સમરાંગણ/‘ભૂચર મોરી’

વિકિસ્રોતમાંથી
← મા મળી સમરાંગણ
‘ભૂચર મોરી’
ઝવેરચંદ મેઘાણી
પહેલું ટીખળ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


26
ભૂચર મોરી

પળચર પંખણી જી, કે બાતાં યું કરે,
ભય તબ ભૂચરી જી, કે આગમ ઓચરે.

[‘વીભા-વિલાસ’]

જે પણ એને ‘ભૂચર મોરી’ કહેવામાં આવે છે. રાજકોટ અને જોડિયા વચ્ચે ચાલી જતી સડકને ડાબે કાંઠે એક ઊંચો ટીંબો છે. એને અગ્નિખૂણે ધ્રોળ નામનું ગામ છે. સામે નીચવાણમાં ગોળ ફરતાં હરિપુર, ખારવા, સોવલ, વાંકિયા, નથુવલા, ગરેડિયા અને માવાપર નામનાં ગામડાં છે. ‘ભૂચર મોરી’ના ટીંબાને જમણે હાથે બે ખેતરવા છેટે એક સેંજળ ઝરણું હાલ્યું જાય છે. આજે એ નદી-કાંઠાના નાળિયેરી અને આંબાનાં હરિયાળાં ઝાડવાંનાં જૂથ વચ્ચે ‘જેસલ પીર’ નામે ઓળખાતી સંત-સમાધ છે. ભૂચર મોરીના ટીંબાને ત્રણ પડખે પાંચ-પાંચ ગાઉનાં પલ્લામાં હજારો પ્રેતની વાસના-ઝાળોનો અગ્નિકુંડ હોય તેવું વેરાન છે. વેરાન અને લીલો કંજાર નદીતટ, નિર્જલતા અને નિત્યસજીવન નવાણ : મરુભોમ અને વનરાઈ : મોત અને જીવન : સ્મશાન અને સર્જનસ્થાન : આટલાં બધાં પડખોપડખ ? પૃથ્વીના હૈયા ઉપર પોષણ અને ભક્ષણની લીલા જોડાજોડ રમે છે. ભૂચર મોરી ! માનવાત્માના મૂર્તિમાન આવિષ્કાર ! રુધિર અને અમૃતનાં ઉત્પત્તિસ્થાન ! કારમાં ક્રોધની ભઠ્ઠી અને સુંવાળા પ્રેમનું જળાશય, બન્ને તારે અંતરે સંગાથે ખૂલે છે.

સવાત્રણસો વર્ષ પૂર્વેના વૈશાખની એક બપોર વેળાએ આ ટીંબા પાસે ચાલ્યા જતા એ ઝરણાને કાંઠે પોતાનું ગૌધણ અને ભેંસોનું ખાડુ ઘોળીને એક માલધારી સીમમાંથી પાછો ફર્યો, પશુઓને પાણી પાયાં અને પોતે હાથ-મોં ધોઈને દાઢીનાં પાણી લૂછતો કિનારે બેઠો.

