ફરશાને કહો. ઝટ ભાગવા માંડે.”

“પણ શું થયું ?”

“લોમો ને દૌલતખાન – દગો રમ્યા. હરોલીમાં રહીને જ – ખરા ટાણે ખસી ગયા. પણ ફિકર – નથી – આપણું કટક લડે છે.”

“પણ આપ ?”

“હું સૌને – ઠેકાણે – કરી – દેવા –” સતાજીના શ્વાસ સમાતા નહોતા.

“અરે, બાપુ ! બાપુ ! મારા તીરથસ્થાન બાપુ ! આપ શું ગાભરા બન્યા ? આપ સતો જામ ઊઠીને સૌને ઠેકાણે પાડવા પાછા વળ્યા ? જુદ્ધમાંથી પાછા વળ્યા ? ઠેકાણે પાડવાનું શું છે ? બીજા ઠેકાણે પાડનારા ક્યાં ઓછા છે ? કોઈકની જોડે ખબર દીધા નહિ ને પાછાં પગલાં ? સતો જામ પારોઠનાં પગલાં ભરે ? દગાને ટાણે ?”

“કુંવર – મને – તમે – હમણે – કાંઈ – ઠપકો – મદિયો. મારો જીવ – જીવ હં – જીવ – સૌને ઠેકાણે – મુઝફ્ફરશાને – ઠેકાણે –”  “સારું, બાપુ, સારું.” કુંવરે કહ્યું : “આપ શ્વાસ હેઠો મૂકી લ્યો. આપના જીવનો ગભરાટ નમવા દ્યો. હું જાઉં છું, ને સૌને ઠેકાણે પાડવાનું કરું છું.”

“મને – મને – ઠેકાણે – ઠેકાણે.”

એ શબ્દો સાંભળ્યા – ન સાંભળ્યા કરીને અજો કુંવર દોટાદોટ મુઝફ્ફરશાહ પાસે પહોંચ્યો. શાંતિથી એનો પંજો ઝાલીને કહ્યું : “ભાઈ, કોલ આપો, કે દુભાશો નહિ ને મારું કહ્યું કર્યે જશો.”

“તમારા હર બોલનો હું ગુલામ છું. ફરમાવો, શું બન્યું છે ?”

“કાંઈ નથી. પિતાજીને આપની ફિકર થઈ પડી છે. આપણી ફોજ તો ફાંકડી લડાઈ કરે છે. પણ પિતાજીનો જીવ આપને માટે ભારી ગભરાય છે. આ૫ આંહીં હશો ત્યાં સુધી એને ચેન નહિ પડે માટે આપ કચ્છ-ભુજમાં પહોંચી જાવ. એ અમારું જ ઘર સમજજો. આંહીંથી ઓખામંડળ, ત્યાંથી વાઘેરરાજ સંગ્રામજી આપને ખાડીપાર કરશે.”

લોમો અને દૌલતખાન ખૂટ્યા છે તેનો શબ્દ પણ કુંવરે કહ્યો નહિ. એ જ પ્રહરે ઘોડવેલ તૈયાર થઈ. અજાજીએ મુઝફ્ફરશાને બાથમાં લીધો. “ભાઈ, માફી દેજો ! અમને સૌને, મારા પિતાને, સોરઠ દેશને ક્ષમા દેજો.” કહેતાં કહેતાં કુંવરનો કંઠ ગદ્‌ગદ્ થયો. લોમો, દૌલતખાન અને પોતાનો જ પિતા એની આંખોમાં જળજળિયાં ભરી રહ્યા હતાં.

“માફી કે અહેસાન? ઓ દોસ્ત !” મુઝફરે યુદ્ધના મામલાની અજ્ઞાત દશામાં જવાબ દીધો: “સોરઠની ઈમાનદારી પરનો મારો છેક બચપણનો ઇતબાર તો આજે સફળ બન્યો, ભાઈ ! આપના બાપુના દિલમાં મારી કેટલી બધી ફિકર ! કેટલી એ ઇતબારની કીમત ! આટલા વાસ્તે જ દોડતા આવ્યા. ઓ હો હો !”

‘સોરઠની ઈમાનદારી’ એ શબ્દ, વિધાતાના કાતિલ કો કટાક્ષ-શો, મુઝફ્ફરના મોંમાંથી વારંવાર પડતો હતો ને કુંવરનું કાળજું કાપતો હતો. પણ એનો કોઈ જવાબ નહોતો.

