લખાણ પર જાઓ

સરદાર વલ્લભભાઈ ભાગ બીજો/પ્રધાનમંડળોનાં રાજીનામાં પછી

વિકિસ્રોતમાંથી
← કૉંગ્રેસ વનવાસી બને છે સરદાર વલ્લભભાઈ ભાગ બીજો
પ્રધાનમંડળોનાં રાજીનામાં પછી
નરહરિ પરીખ
ગાંધીજી કૉંગ્રેસની જવાબદારીમાંથી મુક્ત થાય છે →


૨૯
પ્રધાનમંડળોનાં રાજીનામાં પછી

કૉંગ્રેસી પ્રધાનમંડળોએ રાજીનામાં આપી દીધા પછી કૉંગ્રેસીઓ ખાસ કરીને જુવાન વર્ગ સ્વાભાવિક રીતે જ એવી માગણી કરવા લાગ્યો કે હવે કાંઈ જબ્બર પગલું આગળ ભરવું જોઈએ. ગાંધીજી પ્રજાની નાડ બરાબર હાથમાં પકડીને બેઠા હતા. તેમણે તા. ૩૦-૧૦-'૩૯ ના રોજ 'હવે પછી ?' એ નામનો લેખ લખી પરિસ્થિતિનું પૃથકકરણ કર્યું તથા એ વિષે પોતાનું વલણ શું છે એ જાહેર કર્યું :

"બ્રિટિશ સરકાર જોડે ઊભા થયેલા પ્રસંગને અંગે જવાબદારી જેવડો ભાર હું અત્યારે અનુભવી રહ્યો છું તેવડો અગાઉ કદી પણ મેં અનુભવ્યો નથી. કૉંગ્રેસ પ્રધાનમંડળનાં રાજીનામાં પડવાં જરૂરી હતાં, પણ આગળનું પગલું મને કોઈ રીતે સ્પષ્ટ કળાતું નથી. કોંગ્રેસીઓ જબ્બર પગલાંની અપેક્ષા રાખતા જોવામાં આવે છે. કેટલાક પત્રલેખકો મને જણાવે છે કે હું હાકલ કરું એટલી જ વાર છે. આખા દેશમાંથી અગાઉ કદી ન મળેલો એવો જવાબ મને મળશે. વળી તેઓ મને ખાતરી આપે છે કે લોકો અહિંસક રહેશે. એમનાં લખાણમાં અપાયેલી ખાતરી ઉપરાંત તેમના કથનના ટેકામાં મને બીજી કશી સાબિતી મળી નથી. એનાથી વિરુદ્ધનો પુરાવો મારી પાસે ઢગલા મોઢે પડ્યો છે. અહિંંસાને તેમાંથી ફલિત થતા તમામ અર્થ સાથે કૉંગ્રેસીઓ માને છે અને વખતોવખત મળનારી સૂચનાઓને તેઓ વગર આનાકાનીએ પાળવાના છે એવી મને ખાતરી ન થાય ત્યાં સુધી કોઈ પણ જાતના સવિનય ભંગમાં હું હાથ નાખું તેમ નથી.

"કૉંગ્રેસીઓમાં અહિંસાના પાલનને અગેની અનિશ્ચિતતા હોવા ઉપરાંત બીજી મહત્ત્વની બીના એ છે કે મુસ્લિમ લીગ અત્યારે કૉંગ્રેસને મુસલમાનની શત્રુ ગણે છે. આ બીના સવિનય ભંગ મારફત સફળ અહિંસક ક્રાંતિ કરવાનું કોંગ્રેસને સારુ લગભગ અશક્ય કરી મૂકનારી છે. કારણ કે આનો અર્થ નક્કી હિન્દુ-મુસલમાન રમખાણો એ થાય છે. . . .

“હું ચોક્કસ માનું છું કે જેકે બ્રિટિશ સરકારે પોતાનાં કાર્યોથી લડાઈને અંગે સહકાર આપવાનું કૉંગ્રેસને સારુ અશક્ય કરી મૂક્યું છે, તો પણ કૉંગ્રેસે

તેને લડાઈ ચલાવવાના કામમાં મૂંઝવવી ન જોઈએ. . . . મારા અત્યારના અભિપ્રાયને વળગી રહીને મને સવિનય ભંગ શરૂ કરવાની ઉતાવળ નથી. હાલ તુરતને માટે કૉંગ્રેસીઓને મારી સુચના એટલી છે કે તેઓ કૉંગ્રેસમાંથી તેની નબળાઈઓને દૂર કરીને તેના તંત્રને મજબૂત બનાવે. હું તો હજુયે કોમી એકતા, અસ્પૃશ્યતાનિવારણ અને રેંટિયાના જૂના કાર્યક્રમમાં જેવો ને તેવો ચુસ્તપણે માનું છું. પહેલા બે સિવાય અહિંસાનું પાલન અશકય છે એ દેખીતું છે. વળી જો ભારતવર્ષનાં ગામડાં બચવાનાં ને સુખી થવાનાં હશે તો રેંટિયો પણ ઘેરે ઘેર ગુંજ્યે જ છૂટકો છે. રેટિયો અને તેની પાછળ રહેલી તમામ વસ્તુઓ, એટલે કે ગામડાંની કળાકારીગરીના ઉદ્ધાર સિવાય ગ્રામસંસ્કૃતિ અશક્ચવત છે. આમ રેંટિયો એ અહિંસાનું સર્વોપરી પ્રતીક છે. તેની આરાધનામાં કૉંગ્રેસીઓ પોતાના બધો સમય રોકી દે તેમાં કશું જ અજુગતું નથી. જો આ વસ્તુ તેમના હૈચાને ન હલાવી શકે, તો કાં તો તેમનામાં અહિંસા નથી, અથવા તો હું અહિંસાનો કક્કો જાણતો નથી. રેંટિયાનો પ્રેમ એ જો મારી એક નબળાઈ જ હોય તો તે પ્રેમ એવો તો સર્વોપરી છે કે તે મને સેનાપતિપણું કરવાને સારુ નાલાયક કરી મૂકે. મારી નજરમાં રેંટિયો સ્વરાજની યોજના જોડે – ખરેખર જીવન જોડે એકરૂપ થઈ ગયો છે. સ્વરાજની આખરી અને નિર્ણયાત્મક ઠરે એવી આ લડતને આરંભકાળે આખું ભારતવર્ષ મારી લાચકાત બરાબર સમજી લે એ યોગ્ય છે.”

ત્યાર પછી તા. ૧લી નવેમ્બરે વાઈસરૉયે ગાંધીજીને મુલાકાત માટે બોલાવ્યા. રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુને તથા જનાબ ઝીણાને પણ તેમણે આમંત્રણ આપ્યું. આ મુલાકાતમાં વાઈસરૉયે એક નવી જ સુચના કરી. તેમણે કહ્યું કે, “તમે તમારી અંદર અંદર મસલત કરીને પ્રાન્તિક સરકારો પરત્વે કોઈ પણ જાતની સમજૂતી ઉપર આવવાના રસ્તા શોધી કાઢો, અને તે વિષેની દરખાસ્તો મારી આગળ મૂકો. તેમાંથી તમારી બંને કામના પ્રતિનિધિઓને કારોબારી સમિતિના સભ્ય તરીકે મધ્યવર્તી સરકારમાં ભાગ લેવાનું બની શકશે.” જોકે એવું સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું નહોતું પણ એનો અર્થ ઉધાડો હતો કે પ્રાંતોમાં તમે સંયુક્ત પ્રધાનમંડળ રચો તો મધ્યવર્તી સરકારમાં પણ સંયુક્ત કારોબારી સમિતિ બનાવવાનું સહેલું પડે.

