સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો/નિવેદન
સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો નિવેદન નરહરિ પરીખ |
પ્રસ્તાવના → |
.
નિવેદન
૧
હિંદમાં બ્રિટિશ હકૂમત શરૂ થયા પછી ૧૮૫૭ની સાલમાં તેની સામે લગભગ હિંદવ્યાપી કહી શકાય એવો પહેલો બળવો થયો. બ્રિટિશ અમલ ચલાવનારાઓએ તેને દાબી દીધો એટલું જ નહીં, હિંદમાં સ્થપાયેલા પોતાના અમલની સામે ફરી પડકાર થાય એવી સ્થિતિ સુધ્ધાં આપણે રહેવા દીધી નથી એમ એમણે નિરાંત અનુભવવા માંડી. પરંતુ કોઈ પણ પ્રજાની સ્વતંત્રતાની ઝંખના દાબી દબાતી નથી એ સત્યના પુરાવારૂપે ત્યાર પછી માત્ર દોઢ કે બે પેઢીના ગાળા બાદ ૧૮૮૫ની સાલમાં હિંદી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કૉંગ્રેસની સ્થાપના થઈ. કૉંગ્રેસે પોતાની કારકિર્દીના આરંભથી જ પ્રજાની રાષ્ટ્રીયતાની ભાવનાને જગાડવાનું ને કેળવવાનું કામ શરૂ કર્યું. ત્યાર પછીના ઇતિહાસનું નિરીક્ષણ કરનાર સૌ કોઈ કબૂલ કરશે કે એ જાગૃતિ અને રાષ્ટ્રીયતાની ભાવનાની કેળવણીના ફળરૂપે આખરે આ દેશ પરથી પરદેશી હકૂમત ઊઠી ગઈ.
એ જ ઇતિહાસનું નિરીક્ષણ કરનારને બીજી એક હકીકત પણ ધ્યાનમાં આવ્યા વગર રહે એવી નથી. ગઈ સદીની આખરનાં પંદર અને ચાલુ સદીની શરૂઆતનાં બીજાં પંદર મળીને ત્રીસ વર્ષના ગાળા દરમિયાન થયેલા હિંદના પ્રજાજીવનના વિકાસની ગતિ અને પ્રકારમાં અને ત્યાર પછીનાં ૧૯૪૭ની સાલ સુધીનાં બત્રીસ વર્ષ દરમિયાન થયેલા વિકાસની ઝડપ અને પ્રકારમાં મોટો અને મૂળભૂત ફેરફાર દેખાઈ આવે છે. ૧૯૧૫ના આરંભમાં ગાંધીજીએ હિંદના રાષ્ટ્રીય જીવનમાં પ્રવેશ કરી અહીં સત્યાગ્રહની કાર્યપદ્ધતિ અમલમાં મૂકવા માંડી તેથી એ મોટો ફેરફાર થવા પામ્યો હતો.
આખા હિંદની વાત જવા દઈ અહીં ઘરઆંગણે ગુજરાતની વાત લઈએ તો એ ફેર વધારે સ્પષ્ટતાથી જોવાનો મળે છે. એક તો ગાંધીજીએ પોતાના વસવાટના સ્થાન માટે અમદાવાદને પસંદ કર્યું અને બીજું, ગુજરાતની ભૂમિને સત્યાગ્રહની કાયપદ્ધતિના અમલને માટે પસંદગી આપી ગુજરાતની પ્રજાને સત્યાગ્રહને માર્ગે વાળી તેથી એ ફરક ઉપર ઉપરથી જોનારને પણ અહીં વરતાયા વિના રહેતો નથી.
એ ફેર અહીં ગુજરાતમાં ચોખ્ખો જોવા મળે છે તેનું બીજું પણ એક મહત્ત્વનું કારણ છે. ગાંધીજીની કાર્યપદ્ધતિનું અસરકારકપણું જેમાં પોતાના પ્રાંતની પ્રજાની જાગૃતિ, કેળવણી તેમ જ તેના ઘડતર માટે તેને અપનાવનારા સમર્થ આગેવાનો ગાંધીજીને હરેકેહરેક પ્રાંતમાંથી આવી મળ્યા. ગુજરાતને સદ્ભાગ્યે સત્યાગ્રહની કાર્યપદ્ધતિ વિષેની દૃઢ નિષ્ઠાવાળા, શિષ્યને છાજે એવી નમ્રતાથી એ પદ્ધતિ તેના પ્રણેતા પાસેથી બરાબર શીખી તેનો અમલ કરવાની વૃત્તિવાળો અને એ પદ્ધતિના અમલને માટે જરૂરી કુનેહ, બાહોશી અને વ્યવસ્થાશક્તિવાળો બિલકુલ નીડર અને અત્યંત તેજસ્વી આગેવાન પણ ગાંધીજીને ગુજરાતમાં મળી ગયો. પણ બીજા પ્રાંતોમાંથી ગાંધીજીને આવી મળેલા આગેવાનો વચ્ચે અને સરદાર વલ્લભભાઈ પટેલ વચ્ચે એક મોટો ફેર હતો. તેમણે અંગ્રેજી ને બૅરિસ્ટરીની કેળવણી લીધી હતી અને બૅરિસ્ટરી કરી હતી ખરી પણ તેમનું હાડ ખેડૂતનું છે. ગુજરાતનાં ગામડાંના જીવનનો તેમને બાળપણથી અનુભવ હતો. બલ્કે તેઓ શહેરમાં નહીં પણ પોતાના વતનના ગામડામાં મોટા થયા હતા.