એનું નામ ભૂચર મોરી. મૂળ ઓખામંડળમાંથી આવીને નવાનગર થઈ આંહીં આવેલો એ રજપૂત આપણને અજાણ્યો નથી. આ પડતર ટીંબાને સજીવન કરનાર એ પરદેશી માલધારી અને આ ટીંબો, બેઉ એક વરસમાં તો એટલાં એકરૂપ બની ગયાં હતાં કે માનવીઓએ આ સ્થાનનું નામ પાડી દીધું હતું ‘ભૂચર મોરીનો ટીંબો’. પછી તો ટીંબો અને ટીંબાવાસી માનવ વચ્ચેના જડ-ચેતન ભેદને, સ્થાવર-જંગમના ભેદને, તમામ ભેદને લોકો એટલી હદ સુધી ભૂલી ગયાં, કે ટીંબો ફક્ત ‘ભૂચર મોરી’ નામે જ ઓળખાતો થયો. માનવી અને વેરાન બન્ને એક જ શરીરનાં બે અરધિયાં બન્યાં; નહિ નહિ, માનવી જાણે કે પ્રાણ હતો ને વેરાન એની કાયાનું કલેવર હતું. પશુના માલિકો પોતાનાં ઢોરની સાથે વાતો કરે છે એ તો જાણીતું છે. પણ ભૂચરો રજપૂત તો નિર્જીવ-નિષ્પ્રાણ ટીંબાની સાથે છૂપી ગોઠડી કરતો હતો. પ્રભાતે ટીંબો ટાઢી હવાના બોલ બોલતો, ને બપોરે ધગધગતી લૂક એની વાચા બનતી. રાત્રિએ કાળો અંધકાર ટીંબાનો અવાજ હોય તેમ ઝમઝમ કરતો. ચોમાસે હરિયાળી ટીંબાની જબાન બની જતી. એ વેરાનનો શબ્દેશબ્દ સાંભળતો ને સમજતો ભૂચર પોતાને કોઈ બોલાવતું હોય તેમ હાથ, માથું ને જીભ ચલાવતો. કોઈક બોલાવતું હતું : "ભૂચર મોરી !”

“હં, શું કહો છો, ભૂચર મોરી !” માનવી જવાબ દેતો.

વેરાન પૂછતું : “રાજુલબાઈ રોટલા લઈને આવી ?”

“હમણો આવશે.”

“ભૂચર મોરી !”

“હું ભૂચર મોરી.”

“રાજુલબાઈને માથે તમે તપી કેમ જાવ છો હમણાં હમણાં ?”

“તપું નહિ તો શું મરું ?”

“કાં ?”

“દોહવા બેસું છું તયેં વાછરુ-પાડરુને ઝાલી રાખતી નથી.”

“તે દી નવેનગર તો હાથીની સામે ય મોટી ખડેલીને ઝાલીને માથે હેલ્ય લઈ આવી’તી તે યાદ છે ?”

“હા, યાદ છે. તે દીથી જ ભાન ભૂલીછ.”

“કારણ ?”

“રોટલો ક્યાં ખાય છે ?”

“કારણ ?”

“તું જાણ.”

“હું જાણું છું.”

“તો કહેને ભલો થઈને, ભાઈ.”

“એનો વિવા કર.” “વિવાનું નામ લે મા. હું વાત કાઢું કે રોઈ પડે છે. રજપૂતના છોકરા ઝૂંપડે ટોળે વળે છે. ભલભલા જુવાન નત્ય એની નજરે પાડું છું. પણ રાજુલ કહે છે કે એ એકેય નહિ. પૂછું કે ત્યારે કોણ ? તો જવાબ દ્યે છે કે આવશે, આવશે, એક દી એ આવશે.”

“કોણ આવશે ?”

“નામઠામ નથી દેતી.”

“તનેય ખબર નથી ?”

“ના, ખબર એટલી જ છે કે તે દી ગાંડા હાથીવાળો બનાવ નાગનીમાં બન્યો ત્યારથી ફટક્યું છે.”

“લે હવે છાનો મર. આ આવી રોટલો લઈને.”

“તુંયે છાનો મર, પાણા !”

રાજુલ દીકરી ભાત લઈને આવી. બાપ ખાવા બેઠો. બાપને જમાડીને દીકરીએ વાત કાઢી : “બાપુ, હાલો ક્યાંક બીજે. અહીં નથી રે’વું”

“કાં ?”

“બીક લાગે છે.”

“બીક ! તને બીક ? કોની બીક ? તું પોતે જ ડાકણ છો ને તને બીક કોની ?”

“આ ટીંબાની.”

“ક્યારથી લાગી ?”

“થોડા દીથી.”

“શું છે ?”

