સર્વોદય/પ્રસ્તાવના
સર્વોદય પ્રસ્તાવના મોહનદાસ કરમચંદ ગાંધી |
૧.સાચનાં મૂળ → |
પ્રસ્તાવના
પશ્ચિમના દેશમાં સાધારણ રીતે એમ માનવામાં આવે છે કે વધારે માણસનું (મૅજોરિટીનું) સુખ — તેઓનો ઉદય — એ વધારવાનું માણસનું કામ છે. સુખ એટલે માત્ર શારીરિક સુખ, પૈસાટકાનું સુખ, એવો અર્થ કરવામાં આવે છે. એવું સુખ મેળવવામાં નીતિના નિયમોનો ભંગ થાય તેની ખાસ દરકાર કરવામાં આવતી નથી. તેમ જ વધારે માણસોનું સુખ જાળવવું એવો હેતુ રાખ્યો છે, તેથી જો થોડાને દુઃખ દઈને વધારેને સુખ અપાય તો તેમ કરવામાં હરકત છે એમ પશ્ચિમના લોકો માનતા નથી. એવું માનતા નથી તેનું પરિણામ આપણે પશ્ચિમના બધા મુલકોમાં જોઈએ છીએ.
વધારે માણસને શારીરિક અને પૈસાટકાનું સુખ હોય એ જ શોધવું એવો ખુદાઈ કાયદો નથી, અને જો તેટલું જ શોધવામાં આવે ને નીતિના નિયમોનો ભંગ થાય તો તે ખુદાઈ કાયદાથી વિરુદ્ધ છે, એવું કેટલાક પશ્ચિમના ડાહ્યા પુરુષોએ બતાવ્યું છે. તેમાં મરહૂમ જૉન રસ્કિન મુખ્ય હતો. તે અંગ્રેજ હતો, ઘણો જ વિદ્વાન માણસ હતો. તેણે હુન્નર, કળા, ચિત્રકામ વગેરે ઉપર સંખ્યાબંધ અને ઘણી સરસ કિતાબો લખી છે. નીતિના વિષયો ઉપર પણ તેણે ઘણું લખ્યું છે. તેમાનું એક નાનું પુસ્તક છે તે તેણે પોતે પોતાનાં લખાણોમાંનું ઉત્તમ માન્યું છે. જ્યાં જ્યાં અંગ્રેજી બોલાય છે ત્યાં તે પુસ્તક બહુ વંચાય છે. તેમાં ઉપર બતાવ્યા છે તેવા વિચારોનું બહુ જ સરસ રીતે ખંડન કર્યું છે અને બતાવી આપ્યું છે કે, નીતિના નિયમો જાળવવામાં આમની બહેતરી છે.
આજકાલ હિન્દુસ્તાનમાં આપણે પશ્ચિમના લોકોની નકલ બહુ કરીએ છીએ. તેમ કેટલીક બાબતમાં કરવાની જરૂર પણ અમે માનીએ છીએ. પણ પશ્ચિમનાં ઘણાં ધોરણો ખરાબ છે એમાં શક નથી. ખરાબ છે તેથી દૂર રહેવાની જરૂર તો સહુ કોઈ કબૂલ કરશે.
દક્ષિણ આફ્રિકામાં હિન્દીની સ્થિતિ અતિ દયામણી છે. આપણે પૈસો મેળવવાને સારુ દેશાવર ખેડીએ છીએ. તેની ધૂનમાં નીતિને, ખુદાને ભૂલી જઈએ છીએ. સ્વાર્થમાં મૂંઝાઈ-ગૂંથાઈ જઈએ છીએ. પરિણામે પરદેશ વેઠવાથી લાભને ઘણો ગેરલાભ થાય છે, અથવા તો પરદેશ ખેડવાનો પૂરો લાભ મળતો નથી. સર્વ ધર્મને અંગે નીતિ તો રહેલી જ છે, પણ ધર્મનો વિચાર કર્યા વિનાયે સાધારણ બુદ્ધિથી વિચારતાં, નીતિ જાળવવી એ જરૂરનું છે. તેમાં સુખ છે. એવું જૉન રસ્કિને બતાવ્યું છે. તેણે પશ્ચિમના લોકોની આંખ ખોલી છે ને આજે તેના શિક્ષણના આધારે ઘણા ગોરાઓ પોતાનું વર્તન ચલાવે છે. તેના વિચારો હિન્દી પ્રજાને પણ ઉપયોગી થાય એવા હેતુથી, ઉપર કહી ગયા તે પુસ્તકમાંથી અંગ્રેજી નહિ જાણનારા હિન્દીઓ સમજી શકે તેવું તારણ આપવાનો અમે ઠરાવ કર્યો છે.
સૉક્રેટીસે માણસને શું કરવું ઘટે છે તેનું થોડુંક દર્શન કરાવ્યું. તેણે જેવું કહ્યું તેવું જ કર્યું. તેના વિચારોનું લંબાણ એ રસ્કિનના વિચારો છે એમ કહી શકાય છે. સૉક્રેટીસના વિચારો પ્રમાણે ચાલવા ઇચ્છનાર માણસે જુદા જુદા ધંધામાં કેમ વર્તવું જોઈએ તે રસ્કિને આબેહૂબ રીતે બતાવી આપ્યું છે. તેના લખાણનો અમે જે સાર આપીએ છીએ તે તરજુમો નથી. તરજુમો આપતાં, કેટલાક બાઈબલ વગેરેમાંથી આપેલા દાખલાઓ વાંચનાર ન સમજી શકે એવો સંભવ છે. તેથી અમે રસ્કિનના લખાણનો સાર આપ્યો છે. તે પુસ્તકના નામનો પણ અમે અર્થ નથી આપ્યો, કેમકે તે જેણે અંગ્રેજેમાં બાઈબલ વાંચ્યું હોય તે જ સમજી શકે. પણ પુસ્તક લખવાનો હેતુ સર્વનું કલ્યાણ — સર્વનો ઉદય (માત્ર વધારેનો નહિ) — એવો હોવાથી અમે આ લખાણને ‘સર્વોદય’ એવું નામ આપ્યું છે.