જે બે ગાળાની પ્રજાજાગૃતિના વેગ ને પ્રકારમાં મોટો ફેર હોવાની વાત મેં કરી છે તેમાંનાં પાછલાં બત્રીસ વર્ષના ગાળામાં થયેલી ગુજરાતી બોલનારી પ્રજાની જાગૃતિ અને તેના ઘડતરની કથા જેવી અદ્ભુત છે તેવી જ સત્યાગ્રહની કાર્યપદ્ધતિ તેમ જ ગુજરાતના પ્રજાકીય જીવનના વિકાસ ને કાર્ય પદ્ધતિ સમજવા માગનારને માટે બારીકાઈથી અભ્યાસ કરવા જેવી છે. આ સદીની શરૂઆતનાં વર્ષોમાં થયેલી એ જાગૃતિ નિર્માણ કરનારાં બળોનો ભાવિ પેઢીઓને પરિચય થાય તેટલા ખાતર પણ એ ઇતિહાસ સંઘરી રાખવાની જરૂર છે. એ ગાળાના પ્રજાજીવનના વિકાસનો સાંગોપાંગ ઇતિહાસ તો જ્યારે લખાય ત્યારે ખરો; એમાં ભાગ લેનાર પ્રમુખ વ્યક્તિઓનાં ભાષણો, લખાણો તે ચરિત્રોમાંથી પણ એ બળોનો ખ્યાલ આવી શકે તેમ છે.
ગાંધીજીનાં ભાષણો ને લખાણ વ્યવસ્થિત રીતે સંઘરી બહાર પાડવાનું કામ નવજીવન સંસ્થા વર્ષોથી કરે છે. તેમનું સાંગોપાંગ ચરિત્ર લખવાનું કાર્ય પણ નવજીવન તરફથી ભાઈ પ્યારેલાલે હાથ પર લીધું છે. આ જ આશયથી સરદાર વલ્લભભાઈ પટેલનાં ભાષણોના સંગ્રહનો એક ભાગ નવજીવને ગયે વરસે બહાર પાડ્યો છે. તેની સાથે એમનું જીવનચરિત ગુજરાતની પ્રજાની આગળ મૂકવાની મને ખૂબ ઉત્કંઠા હતી. એ માટે સામગ્રી પણ મેં બને ત્યાંથી એકઠી કરી રાખી હતી, પણ એ સામગ્રીને વ્યવસ્થિત ગોઠવી ને બીજી ઘટતી મેળવી એમાંથી સરદારના ચરિત્રનું પુસ્તક તૈયાર કરી આપવાનું શ્રી નરહરિભાઈએ હોંસથી માથે લીધું ત્યાં સુધી મારી એ ઈચ્છા પાર પડી નહોતી. આજે એ અમુક અંશે પાર પડી છે ને સરદાર વલ્લભભાઈના ચરિત્રનો પૂર્વભાગ ગુજરાતી પ્રજાની આગળ રજૂ કરતાં મને આનંદ થાય છે.
સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલના ચરિત્રની આજની તેમ જ હિંદની ભાવિ પ્રજાને બીજી એક દૃષ્ટિથી પણ જરૂર છે. પંડિત જવાહરલાલે એક ઠેકાણે કહ્યું છે કે જે લોકોએ ગાંધીજીની સાથે રહીને કામ કર્યું છે તે સિવાયના બીજાને માટે અને ભાવિની પ્રજાને માટે ગાંધીજી એક પૌરાણિક કથાના પાત્ર જેવી વ્યક્તિ બની ગયા છે. ગાંધીજી વિષે પંડિત નેહરુએ કહેલી આ વાત તેમની સાથે રહી હિંદની પ્રજાનું ઘડતર કરનાર તથા હિંદની આઝાદીની લડતમાં આગળ પડતો ભાગ લેનાર તેમના સાથીઓમાંના ખુદ પંડિત નેહરુ, સરદાર વલ્લભભાઈ, રાજેન્દ્રપ્રસાદ ને ચક્રવતી રાજગોપાલાચાર્ય જેવા પુરુષોની બાબતમાં પણ અમુક અંશે સાચી છે. એથી આ સમર્થ, પ્રભાવશાળી તેમ જ પોતાના જમાનાના ઇતિહાસ પર છાપ મૂકી જનારા બધા પુરુષોનો સાચો પરિચય આપનારાં ચરિત્રો લખાય એ ભાવિ પ્રજાની કેળવણીની દૃષ્ટિથી જરૂરી છે. એમાંના ગાંધીજી, પંડિત જવાહરલાલ, રાજેન્દ્રબાબુ વગેરેએ પોતાનાં લખાણો અને આત્મકથાઓ આપણને આપ્યાં છે. એક સરદાર વલ્લભભાઈ એમાંના એવા પુરુષ છે જેમનાં ખાસ કાંઈ લખાણો આપણી પાસે નથી અને પોતાના મિત્રો આગળ પ્રસંગોપાત્ત એમણે પોતાના જીવનની કાંઈક વાત કરી હશે તે સિવાય બીજું આત્મકથા જેવું એમની પાસેથી આપણને કશું મળ્યું નથી. આથી એમની હયાતી દરમિયાન એમની આંખ તળેથી પસાર થયેલું એમનું ચરિત્ર લખાય એ બહુ જરૂરનું હતું.
વળી, રાજકારણના ક્ષેત્રમાં નીડરતાથી પોતાનો પક્ષ રજૂ કરનાર, ઢીલા લોકોને પોતાના આગ્રહથી તેમ જ પ્રેમથી કાબૂમાં રાખી સીધે રસ્તે દોરનાર, અને અનેક વિરોધીને માત કરનાર આ પુરુષને વિષે સાચી ખોટી અનેક વાતો પણ પ્રચલિત થયેલી છે. તે પરથી સરદાર પટેલનું જે ભ્રામક ચિત્ર લોકમાનસમાં ઊઠે છે તેને સ્થાને તેમના સ્વભાવનું ને ચારિત્ર્યનું સાચું ચિત્ર પ્રજાને મળવું જોઈએ.
ઘણાં લોકો માને છે ને સમજે છે કે સરદાર પટેલે રાજકારણના ક્ષેત્રમાં સફળતા ને સિદ્ધિ પોતાના આપખુદ જોહાકીવાળા સ્વભાવથી અને સામાને માત કરવાને તરેહ તરેહના પેંતરા રચવાની કુશળતાથી મેળવી છે. એને અંગે તરેહ તરેહની વાતો પણ લોકોમાં ફેલાયેલી છે ને ફેલાયા કરે છે. સરદાર પટેલનું આ ચિત્ર કેટલું ખોટું છે અને રાજકારણના ક્ષેત્રમાં એમણે મેળવેલી સફળતા અને પ્રજાના હૃદયમાં એમણે મેળવેલું સ્થાન પ્રજાના હિતને માટે એમણે આદરેલી કેવી સાધનાને આભારી છે તે આ ચરિત્રનાં પ્રકરણ સ્પષ્ટ કરે છે.
બીજી એક માન્યતા એવી ફેલાયેલી છે કે સરદાર પટેલ સત્યાગ્રહના સિદ્ધાંતનો કક્કોયે સમજતા નથી ને સમજવા માગતા નથી. ગાંધીજી હિંદમાં આવ્યા તે પછી આ દેશની પ્રજાને ધર્મની વાતોથી ઊંધે રસ્તે ચડાવનાર સાધુઓની જમાતમાંના જ આ કોઈક છે એવી સાશંક દૃષ્ટિથી શરૂઆતમાં ગાંધીજી તરફ જોનાર, પણ પાછળથી એ પુરુષની વાણીમાંથી સત્યનો ને અભયનો રણકાર ઊઠે છે એ જોતાંવેંત તેમની સાથે તેમનાં કામમાં નમ્રભાવે જોડાઈ તેમણે આપેલા પાઠો ધીરજથી વર્ષો સુધી પચાવનાર, તેમની ઇચ્છા ને આદેશોનું ચીવટથી પાલન કરનાર અને સત્યાગ્રહનો મોટાં મોટાં પ્રજાકીય હિતનાં ક્ષેત્રોમાં અમલ કરી બતાવનાર આ સમર્થ લોકનાયકની સત્યાગ્રહની સમજ કેટલી ઊંડી છે તે પણ આ ચરિત્રમાંથી જોવાનું મળે છે.