“બાપુ.” દીકરીએ ઘણીઘણી રકઝક પછી ભરમ ખોલ્યો : “રાતે તમે સૂઈ ગયા હો ને હું ધણને નદીકાંઠે પહર ચારતી હોઉં છું ત્યારે આ સામી ધારને માથે મને એવી કોઈક નવીન જાતનાં પંખી દીઠામાં આવે છે, કે જે મેં ક્યાંય કોઈ દી જોયાં નથી.”

“અરે મૂરખી,” બાપે છાશમાં તરબોળ મૂછો લૂછતાંલૂછતાં કહ્યું :  “વગડો છે, ધારોડ મુલક છે, સેંકડો ઢોરને ચારો કરવાનો લીલો નદી-આરો છે, ત્યાં ગીધ-ગરજાં જેવાં પંખી ન રહે ? તું તે આવી બીકણ કેદુની થઈ ગઈ ?”

“હું બીતી નથી. પણ એ પંખીને દેખીને આપણા ધણની ગાયો-ભેંસો ભાંભરડા દેવા માંડે છે. ઊઠીઊઠીને ભાગવા માંડે છે. એ પંખી ગીધ-ગરજાં જેવાં નથી હોતાં.”

“કેવાં હોય છે ? તારા જેવાં ?”

“કેટલાકનાં મોઢાં માણસ જેવાં, કેટલાકનાં બકરી જેવાં, બિલાડાં, કૂતરાં ને સાવઝ જેવાં, મોટા દાંત ને લાંબી ચાંચોવાળાં, વસમી, ભાષાવાળાં, હાથીને ઝાલીને આભ ઊડે તેવાં...”

“અરે રાખ રાખ, ગાંડી !” બાપ દીકરીને વારવા લાગ્યો. પણ રાજુલ તો સ્વપ્ન જોતી હોય તેમ બોલતી જ રહી : “કોઈ કાળાં, કોઈ પીળાં, કોઈ રાતાં, કોઈ પચરંગી, કોઈ નીલાં, કોઈ ચૂંચાં...”

“બસ કરી જા, ચસ્કેલ !”

“વિકરાળ રૂપ, વિકરાળ નખ, વિકરાળ દાંત, મોટી આંખો, મોટી પાંખો, નાનાં શરીર, નાના પગ અને – અને – અને બાપુ !..” એમ બોલતાં બોલતાં રાજુલની આંખોમાં પાણી આવી ગયાં.

“અને શું ?”

એક ઘોડાનો અસવાર પૂરાં હથિયાર-પડિયારે ધાર માથે ઊભો હોય છે, તેને આ પંખીઓ વીંટળાઈ વળે છે. અસવાર પોતાનાં અંગ છેદીછેદીને પંખીઓને નીરતો મને સાદ પાડે છે, કે રાજુલ, મને પાણી પા ! રાજુલ, મને છેલ્લી વારનું પાણી પિવાડ.”

“તું ઓળખછ અસવારને ?”

રાજુલે માથું હલાવ્યું.

“કોણ ?”

“નાગનીને નદીકાંઠે પોર જેણે મને હાથીના હલ્લામાંથી બચાવી લીધેલી એ જુવાન.” “પછી તે પાણી પાયું ?”

“હું માટલી લઈને એની પાસે જાઉં, એટલે એ કહે છે, કે રાજુલ તું તારા મોંયે એ પાણી પી ને પછી મને પિવરાવ.”

“તેં પીધું ?”

“હા, ને પછી પિવરાવ્યું. એ પાણી પીતો જ જાય, એની તરસ છીપે નહિ, માટલીમાંથી પાણી ખૂટે જ નહિ.”

“બાઈ, વાત પેટમાં રાખજે. આંહીં જો જાણ થશે તો દરબાર ઊભાં રહેવા નહિ આપે. ડાકણ્યાં કહી કહીને કાઢી મેલશે ને વસ્તી પાણકેપાણકે પીટી નાખશે.” બાપ આભો બની ગયો.

“બાપુ.” રાજુલ અગાઉ કોઈકોઈ વાર કહેતી : “હાલો આપણે નાગની વયાં જાયેં.”