“બોલ્યાં-ચાલ્યાં માફ, ભાઈ ! સુલતાન ! ફરી કોણ જાણે –”  “અરે, જન્નતમાં તો મળીશું ! ત્યાં તો અકબરની ફોજો નથી ને ?” ને એ રવાના થતી ઘોડવેલમાંથી એક બાળક મુઝફ્ફરના હાથમાં ઊભોઊભો હાથ ઉછાળી રહ્યો હતો : મુઝફ્ફર એના વતી કહેતો હતો : “મામુને સલામ ! મામુજાનને સલામ !”

મહેમાનોને વળાવ્યા પછી ફક્ત બખ્તર પહેરવામાં, માથે ઝળપવાળો ટોપ મૂકવામાં, હથિયાર સજવામાં ને ઘોડા પર જીન માંડવામાં જેટલી વેળા લાગે તેથી વિશેષ ન લાગી, ને અજોજી પોતાના અઢીસો અસવારે બહાર નીકળ્યા. પાછળનાઓને શહેરની બનતી સર્વ સંભાળ રાખવાની ભલામણ કરી પોતે ધ્રોળને કેડે પડ્યા. પિતાને પણ મોઢે ન થયા. રસ્તે એને એક જ વિચાર આવતો હતો : ‘માનવી કેટલો પામર છે ! પહાડના ટૂક સમાં પુરુષમાંથી રામ ગયે બાકી શું રહે છે ? મુરદું ! હા ! હા ! પિતા બિચારા ! લલાટે લખ્યાં મીનમેખ ન થયાં આખરે.’ એને સ્મરણ થયું : એક દિવસ સરાણિયણ બાઈ ગાતી હતી :

કાટેલી તેગને રે,
ભરોસે હું તો ભવ હારી...

કરવતરૂપે માથા પર ફરતા વાદળિયા તડકામાં જામની પાછલી ફોજે નગરને માર્ગેથી નેજો પાછો ફરકતો આવતો દીઠો. ભૂચર મોરીના મેદાનમાં તે વખતે પડકારા, કિકિયારા, ભલકારા ને દેકારા ઊઠતા હતા. ધુંવાધાર જંબૂરા, કોકબાણ અને તોપો ચાલતાં હતાં. હાથી ને ઘોડા પટકાતા હતા. ધૂંવાના ધુમ્મસને ભેદીને અંદર પેસતો કુંવર શું ભાળતો હતો ?

એક પણ પીઠ ફરતી નહોતી. એક પણ ઘોડો ભાગતો નહોતો. હજારો જોદ્ધાઓની જાણે વાટ્યો વણાઈ ગઈ હતી. શિસ્ત ક્યાંક તૂટતી નહોતી. પગ પાછા હટતા નહોતા. લલકાર કરતો એકેએક નર આગળ કદમ માંડતો હતો.

ભૂચર મોરી ! ઓ રમ્ય ભૂચર મોરી !

“ઓ રિયા ભાણજી દલ – ઓ લડે ડાયા લાડક – ઓ આગળ  રિયા ભદ્રેસરના મહેરામણજી – ઓ હો હો ! મારો ગોપાળ ગઢવી તો એથી યે મોખરે ! – હું આવ્યો છું, આવી પહોંચ્યો છું, હોં મહેરામણજી ! મને મારગ આપો, ગોપાળ બારટ !”

"બાપા, તમે ? તમે બાપા ચંદેલીમાં રહો.”

“નહિ, બારટ. હું સૌની હરોલીએ, હું મારા ગુરુદેવની – પાસે – ઓ રહ્યા જેસા વજીર, ઓ જો લોહી તરબોળ ! ઓ ઝૂઝે એને જમણે પડખે મારો દફેદાર : મારું સ્થાન ત્યાં છે, મોખરે છે, કોકતલાશના હાથીની સન્મુખે છે. મારગ દિયો, મને મારગ દિયો, મને જરીક જેટલી જગ્યા દિયો – ને વચ્ચે કોણ ? આ નાગડા બાવાઓની જમાત ? વિણ બખ્તરે, વિણ કપડે લડે છે ? વિણ સ્વારથના આ સખિયાતો કોણે, પ્રભુએ મોકલ્યા ! ભલાં ભલાં ભલાં ! સુરાપુરાઓ, મારગ દ્યો, મને ભેળો લ્યો, મને મુંગલાના હાથીડા જોવા દિયો –”

એવી ત્રાડો મારતા કુંવર ઘોડાને આગળ કાઢતા કાઢતા એકદમ મોખરે આવી ગયા ને એણે પડકાર્યું : “જેસા વજીર ! દફેદાર !”

