સાસુવહુની લઢાઈ/પ્રકરણ ૧૦

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૯ સાસુવહુની લઢાઈ
પ્રકરણ ૧૦
મહિપતરામ રૂપરામ નીલકંઠ
૧૮૬૬
પ્રકરણ ૧૧ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


પ્રકરણ ૧૦ મું.


વીજીઆનંદે પોતાના મનમાં નક્કી કીધું કે વહુને ફકીરને ત્યાં જવા દેવી નહી. એ ઠરાવ અમલમાં લાવવો કઠણ હતો, કેમકે એનો તેના ઉપર ધાક નહતો; સામુ બોલવાની અને કહ્યું નહીં માનવાની ટેવ પ્રથમથી પડવા દીધી હતી તેથી એનો તેની આગળ ઝાઝો વકર નહોતો. વળી ચંદાગવરીની વય થયા છતાં હઘરણી આવતી નહતી માટે દોરા ચીઠી, જંતરમંતર આદિ અનેક ઉપાય તે આણવાને પોતાના સ્વામીની આજ્ઞાથી ને સહાયતાથી કરતી. ફકીરની પાસે પણ એજ કારણસર ગઈ હતી. કોઈ શક ન લાવે વાસ્તે પોતાની માને જોડે લીધી હતી. પહેલી જ મુલાકાતમાં ફકીરે તેને પોતાના કપટની જાળમાં પકડી હતી. ચંદાને એમ લાગ્યું કે અહીં મારું કામ નિશ્ચે થશે. માટે એનું મન ફેરવવું એ સહેલું કામ નહતું. તેના બનેવી રવીનારાયણે જે સારી અસર તેના મન ઉપર કરી હતી તે બીલકુલ જતી રહી હતી.

વીજીઆનંદ એના નાનાભાઈના જેવો જંગલી ક્રૂર નહોતો. અબળા ઉપર હાથ ઉપાડવાના નામર્દાઈ ભરેલા કામને તે ધિક્કારતો હતો. તેણે પહેલાં સામ ઉપાયનું કૌવત અજમાવી જોયું. બીજે દિવસે રાત્રે ચંદાવરી પોતાના ઓરડામાં આવી દીવા આગળ બેસી પાન સોપારી તઈઆર કરતી હતી ને વીજીઆનંદ હીંચકે બેઠા હતો, તેવેળા વીજીઆનંદે વાત કાઢી. તેણે કહ્યું. “અલી કાલે તું ને તારી મા ચૌટા ભણી ક્યાં જતાં હતાં ? ચંદાએ જવાબ ના આપ્યો ને સોપારી ભાગ્યાં કર્યું, ત્યારે તેણે કહ્યું કેમ અલી બોલતી નથી સાંભળ્યું નહીં કે શું ? ચંદા – જાણીને પુછે તેને શું કહીએ.

વી. – ના હું નથી જાણતો, મને નથી સાંભરતું.

ચંદા - વળી મેં તમને કહ્યું જ હતું તો, કે ચૌટામાં એક નવો સાંઈ આવ્યો છે, ને તેને ઘેર મારા જેવાં દુખીઆં બહુ બઈરાં જાય છે, ને હું મારી બા જોડે જવાની છું. એટલી વારમાં ભુલી શેણે ગયા.

વી. – ખરું પણ મેં તને ત્યાં જવાની ના કહી હતી, તોએ મારા ઉપરાંત થઈને ગઈ કેમ.

ચંદા – એમાં ઊપરાંત થઈને શાની, સહુ જાય છે ને હું ગઈ.

વી. – વારૂં હવે ફરીને ન જઈશ. જો પેલી હજામડીને ઘેર ફેરા ખાઈને તું થાકી અને રૂપીઆ ખોયા. પહેલાં તું કહેતી હતી કે તેને વસીકરણ આવડે છે, જેને છોકરાં ન થતાં હોય તેને છોકરાં થાય, અને છોકરાં થતાં હોય તે અટકાવવા હોય તો અટકાવે વગેરે બઈરાંને કામનાં બધાં ઓશડ તેની કરે છે. પણ હવે તારી ખાતરી થઈ કે તે રાંડ લુચ્ચી કેવળ જુઠી ને ધુતારી છે. એ ફકીર પણ એવોજ છે એ નક્કી માનજે.