ત્યાર પછી વાઇસરૉયે તા. ૫મીએ રેડિયો ઉપર ભાષણ કર્યું. તેમાં લઘુમતીઓને રક્ષણ આપવાની બ્રિટિશ સરકારની જવાબદારીનું જૂનું ગાણું ગાયું. વળી રાજેન્દ્રબાબુ અને જનાબ ઝીણા સાથે પોતાનો થયેલો પત્રવ્યવહાર પ્રાસ્તાવિક ટીકા સાથે પ્રગટ કર્યો. તેનો જવાબ આપતાં તા. ૮-૧૧-'૩૯ના રોજ ગાંધીજીએ જણાવ્યું કે,

"હિંદ પર બ્રિટનના યુદ્ધહેતુઓની સ્વીકારવા જોગ ચોખવટ ન થાય ત્યાં સુધી કશો ઉકેલ અશક્ય છે. અત્યાર સુધી કરવામાં આવેલી જાહેરાતો અહીં શુંં કે વિલાયતમાં શું-જૂની ઘરેડની જ છે. સ્વાતંત્ર્યપ્રેમી હિંદ તેને શકની નજરથી જુએ છે. તેને ભરોસો પડતો નથી. જો સામ્રાજ્યવાદ સાચે જ

મૃત્યુ પામ્યો હોય તો ભૂતકાળના દોરાધાગા સાફ તૂટવા જોઈએ અને નવા યુગને બંધબેસતી ભાષા વપરાવી જોઈએ. આ પાયાનું સત્ય સ્વીકારવાનો જો હજુયે સમય ન આવ્યો હોય તો હું એટલી જ વિનંતી કરીશ કે ઉકેલના બધા પ્રચત્નો આજે મુલતવી રહે એમાં જ શોભા છે.

“મને આશા હતી અને હજુ છે કે ઈશ્વરે મોકલેલ લડાઈનો શાપ બ્રિટનનાં પડળ ખોલવામાં કારગત નીવડશે, અને એ રીતે આશીર્વાદરૂપ થશે. કારણ કે બ્રિટનને એ વાતનું ભાન થશે કે આ લડાઈને વાજબી ઠરાવવા માટે અને તેને જલદીમાં જલદી અંત આણવાને માટે સૌથી વધુ જરૂરી કોઈ વસ્તુ હોય તો તે એ છે કે ભારતવર્ષ જેવા મહાન અને પ્રાચીન દેશને પોતાની ધૂસરીમાંથી છૂટો કરવો.”

ગાંધીજીનું બીજું કહેવું એમ હતું કે,

"બ્રિટને આજ સુધી લધુમતીઓને કહેવાતી બહુમતી સામે બાજીમાં મૂકી મુકીને પોતાની સત્તા ટકાવી રાખી છે, અને એ રીતે જુદા જુદા પક્ષો વચ્ચે એકરાગભર્યો ઉકેલ અશક્ય કર્યે રાખ્યો છે. લઘુમતીઓના રક્ષણની જવાબદારી પોતાની ઉપર છે એમ બ્રિટન જ્યાં સુધી માન્યા કરે છે ત્યાં સુધી હિંદને પોતાને આધીન રાખવાની જરૂર એને ભાસ્યાં જ કરવાની. એટલે લધુમતીઓના રક્ષણનો ઉકેલ શોધવાને ભાર તેણે પોતાને માથેથી કાઢી નાખી તે તે પક્ષોને માથે જ નાખવો જોઈએ. તેમ કરવા માટે હિંદુસ્તાનનું ભાવિ રાજ્યબંધારણ પ્રજાના ચુંટેલા પ્રનિનિધિઓની બનેલી લોકસભાને ઘડવા દેવું જોઈએ. એ બંધારણમાં લધુમતીઓના હક્કોના રક્ષણની તેમને સંતોષ થાય એવી ખેાળાધરીઓ આપવામાં આવશે. લડાઈને અંતે એક ગોળમેજી પરિષદ જેવું સધળા પક્ષોનું સંમેલન બોલાવવાની વાત સરકાર કરે છે, તો હું કહું છું તેવી લોકસભા હિંદને શું કામ ન ભરવા દે ? લધુમતીઓનો સવાલ, લધુમતી અને બહુમતી કોમોએ ઘરમેળે બેસીને પતાવવાનો છે. બ્રિટિશ સરકારે વચ્ચેથી નીકળી જવું જોઈએ.”

તા. ૨૩મી નવેમ્બરે કાર્યવાહક સમિતિએ અલ્લાહાબાદમાં મળેલી પોતાની બેઠકમાં આવી જ મતલબનો ઠરાવ પસાર કર્યો. એ ઠરાવમાં કહેવામાં આવ્યું કે બ્રિટિશ સરકારે યુદ્ધ વિષેનાં પોતાનાં ધ્યેયોની જાહેરાત ટાળવાનો પ્રયત્ન કર્યો છે અને અપ્રસ્તુત પ્રશ્નોની ઢાલ આગળ ધરી છે. તેનો અર્થ કૉંગ્રેસ તો એ જ કરે છે કે દેશમાંનાં પ્રગતિવિરોધી તત્ત્વોની સાથે મળીને હિન્દ ઉપરનું પોતાનું સામ્રાજ્યવાદી આધિપત્ય બ્રિટન કાયમ રાખવા ઈચ્છે છે. વિશેષમાં એમ પણ જણાવ્યું કે કોમી અને બીજી મુસીબતોનો લોકશાસનની પદ્ધતિએ ઉકેલ આણવાનું એકમાત્ર અસરકારક સાધન બંધારણ ધડવા માટેની લોકસભા, એ જ છે. આ લોકસભા એવું રાજ્યબંધારણ ઘડી શકશે જેમાં લઘુમતીઓના હકોની તેમને સંતોષ થાય એવી રીતે રક્ષા કરવામાં આવશે. લઘુમતીઓના હકો વિષેની કોઈ બાબતો વિષે અંદર અંદર સમજૂતીથી પતાવટ નહીં થાય તો બંને પક્ષને માન્ય એવા બહુ ઊંચી કોટિના લવાદને તે સોંપી શકાશે. આ લોકસભા પુખ્ત વયના સર્વ માણસોના મતાધિકારને ધોરણે ચૂંટાવી જોઈએ. અત્યારે જે લઘુમતીઓ અલગ મતાધિકાર ભાગવે છે તે જો એ લઘુમતીઓ ઈચ્છે તો તેમને માટે કાયમ રખાવા જોઈએ. લોકસભામાં તેમના સભ્યોની સંખ્યા તેમની સંખ્યાબળના પ્રતિબિંબરૂપ હોવી જોઈએ.

