સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો/વકીલાત

વિકિસ્રોતમાંથી
← વિદ્યાભ્યાસ સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો
વકીલાત
નરહરિ પરીખ
વિલાયતમાં →


.


વકીલાત

સરદારે વકીલાતની શરૂઆત ગોધરામાં કરી. નડિયાદમાં મોટા મોટા વકીલોએ પોતાની સાથે રહીને વકીલાત કરવા એમને નોતરેલા. પેલા ડુંગરભાઈ મૂળજીભાઈ તો સરકારી વકીલ હતા. તેમણે પોતાની સાથે રહી વકીલાત કરવા ખૂબ જ આગ્રહ કર્યો પણ એમણે સ્વતંત્ર રહેવાની ખાતર ગોધરાનું નાનકડું ક્ષેત્ર પસંદ કર્યું. ગોધરા પસંદ કરવાનું એક બીજું કારણ એ પણ લાગે છે કે વિઠ્ઠલભાઈ ૧૮૯૫માં વકીલ થયા પછી ગોધરામાં જ વકીલાત કરતા હતા અને થોડા વખત પહેલાં જ બોરસદ ગયા હતા, એટલે એમની ઓળખાણનો અને લાગવગનો લાભ મળે. વિઠ્ઠલભાઈએ તો પોતાની સાથે બોરસદ રહેવાનો જ આગ્રહ કર્યો હતો. પણ બીજાની છાયા નીચે રહેવાથી માણસની પોતાની શક્તિ પૂરેપૂરી ખીલી શકતી નથી એ વિચારના હોવાથી સરદારે પોતાના જ પગ પર ઊભા રહેવાનો નિર્ણય કર્યો. ગોધરે ગયા ત્યારે એમની પાસે કાંઈ જ સાધન નહોતું. ઘર માંડવા માટે જોઈતાં વાસણકૂસણ અને બીજું રાચરચીલું પણ સસ્તું મળે માટે નડિયાદની ગુજરીમાંથી અને તેય દેવું કરીને ખરીદેલું. આમ જીવનની શરૂઆત બહુ સંકોચમાં કરી.

ગોધરાના નિવાસ વખતનું એક સ્મરણ નોંધવા જેવું છે. સરદાર ગોધરા ગયા તે અરસામાં જ ત્યાં ખૂબ પ્લેગ ચાલ્યો. તેમાં કોર્ટના નાજર જે પોતાના સ્નેહી હતા તેમનો દીકરો સપડાયો. સરદાર તેની સારવારમાં પડ્યા પણ દરદી બચ્યો નહીં. દરદીને સ્મશાને મૂકી આવીને પોતે પ્લેગમાં પટકાયા. મોટી ગાંઠ નીકળી. સરદાર ગભરાયા વિના પત્નીની સાથે ગાડીએ બેઠા. આણંદ આવીને પત્નીને કહે: “તમે જાઓ કરમસદ. હું નડિયાદ જાઉં છું. ત્યાં સાજો થઈ જઈશ.” પ્લેગમાં પડેલા પતિને છોડીને જવાની કઈ પત્નીની હિંમત ચાલે ? પણ પત્નીને જવાનો આગ્રહ કરવાની અને મોકલી દેવાની સરદારની હિંમત ચાલી. નડિયાદમાં રહીને પોતે સાજા થયા.

ગોધરામાં બે જ વર્ષ રહીને ૧૯૦૨ માં બોરસદ આવી ગયા. જલદી બોરસદ જવાનું મુખ્ય કારણ તો એ હતું કે બોરસદના સ્થાનિક અમલદારો સાથે વિઠ્ઠલભાઈને ભારે ખટપટ ઊભી થયેલી. બોરસદના મુખ્ય અમલદારોમાં રેસિડેન્ટ ફર્સ્ટક્લાસ મેજિસ્ટ્રેટ, મામલતદાર તથા ફર્સ્ટક્લાસ સબ જજ એટલા હતા. આ ત્રણે વિઠ્ઠલભાઈ સાથે દુશ્મનાવટ રાખતા, કારણ પહેલાંના સબ જજ ઉપર રુશવતો લીધા બાબત તપાસ કરવા માટે વિઠ્ઠલભાઈએ કમિશન નિમાવરાવ્યું હતું અને એની સામે આખો કેસ ચલાવી એને બરતરફ કરાવ્યો હતો. એટલે વિઠ્ઠલભાઈની વિરુદ્ધ કાંઈ પણ મળી આવે તો આ લોકો વેર લેવા માગતા હતા. બોરસદથી ઘણા વકીલોના કાગળો આવતા તે ઉપરથી સરદારને આ વાતની ખબર પડી. પોતે બોરસદમાં હોય તો વિઠ્ઠલભાઈને મદદરૂપ થવાય એ હેતુથી તેઓએ પોતાનો મુકામ એકદમ બોરસદ ફેરવ્યો.

બોરસદમાં સરદાર જુદું મકાન રાખીને રહેવા લાગ્યા. બહારનો બધો દેખાવ અને વહેવાર એવો રાખતા હતા કે બધા અમલદારો એમ માનવા લાગ્યા કે બે ભાઈઓને બનતું જ નથી. કોઈ કોઈ કેસમાં બેઉ સામસામા ઊભા રહેતા ત્યારે તો લોકોને ખૂબ જ રસ પડતો. સરદારે થોડા જ વખતમાં સઘળા અમલદારો ઉપર સારો પ્રભાવ પાડ્યો. સરદાર પાસેના એક કેસમાં મામલતદાર બરાબર ભેરવાયો હતો અને રેસિડેન્ટ મૅજિસ્ટ્રેટ એનો મિત્ર હોઈ એને બચાવવા ઈચ્છતો હતો. એટલે અમલદારોને સરદારને શરણે ગયા વિના છૂટકો નહોતો. પણ સરદારે માન્યું નહીં એટલે એમને વિઠ્ઠલભાઈની મદદ લેવી પડી. વિઠ્ઠલભાઈએ ભલામણ કરી ત્યારે એમની વિરુદ્ધ અમલદારો જે ખટપટ અને કાવતરાં કરતા હતા એ બધાની આગળ ખુલ્લાં કરી વિઠ્ઠલભાઈનો વિરોધ છોડી દેવાનું સરદારે અમલદારોને સમજાવ્યું અને બન્ને વચ્ચે મિત્રાચારી કરાવી તથા મામલતદાર ઉપર ઘેરાયેલું વાદળ પણ દૂર કરાવ્યું. સરદાર પાસેના કેસની વિગતો આ જ પ્રકરણમાં આગળ એમની વકીલાતના પ્રસંગો આપ્યા છે તેમાં આપેલી છે.

