સરદાર વલ્લભભાઈ ભાગ બીજો/રાસ ગામે સરદારની ધરપકડ

વિકિસ્રોતમાંથી
← નિવેદન સરદાર વલ્લભભાઈ ભાગ બીજો
રાસ ગામે સરદારની ધરપકડ
નરહરિ પરીખ
સાબરમતી જેલમાં →




રાસ ગામે સરદારની ધરપકડ

લાહોરની કૉંગ્રેસમાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કર્યા પછી કૉંગ્રેસની કારોબારી સમિતિએ નક્કી કર્યું કે ર૬-૧-’૩૦ ને રવિવારનો દિવસ પૂર્ણ સ્વરાજ દિન તરીકે ઊજવવો. દેશના એકેએક શહેરમાં અને હજારો ગામડાંમાં સભાઓ થઈ અને પૂર્ણ સ્વરાજની પ્રતિજ્ઞાની ઘોષણા કરવામાં આવી, પ્રતિજ્ઞાના આખર ભાગમાં જણાવવામાં આવ્યું હતું કે :

“આપણા દેશની આવી ચતુર્વિધ (આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક) બરબાદી જે સરકારે કરી છે, એ સરકારને વધારે વાર તાબે રહેવામાં મનુષ્યના અને ઈશ્વરના આપણે અપરાધી બનીશું એવો અમારો સ્પષ્ટ અભિપ્રાય છે. તેની સાથે અમે એ પણ માનીએ છીએ કે સ્વાતંત્ર્ય મેળવવાનો અતિશય અસરકારક રસ્તો હિંસાનો નહીં પણ અહિંસાનો છે. એટલે અમે અમારાથી બને તેટલી હદ સુધી બ્રિટિશ સરકાર સાથે સ્વેચ્છાએ ચાલતો સહકાર છોડીને એ રાજ્યમાંથી છૂટવાની પેરવી કરીશું અને સવિનય કાનૂન ભંગ, (જેમાં કર નહીં ભરવાની લડત આવી જાય છે) તેને માટે પણ તૈયારી કરીશું. અમને ખાતરી છે કે આપણે આ રાજ્યને સ્વેચ્છાએ જેટલી મદદ આપીએ છીએ તે ખેંચી લઈએ અને ગમે તેટલી ઉશ્કેરણી થાય છતાં હિંસા કર્યા વિના કર ભરવાનું બંધ કરીએ તો આ અમાનુષી રાજ્યનો અંત આપણે અવશ્ય આણી શકીશું.
“અમે આજે અંતકરણથી પ્રતિજ્ઞા કરીએ છીએ કે પૂર્ણ સ્વરાજ્ય સ્થાપવાને માટે કૉંગ્રેસ વખતોવખત જે સૂચનાઓ બહાર પાડશે તેને અમે અમલ કરીશું.”

પૂર્ણ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી આખા દેશમાં એટલા બધા ઉત્સાહપૂર્વક થઈ કે તેથી, બહારથી દેખાતી નિષ્ક્રિયતા અને નિરાશાની પાછળ કેટલી તીવ્ર લાગણી અને ભોગ આપવાની તમન્ના હતી તેનો દેશને ખ્યાલ આવ્યો. તેને આગલે જ દિવસે વાઈસરૉયે વડી ધારાસભામાં ભાષણ કર્યું, અને તેમાં ગોળમેજી પરિષદના હેતુઓ વિષે સ્પષ્ટતા કરી. એથી તો આશાને માટે કશો અવકાશ ન રહ્યો. વડા પ્રધાન, ભારત મંત્રી તેમજ બીજા બ્રિટિશ મુત્સદ્દીઓએ ગોળમેજી પરિષદના હેતુઓ લગભગ એક જ જાતની ભાષામાં પ્રગટ કર્યા હતા.

“ગોળમેજી પરિષદ બોલાવવાનો હેતુ એવા ઉપાયો શોધી કાઢવાનો છે, જેથી કરીને હિંદુસ્તાનના સઘળા વર્ગો, સઘળી કોમો, સઘળા પક્ષો તથા જુદા જુદા હિતસંબધો ધરાવનારા સઘળા લોકો, અમુક દરખાસ્તો વિષે શક્ય તેટલા વધારે પ્રમાણમાં એક વિચાર ઉપર આવે, અને તેમની વધારેમાં વધારે પ્રમાણમાં સંમતિ મળે. આવી સર્વસંમત દરખાસ્તો પાર્લમેન્ટ સમક્ષ મૂકવાની બ્રિટિશ પ્રધાનમંડળની ફરજ રહેશે.”

પોતાના ભાષણમાં વાઈસરૉયે સાફ સાફ કહ્યું કે :

“નામદાર શહેનશાહની સરકાર જે પરિષદ બોલાવવા ધારે છે તે પરિષદની ફરજ, કેટલાક માગણી કરે છે તેમ, હિંદુસ્તાનનું રાજ્યબંધારણ ઘડવાની દરખાસ્તો, જેનો પાર્લમેન્ટને કશો વાંધો ઉઠાવ્યા વિના સ્વીકાર કરવો પડે, એ બહુમતીથી રજૂ કરવાની નહીં હોય… આ પરિષદ તો પ્રજામતને સ્પષ્ટ કરવાના અને તેની વચ્ચે મેળ સાધવાના હેતુથી બોલાવવામાં આવે છે, જેથી કરીને નામદાર શહેનશાહની સરકારને કાંઈક દોરવણી મળે. બાકી પાર્લમેન્ટની વિચારણા માટે (હિંદુસ્તાનના રાજબંધારણની) દરખાસ્તો ઘડી કાઢવાની જવાબદારી તો નામદાર શહેનશાહની સરકાર ઉપર જ છે.”

