સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો/અસહકાર
← રોલૅટ કાયદા સામેનું આંદોલન | સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો અસહકાર નરહરિ પરીખ |
મ્યુનિસિપાલિટી મારફત અસહકાર → |
.
૧૪
અસહકાર
લાહોર, અમૃતસરનાં રમખાણો પછી સરકારે પંજાબમાં કરેલા અત્યાચારોના સમાચાર દેશમાં જ્યારે ફેલાયા ત્યારે આખા દેશમાં ભારે પુણ્યપ્રકોપ પ્રગટ્યો. સરકારનાં જુલમી કૃત્યો સામે અવાજ ઉઠાવે એવા પંજાબના તમામ આગેવાનોને સરકારે પકડી લીધા હતા. એટલે કૉંગ્રેસે ઠરાવ કર્યો કે ત્યાં જઈ તપાસ કરવી. એ ઠરાવને અનુસરીને ત્યાં બધી પરિસ્થિતિ જોવા જવા ઇચ્છનારા મિ. એન્ડ્રૂઝ, પં○ માલવીયજી, પં○ મોતીલાલજી, દેશબંધુ દાસ વગેરેને પંજાબમાં દાખલ થવાની રજા છેક જુલાઈમાં મળી અને ગાંધીજીને તો છેક ઑક્ટોબરમાં મળી. ગાંધીજીને રજા મળી તેના થોડા જ દિવસ અગાઉ એટલે તા. ૧૪-૧૦-’૧૯ના રોજ લશ્કરી કાયદા દરમિયાન પંજાબના અમલદારોએ કરેલાં કૃત્ય વિષે તપાસ કરવા સરકાર તરફથી એક કમિટી નીમવામાં આવી. એ કમિટી તેના પ્રમુખ લૉર્ડ હંટરના નામ ઉપરથી હંટર કમિટી કહેવાય છે. પણ એ કમિટી નીમતાં પહેલાં વાઈસરૉયે અમલદારોને મુક્તિ આપનારો એક કાયદો પસાર કરીને કમિટીની સત્તાઓ મર્યાદિત કરી નાખી. એ કાયદાની મુખ્ય કલમનો સાર એ હતો કે, “૧૯૧૯ના માર્ચની તા. ૩૦મીએ અથવા ત્યાર પછી શુદ્ધ ઇરાદાથી અને તે કામ જરૂરનું હતું તેવી વાજબી સમજથી કોઈ અમલદારે તોફાન મટાડવા અને શાંતિ જાળવવાને સારુ જે કામ કર્યું હશે તે બાબતમાં તેની સામે દીવાની કે ફોજદારી કેસ કોઈ પણ કોર્ટમાં ચાલી શકશે નહીં.” બીજી એક કલમ એવી હતી કે, “કોઈ પણ માણસને માર્શલ લૉ દરમ્યાન સજા થઈ હશે તે સજા જ્યાં સુધી ગવર્નર અથવા તો તેના જેવા અધિકાર ભોગવતી બીજી કોઈ સત્તા રદ નહીં કરે ત્યાં સુધી કાયમ રહેશે.” બીજું, આ કમિટીમાં પાંચ ગોરા સભ્યો અને ત્રણ હિંદી સભ્યો હતા. કૉંગ્રેસની માગણી એવી હતી કે હિંદી સભ્યોમાં એક કૉંગ્રેસના પ્રતિનિધિને અને એક મુસ્લિમ લીગના પ્રતિનિધિને લેવા જોઈએ. પણ એ માગણી વાઈસરૉય સાહેબે નકારી. ત્રીજું, પંજાબના જે આગેવાનોને જેલમાં રાખવામાં આવ્યા હતા તેઓને જુબાની આપવા માટે લાવવામાં આવે એટલું જ નહીં પણ કમિટી આગળ પુરાવા રજૂ કરવા માટે વકીલ સાથે સલાહમસલત કરવાની તેમને પૂરી સગવડ આપવામાં આવે, એવી કૉંગ્રેસની માગણી હતી, તે પણ નકારવામાં આવી. મુખ્યત્વે આ અને બીજાં કેટલાંક કારણોને લીધે પંજાબમાં હંટર કમિટીનો કૉંગ્રેસ તરફથી બહિષ્કાર કરવામાં આવ્યો. પણ ત્યાંના અત્યાચારોની સત્તાવાર વિગતો દેશ આગળ રજૂ થવાની જરૂર હતી. એટલે કૉંગ્રેસે પં○ મોતીલાલ નેહરુ, દેશબંધુ દાસ, અબ્બાસ સાહેબ તૈયબજી, શ્રી જયકર અને ગાંધીજી તથા સેક્રેટરી તરીકે શ્રી કે. સન્તાનમ્ એટલાની એક તપાસસમિતિ નીમી.
પંજાબનું આ પ્રકરણ ચાલતું હતું તેની સાથે જ એક બીજો મહાન પ્રશ્ન દેશ આગળ ઊભો થયો હતો. યુરોપીય મહાયુદ્ધમાં તુર્કી જર્મનીના પક્ષમાં ભળ્યું હતું. તુર્કીનો સુલતાન ખલીફ કહેવાતો અને એ રીતે આખી ઈસ્લામી આલમનો તે ધર્મગુરુ ગણાતો તથા મુસલમાનોનાં પવિત્ર મનાતાં સ્થળો તેની હકૂમત નીચે જ રહેવાં જોઈએ એવી મુસલમાનોની માન્યતા હતી. હિંદુસ્તાનના મુસલમાનો પોતાના ખલીફ સામે લડતાં સંકોચ ન પામે તે ખાતર ઇંગ્લંડના વડા પ્રધાને સ્પષ્ટ વચનો આપેલાં કે અમારી જીત થયા પછી બીજા દુશ્મનોનું ગમે તે કરવામાં આવે પણ તુર્કીના સુલતાનની હકૂમત નીચેનો તમામ પ્રદેશ અમે અકબંધ રહેવા દઈશું. આમ છતાં એ વચનો આપ્યાં ને થોડા જ વખત પછી મુસલમાનોના દિલને ચોટ લાગે એવી બીના એ બહાર આવી કે જે વખતે એક તરફથી ઈંગ્લંડનો વડો પ્રધાન આવાં વચનો આપી રહ્યો હતો. તે જ વખતે પોતાના મળતિયા ઈટાલી, ગ્રીસ અને રશિયા સાથે ઈંગ્લંડ છૂપા કોલકરારમાં ઊતર્યું હતું જેમાં તુર્કીના સુલતાનની હકૂમત નીચેનો પ્રદેશ એ બધા દેશો વચ્ચે અમુક અમુક રીતે વહેંચી લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. યુરોપમાં આ છૂપા કોલકરારોની જાણ વહેલી થઈ હતી પણ સેન્સરશિપને લીધે હિંદુસ્તાનમાં તો છેક ૧૯૧૮ના એપ્રિલમાં જ્યારે એન્ડ્રૂઝ વિલાયતથી આ ખબર લાવ્યા ત્યારે જાણ થઈ. ગાંધીજીને વાઈસરૉય તરફથી યુદ્ધ પરિષદમાં ભાગ લેવાનું આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે બીજા કારણોની સાથે આ કારણે પણ ભાગ લેવાની બાબતમાં પોતાની મુશ્કેલી તેમણે જણાવી. વાઈસરૉયે ગાંધીજી આગળ એવી દલીલ કરી કે આ બધી તો છાપાંની વાત છે. બ્રિટિશ પ્રધાનમંડળને શું કહેવાનું છે એ સાંભળ્યા કે જાણ્યા વિના એ ખરી છે એમ કેમ મનાય? વાઈસરૉયની આ દલીલ ગાંધીજીને વાજબી લાગી અને તેમણે લશ્કરભરતીમાં મદદ કરવાનું સ્વીકાર્યુ. પણ યુદ્ધ પૂરું થયા પછી જે સુલેહની શરતો થઈ તે મુજબ તુર્કીના સુલતાનની હકુમત નીચેના પ્રદેશની વહેંચણી થઈ ત્યારે મુસલમાનોને ચોક્કસ લાગ્યું કે ખલીફની હકૂમત એટલે કે ખિલાફતની બાબતમાં આપણી સાથે વચનભંગ અને દગો થયા છે. પોતાના દેશબાંધવ મુસલમાનોને તેમની આફતને સમયે મદદ કરવી જ જોઈએ એમ વિચારીને ખિલાફતના પ્રશ્નમાં એમની સાથે ગાંધીજી પૂરેપૂરા ભળ્યા. ૧૯૨૦ના માર્ચમાં મુસ્લિમ ઉલેમાઓની સભામાં ગાંધીજી ગયા હતા ત્યાં આના ઉપાયનો વિચાર કરતાં કરતાં ગાંધીજીને એકાએક સ્ફૂરી આવ્યું કે ખિલાફતની બાબતમાં મુસલમાનોને ન્યાય ન મળે ત્યાં સુધી સરકારને રાજ્ય ચલાવવામાં મદદ ન કરવી જોઈએ. પહેલાં તો એમને અંગ્રેજી શબ્દ ‘નૉન-કોઆપરેશન’ સૂઝેલો. તે ઉપરથી ગુજરાતીમાં ‘અસહકાર’ શબ્દ એમણે જ બનાવ્યો. ખિલાફતને અંગેની સભાઓમાં ધીમે ધીમે એ વિચારને ખીલવ્યો અને તેની વિગતો આપતા ગયા.
તા. ૨૬-૫-’૨૦ના રોજ હંટર કમિટીનો રિપોર્ટ અને તેની ભલામણો ઉપર સરકારી ઠરાવ બહાર પડ્યા. ગાંધીજીની સત્યાગ્રહની તથા કાયદાના સવિનય ભંગની હિલચાલથી લોકોની કાયદાને માન આપવાની વૃત્તિ શિથિલ થઈ અને તેને લીધે તોફાનો થયાં એ જાતના હંટર કમિટીના નિર્ણયમાં ગોરા સભ્યોની સાથે હિંદી સભ્યો સંમત થયા પણ બીજી બધી બાબતોમાં ગોરા સભ્યોથી એઓ છૂટા પડ્યા. હિંદી સભ્યોએ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો કે તોફાનોને બળવો ધારી માર્શલ લૉ ચાલુ કરવામાં પંજાબની સરકારે ભૂલ કરી હતી અને માર્શલ લૉમાં જે જુલમો કર્યા તે અમાનુષી અને હિંદી પ્રજાનું અપમાન કરનારા હતા. છતાં આ બાબત ઉપર હિંદી સરકારે જે ઠરાવ બહાર પાડ્યો તે તો ચોખ્ખો આખી વસ્તુનો ઢાંકપિછોડો કરનારો હતો. પંજાબના અમાનુષી અત્યાચારો પાછળ મૂળ જેનો હાથ હતો તે પંજાબના લેફ્ટનન્ટ ગવર્નર સર માઈકલ ઓડવાયર વિષે ઠરાવમાં જણાવ્યું કે તેણે જે ભારે શક્તિ અને હિંમતથી મહા મુશ્કેલીના સમયમાં પોતાની ફરજ બજાવી તે માટે ના○ શહેનશાહની સરકાર તેની કદર કરે છે. જલિયાંવાલા બાગની કતલ કરનાર જનરલ ડાયર વિષે જણાવ્યું કે તેણે જલિયાંવાલા બાગમાં જે લશ્કરી બળ વાપર્યું તે ટોળાંને વિખેરવા જોઈએ તે કરતાં ઘણું વધારે હતું અને તેને ફરમાવવામાં આવે છે કે પોતાના હોદ્દાનું તેણે રાજીનામું આપવું. સર માઈકલ ઓડવાયરની પ્રશંસા કરનારા અને જનરલ ડાયરને નોકરીનું માત્ર રાજીનામું અપાવી જતો કરવાના આ ઠરાવથી હિંદી પ્રજાનો અસંતોષ ખૂબ જ વધ્યો.
