સમ્ભારણાં

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
સમ્ભારણાં
કેશવ હ. શેઠ
(ઢાળ : મલ્હારરાવ શહેરનો સૂબો ક્યારે આવશે રે! )


<poem>

કેવડિયે ગૂંથી છાબડી રે, છાબડિયે છલકતાં ફૂલ રે, માળીડા! એક જ ફૂલનું માગણું રે :

પિયુ વસ્યા પરદેશમાં રે, વ્હાલમને વ્હાલાં બકુલ રે, સ્નેહલ દે સમ્ભારણું રે.

માણેકઠારીને માંડવે રે, અમૃતના વરસાદ રે, ચાંદલિયા! એક જ બિન્દુનું માગણું રે

પિયુ વસ્યા પરદેશમાં રે, અધર સુધાને પ્રસાદરે ચાંદલિયા ! સ્નેહલ દે સમ્ભારણું રે.

કોકિલા વસન્ત કુંજમાં રે, પૂરતી પંચમ સૂર રે ઋતુરાણી! એક જ ગીતનું માંગણું રે:

પિયુ વસ્યા પરદેશમાં રે, સંગીત એનાં મધુર રે ઋતુરાણી! સ્નેહલ દે સમ્ભારણું રે.

ધરતી ઉન્હાળે ધીકતી રે; શીતળ ત્હારે સમીર રે, મહેરામણ ! એક જ લહરીનું માંગણું રે:

પિયુ વસ્યા પરદેશમાં રે, હૈયાની હુંફે લગીર રે! મહેરામણ ! સ્નેહલ દે સમ્ભારણું રે.


ભાદર ભર-પૂર ગાજતો રે, ચપળા કરે ચમકાર રે, મેઘલ મીઠા ! એક જ જ્યોતિનું માગણું રે :

પિયુ વસ્યા પરદેશમાં રે, ગૂંથવા દૃગેદૃગ તારા રે મેગહ્લ હો! સ્નેહલ દે સમ્ભારણું રે.

ફૂલડાં એ છલકાતી છાબડી રે, સ્મરણોએ છલાતું ઉર રે, સાહેલડી! છલકાતાં નિંદર સોણલા રે :

સ્મરણે જ સમ્યોગ સાંપડે રે, દિલના દિલાવર દૂર રે, સાહેલડી ! દર્શન વિણ દિન દોહ્યલા રે!

-૦-