બોરસદમાં થોડા જ વખતમાં વકીલાતમાં સરદારની પ્રતિષ્ઠા ખૂબ જામી ગઈ અને કમાણી પણ સારી થવા માંડી. આખા મુંબઈ ઇલાકામાં સૌથી વધારે ફોજદારી ગુના ખેડા જિલ્લામાં થતા હતા અને જિલ્લામાં સૌથી વધારે બોરસદ તાલુકામાં થતા હતા. તેથી સરકારે આ તાલુકામાં એક ખાસ રેસિડેન્ટ ફર્સ્ટક્લાસ મૅજિસ્ટ્રેટની નિમણૂક કરી, જેને પહેલા વર્ગના કેસો ચલાવવા સિવાય બીજું કંઈ કામ કરવાનું ન હતું. આ કોર્ટમાં અગત્યના કેસો ચલાવવા માટે અમદાવાદના સરકારી વકીલને સરકાર તરફથી રોકવામાં આવતા હતા. બચાવ પક્ષે લગભગ દરેક કેસમાં સરદારને રોકવામાં આવતા હતા. બધા કેસમાં આરોપીઓ છૂટી જવા માંડ્યા એટલે પેલા સરકારી વકીલ અને પોલીસ અમલદારો મૂંઝાયા. સરકારે પણ એમનો ખુલાસો માગ્યો. એ લોકોએ રિપોર્ટ કર્યો કે જ્યાં સુધી અહીં વલ્લભભાઈ વકીલ છે ત્યાં સુધી અહીં કેસો છૂટી જવાનો પૂરેપૂરો સંભવ છે. માટે આ કોર્ટ અહીંથી ખસેડી આણંદ લઈ જવી જોઈએ. આણંદ જિલ્લાનું મધ્ય સ્થળ હોવાથી આખા જિલ્લાના કેસ ત્યાં ચલાવવામાં સાક્ષીઓને પણ જવા આવવાની અનુકૂળતા થશે. આ ઉપરથી કોર્ટ આણંદ ખસેડવામાં આવી. સરદાર પણ પોતાનો મુકામ બોરસદથી ઉપાડી આણંદ લઈ ગયા. પરિણામ એ આવ્યું કે જિલ્લાના ઘણા કેસ છૂટી જવા લાગ્યા. આખરે એક વર્ષમાં થાકીને કોર્ટ પાછી બોરસદ લઈ જવામાં આવી.

સરદારની વકીલાતમાં કાયદાની બારીકીઓની ઝીણી છણાવટના કરતાં તેમનું ઊંડું વ્યવહારજ્ઞાન, માનવસ્વભાવની સૂક્ષ્મ પારખ, સાક્ષીની ઊલટતપાસની અજબ કુનેહ અને પુરાવાને છણવાની ભારે શક્તિ, એ ગુણોએ વધારે ભાગ લીધો છે. દીવાની કેસ તો તેઓ ભાગ્યે જ લેતા. એ વિષે પૂછતાં તેમણે કહેલું: “થોડા વખતમાં વધારેમાં વધારે કમાઈ શકાય એવા જ કેસો હું લેતો, દીવાની કેસો બહુ ઓછા અને તે પણ જેમાં કાયદાની ગલીકૂંચીઓમાં ઊતરવાનું હોય તેવા ન લઉં, પણ પુરાવાની સામે પુરાવા રજૂ કરવાના હોય અથવા સામા પક્ષના આખા પુરાવા ઉડાવી દેવાના હોય તેવા જ કેસો લેતો.” ફોજદારી વકીલ તરીકે તેમની પ્રતિષ્ઠા ખૂબ જામી અને થોડા જ વખતમાં આખા ખેડા જિલ્લામાં તેમની હાક વાગતી થઈ. ઘણા ફોજદારી વકીલો, મૅજિસ્ટ્રેટનો મિજાજ સાચવીને તથા પોલીસ અધિકારીઓ સાથે દોસ્તી રાખીને પોતાનું કામ ચલાવે છે. પણ સરદારની એ રીત નહોતી. મૅજિસ્ટ્રેટની કે પોલીસ અધિકારીઓની રજ પણ મુરવ્વત તેઓ કદી રાખતા નહીં. પોતાના કેસની ઝીણામાં ઝીણી વિગતનો પાકો અભ્યાસ કરી, ફરિયાદ પક્ષના નબળા મુદ્દા શોધી કાઢી ઉઘાડા પાડવામાં તથા ફરિયાદ પક્ષે ઊભા કરેલા સાક્ષીઓને ઊલટતપાસમાં તોડી પાડવામાં તેમની ખૂબી રહેતી. આ કામ એટલી સુંદર રીતે તેઓ કરતા કે પુરાવા લેવાઈ રહ્યા પછી તેમને ઝાઝું દલીલ કરવાપણું પણ રહેતું નહીં. કોર્ટમાં તેમનાં દલીલનાં ભાષણ બીજા વકીલોને મુકાબલે બહુ ટૂંકાં, સીધાં અને મુદ્દાસર થતાં. પ્રજાને ત્રાસ આપનારા પોલીસ અધિકારીઓ તથા વકીલોનું અપમાન કરનારા અને તેમને ધમકાવનારા મૅજિસ્ટ્રેટોને તેઓ પાંશરાદોર રાખતા. સરદાર જે કેસમાં વકીલ તરીકે આવે તેમાં કોર્ટને તેમ જ ફરિયાદ પક્ષના વકીલને બહુ સાવધ રહેવું પડતું.

બોરસદ આવ્યા પછી ત્રણ જ વર્ષમાં વિલાયત જવાના પૈસા પાસે થઈ ગયા એટલે જવાની તૈયારી કરવા માંડી. પહેલાં તો વિલાયત જવાનો એક મનોરથ જ હતો પણ હવે તો બીજું એક સંગીન કારણ પણ મળ્યું. ભારે કેસોમાં જ્યાં અસીલ પૈસાપાત્ર હોય ત્યાં એ સરદારને વકીલ કરે તોપણ મનમાં અધીરાઈ રહે તેથી અમદાવાદથી બૅરિસ્ટર લઈ આવે. મૅજિસ્ટ્રેટોની સામે રોફબંધ બોલીને અને ધમપછાડા કરીને પોતાની હોશિયારી દેખાડનારા બે ત્રણ બૅરિસ્ટરો ખેડા જિલ્લામાં સારા જામી ગયા હતા. તેઓ સરદાર કરતાં વધારે ફી લેતા. સરદાર જુએ કે કેસ ચલાવવાની આવડત હોશિયારીમાં તો આ લોકો પોતાની જરાયે તોલે આવે એવા નથી. છતાં એવા બૅરિસ્ટરોને ફી વધારે મળે અને એમના જ મદદનીશ તરીકે કોર્ટમાં બેસવું પડે એ એમને માથાના ઘા જેવું લાગતું. પોતે જ બૅરિસ્ટર થઈ આવે તો આ બધા બૅરિસ્ટરોને ક્યાંય આંટી દે એની એમને ખાતરી હતી. એટલે સને ૧૯૦૫માં એમણે વિલાયત જવાનો નિશ્ચય પાકો કરી નાખ્યો. વિલાયત જવા માટે સ્ટીમર વગેરેની ગોઠવણ કરવા ટૉમસ કૂક ઍન્ડ સન્સ કંપની સાથે પત્રવ્યવહાર ચલાવ્યો. પણ એક નાનો અકસ્માત એવો બન્યો જેથી સરદારને બદલે વિઠ્ઠલભાઈ પહેલાં વિલાયત ગયા. બધું નક્કી થયાનો છેલ્લો જે જવાબ આવ્યો તે બંને ભાઈ અંગ્રેજીમાં વી. જે. પટેલ કહેવાય તે ઉપરથી વિઠ્ઠલભાઈના હાથમાં આવ્યો. વિઠ્ઠલભાઈ એ સરદારને કહ્યું: “હું તમારાથી મોટો, માટે મને જવા દો. મારા આવ્યા પછી તમને જવાની તક મળશે, પણ તમારા આવ્યા પછી મારાથી નહીં જવાય.” વિઠ્ઠલભાઈની વાત સરદારે માન્ય રાખી એટલું જ નહીં પણ એમનું વિલાયતનું ખર્ચ પણ મોકલવાનું માથે લીધું. ઘરમાં કે બીજા કોઈ ને ખબર આપ્યા વગર અને ભાઈઓ અસીલના કામનું બહાનું બતાવી મુંબઈ ગયા અને વિઠ્ઠલભાઈ વિલાયત ઊપડ્યા.