હવે ખિલાફતના દગા સાથે પંજાબના અત્યાચારો અને બન્ને બાબતમાં પ્રજાને થયેલો અન્યાય એ અસહકાર માટે કારણો થયાં. આપણું સ્વરાજ્ય ન સ્થપાય ત્યાં સુધી આવા અન્યાય થતા અટકાવવાનું શક્ય નથી, માટે સ્વરાજ્ય એ અસહકારનો ત્રીજો મુદ્દો થયો. દેશમાં ઠેર ઠેર સભાઓ દ્વારા આનો પ્રચાર થવા લાગ્યો. અલ્હાબાદમાં તા. ૯-૬-’૨૦ના રોજ મળેલી ખિલાફત પરિષદે અસહકારના ઠરાવને છેવટનું રૂપ આપ્યું અને પરિષદ તરફથી વાઈસરૉયને છેલ્લી તક આપવા એક કાગળ લખ્યો. ગાંધીજીએ પણ વાઈસરૉયને આ બાબતમાં છેલ્લો પત્ર તા. ૨૨-૬-’ર૦ના રોજ લખ્યો. તેના જવાબ સંતોષકારક ન મળ્યા એટલે દેશભરમાં અસહકારની તૈયારીઓ ચાલી.
ગુજરાત રાજકીય પરિષદ જે દર વર્ષે મળતી તેના તરફથી આખું વર્ષ કામ ચાલુ રાખવા નિમાયેલા ગુજરાત રાજકીય મંડળની એક બેઠક તા. ૧૧-૭-’૨૨ના રોજ નડિયાદ મુકામે મળી. તેમાં સરદારની દરખાસ્તથી અસહકારનો ઠરાવ પાસ કરવામાં આવ્યો.
ગાંધીજીએ તા. ૧લી ઑગસ્ટે પોતાને મળેલા બધા ચાંદો - બોઅર વૉર મેડલ, ઝૂલુ વૉર મેડલ અને કૈસરે હિંદ સુવર્ણ ચાંદ - વાઈસરૉયને પાછા મોકલી આપીને અસહકારની શરૂઆત કરી. અસહકાર વિષે વિચાર કરવા સપ્ટેમ્બરની શરૂઆતમાં કૉંગ્રેસની ખાસ બેઠક કલકત્તામાં મળવાની હતી. તે પહેલાં ગુજરાતનો અભિપ્રાય ત્યાં રજૂ થઈ શકે તે માટે તા. ૨૭-૨૮-૨૯ ઑગસ્ટના રોજ ગુજરાત રાજકીય પરિષદ અમદાવાદમાં શ્રી અબ્બાસ સાહેબ તૈયબજીના પ્રમુખપણા નીચે બોલાવવામાં આવી. સરદાર સ્વાગતસમિતિના પ્રમુખ ચૂંટાયા. તેમના ભાષણમાંથી થોડા ઉતારા અહીં આપીશું. પરિષદ બોલાવવાનું કારણ જણાવતાં તેઓશ્રીએ કહ્યું:
- “કલકત્તામાં આવતા અઠવાડિયામાં કૉંગ્રેસ મળશે તે પહેલાં હિંદુસ્તાનની પ્રજાએ અસહકારના વિષય ઉપર ખૂબ વિચાર કરી પોતાનો મત કૉંગ્રેસને જાહેર કરવો એવો ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીએ ઠરાવ કર્યો છે. તેથી આ પરિષદ વહેલી ભરવામાં આવી છે. . . . અસહકારનો માર્ગ ચાલતી આવેલી દિશાથી વિરુદ્ધ છે અને ભારે જોસથી ચાલતા આવેલા પ્રવાહને તે દિશામાં લઈ જવાનો મહાન પ્રશ્ન આપની સમક્ષ રજૂ થયો છે. . . . અસહકારની તરફના તેમ જ તેની વિરુદ્ધના – બંને વિચારનાને આગ્રહપૂર્વક આ પરિષદમાં નોતરવામાં આવ્યા છે. . . . ઉભય પક્ષને ખૂબ ધીરજ અને સભ્યતાથી સાંભળવાની જરૂર છે. સ્વરાજ ઇચ્છનાર પ્રજા પ્રજામતના કોઈ પણ પક્ષને અનાદર કરી શકતી નથી. સર્વ પક્ષનું અંતિમ લક્ષ્ય તો એક જ છે. ફક્ત સાધનોની પસંદગીમાં મતભેદ છે. . . .”
ત્યાર પછી અસહકાર કરવાની હદ સુધી આપણે કેમ પહોંચ્યા તેનો ઇતિહાસ આપ્યો છે. તેમાંના મુખ્ય મુદ્દા અહીં આપ્યા છે:
- સને ૧૯૧૪માં યુરોપમાં યુદ્ધ શરૂ થયું તે વખતે એમ કહેવામાં આવ્યું કે નાનાં નાનાં રાજ્યોની સ્વતંત્રતાના બચાવ ખાતર તેમ જ સત્ય અને ન્યાયની ખાતર ઇંગ્લંડને તલવાર ખેંચવી પડી છે. રણસંગ્રામમાં હિંદના લાખો સિપાઈઓ યુરોપ, આફ્રિકા અને એશિયાનાં જુદાં જુદાં મેદાનમાં પાતાનું લોહી રેડવા ગયા. અત્યારે હિંદુસ્તાનના જેવી ગરીબાઈ પૃથ્વીના પડ ઉપર ભાગ્યે જ કોઈ જગ્યાએ હશે. છતાં પોતાનાં કરોડો બાળકોને ભૂખે
મરતાં રાખી હિંદે ઇંગ્લંડને દોઢ અબજ રૂપિયાની ભેટ કરી. શરૂઆતમાં હિંદની વફાદારીને માટે ભારે શંકા રાખવામાં આવતી હતી. પણ હિંદની આવી અણધારી વફાદારી જોઈ ઇંગ્લંડની પ્રજા આશ્ચર્યચકિત બની. . . . આપણા ડાહ્યા અને વિચક્ષણ આગેવાનોએ સામ્રાજ્યને અણીને પ્રસંગે મદદ આપતાં કોઈ પણ જાતની શરત કરવી એમાં ખાનદાનીના ભંગનો દોષ જોયો. . . . ઇંગ્લંડના વડા પ્રધાન અને બીજા પ્રધાનોનાં વચન ઉપર વિશ્વાસ રાખી હજારો બહાદુર મુસલમાનો ખુદ તુર્કીની સામે લડવા ગયા. . . .
- “લડાઈ પૂરી થયે આના બદલામાં આપણને શું મળ્યું? વ્યક્તિની સ્વતંત્રતાનો જડમૂળથી નાશ કરે એવા રોલૅટ નામથી ઓળખાતા કાયદાની ભેટ અતિશય આગ્રહપૂર્વક આપણને કરવામાં આવી. . . . પંજાબના હાકેમની જુલમી રાજનીતિના ભાર નીચે કચડાયેલી પ્રજા બળી રહી હતી. રોલૅટ કાયદાની સામે ચાલતી ચળવળ જોરથી દાબી દેવાની નીતિ ગ્રહણ કરી સરકારે બળતામાં ઘી હોમ્યું. મહાત્મા ગાંધીજીને પંજાબમાં જતા અટકાવ્યા, ત્યાંના આગેવાનોને અલો૫ કરી દીધા. પરિણામે પ્રજાનો કેટલોક ભાગ ગાંડો બની ગયો અને ક્ષણિક ગાંડપણમાં એણે અનેક અત્યાચારો કર્યા. ગુસ્સાના આવેશમાં ભાન ભૂલી જઈ ને લોકોએ કરેલા અત્યાચારોનો આપણે બચાવ નથી કરી શકતા. . . . નિર્દોષ માણસોનાં ખૂન થાય, સરકારી મકાનો બળાય, દેવળો બળાય, સ્ત્રીઓ ઉપર હુમલા થાય, ત્યારે સરકાર ગુસ્સે થાય અને કેટલેક અંશે સખ્તાઈની મર્યાદા સાચવી ન શકે તે સમજી શકાય તેમ છે. . . . પણ સરકારે તો જુલમ કરવામાં કશી મણા જ ન રાખી. કોઈ સુધરેલા રાજ્યના ઇતિહાસમાં પ્રજા ઉપર આવો જુલમ કર્યાનો દાખલો જોવામાં આવતો નથી. . . . આ અત્યાચારોની જવાબદારીમાંથી અપરાધી અમલદારોને બચાવવાને ખાતર સરકારે મુક્તિનો કાયદો પસાર કર્યો. ત્યાર પછી આ પ્રકરણની તપાસ કરવા કમિટી નિમાઈ. . . . એ કમિટીએ તો ઢાંકપિછાડો કર્યો.”
પછી અમલદારોના અત્યાચારો વિષે તથા કમિટીના રિપોર્ટ સંબંધે ઇંગ્લંડની પાર્લમેન્ટમાં કેવી ચર્ચા થઈ તેનું વર્ણન કરતાં કહે છે:
- “આમની સભા એ બ્રિટિશ ન્યાયની છેલ્લી અદાલત છે. ઈશ્વરના અસ્તિત્વ કરતાં બ્રિટિશ ન્યાયમાં વધારે આસ્થા રાખનાર આ દેશમાં પડેલા છે. આમની સભાએ એમનાં અંધકારનાં પડળ ઉઘાડી નાખ્યાં. કોઈ માણસ પથ્થરને હીરો માની લાંબા કાળ સુધી સાચવી રાખી ભીડને પ્રસંગે વટાવવા જાય અને પસ્તાય તેમાં પથ્થરનો શો દોષ? બ્રિટિશ ન્યાયમાં શ્રદ્ધા રાખવાથી અત્યારે આપણી એ દશા થઈ છે. . . . ઉમરાવની સભામાં તો ઉમરાવોએ પોતાની ખાનદાની ખરેખરી બતાવી! પંજાબનાં ગંભીર દુ:ખોની તેમણે ઠેકડી કરી. એક હિચકારા ગોરા અમલદારની ઈજ્જત સાચવવા ખાતર સેંકડો નિરપરાધી માણસોનાં ખૂન ભૂલી જવાયાં, તેને બહાદુર લેખવામાં આવ્યો અને નિર્દોષ માર્યાં ગયેલાઓને બળવાખોર ઠરાવવામાં આવ્યા. . . .
- “સેંકડો ખૂન કરવામાં જનરલ ડાયરની દાનત સાફ હતી, એણે ફક્ત ગણતરી કરવામાં ભૂલ કરી, એણે થોડી વધારે ગોળીઓ છોડી, પણ એણે હિંદુસ્તાનને બચાવ્યું . . . સર માઈકલ ઓડવાયર જે આ બધા અત્યાચારો માટે મુખ્ય જવાબદાર હતો તેણે કરેલી પંજાબની સેવાઓ યાદ કરીને પ્રધાનમંડળે એની પ્રશંસા કરી. પંજાબની પ્રજાએ જે સેવાઓ કરેલી તે પાણીમાં ગઈ!”
પછી પંજાબના અત્યાચારોની થોડી વિગતો આપી હિંદુસ્તાનની ધારાસભામાં બનેલા પ્રકારનું વર્ણન કરે છે:
- “લશ્કરી અમલ દરમિયાન પંજાબમાં ત્રાસ વર્તાવવા ઇરાદાપૂર્વક કતલ ચલાવી, પંજાબીઓનાં નાક ઘસાવ્યાં, તેમને પેટે ચલાવ્યા, જાહેર રસ્તા ઉપર ઊભા રાખી ફટકા લગાવ્યા, શહેર વચ્ચે ફાંસીના માંચડા ઊભા કર્યા. વિમાનમાંથી ગોળા ફેંક્યા, બ્રિટિશ વાવટાને સલામ ભરવા વિદ્યાર્થીઓને સોળ સોળ માઈલ ચલાવ્યા, આગેવાનોને પકડી પકડી કેદમાં પૂર્યા, ખોટા પુરાવા ઊભા કરવા જુલમ કર્યા, પીવાનાં પાણી બંધ કર્યાં, હિંદુ મુસલમાનના ઐક્યની ચેષ્ટા કરી, સ્ત્રીઓની લાજ લુંટી અને એવાં બધાં અનેક રાક્ષસી કામ કર્યાં. . . .
- “હિંદની ધારાસભામાં પેટે ચાલવાના હુકમ વિષે ચર્ચા ચાલી ત્યારે જુગારીઓ અને દારૂડિયાનું ટોળું ભરાઈ જેવી ભાષા વાપરે તેવી ભાષા સરકાર પક્ષના કેટલાક સભાસદોએ વાપરી અને પેટે ચાલનારની મશ્કરીઓ કરી. ભલા પંડિત મદનમોહન માલવીયજીનું અપમાન કરવામાં કંઈ બાકી રાખી નહીં.”
