સર્જક:દિવાન શાકેરરામ દલપતરામ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
દિવાન શાકેરરામ દલપતરામ


ગુજરાતી ગદ્યસાહિત્યના વિકાશના પ્રારંભ કાલમાં જેઓએ ગદ્યસાહિત્યમાં પોતાનો વિભાગ આપ્યો છે, તેમાંના દિવાન સાકરરામ એક હતા. એમનો જન્મ ઈ. સ. ૧૮૨૫, સંવત ૧૮૮૧ ના આષાડ વદ પ મે સુરત નગરમાં થયો હતો. એઓ જ્ઞાતે વાલ્મિક કાયસ્થ હતા. એમના પિતાનું નામ દલપતરામ અને માતુશ્રીનું નામ શોભાગવરી હતું. શોભાગવરીને ત્રણ પુત્ર અને બે પુત્રીઓ હતાં: વડીલ સાકરરામ, વચલા ડા. ધીરજરામ, અને નાના ગીરધરલાલ. એમના પિતા, સાકરરામની ૧૬ વરસની નાની ઉંમર હતી ત્યારે મરણ પામ્યા હતા, તેથી શાળામાં જઈ વિદ્યા સંપાદન કરવાના માર્ગમાંથી ખસી, સુરતના નાજરને ત્યાં પોતાના પિતાની હરરાજી કારકુનની જગ્યા લઈ ઉદર પોષણાર્થે ભાગ્યોદયનું પ્રથમ સાધન હસ્તગત કર્યું. દિવાન સાકરરામને કલેક્ટરી ખાતામાંથી વધતા વધતા ઠાસરાના મામલતદારનો એાદ્ધ મળ્યો, પણ દુર્ભાગ્યે ત્યાંનાં હવા પાણી અનુકુલ ન પડવાથી સુરત બદલી કરાવી, પોલીસ સુપ્રીન્ટેન્ડંટ મિ. બારના હાથ નિચે સીરસ્તદારી કબુલ કરી. ત્યાર બાદ તેઓ ખેડા તથા નડીયાદના ફોજદાર તરીકે આગળ વધ્યા; અને ત્યાંથી પણ આગળ વધી વડોદરાના દેશી રાજ્યમાં દાખલ થયા, અને શ્રીમાન ગાયકવાડ ખંડેરાવના મરણ પર્યંત તેમના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે કામ બજાવ્યું હતું. ખંડેરાવના મરણ પછી રાધનપુરના સર ન્યાયાધીશ તરીકે નોકરી લીધી, અને આ નોકરી તેમની છેલ્લી નોકરી હતી.

એક પછી એક ચ્હડતી પદવીની નોકરી કરવા સાથે એઓ વિદ્યાના ઉત્તમ વ્યસની હતા. ગુજરાતી સાહિત્યની બાલ્યાવસ્થામાં વિદ્યા સંપાદન કરવાની પોતાની રુચીને તૃપ્તિ પમાડવા એમણે મોટે ભાગે મરાઠી, ફારસી, તથા હિંદુસ્તાની ગ્રંથોનું બહુ સારું અવલોકન કરેલું હતું. તેના ફલરૂપ “ઘાસીરામ કોટવાલ” નામનું આ નાનું રમુજી પુસ્તક પ્રથમ ઈ. સ. ૧૮૬૫ માં પ્રગટ થયું હતું, અને તે વખતે એ પુસ્તક લોકોમાં એટલું બધું પ્રિય થઈ પડ્યું હતું કે ઘાસીરામની રમુજી વાત આબાળવૃદ્ધ સ્ત્રીપુરુષ સર્વે હોંશેહોંશે વાંચતાં હતાં. ઘાસીરામ કોટવાલના લોકોમાં પ્રસાર થવાથી અને પ્રિય થવાથી એઓ વિશેષ લખવાને ઉત્તેજીત બન્યા. 'બાગે બાહર અથવા ચાર દરવેશનો કીસ્સો,' અને જાતી અવલોકન તથા અંગ્રેજી પુસ્તકોના આધારે “મુંબઈનો ભેામીઓ,” એ નામનાં પુસ્તક બહાર પાડ્યાં. ગુજરાતમાં જ્યારે મુંબઈ એક દેવતાઈ નગરી તરીકે પ્રસિદ્ધ હતું ત્યારે એ ભેામીઓ બાહરગામથી આવનારાઓને ભેામીઆરૂ૫ થઈ પડતો. એમનો ચેાથો પ્રસિદ્ધ કરેલો ગ્રંથ "સિંહાસન બત્રીસી” ની વાર્તાનો છે. એ ચારે ગ્રંથો એમના સમયમાં જ લોકમાં સારા સત્કારને પામ્યા હતા. એક બીજા કાયસ્થ વિદ્વાન ગૃહસ્થ મી. વકીલના તંત્રીપણા નિચે “મેલાવડો” નામનું એક માસિક પત્ર પ્રગટ થતું હતું, જેના સાકરરામ મુખ્ય લેખક હતા. નવીન ગુજરાતી ગદ્યલેખનના ઉદયકાળમાં જે ઉત્સાહી પુરુષોએ પોતાનો ફાળો આપ્યો છે, તેમાં દિવાન શાકેરરામ દલપતરામ એક હતા. એમની ભાષાશૈલી બહારની ટાપટીપ વગરની, તાલમેલીઆ ઠાઠ માઠ વગરની, સ્વચ્છ અને સાહજિક છે.

એમનું મરણ ઈ. સ. ૧૮૯૧ ના મહાવદ ૧૪ ને દિને ૬૫ વરસે થયું હતું.