આની સામે વિલાયતના બધા મુત્સદ્દીઓએ તેમ જ વિલાયતનાં અગ્રગણ્ય છાપાંઓએ ભારે વિરોધ ઉઠાવ્યો. માત્ર બ્રિટિશ મુત્સદીઓમાંથી સર સ્ટૅફર્ડ ક્રિપ્સે કૉંગ્રેસને પૂરેપૂરો ટેકો આપ્યો, એ એક નોંધવા જેવી બીના છે. તેઓ ૧૯૩૯ના છેલ્લા મહિનાઓ દરમ્યાન હિન્દુસ્તાનમાં આવ્યા અને ગાંધીજી, જવાહરલાલ તથા સરદાર સાથે તેમણે બહુ લંબાણ મંત્રણાઓ કરી. દેશમાં મહત્ત્વનાં સ્થળોએ ફરીને લોકમત જાણવાનો પણ તેમણે ઠીક ઠીક પ્રયત્ન કર્યો. હિન્દુસ્તાનમાંથી ઇંગ્લંડ ગયા પછી ત્યાંની પાર્લમેન્ટમાં તેમણે જે ભાષણ કર્યું અને વર્તમાનપત્રોના પ્રતિનિધિઓ આગળ જે નિવેદન કર્યું તે ખાસ નોંધવા જેવું છે. કારણ ૧૯૪રમાં તેઓ અહીં જ્યારે વિષ્ટિ કરવા આવ્યા તે વખતનાં તેમનાં વચનો અને આ વખતનાં તેમનાં વચનો, એ બેની વચ્ચે આસમાન જમીનનું અંતર છે. પણ ૧૯૪રમાં તેઓ બ્રિટિશ સરકારના પ્રતિનિધિ તરીકે આવ્યા હતા અને આ વખતે સ્વતંત્ર વ્યક્તિ તરીકે આવ્યા હતા. પાર્લમેન્ટમાં ભાષણ કરતાં તેમણે જણાવેલું :

“એવી દલીલ આગળ ધરવામાં આવે છે કે કોમી મુસીબોતને લીધે હિન્દુસ્તાનને મધ્યવર્તી સરકારમાં જવાબદારી આપવાની સંતોષકારક પદ્ધતિ શોધી કાઢવાનું કઠણ છે. મારા વિચાર પ્રમાણે આ દલીલમાં કશું વજૂદ નથી. એમ તો પોલૅંડને વિષે એવું જ કહી શકાય. કારણ ત્યાં રશિયન, જ્યૂ , જર્મન અને પોલ લોકોની વસ્તી છે. ચેકોસ્લોવેકિયા વિષે પણ એમ કહી શકાય. કારણ ત્યાં સુડેટન, ચેક અને સ્લોવેક લોકોની વસ્તી છે. પણ હું તો આ દલીલ સમજી જ શકતો નથી. પ્રજાતંત્રનો આપણે જો વિચાર કરતા હોઈએ તો આનો અર્થ તો એ થાય છે કે લઘુમતીને રક્ષણ આપવાની ખાતર બહુમતીને પોતાના હકથી વંચિત કરવી. લોકતંત્રમાં બહુમતીના કેટલાક હકો મર્યાદિત કરવા પડે ખરા, અને એવી મર્યાદાઓ તેમની પાસે સ્વીકારાવી પણ શકાય. કૉંગ્રેસે પોતે એ વસ્તુ કબૂલ રાખી છે. પરંતુ આપણી ઇચ્છા લઘુમતીઓને રક્ષણ આપવાની છે માટે બહુમતીના હક આપણે ઝુંટવી લઈએ તે વાજબી નથી. આપણે જો એમ કરવા જઈએ તો હકીકતમાં બહુમતીને લઘુમતીની સ્થિતિમાં મૂકી દઈએ છીએ. *[]

“આપણે જો પ્રજાશાહી સરકાર જોઈતી હોય તો એ આવશ્યક છે કે લઘમતીએ બહુમતીના શાસનને આધીન થવું જોઈએ. આપણા દેશમાં દરરોજ એ પ્રમાણે બને છે. આપણે પ્રજાશાહી સ્વીકારીએ, પ્રજાશાહી પદ્ધતિ સ્થાપિત કરીએ તો અમુક વર્ગ, અમુક પક્ષ કે અમુક જાત બહુમતીમાં આવવાની જ અને પ્રજાશાહી પદ્ધતિનું એ પરિણામ આપણે સ્વીકારવું જ પડવાનું. અત્યારે આપણને ગમતું હોય કે ન ગમતું હોય પણ બ્રિટિશ હિન્દમાં કૉંગ્રેસ પક્ષ બહુમતીમાં છે એ નિર્વિવાદ છે. …
“હું એમ કહેવા માગું છું કે આપણે એક તરફથી એવો દાવો કરીએ કે આ યુદ્ધ અમે સ્વતંત્રતા અને પ્રજાશાહીને માટે લડીએ છીએ; અને બીજી તરફથી બ્રિટિશ સામ્રાજ્યના અમુક ભાગને, જે આપણે કબૂલ કરીએ છીએ અને ગવર્નર જનરલ પોતે પણ કબૂલ કરે છે કે સ્વરાજ માટે પૂરેપૂરો લાયક છે, તેને એ વસ્તુ આપવાની ના પાડીએ, તો હિન્દુસ્તાનના લોકો જરૂર કહેશે કે અનેક દાખલાઓમાં આ એક વધારો થાય છે જ્યાં બ્રિટન કહે છે એક વસ્તુ અને કરે છે બીજી વસ્તુ.
“હિન્દી કૉંગ્રેસે આપણા યુદ્ધહેતુઓની અને હિન્દુસ્તાન વિષેના આપણા ઇરાદાઓની સ્પષ્ટતા કરવાની જે માગણી કરી છે તેને આપણે શું જવાબ આપવો જોઇએ ? હું સુચવું છું કે આપણો જવાબ નીચે મુજબનો હોવો જોઈએ, અને તે આપણે અત્યારે જ આપવો જોઈએ :
(૧) હુિન્દુસ્તાનના લોકોને ખાતરી આપવી જોઈએ કે હિન્દુસ્તાનને સ્વરાજ આપવાનું આપણું તાત્કાલિક ધ્યેય છે.
(૨) બ્રિટિશ હિન્દુસ્તાન માટે નવી મધ્યવર્તી ધારાસભાની અત્યારે જ ચૂંટણી કરવાની આપણે સંમતિ આપવી જોઈએ. હું તેમાં કશી મુશ્કેલી જોતો નથી. એક નામદાર સભ્ય કહે છે કે હિન્દુસ્તાનમાં અત્યારે ચૂંટણી ન થઈ શકે. ક્વિબેકમાં જો અત્યારે ચૂંટણી થઈ શકી છે તો હિન્દુસ્તાનમાં કેમ ન થઈ શકે ? અમલદારો બીજા કામમાં રોકાયેલા હોય તો ચૂંટણી માટે થોડા નવા અમલદારો રાખો.
(૩) ધારાસભામાં જે પક્ષ બહુમતીમાં આવે તેણે સરકાર રચવી જોઈએ. વાઈસરૉયે એમને પોતાની કારોબારી કાઉન્સિલ તરીકે નીમવા જોઈએ.
(૪) એ વાત ખરી છે કે કાયદા પ્રમાણે અને અત્યારના બંધારણ પ્રમાણે કારોબારી સમિતિ એ પ્રધાનમંડળ ન કહેવાય. પણ બ્રિટિશ સરકાર એવી ખોળાધરી આપે કે ધારાસભાના ચૂંટાયેલા સભ્યોમાંથી નિમાયેલી કારોબારી સમિતિને એ જાણે પ્રધાનમંડળ હોય એમ વાઈસરૉય બધી મહત્ત્વની બાબતમાં ગણશે. એટલે કે રાજા જેમ પ્રધાનમંડળની સલાહ સ્વીકારે છે તેમ વાઈસરૉય પણ આ કારોબારી સમિતિની સલાહ સ્વીકારશે. આમ કરતાં આ પૃથ્વી ઉપરની કઈ ચીજ આપણને રોકી શકે એમ છે ?