ઉપર પ્રમાણે વર્ણન કરી કેટલાક સૂચક સવાલો પૂછે છે:
- “પંજાબનું નાક કાપી હિંદુસ્તાનની ઈજ્જત ઉપર હાથ નાખ્યો અને ન્યાય આપવાને બદલે અસહ્ય દુ:ખમાં પીડાતી પ્રજાનાં દુ:ખોની મશ્કરી કરી તે કેમ ભૂલી જવાય? ભવિષ્યની પ્રજાનો આપણા ઉપર કંઈક હક તો છે. આપણે તેમના ટ્રસ્ટી છીએ. જો આપણે અપમાનનો જ વારસો એમને માટે મૂકી જઈએ તો આપણી દોલત અને આપણી સાહેબી તેમને શા કામની છે? આપણે આ અપમાન ગળી જઈએ તો સુધરેલી પ્રજાઓ આપણો તિરસ્કાર કરે તેમાં નવાઈ શી?”
પછી ખિલાફતના દગા વિષે બોલતાં જણાવ્યું:
- “તુર્કીના રાજ્યના ભાગલા પાડ્યા, કૉંસ્ટંટીનોપલમાં સુલતાનને એક કેદી જેવો બનાવ્યો, સીરિયાને ફ્રાન્સે પચાવી પાડ્યું, સ્મર્ના અને થ્રેસ ગ્રીસ ગળી ગયું અને મેસોપોટેમિયા અને પૅલેસ્ટાઈનનો કબજો આપણી સરકારે લીધો. અરબસ્તાનમાં પણ પોતાનો કાબૂ રાખી એક નામનો હાકેમ ખડો કરી દીધો. ખુદ વાઈસરૉય સાહેબે પણ કબૂલ કર્યું કે સુલેહની કેટલીક શરતો મુસલમાન કોમને દૂભવે એવી છે. લડાઈ દરમિયાન વડા પ્રધાને હિંદના મુસલમાનોને આપેલાં પવિત્ર વચનોનો ભંગ કરી, તે કોમની લાગણીનો અનાદર કરી, કેવળ સ્વાર્થબુદ્ધિથી મિત્ર રાજ્યોએ ખલીફની સત્તાને નાશ કર્યો છે. આ અન્યાયથી આખી મુસલમાન કોમનું હૃદય ચિરાઈ ગયું છે. . . . મુસલમાનોની આવી દુ:ખી સ્થિતિમાં હિંદુઓ તટસ્થ રહી શકતા નથી. . . .
- “કેટલાક એવી દલીલ કરે છે કે તુર્કીના પ્રતિનિધિઓએ સુલેહની શરતો સ્વીકારીને સહી કરી દીધી એટલે હવે હિંદુસ્તાનને બોલવાનો શો હક છે? બંદૂક બતાવી કરાવેલી સહીથી અન્યાય કાંઈ ન્યાય થતો નથી. અને ન્યાય માગનારનો હક તેથી નાબુદ થતો નથી. પંજાબમાં માર્શલ લૉ દરમિયાન પંજાબીઓને પેટે ચલાવનાર અમલદારોએ એવો વિચિત્ર બચાવ કરેલો કે લોકો ખુશીથી પેટે ચાલતા હતા અને કેટલાક તો આ હુકમ ઉપર ફિદા થઈ બબ્બે ત્રણ ત્રણ વખત પેટે ચાલી ગયા અને છેવટે તેમને રોકવા પડ્યા. વળી તેમણે એમ પણ કહેલું કે માર્શલ લૉ લોકોને એટલો બધો ગમ્યો કે તેઓ ‘માર્શલ લૉ કી જય’ બોલવા લાગ્યા અને માર્શલ લૉ ચાલુ રાખવાની આજીજીઓ કરવા લાગ્યા. આથી શું માર્શલ લૉના અન્યાય વિરુદ્ધ બોલવાનો હક જતો રહ્યો?”
ગાંધીજી જેઓ અત્યાર સુધી બ્રિટિશ સામ્રાજ્યને ભારે વફાદાર હતા, બ્રિટિશ પ્રજા ઉપર મોહિત હતા અને તે સાથે શુદ્ધ સહકાર કરવામાં માન સમજતા તેઓ પણ અસહકાર કરવાની સલાહ આપે છે, એમ કહી ૧૯૧૯ની છેલ્લી સહકારી કૉંગ્રેસનું એક દ્રશ્ય વર્ણવે છે:
- “આ સ્થળે અમૃતસરની કૉંગ્રેસના છેલ્લા દિવસની બેઠકનો ચિતાર મારી આંખ આગળ ખડો થાય છે. હિંદુ, મુસલમાન અને શિખના લોહીથી તાજી ખરડાયેલી જલિયાંવાલા બાગની ભૂમિનો સ્પર્શ કરી, પંજાબના અત્યાચારોથી ક્રોધે ભરાયેલા ડેલીગેટોથી ચિકાર મંડપ વચ્ચે મહાત્મા ગાંધીજીએ ટોપી ઉતારી શુદ્ધ સહકારનો માર્ગ ગ્રહણ કરવા અને શહેનશાહી ઢંઢેરાનાં ઉદાર વચનો ઉપર વિશ્વાસ રાખી મિત્રતાનો લંબાવેલો હાથ પ્રેમથી પકડી લેવા અને અવિશ્વાસનો ત્યાગ કરવા ગદગદ કંઠે પ્રાર્થના કરી. [૧] તે જ મહાત્મા આજે આખા હિંદુસ્તાનમાં અસહકારનો પોકાર મુક્ત કંઠે કરી રહ્યા છે.”
આ પરિષદના થોડા જ દિવસ અગાઉ સર નારાયણ ચંદાવરકર અને કેટલાક નેતાઓએ અસહકારની વિરુદ્ધ એક જાહેરનામું કાઢ્યું હતું. તેમાં જણાવ્યું હતું કે દુનિયાના મુખ્ય ધર્મગ્રંથ – ગીતા, કુરાન, બાઈબલ અને પારસી અવેસ્તા અસહકારને ધર્મવિરુદ્ધ ગણે છે. એનો જવાબ આપતાં સરદારે જણાવ્યું :
- "અસહકારમાં કેટલાક ધર્મભંગનો દોષ જુએ છે. હું એમના જેટલી વિદ્વત્તાનો કે ધર્મનાં તત્ત્વના જ્ઞાનનો દાવો કરતો નથી. છતાં હું એમને પૂછું છું કે પ્રજાને અસહકારમાં નહીં જોડાવા, અસહકારથી દૂર રહેવા, ટૂંકામાં અસહકારવાદીઓની સાથે અસહકાર કરવાની સલાહ આપતાં ધર્મભંગનો દોષ ક્યાં જતો રહે છે ? આપણે સર નારાયણ ચંદાવરકરને એટલું તો વિનયપૂર્વક પૂછી શકીએ છીએ કે જે સામ્રાજ્યમાં સર માઈકલ એડવાયર ‘સર’નો ઇલકાબ ધારણ કરી શકે છે અને સર રવીન્દ્રનાથ ટાગોર જેવા મહાન કવિને પેાતાને ‘સર’નો ઇલકાબ ફેંકી દેવો પડે છે અને જેને આપ માથું નમાવવા લાયક ‘પ્રૉફેટ’ (પચગંબર) ગણો છો. તેમને પણ પોતાના ચાંદનો ત્યાગ કરવો પડે છે, ત્યાં આપને ‘સર’ને ઇલકાબ પાછા સોંપી દેવામાં ગીતાજીના કયા શ્લેાકનો બાધ આવે છે ?”
અસહકારની હિલચાલમાં જોખમ છે, તોફાન થવાનો ભય છે એવા આક્ષેપનો જવાબ આપતાં કહે છે
- “જોખમ છે એ ખરી વાત છે. સ્વતંત્રતા સહેલાઈથી દુનિયાના કયા દેશને મળી છે ? મૂંગા બેસી રહેવામાં ઓછું જોખમ છે ? . . . જોખમના ડરથી પ્રજાની ઉન્નતિના મહાન અખતરા કોઈએ છોડી દીધા છે ખરા ? આટલું મોટું સામ્રાજ્ય બાંધનારાઓએ જોખમનો ડર રાખ્યો હોત તો આજે તેનું અસ્તિત્વ ક્યાંથી હોત ? . . . દરેક વખતે પ્રજાને પછડાતી જોઈએ અને તેમાંથી બચવાનો કોઈ માર્ગ બતાવે તો તેમાં આડો પગ મૂકીએ તો પ્રજાની ચડતી શી રીતે થાય ? બંગાળના ભાગલાથી પ્રજાનું જે અપમાન થયું હતું તેના કરતાં ખિલાફત અને પંજાબના અન્યાયો શું એાછા અપમાનકારક છે ? તે વખતે આખા દેશમાં ભડકો સળગાવનારાઓને અત્યારે કાંઈ જ લાગતું નથી ? . . .”
અત્યારે આપણી સામે સુધારાની જાળ પાથરવામાં આવી છે એમ કહી સુધારાનું પોકળ બહાર પાડે છે:
- “ હાલનું ચાલતું રાજ્યતંત્ર પ્રજાનું વિત્ત અને નૂર ચૂસી લઈ તેને કચડી નાખનાર યંત્ર જેવું છે. તેમાંથી થોડાક વિલાયતી ભાગ ખસેડી દેશી ભાગ ગોઠવવાથી શો ફેર પડવાનો છે ? એક દેશી ગવર્નર થવાથી આપણો શો ઉદ્ધાર થવાનો છે ? અંગ્રેજ ગવર્નરમાં ઊંચા ખવાસના અને ચારિત્ર્યવાન ક્યાં નથી હોતા ? પોતાના ઉપર પ્રાણધાતક હુમલો થયો છતાં ચાંદની ચોકમાં કે દિલ્હીમાં કોઈનો વાળ પણ વાંક ન થવા દીધો એવા ના○ લોર્ડ હાર્ડિંગ જેવા મહાન પુરુષો એમનામાં ક્યાં નથી મળી આવતા? પણ ગટરમાં ગંગાજળના ચાર છાંટા નાખવાથી ગટર થોડી જ પવિત્ર થવાની હતી ? જ્યાં સુધી આખી રચનામાં ફેરફાર થાય નહીં, હિંદનું રાજ્યતંત્ર હિંદના હિતને માટે ચલાવાય નહીંં, પરદેશીઓના હિતને જ અગ્રપદ આપવામાં આવે, અંગ્રેજ નોકરોને રીઝવીને જ થોડાઘણા નામના સુધારા મહેરબાની દાખલ આપવામાં આવે, ન્યાય, સ્વતંત્રતા અને સમાનતાના હક આપવામાં ન આવે ને આપણે જેની ભાગીદારી ઇચ્છીએ છીએ તેમનો મોટો ભાગ આપણા ઉપર ઝેર અને તિરસ્કારની નજરથી જુએ, ત્યાં સુધી એ સુધારાની જાળમાં ફસાવાથી આપણને શું લાભ થાય ? પંજાબના જેવું ફરીથી નહીંં બને એની સુધારામાં શી ખાતરી છે ?”
સરદારના ભાષણમાંથી ઉપર થોડા ઉતારા આપ્યા છે તે ઉપરથી એમની સીધી અને સોંસરી વિચારધારાનો આપણને પરિચય થાય છે. વળી ગુજરાતી ભાષામાં ઓજસ્વી શૈલીની છટા પણ લાવી શકાય છે તેનું એક સરસ ઉદાહરણ આપણને મળે છે. ગાંધીજીએ તા. ૫મી સપ્ટેમ્બર ૧૯૨૦ના ‘નવજીવન’ ના અગ્રલેખમાં લખ્યું છે:
- “શ્રી વલ્લભભાઈ પટેલનું ભાષણ અને બુઝુર્ગ અબ્બાસ તૈયબજીનું ભાષણ વાંચતાં સૌ કોઈ કબૂલ કરશે કે તેમનાં ભાષણ દૃઢ, વિનયથી ભરેલાં અને દ્વિઅર્થથી રહિત હતાં. શ્રી વલ્લભભાઈએ સાદામાં સાદી ગુજરાતી ભાષામાં અસરકારક રીતે પોતાના વિચારો ટૂંકામાં બતાવી આપ્યા. અબ્બાસ સાહેબની ભાષા વિષે આપણે કંઈ કહી ન શકીએ કેમ કે તેમનું ભાષણ અસલ અંગ્રેજીમાં હતું. આવાં ટૂંકા છતાં આટલાં સીધાં, પ્રમુખનાં ભાષણ મેં ભાગ્યે જ જોયાં કે સાંભળ્યાં છે.”