વાઈસરૉયે આટલી સ્પષ્ટતા કરી તે માટે ગાંધીજીએ તેમનો આભાર માન્યો, અને જાહેર કર્યું કે હિંદુસ્તાન પૂર્ણ સ્વાતંત્ર્ય માગે છે તેની વાનગી તરીકે નીચેના અગિયાર મુદ્દા ઉપર પ્રજાને અત્યારે જ સંતોષવામાં આવે તો, જેમાં પોતાના વિચારો અને માગણીઓ રજૂ કરવાની પૂરી સ્વતંત્રતા હોય એવી ગોળમેજીમાં કૉંગ્રેસ ભાગ લેશે અને વાઈસરૉયને તથા બ્રિટિશ પ્રધાનમંડળને સવિનય ભંગની વાત અત્યારે નહીં સાંભળવી પડે :

૧. સંપૂર્ણ મદ્યનિષેધ કરવો.
૨. હૂંડિયામણનો દર ૧ શિ. ૬ પેન્સ ઉપરથી ઘટાડીને ૧ શિ. ૪ પેન્સ કરવો.
૩. જમીનમહેસૂલમાં ૫૦ ટકા ઘટાડો કરવો અને એ વિષયને ધારાસભાના અંકુશ નીચે આણવો.
૪. નિમકવેરો રદ કરવો.
૫. શરૂઆતમાં લશ્કરી ખર્ચમાં ૫૦ ટકાનો ઘટાડો કરવો.
૬. ઉપલા દરજ્જાના અમલદારોના પગારો અર્ધા અથવા તેથી પણ એાછા કરવા.
૭. પરદેશી કાપડ ઉપર રક્ષણાત્મક જકાત નાખવી.
૮. સમુદ્રકાંઠાનું વહાણવટું હિંદુસ્તાનના લોકોના હાથમાં અનામત રહે એવો કાયદો પસાર કરવો.
૯. ખૂન કરવાના અથવા ખૂન કરવાનો પ્રયત્ન કરવાના આરોપસર જેમને સજા થઈ હોય તે સિવાયના તમામ રાજદ્વારી કેદીઓને છોડી મૂકવા અથવા સામાન્ય ન્યાયની અદાલતોમાં તેમના મુકદ્દમા ચલાવવા. બીજા રાજદ્વારી મુકદ્દમા પાછા ખેંચી લેવા, હિંદી ફોજદારી કાયદાની કલમ ૧૨૪ અ તથા ૧૮૧૮ નો ત્રીજો

રેગ્યુલેશન રદ કરવો અને જે હિંદીઓ દેશનિકાલ થયેલા હોય તેમને દેશમાં પાછા ફરવાની છૂટ આપવી.

૧૦. છૂપી પોલીસખાતું રદ્દ કરવું અથવા તેને લોકતંત્રને આધીન બનાવવું.
૧૧. આત્મરક્ષણ માટે હથિયારો વાપરવાના પરવાના લોકતંત્રના અંકુશને આધીન રહીને આપવા.

ઉપરના અગિયાર મુદ્દામાં ગાંધીજીને સ્વરાજનો સાર મોટે ભાગે આવી જતો લાગતો હતો. પણ આ બાબતમાં કશો સંતોષકારક જવાબ મળ્યો નહીં. એટલે કૉંગ્રેસને લાગ્યું કે લડત ઉપાડ્યા સિવાય છૂટકો નથી.

કૉંગ્રેસની કારોબારીએ લડતનાં તમામ સૂત્રો ગાંધીજીને સોંપી દીધાં. ભંગ માટે કયો કાયદો પસંદ કરવો એનો ગાંધીજી વિચાર કરવા લાગ્યા. ‘આ લડત ક્યારે ચલાવવી અને કેવી રીતે ચલાવવી એના નિર્ણય ઉપર આવતાં, સ્ત્રીને જેવી પ્રસૂતિની વેદના થાય એવી વેદના હું અનુભવી રહ્યો છું.’ એમ ગાંધીજી ઘણી વાર કહેતા. તેમને એ પ્રશ્ન મૂંઝવી રહ્યો હતો કે ૧૯૨૨માં દેશના એક ખૂણામાં કેટલાક અસહકારી ગણાતા લોકોએ તોફાને ચડી ખુનામરકી કરી અને તેથી લડત મોકૂફ રાખવી પડી, તેમ જો ફરી વાર પણ થાય, તો અહિંસક શસ્ત્રના પ્રયોગનો અવકાશ જ ન રહે. એટલે આ વખતે ગાંધીજીએ પોતાના વિચારોમાં એક પગલું આગળ ભર્યું. તેઓ એ નિર્ણય ઉપર આવ્યા કે, ‘આટલાં વર્ષો અહિંસાની તાલીમ લોકોને આપી છે અને હજી પણ હિંસા ન થાય એને માટે પૂરેપૂરી કાળજી આપણે રાખીશું, તેમ છતાં જેણે સત્યાગ્રહની પ્રતિજ્ઞા ઉપર સહી નથી કરી એવા કોઈ માણસો દેશમાં કોઈ જગ્યાએ હિંસા કરી બેસે તેથી દેશની લડત અટકવી જોઈએ નહીં.’

તા. ૯-૨-’૩૦ના ‘નવજીવન’ ના અગ્રલેખમાં તેમણે સરકારની અતિશય વ્યાપક અને ઘોર હિંસાનું વિગતવાર વર્ણન કરીને લખ્યું :

“આવી ઘોર હિંસાની સામે થવાની શક્તિ આપણે મેળવવી રહી. તે શક્તિ મેળવતાં અને તેનો ઉપયોગ કરતાં રખેને હિંદુસ્તાનમાં અશાંતિ ફેલાઈ જશે, અંધાધૂંધી વ્યાપી જશે, એવો ડર બતાવવામાં આવે છે. પણ આ વ્યાપક હિંસાની આગમાં પડેલા આપણને બીજી કઈ હિંસાનો ડર લાગવો જોઈએ ? અથવા કઈ હિંસાનું જોખમ વધારેપડતું લાગવું જોઈએ ? ભૈરવજપને આરે બેઠેલા માણસને બીજા કયા ભયની પરવા હોઈ શકે ? તેથી જેઓ અહિંસાને વરેલા છે તેમનો માર્ગ સીધો છે એમ મને લાગે છે. તેમને ચૂપ બેસી રહેવા સિવાય બીજો કઈ રસ્તો સૂઝે નહીં તો તેમની અહિંસા લજવાય, અને કદાચ એ અહિંસા ન હોય, પણ તેની (વિકૃત) અતિશયતા (એટલે) નામર્દી હોય. હિંદુસ્તાનમાં અહિંસાને એક જ અંતિમ ઉપાય માનનારા માણસોનું દળ ખરેખર હોય તો તેમણે આ સમયે પોતાના શસ્ત્રનો ઉપયોગ કરી ઘોર હિંસાનો કાં તો પરાજય કરવો કાં તો લડતાં લડતાં ખપી જવું એ તેમનો ધર્મ છે.”