“આવી પોગ્યા, બાપા !” જેસાએ ધુમાડાના ગોટેગોટ વચ્ચેથી જવાબ દીધો : “આંખ્યું તો ગઈ છે મારી. દેખતો નથી. સાદ પારખું છું. હવે થોડી જ વાર છે.”

ભૂચર મોરી ! ભેંકાર ભૂચર મોરી !

ઝબાઝબી : ઝબાઝબી : ઝબાઝબી : આયુધોના એવા અવાજોની વચ્ચે, શબોના ઢગોની હડફેટે, ‘મળશું મળશું સુરાપુરાને દરબાર !’ એમ લલકારતો કુંવર પોતાના પ્યારા દોસ્ત દફેદારની ઘોડાની લગોલગ જઈ પહોંચ્યો : “દફેદાર ! દફેદાર ! રંગ દફેદાર !” કુંવરે એને શત્રુઓના હાથીઓનાં તૂંડ ભેદતો જોયો.

“દફેદાર નહિ બાપા.” જેસા વજીરે અર્ધઆંધળી દશામાં હાક દીધી : “તારો નાનપણનો ભાઈબંધુ નાગડો વજીર, જડી આવ્યો, જડી આવ્યો. મારે પડખે ઝૂઝતો એને પેટ ભરી જોયો છે. જોઈને પછી જ મેં આંખ્યું ખોઈ છે. તારો ભેરુ. તારો ભાઈ –”  ઝબાઝબ : ઝબાઝબ : ઝબાઝબ :

એ અવાજો ને હાકલા પડકારા વચ્ચેથી, અજો, નાગડો ને જેસો વજીર, ત્રણેય સૌથી મોખરે ઝૂઝતા હતા.

અજમાલિયો અલંગે
લાયો લાખાહાર ધણી
દંતશૂળ પગ દે
અંબાડી હણિયા અહર.

અજાએ ને નાગડાએ ઘોડા ઠેકાવી ઠેકાવીને મુગલ ફોજના હાથીઓને માથે ટેકવ્યા. અજાજીએ તો હાથીનાં દંતૂશળ પર પગ ટેકવી ટેકવીને ઊંચા થઈ મુગલ સરદારોનાં માથાં ઉડાવ્યાં. નાગડાનો ઘોડો કપાઈ ગયો. પહાડ જેટલા કદાવર નાગડાએ પગપાળા થઈને હાથીની અંબાડી સુધી તેગ પહોંચાડી. કોકતલાશથી બીજી પદવીના સરદારને, જેમ કોઈ પાકલ કેરીને વાંસડાની ઝોળીથી ઉતારી લ્યે તેમ તેગની પીછીથી ઉતારી ધૂળ ચાટતો કર્યો. આખરે એની તેગ પડી ગઈ. એ હાથની મુક્કાબાજી રમી હાહાકાર બોલાવતો ઘૂમ્યો અને પછી એ પડ્યો.

ભૂચર મોરી ! ધુંવાધાર ભૂચર મોરી !

*

વદ સાતમ ને બુધવારનો સૂરજ આથમી ગયો ત્યારે ધ્રોળના પાદરમાં મુગલ નેજો ફરકતો હતો. લોમા ખુમાણે અને દૌલત ગોરીએ દોસ્તોનાં શોણિતમાં ઝંડાને રંગ્યો હતો. પણ શત્રુઓએ મિત્રોની સાથે જ મરણસજાઈઓ કરી,ધરતીના ખોળાએ સંતાનો વચ્ચે ભેદ ન રાખ્યો. શરણાઈઓ ને નગારાંના ધ્રોંસા થંભી ગયા. કોકબાણ અને તોપોની ગર્જના જાણે કદીય આંહીં થઈ નહોતી તેવી શાંતિ !

ત્રણ સ્ત્રીઓ માથે માટલાં મૂકીને ડંકતા ઘાયલોમાં ફરતી હતી; ‘પાણી ! પાણી ! પાણી !’ ના જ્યાંથી અવાજો થતા ત્યાંત્યાં દોડતી હતી. એને ભેદ નહોતા શત્રુ કે મિત્રના : એણે નીર ટોયાં, મુગલ અને જામ બેઉના જોદ્ધાઓને. એનાં વસ્ત્રો કાળાં હતાં. એ નેત્રોમાં પાણી હતાં –  માટલામાં હતાં તેથી ઊલટી જાતનાં : ઊનાં પાણી.