સરદાર બોરસદ પાછા આવ્યા ત્યારે વિઠ્ઠલભાઈના ગયાની બધાંને ખબર પડી. વિઠ્ઠલભાઈનાં પત્નીએ ખૂબ કંકાસ માંડ્યો. અત્યાર સુધી બોરસદમાં બન્ને ભાઈઓ જુદા રહેતા પણ વિઠ્ઠલભાઈના ગયા પછી સરદારે ભાભીને પોતાને ત્યાં રહેવા બોલાવ્યાં. ભાભીનાં ભાઈભાભી વિઠ્ઠલભાઈને ત્યાં રહેતાં એમને પણ સરદારે પોતાને ઘેર રાખ્યાં. વિઠ્ઠલભાઈનાં પત્નીએ તો માનતાઓ માનવા માંડી, બાધા આખડીઓ કરવા માંડી અને બ્રાહ્મણો જમાડવા માંડ્યા અને એવું ખોટું ખર્ચ કરવા માંડ્યું. તે સરદારે જરા પણ કચવાયા વિના બધું સહન કર્યું. પણ દેરાણી જેઠાણીને રોજ ઝઘડા થવા માંડ્યા અને ઘરમાં જબરો ક્લેશ પેઠો. ભાઈ પરદેશ ગયેલા હોઈ સરદારે ભાભીને કશું ન કહેતાં પોતાનાં પત્ની ઝવેરબાને પિયર મોકલી દીધાં તે વિઠ્ઠલભાઈ પાછા આવ્યા ત્યાં સુધી એટલે બેએક વરસ તેઓ પિયર જ રહ્યાં. આમ સરદારને માથે ઘરનું ખર્ચ વધ્યું, દર મહિને વિલાયત રકમ મોકલવાનું વધ્યું અને ઝવેરબાને પિયર રાખવાં પડ્યાં તે તો વધારામાં. પણ સરદારે આ વિષે કોઈની આગળ વરાળ સરખી કાઢી નથી. ખર્ચ વધ્યું તેની તો એમને જરાયે પરવા જ ન હતી. વકીલાતનો ધંધો પ્રતિ વર્ષ વધતો જ જતો હતો.

બોરસદમાં વકીલાત કરતા ત્યારે મણિબહેનનો જન્મ ૧૯૦૪ના એપ્રિલમાં અને ડાહ્યાભાઈનો જન્મ ૧૯૦૫ના નવેમ્બરમાં થયેલો. બન્ને એમના મોસાળ ગાનામાં જન્મેલાં.

સરદારને પાટીદાર બની પાઘડી પહેરી મેજિસ્ટ્રેટની કોર્ટોમાં વકીલાત કરતા કલ્પવા અત્યારે બહુ મુશ્કેલ પડે ખરું, પણ ગોધરામાં તેઓ એવી પાઘડી પહેરતા. તેમના એક સહાધ્યાયીએ મને કહેલું કે નડિયાદ હાઈસ્કૂલમાં ભણતા ત્યારે એક બે વાર ટીખળ કરવાની ખાતર વર્ગમાં પાઘડી પહેરીને ગયેલા. બોરસદ ગયા પછી રેવન્યુ ખાતાના અમલદારો જે ઢબનો ફેંટો તે વખતે અને ત્યાર પછી ઘણા વખત સુધી પહેરતા એવી ઢબનો કસબી કિનારવાળો સફેદ ફેંટો પહેરતા.

વિઠ્ઠલભાઈ ૧૯૦૬ ના આરંભમાં વિલાયત ગયા તે અઢી વર્ષમાં બૅરિસ્ટર થઈ ૧૯૦૮ના મધ્યમાં પાછા આવ્યા. તેમણે મુંબઈમાં વકીલાત શરૂ કરી અને ત્યાં ઘર માંડીને પત્ની સાથે રહેવા માંડ્યું. એટલામાં ઝવેરબા માંદાં પડ્યાં. તેમને આંતરડાંનો વ્યાધિ હતો. વિઠ્ઠલભાઈ ૧૯૦૮ની આખરમાં તેમનો ઉપચાર કરવા માટે મુંબઈ લઈ ગયા. સાથે મણિબહેન અને ડાહ્યાભાઈ પણ મુંબઈ ગયાં અને ત્યારથી એ વિઠ્ઠલભાઈની પાસે રહેવા લાગ્યાં. ઝવેરબાને આપરેશન કરવું પડશે એમ દાક્તરની સલાહ થઈ. તે માટે એમને કામા હૉસ્પિટલમાં દાખલ કર્યા. સરદાર તે વખતે ત્યાં ગયેલા. પણ હૉસ્પિટલના દાક્તરે જણાવ્યું કે બીજી રીતે તબિયત કાંઈક સુધરે એટલે પંદરેક દિવસ પછી ઑપરેશન કરી શકાશે. ઑપરેશન કરવાનું નક્કી થાય ત્યારે મને બોલાવજો એમ કહી બીજે દિવસે આણંદ એક ખૂનનો બહુ અગત્યનો કેસ હતો તે માટે સરદાર આણંદ આવ્યા. પણ દાક્તરનો વિચાર ફર્યો, તેને એકદમ ઑપરેશન કરવાની જરૂર લાગી. એટલે એણે તો સરદારને ખબર આપ્યા વિના વહેલું ઑપરેશન કરી નાખ્યું. સરદારને તાર મળ્યો કે, “ઑપરેશન સફળ થયું છે.” પણ બીજે જ દિવસે સ્થિતિ બગડી અને કોર્ટમાં સરદાર કેસ ચલાવતા હતા ત્યાં ઝવેરબા ગુજરી ગયાના કારમા સમાચારનો તાર મળ્યો (તા. ૧૧–૧–૧૯૦૯).

સરદારને માટે આ પ્રસંગ અતિશય દુઃખનો અને તેની સાથે ધર્મસંકટનો હતો. ખૂનનો કેસ હતો, આરોપી પ્રતિષ્ઠિત માણસ હતો. મહત્ત્વના સાક્ષીની સરદાર ઊલટતપાસ ચલાવી રહ્યા હતા. તે જ દિવસે કાળજીપૂર્વક એ પૂરી ન થાય તો કેસ કથળે અને આરોપીને જીવનું જોખમ આવી પડે. કારણ ફાંસીની સજા થવાનો સંભવ હતો. એટલે આવો દુઃખદ તાર મળ્યા છતાં અતિશય દૃઢતા રાખી, કાળજું કઠણ કરી કામ પૂરું કર્યું. સાંજે કોર્ટનું કામ પૂરું થયે તારના સમાચાર બીજાઓને આપ્યા. છેલ્લી ઘડીએ પત્નીની મુલાકાત ન થઈ શકી તેનો ભારે આઘાત સરદારના દિલમાં રહી ગયો. તે વખતે એમની ઉંમર તેત્રીસ વર્ષની હતી. ફરી પરણવાનો આગ્રહ સગાંવહાલાં તથા મિત્રો તરફથી સરદારને ઘણો થયો. પણ ફરી નહીં પરણવાના વિચારમાં તેઓ ખૂબ દૃઢ હતા. વિલાયત ગયા ત્યાં પણ મિત્રો સારી સારી કન્યાઓનાં નામ સાથે કાગળો લખતા અને એક બે કન્યાઓના ફોટા પણ એમને મોકલવામાં આવેલા. કાગળોના જવાબમાં બીજી બધી વાતો લખે પણ આ વાતનો જવાબ જ ખાઈ જતા.