“તાત્કાલિક આવી વ્યવસ્થા કરવામાં આવે અને યુદ્ધ પૂરું થયા પછી પણ પૂર્ણ સ્વરાજ્ય આપવામાં આવશે એવું વચન આપવામાં આવે, તો હું ખાતરીપૂર્વક માનું છું કે દુનિયામાં સ્વતંત્રતા અને પ્રજાશાહી સ્થાપવાના આપણા પ્રયત્નમાં આપણને હિન્દુસ્તાનના લોકોનો હૃદયપૂર્વકનો સહકાર મળશે. આપણી આવી જાહેરાતથી આપણે બ્રિટિશ હિંદનું દિલ જીતી લઈ શકીશું એટલું જ નહીં પણ હું માનું છું કે આપણા આવા પગલાને એક મહાન અને સાચા પ્રજાતંત્રવાદી લોકોના એક મહાન કૃત્ય તરીકે આખી દુનિયા વધાવી લેશે.”

ત્યાર પછી યુનાઈટેડ પ્રેસને મુલાકાત આપતાં સર સ્ટૅફર્ડે જણાવ્યું હતું કે,

“કૉંગ્રેસની માગણી એ રાષ્ટ્રીય માગણી છે. તેમાં સઘળા લોકમતો આવી જાય છે. આમજનતાનું તે એક જાહેરનામું છે. છતાં ભય એ રહે છે કે બ્રિટિશ સરકાર આ પ્રકારના જાહેરનામાની અવગણના કરશે. તેનું પરિણામ એ આવશે કે સવિનય કાયદાભંગને આપણે ઉત્તેજન આપીશું. કૉંગ્રેસ માને છે કે તેની માગણીના ટેકામાં આખી આમજનતાનું નૈતિક બળ રહેલું છે. આજે કૉંગ્રેસ તરફથી હાકલ થાય એની જ ઘણા હિંદી તો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. તેમની અપેક્ષા એવી છે કે કૉંગ્રેસ નેતૃત્વ લે. જનાબ ઝીણાની હિંદુસ્તાનના ભાગલા પાડવાની યોજના આમજનતાને પસંદ નથી. વળી એ પણ હકીકત છે કે ઘણા હિંદીઓ માને છે કે હિંંસાથી આ ચળવળને નુકસાન પહોંચે એમ છે. હિંદુસ્તાનના મારા પ્રવાસ દરમ્યાન હું જુદા જુદા અનેક વર્ગના હિંદીઓને મળ્યો છું અને બહુ મોટા ભાગના લોકોએ મારા ઉપર એવી છાપ પાડી છે કે હિંંસક શબ્દો દુશ્મનોને મારતા નથી પરંતુ આપણી ચળવળ પ્રત્યે મૈત્રી ધરાવનારાઓને જ મારે છે. … હિંદુસ્તાનમાં આજે દરેક જણ પછી તે ભણેલો હોય કે અભણ, તેને સ્વાતંત્ર્ય માટે અને ન્યાય માટે તમન્ના જાગી છે. તે આત્મનિર્ણયનો હક માગે છે. … કોઈ એ વસ્તુનો ઇન્કાર કરી શકે એમ નથી કે આખા દેશમાં કૉંગ્રેસનો બહુ ભારે પ્રભાવ છે. બ્રિટિશ સરકારની ધૂંસરી તેણે ક્યારનીય ફગાવી દીધી હોત. પણ મુસ્લિમ લીગનો સહકાર મેળવીને તે આગળ વધવા માગે છે. તેથી જ હિંદુસ્તાનનું સ્વાતંત્ર્ય રોકાઈ રહ્યું છે.”

કોમી પ્રશ્નના તાત્કાલિક નિરાકરણ માટે તમારું રચનાત્મક સૂચન શું છે એમ પૂછવામાં આવતાં સર સ્ટૅફર્ડે કહ્યું કે,

“મારી ખાતરી છે કે હિંદુસ્તાનની મુક્તિ બંધારણ ઘડનારી લોકસભામાં જ રહેલી છે.”

આ પ્રકરણને અંગે ગાંધીજીની વાઈસરોય સાથેની ચોથી અને છેલ્લી મુલાકાત, વાઈસરૉયના આમંત્રણથી તા. પ–ર–’૪૦ના રોજ થઈ. અઢી કલાક સુધી બંને વચ્ચે બહુ નિખાલસ વાતચીત થઈ, પણ કાંઈ રસ્તો નીકળી શક્યો નહીં, એટલે બંને તરફથી નીચેની સંયુક્ત યાદી બહાર પાડવામાં આવી :

“ના. વાઈસરૉયના આમંત્રણના જવાબમાં ગાંધીજી આજે વાઈસરૉયને મળવા આવ્યા. બંને વચ્ચે ખૂબ લાંબી અને મિત્રાચારીભરી ચર્ચા થઈ. આખા