અત્યાર સુધી ગુજરાતમાં કૉંગ્રેસનાં કામમાં આગેવાનીભર્યો ભાગ લેતા રા○ બ○ રમણભાઈ, બૅરિસ્ટર શ્રી મગનભાઈ ચતુરભાઈ વગેરે આ પરિષદમાં હાજર હતા અને તેમણે અસહકારના ઠરાવનો સખત વિરોધ કરેલો. પણ લોકોમાં અસહકારની હવા એવી ફેલાવા માંડી હતી કે તેમને બહુ ઓછા મત મળ્યા. લોકોમાં વિશેષ ઉત્સાહ હોવાનું મુખ્ય કારણ એ હતું કે કૉંગ્રેસના અને આવી રાજકીય પરિષદોના અત્યાર લગીના ઠરાવમાં સરકાર પાસે માગણીઓ કરવામાં આવતી. આ પરિષદમાં બધા જ ઠરાવો લોકોને કાંઈ ને કાંઈ કરવાને અપીલ કરનારા હતા.
અસહકારના ઠરાવમાં સરકારી ખિતાબોનો ત્યાગ કરી તથા સરકારી શિક્ષણ સંસ્થાઓ, અદાલતો તથા ધારાસભાઓનો બહિષ્કાર કરી સરકારને રાજ્ય ચલાવવામાં પ્રજા તરફથી મળતી મદદ ક્રમે ક્રમે પાછી ખેંચી લેવાનું હતું.
બીજો મહત્ત્વનો ઠરાવ આ પરિષદમાં થયો તે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનાને લગતો હતો. ઠરાવ નીચે પ્રમાણે છે :
- “ ૧. આ પરિષદની એવી માન્યતા છે કે અંગ્રેજ સરકારે દાખલ કરેલી કેળવણીની પદ્ધતિ આપણા દેશની સંસ્કૃતિ અને પરિસ્થિતિને પ્રતિકૂળ તેમ જ અવ્યવહારુ નીવડી છે. અને તેથી વિદ્યાર્થીઓને સ્વદેશાભિમાની, સ્વાશ્રયી, ચારિત્ર્યવાન હિંદીઓ બનાવવાની તાલીમ આપવાને સરકારથી સ્વતંત્ર ધોરણ પર રાષ્ટ્રીય કેળવણીની સંસ્થાઓ રચવાની જરૂર આ પરિષદ સ્વીકારે છે.
- “ ૨. ઉપરનો હેતુ ખાસ કરીને ગુજરાતમાં સિદ્ધ કરવા માટે રાષ્ટ્રીય ધોરણ પર શાળાઓ, મહા પાઠશાળાઓ, ઉદ્યોગશાળાઓ, ઉર્દૂ શાળાઓ, આયુર્વેદિક આરોગ્ય શાળાઓ સ્થાપવાની અને તે બધી સંસ્થાઓના સમન્વય કરવાને ગુજરાતી વિદ્યાપીઠ (યુનિવર્સિટી) સ્થાપવાની આ પરિષદને જરૂર જણાય છે.
- “ ૩. ઉપર જણાવ્યા મુજબ રાષ્ટ્રીય શિક્ષણનો ગુજરાતમાં પ્રચાર કરવાને સારુ યોગ્ય ઉપાયો યોજવા આ પરિષદ એક કમિટી વધારાના સભાસદો નીમવાની સત્તા સાથે નીમે છે.”
આ કમિટીના મંત્રી તરીકે શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક અને શ્રી કિશોરલાલ મશરૂવાળા નિમાયા. કમિટીએ વિદ્યાપીઠનું બંધારણ તથા નિયમાવલી ઘડી કાઢ્યાં. ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના ૧૯૨૦ના ઑક્ટોબરમાં અને ગુજરાત મહા વિદ્યાલયની સ્થાપના નવેમ્બરમાં થઈ. વિદ્યાપીઠની સ્થાપના થઈ ત્યારથી જ સરદારે એને પોતાનું માનીતું બાળક માની લીધું છે અને ઉત્સાહ પૂર્વક તેનું પાલનપોષણ કર્યું છે. એની શિક્ષણવિષયક બાજુ એના નિષ્ણાતો ઉપર છોડી દઈ એમાં કદી એમણે માથું માર્યું નથી. પણ વિદ્યાપીઠની સ્થાપનાથી તે આજ લગી એને માટેના દ્રવ્યનો ભાર એમણે વહન કર્યો છે અને એ બાબતમાં હંમેશ એને નિશ્ચિંત રાખી છે.
સપ્ટેમ્બરમાં લાલા લજપતરાયના પ્રમુખપણા નીચે મળેલી કલકત્તાની ખાસ કૉંગ્રેસે અસહકારનો ઠરાવ બહુમતીથી પસાર કર્યો. તેમાં વિદેશી કાપડના બહિષ્કારની અને ખાદીની વાત ખાસ ઉમેરવામાં આવી. કલકત્તામાં મોટા મોટા કૉંગ્રેસ નેતાઓ જેવા કે, બૅરિસ્ટર (પછીથી દેશબંધુ) દાસ, બિપિનચંદ્ર પાલ, બૅરિસ્ટર જયકર, બૅરિસ્ટર (પછીથી કાયદે આઝમ) ઝીણા, પં. માલવીયજી, મિસિસ બેસંટ, પં○ ગોકર્ણનાથ મિશ્ર, બૅરિસ્ટર બેપ્ટિસ્ટા તથા શ્રી સત્યમૂર્તિ, એમણે ઠરાવનો વિરોધ કર્યો અને મતગણતરીની માગણી થઈ. એમાં ગાંધીજીની તરફેણમાં ૧૮પર અને વિરુદ્ધમાં ૯૦૮ મત થયા. આ કૉંગ્રેસથી દેશના રાજકારણમાં ગાંધીયુગનો પ્રારંભ થયો એમ કહી શકાય. એમ તો અમૃતસરની કૉંગ્રેસ ઉપર ગાંધીજીનો પ્રભાવ ઓછો ન હતો, પણ કલકત્તાની કૉંગ્રેસથી નવી જ નીતિ શરૂ થઈ. બ્રિટિશ સરકારની મહેરબાનીથી આપણને સ્વરાજ્ય નથી મળવાનું, એ તો આપણી સ્વરાજ્યની કૂચમાં એનાથી બની શકે તેટલી અડચણો જ નાખવાની. એટલે એનો વિરોધ કરીને પ્રજાએ પોતાના પુરુષાર્થથી, પોતાના પરાક્રમથી સ્વરાજ સ્થાપવાનું છે એ વસ્તુ કૉંગ્રેસે સ્પષ્ટ રીતે જાહેર કરી. આને લીધે નરમ પક્ષે તો કૉંગ્રેસનો ત્યાગ જ કર્યો અને જેઓ ગરમ પક્ષના ગણાતા હતા પણ અસહકારમાં ભળવા તૈયાર ન હતા તેમણે પણ નાગપુરની કૉંગ્રેસમાં છેવટનો પ્રયત્ન કરીને કૉંગ્રેસનો ત્યાગ કર્યો.
ત્યાર પછી ડિસેમ્બર મહિનામાં નવા સુધારા પ્રમાણેની વિસ્તૃત મતાધિકારવાળી ધારાસભાઓની ચૂંટણી આવી. દાસબાબુ જેવા નેતાઓને ધારાસભાઓનો બહિષ્કાર પહેલેથી જ પસંદ ન હતો. કલકત્તામાં તેમણે અસહકારના ઠરાવનો વિરોધ કરેલો, પણ ધારાસભા બહિષ્કારની બાબતમાં પ્રબળ લોકમત જોઈને તેમણે ઉમેદવારી ન કરી. પ્રજાના જાણીતા આગેવાનોમાંથી ભાગ્યે જ કોઈએ ઉમેદવારી કરી. પણ નરમ દળના આગેવાનો અને બીજા કેટલાકને તો રખેવાળ કે વાડ વિનાના ખેતરમાં ભેલાડ કરવાનો સારો લાગ મળ્યો. ચૂંટણી મથકો ઉપર કોઈ જગ્યાએ એક ટકો, કોઈ જગ્યાએ બે ટકા અને પાંચ ટકાથી વધારે તો ક્યાંય નહીં એમ મતદારો મત આપવા ગયા. ઘણી જગ્યાએ એક પણ મતદારે મત ન આપ્યાનું જાહેર થયું. કેટલાક ઉમેદવારો તો સામે બીજો ઉમેદવાર જ ઊભો થયેલ ન હોવાથી બિનહરીફ ચૂંટાયા. સ્વાભિમાનને કોરે મૂકી તેઓ પોતાની મેળે જ પોતાને પ્રજાના પ્રતિનિધિ કહેવડાવવા લાગ્યા. સુરતમાં સરદારના પ્રમુખપણા નીચે મતદારોની એક પરિષદ ભરવામાં આવી. તેમાં ધારાસભાના આ સભ્યોને સ્વમાનનો વિચાર કરી પોતાની જગ્યાનાં રાજીનામાં આપી દેવા વિનંતી કરનારા, અને જેઓ પોતાના હકને વળગી રહી ધારાસભામાં બેસવાની પોતાની જીદ કાયમ રાખશે તેમનામાં મતદારોને બિલકુલ વિશ્વાસ નથી તથા તેમને ધારાસભામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે બોલવાનો કશો અધિકાર નથી એવું જાહેર કરનારા ઠરાવો પસાર કરવામાં આવ્યા.
પછી નાગપુરની કૉંગ્રેસ થઈ. કૉંગ્રેસના ઈતિહાસમાં અનેક રીતે આ કૉંગ્રેસ મહત્વની ગણાય. અગાઉની કોઈ કૉંગ્રેસ કરતાં આમાં પ્રતિનિધિઓની સંખ્યા વધારે હતી. કલકત્તાની કૉંગ્રેસમાં અસહકારનો ઠરાવ પસાર થયો પણ ત્યાં વિરોધી મતની સંખ્યા ઠીક ઠીક હતી, જ્યારે નાગપુરમાં લગભગ વીસ હજાર પ્રતિનિધિઓ હતા તેમાંથી વિરુદ્ધ મત બે જ હતા. મને ખ્યાલ છે તે પ્રમાણે એ બેમાં એક તો જનાબ ઝીણા હતા. તેમણે અસહકારના ઠરાવ વિરુદ્ધ બહુ જબરું ભાષણ કર્યું હતું. પછી ઠરાવ ઉપર મત લેવાતાં પોતાના ઉપરાંત બીજો એક જ હાથ ઊંચો થયો એટલે તેઓ કૉંગ્રેસ છોડીને ચાલ્યા ગયા. નાગપુરમાં જે મહત્ત્વનું કામ થયું તે તો કૉંગ્રેસનું પાકું બંધારણ ઘડાયું એ હતું. એ બંધારણનો મુસદ્દો ગાંધીજીએ કરેલો હતો અને ૧૯૪૭માં આપણું સ્વરાજ્ય થયું ત્યાં સુધી મોટે ભાગે એ જ બંધારણ ચાલુ રહ્યું. કૉંગ્રેસનું જૂનું ધ્યેય બદલીને નીચે પ્રમાણે રાખવામાં આવ્યું :
- “હિંદી રાષ્ટ્રીય કૉંગ્રેસનું ધ્યેય હિંદી પ્રજાએ શાન્તિમય અને શુદ્ધ સાધનોથી સ્વરાજ્ય મેળવવું એ છે.”
પહેલાંનું ધ્યેય સામ્રાજ્યની છત્રછાયા નીચે વસાહતી સ્વરાજ્યનું હતું. જ્યારે આ નવા ધ્યેયમાં સામ્રાજ્યનો ઉલ્લેખ જ નથી. તેનો ખુલાસો સરદારે પોતાના તે વખતના એક ભાષણમાં નીચે પ્રમાણે કર્યો છે :
- “કેટલાક કહે છે કે આપણે સામ્રાજ્યમાંથી છૂટા પડવા માગીએ છીએ. હિંદુસ્તાન સામ્રાજ્યમાં રહેશે કે છૂટું પડશે તેનો આધાર અંગ્રેજોની દાનત અને કૃત્યો ઉપર છે. અત્યારનો આપણો નિશ્ચય તો એટલો છે કે સામ્રાજ્યમાં રહીને સંપૂર્ણ સ્વતંત્રતા ભોગવી શકીએ તો ભેગા રહેવું એ ઈચ્છવા યોગ્ય છે, પણ તેમ ન બની શકે તો જુદા પડીને પણ સ્વતંત્રતા મેળવવી એ એટલું જ ઇચ્છવા યોગ્ય છે. છતાં જો એવો વખત આવશે કે આપણે સામ્રાજ્યમાંથી છૂટા પડ્યે જ આરો છે તો એ સ્થિતિની જવાબદારી આપણા ઉપર તો નહીં જ હોય. એને માટે તે જવાબદાર અંગ્રેજ પ્રજા જ રહેશે.”
