સાયાંજીને કે’જો રે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
સાયાંજીને કે’જો રે
દાસી જીવણસાયાંજીને કે’જો રે‚ આટલી મારી વિનતી રે‚

ઓલ્યા ધુતારાને કે’જો રે‚ મારા પાતળિયાને કે’જો રે‚ આટલી મારી વિનતી રે જી‚

ઓલ્યા ખેધીલાને કે’જો રે‚ મારા વાદીલાને કે’જો રે‚ આટલી મારી વિનતી રે જી‚

જઈને કે’જો‚ આટલો મારો રે સંદેશ…

મારા સાયાંજીને કે’જો રે‚ આટલી મારી વિનતી રે…૦

દાસી છે તમારી રે‚ દરશન કારણ દુબળી રે‚

ઈ દાસીને દરશન દેજો રે હમેંશ…

મારા સાયાંજીને કે’જો રે‚ આટલી મારી વિનતી રે…૦

જેને વિતી હોય તે જાણે રે‚ પરવિતી શું જાણે પ્રીતડી ? રે જી‚

કુંવારી શું જાણે રે પિયુજી તણો વિજોગ…

મારા સાયાંજીને કે’જો રે‚ આટલી મારી વિનતી રે…૦

પિયુજીને મળવા રે‚ ચાલો સખીયું શુનમાં રે જી‚

સરવે સાહેલી‚ પહેરી લેજો ભગવો ભેખ…

મારા સાયાંજીને કે’જો રે‚ આટલી મારી વિનતી રે…૦

જાળીડાં મેલાવો રે‚ ગુરુ ગમ જ્ઞાનનાં રે જી‚

ઈ જાળીડાં જરણા માંહેલા છે રે જાપ…

મારા સાયાંજીને કે’જો રે‚ આટલી મારી વિનતી રે…૦

ભીમ ગુરુ શરણે રે‚ દાસી જીવણ બોલીયા રે જી‚

દેજો અમને તમારા રે ચરણોમાં વાસ…

મારા સાયાંજીને કે’જો રે‚ આટલી મારી વિનતી રે…૦