થોડા વખત પછી વિઠ્ઠલભાઈનાં પત્ની માંદાં પડ્યાં. તેમને બોરસદ લાવી પોતાને ત્યાં રાખ્યાં. ત્યાં તેઓ ૧૯૧૦ના આરંભમાં ગુજરી ગયાં. સરદારને આ મંદવાડને લીધે વિલાયત જવાનું મુલતવી રાખવું પડેલું હતું તે હવે તેમણે નક્કી કરી નાખ્યું અને તેને અંગે બધી વ્યવસ્થા કરી દીધી. મણિબહેન તથા ડાહ્યાભાઈને સહેજ મોટાં થાય એટલે વિલાયતમાં રાખી ત્યાંની જ કેળવણી આપવાનો વિચાર હતો. તેની પૂર્વ તૈયારી તરીકે મુંબઈની સેન્ટ મેરિઝ સ્કૂલવાળાં એક મિસ વિલ્સનને ત્યાં ‘બોર્ડર’ — છાત્ર તરીકે રાખ્યાં જેથી તેઓ સીધી વાતચીત દ્વારા (‘ડિરેક્ટ મેથડ’થી) અંગ્રેજી શીખી શકે. તેમને દરેકને માટે માસિક રૂપિયા સો આપવાના હતા. વિઠ્ઠલભાઈનું વિલાયતનું ખર્ચ દસ હજાર રૂપિયા થયું હતું. પોતાને પણ એાછામાં ઓછું એટલું ખર્ચ તો થાય જ. તે ઉપરાંત પોતે વિલાયત રહે એ ત્રણ વર્ષ છોકરાંનું બોર્ડિંગ અને બીજુ ખર્ચ મળી આશરે દસેક હજાર રૂપિયા ખર્ચ થાય. વકીલાતની કમાણીમાંથી બચાવેલી રકમમાંથી આ બધા ખર્ચની વ્યવસ્થા થઈ શકી. આમ બધી ગોઠવણ પાકી કરી ૧૯૧૦ના ઑગસ્ટમાં સરદાર વિલાયત જવા ઊપડ્યા.

હવે આ દસ વર્ષની વકીલાત દરમ્યાનના થોડા પ્રસંગો નોંધીશું :

૧. તેમના એક સ્નેહી રેલવે પોલીસમાં ઈન્સ્પેક્ટર હતા. તેને પોતાના ઉપરી અમલદાર જે સુપરિન્ટેન્ડેન્ટ હતા તેની સાથે અણબનાવ હતો. સુપરિન્ટેન્ડેન્ટે પેલા ઈન્સ્પેક્ટરને એક નજીવા કેસમાં સંડોવ્યો અને એ કેસને બહુ મોટું રૂપ આપ્યું. રેલવે વૅગનમાંથી એક રૂપિયાની કિંમતનાં બળતણનાં લાકડાંની પોતાના નોકર પાસે ચોરી કરાવ્યાનો આરોપ મૂકી એમને કેદમાં પુરાવી દીધા. સુપરિન્ટેન્ડેન્ટ બહુ મોટી લાગવગવાળો અંગ્રેજ હતો. એનો ભાઈ મુંબઈ સરકારમાં હોમ-મેમ્બર હતો. તે વખતે રેલવેમાં ચોરીલૂંટના ઘણા કેસો બનતા. એ બહાના હેઠળ આ નજીવા કેસને ભારે રૂ૫ આપવામાં આવ્યું અને આરોપી લાગવગવાળો હોવાનું જણાવી આ કેસ ચલાવવા એક સ્પેશિયલ મૅજિસ્ટ્રેટની નિમણૂક કરાવી. કેસ ખેડા જિલ્લામાં ચાલવાનો હતો છતાં અમદાવાદ જિલ્લાના સરકારી વકીલને આ કેસ ચલાવવા માટે ખાસ રોકવામાં આવ્યો. કેસ કોર્ટમાં મોકલતાં પહેલાં બધી તપાસ પેલા સુપરિન્ટેન્ડેન્ટે જાતે કરેલી. આરોપીને પ્રથમ કોઈ વાર સજા થયેલી કે કેમ તેની બાતમી મેળવવા તેણે ખૂબ મહેનત કરવા માંડી. આ વાતની ખબર પડતાં સરદારની સલાહથી આરોપીએ જાતે જ સુપરિન્ટેન્ડેન્ટને મળીને કહ્યું કે, “તમે નકામી મહેનત શું કામ કરો છો ? હું પોતે કબૂલ કરું છું. કે મને પ્રથમ એક વાર નવ માસની સજા થયેલી અને બધો વખત ‘સૉલિટરી કન્ફાઈનમેન્ટ’ — એકાંત કેદમાં રાખવામાં આવેલો. પણ એને તો ઘણો વખત થઈ ગયો. ત્રીસ વરસ પહેલાં એ સજા ભોગવેલી. એટલે એવું કશું મહત્ત્વ ન ગણી શકાય.” આ હકીકતની પેલા સુપરિન્ટેન્ડેન્ટે ચાર્જશીટ ઉપર નોંધ કરી દીધી અને કેસ કોર્ટમાં મોકલ્યો. જ્યારે કેસ નીકળ્યો ત્યારે સરદાર માંદા પડી ગયેલા હોવાથી આરોપી તરફથી કેસ લાવવા માટે તેમને બદલે વિઠ્ઠલભાઈ ગયા હતા. સરકારી વકીલ સાથે તેમને ખૂબ બોલાચાલી અને તકરાર થઈ. ધારી મૂક્યું હતું તે પ્રમાણે મૅજિસ્ટ્રેટે તો આરોપીને ગુનેગાર ઠરાવી તેને છ માસની સખત કેદની સજા કરી અને જજમેન્ટમાં વિઠ્ઠલભાઈની વિરૂદ્ધ કડક ટીકાઓ કરી. આ કેસની અપીલ સરદારે અમદાવાદ સેશન્સ કોર્ટમાં દાખલ કરાવી. આરોપીને જામીન પર છોડવાની અરજી કરવા ત્યાંના એક મશહૂર બૅરિસ્ટરને રોક્યા. સરકાર તરફથી જામીન પર છોડવા માટે સખત વિરોધ કરવામાં આવ્યો. પેલા સરકારી વકીલે કેસના મહત્ત્વ ઉપર ખાસ ભાર મૂકી જામીનઅરજી રદ કરાવી. એટલે સરદારે અપીલની સુનાવણી તરત જ કરવાની માગણી કરી. તે મંજૂર થઈ અને બે કે ત્રણ દિવસમાં અપીલની સુનાવણી રાખવામાં આવી. આવા કેસો ભાગ્યે જ પકડાય છે અને આરોપી પોલીસનો અમલદાર છે એ વાત પર વારંવાર ભાર મૂકી કેસ ખૂબ નબળો હોવા છતાં સરકારી વકીલ જોસથી દલીલ કરતા હતા. બચાવ પક્ષના બૅરિસ્ટર એમ દલીલ કરતા હતા કે ગુનો સાબિત ન થાય ત્યાં સુધી આરોપી કોણ છે એ વાત લક્ષમાં ન લેવાય. જજનું મન ડામાડોળ થતું હતું. સરકારી વકીલે વધુમાં એ દલીલ કરી કે આ આરોપીને અગાઉ નવ માસની સજા થઈ ગયેલી છે એ વાત લક્ષમાં લેવી જોઈએ. એમ કહીને ચાર્જશીટ ઉપરની એ વિષેની નોંધ જજને બતાવી. આ સાંભળીને બચાવ પક્ષના બૅરિસ્ટર તો સ્તબ્ધ થઈ ગયા, અને જજે એમનો ખુલાસો પૂછ્યો એટલે એ તો સરદાર ઉપર ખૂબ ગુસ્સે થયા અને કહેવા લાગ્યા કે આ વાતની પ્રથમથી જ મને જાણ કરી હોત તો અપીલ ન કરવાની સલાહ આપત. એમ કહીને તેઓ તો બેસી ગયા. આરોપીનું ભવિષ્ય ત્રાજવામાં તોળાઈ રહ્યું હતું. કેસ રસાકસીનો હોવાથી આખી કોર્ટ ચિકાર ભરાઈ ગઈ હતી. તે વખતે સરદારે ઊભા થઈ કોર્ટને વિનંતી કરી કે આરોપીને અગાઉ સજા થયાનો પુરાવો અમને બતાવવો જોઈએ. જજે પેલી નોંધ સરદારને જોવા આપવાનો હુકમ કર્યો. સરકારી વકીલ ગુસ્સે થઈને દલીલ કરવા લાગ્યા કે આરોપીએ પોતે કબૂલ કર્યું છે કે એને પ્રથમ એક વખત નવ માસની સજા થયેલી છે અને એની નોંધ ઉપર આરોપીની સહી પણ લેવામાં આવી છે, પછી બીજો પુરાવો શો જોઈએ ? સરદારે આ નોંધ જોઈને જજને બતાવી. એમાં લખેલું હતું કે ત્રીસ વર્ષ ઉપર આરોપીને નવ માસની એકાંત જેલની સખ્ત સજા થયેલી. પછી સરદારે ચાર્જશીટમાં આરોપીની ઉંમર ત્રીસ વર્ષની લખેલી હતી તે હકીકત તરફ કોર્ટનું ધ્યાન ખેંચ્યું. કોર્ટમાં બેઠેલા સૌ ખડખડાટ હસી પડ્યા. સરકારી વકીલ તો તદ્દન ફિક્કા પડી બેસી ગયા. પછી સરદારે પોતાનો સપાટો ચલાવ્યો કે તપાસ કરનાર સુપરિન્ટેન્ડેન્ટમાં કેટલી અક્કલ હોવી જોઈએ ? વળી આવી વાત પર ભાર દેનાર સરકારી વકીલને ખાસ અમદાવાદથી લાવી સરકારને નકામું ખર્ચ કરાવનાર અને આવા ક્ષુલ્લક કેસને અણઘટતું મહત્વ આપી ખાસ મૅજિસ્ટ્રેટ નિમાવનાર બધા અમલદારો ઉપર સખત પ્રહારો કરી વિઠ્ઠલભાઈ પર કરેલી ટીકાઓ રદ કરવા અને આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા રમૂજભરી પણ ચોટડૂક દલીલો કરી. આરોપી છૂટી ગયો, વિઠ્ઠલભાઈ ઉપરની ટીકાઓ રદ કરવામાં આવી અને સામેથી સુપરિન્ટેન્ડેન્ટ ઉપર સખત ટીકા થઈ, જેને પરિણામે એને રાજીનામું આપવું પડ્યું.