હિંસાના ઉપાયોને માનનારા ત્રાસવાદી લોકો તોફાન કરે તો શું કરવું એ બીજો વિચાર હતો. તે વિષે પણ ગાંધીજીએ એ જ લેખમાં પોતાના વિચારો જણાવ્યા :

“હિંદુસ્તાનમાં એક હિંસક દળ પણ કામ કરી રહ્યું છે. તે માને છે કે અહિંસાથી કદી આ હિંસાનો પરાજય થવાનો નથી અને સ્વતંત્રતા મળવાની નથી. અહિંસક દળ ગતિમાન થતાં આ હિંસક દળ વચમાં પડી પોતાનું બળ અજમાવવાની ભૂલ કરે એવો સંભવ છે. એટલે અહિંસક દળ સૂડી વચ્ચે સોપારીની જેમ અત્યારે આવી પડ્યું છે. પણ જ્યારે ત્યારે આ જોખમ ખેડ્યે જ છૂટકો છે. અણીને ટાંકણે અહિંસા કામે ન લાગી શકે તો તે નિરર્થક શસ્ત્ર ગણાવું જોઈએ. અનુભવી ઋષિમુનિઓની પ્રતિજ્ઞા એવી છે કે અહિંસાના સાન્નિધ્યમાં હિંસા શમી જાય છે. તેથી મારો સંપૂર્ણ વિશ્વાસ છે કે જો હિંદુસ્તાનમાં ખરેખર અહિંસક દળ હશે તો તે બધા ભયોને અને જોખમોને પહોંચી વળશે. પણ જો એ દળ નામમાત્રનું જ હશે અને દૂરથી જ રળિયામણું દેખાતું હશે તો તેનો નાશ થઈ જાય એ જ બરાબર છે. એમ થશે તો પરાજય અહિંસાનો નહીં થાય, પણ અહિંસા પાળવાનો પ્રયત્ન કરતાં કરતાં પોતાના કાર્ય પૂરતી અહિંસાને ન પહોંચી શકનારનો થયો એમ સિદ્ધ થશે. એમાંથી શુદ્ધ અહિંસા પ્રગટ થશે. એ વિશ્વાસ ઉપર અત્યારે અહિંસક યુદ્ધની આખી રચના હું નમ્ર ભાવે હૃદયમાં યોજી રહ્યો છું.”

પોતાના મન સાથે તેમ જ દેશ આગળ આટલી સ્પષ્ટતા કરીને ગાંધીજીએ તા. ૧રમી માર્ચે સાબરમતી સત્યાગ્રહ આશ્રમમાંથી પગપાળા કૂચ કરી, અને સુરત જિલ્લામાં આવેલા દાંડી ગામના સમુદ્રકિનારે પહોંચી ત્યાં કુદરતી રીતે બનેલું મીઠું ઉપાડી મીઠાના કાયદાના ભંગથી લડત શરૂ કરવાનું ઠરાવ્યું.

લડતને વિષે ગાંધીજીના વિચારો તો સરદારને માન્ય હતા જ. પણ તેમના દિલમાં એક બીજી જ લાગણી કામ કરી રહી હતી. ૧૯૨૨માં જ્યારે ગાંધીજીને છ વરસની સજા કરવામાં આવી ત્યારે તેમની જ સલાહથી અને બહાર રહેલા નેતાઓના પ્રયત્નથી દેશમાં શાંતિ રહી હતી. તેનો અનર્થ કરી લૉર્ડ બર્કનહેડ પાર્લમેન્ટમાં એવું બોલેલા કે, “ગાંધીજીને પકડ્યા છતાં હિંદુસ્તાનમાં એક કૂતરુંયે ભસ્યું નહોતું અને અમારો કારવાં (સંઘ) સુખેથી આગળ ચાલી રહ્યો હતો.” લૉર્ડ બર્કનહેડના આ શબ્દોનો બરાબર જવાબ દેશે આપવો જોઈએ, એમ સરદારને લાગતું હતું. ગાંધીજીને જ્યારે પકડવામાં આવે ત્યારે આખો દેશ સત્યાગ્રહની લડતથી સળગી ઊઠે, બધી જેલો ભરાઈ જાય અને સરકારને જમીનમહેસૂલની એક કોડી પણ ન મળે તો સરદારને સંતોષ થાય એમ હતું. જોકે આ વિષે ગાંધીજીને એમ લાગતું હતું કે આર્થિક મુદ્દા ઉપર જમીનમહેસૂલ ન ભરવાની લડત ચલાવવી એ પ્રમાણમાં હળવી વાત ગણાય, પણ સ્વરાજના મુદ્દા ઉપર જમીન મહેસૂલની લડત ચલાવવા માટે દેશ કદાચ તૈયાર ન હોય. તેથી જ તેમણે કાનૂનભંગ માટે મીઠાનો કાયદો પસંદ કરેલો.

સરદારે પોતાને માટે એવી યોજના વિચારેલી કે ગાંધીજીની દાંડીયાત્રા ચાલતી હોય તે વખતે ગાંધીજીના પ્રવાસમાર્ગની આસપાસના પ્રદેશમાં ફરીને ભાષણો કરી લોકોને લડત માટે તૈયાર કરવા. લાહોર કૉંગ્રેસમાંથી પાછી આવીને તરત તેમણે આ કામ શરૂ કરી દીધેલું. તેઓ લોકોને કેવા પ્રોત્સાહિત કરવા મંડ્યા હતા તેના નમૂના તરીકે ભરૂચ શહેરમાં તેમણે આપેલા ભાષણમાંથી નીચેનો ઉતારો અહીં આપ્યો છે:

“આઠ–દશ-પંદર દિવસે કાયદાનો સવિનય ભંગ થવાનો છે, એવા પ્રકારે અને એવી વ્યક્તિઓ મારફતે, કે જે અહિંસાપરાયણ હોય, જેનામાં ક્રોધ ન હોય, ઈર્ષા ન હોય, જેની સાત્વિક્તા અને શુદ્ધતા વિષે શંકા ન હોય. શરૂ કરનાર અને એના સાથીઓ પકડાશે. એમને પકડે તો તમે શું કરશો? ઇંગ્લંડનો એક મુત્સદ્દી હમણાં જ બોલી ઊઠ્યો છે કે ગાંધીજીને ૧૯૨૨માં પકડ્યા ત્યારે હિંદુસ્તાનમાં કુતરુંયે ભસ્યું નહોતું. આ વાત સાચીયે છે અને જૂઠીયે છે. તે વખતે બારડોલીમાં લડત શરૂ કરવાની હતી તે તેમણે બંધ રાખી, તલવાર મ્યાન કરી. જો બે ક્ષત્રિયો લડતા હોય અને એક તલવાર મ્યાન કરે તો બીજો ઘા ન કરે. પણ આ તો ક્ષત્રિયો નહોતા, માયાવી રાક્ષસ હતા. તેમણે ઘા કરી ગાંધીજીને પકડ્યા. તેમ છતાં ગાંધીજીએ તમામ કામ કરનારાઓને મનાઈહુકમ આપ્યો કે મારી પાછળ કોઈએ આવવાનું નથી. તમે જેલ ભરવાની ચળવળ ન ઉપાડશો. આનો અર્થ એમ કરવામાં આવ્યો કે એક કૂતરુંયે ને ભસ્યું. જ્યારે તલવાર મ્યાન નહોતી કરી ત્યારે તો એમના હાંજા ગગડી ગયા હતા. ખુદ વાઈસરૉયે કબૂલ કર્યું હતું કે ‘મને ગમ નહોતી પડતી કે શું કરવું?’ મુંબઈના ગવર્નર બોલી ગયેલા કે ‘સ્વરાજ હાથવેંતમાં હતું.’



