સાત ભાઈઓ ને એક બેનડી

વિકિસ્રોતમાંથી
સાત ભાઈઓ ને એક બેનડી
અજ્ઞાત સર્જક



સાત ભાઈઓ ને એક બેનડી

સાત સાત ભાઈઓ ને એક બેનડી રે લોલ
પહેરી ઓઢી કરે લીલા લહેર જો
સાત ભોજાઈમાં નણંદ લાડક્યાં રે લોલ

બાલુડો વેશ બેનીનો વયો ગયો રે લોલ
મંડાણી લગનિયાની વાત જો
લગન લીધાં બેનીનાં ઢૂંકડાં રે લોલ

એ જી રે....
લગન લીધાં બેનીનાં ઢૂંકડાં રે લોલ

પાણી પરમાણે પૈસો વાપર્યો રે લોલ
પેટીયું પટારા પચાસ જો
કરિયાવર કર્યો બેનીને સામટો રે લોલ

લઈને હાલ્યા બેનીબા સાસરે રે લોલ
આવડે નહિ રસોડાના કામ જો
સુખી માવતરની આ તો દીકરી રે લોલ

એ જી રે...
સુખી માવતરની આ તો દીકરી રે લોલ

સાસુએ મેણાં સંભળાવિયા રે લોલ
નણંદલે દીધી એને ગાળ્ય જો
કાગળ લખ્યો બેનીએ કારમો રે લોલ

વે'લા આવો ને મારાં વીરલાં રે લોલ
દુઃખમાં ઘેરાણી તારી બેન જો
કાગળ વાચીને વે'લા આવજો રે લોલ

એ જી રે...
કાગળ વાચીને વે'લા આવજો રે લોલ

સાતમ વીતી ને વીરો ના આવ્યા રે લોલ
કાઢી નાખ્યા પંડમાંથી પ્રાણ જો
કાણે જવાબ સૌએ સાંભળ્યો રે લોલ

સાત સાત ભાઈઓ ને એક બેનડી રે લોલ
પહેરી ઓઢી કરે લીલા લહેર જો
સાત ભોજાઈમાં નણંદ લાડક્યાં રે લોલ

એ જી રે...
સાત રે ભોજાઈમાં નણંદ લાડક્યાં રે લોલ