૨. એક અંગ્રેજ મૅજિસ્ટ્રેટની તુમાખીનો પાર ન હતો. અમદાવાદના મોટા મોટા વકીલોનું પણ તે અપમાન કરતો. તેની પાસે જતાં સૌ ડરતા. એક ખૂનનો કેસ એની પાસે ચલાવવાનું સરદાર પાસે આવેલું. સાક્ષીઓને શરમાવવા અને દબાવવા ખાતર એ મૅજિસ્ટ્રેટ દરેક સાક્ષીની સામે મોટો અરીસો મુકાવતો. આ કેસમાં એક પટેલ આરોપી હતો. તેની સામે એણે અરીસા મુકાવ્યો અને અરીસામાં જોતાં જોતાં જુબાની આપવા હુકમ કર્યો. સરદારે તુરત જ મૅજિસ્ટ્રેટને કહ્યું કે, “આ અરીસો સામે રાખીને આરોપીની જુબાની લેવાય છે એ વાતની નોંધ કરો.” મૅજિસ્ટ્રેટે કહ્યું: “એવી નોંધ કરવાની કશી જરૂર નથી.” સરદારે કહ્યું: “એ અરીસો તો પુરાવામાં રજૂ થયેલો ગણાશે અને કેસના કાગળ સાથે સેશન્સ કોર્ટમાં પહોંચશે.” હવે પેલો કાંઈક ગભરાયો કારણ આવી રીતે પડકારનાર કોઈ માથાનો વકીલ એને મળ્યો નહોતો. તોપણ એણે સરદારની વાત માની નહીં અને સામસામે ગરમાગરમ તકરાર થઈ. છેવટે, મારે આ કેસ તમારી પાસે ચલાવવો નથી, એમ કહીને સરદારે આ કેસ બીજી કોર્ટમાં ચલાવવો જોઈએ એવી અરજી આપવા માંડી એટલે પેલો મોળો પડ્યો અને સરદારને બચાવના સાક્ષીઓ લાવવા કહ્યું. સરદારે કહ્યું: “એકે સાક્ષી હું અહીં રજૂ કરવા માગતો નથી. પણ આ બંધ પાકીટમાં હું સાક્ષીઓનાં નામ લખું છું તે સાક્ષીઓ હું સેશન્સ કોર્ટમાં રજૂ કરીશ.” એ પાકીટ સેશન્સ કોર્ટમાં જ ફોડવામાં આવે એવી એના પર નોંધ કરીને કોર્ટને આપ્યું. મૅજિસ્ટ્રેટ હવે વધારે ગભરાયો. તેણે પાકીટ ફોડ્યું તો એમાં સાક્ષી તરીકે પહેલું નામ એ મૅજિસ્ટ્રેટનું જ હતું. જે સ્ત્રીનું ખૂન થયાનો આરોપ હતો તે જ સ્ત્રીને સાક્ષી તરીકે ટાંકી હતી અને એમાં બીજી કેટલીક ચીજો પણ પેલા મૅજિસ્ટ્રેટને ગભરાટમાં અને વિમાસણમાં નાખે એવી હતી. આ બધું જોઈ મૅજિસ્ટ્રેટ પાણીથીયે પાતળો થઈ ગયો. પોલીસના ઘણા સાક્ષીઓ ઉપર ઇતબાર કરવાની તેણે ના પાડી અને તેમની વિરુદ્ધ ટીકાઓ કરી. પણ પ્રથમ દર્શની પુરાવે કેસ સેશન્સ કમિટ કરવો જોઈએ એટલે કર્યો. સરદારને એટલું જ જોઈતું હતું. સેશન્સમાં પહેલે જ દિવસે એ કેસ ઊડી ગયો.