સરદાર પટેલનાં ભાષણો પરથી તેમના ચારિત્ર્યનાં કેટલાંક લક્ષણો તેમની શૈલી દ્વારા પ્રગટ થાય છે. ખાસ કરીને અન્યાયની ચીડ અને હિંદના નરમ પ્રકૃતિના ખેડૂતને માટેની તેમની ઊંડી લાગણી તેમનાં ભાષણોમાંથી જોવાનાં મળે છે. પણ પ્રજાને સંગઠિત કરવાને માટે જરૂરી વ્યવસ્થાશક્તિ, ઘણા લોકોને સાથે રાખી તેમની પાસે ધારેલું કામ પાર પડાવવા ને તેમને એકઠા રાખવાને જરૂરી બાહોશી અને પ્રેમ, દુ:ખી અને સંકટમાં આવી પડેલાંઓની મદદે દોડી જવાની તાલાવેલી, કોઈ પણ મુદ્દાને પકડી તેને પાર કાઢવાને જરૂરી તીક્ષ્ણ વિચક્ષણ બુદ્ધિ અને એવાં બીજાં સરદાર પટેલમાં રહેલાં લોકનાયકનાં આવશ્યક લક્ષણો આ ચરિત્ર વિના આપણને જોવા કે સમજવાનાં ન મળત.
મોટાં વહીવટી તંત્રો ઊભાં કરવાની, તેમના પર કાબૂ રાખવાની અને તેમને સીધે રસ્તે દોરવાની હથોટી આજના જમાનામાં અત્યંત જરૂરી છે. સરદાર પટેલમાં એ કામ પાર પાડવાની શક્તિ બીજરૂપે પહેલેથી જ હતી એ હકીકત પણ આ ચરિત્રમાંથી આપણને બરાબર જોવાની મળે છે.
પરંતુ એ સૌથીયે વધારે એમનામાં રહેલી તત્વનિષ્ઠા, ગાંધીજી તરફની વફાદારી અને સ્વરાજની પ્રાપ્તિને માટે પ્રજાને લડતોને રસ્તે કેળવી તાકાતવાળા બનાવવાની આકાંક્ષાનું દર્શન આ પ્રકરણો આપણને સ્પષ્ટપણે કરાવે છે.
આ પ્રકરણો વાંચી જનાર સૌ કોઈ જોઈ શકશે કે સરદાર પટેલમાં સૂતી પડેલી બીજરૂપ શક્તિઓને જગાડી પ્રજાની કેળવણીને તેમ જ સેવાને માર્ગે વાળનાર ગાંધીજી છે એમ સરદાર પોતે અનેક સ્થળોએ સ્વીકારે છે. પરંતુ એના કરતાંયે આ પ્રકરણો પરથી જે હકીકત જાણવાની મળે છે તે એ છે કે ગાંધીજીને માર્ગે પ્રજાને ઘડવાને જરૂરી સાધના સરદાર પટેલે ખૂબ ચીવટથી, ધીરજથી અને ખંતથી વર્ષો સુધી કરી હતી. આ પુસ્તકમાં એક રીતે કહીએ તો એ સાધનાના કાળની વિગતો જ આવી છે. એ સાધના મારફતે સરદારે જે જે શક્તિ કેળવી તેનો લાભ હિંદની પ્રજાને કેવી રીતે મળે અને દેશની સ્વતંત્રતાની લડત પાર પાડવામાં ને તે પાર પડ્યા પછી વસમા વખતમાં દેશનું સુકાન ધીરજ તેમ જ દૃઢતાથી સંભાળી આજે તે શક્તિઓનો તેઓ કેવો ઉપયોગ કરે છે તેની વિગતો હવે પછી પ્રગટ થનારા આ ચરિત્રના ઉત્તર ભાગમાં આવશે. એ ભાગ પૂરો કરી આપવાનું નરહરિભાઈએ માથે લીધેલું છે એ જાણીને વાચકો રાજી થશે.