મુખ્ય હતાં વજીરાણી જોમાબાઈ, બીજી હતી દીકરાની વહુ રાજુલ અને ત્રીજી હતી ગાંડી.

ત્રણેય ઓરતો દૂર થંભી રહી. એણે એક હાથી ઊભેલો જોયો. હાથીની અંબાડીમાં સુબાની લાશ હતી. હાથીના પગ પાસે એક લાંબુ મુરદું નીચે પડેલું હતું. વિજયી મુગલો રણક્ષેત્રને તપાસતા-તપાસતા એ મુરદું ઊભું કરતા હતા.

શબને ઊભું કરે છે ? શા માટે ?

શબને ઊંચું કરીને મુગલો હાથીની પાસે લાવ્યા. ઊંચો કરીને માપ્યો. આદમી હાથીની બરોબર થયો.

“બસ, આ જ સૂબેદાર કોકાનો મારનાર. એના સિવાય કોઈ પેદલ તો ઊંચી અંબાડીએ પહોંચી ન શકે.”

શબને પડતું મૂક્યું. શબ ધરણી પર ઢળી પડ્યું. વિજેતા મુગલો ખિજાઈને એ શબના મોંમાં ધૂળની ચપટી નાખતા ગયા. ત્રણેય ઓરતો એ કદાવર લાશની પાસે ગઈ. તારાઓના તેજમાં એ સૂતેલા નરને નિહાળ્યો.

“મારો નાગડો ! મારો જોરારનો ! ઓ સતા જામ, આ રિયો જોરારનો !”

વૃદ્ધાએ રણમેદાનમાં એવો ચિત્કાર કર્યો. એણે નીચે નમીને નાગની લાશ તપાસી. હાથના પંજા નહોતા. ઠૂંઠા હાથ અને ચામડીની ખોભળો ઊંચી ચડી ગયેલી. એકલાં હાડકાં દેખાય છે.

બાજુમાં એક હાથી મૂએલો પડ્યો છે. એના દેહમાં આ હૂંઠા હાથના મુક્કા-મારથી થયેલા હાથના જખ્મો છે.

“મારો જોરારનો,” ડોશી આવેશમાં ચડી ગઈ : “જુઓ રે બાઈયું, જોરારનાએ ઠૂંઠા હાથેય જુદ્ધ ખેલ્યાં. સતા જામ ! નગરના ધણી ! ક્યાં ગિયા તમે ? આ જોરારનાને એક વાર તો રંગ કહો !”

નજીકમાંથી એક ઘાયલે જોર કરીને માથું ઊંચક્યું ને પૂછ્યું :  “જોરારનો ! કોણ બોલે છે એ બોલ ? અઢાર સાલથી નગરમાં ચાલતી આ ગાળ આંહીં પણ કોણ ઉચ્ચારે છે ? હું – હું નેકપાક ઈસર બારોટનો બેટો ગોપાળ બારોટ અહીં બેઠે એ કોણ અપશબ્દ બોલે છે ? એ કોણ વગોવે છે જનની જોગમાયા જનેતાને ? એ કોણ હાંસી ખેલે છે મોતની સેજ-તળાઈમાં, બાપ ?”

વૃદ્ધ જોમાબાઈ એ બોલનારની પાસે ગયાં. પૂછ્યું : “તમે ગોપાળ બારોટ છો ?”

“હા, મા ! તમે કોણ છો ?”

“ગઢવા !” જોમબાઈએ કહ્યું : “હું જ એ હતભાગણી છું, જેના બાળને એ ગાળ દેતાં નવાનગરને ધણીએ મલકને શીખવ્યું છે. ગઢવા ! જરાક જમણે પડખે જુઓ, ત્યાં પડ્યો છે એ જોરારનો.”

“આ અંબાડીએ જાતો અહરાણને હણનાર એ કોણ છે, મા ?”

“મારો નાગડો. તમારા વજીરનો પુતર.”

“આંહીં ? વજીરનો બેટો નાગડો ? શું બોલો છો, મા ?”