૩. વડોદરા રાજ્યની હકૂમત નીચેના એક નાના દેશી રાજ્યનો ઠાકોર પુત્રસંતાન વિના ગુજરી ગયો. એટલે મરનાર ઠાકોરના ભાઈને ગાદી મળવાનો હક થયેલ હોવાથી પોતાના નામ ઉપર સ્ટેટ ચઢાવવાની તેણે વડોદરા રાજ્યના સરસૂબાને અરજી કરી. ઠકરાણીને વિધવા થયે છ માસ થયા બાદ એનો ભાઈ બોરસદ તાલુકાના કોઈ ગામમાં એનું પિયર હતું ત્યાં લઈ આવ્યો. ઠકરાણીનો બાપ ગામનો મુખી હતો. તેને થયું કે મરનાર ઠાકોરનો ભાઈ ગાદીએ આવે અને પોતાની દીકરીને થોડી જિવાઈ જ મળે એ કેમ ખમાય ? એટલે પોતાની દીકરીને મહિના છે એવી વાત તેણે ચલાવી અને નવ મહિના પૂરા થયે એની સુવાવડ કરી કોક નવા જન્મેલા છોકરાને વેચાતો લઈ એની સોડમાં મૂકી દીધો. પાતે મુખી હોઈ પોતાના હસ્તકના જન્મમરણ પત્રકમાં પોતાની દીકરીને છોકરો જન્મ્યાની ખોટી નોંધ કરી અને વડોદરે સરસૂબાને તાર કરી નવા જન્મેલા વારસને નામે સ્ટેટ ચઢાવવા અરજી કરી. મરનાર ઠાકોરના ભાઈને આ બધું તરકટ લાગ્યું. કારણ છ મહિના સુધી વિધવા બાઈ પોતાને ઘેર હતી તે વખતે એને દહાડા હોવાની કશી વાત જાણવામાં નહોતી આવી. એટલે આ તરકટથી પોતાનો હક માર્યો ન જાય તેનો શો ઉપાય કરવો તે માટે અમદાવાદ જઈ ત્યાંના મોટા મોટા વેકીલની સલાહ લીધી. સૌ તેને દીવાની દાવો માંડવાની સલાહ આપવા લાગ્યા. છેવટે એ બોરસદમાં સરદાર પાસે ગયો. તેમણે તો તરત જોઈ લીધું કે દીવાની દાવો કરવાથી કશું વળે નહીં. કારણ ગમે તેટલી ઉતાવળ કરવામાં આવે તો પણ ઓછામાં ઓછા વરસ દહાડા પહેલાં દીવાની દાવો નીકળે નહીં. ત્યાં સુધીમાં તે બાઈને પ્રસૂતિ થઈ હતી કે નહીં તેની કશી ખબર દાક્તરી તપાસમાં પણ પડી શકે નહીં અને કશું પુરવાર થઈ શકે નહીં. કોઈ પણ રીતે તાબડતોબ બાઈની દાક્તરી તપાસ કરવામાં આવે તો જ ખરી હકીકત પકડાય. એટલે એમણે તો બોરસદના રેસિડેન્ટ મૅજિરટ્રેટની કોર્ટમાં બાઈના બાપ, ભાઈ તથા બાઈ એ ત્રણ ઉપર ફોજદારી કરાવી. આરોપ એ મૂકયો કે જે વસ્તુ હકીકતમાં બની જ નથી તે બની છે એમ જાહેર કરી ખરા હકદાર માણસનો હક ડૂબે એવી જાતનો ખોટો પુરાવો આ ત્રણ આરોપીઓએ મળીને ઊભો કર્યો છે. તેની સાથે અરજી આપી કે બાઈને ખરેખર પ્રસુતિ થઈ છે કે કેમ તેની ખાતરી કરવા માટે તેની દાક્તરી તપાસ થવી જોઈએ અને બોરસદની મિશન હૉસ્પિટલની બાઈ દાક્તર પાસે અથવા તો અમદાવાદ કે મુંબઈથી બાઈ દાક્તર બોલાવીને બાઈને અમારે ખર્ચે તપાસવામાં આવે. મૅજિસ્ટ્રેટ પાસે આવી ફરિયાદ આ પહેલી જ અને નવા પ્રકારની હતી. તેમણે કહ્યું કે અરજી તો બહુ કાળજીપૂર્વક અને ખૂબીદાર રીતે ઘડેલી છે પણ આ બાબત ચોખ્ખી દીવાની સ્વરૂપની છે એટલે અહીં ન્યાય માગવા તમે આવી શકતા નથી. છેવટે સરદારની દલીલો સાંભળ્યા પછી ત્રણે તહોમતદારો ઉપર વારંટ કેમ ન કાઢવાં એનાં કારણો બતાવવાની એણે નોટિસ કાઢી. આ નોટિસ રદ્દ કરાવવા આરોપીઓએ સેશન્સ કોર્ટમાં અપીલ કરી. સેશન્સ જજ આગળ તો સરદારને કશી દલીલ કરવાની પણ જરૂર ન પડી. ફરિયાદીની અરજી અને તેની સાથેની એફિડેવિટો (સોગંદ ઉપર કરેલા નિવેદનો) વાંચી તેણે તો કહ્યું કે આવા સંજોગોમાં બાઈની દાક્તરી તપાસ તુરત થવી જ જોઈએ. સરદારનો મુદ્દો એ હતો કે બાઈને ખરેખર પુત્ર પ્રસવ્યો હોય તો અમારા કુટુંબના છોકરાને ગાદી મળે એમાં અમે રાજી છીએ. પણ ભળતો જ છોકરો ગાદીએ આવી જાય તેની સામે અમારો વાંધો છે. માટે ચોક્કસ તપાસ કરાવવાનો હુકમ મેળવવા અમે આ અરજી કરી છે. સેશન્સ જજે આરોપીની અપીલ રદ્દ કરી અને બાઈની દાક્તરી તપાસ કરાવવા હુકમ કર્યો.

દરમ્યાન ફરિયાદીએ ખેડા જિલ્લાના કલેક્ટરને પણ અરજી કરેલી અને તે ઉપરથી આ બાબતની તપાસ કરી પોતાનો રિપોર્ટ મોકલવા તેણે બોરસદના મામલતદારને હુકમ કરેલ. આ હુકમ ઉપરથી મામલતદારે મુખીને બોલાવ્યો. મુખીએ મામલતદાર સાહેબને ખુશ કર્યા એટલે એણે દાયાણીનું સ્ટેટમેન્ટ લીધું અને છોકરાના જન્મની ખુશાલીમાં વસવાયાં વગેરેને કાંઈ બક્ષિસ આપેલી તેમના જવાબ લઈ બધું બરાબર છે એવો રિપોર્ટ કર્યો અને એ રિપોર્ટ રેસિડેન્ટ મેજિસ્ટ્રેટની મારફત કલેક્ટર ઉપર રવાના કર્યો.