ચંદા – ના હુંતો જવાની, તમે કહી રહ્યા ? તે ગાયંજી તો ઓશડ કરતી હતી; આ સાંઇએ તો પીરને સાધ્યા છે. પીર તે ખોટા હોય વળી. પીર બાપજી જે ચાહે તે કરી શકે.

વી. - જે કહે તે હાજી હા કરીએ, ને મોઢે ચડવા દઈએ તેનું ફળ આ. હવે તો એ મુસલમાન થવાની. એ મારું કહ્યું નહીં માને.

ચંદા – હું મરૂં ત્યારે બીજી સારી લાવજો, તે માનશે. બીજી નાત હોય તો એક જીવતાં બીજી લવાય; આપણામાં એમ લવાતી હોત તો ડોશી ક્યારનાં એ મારા પર બીજી લાવ્યાં હોત. વહેલી લાવવી હોય તો મારી નાંખો, લ્યો મારા ગળામાં ફાંસો ઘાલો, આ બેઠી છું.

વી – થોડું બોલ થોડું, છેકજ ફાટેલની પેઠે જેમ આવ્યું તેમ ભરડ્યું, એમાં મેં ખોટું શું કહ્યું? એ યવન, મ્લેચ, મુસલમાન, આપણે નાગર બ્રાહ્મણ સર્વોત્તં વર્ણ, પૃથ્વીના બધા બ્રાહ્મણોમાં સહુથી ઉંચા, આપણાથી જેને અડકાય નહીં, જેની છાયા લાગે તો નાહાવું પડે તેને ઘેર જવાય ? આપણે પીર કેવા ! પીરને આપણે ન માનીએ. તુંજ વિચારને હું વઢતો નથી તને સમજણ પાડું છું.

ચંદા – પાડી સમજણ ! ડહાપણ હોય તો મા બેનને થોડું આપોને કે ઘરમાંથી નિત્યનો કલેશ કંકાશ જાય, એમને સમજાવો.

વી. - વળી આડી ગઈ, હું કહું છું તે વાત કરને.

ચંદા – કરી કરી, વાંઝિયાનો તે અવતાર છે ! વાંઝણી કહી સહુ આંગળી કરે છે તે મારાથી નથી ખમાતું. તમારા ઘરનાં તે ક્યાં ઓછું કહે છે, દહાડો ને રાત ટુંપે છે, તે કેમ સંખાય. મારે એક છઇયું થશે પછી કોઈનું નામે નહીં દેઉં.

વી. - કરમમાં હશે તો એની મેળે થશે. પરમેશ્વરની ઇચ્છા હશે તો એની મેળે થશે કે નહીં તો લાખ કે કરોડ ઉપાય કરો પણ મિથ્યા. તારા બનેવીની શીખામણ ભૂલી કેમ ગઈ ?