“કેમ ?” બાપ હસ્યો : “વજીર બાપુ આટઆટલી વાર આંહીં આવીઆવીને રગરગી ગયા, કે હાલો નગર, હાલો નાગની, ત્યારે તો તું ને તું ના પાડતી’તી. ને હવે કેમ આપોઆપ હૈયું બદલી ગિયું ?”

“બદલી ગિયું, ધરાર બદલી ગિયું. હવે કાંઈ કે’વું છે તમારે ?”

મા વગરની દીકરીને નાનપણથી જ બાપની હારે એક પ્રકારની ભાઈબંધી થઈ ગઈ હતી. દીકરી જે વાતો જગતમાં એક જનેતા પાસે જ કહી શકે, તેવી વાતો કરવાનું ઠેકાણું રાજુલને એનો બાપ બની ગયો હતો. બાપ ઘણી વાર હાંસી પણ કરતો. દીકરી સામા જવાબો પણ હસીને જ દેતી. બાપ જ્યારે મેણું મારતો કે ‘આખો અવતાર મારે કપાળે જ જડાઈ રહી છો ?’ ત્યારે દીકરી જવાબ વાળતી કે ‘તયેં શા સારુ ફરી ઘર નથી કરી લેતા ? નવી મા આવશે એટલે મને ઝપાટામાં ભગાડી મૂકશે’. બેમાંથી કોઈ એકબીજાને છોડી જાય તેવું રહ્યું નહોતું. અને રાજુલે છેલ્લાં પાંચેક વરસથી સીમમાં એટલાએટલા જુવાન છોકરાઓને બડૂકબડૂકે ઢીબ્યા હતા, કે આ છોકરી કોઈ જેવા તેવા રજપૂતનું ઘર નહિ જ ચલાવી આપે એની બાપને ખાતરી થઈ હતી. ફક્ત મોટો ફેરફાર નાગની ગામથી થયો હતો. ત્યારથી એણે જુવાન કે મોટા મરદોથી  પોતાની જાતને છેટી પાડી દીધી હતી. કજિયાળો સ્વભાવ એણે ઓછો કર્યો હતો.

જેસા વજીર ધ્રોળ પાસેના નગરના સરહદી ગામ હડિયાણામાં વારંવાર આવતા-જતા, સીમાડાની ચોકી પાકી રાખવા માટે તેમને આવવું પડતું. હડિયાણે આવતા ત્યારે ત્યારે ભૂચરાની ઝૂંપડીએ આંટો મારી રાજુલની ખબર પૂછી જતા અને રાજુલને લલચાવતા.

“નાગની હાલ, બેટા, હવે અમે ગાંડા હાથીઓને મોકળા નહિ મૂકીએ.”

ભૂચરાને પણ વજીર પોતાની સાથે સીમાડા સુધી લઈ જઈને વાતવાતમાં કહેતો : “ભાઈ, તારી દીકરીના નસીબમાં સાચી સિપાઈગીરી કરનાર સિવાય કોઈ ખેડુ કે માલધારી રજપૂત સામશે નહિ.” વજીર આખરે એક એવા દિવસની વાટ જોતા કે જ્યારે પેલા અજાકુંવરના ‘પરદેશી’ જોદ્ધા માટે રાજુલનું માથું નાખી શકાય. પણ એ નામ રજૂ કરવાનું ટાણું પાક્યું નહોતું. વજીરને આ વાત હૈયા સમી થઈ પડી હતી. એ વાંકડી મૂછોવાળા ત્રીસ વર્ષના દફેદારનું વલણ પોતાના પ્રત્યે ઓછું તેમ જ કાંઈક અણગમાની છાંટવાળું હોવા છતાં વજીરને નહોતું સમજાતું કે પોતે શા કારણે એ છોકરાની સંસારી ચિંતા સેવ્યા કરતા હતા. કારણ જડતું નહોતું. એટલે પછી વજીર એમ વિચારીને દિલ મનાવતા હતા કે એવો બંકો ન ઠેકાણાસર વરે-પરણે તો મારા અજા જામને આંગણે તેજસ્વી સિપાઈગીરીનો વેલો ચાલે. અગાઉની આ બધી વાતોથી ભૂચરને થયું કે વજીર પાસે આ પંખીવાળી ઘટના કહી દેવી જોઈએ.