સેશન્સ કોર્ટને હુકમ આવ્યો એટલે બાઈની દાક્તરી તપાસ કરાવવાનું રેસિડેન્ટ મૅજિસ્ટ્રેટ મામલતદારને જ સોંપવાનો હુકમ કરતા હતા તેની સામે સરદારે વાંધો લીધો કે આ બાબતમાં એક મુખી સંડોવાયેલો છે, તે મામલતદારનો જ માણસ ગણાય માટે તપાસનું કામ બીજા કોઈ સ્વતંત્ર માણસને સોંપવું જોઈએ. તે ઉપરથી મૅજિસ્ટ્રેટે એક વકીલ જેઓ પોલીસ પ્રોસીક્યુટર હતા તેમને આ કામ સોંપ્યું. તેઓ બાઈ દાક્તરને લઈ પેલા મુખીને ગામ ગયા. સાથે સરદાર તથા ફરિયાદી પણ હતા. મુખીએ કહ્યું કે, “આમાં શી તપાસ કરવાની છે ? આ બધા લોહીઉકાળામાં છોડીનું બિચારીનું તો ધાવણે સુકાઈ ગયું. હવે શી તપાસ કરશો ?” સરદારે કહ્યું કે, “આ બાઈ દાક્તર આવ્યાં છે તેઓ જોઈએ તો બીજી બાઈઓની હાજરીમાં જ તપાસ કરશે.” મુખીએ કહ્યું કે, “હું કશી તપાસ કરવા દેવાનો નથી અને તમને ઘરમાં પેસવા દેવાનો નથી.” પણ તપાસના હુકમથી એ ગભરાયો તો ખરો જ અને કોઈ પણ રીતે કેસની માંડવાળ કરવા તૈયાર થયો. પણ ફોજદારી કાયદાની એવી કલમ મુજબ આરોપ હતો કે કોર્ટની પરવાનગી વિના ખાનગી રીતે માંડવાળ થઈ શકે નહીં. ફરિયાદી પાસે સરદારે કલેક્ટરને અરજી કરાવી કે મામલતદારે બરાબર ચોકસાઈથી તપાસ કરીને પોતાનો રિપોર્ટ કર્યો નથી; મેં રેસિડેન્ટ મૅજિસ્ટ્રેટની કોર્ટમાં આ બાબતની ફરિયાદ કરી છે તેમાં મેજિસ્ટ્રેટનો અભિપ્રાય મારી વિરુદ્ધ બંધાઈ જાય એ હેતુથી કશા પ્રયોજન વિના પોતાનો રિપોર્ટ રેસિડેન્ટ મેજિસ્ટ્રેટની મારફત તેણે મોકલ્યો છે; વળી બાઈના બાપ બાઈની દાક્તરી તપાસ કરવા દેતા નથી. આ બધી હકીકત જાણી કલેક્ટર મામલતદાર ઉપર ખૂબ ગુસ્સે થયો, તેનો ખુલાસો માગ્યો અને કેસનું જે પરિણામ આવે તે પોતાને જણાવવા હુકમ કર્યો. રેસિડેન્ટ મૅજિસ્ટ્રેટ પણ સેશન્સ જજના હુકમથી તાબડતોબ દાક્તરી તપાસના હુકમ પોતાને કાઢવા પડેલા તેથી અને જે કેસને પોતે દીવાની સ્વરૂપનો કહેતો હતો તેની ફરિયાદ બહુ વાજબી અને જાહેર હિતની નીકળી તેથી નરમ પડી ગયો હતો. કલેક્ટરના હુકમથી ગભરાઈ મામલતદાર તથા મૅજિસ્ટ્રેટ બન્ને કાંઈ રસ્તો કાઢવાનું શોધવા લાગ્યા. સરદારની સંમતિ વગર રસ્તો નીકળી શકે એમ નહોતું, પણ એમને કહેવું શી રીતે ? અમલદારો સાથે સરદારે વહેવાર એવો રાખેલો કે એમને કશું કહેવાની હિંમત એ લોકો કરી શકતા નહીં. વિઠ્ઠલભાઈ મારફત એમને કહેવડાવવું એ એક જ રસ્તો હતો. પણ એમની સામે તો આ અમલદારોની ખટપટ ચાલતી હતી. વિઠ્ઠલભાઈની સામેના બધા આક્ષેપો ખેંચી લઈશું, ભવિષ્યમાં એમની બાબતમાં કદી આડા નહીંં આવીએ, અત્યાર સુધીના વર્તન માટે દિલગીર છીએ, એવું એવું ત્રીજા માણસ મારફત કહેવડાવી પૂરેપૂરી સુલેહ કરી નાખવા એ લોકોએ વિઠ્ઠલભાઈને ત્યાં ચાપાણી રખાવ્યાં. એમાં સરદારને બોલાવવાનું પણ નક્કી કર્યું. ત્યાં પેલા કેસની વાત પણ કાઢી. પ્રથમ તો સરદારે હાથ જ મૂકવા દીધો નહીં પણ છેવટે વિઠ્ઠલભાઈના આગ્રહથી એમની શરત પ્રમાણે રસ્તો કાઢવો એમ નક્કી કર્યું. પેલા છોકરો તો ખોટો હતો, એટલે જેનો હતો તેને પાછો આપી દેવો, ઠકરાણીનો છોકરો મરી ગયો એમ જાહેર કરી જન્મમરણના પત્રકમાં એ પ્રમાણે મુખીએ નોંધ કરવી, વડોદરે સાસુમાને છોકરો મરી ગયાની મુખીએ ખબર આપવી, છોકરાનાં માબાપને છોકરાના ભરણપોષણ માટે સરદાર ઠરાવે એ રકમ આપવી, એ બધું સરદારના કહેવા પ્રમાણે એ લોકોએ કબૂલ કર્યું. ફરિયાદીને તો પોતાને જોઈતું હતું તે મળી ગયું એટલે પોતાનાં સગાં ઉપર ફોજદારી કેસ ચલાવવાની તેની ઈચ્છા ન રહી. ફરિયાદી અને તેના પુરાવા બધા પરહદના હતા. તેઓ સરદારની સલાહથી કોર્ટમાં હાજર જ ન થયા. છેવટે ચાર પાંચ મુદત પાડીને કેસ કાઢી નાખવામાં આવ્યો અને કલેક્ટરને ખબર આપવામાં આવી કે છોકરો મરી ગયો છે અને ફરિયાદી હાજર થતો નથી એટલે અરજી કાઢી નાખવામાં આવી છે. કલેક્ટર વહેમાયો અને ગુસ્સે પણ થયો, પણ આ સંજોગોમાં કંઈ કરી ન શક્યો. વિઠ્ઠલભાઈ પણ આ સમાધાન થયા પછી અમલદારની ખટપટમાંથી મુક્ત થયા. સરદારનું હવે બોરસદમાં રહેવાનું કાંઈ મન રહ્યું નહીં અને વિલાયત જવાનો તેમણે વિચાર કર્યો. અમદાવાદના મોટા મોટા વકીલો તો એમને કહેતા કે તમારા જેવી કમાણીવાળી પ્રેક્ટિસ તો અમારી પણ ચાલતી નથી, આવી પ્રેક્ટિસ છોડીને શું કામ વિલાયત જવાનો વિચાર કરો છો ? સરદાર કહેતા કે, એમાં તો દરજ્જાનો (સ્ટેટસનો) સવાલ છે.

૪. બોરસદમાં હૈડિયાવેરાની લડત ચાલતી હતી તે વખતે સરકારનો પ્રજાની સામે એક આરોપ એવો હતો કે ગાંધીજીની ખેડા સત્યાગ્રહની અને અસહકારની લડતોથી લોકોને સત્તાનો ડર રહ્યો નહીં અને બહારવટિયા પાક્યા તેમને લોકોએ ઉત્તેજન આપ્યું. સાધારણ માણસને બહારવટિયા બનાવવામાં કેવી રીતે સરકારી અમલદારો જ કારણરૂપ હોય છે તેનું સભામાં વર્ણન કરતાં સરદારે પોતાની વકીલાતના અનુભવમાંથી એક દાખલો આપેલ :

“સિંગલાવનો પેલો ગુલાબરાજા બહારવટે નીકળ્યો ત્યારે તો ગાંધીજી હિંદુસ્તાનમાં આવ્યા પણ નહતા. તે વખતના કલેક્ટર વુડને તે મારવા ફરતો હતો, કારણ એણે ગુલાબરાજાને ખોટા કેસમાં સંડોવી સજા કરાવી હતી. એક વખત કલેક્ટરનો મુકામ સિંગલાવ ગામમાં હતો. ત્યાં તેણે સાંભળ્યું કે ગુલાબરાજા નામનો માણસ ગાયકવાડી હદમાં લૂંટો કરે છે અને અંગ્રેજી રાજ્યની પોલીસની તેને મદદ છે. તેણે એની તપાસ કરવા માંડી. તે વખતે પેલો ગુલાબરાજા કસબી ફેંટો અને ભેટ બાંધીને પાસે જ ઊભો હતો. તેણે કહ્યું : ‘હું ગુલાબરાજો.’ વુડે કહ્યું : ‘તારા હાથ તે છૂટા હોય ? તને તો બેડીઓ પહેરાવવી જોઈએ.’ ગુલાબરાજા કહે : ‘ગુનામાં પકડાઉં તો તારી સત્તા ચાલે તે સજા કરજે. પણ આજે તો હું રાજા છું.’ પછી તેને ગુનામાં સંડોવવા ખાતર કલેક્ટરના કહેવાથી તેના ઉપર કેસ ઊભો કરવામાં આવ્યો. ચોરા ઉપર મામલતદારની શિખવણીથી એક વાણિયાએ ગુલાબરાજાને ગાળો દીધી. તેથી ગુસ્સે થઈ તેણે તેને કપાળમાં એક કાંકરો માર્યો. આ બાબતનો કેસ ચાલ્યો. ગુલાબરાજાએ મને વકીલ કર્યો. કેસમાં કંઈ થઈ શકે એમ
નહોતું. પણ કલેક્ટરે જજને મળી એને નવ મહિનાની સજા કરાવી. પેલાને આ વાતની ગંધ આવેલી એટલે ફેંસલાને દિવસે કોર્ટમાં એ હાજર જ ન થયો અને તે દહાડાથી બહારવટું શરૂ કર્યું. આમ નાની વાતમાંથી કલેક્ટરે એક બેગુના માણસને બહારવટિયો બનાવ્યો. પછી તો એણે બાવન લૂંટો કરી અને પચીસ ત્રીસ ખૂનો કર્યો. તેને સતાવવામાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ પણ ખરો. કલેક્ટરને બાતમી જાય કે ગુલાબરાજા રોજ રાત્રે વલ્લભભાઈ વકીલને ઘેર આવે છે. એટલે એણે મને બોલાવ્યો અને મોટી મોટી જગ્યાઓ આપવાની અનેક લાલચ આપી પેલાને પકડાવી આપવા કહ્યું. મેં કહ્યું : ‘કાયદો હું થોડાઘણો જાણું છું. મારે ઘેર એ આવતો હોય તો મારે પોતે જ એ જાહેર કરવું જોઈએ. ન કરું તે ગુનો ગણાય એ હું જાણું છું. બાકી તમારી નોકરીની લાલચે એને પકડાવવાના કામમાં હું પડું એ તો કાળું કામ કહેવાય અને આમે હું તો સરકારી નોકરીને લાત મારું છું” કલેક્ટર સડક થઈ ગયો ને સાંભળી રહ્યો. ગુલાબરાજા પોતાને મારવાની પેરવી કરતો હતો એની કલેક્ટરને ખબર પડતાં છેવટે એ લાંબી રજા લઈ વિલાયત ચાલી ગયો.”