પ્રશ્નને તેમણે પૂરેપૂરો જાણ્યો. વાતચીતનો આરંભ કરતાં જ ગાંધીજીએ સ્પષ્ટતા કરી કે કૉંગ્રેસની કારોબારી સમિતિ તરફથી તેઓ કોઈ આદેશ લઈને આવ્યા નહોતા. એટલે તેને બંધનરૂપ થઈ પડે એવી કશી વાત કરવાની તેમને સત્તા નહોતી. તેઓ પોતાના વ્યક્તિગત નાતે જ વાત કરી રહ્યા હતા.
“ના. શહેનશાહની સરકારની દરખાસ્ત અને ઈરાદાઓ ના. વાઈસરૉયે કંઈક વિગતથી રજૂ કર્યા. પ્રથમ તો તેમણે આગ્રહપૂર્વક જણાવ્યું કે હિંદુસ્તાનને વહેલામાં વહેલી તકે વસાહતી દરજ્જો (ડોમિનિઅન સ્ટેટસ) મળે એવી બ્રિટિશ સરકારની અંતરની ઇચ્છા છે અને એ દરજ્જો પ્રાપ્ત થાય તે માટે પોતાની સત્તામાં હોય તે બધા ઉપાયો તે લેવા તૈયાર છે. પણ આ બાબતમાં કેટલાક મુદ્દાઓનું નિરાકરણ કરવામાં, ખાસ કરીને રક્ષણના મુદ્દાની બાબતમાં, મુશ્કેલીઓ અને ગૂંચવણો રહેલી છે તે તરફ તેમણે ધ્યાન ખેંચ્યું. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે વખત આવશે ત્યારે હિંદુસ્તાનમાંના બધા પક્ષો અને બધાં હિતોના પ્રતિનિધિઓની સાથે સલાહમસલત કરીને અને પ્રશ્ન તપાસી જવા માટે ના. શહેનશાહની સરકાર બહુ તૈયાર છે. વચગાળાનો સમય ટૂંકાવવાની અને શક્ય તેટલી સફળતાથી તે ઓળંગી જવાની ના. શહેનશાહની સરકારની બહુ આતુરતા છે.
“ના. વાઈસરોયે એ વસ્તુ તરફ પણ ધ્યાન ખેંચ્યું કે વડોદરાના ભાષણમાં તાજેતરમાં જ પોતે જણાવ્યું હતું તેમ ૧૯૩૫ના ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા ઍક્ટની સમૂહતંત્રની યોજના જોકે હાલતુરતને માટે મુલતવી રાખવામાં આવી છે, તોપણ તેમાં વસાહતી દરજ્જા માટે ઉતાવળામાં ઉતાવળું પગલું સમાયેલું છે. તેની સાથે હિતસંબંધ ધરાવતા સઘળાની સંમતિથી તેનો સ્વીકાર થાય તેમાં આ વસ્તુને લગતા ઘણા પ્રશ્નોનું નિરાકારણ સમાયેલું છે.
“તેમણે એ પણ ઉમેર્યું કે ગયા નવેમ્બરમાં ગવર્નર જનરલની કારોબારી સમિતિનો, તે વખતે દર્શાવેલા ધોરણે વિસ્તાર કરવાની જે ઑફર તેમણે કરી હતી તે હજી પણ ખુલ્લી જ છે, અને ના. શહેનશાહની સરકાર તેને તત્કાળ અમલમાં મૂકવા તૈયાર છે.
“લાગતાવળગતા પક્ષોની સંમતિને આધીન રહીને ના. શહેનશાહની સરકાર સમૂહતંત્રની યોજનાની વાત ફરી ઉઘાડવા પણ તૈયાર છે. જેથી કરીને યુદ્ધ પછી વસાહતી દરજ્જાની સ્થાપના ત્વરિત કરી શકાય અને તેમાંથી ઊભા થતા મુદ્દાઓનું નિરાકરણ સહેલું થઈ શકે.
“ગાંધીજીએ આ દરખાસ્તો જે વૃત્તિથી મૂકવામાં આવી હતી તે વૃત્તિ પ્રત્યે કદ૨ વ્યક્ત કરી પણ તેની સાથે સાફ જણાવ્યું કે પોતાના વિચાર પ્રમાણે કૉંગ્રેસની પૂરેપૂરી માગણીને તે પહોંચી વળતી નથી. તેમણે સૂચવ્યું અને ના. વાઈસરૉયે સ્વીકાર્યું કે આ સંજોગોમાં, ઊભી થયેલી મુશ્કેલીઓનું નિરાકરણ શોધવાના હેતુથી વધુ વાટાઘાટો કરવાનું હાલ તુરત માટે બંધ રાખવામાં આવે એ પસંદ કરવા જોગ છે.”

મુલાકાતને બીજે દિવસે એટલે છઠ્ઠી ફેબ્રુઆરીએ ઇંગ્લંડ અને અમેરિકાના પત્રકારોનું મોટું મંડળ ગાંધીજીને મળ્યું. એ પત્રકારોમાં ‘માન્ચેસ્ટર ગાર્ડિયન’, ‘ન્યૂસ ક્રોનિકલ’ અને ‘ટાઈમ્સ’ એટલાં લંડનનાં પત્રોના તેમ જ અમેરિકાના ઍસોસિયેટેડ પ્રેસના પ્રતિનિધિઓ હતા. તેમની સાથેની મુલાકાતમાં, વાઈસરૉય અને પોતાની વચ્ચે મુદ્દાનો મતભેદ શો હતો એ ગાંધીજીએ નીચેના શબ્દોમાં સમજાવ્યો :

“ના. વાઈસરૉયે કરેલી ઑફર (દરખાસ્ત) અને કૉંગ્રેસની માગણી એ બે વચ્ચે મુદ્દાનો તફાવત એ છે કે ના. વાઈસરૉયની ઑફરમાં હિન્દના ભાવિ વિષેનો અન્તિમ નિર્ણય કરવાનું બ્રિટિશ સરકારના હાથની વાત છે એમ કહેવામાં આવેલું છે, જ્યારે કૉંગ્રેસની કલ્પના એથી સાવ ઊલટી જ છે. કૉંગ્રેસની દૃષ્ટિએ ખરા સ્વાતંત્ર્યની કસોટી જ એ છે કે કોઈ પણ જાતની બહારની દરમ્યાનગીરી સિવાય હિન્દી પ્રજા પોતાનું ભાવિ નક્કી કરે. આ મુદ્દાનો મતભેદ જ્યાં સુધી ન ભૂંસાય અને ઇંગ્લંડ જ્યાં સુધી સાચે માર્ગે ન વળે, એટલે કે એમ ન સ્વીકારે કે હિન્દને પોતાની મેળે પોતાનું બંધારણ ઘડવાનો અને પોતાનો દરજ્જો નક્કી કરવા દેવાનો સમચ આવી પહોંચ્યો છે, ત્યાં સુધી હિંદ અને ઇંગ્લંડ વચ્ચે શાંતિમય અને માનભરી સમાધાની થવાનો કશો સંભવ હું જોતો નથી. આટલું થાય તો પછી દેશના રક્ષણનો, લઘુમતીઓનો, રાજાઓનો તેમ જ ગોરાઓનાં હિતોનો — એ બધા સવાલો આપોઆપ ઓગળી જશે.”

વાઈસરૉય સાથેની મુલાકાત વિષે વિવેચન કરતાં ‘હરિજન’માં ગાંધીજીએ લખ્યું :

“જેવી સ્પષ્ટતાથી ના. વાઈસરૉયે બ્રિટિશ નીતિનું નિરૂપણ કર્યું, તેવી જ સ્પષ્ટતાથી મેં કૉંગ્રેસની નીતિનું કર્યું. હું જાણું છું ત્યાં સુધી મંત્રણા કાયમને સારુ બંધ પડી ન કહેવાય. દરમ્યાન આપણે પ્રચાર દ્વારા આપણી માગણી દુનિયાને સમજાવવી જોઈએ. બ્રિટિશ સામ્રાજ્યની અંદરની, ઘણીમાંની એક વસાહત તરીકેનો એટલે કે દુનિયાના બિનયુરોપીય પ્રજાઓનું શોષણ કરવામાં ભાગીદારી કરનાર તરીકેનો દરજ્જો હિંદ રાખી શકે નહીં. જો તેની લડત અહિંસા ઉપર ખડી હોય તો તેણે પોતાના હાથ વગર ખરડાયેલા રાખવા જોઈએ. આફ્રિકાવાસીઓની ચૂસમાં તથા વસાહતમાં રહેતા આપણા પોતાના દેશબંધુઓ પ્રત્યેના અન્યાય અને અપમાનમાં ભાગીદાર ન થવાનો હિંદનો નિશ્ચય હોય તો તેને પોતાને એવો સ્વતંત્ર દરજ્જો જ હોવો જોઈએ. એવા દરજ્જામાં શું શું સમાય અને તેનું સ્વરૂપ કેવું હોય એ બ્રિટનનું લખાવ્યું ન લખાય. એનો નિર્ણય આપણે પોતે જ એટલે કે હિન્દી પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કરવો જોઈએ. જ્યાં સુધી બ્રિટિશ રાજધુરંધરો આ વાત પાકે પાયે ન કબૂલે ત્યાં સુધી એનો અર્થ એ જ છે કે તેઓ પોતાના હાથમાંથી સત્તા છોડવા માગતા નથી.”