“સાબરમતીને કાંઠે બેઠાં બેઠાં આટલું આપી દીધા પછી ગાંધીજીને આજે નવું શું કહેવાનું હોય ? જગત તો તમારો હિસાબ પૂછશે કે તમે શું કર્યું ? એણે તો કામ કરી દીધું છે અને કરશે. એના પછી એના સાથીઓ પકડાશે. ત્યારે તમારી કસોટી થવાની છે.
“ખેડૂતોને અને બીજાઓને પૂછું છું કે, ઈશ્વરમાં શ્રદ્ધા છે ? ખુદામાં તમે માનો છો ? જન્મ્યા તે મરે છે તે જાણો છો ? મરણમાંથી કોઈ છૂટવાના નથી. નામર્દના મોત કરતાં બહાદુર અને આબરૂદારના મરણે મરતાં શીખો. તોપોના ધડાકા થાય, વિમાનમાંથી બૉમ્બના ભડાકા થાય, ધાણી ફૂટે એમ માણસો મરતા હોય ત્યારે ઇતિહાસને પાને નામ તો ચડે. આવો દિવસ આપણે ત્યાં ક્યારે આવે ? ત્યારે આવે કે જ્યારે કોઈ પણ ગુજરાતી સરકારને સાથ ન આપે… પકડાપકડી થવા દો. પછી દુનિયા જાણશે કે કૂતરું ભસે છે કે શું થાય છે.”

તા. ૭મી માર્ચે સરદાર બોરસદ તાલુકાના રાસ ગામે ગયેલા. એમને સાંભળવા હજારો માણસ ગામને પાદરે વડ નીચે ભેગું થયેલું. મૅજિસ્ટ્રેટે  ત્યાં જઈ સરદારને ભાષણ ન કરવાની નોટિસ આપી, અને પૂછ્યું: “શું કરવા ધારો છો ?” સરદારે કહ્યું: “મારે એ નોટિસનો અનાદર કરવો છે.” પેલાએ કહ્યું, “પરિણામનો વિચાર તમે કર્યો જ હશે.” સરદારે કહ્યું, “ગમે તેમ થાય, હું અનાદર કરીશ.” સરદારે ભાષણ શરૂ પણ નહોતું કર્યું, પણ આટલી વાતચીત ઉપરથી જ તેમને પકડવામાં આવ્યા. ત્યાંથી એમને બોરસદ લઈ જવામાં આવ્યા. ત્યાં મૅજિસ્ટ્રેટની અદાલતમાં એમનો કેસ ચલાવવાનું ફારસ ભજવાયું. અદાલતમાંથી વકીલોને બહાર કાઢવામાં આવ્યા. જિલ્લા મૅજિસ્ટ્રેટ, નોટિસ આપનાર મૅજિસ્ટ્રેટ અને જિલ્લા પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ, એ ત્રણેએ મળીને કૂંડાળાં વાળ્યાં. નોટિસ બજાવનાર મૅજિસ્ટ્રેટ અને પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ તથા બીજા એક સ્થાનિક પોલીસ અમલદારની જુબાનીઓ સરદારની ગેરહાજરીમાં લીધી. તે વખતે સરદારને અદાલતના ઓરડાની પાછળની ઓરડીમાં – મૅજિસ્ટ્રેટની ચેમ્બરમાં – બેસાડેલા હતા. પછી તેમને બહાર લાવીને પૂછ્યું કે, “આ આરોપના સંબંધમાં તમારે કાંઈ કહેવું છે ?” સરદારે જવાબ આપ્યો: “મારે બચાવ નથી કરવો. ગુનાનો સ્વીકાર કરું છું.” જિલ્લા મૅજિસ્ટ્રેટે ફેંસલો આપ્યો : “તહોમતદાર બૂમબરાડા પાડીને ભાષણ (harangue) કરવા ગયા એટલે જિલ્લા પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે તેમને ૫૪મી કલમ પ્રમાણે એમ ન કરવાનું કહ્યું. તેમણે ન માન્યું અને ભાષણ કર્યું, એટલે ૭૧ મી કલમ પ્રમાણે ગુનો થયો. તહોમતદાર ગુનો કબૂલ કરે છે. તેમને ત્રણ માસની સાદી કેદ અને રૂ. ૫૦૦ દંડ, અને દંડ ન ભરે તો ત્રણ અઠવાડિયાં વધારે કેદ, એટલી સજા કરવામાં આવે છે.” બોરસદથી તેમને મોટરમાં સીધા અમદાવાદ લાવવામાં આવ્યા. રસ્તામાં ડૉ. કાનૂગાને ત્યાં જમવા રોકાયા. જેમને સરદાર પોતાનાં સગાં બહેન સમાન ગણતા હતા તે નન્દુબહેન કાનૂગાએ તેમને કંકુનો ચાંલ્લો કર્યો અને ભાવભીની વિદાય આપી. આશ્રમ આગળ પણ મોટર થોભાવી અને બધાં ભાઈબહેનોને તથા બાળકોને મળી હસાવી રમાડી તેમની વિદાય લીધી. સાબરમતી જેલના દરવાજા આગળ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે તેમની આગળ સિગરેટ ધરી. સરદાર એ લેવા હાથ લાંબો કરવા જતા હતા, એટલામાં ખંચાયા અને લેવા ના પાડી. સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું. “તમે બીડી તો પીઓ છો ?” સરદારે જવાબ આપ્યો: “પણ તું જેલની અંદર ક્યાં બીડી આપવા આવવાનો છે?” તે ક્ષણેથી સરદારે બીડી છોડી તે કાયમને માટે છોડી.

સરદારના પકડાયાના સમાચારથી આખું ગુજરાત સળગી ઊઠ્યું. અમદાવાદમાં સાબરમતી નદીને કિનારે એક મોટી સભા ગાંધીજીના પ્રમુખપણા નીચે થઈ. તેમાં પ૦ થી ૭૫ હજાર માણસો હશે. તેમાં નીચેના ઠરાવ પસાર કરવામાં આવ્યો:

“અમે અમદાવાદના શહેરીઓ અમારો નિશ્ચય જાહેર કરીએ છીએ કે વલ્લભભાઈને જ્યાં લઈ જવામાં આવ્યા છે ત્યાં અમે જવાને તૈયાર છીએ. જ્યાં સુધી દેશને સ્વાધીનતા પ્રાપ્ત નથી થઈ ત્યાં સુધી અમે જંપીને બેસીશું નહી અને સરકારને જંપીને બેસવા દઈશું નહીં. અમે અંતઃકરણથી માનીએ છીએ કે હિંદુસ્તાનની મુક્તિ સત્ય અને અહિંસાના પાલનમાં રહેલી છે.”