બીજી એકબે વાતો પણ અહીં નોંધી લેવી જોઈએ. સરદારને વિષે એક એવી માન્યતા પ્રચલિત છે કે રચનાત્મક કાર્યક્રમને વિષે એઓ કશું સમજતા નથી ને તેની એમને કશી પડી નથી. પ્રજાને કેળવવાને કેવાં કેવાં રચનાત્મક કામ કરવાનાં રહે છે તેનો ખ્યાલ ઝાઝા લોકોને હોતો નથી. પરંતુ ગાંધીજીની સાથે જોડાયા પછી સરકારે રાષ્ટ્રીય કેળવણીના ક્ષેત્રમાં સરકાર સામે પાર પાડેલાં કામો, ખાદીના ક્ષેત્રમાં કરેલાં કામો, રેલસંકટ પછી ફરી વ્યવસ્થા ઊભી કરવાને સમે કરેલાં કામો, ગૂજરાત વિદ્યાપીઠના ઘડતર અને સંગોપનમાં બતાવેલી કાળજી, અમદાવાદ શહેરના વિકાસને માટે મ્યુનિસિપાલિટી મારફતે કરેલો શ્રમ, એ બધાં પરથી રચનાનાં કાર્યો વિષે સરદારને કેવો આગ્રહ અને મમતા છે. એનો ચોખ્ખો ખ્યાલ મળી રહે છે.
બીજું સરદારને વિષે એમ મનાય છે કે એમને કુટુંબજીવન જેવું કશું નહોતું ને નથી, ને એ બાબતની લાગણી પણ નથી. એક રીતે રાષ્ટ્રના કાર્યમાં પડ્યા પછી સરદાર પટેલે અંગત જીવનની, કુટુંબ જીવનની અને એવી બીજી જંજાળ વધારે પડતી રાખી નથી એ સાચું છે. રાષ્ટ્રની સેવાની ફરજ સાથે લીધા પછી છેક સંન્યાસીની માફક નહીં તો તપસ્વીની માફક એમણે પોતાનું જીવન વીતાવ્યું છે એમ પણ આ પ્રકરણો પરથી જણાય છે. પરંતુ શરૂઆતનાં પ્રકરણોમાં આપવામાં આવેલી કુટુંબજીવનની વિગતો પરથી અને ‘ગૃહજીવનમાં ડોકિયું’ એ સ્વતંત્ર પ્રકરણ પરથી સરદારને પોતાનાં નિકટનાં સગાં અને પોતાનાં બાળકો માટે કેવો ઊંડો પ્રેમ હતો ને તેમની સેવા કરવાને તે હમેશ કેટલું કરતા રહેતા એ સાફ દેખાય છે. પોતાની ઉત્કટ લાગણીઓને ઊંડાણમાં સંઘરી રાખવાની ને એ વિષે કદી ઝાઝું ન બોલવાની પ્રકૃતિમાંથી ઊભી થયેલી સરદાર વિષેની આ ખોટી સમજ પણ આ ચરિત્રનાં પ્રકરણોથી દૂર થાય છે.
૩
નવજીવન સંસ્થાના કાર્યને અંગે મારું ગાંધીજી, સરદાર અને મહાદેવભાઈ તેમ જ બીજા મુરબ્બીઓ સાથે સંબંધમાં આવવાનું થયું. સંસ્થા સાથેના અને તેના કામની સાથેના મારા સંબંધને લીધે મારો એ સૌ સાથે નિકટનો સંબંધ બંધાયો છે. પરંતુ એ બધામાંથી ઉપર ગણાવેલ ત્રણની સાથે કેવળ કામને અંગેના સંબંધ ઉપરાંત અંગત મમતાનો સંબંધ પણ કેળવાયો છે, એ ત્રણે પ્રત્યેનું મારું ઋણ અદા કરવામાં એ ત્રણનાં ચરિત્રો આપવાની નવજીવન સંસ્થા ઉપરાંત મારી અંગત જવાબદારી હું માનતો આવ્યો છું. તેથી ‘મહાદેવભાઈના પૂર્વ ચરિત’ની માફક આ ચરિત્રના પ્રકાશનને અંગે કેવળ પ્રકાશકનું ઔપચારિક નિવેદન કરવાને બદલે આ અંગત નિવેદન કરવાની મેં છૂટ લીધી છે.
સરદાર વલ્લભભાઈ પટેલને માટે ગુજરાતી બોલનારી પ્રજાને ઊંડો પ્રેમ છે. તેની સાથે હિંદની બીજી બોલીઓ બોલનારી પ્રજાઓ પણ તેમના પર પ્રેમ રાખે ને તેમનું ચરિત્ર જાણવાને ઈચ્છે એ કુદરતી છે. એ વાત લક્ષમાં રાખી આ ચરિત્રના હિંદીમાં ને હિંદની બીજી ભાષાઓમાં અનુવાદ કરાવવાનું ઠરાવેલું છે એટલું જણાવી આ અંગત અને પ્રમાણમાં વિસ્તૃત નિવેદન હું પૂરું કરું છું.