જોગાનુજોગ એવો બન્યો કે દ્વારકાથી વળી આવતી બાવાઓની જમાતે આ અરસામાં જ પોતાનો પડાવ ધ્રોળને પાદર નાખ્યો. જમાતપતિને મળવા આસપાસના રાજપુરુષો ધ્રોળ આવ્યા હતા. તેમને સૌને તેડાવીને જોગીવરે પોતાના મનની વાત બહાર પાડી. ધ્રોળના પાદરમાં છેલ્લાં ચાલીસ વર્ષની અંદર બે કારમા રણસંગ્રામો થયા : ઝાલા. અને જાડેજાઓના નજીવા કલહ-કારણે આ ભૂમિએ લોહી પીધું છે.  જસાજી અને રાયસંગજી, મામો ને ભાણેજ નગારાં બજાવવાની ધૂડ જેવી વાતની જિદ્દમાં પોતાનાં તો ઠીક પણ પોતાના હજારો રાજપૂતોનાં માથાં વધેરાવી ગયા. મરતો મરતો જાડેજો જસોજી પોતાના વેરની વસૂલાતનું બીજ સાહેબજી કચ્છવાળાના મનમાં વાવતો ગયો, તેને પરિણામે સાહેબજીએ કચ્છના સુભટો અને રાયસંગજીએ હળવદના શૂરવીર સિપાઈઓની જાદવાસ્થળી મચાવી મૂકી, તે પણ આંહીં ધ્રોળને પાદર. એ બન્ને બેવકૂફ રક્તપાતોનાં નિમિત્તે અમારાં બાવાઓનાં જ નગારાં બન્યાં છે. મારે આ ભૂમિનું કોપ-શમન કરવું છે. યજ્ઞ કરવામાં મને સૌ સોરઠિયાઓ સહાય આપો.

એ અરસામાં જ એક દિવસ ભૂચરાએ દીકરીને રોજ દેખાતા ભયંકર આગમની વાત ધ્રુજતે હૈયે જઈ જેસા વજીરની પાસે ખોલી નાખી. જેસા વજીરે ભૂચરને અને રાજુલબાઈને ભેળાં લઈ જોગીની પાસે એકાંત-ચર્ચા કરી. રાજુલને દીઠામાં આવેલાં આ ધાર પરનાં રાત્રિનાં દૃશ્યો વર્ણવી દેખાડ્યાં.

સાંભળી લઈને સાધુએ નિશ્વાસ નાખ્યો. “આ ધરતી હજુય તરસી છે. એનો ભરખ પૂરો થયો નથી. હજુ એને ખપ્પર ભરવું છે.” યોગીએ પ્રશ્ન મૂકી જોયા. રાત્રિની જ્યોતિર્માલા ઉકેલી. પાણીના વહેણ અને વાયુના પંથ તપાસ્યા અને એ તમામ વિદ્યાના આંકડા મૂકીને પછી એણે રાજદ્વારી સંજોગો જેસા વજીરની સાથે એકાંતે બેસી વિગતવાર ચર્ચ્યા. મુઝફ્ફરશાહનાં બાળબચ્ચાં નગરને આશરે હતાં : છેલ્લા સમાચાર ફરી મુઝફ્ફરની અમદાવાદ પરની ચડાઈના અને એ ચડાઈ નિષ્ફળ ગયાના હતા. ફરીથી મુઝફ્ફર સોરઠનો આશરો લેવા આવ્યા વગર રહેવાનો નથી : ને અકબર મુઝફ્ફરને કટકે ય મૂકવાનો નથી. આંહીં ફરી એક વાર સમર ખેલાશે. અને, જેસા વજીર ! આ કન્યા જે અસવારને રાત્રિકાળે પાણી પાય છે તે આખાય સમરાંગણનો સર્વોપરિ ‘સુરાપરો’ બનશે.