સરદારને પકડવાથી રાસ ગામ ઉપર વીજળીક અસર થઈ. મુખી, મતાદારો અને તમામ રાવણિયાઓએ રાજીનામાં આપ્યાં એટલું જ નહીં પણ રાસમાં રહેતા એક કલાલ, જેમણે બીજા એક ગામે દારૂના પીઠાનો ઇજારો રાખ્યો હતો તેમણે દારૂનો ધંધો કદી ન કરવાની પ્રતિજ્ઞા લીધી. એક શીખ ભાઈ, સરદાર પકડાયા તે જ દિવસે રેલગાડીની નોકરી છોડી રાષ્ટ્રીય સૈનિક તરીકે જોડાઈ ગયા. એકલા રાસ ગામમાંથી પાંચસો ભાઈબહેનોએ સત્યાગ્રહની લડતમાં સૈનિકો તરીકે જોડાવા પોતાનાં નામ આપ્યાં.

ત્રીજે દિવસે મહાદેવભાઈ સરદારને જેલમાં મળવા ગયા, એનું વર્ણન મહાદેવભાઈની રસિક શૈલીમાં અહીં આપ્યું છે :

“એનું એ જ ખડખડાટ હસવું, એના એ જ કટાક્ષ અને એનો એ જ ખુશમિજાજ ! કોને લાગે કે સરદારનાં જેલમાં દર્શન કરીએ છીએ ? ‘ગાંધીજીને એક વાર જવા દો ને, પછી બધું કરી બતાવીશું,’ એમ કહીને સૌના કુતૂહલને શમાવતા સરદાર ગાંધીજીના પહેલાં જેલમાં ચાલ્યા જશે એમ કોઈએ ધાર્યું નહોતું. બોરસદમાં તો ગાંધીજી આવે ત્યારે લોકોએ શું કરવું એ તેમને સમજાવવા જ તેઓ ગયા હતા. તેમને જેલમાં લઈ જતા હતા ત્યારે આશ્રમ આગળ તેમની મોટર દસેક મિનિટ રોકાયેલી. તે વખતે આચાર્ય કૃપલાનીએ તેમને કહેલું કે ‘આખરે આમ બાપુને દગો દઈને આગળ જાઓ છો ને ?’ એટલે ખડખડાટ હસતા સરદાર બોલ્યા: ‘દગો તો સરકારે દીધો. બોરસદમાં મને પકડવાના છે એમ જાણ્યું હોત તો હું જાત જ શા સારુ ?’
“જેલ સુપરિન્ટેન્ડેન્ટે મને આગ્રહ કરવા માંડ્યો કે તમે સરદાર સાથે અંગ્રેજીમાં વાત કરો. મેં જવાબ આપ્યો: ‘હું તો મારા બાપની સાથે અંગ્રેજીમાં બોલું તો વલ્લભભાઈ સાથે અંગ્રેજીમાં બોલું. બાકી તમે એવો જ આગ્રહ કરશો તો હું મુલાકાત જવા દઈશ, પણ અંગ્રેજીમાં નહીં બોલું.”
“પેલો ગૂંચાયો. સરદાર હસતાં હસતાં કહે : ‘એ આશ્રમવાળા લોકો એવા હોય છે કે ધારેલું જ કરે. એ તો અંગ્રેજીમાં નહીં જ બોલે.’
“સુપરિન્ટેન્ડેન્ટ ઘૂંટડો ગળી ગયો. એણે કહ્યું : ‘વારુ, ત્યારે એટલી શરતે કે તમે ગુજરાતીમાં બોલો તે હું ન સમજું ત્યાં મને અંગ્રેજીમાં સમજાવજો.’
“મેં કહ્યું : ‘એ વાત બરોબર.’
“ ‘તમને કેવી રીતે રાખે છે ?’ એમ પૂછતાં સરદારે કહ્યું: ‘ચોરલૂંટારાને જેવી રીતે રાખે છે તેવી રીતે મને પણ રાખે છે. બહુ આનંદ છે. આના જેવી લહેર જિંદગીમાં કોઈ વાર આવી નહોતી.’
“ ‘પણ નવા જેલનિયમો તમને લાગુ પાડતા નથી ?’