બંધારણના બીજા મહત્ત્વના મુદ્દા એ હતા કે ઉપરનું ધ્યેય કબૂલ રાખી તેના ઉપર સહી કરે અને કૉંગ્રેસની વાર્ષિક ફી ચાર આના આપે એવાં એકવીસ વર્ષની ઉંમરે પહોંચેલ સ્ત્રી કે પુરુષ કૉંગ્રેસનાં સભાસદ થઈ શકે. કૉંગ્રેસના પ્રતિનિધિઓ ચૂંટવાનો તેમને અધિકાર હતો. પચાસ હજારની વસ્તીવાળા પ્રદેશને એક પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર આપવામાં આવ્યો. એ રીતે કૉંગ્રેસના પ્રતિનિધિઓની સંખ્યા ૬,૦૦૦થી ૬,૫૦૦ સુધીની મુકરર થઈ. વળી ભાષાવાર પ્રદેશો પ્રમાણે પ્રાંતિક સમિતિઓ રચવામાં આવી. અને કૉંગ્રેસનું કામ આખું વર્ષ ચાલુ રાખવા માટે કૉંગ્રેસની મહાસમિતિ ઉપરાંત કેવળ પંદર સભ્યોની કારોબારી સમિતિ પ્રમુખે બનાવી લેવી એવો શિરસ્તો પાડવામાં આવ્યો. આ બંધારણ અનુસાર ગુજરાતમાં પ્રાંતિક સમિતિ રચાઈ તેના પ્રમુખ સરદાર ચૂંટાયા. તે ૧૯૪૨માં તેઓને અહમદનગરના કિલ્લામાં નજરકેદ રાખવામાં આવ્યા ત્યાં સુધી ચૂંટાતા આવ્યા.
કલકત્તાની કૉંગ્રેસમાં જ ગાંધીજીએ જાહેર કર્યું હતું કે, અસહકારના ઠરાવમાં દર્શાવેલો આખો કાર્યક્રમ લોકો શાન્તિથી પાર પાડે તો એક વરસમાં સ્વરાજ્ય સ્થાપી શકાય. નાગપુરની કૉંગ્રેસ પછી ‘એક વરસમાં સ્વરાજ્ય’ની હાકલે બહુ જોર પકડ્યું અને લોકોમાં અજબ જુસ્સો ફેલાયો. લોકોને એક પછી એક નિશ્ચિત કાર્યક્રમ આપવો જોઈએ એ હેતુથી નાગપુર કૉંગ્રેસ પછી મહાસમિતિની બેઠક થઈ, એમાં નક્કી કરવામાં આવ્યું કે ૧૯૨૧ના જૂનની ૩૦મી તારીખ પહેલાં કૉંગ્રેસ માટે તિલક સ્વરાજ્ય ફાળામાં દેશે એક કરોડ રૂપિયા ભેગા કરવા, ચાર આનાવાળા એક કરોડ સભાસદો બનાવવા અને દેશમાં વીસ લાખ રેંટિયા ચાલુ કરવા. આમાંથી ગુજરાત કાઠિયાવાડને ફાળે દસ લાખ રૂપિયાનો ફાળો કરવાનું, ત્રણ લાખ સભાસદ બનાવવાનું અને એક લાખ રેંટિયા ચાલુ કરવાનું આવ્યું હતું. બધા પ્રાંતોને વરાડે તો ગુજરાતને ત્રણ લાખ રૂપિયાનો ફાળો કરવાનો આવે, પણ ગુજરાત લડતનો મોરચો બનવા માગતું હતું એટલે તેના ઉપર વધુ બોજો નાખવામાં આવ્યો. બસ, સ્વતંત્રતાના રસિયા કાર્યકર્તાઓ અને સ્વયંસેવકોને કામ મળી ગયું. સરદારે ગાંધીજીને ગુજરાતને વિષે નિશ્ચિંત રહેવા કહી દીધું હતું. સભાસદો માટે અને ફાળા માટે સરદાર અને બધા કાર્યકર્તાઓ ગામડે ગામડે અને ઘેરઘેર ઘૂમવા મંડી પડ્યા. તેમાં સૌથી ભવ્ય દૃશ્ય બુઝુર્ગગ અબ્બાસ સાહેબને ઘૂમતા જોવાનું હતું. અત્યાર સુધી તેમણે તદ્દન વિલાયતી ઢબે જીવન ગાળેલું અને ગામડાંમાં તો સૂવાની અલગ ઓરડી ન મળે, પાયખાનાની બરાબર સગવડ ન મળે, નાહવાની ઓરડી ન મળે, કપડાં બદલવાની જગ્યા ન મળે છતાં પગ વાળીને બેઠા વિના તેઓ ગામડે ગામડે ફર્યા અને પરિણામે એમને અનુભવ થયો કે પોતે ઉંમરમાં વીસ વર્ષ નાના બન્યા છે. આ બધા કાર્યકર્તાઓની મહેનતને પરિણામે ગુજરાત કાઠિયાવાડે તિલક સ્વરાજ્ય ફાળામાં દસને બદલે પંદર લાખ કર્યા, સભાસદો લગભગ પૂરા કર્યા અને રેંટિયાની સંખ્યા પણ પૂરી કરી. જોકે તે ચાલુ ન રહી શક્યા.
સરકાર આ હિલચાલને કેવી નજરે જોઈ રહી હતી તે જરા જોઈ લઈએ. પહેલાં તેને લાગ્યું હશે કે અસહકાર ચાલવાનો જ નથી એટલે હિલચાલને તેણે હસી કાઢી. પણ જ્યારે વિદ્યાર્થીઓએ શાળાઓ અને કૉલેજો છોડવા માંડી ત્યારે એની ગંભીરતા એના ધ્યાનમાં આવી અને વર્ષની આખર સુધીમાં તો એ મૂંઝાઈ જ ગઈ. ચળવળની શરૂઆતમાં હિંદ સરકાર તરફથી બહાર પડેલી એક યાદીમાંથી નીચે થોડા ઉતારા આપું છું. તેનો ગર્ભિત અર્થ વાંચતાં સરકારની મૂંઝવણની ઝાંખી થાય છે :
- "આ હિલચાલના મુખ્ય પ્રવર્તકોએ તો મક્કમપણે પોતાની પ્રતિજ્ઞાઓ જાહેર કરી છે કે તેમનો હેતુ હાલની સરકારનો નાશ કરવાનો, હિંદમાંની બ્રિટિશ રાજ્યસત્તાને જડમૂળથી ઉખેડી નાખવાનો છે. તેમણે પોતાના અનુયાયીઓને ખાતરી આપી છે કે જો તેઓ તેમનું કહ્યું કરશે તો એક વરસમાં હિંદ સ્વતંત્ર અને સ્વરાજ્ય ભોગવતું થઈ જશે. . . . સ્થિર રાજ્યતંત્ર અને બેદખલ સુલેહના જે લાભો એક સૈકા કરતાં વધુ વખતના શ્રમથી પ્રગતિ કરી કરીને હિંદે મેળવ્યા છે અને સુધારાની યોજનાને યોગે જેના વધુ મોટા લાભ હિંદ ઉઠાવવાની તૈયારીમાં છે તે, તેમ જ તેની આબાદી, તેની રાજદ્વારી પ્રગતિ — સર્વ કાંઈ હોમી દેવાની આ વાત છે.
- "વધુમાં વધુ અનીતિમય તો એ છે કે દેશના યુવક વર્ગ ઉપર આ હિલચાલ કરનારાઓની તરાપ પડી છે. . . . આ હિલચાલના આગેવાનો ગૃહજીવનના પાયા ઢીલા પાડતાં અગર બાપદીકરા કે શિક્ષકવિદ્યાર્થી વચ્ચે અંટસ પડાવતાં બિલકુલ ખંચાતા નથી. . . . આ આગેવાનોના અવિશ્રાંત ઉદ્યમનું એવું પણ પરિણામ આવે કે ગમે તે વખતે રમખાણો ફાટી નીકળી ભયંકર રૂપ લે. આ આગેવાનો એક ગામથી બીજે ગામ ભટકે છે, ફિતૂરી ભાષણો કરે છે અને લોકોને ઉશ્કેરે છે. . . . આ ભય દૂર કરવાનું ઉત્તમ શસ્ત્ર ઠરેલ ચિત્તના અને વિનીત વિચારના માણસની અમલી મદદ તથા દિલસોજી છે. માટે જે કોઈને હિંદનું સાચું હિત હૈયે છે તે સર્વ લોકોએ એકઠા થઈ આ હિલચાલની સામા થવું જોઈએ તથા કાયદા અને સુલેહના અમલ માટે સંગઠિત યત્ન કરવા જોઈએ. . . . આવી મદદ આપનાર વર્ગની સરકાર સહાય માગે છે.”
સરકારની આવી અપીલ જોઈ અમદાવાદ શહેરના ‘મૉડરેટો’ અને સરકાર પક્ષના માણસોએ સ્થાનિક નેશનલ હોમરૂલ લીગ તરફથી ‘અસહકાર — તેનું કાર્ય, વિકાસ અને ક્ષય’ એ વિષય ઉપર એક જાહેર ભાષણ ગોઠવ્યું. આ સભામાં અસહકારીઓએ પણ સારી સંખ્યામાં હાજરી આપી અને સરદાર પણ તેમાં ગયા. દરેક શહેરમાં સરકારની સૂચનાથી આવી સભાઓ થતી અને તેમાં સારી પેઠે ગમ્મત પણ થતી. તેના નમૂના તરીકે તેની થોડીક વિગતો આપવાની લાલચ છોડી શકાતી નથી. રા○ બ○ રમણભાઈ પ્રમુખસ્થાન લેશે એવું જાહેર થયું હતું પણ તેમને આવતાં જરા મોડું થયું એટલે શ્રી મજમુદાર બૅરિસ્ટરને પ્રમુખસ્થાન આપ્યું. સભામાં કલેક્ટર સાહેબ, પોલીસખાતાના અમલદારો, મૅજિસ્ટ્રેટો, મામલતદાર તથા એ બધાની કચેરીના કારકુનોએ પણ ઠીક જગ્યા રોકી હતી. ભાષણકર્તા પોતાનું ભાષણ અંગ્રેજીમાં લખી લાવ્યા હતા. તે પૂરું થયું એટલે પ્રમુખની રજા લઈ સરદાર તેનો જવાબ આપવા ઊભા થયા. તેમણે ગુજરાતીમાં શરૂ કર્યું એટલે કલેક્ટરની વિનંતીથી પ્રમુખે એમને અંગ્રેજીમાં બોલવાની સૂચના કરી. સરદારે કહ્યું કે, “હું ચર્ચા કરું એમ તમે ઇચ્છતા હો તો પછી મને જે ભાષામાં બોલવાનું યોગ્ય લાગે તે ભાષામાં બોલવાની છૂટ હોવી જોઈએ. કલેક્ટર સાહેબને તો હું ઓળખું છું. તેઓ મારા કરતાં પણ સારું ગુજરાતી જાણે છે. એમની સાથે બીજા ગોરા ગૃહસ્થ બેઠા છે તેમને હું ઓળખતો નથી. પણ જો તેઓ અમલદાર હોય તો તો એમને ગુજરાતી આવડવું જ જોઈએ.” અંતે કઈ ભાષામાં બોલવું તે પ્રમુખ સાહેબે ભાષણકર્તાના વિવેક ઉપર છોડ્યું અને સરદારે ગુજરાતીમાં બોલવાનો વિવેક વાપર્યો. પણ કલેક્ટર સાહેબથી આ સહન ન થયું, એટલે સરદારે બોલવાનું શરૂ કર્યું કે તરત તેમણે અને તેમની સાથે આવેલા ગોરા ગૃહસ્થે ઊઠીને ચાલવા માંડવાનો વિવેક વાપર્યો ! સરદારે પોતાની તળપદી ગુજરાતીમાં ભાષણકર્તાના સઘળા મુદ્દાના સચોટ રદિયા આપ્યા.