“મહારાજ,” જેસા વજીરે કહ્યું : “આપને જે અગમનિગમની  વિદ્યાએ સુઝાડ્યું છે, તે મને મારી આત્મસાક્ષીએ સૂઝી ચૂક્યું હતું.”

“પ્રારબ્ધ કોઈને છોડતું નથી, વૃદ્ધ સૈનિક !”

“મને એનો સંતાપ નથી, મહારાજ. સંતાપ હોય તો તે માત્ર એક જ છે. આજ સુધી નહોતો લાગ્યો, આજે લાગે છે.”

“વાત કરશો ?”

“આ નિસ્તેજ આંખો છેલ્લુકી વાર બિડાતી બિડાતી જો રણસંગ્રામમાં એક જ વાત જોઈ શકી હોત ને –”

“શું જોવાના મનોરથ હતા ?”

“જિંદગીભર જેણે સિપાઈગીરી જ ખેંચી છે, તેને બીજો તો શો મહાન મનોરથ હોય ? પેટનો બેટો ઝૂઝતો હોત, ને એને છાતીના ઘાવ ઝીલતો નિહાળી પ્રાણ છોડવાનું પ્રારબ્ધમાં લખ્યું હોત...”

વૃદ્ધ આંખોની સફેદ પાંપણો ધીરેધીરે પલળવા લાગી.

“તમે ઉગ્રભાગી છો, વજીર, કે તમને અંતકાળનો આવો કલ્યાણમૂર્તિ આદર્શ સૂઝે છે. તમે પિંડ દેનારો પામ્યા જ નથી એ મને ખબર નહોતી.”

“પામ્યો તો હતો.”

“ગુજરી ગયો ? બહુ વહેલાં ?”

“ના, ગુમ થયો છે.”

“ક્યારે ?” સાધુ ચમકી ઊઠ્યા.

“વર્ષો વીત્યાં. હું વીસરી પણ ગયો હતો.”

“ધારણા રાખો, વજીર બંધુ ! ભગવાન બડા કિરપાલુ છે. આંહીં નહિ તો અન્યત્ર પણ તમારા જ પિતૃત્વને ઉજાળતો હશે.”

“ના, ના, એવો એ નહોતો. એનામાં એવી કોઈ રતી જ નહોતી. ચિત્તભ્રમિત જેવો હતો. ક્યાંય રખડી-રવડી ખતમ થયો હશે.”

“કલ્યાણમયી તમારી જે સિપાઈગીરી, તેનું ફળ દુર્ગતિને પામે જ નહિ, જેસાભાઈ, પરમેશ્વરમાં વિશ્વાસ રાખો.”

‘દુર્ગતિને પામે નહિ' એ બોલથી વજીરના આસ્થાળુ હૃદયમાં એક  વાત ઘૂંટાવા લાગી. પેલો ‘પરદેશી’ દફેદાર વાસુકિ કેમ મારા દિલને ખેંચીખેંચીને પાછો ધક્કો મારે છે ? એ કોણ હશે ? મારા ઘરમાં તે દિવસ રાતે આવેલ ચોટ્ટા બાવા જેવો કાં લાગે ? મેં કહેલું તે મુજબ એ જુવાન જોગટો તો લશ્કરમાં નહિ રહી ગયો હોય ! એ ઘરમાં ‘મા ! મા !’ કરી ફરતો હતો તે જ રીતે મારું હૈયું એને ‘બેટા ! બેટા !’ કહેતું કેમ બોલાવી રહે છે ? એ અને હું એકબીજાને ગમતા નથી તોપણ મેં એને જ કેમ મારો વિશ્વાસુ બાતમીદાર બનાવ્યો હશે ? તોબા છે આ પ્રારબ્ધલીલાથી !