ચંદા – જ્ઞાની હતા ત્યારે તમે એટલાં આખાં ફાંફાં શાને માર્યાં? દાણા દેખાડ્યા, વમળના પાસા નંખાવ્યા, જોશ જોવડાયા; જોશીએ કહ્યું કે બુધ નડે છે ને છોકરાં થવા દેતો નથી, ત્યારે તેનો જપ કરાવ્યો, ને બુધશાન્તી કરી બ્રાહ્મણ જમાડ્યા; મહિના સુધી ગોરજીનું મંત્રેલું પાણી પાયું. તે તો તમે જાતે જઈ દહાડી લાવતા તે ભુલી ગયા? તમે રસ્તો દેખાડ્યો તે રસ્તે ચાલું છું. આ છ મહિના થયાં ડહાપણ આવ્યું હશે. બે વરસપર પેલા હરિહરાનંદ સન્યાશીએ છેતર્યા. “ओम शीतळाय नम: महा शताय नम:' એ મંત્ર સવાલાખ વખત જપાવ્યો ને વળ્યું ત્યારે કાંઈ નહીં. મફતના પંદર વીશ રૂપીઆ ખાઈ ગયો. રડ્યાએ એક સોપારી આપી, ને કહે ચાલીશ દિવસ એની પૂજા કરજો, ને જો રૂવાંટી ન ઉગે તો જાણજો કે તમારું કામ થશે. રૂવાંટી ઉગીને કામ તો કાંઈએ ન થયું. ત્યાર પછી મેં એક બીજી સોપારી લઈ પાણીમાં નાંખી મુકી તેને પણ રૂવાંટી ઉગી. એવો ઢળ્યો ઠગ. આ સાંઈ તો બહુ સાચો માણસ છે. પેલો તમારો માધ્વાનંદ મહારાજ આવ્યો હતો તેવો નથી.

વી. – માધ્વાનંદ કયો ?

ચંદા – વળી ક્યો તે અશ્વનિકુમારની ધર્મશાળામાં આવી રહ્યો હતો તે બેઠોબેઠો પારથિવ કરતો ને કહેતો કે બ્રાહ્મચારી છું. કુબેર મુખતારે બ્રહ્મપોરી બંધાવી આપી, ને પછી પાછળથી તેની બે બાયડીને પાંચ છોકરાં આવ્યાં. એ મુઆએ અમદાવાદમાં સો બસો મનીશને દેવીને નામે દારૂ પીતા ને માંસ ખાતા કર્યા હતા.

વી. – એની પાસેતો મહેતામાંથી જતાં, આપણામાંથી કોઈ જતું નહીં.

ચંદા – નહીં તે કેમ, પેલા ચાડીઆ પંડ્યા, મઉશંકરને બીજા ઘણા. તમે મને તેડી ગયા હતા.

વી. – એમાંનું કોઈ મલેચ્છ નહતું. આપણા લોકના ઉપાય હોય તે કરીએ.

ચંદા – તાબુતની માનતા રાખે છે તે આપણા ઉપાય કે ? ઈછાશંકર પાઠેકના છઈઆને હરવરસે નાડાછડી પહેરાવી ફકીરી લેવડાવે છે. તાબૂતમાં ઘણાએ બ્રાહ્મણ વાણિયા એલચીદાણા કે ધાણી નાંખે છે. મારે સારૂ તમે પેલા સઇએદ પાસે હાજરાત ભરાવી તે તમારો સગો લાગતો હશે નહીં વારૂં ?

વી. – તારો ભાઈ થાય. રાંડ તરકડી થઈ જા. નાચેણના જેવું બોલતાં કેવું આવડે છે. ચંદા – ચાલો વળી ગાળો ના ભાંડો, એતો તમારો ભાઈ. મારાં ભાગ્ય ફુટ્યાં ત્યારે એવું એવું સાંભળવું પડે છે કે ને.

વી. – ઠીક હવે આંસુપાત કરવા મંડી જા, નહીં તો ભૂત આણ, પણ યાદ રાખજે કે જો ફરીને એ ફકીરને તકિયે ગઈ તો ગણપતી ચોથ ઉજવાવવાનું કહ્યું છે તે નહીં ઉજવાવું.

ચંદા – રહ્યું ના ઉજવાવશો.

વી. – પણ તું જઈશ ખરી કેમ ?

ચંદા – વારૂ આખી રાત તમારે એ તકરારમાં ગાળવી છે. તમે ના કહેશો તો નહીં જાઉં, લ્યો હું હારી ને તમે જીત્યા, પછી કાંઈ. તો શું મને કંકાસ નહીં ગમે, થવા કાળ હશે તે થશે.

વી. – હવે ડાહી થઈ, મારી મીઠી સાતવાર, લાવો પાન આપો.