"ગોપાળ બારોટ ! મારો જ એ નાગડો. કુંવરનો એ અંગરક્ષક દફેદાર. જોગીની જમાતે જાળવ્યો, તે જામની ગાળનો જવાબ આજ અઢાર વરસે દેવા માટે, મેં તો નથી ઓળખાવ્યો, પણ તમે જઈને કે’જો જગતને, કે જનેતાએ જાતેજાતે બીજું કાંઈ ઈનામ નથી માગ્યું, ગાળભેળ નથી દીધી, કડવો વિચાર પણ નથી કર્યો. માગી છે એક જ નાની મહેરબાની, કે આ જોરારનાને જગત જાણે ને કોઈની પણ જનેતાને ગાળ દેતાં પહેલાં વિચારે.”

“ખમા, મારી મા ! ખમા જોગમાયા !” ગોપાળ બારોટ બળ કરીને બેઠા થયા. “ખમા જનેતાને. નજરે જોયું છે આ પરદેશી દફેદારનું ધીંગાણું. કહીશ જગતને કે જનેતાના દૂધ અલેખે કદી જતાં નથી. કહીશ ખલકને કે જનેતાની હીણજો મા, નીકર જાતે દા’ડે વસમાં જવાબ જડશે. ને મા ! તારા નાગડાની કીર્તિ તો મુંગલાય ગાશે.”

“મુંગલાએ એના મૂએલા મોંમાં ધૂળ નાખી, બારોટજી !”  “વાહવા ! રૂડી મત સૂઝી મુંગલાને. ધરતી તારા નાગડાને ભળાવી મુંગલાએ.”

તે વખતે નજીકથી એક ઘેરો સ્વર ઊઠ્યો : “હેં , ધૂડ નાખી ! મોંમાં ધૂડ ! કોણ છે એ ? કોણ બોકાસાં નાખે છે ? કોનાં મોંમાં ધૂડ નાખી ?”

નિશાનના ઘોષ સમા એ માનવ-ગળાના અવાજને ઓળખીને જોમાબાઈ મુરદાંના ઢગ વચ્ચેથી એ બોલનારને ગોતવા માંડ્યાં. જડ્યો – ઓળખ્યો. ઘડી-બે ઘડીના મહેમાન પોતાના પતિ વજીર હતા.

પાસે બેસી જઈ પાણી ટોયું, માથે હાથ મૂક્યો, મરતા માણસે પૂછ્યું : “તમે કોણ છો ? હું આંખો વગરનો, ભાળી શકતો નથી. કોણ છો દયાળુ ? કોણ છો તમે ?”

“બીજું કોણ હોય ?” વૃદ્ધાએ ડૂસકાં ખાતેખાતે કહ્યું.

“હાં, હાં, ઓળખ્યાં – માફી દેજો, હોં ! નાગડો નિરાંતે પોઢ્યો છે ને ? અને કુંવર ક્યાં છે ? કુંવરને ભાળ્યા ?”

એ ટાણે એક ઘોડો ગોપાળ બારોટની ડંકતી કાયાની પાસે આવી ઊભો રહ્યો. બારોટે જોઈને કહ્યું : “દેવમુનિ ! મને તેડવા આવ્યા ? જગતમાં જીવતો જઈને હું જનની જોગમાયાની ગાળ ઉતારું તે માટે આવ્યા ? પણ બાપ ! હું તો જખમે વેતરાયેલ પડ્યો છું. ઊઠીને ચડવાની તો તાકાત નથી.” બેસી જઈને ઘોડો જાણે સમજ્યો હોય તેમ તેણે ગઢવીને પડખું દીધું. “રંગ દેવમુનિ !” કહીને બારોટ શરીરને કડે કરી ઘોડે પલાણ્યા. ઘોડો રણક્ષેત્રમાં જઈ મુરદે મુરદે જઈ ઠેરતો ગયો. છેલ્લે વજીર પાસે આવ્યો.

“ગોપાળ બારટ !” પડેલા વૃદ્ધ વજીર અવાજ પિછાનીને પૂછે છે : “તમે ક્યાંથી ? જીવતા છો ? કુંવર ક્યાં ?”

“હું રણથળમાં ઘૂમું છું. સૌને ગોતું છું. વજીર બાપા, કુંવર અજોજી તો ઘામાં ચકચૂર છે.”

“ઠીક તયેં, એક કામ કરોને – મને એના અંગની પિછોડી લાવીને ઓઢાડોને ! તો મારી ઝટ સદ્‌ગતિ થાય. ને ગોપાળ બારટ, પેટની બીજી  એક વાત : પરદેશી દફેદારની – મારા નાગની ઓરત રાજુલને કોઈ કનડે નહિ એમ ધ્રોળના ધણીને કહેજો.”