પણ સહકારીઓને વધારે ઊધડા તો એમના જ પસંદ કરેલા પ્રમુખ સાહેબે લીધા. તેમણે કહ્યું:
- “અસહકારીઓનું જોર આટલું વધી ગયું છે તેનું કારણ એ જ છે કે તેઓ ખૂબ ભાષણો કરે છે, લોકોમાં ભળે છે અને કામ કરી તેમનાં મન હરણ કરી લે છે. આપણને ‘મૉડરેટો’ ને એમ લાગે છે કે તેઓ દિશા ભૂલેલા છે, પણ આપણે લોકોને સાચી દિશા તરફ દોરવા માટે શું કર્યું? અમદાવાદમાં રા○ બ○ રમણભાઈ જેવા, શ્રી મૂળચંદ શાહ જેવા, અને દી○ બ○ હરિલાલ દેસાઈ જેવા ભારે ‘મૉડરેટો’ પડ્યા હોય છતાં અસહકારનો વિરોધ કરવાનું કામ આજના વ્યાખ્યાતા જેવા નાના માણસને માથે આવી પડે છે એ ‘મૉડરેટો’ની કર્તવ્યવિમુખતા સૂચવે છે.”
પછી તા. ૩૦મી મે અને ૧લી જૂનના રોજ પાંચમી ગુજરાત રાજકીય પરિષદ થઈ. સરદાર તેના પ્રમુખ ચૂંટાયા. એ પરિષદમાં મૌ○ મહમદઅલી અને શૌકતઅલીએ હાજરી આપી હતી. 'એક વર્ષમાં સ્વરાજ્ય’ના ઉત્સાહના પૂર જોશમાં આ પરિષદ ભરાઈ હતી. સરદારનું પ્રમુખ તરીકેનું ભાષણ એ ઉત્સાહનો પડઘો પાડે એવું હતું. આપણે કેવું સ્વરાજ્ય જોઈએ છે તેનો ખ્યાલ આપતાં તેમણે કહ્યું:
- “આપણે એવું સ્વરાજ્ય ઈચ્છીએ છીએ કે જેમાં સૂકા રોટલાને અભાવે સેંકડો માણસો મરતાં નહીં હોય; પરસેવો પાડી પકવેલું અનાજ ખેડૂતોનાં છોકરાંઓના મોંમાંથી કાઢી પરદેશ ઘસડી જવામાં નહીં આવતું હોય, જેમાં પ્રજાને વસ્ત્ર સારુ પારકા દેશ ઉપર આધાર રાખવો પડતો નહીં હોય, થોડા પરદેશીઓને સગવડ કરી આપવાની ખાતર રાજકારભાર પરદેશી ભાષામાં ચાલતો નહીં હોય, આપણા વિચાર અને શિક્ષણનું વાહન પરદેશી ભાષા નહીં હોય, રાજ્યનો કારભાર આભ અને ધરતી વચ્ચે પૃથ્વીની સપાટીથી સાત હજાર ફૂટ ઊંચેથી નહીં ચાલતો હોય, મહાન દેશભક્તોની સ્વતંત્રતા જોખમમાં હોય પણ દારૂડિયાની સ્વતંત્રતાનું રક્ષણ કરવા ખાસ કાળજી રાખવામાં આવે એવી સ્થિતિ સ્વરાજ્યમાં નહીં હોય. . . . સ્વરાજ્યમાં દેશના રક્ષણ માટે દેશને ગીરો મૂકી દેવાળું કાઢવા વખત આવે એટલું લશ્કરી ખર્ચ નહીં હોય. સ્વરાજ્યમાં આપણું લશ્કર પેટિયું નહીં હોય. તેનો ઉપયોગ આપણને ગુલામ બનાવવામાં અને બીજી પ્રજાઓની સ્વતંત્રતાનો નાશ કરવામાં નહીં થતો હોય. મોટા અમલદારોના અને નાના નોકરોના પગારની વચ્ચે આભ જમીન જેટલું અંતર નહી હોય, ઇન્સાફ અતિશય મોંઘો અને અશક્ય જેવો નહીં હોય અને સૌથી વિશેષ તો એ છે કે આપણું સ્વરાજ્ય હશે ત્યારે આપણે આપણા પોતાના દેશમાં તેમ જ પરદેશમાં જ્યાં અને ત્યાં હડે હડે નહીં થતા હોઈએ.”
બ્રિટિશ હકૂમત નીચેથી છૂટ્યા એટલે દરજ્જે આપણે સ્વતંત્ર થયા છીએ પણ ઉપર સ્વરાજ્યનું જે ચિત્ર આપ્યું છે અને તેની કેટલીક વિગતો આપી છે તેમાંની ઘણી સિદ્ધ કરવી હજી બાકી જ છે.
પશ્ચિમની પદ્ધતિ દાખલ કરવામાં કેટલું જોખમ રહેલું છે તે બાબત એમણે આપેલી ચેતવણી આજે પણ વિચારવા જેવી છે:
- “કેટલાક પશ્ચિમના સુધારાના પૂજારી છે. તેઓ રેંટિયામાં દેશને દોઢસો વરસ પાછા લઈ જવાનો ડર દેખી રહ્યા છે. પશ્ચિમનો સુધારો જગતની અશાંતિનું મૂળ છે એ તેઓ જોઈ શકતા નથી. ૨ાજા પ્રજા વચ્ચે ક્લેશ કરાવનાર, મોટી મોટી સલ્તનતોના ભુક્કા ઉડાવનાર, મહાન રાજ્યોને ગ્રહોની માફક અથડાવી પૃથ્વીનો પ્રલય આણનાર, માલિકો અને મજૂરો વચ્ચે જાદવાસ્થળી મચાવનાર પશ્ચિમનો સુધારો શેતાની શસ્ત્રો અને સામગ્રી ઉપર રચાયેલો છે. એ સુધારાનો વંટોળિયો આખા જગત ઉપર જોસભેર ફેલાતો જાય છે. તે વખતે એકલું હિંદુસ્તાન એની સામે અડગ રહી પોતાને અને બને તો જગતનો બચાવ કરવા ઇચ્છે છે. પશ્ચિમનો સુધારો હિંદમાં દાખલ કરવા ઇચ્છનારાઓની પાસે તે સુધારાને પચાવવાની શી સામગ્રી છે ? હિંદુસ્તાન એ સુધારાની પાછળ દોડતાં હમેશાં પાછળ જ રહેવાનું. તે આ ભૂમિને અનુકૂળ જ નથી. આત્મબળને પૂજનાર હિંદુસ્તાન એ શેતાનના તેજમાં કોઈ દિવસ તણાવાનું નથી.”
દેશમાં કેટલાંક શહેરોમાં અમન સભાઓ (Leagues of Peace and Order) સ્થપાવા માંડી હતી. તેનું પોગળ ખુલ્લું પાડતાં તેમણે કહ્યું :
- “સુલેહ શાંતિનાં મંડળ હિંદુસ્તાનમાં બધે ઠેકાણે નીકળવા માંડ્યાં છે. ગુજરાત એ ઢોંગ અને પ્રપંચમાંથી બચી જશે એમ હું ધારતો હતો પણ તે ખોટું પડ્યું છે. . . . અમલદારોની પ્રેરણા કે આશ્રયથી આ મંડળો સ્થપાતાં હોય તો તેથી શાંતિને બદલે અશાંતિનો ભય વધારે છે. આ મંડળ સ્થાપનારાઓનો હેતુ શો હશે એની મને સમજ પડતી નથી. શું આજ સુધી તેઓ અશાંતિ કે અરાજકતા પસંદ કરનારા હતા? તેમનો પ્રજા ઉપર કેટલો કાબૂ છે તેની એમને ખબર હોવી જોઈએ. આવાં મંડળ કાઢવાથી તેઓ પોતાનું કાર્ય સાધી શકશે કે જાણ્યેઅજાણ્યે સરકારનાં હથિયાર બની થોડીઘણી રહેલી પ્રતિષ્ઠા પણ ગુમાવશે એ વિચારવાનું કામ હું એમને સોંપું છું. શું એમને ખબર નથી કે અત્યારની હિંદુસ્તાનની અજબ શાંતિ સરકારની તોપ કે બંદૂકથી નથી રહેલી? દેશમાં જે શાંતિ વર્તી રહી છે તે તો અહિંસાત્મક અસહકારનો જ પ્રતાપ છે. શાંતિનાં મંડળો અસહકારીઓએ ગામેગામ અને શેરીએ શેરીએ લડત શરૂ કરી ત્યારથી જ સ્થાપેલાં છે. ગાડા તળે પેસી કૂતરું ગાડું ઘસડવાનું માન ખાટવા ઈચ્છે તો ભલે, પણ બકરું કાઢતાં ઊંટ ન પેસે એ યાદ રાખવાની જરૂર છે. . . ."
આ ભાષણ વિષે ‘નવજીવન’ની એક નોંધમાં ગાંધીજી જણાવે છે:
- “પ્રમુખનું ભાષણ ટૂંકું, સાદું, મુદ્દાસર અને વિનયી હતું. તેમાં જેટલો વિવેક તેટલું જ શૌર્ય હતું. હિંમત અથવા શૌર્યની સાથે તોછડાઈ, ગરમ વિશેષણો વગેરે હોવાં જ જોઈએ એમ આપણે ઘણી વાર માની લઈએ છીએ. શ્રી વલ્લભભાઈ પટેલે બતાવી આપ્યું છે કે શુદ્ધ જોરની સાથે તો શુદ્ધ સભ્યતા જ હોય.”
તા ૩૦મી જૂને કરોડ રૂપિયાનો તિલક સ્વરાજ્ય ફાળો કરવાનો કાર્યક્રમ પૂરો થયો. પછી ૩૦મી સપ્ટેમ્બર પહેલાં વિદેશી કાપડનો બહિષ્કાર પૂરો કરવાનો કાર્યક્રમ પ્રજા આગળ મૂકવામાં આવ્યો. કારણ એક વરસમાં સ્વરાજ્ય સ્થાપવાનું હતું અને ગાંધીજી કલકત્તાની ખાસ કૉંગ્રેસથી એક વર્ષ ગણતા હતા. વિદેશી કાપડનો બહિષ્કાર પૂરો કરવા માટે પહેલી ઑગસ્ટે એટલે તિલક મહારાજની પહેલી સંવત્સરીને દિવસે આખા દેશમાં-શહેરોમાં તથા ગામડે ગામડે વિદેશી કાપડની હોળી કરવાનું ઠરાવવામાં આવ્યું. એમાં અમદાવાદ અને મુંબઈની હોળીઓ કદાચ સૌથી મોટી હશે. સરદારે એમના બૅરિસ્ટરના ઝભ્ભા ઉપરાંત ડઝનબંધી સૂટો, નેકટાઈઓ, બસો અઢીસો જેટલા કોલર (કોલર મુંબઈ ધોવા મોકલતા) અને દસેક જોડી બૂટ બાળ્યા હતા. લોકોનો ઉત્સાહ પણ માતો નહોતો. હોળી શરૂ થયા પછી તેમાં લોકોએ પોતાનાં અંગ ઉપરથી કાઢીને પરદેશી વસ્ત્રો અને ટોપીઓને વરસાદ વરસાવ્યો.
પરદેશી કાપડની હોળીની સાથે જ પરદેશી કાપડની દુકાનો પર અને દારૂના પીઠાં ઉપર ચોકી શરૂ થઈ. એમાં બહેનોએ આગળપડતો ભાગ લીધો. પરદેશી કાપડના બહિષ્કારનો કાર્યક્રમ ખૂબ ઝપાટાથી ચાલ્યો, એટલે સ્વાભાવિક રીતે જ દેશમાં કાપડની તંગી ઊભી થઈ. પણ અંકુશો અને મોંઘવારીને કારણે આજે લોકો કાપડની જેવી બૂમો પાડે છે તેવી બૂમ તે વખતે લોકોએ જરા પણ પાડી નથી. રેંટિયા ચાલવા શરૂ થયા હતા પણ ખાદીની ઉત્પત્તિ કાંઈ વધારે થવા માંડી નહોતી. સરદાર પોતાના ભાષણમાં રેંટિયાની વાત કરતા તેની સાથે ખાસ ભાર ઓછાં કપડાં વાપરવા પર, થીંગડાં મારીને પહેરવા પર, કોઈ પણ સંજોગોમાં નવું કાપડ ન ખરીદવા પર મૂકતા. ત્યાર પછી કાપડની હોળીઓ તો ઘણી થઈ તેમાં સરદાર પરદેશી ટોપીઓ બળાવવા ઉપર વિશેષ ઝોક રાખતા.