“ ‘સુપરિન્ટેન્ડેન્ટને એ નિયમોની ખબર નથી. અને જેલમેન્યુઅલ મને જોવા આપતા નથી.’
“ ‘તમને કોની સાથે રાખ્યા છે ? ક્યાં રાખ્યા છે ?’
“ ‘ગુનો કરવાની આદતવાળા યુવાનોનો વૉર્ડ કહેવાય છે તેમાં. જોકે ત્યાં કોઈ યુવાનો તો નથી જ. પહેલે દિવસે તો આપણા જલાલપુરવાળા બિરાદરો જેઓ દારૂના પીઠાની ચોકી કરતાં વર્ષ વર્ષની સજા મેળવીને આવ્યા છે તેઓ મારી સાથે હતા. પણ તેમને તુરત ખસેડવામાં આવ્યા.’
સરદારે આગળ ચલાવ્યું : “ ‘અમારી ખોલી સાંજે સાડા પાંચ વાગ્યે બંધ થાય છે અને સવારે સાત વાગ્યે ખૂલે છે. કાલે રવિવાર હતો એટલે બપોરે સાડા ત્રણ વાગ્યાના પૂર્યા.’
“ ‘સૂવાને માટે શું ?’
“ ‘એક ખાસ્સો કામળો આપ્યો છે ને ! તે ઉપર આળોટીએ છીએ. મને પહેલે દિવસે લાગેલું કે ઊંઘ નહીં આવે, પણ બીજે દિવસે તો ઘસઘસાટ ઊંઘ આવી. તે એવી આવી કે બહાર કદી આવી નથી. આ ઉનાળાના દિવસમાં બહાર સુવરાવતા હોય તો કેવું સારું !’
“ ‘ખોરાકનું કેમ ?’
“ ‘ખોરાકનું તો શું પૂછવું ? જેલમાં કાંઈ મોજ કરવા થોડા આવ્યા છીએ ? બપોરે કંઈક જાડા રોટલા ને દાળ, અને સાંજે રોટલા અને શાક એમ આપે છે. ઘોડાને ખપે એવું તો હોય છે જ.’
“ ‘પણ માણસને ખપે એવું હોય છે કે નહીં ?’
“ ‘શા સારુ નહીં ? પાયખાને જવાનું ઠેકાણું નહોતું તે અહીં એક વાર નિયમિત પાયખાને જાઉં છું. પછી શું જોઈએ? પણ એની તું ચિંતા શા સારુ કરે છે ? ત્રણ મહિના હવા ભરખીને રહી શકું એમ છું.’ એમ કહીને ખડખડાટ હસી જેલનો દરવાજો ગજાવી મૂક્યો.
“પછી સરદારે કહ્યું : ‘સવારે જુવારના લોટની નમક નાખેલી કાંજી મળે છે. પણ એ નથી લેતો. કારણ મરડો થવાનો ડર રહે છે.’
“ ‘રોટલા દાંતે ચવાય છે શી રીતે’ એના જવાબમાં એમણે કહ્યું : ‘રોટલા તો પાણીમાં ભાંગી નાખું છું, અને મજાથી એક રોટલો ખાઈ જાઉં છું.’
“ ‘બત્તી મળે છે ?’
“ ‘બત્તી ન મળે. બત્તી આપતા હોય તો રાત્રે વાંચું પણ ખરો. અહીં તો સાંજ પડી એટલે અંધારું.’
“ ‘કશું વાંચવાનું જોઈએ છે ?’
“ ‘ગીતા અને તુલસીરામાયણ આપ્યાં છે. ‘આશ્રમભજનાવલિ’ મોકલજે. એટલી ત્રણ વસ્તુ ત્રણ મહિનામાં વાંચી લઈશ તો બહુ છે.’
“મેં કહ્યું: ‘ગીતાજી તો હવે બાપુની બહાર પડવાની છે.*[૧] જે દિવસે કૂચ શરૂ ક૨શે તે જ દિવસે એ ગીતાજી બહાર પડશે. અને બાપુએ તમારે માટે પહેલી જ નકલ રાખી મૂકી છે. તે મોકલું ને ?’
“ ‘મેં સુપરિન્ટેન્ડેન્ટ તરફ જોયું એટલે તેમણે કહ્યું : ‘ભલે, ધાર્મિક સાહિત્યની સામે અમને વાંધો નથી.’
“ ‘પછી તેમને થયેલી સજાને વિષે અમદાવાદના વકીલો ઠીક કાયદો ફેંદી રહ્યા છે એમ મેં તેમને કહ્યું. એટલે કહે : ‘ખાલી કાયદો શા સારુ ફેંદે છે?’ મેં કહ્યું : ‘એ તે હાઈકૉર્ટમાં જવા માગે છે.’ એટલે કહે: ‘મને અહીં મજા છે, અને મારે સજા પૂરી કર્યા વિના નીકળવું નથી; બાકી મૅજિસ્ટ્રેટ મૂરખ હતો. એને કાયદાનું કશું ભાન નહોતું. કોઈને એણે કોર્ટમાં ન આવવા દીધા. કાયદાની કલમો શોધતાં એને દોઢ પહોર થયો અને મને સજા કરવાનો આઠ લીટીનો ફેંસલો લખતાં એને દોઢ કલાક ગયો.’
“પછી મેં એમને જોઈતી ચીજોની યાદી કરવા માંડી. એટલે સુપરિન્ટેન્ડેન્ટ કહે: ‘અસ્ત્રાની રજા નથી. તમને હજામત કરાવવાની સગવડ આપવામાં આવશે.’ ‘એ તો હું જાણું છું અહીંં કેવી હજામત થાય છે તે.’ કહીને સરદાર હસ્યા.
“એટલે જેલર, જેમને સુપરિન્ટેન્ડેન્ટ કરતાં નિયમોનું કંઈક વધારે જ્ઞાન લાગતું હતું તેમણે કહ્યું: ‘સાહેબ, આ કેદીને તો અસ્ત્રો આપી શકાય.’
“સુપરિન્ટેન્ડેન્ટ કહે : ‘તો ભલે. પણ જ્યારે તમને જોઈએ ત્યારે આપીશું. એ રહેશે અમારી પાસે.’
“એટલે સરદાર કહે : ‘મને એક અસ્ત્રો આપી મૂકતા હો તો કેવું સારું ! બીજા કેદીઓની હજામત કરું અને ચાર પૈસા પેદા કરૂં.’
“આ વેળા તો ચિત્રવત્ બેસી રહેલા સુપરિન્ટેન્ડેન્ટ અને જેલર પણ ખડખડાટ હસ્યા. પણ તુરત જ પાછું તેમને નિયમોનું ભાન થયું. ઘડીક વાર માણસ બનેલા તે પાછા યંત્ર બન્યા, અને બોલ્યા : ‘એમણે સાબુની માગણી કરી છે. પણ સુગંધી સાબુ ન મોકલશો. સુગંધી સાબુની રજા નથી.’
“અમે નીકળતા હતા ત્યાં સરદાર બોલ્યા : ‘ત્રણ મહિના તો હું મજા કરીશ. નીકળીશ ત્યારે એવું તપી ગયેલું હશે કે હું ટાંકણે જ નીકળવાનો. બહુ સારું થયું.’
“આખરે જાણે ખાસ કાંઈ વાત કહેવાના હોય તેમ કહે: ‘મારા આનંદના તો પાર નથી. પણ એક વાતનું દુઃખ છે.’
“એ વાક્ય અંગ્રેજીમાં બોલ્યા. જેલર અને સુપરિન્ટેન્ડેન્ટ ચોંક્યા. સાંભળવાને અધીરા થયા. પણ સરદાર કહે : ‘એ કહેવાય એવું નથી.’ એમ કહીને ઊલટું અમારું કુતૂહલ એમણે વધારી મૂક્યું.
“ઘડીક વાર પછી બોલ્યા: ‘દુઃખની વાત એ છે કે અહીં બધા જ હિંદી અધિકારીઓ છે. સિપાઈઓ અને વૉર્ડરોથી માંડીને સુપરિન્ટેન્ડેન્ટ સુધી સૌ હિંદીઓ જ પડ્યા છે. ગોરા હોત તો બતાવત. તેમની સાથે લડત. પણ આ આપણા લોકો સાથે શી રીતે લડાય ? આપણા લોકોને તંત્રના ગુલામ કેવા બનાવી મૂક્યા છે તેનો આ નમૂનો છે.’