ગોપાળ બારટે કહ્યું : “બાપા, હું જનેતાની ગાળ નહિ ઉતારું તો સૂરજ ઊગશે કેમ ? ગંગા વહેશે કેમ ? મેરુ ઊભશે કેમ ? પણ હું જખમે વેતરાયેલ છું. કુંવરનું લૂગડું હું નહિ લઈ શકું. પણ માડી ! તમે ભેળાં હાલો, બતાવું.”

રાજુલ નાગના શબ પાસે બેઠી રહી. બીજી બે જણીઓ જઈને કુંવર અજાના શબ પાસે બેસી ગઈ. વૃદ્ધાએ એ અબોલ ઓરતના કાનમાં આટલું જ કહ્યું : “વારણાં લ્યો, કુંવરીબા ! આ એ જ છે.”

અબોલ ગાંડીએ લાશ પર હાથ ફેરવ્યો. અને કેટલાંય વર્ષો પછી આજ એને મોંયે રુદન ફૂટ્યું : “વીરા મારા હો...”

એને રડતી મૂકીને ડોશી અજાજીની પિછોડી લઈ વજીરના દેહ પાસે આવ્યાં. એણે પૂછ્યું : “હું ઓઢાડું ?”

“તમે, હા, તમે – જુઓને – તમે જ ઓઢાડતાં ઓઢાડતાં ભાગેલાં. – હેં – જુઓને –”

એટલું બોલીને પિછોડી ઓઢ્યા પછી વજીરનો પ્રાણ વછૂટી ગયો.

અધરાત પછીના ચંદ્રે આંખ ઉઘાડી ત્યારે પણ આ ત્રણેય ઓરતો વજીરના, નાગના ને અજાજીના શબ પાસે બેઠી હતી. એ ત્રણેયને ત્યાં જ બેઠેલી જોતાં જોતાં પ્રભાતના સુરજભાણ પણ આકાશે ચડ્યા અને વાયરા હુહુકારે બોલી ઊઠ્યા : ભૂચર મોરી ! ભૂચર મોરી ! ભૂચર મોરી !

[સંવતુ સોલ અડતાલીસે
સાવણ માસ ઉદાર,
જામ અજો સુરપુર ગયા
વદ સાતમ બુધવાર
જેસો, ડાયો, નાગડો,
મેરામણ દલ, ભાણ,અજમલ ભેળા આવટે
પાંચે જોધ પ્રમાણ.
આજમ કોકો મારિયા
સૂબા મન સાઈ,
દળ કેતાં ગારદ કરે
રણ ઘણ રચાઈ.

આ દોહા, ‘ભૂચર મોરી’ના ટીંબા પર ઊભેલા અત્યારના થાનકની અંદર અજા કુંવરની સમાધ-દેરીની દીવાલ પર કોતરાયેલા છે. ઊંચા ઓટા ઉપર કરેલી એ દેરીમાં બે ખાંભીઓ જોડાજોડ છે : એક ઘોડેસવાર અને એક સતીનો હાથ. અજા કુંવરનાં રાણી ત્યાં આવી સતી થયાં કહેવાય છે. દેરીની નીચે જમણા હાથ પર નાગડા વજીરની ખાંભી છે ને તેની બાજુમાં ચાર ખવાઈ ગયેલી ખાંભીઓ પછી પાંચમો ઊંચો પાળિયો નાગડા બાવાનો છે. જેના પરથી કરેલું ચિત્ર આ પુસ્તકમાં અન્યત્ર આપેલ છે. દેરીના ડાબા હાથ પર પણ ખાંભીઓ છે, ને આ વંડીબંધ કરી લીધેલા થાનકની બહાર ઊભેલા ઊંચા અણકોતર્યા પથ્થરો એ નાગડાઓના પાળિયા તરીકે ઓળખાય છે.

આ થાનકની નજીક એક ઊંચો હજીરો છે ને તેના ઉપર જાળના ઝાડની છાયામાં સાત કબરો છે. આ સ્થળ મુગલપક્ષેથી માર્યા જનારા મોટા સરદારોનું સ્મારક છે.

હજીરાની નૈઋત્ય બાજુ એક સ્થળ ‘મુંગલા મોરીનો ટીંબો’ નામે ઓળખાય છે.]
'ભૂચર મોરી' યુદ્ધનાં પ્રાચીન ચિત્રો : શ્રી પચાણજીભાઈ વારાના સૌજન્યથી