સરદારે ૧૯૨૧ના ઉનાળાથી ખાદી પહેરવા માંડી. તે અરસામાં જ ઘણું કરીને ઉમરેઠની એક સભામાં ગાંધીજીની પરદેશી કાપડ બાળવાની અપીલને પરિણામે હોળી થઈ તેમાં સરદારે પોતાના માથા ઉપર વિદેશી ટોપી હતી તે નાખી અને સભામાંથી ઘણાની ટોપીઓ બળાવી. એમનાં બીજાં કપડાં સ્વદેશી એટલે આપણા દેશની મિલનાં હતાં. પણ તે કાઢી નાખી તેઓ ખાદી ધારણ કરવાનો વિચાર કરી રહ્યા હતા. એટલામાં ગોધરામાં જિલ્લા કે તાલુકા પરિષદ હતી ત્યાં ગાંધીજીની સાથે જવાનું થયું. તે વખતે મહાદેવભાઈ અલ્લાહાબાદ હતા. એટલે ગુજરાતમાં ફરવાનું હોય ત્યારે હું ઘણી વાર ગાંધીજીની સાથે જતો. અમે સવારની ગાડીમાં નીકળવાના હતા. આગલી સાંજે સરદાર આશ્રમમાં આવ્યા હતા. ત્યાં મને કહ્યું કે, તારાં કપડાંમાં બે ધોતિયાં અને બે પહેરણ વધારે લેતો આવજે. ગોધરા પહોંચીને નાહ્યા પછી સરદારે ખાદીનાં ધોતિયું પહેરણ પહેર્યાં અને મિલનાં કપડાંને કાયમની તિલાંજલિ આપી. મણિબહેન અને ડાહ્યાભાઈએ તે પહેલાં ખાદી પહેરવા માંડેલી. મણિબહેનને ઘણી વાર થતું કે હજી બાપુ ખાદી કેમ પહેરતા નથી? પણ સરદાર સાથે તેઓ વાત પણ કરતાં નહીં ત્યાં આવો સવાલ તો પૂછે જ શી રીતે? વળી તે વખતે ખાદી ઠીક ઠીક જાડી મળતી. લાંબા પનાની તો બહુ જ થોડી મળતી. એટલે ધોતિયાં અને સાડીઓ, વચ્ચે સાંધો કરીને બનાવવા પડતાં. મણિબહેને સંકલ્પ કરેલો કે, મારા કાંતેલા સૂતરનાં બાપુ (સરદાર)ને માટે ધોતિયાં વણાવવાં. પણ કાંતતાં નવું નવું શીખેલાં એટલે લગભગ દોઢ વર્ષે ૧૯૨૩ની શરૂઆતમાં સંકલ્પ પાર પાડી શક્યાં. ત્યાર પછી થોડાં વર્ષ સુધી મોટે ભાગે અને ૧૯૨૭ પછી પૂરેપૂરી મણિબહેનના કાંતેલા સૂતરની ખાદી સરદાર પહેરે છે.
દારૂના પીઠાં ઉપરની ચોકીમાં પોલીસ તરફથી અને પોલીસની હૂંફથી પીઠાંવાળાઓ તરફથી સતામણી થવા લાગી. અમદાવાદના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે ડિસ્ટ્રિક્ટ પોલીસ ઍક્ટની કલમ ૪૮ (૧) અ મુજબ હુકમ કાઢ્યો કે ચોકી કરનારા સ્વયંસેવકોની સંખ્યા પીઠા દીઠ પોલીસ મુકરર કરે તેટલી જ હોવી જોઈએ અને ચોકી કરનારાઓએ પીઠાના બારણાથી ત્રીસ ફૂટ દૂર ઊભા રહેવું જોઈએ. આ શરતોથી ચોકી લગભગ અશક્ય થઈ જતી હતી. સ્વયંસેવકો તો આ હુકમનો ભંગ કરી લડત આપવા થનથનાટ કરવા લાગ્યા. પણ સરદાર ઉતાવળ કરે એમ નહોતા. તેમણે જોયું કે પોલીસ સુપરિન્ટેન્ડેન્ટનો હુકમ સાવ કાયદા વિરુદ્ધ હતો એટલે દારૂનિષેધ સમિતિ પાસે ઠરાવ કરાવીને જાહેર કરાવ્યું કે હુકમ કાયદા વિરુદ્ધ છે અને સમિતિનો ઉદ્દેશ, પોલીસ અધિકારીઓના જેટલો જ, બલ્કે વધારે શાંતિ જાળવવાનો છે. પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ડાહ્યો માણસ હોવો જોઈએ. તે પોતાની ભૂલ સમજી ગયો. પહેલાં તે પોતાના હુકમમાં ફેરફાર કર્યો પણ પછી આખો હુકમ પાછો ખેંચી લીધો.
સપ્ટેમ્બર માસમાં લશ્કરમાં ફિતૂર ફેલાવવાના આરોપસર અલીભાઈઓને સજા કરવામાં આવી. મુંબઈના ગવર્નરે એમાં રાજદ્રોહ જોયો એટલે ગાંધીજીએ જાહેર કર્યું કે :
- “તેઓ નામદારને ખબર હોવી જોઈએ કે ચાલુ સરકાર સામે અપ્રીતિ ફેલાવવી એ તો કૉંગ્રેસનું બિરદ જ થઈ પડ્યું છે. જેને કાયદાનું રૂપ આપવામાં આવ્યું છે એવા જોર ઉપર સ્થપાયેલી આ સરકાર સામે અપ્રીતિ ફેલાવવા પ્રત્યેક અસહકારી બંધાયેલો છે. અસહકાર મૂળે ધાર્મિક અને નૈતિક પ્રવૃત્તિ હોવા છતાં ચાલુ રાજ્યતંત્રને ઇરાદાપૂર્વક ઉથલાવી નાખવા માગનારી એ પ્રવૃત્તિ છે અને તેથી ઇન્ડિયન પિનલ કોડની રૂએ અલબત્ત તે રાજદ્રોહી પ્રવૃત્તિ છે.”
આ ઉપરાંત તા. પ-૧૦-’૨૧ના રોજ સેંકડો અસહકારીઓ — જેમાં અલબત્ત સરદાર હતા જ — ની સહીથી એક જાહેરનામું બહાર પાડ્યું. તેમાં ભારપૂર્વક જણાવ્યું કે:
- “હિંદની પ્રજાકીય આકાંક્ષાઓને કચડી નાખતા આ રાજ્યતંત્રમાં કોઈ પણ હિંદીએ મુલકી અને ખાસ કરીને લશ્કરી સિપાઈ તરીકેની નોકરી કરવી એ હિંદના રાષ્ટ્રીય મોભાને ધક્કો પહોંચાડનારું છે. દરેક હિંદી સિપાઈ અને મુલ્કી નોકરની એ ફરજ છે કે તેણે સરકારની જોડેનો પોતાનો સંબંધ છોડી દેવો અને પોતાના ગુજરાનનું બીજું કાંઈ પણ સાધન શેાધી લેવું.”
આમ અલીભાઈઓને જે ગુનાસર સજા કરવામાં આવી હતી તે ગુનો લગભગ બધા જ આગેવાનોએ જાહેર રીતે કર્યો.
કચ્છના કેટલાક ભાઈઓના આગ્રહથી દિવાળી પછી ગાંધીજી કચ્છના પ્રવાસે ગયા. સરદાર સાથે હતા જ. ઉપરાંત શ્રી લક્ષ્મીદાસભાઈ, વેલાંબહેન અને તેમની પાંચ છ વર્ષની ઉંમરની દીકરી ચિ. આનંદી સાથે હતાં. મહાદેવભાઈ અલ્લાહાબાદ ગયેલા એટલે તેમની જગાએ કામ કરતા એક બંગાળી ભાઈ કૃષ્ણદાસ સાથે હતા. બધું મંડળ મુંબઈથી સ્ટીમરમાં કચ્છ ગયેલું. માંડવી બંદરે ઊતરતાં સ્વાગત કરવા આવનારાઓને મંડળની ઓળખાણ આપતાં સરદારે બહુ ઠાવકી રીતે આનંદીને ગાંધીજીએ દત્તક લીધેલી હરિજન બાળા લક્ષ્મી તરીકે અને ભાઈ કૃષ્ણદાસને એક હરિજન તરીકે ઓળખાવ્યા. તે વખતે કચ્છમાં અસ્પૃશ્યતાનું જોર બહુ ભારે હતું એ સરદાર જાણતા હતા. લક્ષ્મી નામની હરિજન બાળાને ગાંધીજીએ દત્તક લીધાનું થોડા જ વખત ઉપર જાહેર થયું હતું. એટલે સરદારે સ્વાગત કરનારાઓને મૂંઝવવા આ વિનોદ કર્યો. અને તે આખા પ્રવાસમાં ચાલુ રાખ્યો. જ્યાં જાય ત્યાં ગમે ત્યાંથી પ્રસંગ કાઢીને સરદાર ભાઈ કૃષ્ણદાસનું અને આનંદીનું આ પ્રમાણે ઓળખાણ આપવાનું ચૂકતા નહીં. જે બે ચાર ભાઈઓના પ્રયાસથી ગાંધીજીને આમંત્રણ અપાયેલું તેઓ તો અસ્પૃશ્યતાનિવારણના હિમાયતી હોઈ તેમને જરાય હરકત નહોતી, પણ સરદારના આ અમલી વિનોદથી તેમની મુશ્કેલી બહુ વધી. કયે કયે ગામે જવું એ કાયક્રમ અગાઉથી જાહેર થઈ ચૂકેલો હતો. ગાંધીજીની સાથે હરિજનો છે એ વાત જાણ્યા પછી કેટલાંક ગામના લોકો એમને બોલાવવા નારાજ હોય તો પણ ગાંધીજી કાર્યક્રમમાં ફેરફાર થવા દે જ નહીં. એટલે જેમને ત્યાં ઉતારાનું ગોઠવ્યું હોય તે લોકોએ પોતાને ત્યાં ગાંધીજી અને એમની મંડળીને ઉતારવાની ના પાડી, એવા દાખલા પણ બન્યા. એવી જગ્યાએ ધર્મશાળામાં ઉતારો ગોઠવવો પડ્યો. પોતાને ઘેર ગાંધીજીને જેમણે ઉતાર્યા અને મંડળીને જમાડી તેમણે ગાંધીજીની મંડળીને અછૂત ગણી ઊંચેથી પીરસ્યું અને એમના ગયા પછી આખું ઘર ધોઈ નાખ્યું, એવા દાખલા પણ બન્યા. એક ગામે તો ધર્મશાળામાં પણ ગાંધીજીની મંડળી માટે કોઈ રસોઈ કરનાર ન મળ્યું, એટલે સૌએ હાથોહાથ રસોઈ કરી લીધી. કેટલાંક ગામે સભામાં ધાંધલ થયાં. છતાં સરદારે તો કચ્છ છોડ્યું ત્યાં સુધી ઠાવકે મોઢે પોતાનો વિનોદ ચાલુ રાખ્યો અને ગાંધીજીને કચ્છનાં ખરાં દર્શન કરાવ્યાં.