લંડનના દૈનિક પત્ર ‘ડેલી હેરલ્ડે’ ગાંધીજીને તાર કરીને વાઈસરૉયની મુલાકાત વિષે સંદેશો માગ્યો. તેના જવાબમાં ગાંધીજીએ તાર કર્યો, તેમાં જણાવ્યું કે,

“વસાહતો અને હિન્દ એ બેની વચ્ચે કશી સમાનતા નથી. હિન્દનો દાખલો તદ્દન સ્વતંત્ર અને નિરાળો છે એમ સમજીને એનો વિચાર કરવો જોઈએ. એ સ્પષ્ટ સમજવાની જરૂર છે કે જે કોયડા રજૂ કરવામાં આવે છે તે એકેએક બ્રિટને પેદા કરેલા છે. જે બન્યું છે તે બેશક સામ્રાજ્યશાહીને સારુ આવશ્યક હતું. પણ જો સામ્રાજ્યવાદ મરણ પામે તો બ્રિટને પેદા કરેલા કોયડા આપોઆપ ઊકલી જાય. દેશની રક્ષા એ એમનો મોટામાં મોટો કોયડો છે. પણ બ્રિટને હિંદને નિઃશસ્ત્ર શા સારુ કર્યું છે ? હિન્દી સિપાઈઓ તેમના પોતાના જ દેશમાં પરદેશી કેમ બની ગયા છે ? બ્રિટને રાજાઓને શા માટે નિપજાવ્યા અને કદી ન સાંભળેલી એવી સત્તાઓ તેમને શા સારુ આપી ? બેશક પોતાનો પગ કાયમનો કરવા માટે. જબરદસ્ત યુરોપિયન હિતો કોણે અને શા માટે પેદા કર્યાં ? આ ચાર સામ્રાજ્યશાહીના બુરજ હતા અને હજી છે. શબ્દોની કોઈ પણ જાતની જાળ કે પ્રપંચ આ નગ્ન સત્યને ઢાંકી શકે એમ નથી. બ્રિટન જ્યારે હિન્દ ઉપરનો પોતાનો અનીતિનો કબજો ભગીરથ પ્રયત્ન કરીને તજી દેવાનો નિરધાર કરશે ત્યારે અચૂક તેનો નૈતિક વિજય થશે. પછી, જેમ રાત પછી દિવસ આવે છે તેમ એનો બીજો વિજય પણ ખચીત થશે. કેમ કે એમ બનશે ત્યારે આખા જગતનો અંતરાત્મા એના પક્ષમાં ભળશે. આજે આપવા કાઢી છે એવી કોઈ પણ આળપંપાળ હિન્દના હૃદયને કે જગતના અંતરાત્માને હલાવી શકે એમ નથી.”

આ બધી વાટાઘાટોના સાર તા. ૧૦–૩–’૪૦ના રોજ નવસારીમાં આપેલા એક ભાષણમાં સરદારે પોતાની વિલક્ષણ ઢબે નીચે પ્રમાણે આપ્યો છે :

“જેને નાઝીઝમ કહે છે, જેમાં લોકશાસનનો નાશ રહેલો છે, તેનો વિજય હિન્દુસ્તાન નથી ઇચ્છતું. મિત્રરાજ્યોનો પરાજય પણ હિંદુસ્તાન નથી ઇચ્છતું. એટલે અમે વાઈસરૉયને યુદ્ધહેતુઓ વિષે પૂછવાનો નિર્ણય કર્યો. એનો જવાબ અત્યાર સુધી સીધો ન મળ્યો. પણ હવે મળવા લાગ્યો છે કે, તમે લાયક છો? જાઓ, મુસ્લિમો સાથે એટલે કે મુસ્લિમ લીગ સાથે ફેંસલો કરીને આવો. એ થાય તો પછી કહે કે, “રાજાઓ સાથે ફેંસલો કરી આવો.” એ થાય તો પછી અહીં અંગ્રેજોના આટલા બધા હિતસંબંધો છે, રેલવે છે, આટલું ધન ખરચ્યું છે એનું શું, એ વિચાર આવે. આમ બે બિલાડીઓની માફક, કોમ કોમને એ લડાવવા માગે છે.
“દુનિયામાં બીજે ક્યાંય નથી એટલા રાજાઓ અહીં છે, એ અમે કબૂલ કરીએ છીએ. હિન્દુ-મુસલમાન વચ્ચે મેળ નથી, એ પણ કબૂલ કરશું. હા, ધન અહીં દાટેલું છે. પણ એ તમારું કે અમારું ? આ બધા ઝઘડાનું મૂળ તમે છો. તમે એ દાખલા કર્યા છે. એ અમે દાખલા સાથે બતાવ્યું છે.
“કોમોનો ભેદ દાખલ કર્યો ત્યારે અમે ઘણો વિરોધ કરેલ કે, આ કોમી બટવારો એ ઝેરનો પ્યાલો છે. હવે મુસલમાનો આજે એમ કહે છે કે, આમાં અમને તો કશું મળતું નથી, હિન્દુઓનું જ ચાલે છે.
“અલ્લાહાબાદમાં હિંદુ, મુસલમાન, શીખ, ખ્રિસ્તી, બધા એકઠા થયા અને ફેંસલો કર્યો કે, આપણને કોમી મતદારમંડળો ન જોઈએ, અને મુસલમાનો જે માગે તે આપવું. પણ તરત જ ત્યાંથી હિંદી વજીરે મુસલમાનોને તાર કર્યો કે,