“નીકળતાં નીકળતાં બીજો સંદેશો પણ એમણે પોતાની વ્યંગ વાણીમાં આપી દીધો. મે કહ્યું: ‘તમને ત્રણ મહિનામાં એક જ મુલાકાત મળે, અને આ એક તો થઈ ગઈ. હવે તમે પાછા ન મળી શકો એ દુઃખ થાય છે.’
“એટલે સરદાર કહે : ‘મને કોઈએ મળવાની જરૂર નથી, ઊલટા કોઈ મળવા આવે તો મને યાદ આવે છે કે હજી આ બહાર રહેલા છે.’”

ઉપરની હકીકત મહાદેવભાઈએ છાપામાં બહાર પાડી કે તરત જ સરદારની સાથેનું વર્તન બદલવાના હુકમ સરકારે કાઢ્યા. ઘેરથી ખાટલો, ગોદડાં અને મચ્છરદાની તથા ખાવાનું મંગાવવું હોય તો મંગાવી શકાશે એવી એમને ખબર આપવામાં આવી. સરદારે કહી દીધું : “મારે ઘેરથી ખોરાક નથી મંગાવવો. માત્ર બે તપેલી અને થાળીવાટકો મંગાવી લઈશ, અને સીધું આપશો તે રાંધી લઈશ, જેથી ચોખ્ખું ખાવાનું મળે.”

અમદાવાદના વકીલોને એમ લાગતું હતું કે સરદારે ભલે કહ્યું કે “I plead guilty (હું ગુનો સ્વીકારું છું )” પણ તેમણે ભાષણ કર્યું નથી. ભાષણ કરવાનો પોતાનો ઈરાદો જ માત્ર જાહેર કર્યો છે; તેમણે નોટિસના ભંગનું કૃત્ય કર્યું નથી, ત્યાં સુધી ગુનો થતો નથી. પણ આવી વકીલી દલીલબાજીમાં પડવાની સરદારની ઈચ્છા નહોતી. છતાં શ્રી દાદાસાહેબ માવળંકર કાયદાના સલાહકાર તરીકે સરદારની મુલાકાત લેવા જેલ પર ગયા, ત્યારે સરદારે નીચેનું નિવેદન લખાવ્યું :

“મૅજિસ્ટ્રેટ મારી ઉપર નોટિસ બજાવી અને મને પૂછ્યું, ‘હવે તમે શું કરવા માગો છે ? પરિણામ તો તમે જાણતા જ હોવા જોઈએ.’ મેં કહ્યું, ‘મને પરિણામની કશી દરકાર નથી. હું ભાષણ કરવા જ માગું છું.’ એટલે એમણે ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટને મને પકડવા કહ્યું અને પૂછ્યું કે તમે જામીન ઉપર છૂટવા માગો છો ? મેં ના પાડી. પછી ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટે મને મોટરમાં બેસાડ્યો. મૅજિસ્ટ્રેટ અને પોલીસપાર્ટી પણ સાથે આવી. અમે લગભગ અઢી વાગ્યે બોરસદ મૅજિસ્ટ્રેટની કૉર્ટમાં પહોંચ્યા. કલેક્ટર મુસાફરી બંગલામાં હતો. ત્યાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ તેમને મળવા ગયો. સાડા ત્રણ વાગ્યે તેઓ બંને પાછા આવ્યા. દરમિયાન કેટલાક વકીલો અને ગામના સદ્‌ગૃહસ્થો મૅજિસ્ટ્રેટની કોર્ટમાં આવી પહોંચ્યા હતા. ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટે આવીને તેમને કૉર્ટની બહાર કાઢ્યા અને મને જોડેની મૅજિસ્ટ્રેટની ચેમ્બરની ઓરડીમાં બેસવા કહ્યું. હું અંદર ગયો એટલે બારણાં બહારથી બંધ કરી દીધાં. હું ચેમ્બરમાં એકલો જ રહ્યો. બહાર કૉર્ટના ઓરડામાં પણ ત્રણ જ માણસો હતા, ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ, ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ, અને જેમણે મારા ઉપર નોટિસ બજાવી હતી તે મૅજિસ્ટ્રેટ. અર્ધાએક કલાક પછી મને બહાર કાઢવામાં આવ્યો. મને ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટે પૂછ્યું, ‘ડિસ્ટ્રિકટ પોલીસ ઍક્ટની અમુક કલમ (જે મને યાદ નથી) મુજબ પોલીસ અમલદારે ફરમાવેલા હુકમનો અનાદર કરવા માટે તમને સજા કેમ ન કરવી જોઈએ એનાં કોઈ કારણ હોય તો બતાવો.’ મેં જવાબ આપ્યો, ‘હું બચાવ

કરવા ઇચ્છતો નથી અને ગુનો સ્વીકારું છું.’ પછી એણે ફેંસલો લખ્યો, અને તેમાંથી માત્ર સજા ફરમાવતો ભાગ મને વાંચી સંભળાવ્યો. મને એણે કહ્યું કે આ કલમ પ્રમાણે વધારેમાં વધારે સજા ત્રણ મહિનાની કેદ અને રૂ. ૫૦૦ દંડ થઈ શકે છે. એટલે હું તમને વધારે સજા કરી શકતો નથી. પછી મને મોટરમાં બેસાડ્યો અને બોરસદથી સીધો અમદાવાદની જેલમાં લાવીને મૂકી દીધો.”

પછી શ્રી. માવળંકરે થાડા સવાલો પૂછ્યા :