આ આખા વરસ દરમ્યાન વાઈસરૉય અને ગવર્નરથી માંડીને કલેક્ટર સુધીના ગોરા અમલદારો અસહકારની હિલચાલથી સારી પેઠે મૂંઝાઈ ગયા હતા. એની સામે શા ઉપાયો લેવા તે એમને સૂઝતું ન હતું. કાંઈ પણ કરવા જતા તો તેથી ચળવળ ઊલટાનું વધારે જોર પકડતી અને તેઓ બની જતા. છેવટે વાઈસરૉયને એક નવો તુક્કો સુઝ્યો. હિંદી લોકોમાં રાજા અને રાજકુટુંબ પ્રત્યે એક પ્રકારનો ભક્તિભાવ હોય છે, માટે યુવરાજને હિંદુસ્તાનમાં બોલાવી બધે ફેરવીએ અને એની પાસે ભાષણો કરાવીએ તો લોકોનું ધ્યાન બીજી તરફ ખેંચાય, લોકોને અસહકારમાંથી પાછા વળાય અને ગાંધીજીની લોકપ્રિયતામાં પણ ઘટાડો થાય, આવી તરંગી ગણતરી કરીને તેમણે યુવરાજની હિંદમાં પધરામણી કરવાનું નક્કી કર્યું. યુવરાજને બોલાવવામાં ચોક્કસ રાજદ્વારી ઉદ્દેશ હતો, છતાં લૉર્ડ રીડિંગે જાહેર કર્યું કે યુવરાજ પોતાની ભાવિ હિંદી પ્રજા પ્રત્યેના સદ્ભાવ અને પ્રેમની વૃત્તિને આધીન થઈને જ હિંદુસ્તાન આવે છે. યુવરાજના આગમનની વાત સાંભળી કે તરત જ ગાંધીજીએ જાહેર કર્યું હતું કે, વ્યક્તિ તરીકે રાજા કે યુવરાજ પ્રત્યે અમારા દિલમાં અપ્રીતિ નથી. પણ યુવરાજ અત્યારે સલ્તનતના એક પ્રતિનિધિ તરીકે અહીં આવે છે, અને આ સલ્તનતને મિટાવી દેવાની આખા દેશે લડત ઉપાડી છે તે વખતે તેઓ અહીં ન આવે એમાં જ એમની શોભા છે. એમ છતાં પ્રજાની લાગણીઓને તુચ્છકારી એમને અહીં લાવવામાં આવશે તો એમના માનમાં થનારા તમામ માનમેળાવડા, સરઘસ વગેરેનો બહિષ્કાર કરવાની પ્રજાને મારે સલાહ આપવી પડશે. ગાંધીજીની આ ચેતવણીની સરકારે અવગણના કરી અને યુવરાજ હિંદુસ્તાન આવ્યા. ૧૭મી નવેમ્બરે તેઓ હિંદુસ્તાનને કિનારે મુંબઈ બંદરે ઊતર્યા. તે દિવસે આખા દેશમાં સોગ પાળવામાં આવ્યો અને હડતાળો પડી. પણ આમવર્ગની ઉશ્કેરણીના કેટલાક પ્રસંગ બન્યા તેને પરિણામે મુંબઈમાં તોફાનો થયાં. તે દિવસે ગાંધીજી મુંબઈમાં હતા. એમણે તોફાનો શમે નહીં ત્યાં સુધી અનશન જાહેર કર્યું. શહેરના તમામ કોમના આગેવાનો મુંબઈમાં લત્તે લત્તે શાંતિ સ્થાપવા ફર્યા. ગાંધીજીને શાંતિ સ્થપાયાની ખાતરી થઈ એટલે તેમણે તા. ૨૨મીએ પોતાના ઉપવાસ છોડ્યા. વર્ષ પૂરું થતાં પહેલાં સ્વરાજ્ય ન મળે તો ગાંધીજી પોતે પસંદ કરેલા ક્ષેત્રમાં સામુદાયિક સવિનય ભંગની લડત ઉપાડવાના હતા. પણ મુંબઈનાં તોફાનને લીધે એ કાર્યક્રમ તત્કાળ પૂરતો મુલતવી રાખ્યો અને ક્યારે લડત ઉપાડવી તેનો વિચાર અમદાવાદમાં ડિસેમ્બર આખરે કૉંગ્રેસ ભરાય તે વખતે કરવાનું રાખ્યું. દરમ્યાન લોકો ઉપર બરાબર કાબૂ રાખી શકે અને શિસ્તનું પાલન કરી તથા કરાવી શકે એવાં સ્વયંસેવક દળ રચી તેમને સંગઠિત કરવાનું કૉંગ્રેસે નક્કી કર્યું. એની સામે સરકારે છૂટેદોર દમન શરૂ કર્યું. કૉંગ્રેસના સ્વયંસેવક દળોને ગેરકાયદે ઠરાવ્યાં અને અખિલ ભારતીય ગણાતા ઘણાખરા નેતાઓને પકડી લીધા. આમાં દેશબંધુ દાસ, પંડિત મોતીલાલ નેહરુ, પંડિત જવાહરલાલ, પુરુષોત્તમદાસ ટંડન, લાલા લજપતરાય, મૌલાના અબુલ કલામ આઝાદ, રાજાજી, એ મુખ્ય ગણાય, તે ઉપરાંત પચીસથી ત્રીસ હજાર નાના મોટા કાર્યકર્તાઓ તથા સ્વયંસેવકને પકડ્યા. છતાં જયાં જ્યાં યુવરાજ ગયા ત્યાં ત્યાં એમનો સખત બહિષ્કાર થયો. એમનું સરઘસ નીકળે ત્યાં રસ્તાની બાજુએ લોકો કાળા વાવટા લઈને ઊભા રહેતા, અને મકાનોનાં બારીબારણાં તથા દુકાનો બંધ રાખતા. આ સ્થિતિ લાહોર, દિલ્હી, અલ્લાહાબાદ, પટણા વગેરે શહેરોમાં થઈ. છેવટે કલકત્તામાં યુવરાજ પહોંચે તે પહેલાં સમાધાન થાય તો ત્યાં ખરાબ દેખાવો થતા અટકે એ હેતુથી વાઈસરૉયે એક પેંતરો રચ્યો. તેમણે માલવિયાજીને સાધ્યા. યુવરાજનો બહિષ્કાર ગાંધીજી પાછો ખેંચી લે તો પોતે રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સ બોલાવવા તૈયાર છે એમ તેમને કહ્યું. તે ઉપરથી માલવિયાજીએ તા. ૧૬મી ડિસેમ્બરે ગાંધીજીને તાર કર્યો કે:
- “સાત જણનું પ્રતિનિધિમંડળ વાઈસરૉયના મન ઉપર રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સની જરૂર ઠસાવવા માટે તા. ૨૧મીએ તેમને મળે એવી હું તજવીજ કરું છું. જો તેઓ પરિષદની વાત કબૂલ કરે અને દમન બંધ કરી નેતાઓને મુક્ત કરે તો તમે શાહજાદાના સત્કારનો વિરોધ છોડી દેશો અને પરિષદ ખતમ થતાં સુધી સવિનય ભંગ મુલતવી રાખશો એમ વાઈસરૉયને જણાવવાને તમારી પરવાનગી ઈચ્છું છું”
બંગાળ સરકારે જેલમાં બેસાડેલા દેશબંધુ દાસ સાથે ખાનગીમાં મસલત કરી, તેમની તથા અબુલ કલામ આઝાદ પાસે ગાંધીજી ઉપર નીચે પ્રમાણે તાર કરાવ્યા:
- “કલકત્તા, તા. ૧૯મી ડિસેમ્બર. નીચેની શરતોએ હડતાલ ખેંચી લેવાની અમે ભલામણ કરીએ છીએ: ૧. કૉંગ્રેસે કાઢેલા બધા પ્રશ્નોનો વિચાર કરવા સરકાર એક પરિષદ તરત નીમે. ૨. સરકારે તાજેતરમાં જે જાહેરનામું બહાર પાડ્યું છે તે તથા પોલીસ તથા મૅજિસ્ટ્રેટોના હુકમો પાછા ખેંચી લે. ૩. આ નવા કાયદાની રૂએ પકડેલા બધા કેદીઓને બિનશરતે છોડી દે. તરત જવાબ આપો.”
- ગાંધીજીએ જવાબ આપ્યો:
- “તાર પહોંચ્યો. પરિષદના સભ્યોનાં નામ તથા તારીખ અગાઉથી નક્કી થવાં જોઈએ. છોડવાના કેદીઓમાં ફતવા માટે પકડાયેલા — કરાંચીના સુધ્ધાં — કેદીઓનો સમાવેશ થવો જોઈએ. તમારી શરતો ઉપરાંત આટલી હોય તો મારે મતે હડતાલ પાછી ખેંચી લઈ શકીએ.”
ગાંધીજીની શરતોમાં અલીભાઈઓ અને લશ્કરમાં ફિતૂર કરવાના આરોપસર સજા પામેલા બીજા કેદીઓનો સમાવેશ થતો હતો. સરકારે આ શરતો કબૂલ ન કરી અને કલકત્તામાં પણ યુવરાજના સત્કારના બીજાં શહેરો જેવો જ ફજેતો થયો. દેશબંધુ દાસને ગાંધીજીએ ગ્રહણ કરેલું ધોરણ પસંદ ન પડ્યું અને છૂટ્યા પછી જાહેરમાં “ગાંધીજીએ ભારે થાપ ખાધી, તુમાખીમાં તુમાખી સરકાર નમવા તૈયાર થઈ હતી, પણ છબરડો વાળ્યો. હાથમાં આવેલી બાજી બગાડી” વગેરે ટીકાઓ કરી. આમાં ગાંધીજીએ થાપ ખાધી કે દાસબાબુ થાપ ખાવા તત્પર થયા હતા એ વાચકે વિચારવા જેવું છે. અનિશ્ચિત પરિષદના અધ્રુવ વચન ઉપર વિશ્વાસ રાખી યુવરાજના સ્વાગતનો બહિષ્કાર પાછો ખેંચી લેવા ગાંધીજી તૈયાર ન હતા, ત્યારે એવા વચન ઉપર દાસબાબુ આશાના કિલ્લા ચણી રહ્યા હતા. છૂટનારા કેદીઓમાં કરાંચી કેસના અને ફતવાવાળા કેદીઓને શામેલ કર્યા વિના હડતાલ ઉઠાવવાનો વિચાર સુધ્ધાં ગાંધીજીને સ્પર્શ કરી શકતો નહોતો, જ્યારે દાસબાબુ કેદીઓને જેલમાં પડ્યા રહેવા દેવા તૈયાર હતા. વળી આ પરિષદ જે કાંઈ ઠરાવ ઉપર આવે તે ઠરાવ સરકારને બંધનકારક થશે એવી કબૂલત દાસબાબુ મારફત મોકલેલી શરતોમાં ક્યાં હતી? કશી બાજી હાથમાં આવ્યાનું ઉપરના તારમાં હતું જ નહીં.
એટલામાં અમદાવાદની કૉંગ્રેસની તારીખો આવી પહોંચી. એ અધિવેશનને આપણે અલગ પ્રકરણ જ આપીશું. અસહકારના આખા વર્ષમાં ઉપર જણાવેલી પ્રવૃત્તિઓ ઉપરાંત સરદારે અમદાવાદ મ્યુનિસિપાલિટી મારફત કેળવણી બાબતમાં સખત અસહકાર ચલાવેલ અને નડિયાદ તથા સુરત મ્યુનિસિપાલિટીઓને એવી જાતના અસહકારમાં દોરવણી આપેલી એની વિગતો પણ અલગ અલગ પ્રકરણમાં આપી છે.
- ↑ હિંદુસ્તાનમાં નવા દાખલ થનારા રાજકીય સુધારાને લગતા બાદશાહી ઢંઢેરામાં અમૃતસરની કૉંગ્રેસ વખતે ગાંધીજીની આંખ આશાનાં કિરણો જોતી હતી. પંજાબ ને ખિલાફતના પ્રશ્નો તે વખતે પણ હતા જ. પણ તે વખતના ભારત મંત્રી મૉન્ટેગ્યુ હિંદને દગો નહીં થવા દે એમ ગાંધીજી આશા રાખતા હતા. દેશબંધુ દાસનો દૃઢ અભિપ્રાય હતો કે સુધારાને છેક અસંતોષકારક અને અધૂરા ગણી ફેંકી દેવા જોઇએ. લોકમાન્ય એટલે સુધી નહોતા જતા છતાં દેશબંધુ જે ઠરાવ પસંદ કરે તેની તરફ પોતાનું વજન નાખવાનો એમનો નિશ્ચય હતા. આ રીતે અનુભવી અને બહુમાન્ય નેતાઓથી ગાંધીજીનો મત ભિન્ન હતો. તેમને એ કઠતું હતું. પણ એમનો અંતર્નાદ એમને સ્પષ્ટ કહેતો હતો કે બ્રિટિશ રાજપુરુષો ઉપર વિશ્વાસ મૂકી સુધારા સ્વીકારવા જોઈએ. એટલે કૉંગ્રેસમાં દેશબંધુ દાસના ઠરાવ ઉપર ગાંધીજીએ સુધારો મૂક્યો. ભાષણ થયાં. સામસામે મત લેવાવાની અણી સુધી મામલો પહોંચ્યો. એટલામાં સમાધાનીનો પ્રયાસ કરનારાઓએ ગાંધીજીના સુધારામાં થોડોક ફેરફાર સૂચવ્યો જે ગાંધીજી અને દેશબંધુ બંનેએ સ્વીકારી લીધો. એની વિગતો માટે જુઓ. ડૉ. પટ્ટાભી કૃત કૉંગ્રેસનો ઇતિહાસ.