તમે એમાં ભળશો નહીં, અમે વધારે આપીશું. અમે તો દાખલા સાથે બતાવ્યું છે કે, અંગ્રેજો જ આપણને લડાવી મારે છે.
“એ તો કહે છે કે, તમે બે લડો છે ત્યાં સુધી લઘુમતી કોમનું રક્ષણ કરવાનું ઈશ્વરે અમને સુપરત કરેલું છે, તો આ લડાઈ પણ ઈશ્વરે તમને સુપરત કરેલી છે. ત્યાં જ તમારો ફેંસલો થશે.
“અમે કહ્યું કે, તમે જાહેરનામું બહાર પાડો કે, લોક પ્રતિનિધિસભા નિર્ણય કરશે તે અમે આપીશું. એ કબૂલ રાખશો તો, અમે મુસલમાનો સાથે ફેંસલો કરીને જ ઊઠીશું, અને બદકિસ્મતીથી મતભેદ પડશે તો પંચ નિર્ણચ કરશે. એને લાગ્યું કે, આમાં કાંઈ બોલાય એમ નથી. એટલે હવે કહે છે કે, રાજાઓનું શું ? ત્યારે અમે કહીએ છીએ કે એ તો તમારી રચેલી સૃષ્ટિ છે.
“રાજાઓની વ્યક્તિનો સવાલ જ નથી. વસ્તુ એ છે કે, અત્યારે રાજાઓની સંસ્થાઓનો અંત આવ્યો છે. હિંદુસ્તાન કંઈ દુનિયાનો ઉકરડો થોડું જ છે ? જ્યાં રાજા છે ત્યાં પણ સત્તા તો પ્રજા પાસે છે. અત્યારે જે સર્વોપરી સત્તા છે, તેને રાજા પણ નમે છે અને પ્રજા પણ નમે છે. પણ એ તો કહે છે કે, અમે તો રાજાઓ સાથે કરારનામાં કરેલાં છે. અમને શી ખબર કે, કયે કાળે, કઈ રીતે, શું લખાવી લીધું છે ? દેશી રાજ્યની પ્રજાનો અધિકાર એક રતીપૂર પણ જાય, એ કબૂલ કરવા કૉંગ્રેસ તૈયાર નથી. છતાં તમે એમ કહો કે, અમારાં આટલાં હિતો છે, આટલું લશ્કરી હિત છે, તો એનો તોડ થઈ શકે. પણ લડાઈમાં હાર્યા, તા રામ બોલી જવાના છે. અને જીત્યા તોય ખોખરા થઈ જવાના છો. આ લડાઈને અંતે કોઈ રાજ્ય બીજાને તાબે નથી રહેવાનું. વિચારોમાં ભારે પરિવર્તન થવાનાં છે.”

આ વરસનું કૉંગ્રેસનું અધિવેશન માર્ચના ત્રીજા અઠવાડિયામાં બિહારી પ્રાંતમાં રામગઢ નામના સ્થળમાં ભરાયું. સરકાર સાથેની વાટાઘાટોથી કૉંગ્રેસનો જુવાન વર્ગ સાવ કંટાળી ગયો હતો. કૉંગ્રેસમાં સમાજવાદી, સામ્યવાદી, કિસાનસભાવાદી, ટ્રેડ યુનિયનવાદી, રૉયવાદી, એમ અનેક જૂથો હતાં. એ બધાંને ગાંધીજી કૉંગ્રેસની અહિંસા નીતિનો જે અર્થ કરતા હતા એ જરાયે રુચતો નહોતો. લડાઈને વખતે આપણે બ્રિટિશ સરકારને મૂંઝવવી ન જોઈએ એ ગાંધીજીનો વિચાર પણ તેમને વાજબી લાગતો નહોતો. ઘણાને તો એમ લાગતું હતું કે સરકારને જબ્બર લડત આપવાનો આ જ ખરેખર મોકો છે. પણ એ બધાને સાથે સાથે એમ પણ લાગતું હતું કે લડતની સરદારી ગાંધીજી લે તો જ આપણે આખા દેશને સળગાવી શકીએ. ગાંધીજી વિના દેશવ્યાપી લડત ન આપી શકાય એમ સહુ સમજતા હતા, કારોબારી સમિતિને પણ એમ તો લાગતું જ હતું કે પ્રધાનો પાસે રાજીનામાં અપાવ્યા પછી આપણે કાંઈ યોગ્ય પગલું ન ભરીએ તો કૉંગ્રેસમાં નાસીપાસી પેદા થવાનો ભય છે. બીજી તરફથી ગાંધીજી કૉંગ્રેસનો સડો, કોમી વિખવાદ વગેરે તરફ આંગળી ચીંધી સાવચેતી આપતા હતા, એ પણ તેમને ખરી લાગતી હતી. એટલે યુદ્ધને લીધે પેદા થયેલી કટોકટી વિષે તથા સવિનય ભંગ વિષે રામગઢ કૉંગ્રેસના ઠરાવમાં નીચે પ્રમાણે જાહેર કરવામાં આવ્યું :

“યુદ્ધમાંથી હિન્દને અળગું રાખવા માટે અને પરદેશની ધૂંસરીમાંથી હિન્દને મુક્ત કરવાના કૉંગ્રેસના સંકલ્પનો અમલ કરવા માટે, જે પ્રાન્તોમાં કૉંગ્રેસની બહુમતી હતી તે પ્રાંન્તોના પ્રધાનો પાસે કૉંગ્રેસે રાજીનામાં અપાવ્યાં. આ પ્રારંભિક પગલાની પછી સ્વાભાવિક રીતે જ બીજું પગલું સવિનય ભંગનું આવે. એ માટે કૉંગ્રેસ બરાબર સંગ્રઠિત થઈ જાય કે તરત અથવા તો એવા સંજોગો ઊભા થાય જે એકદમ કટોકટી ઊભી કરે તો તેવે પ્રસંગે ખચકાયા વિના એ પગલું કૉંગ્રેસ લેશે. ગાંધીજીએ જાહેર કર્યું છે કે સવિનય કાયદાભંગ ઉપાડવાની જવાબદારી તેઓ ત્યારે જ લેશે જ્યારે તેમને ખાતરી થાય કે કૉંગ્રેસીઓ કડક રીતે શિસ્તનું પાલન કરવા અને સ્વાતંત્ર્યની પ્રતિજ્ઞામાં દર્શાવેલું રચનાત્મક કાર્ય કરવા તૈયાર છે. એ વસ્તુ તરફ કૉંગ્રેસ સઘળા કૉંગ્રેસીઓનું ધ્યાન ખેંચે છે.
“કૉંગ્રેસના પ્રયત્ન બધા વર્ગના અને બધી કોમોના લોકોનું જાતિ કે ધર્મનો ભેદભાવ રાખ્યા વિના પ્રતિનિધિત્વ કરવાનો અને તેમની સેવા કરવાનો છે. હિંદુસ્તાનના સ્વતંત્ર્ય માટેની લડત એ પ્રજા સમસ્તની મુક્તિ માટેની લડત છે. તેથી કૉંગ્રેસ એવી આશા સેવે છે કે બધા વર્ગો અને બધી કોમો તેમાં ભાગ લેશે. સવિનય કાયદાભંગનો હેતુ આખા રાષ્ટ્રમાં બલિદાન આપવાનો જુસ્સો પેદા કરવાનો છે.
“કૉંગ્રેસ મહાસમિતિને અને એવો પ્રસંગ ઊભો થાય અને જરૂર પડે તો કારોબારી સમિતિને સત્તા આપે છે કે ઉપરના ઠરાવનો અમલ કરવાને માટે પોતાને યોગ્ય લાગે તેવાં પગલાં પોતે લઈ શકે.”