૫. નીચે આપેલો પ્રસંગ વકીલાતનો નથી પણ સરદારના સ્વતંત્ર મિજાજ અને હાજરજવાબીનો નમૂનો છે. જાનકીદાસજી કરીને એક મહારાજ ૧૯૦૬ માં બોરસદ આવેલા અને ગામ બહાર એક ગૃહસ્થના બંગલામાં ઊતરેલા. તે કથા બહુ સારી કરતા અને ગામમાંથી ઘણા તે સાંભળવા જતા. મળવા આવનાર સૌને તે બીડી છોડવાનો અને ચોટલી રાખવાનો ઉપદેશ કરતા. સરદાર તો શેના આવા મહારાજને મળવા જાય ? પણ એક દિવસ બધા મિત્રો જતા હતા તેમના આગ્રહથી એમની સાથે ગયા. તે દિવસે પણ એમણે બીડી છોડવાનો ઘણાને ઉપદેશ કર્યો. સરદાર તો દૂર બેઠા બેઠા બધું જોયા કરતા હતા. એક જણે સરદારને બતાવીને મહારાજને પૂછ્યું : “આમને કેમ કશું કહેતા નથી ? એ પણ બીડી પીએ છે.” મહારાજે કહ્યું : “મેં એમને વિષે બહુ સાંભળ્યું છે. એમને કહેવા જેવું નથી, 'ગાંગડુ કણ ન રંધાય, કરોડો મણ બાળો કાઠી.’ ” સરદાર અત્યાર સુધી કશું બોલ્યા ન હતા પણ આ સાંભળીને તરત મહારાજને સંભળાવ્યું : “મારી પાસે બીડી છોડાવવી હોય તો તમારાં આ ભગવાં ઉતારીને મને કહેવા આવો, નહીં તો તમારા ભગવાવાળા જ ગાંજો તંબાકુ વધારે વાપરે છે એમને પહેલાં કહેવા જાઓ.”

૬. ૧૯૦૮માં બોરસદમાં એક મુનસફ આવેલા. તેમણે કોર્ટરૂમનું એક તરફનું બારણું બંધ કરાવ્યું. વકીલોને પોતાની ઓરડીએ જવા માટે ફરીને જવાનું થયું અને અગવડ પડવા માંડી. પણ કોઈની મુનસફને કહેવાની હિંમત ન ચાલે. સરદારને દીવાની કોર્ટમાં ભાગ્યે જ જવાનું થતું. પણ આ વાતની તેમને ખબર પડી એટલે વકીલોને તેમણે સલાહ આપી કે તમે એ મુનસફનો બહિષ્કાર કેમ નથી કરતા ? બન્ને પક્ષના વકીલો એની કોર્ટમાં હાજર નહીં થાય એટલે એ કેસો શી રીતે ચલાવવાનો છે ? વકીલોએ આ સલાહ માની અને પેલા મુનસફ સાહેબ તો બે જ દિવસમાં સમાધાન કરવા તૈયાર થયા. વકીલોએ કહેવડાવ્યું કે સમાધાન તો વલ્લભભાઈ મારફત જ થાય. સરદારે કહેવડાવ્યું કે મુનસફને સમાધાન કરવું હોય તો મારી પાસે આવે. છેવટે મુનસફે કહ્યું કે હું બધા વકીલોને મારે ત્યાં ચાપાણી માટે નોતરું અને એ રીતે આપણે સમાધાન કરીએ. તેમાં પણ પ્રથમ તો સરદારે જવાની ના પાડી પણ બધા વકીલોએ ખૂબ આગ્રહ કર્યો એટલે ગયા.

૭. જે દિવસે વિલાયત જવા માટે બોરસદથી નીકળવાના હતા તે દિવસે કલેક્ટર આગળ ચલાવેલી એક અપીલમાં ભારે રમૂજ કરેલી. એક સોનીના ઉપર એક બાઈની સાથે વ્યભિચાર કરવા માટે ગૃહપ્રવેશનો આરોપ હતો. તેને છ માસની સજા થઈ હતી અને કલેક્ટરને ત્યાં એની અપીલ હતી. કલેક્ટરનો મુકામ બોરસદ હતો. કલેક્ટર સાહેબ પીને ચકચૂર થઈને બેઠેલા હતા. એટલે શિરસ્તેદાર જ વચમાં વચમાં સવાલ પૂછવા મંડ્યો. તેને ધમકાવીને સરદારે કહ્યું: “હું શિરસ્તેદાર આગળ કેસ ચલાવવા આવ્યો નથી. મારે તો સાહેબ આગળ કેસ ચલાવવાનો છે એમ સમજી આવ્યો છું.” પછી રકઝક ચાલી તે સાંભળી કલેક્ટર ચેત્યો અને સરદારને પૂછ્યું કે, “શી હકીકત છે ?” શિરસ્તેદાર બોલવા જતો હતો, એને “Keep quiet — બકબક ન કરો,” કહીને ચૂપ કર્યો. અને સરદારને પોતાની દલીલ આગળ ચલાવવા વિનંતી કરી. થોડી વાર પછી તેણે પૂછ્યું: “Is adultery a crime ? — વ્યભિચાર એ કાયદામાં ગુનો છે ?” સરદાર કહે: “ના રે સાહેબ, સુધરેલા દેશોમાં એ ગુનો છે જ નહીં, પણ આ પછાત દેશમાં આ શિરસ્તેદાર અને નીચેની કોર્ટના મૅજિસ્ટ્રેટ જેવા જૂના રૂઢિચુસ્ત અને સાંકડા વિચારના બ્રાહ્મણો આ કામને બહુ કરડી નજરે જુએ છે !” પેલાએ પાંચ મિનિટમાં આરોપીને છોડી મૂક્યો: શિરસ્તેદાર કશું સમજ્યો નહીં પણ ગુસ્સાથી બળી રહ્યો. તે જ દિવસે મુંબઈ જઈ બીજે દિવસે વિલાયતની બોટમાં ઊપડી ગયા.