પ્ર∘ — ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ*[૨]ના ફેંસલામાં જણાવ્યું છે કે ડિસ્ટ્રિક્ટ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ મિ. બિલીમોરિયાએ ડિસ્ટ્રિક્ટ પોલીસ ઍક્ટની પ૪મી કલમ મુજબ તમને ભાષણ (harangue) ન કરવાની વિનંતી કરી. ડિસ્ટ્રિક્ટ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે તમને કાંઈ કહેલું ?
ઉ∘ — તેણે મને કશું કહ્યું નથી. મારે એની સાથે બિલકુલ વાત જ થઈ નથી.
પ્ર∘ — ફેંસલામાં આગળ લખ્યું છે કે તમે હુકમ માનવાની ના પાડી અને ભાષણ કર્યું. તમે કાંઈ ભાષણ કરેલું ?
ઉ∘ — મૅજિસ્ટ્રેટના સવાલના જવાબમાં હું બોલ્યો એટલું ‘ભાષણ’ કરેલું. મેં તેને કહ્યું કે હું ભાષણ કરવા ઇચ્છું છું. મારો આ ઇરાદો મેં જાહેર કર્યો એટલે મને પકડ્યો.
પ્ર∘ — ડિસ્ટ્રિકટ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ પોતાની ફરિયાદની પુષ્ટિમાં કહે છે કે તેણે તમને ચેતવણી આપી ત્યાર ૫છી તમે ભાષણ કરવાનો પ્રયત્ન કર્યો, એ વાત સાચી છે ?
ઉ∘ — તેણે મને કશી ચેતવણી આપી નથી. એ તો મૅજિસ્ટ્રેટની બાજુમાં ઊભો હતો, અને મૅજિસ્ટ્રેટ સાથે મારે જે વાત થઈ તે મેં ઉપર જણાવી છે. તે સિવાય એ લોકોને અને મારે કશી વાતચીત થઈ નથી. મેં ભાષણ કરવાનો પ્રયત્ન કર્યો નથી. મેં માત્ર મારો ઇરાદો જાહેર કર્યો હતો. જોકે મને પકડવામાં ન આવ્યો હોત તો હું જરૂર ભાષણ કરત.
પ્ર∘ — કેસનાં કાગળિયાંની સહીસિક્કાવાળી નકલો અમને મળી છે તે ઉપરથી જણાય છે કે ડિસ્ટ્રિક્ટ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને ફરિયાદપક્ષના સાક્ષી તરીકે તપાસવામાં આવ્યા હતા. એમની તપાસ તમારી હાજરીમાં અને તમે સાંભળી શકો એવી રીતે થઈ હતી ખરી?
ઉ∘ — મારી હાજરીમાં કશો જ પુરાવો લેવામાં આવ્યો નથી, અને હું કોર્ટમાં પાંચ મિનિટ રહ્યો તે દરમિયાન કોઈ સાક્ષીને તપાસવામાં આવ્યો નથી.
પ્ર∘ — તમારી સામે કશી ફરિયાદ તમને વાંચી સંભળાવવામાં આવી હતી?
ઉ∘ — ના.
પ્ર∘ — તમને એમ પૂછવામાં આવેલું ખરું કે કોઈ પણ સાક્ષીને તમારે કશા સવાલ પૂછવા છે?

ઉ∘ — ના. કોઈ સાક્ષીને તપાસવામાં જ આવ્યો નહોતો ને.

સરદારને આવી રીતે કાયદેસર કામ ચલાવ્યા વિના સજા કરવામાં આવી તેથી બહાર ઠીક ઠીક ખળભળાટ થયો. દિલ્હીની વડી ધારાસભામાં માલવિયાજી સરદારની ધરપકડ અને સજાના મુદ્દા ઉપર સભામુલતવીની દરખાસ્ત લાવ્યા. એ દરખાસ્ત ત્રીસ વિરુદ્ધ પંચાવન મતે ઊડી ગઈ. પણ એ દરખાસ્ત ઉપર કેટલાક બિનસરકારી સભાસદોએ ભાષણ કર્યાં તેમાં જનાબ ઝીણા સાહેબનું ભાષણ નોંધવા જેવું છે. તેમણે કહ્યું :

“નામદાર હોમ મેમ્બરના કહેવા પ્રમાણે સરદાર વલ્લભભાઈ પટેલે, તેમને પકડવામાં આવ્યા તે પહેલાં ઘણાં ભાષણો કરેલાં. હું પૂછું છું કે એ ભાષણો કાયદાથી વિરુદ્ધ હતાં ? સવાલ તો એ છે કે તેમણે કાયદાની મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું હતું કે નહીં ? એ વિષે મારી પાસે કશી માહિતી નથી. પણ જો તેમણે પહેલાં એવાં ભાષણો કર્યાં હતાં, જેમાં તેમણે કાયદાની મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું હતું એમ કહેવાય છે, તેવું જ ભાષણ અથવા ભાષણો અહીં પણ કરવાના હતા, અને જો તેઓ પહેલાં કાયદાનું ઉલ્લંઘન કરીને ગુના કરી ચૂકેલા જ હતા તો એને માટે યોગ્ય ઉપાય તો એ હતો, અને જિલ્લાના અધિકારીઓએ એ જ ઉપાય લેવો જોઈતો હતો, કે સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર ગુના કરવા બદલ બહુ પહેલાં કામ ચલાવવું જોઈતું હતું; પણ વાણીસ્વાતંત્ર્યના સિદ્ધાંતના મૂળમાં ઘા કરતો આવો હુકમ તેમના ઉપર બજાવવો જોઈતો નહોતો. આમ કરીને હિંદી સરકાર જે પરંપરા પાડવા માગે છે તે પરંપરા બહુ ભયંકર છે. તેમાં ભારે જોખમો રહેલાં છે. એટલે હું આ ધારાસભાને વિનંતી કરું છું કે તેઓ સમજી લે કે સરદાર વલ્લભભાઈ પટેલના કેસનો મુદ્દો બહુ મહત્ત્વનો છે. બીજી અવાંતર બાબતો ઉપર જે બોલવામાં આવ્યું છે અને જાત જાતની દલીલો કરવામાં આવી છે, તેથી ધારાસભા બીજી બાજુ દોરવાઈ જાય એ બરાબર નથી. આપણી આગળ જે ખરો મુદ્દો છે તેનો જ વિચાર કર જોઈએ.
“અલબત્ત, વિચારસ્વાતંત્ર્યનો દુરુપયોગ થઈ શકે. ઘણી વાર તેનો દુરુપયોગ થયેલો પણ છે. પણ તેના કરતાં પણ વિચારને દબાવી દેવાનો હક્ક સરકારે ધારણ કરવો એ વધારે ભયંકર છે. માનવજાતિના લાંબા ઇતિહાસમાં સરકારોએ આ જાતની સત્તાનો વધારે દુરુપયોગ કરેલો છે. આપણી આગળ ઠંડે કલેજે વિચાર કરવા જેવો સીધેસીધો મુદ્દો આ છે: કયા ઉપાયો લેવાથી રાજ્યતંત્રને વ્યવસ્થિત અને અક્કલવાળું બનાવી શકાય — આવી જાતની અટકાયતોથી કે સ્વાતંત્ર્ય આપવાથી?”
  1. *‘અનાસક્તિયોગ’. એમાં ગાંધીજીએ ગીતાના અનુવાદ ઉપરાંત વિશિષ્ટ શ્લોકો ઉપર પોતાની નોંધો પણ લખી છે. નવજીવન, પ્રકાશન મંદિર, અમદાવાદ. કિં. રૂ. ૦–૧૦–૦, ટપાલરવાનગી ૦–ર–૦.
  2. * આ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ મિ. માસ્ટર, તે એ જ ગૃહસ્થ જે ૧૯૧૭માં અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનર હતા. અને જેમનાં પોલ સરદારે ઉઘાડાં પાડ્યાં તેથી જેમની ત્યાંથી બદલી થઈ હતી.