કૉંગ્રેસનો ઠરાવ પસાર થઈ ગયા પછી પ્રમુખની વિનંતીથી ગાંધીજીએ આખી પરિસ્થિતિ ઉપર હૃદય હલાવી નાખે એવું ભાષણ કર્યું, એના છેવટના ભાગમાં કૉંગ્રેસીઓને તેમણે ગંભીર ચેતવણી આપી, તે ભાગ નીચે આપ્યો છે:

“હું જાણું છું કે મારા વિના તમે નહીં લડો. પણ તમે જાણી લેજો કે હું તો કરોડો દરિદ્રનારાયણોને ખાતર જ જીવું છું ને તેમને અર્થે જ મરવા ઇચ્છું છું. તેથી તેમના પ્રતિનિધિ તરીકે જ હું અહીં બેઠો છું ને તેમના પ્રતિનિધિ તરીકે જ હું લડી શકું. તેમના પ્રત્યેની મારી વફાદારી બીજી તમામ વફાદારીઓની ઉપર છે. તમે મારો ત્યાગ કરી કે મને પથરાથી છૂંદી છૂંદીને મારી નાખો તોપણ હું રેંટિયાને છોડવાનો નથી. કારણ કે હું જાણું છું કે રેંટિયાની શરત ઢીલી કરું તે જ ઘડીએ મૂંગા દરિદ્રનારાયણને માથે પાયમાલી ઊતરશે ને ઈશ્વર મારી પાસે એનો જવાબ માગશે. તેથી જો તમને રેંટિયામાં મારા જેવી શ્રદ્ધા ન ઊપજી શકતી હોય તો હું તમને વીનવું છું કે મને છોડો. રેંટિયો સત્ય અને અહિંસાનું બાહ્ય પ્રતીક છે. સત્ય અહિંસાની તમારા અંતરમાં પ્રતિષ્ઠા નહીં હોય તો રેંટિયો પણ તમને નહીં ખપે. યાદ રાખો કે બહારની તેમ જ અંતરની બંને શરતો તમારે પાળવાની છે. અંતરની શરત પાળશો તો વિરોધીનો દ્વેષ તમે છોડશો, એના નાશના રસ્તા નહીં તાકો, તે માટે નહીં

મથો, પણ એને સારુ ઈશ્વરની કરુણા ભાખશો. સરકારનાં કુકર્મોની વહી વાંચવા પાછળ એકાગ્ર ન થજો. કારણ એના કરવૈયાઓનો આપણે હૃદયપલટો કરવો છે. તેમને પણ અંતે મિત્ર બનાવવા છે. સ્વભાવે કરીને તો કોઈ જ દુષ્ટ નથી. અને જો બીજા છે તો આપણે શું ઓછા છીએ ? આ મનોવૃત્તિ સત્યાગહના મૂળમાં રહેલી છે. એ તમને કબૂલ ન હોય તો હું તમને વીનવું છું કે મારો ત્યાગ કરો. કારણ કે મારા કાર્યક્રમમાં શ્રદ્ધા વિના અને મારી શરતો સ્વીકાર્યા વિના તમે આમાં પડશો તો મને બરબાદ કરશો, જાતે બરબાદ થશો અને દેશના કાર્યને બરબાદીએ પહોંચાડશો.”

આ જ અરસામાં બીજા બે મોટા બનાવો બન્યા તેની નોંધ લઈને આ પ્રકરણ પૂરું કરીશું.

રામગઢની કૉંગ્રેસ વખતે રામગઢમાં જ એક બીજી મોટી પરિષદ સુભાષબાબુની આગેવાની નીચે ભરાઈ. એનું નામ સમાધાન વિરોધી પરિષદ એવું રાખવામાં આવ્યું હતું. સુભાષબાબુના મત અને વિચારો જોડે જેમને કશી લેવાદેવા નહોતી એવા પણ ઘણા જાતજાતના એમાં એકઠા થયા હતા. એ બધાને કૉંગ્રેસની કારોબારી સમિતિ પ્રત્યે રોષ હતો. એટલે જ એનો વિરોધ કરવાની આ તક તેમણે સાધી હતી. એ લોકો કૉંગ્રેસ કારોબારી સમિતિની સામે એ પ્રચાર કરી રહ્યા હતા કે એ તો બ્રિટિશ સરકાર જોડે સમાધાન કરવાને ખડે પગે તૈયાર છે અને દેશના હિતને ભોગે પણ, એ સમાધાન કરી લેશે. આપણે ઉપર જોઈ ગયા છીએ કે જે માનભરી રીતે અને દેશનું હિત સાધીને સમાધાન થતું હોય તો એવા સમાધાનનો કૉંગ્રેસને કશો વાંધો નહોતો. દેશનું ભલું કઈ રીતે થાય એટલી જ કૉંગ્રેસને તો ઈંતેજારી હતી. પણ વિરોધના પોકારો જ કરવાના હોય ત્યાં સ્વાભાવિક રીતે જ લોકોની કમી પડતી નથી. એટલે સુભાષબાબુવાળી પરિષદ સારી પેઠે ધામધૂમથી થઈ. અને તેણે કૉંગ્રેસનો પેટભરીને વિરોધ કર્યો. પણ સુભાષબાબુ પોકળ વિરોધ કરનારા નહોતા. આગળ ઉપર લાગ સાધીને તેઓ હિંદુસ્તાન બહાર ચાલ્યા ગયા અને હિંદને સ્વતંત્ર કરવાના ઉદ્દેશથી જર્મની તથા જાપાન સાથે ભળ્યા. ત્યાં તેમણે આઝાદ હિંદ ફોજ સ્થાપી. પણ છેવટે તેમનો પ્રયત્ન નિષ્ફળ ગયો. એ વિગતોમાં અહીં ઊતરવાની જરૂર નથી.

બીજી મહત્વની ઘટના તે આ જ અરસામાં લાહોર મુકામે મળેલી મુસ્લિમ લીગની પરિષદ હતી. જ. ઝીણા અને મુસ્લિમ લીગના બીજા આગેવાનો કેટલાક વખતથી મુસલમાનો અને હિંદુઓ એ બે ભિન્ન પ્રજાઓ છે અને હિંદુસ્તાનના બે ભાગલા પાડી નાખ્યા સિવાય દેશમાં શાંતિ સ્થપાઈ શકવાની નથી, એમ કહેતા હતા. લાહોરમાં મુસ્લિમ લીગના વાર્ષિક અધિવેશને આ વસ્તુ સ્વીકારી લીધી અને પાકિસ્તાનનો ઠરાવ કર્યો.

  1. *ગાંધીજીએ પણ એક પ્રસંગે આ જ વસ્તુ કહી હતી. જો બિન કૉંગ્રેસીઓમાં માત્ર રાજાઓને જ નહીં પણ તેમની તમામ પ્રજાઓને, તમામ મુસલમાનોને, જેમનું પ્રતિનિધિત્વ હિન્દુ મહાસભા કરતી હોય તે બધાને, તેમ જ જેઓ પોતાને કૉંગ્રેસી ન ગણાવતા હોય એવા બધા વર્ગોને ગણીએ તો કૉંગ્રેસ જ બિનકૉંગ્રેસી બહુમતીના ભયમાં આવી પડવાનો ખરું જોતાં સંભવ છે.