સાહિત્યને ઓવારેથી/શ્રી. મોતીભાઈ અમીન : માનવતાની નજરે
← શ્રી. કેશવલાલ ધ્રુવ : સાહિત્ય-જીવન (ર) | સાહિત્યને ઓવારેથી શ્રી. મોતીભાઈ અમીન : માનવતાની નજરે શંકરલાલ શાસ્ત્રી |
‘સાહિત્યને ઓવારેથી’ : કેટલાક અભિપ્રાયો → |
‘ચરોતરની કેળવણીવિષયક પ્રવૃત્તિઓના પ્રાણ’સમા શ્રી. મોતીભાઈ નરસિંહભાઈ અમીન લગભગ અર્ધી સદીથી ગુજરાતના આ નાનકડા પ્રદેશની અનેકવિધ પ્રગતિના સાક્ષી છે એટલું જ નહિ, બલકે મુખ્યત્વે તેના પ્રેરક અને પોષક પણ છે. ગુજરાત જ્યારે મહર્ષિ દાદાભાઈના સેવાકાર્યથી અને ફિરોજશા મહેતાની સિંહગર્જનાથી વિસ્મય પામતું હતું, ત્યારે આ રાષ્ટ્રીય આંદોલનો ચરોતરના કેટલાક યુવકોને નવીન પ્રેરણા આપી તેમનામાં સેવાની તમન્ના પ્રગટાવતાં હતાં. વડોદરાના રામજી મંદિરમાં આવેલું હાલનું ‘ચરોતર બોર્ડિંગ’ ત્યારે ‘સરસ્વતી બોર્ડિગ’ ના નામે ઓળખાતું. આજથી લગભગ પચાસ વર્ષ ઉપર ઈ. સ. ૧૮૮૫ માં આ બોર્ડિંગ સ્થપાયું હતું, અને તેના પ્રારંભમાં વિદ્યાર્થીઓ ગૃહપતિ વિના સંઘબળથી જ ભેગા રહેતા, અને યુગનાં આંદોલનો ઝીલતા. આજે પણ તે વિદ્યાર્થીઓના નિવાસસ્થાન તરીકે ચાલુ રહ્યું છે. શ્રી. મોતીભાઈ સાહેબ પોતે આ વિષે લખે છે કે: “સને ૧૮૯૦ થી ’૯૮ સુધીનાં વર્ષોમાં જે વિદ્યાર્થીઓ અત્રે રહેલા, તેમના સંઘબળ અને સંખ્યાને કારણે તેઓ ‘ધી થર્ટીં–ફાઈવ’ (પાંત્રીસ) ના નામથી તે વખતમાં જાણીતા થયેલા. આ વિદ્યાર્થીઓ કોઈ ગૃહપતિ કે બંધારણ સિવાય પણ પરસ્પર સહાય આપતા, એક બીજાનું માન સાચવતા; સંપ, સહકાર અને શાંતિથી રસોડાની, રમતોની અને બીજી પ્રવૃત્તિઓની વ્યવસ્થા કરતા; પુસ્તકાલયો અને વાચનાલયોની પ્રવૃત્તિઓમાં રસ લેતા; સભાઓ ભરતા, અનેક વિષયોની ચર્ચા કરતા; ગ્રામસુધારણાના અને દેશસેવાના અનેક પાઠો શીખતા; અને વિદ્યાર્થી અવસ્થા પછીના જીવનની સામગ્રી અને ભાથું પૂરતા પ્રમાણમાં સાથે લઈને જતા.”૧[૧]
ચરોતર પ્રદેશમાં કેળવણી, સમાજસેવા ને સંસારસુધારાની જે કોઈ જાહેર પ્રવૃત્તિઓ છેલ્લાં ૨૫ વર્ષ થયાં ચાલે છે, તે બધાંનાં મૂળ આ રામજી મંદિરની જગામાં આવેલા સરસ્વતીમંદિરમાં જ મળી આવે છે. ‘આ મંદિરમાં ભણેલા વિદ્યાર્થીઓમાંથી ઘણા રાજકીય નેતાઓ, સંસારસુધારકો, સમાજસેવકો, કેળવણીકારો, ડોક્ટરો, વેપારીઓ, એન્જિનિયરો, વકીલો અને સરકારી અમલદારો પણ નીપજ્યા છે.૨[૨] પેલા ‘થર્ટી–ફાઈવ’ની સંખ્યામાં આજના જાણીતા લોકસેવકો સરદાર વલ્લભભાઈ અને શ્રી. મોતીભાઈ અમીનનો પણ સમાવેશ થઈ જાય છે, એ હકીકત ‘ચરોતર બોર્ડિંગ’ના ઈતિહાસમાં અતિશય હર્ષ અને ગૌરવ ઉપજાવે તેવી છે.
અમીનસાહેબ જ્યારે કોલેજજીવન પૂરૂં કરી સેવાના અભિલાષો સેવતા જીવન–વ્યવસાયમાં પડ્યા હતા, ત્યારે લોકમાન્ય ટિળકનો કર્મસંન્યાસવાળો સેવાધર્મ મહારાષ્ટ્રના સીમાડા ઓળંગી હિંદભરમાં વ્યાપક થતો હતો, ને ગુજરાતના સંસ્કારી યુવાનોને પણ સ્વદેશભાવનાથી રંગી દેતો હતો. બંગભંગ વખતની સ્વદેશી ધર્મની પ્રબળ પ્રવૃત્તિ હજુ આવવાની હતી; અને ગાંધીયુગની તો ઉષા પણ નહોતી ફૂટી. ત્યારે પણ રાષ્ટ્રધર્મનાં ઉત્તમ બીજ યુવાન ગુજરાતના ફળદ્રુપ પ્રદેશમાં રોપા રૂપે પ્રગટી ઉઠ્યાં અને પુષ્પ તથા ફળની ચોક્કસ આગાહી આપતાં થયાં.
આ લેખના પ્રયોજકે શ્રી મોતીભાઈ અમીનની સર્વદેશીય પ્રવૃત્તિઓની વિગતો આપતો એક લેખ અગાઉ પ્રસિદ્ધ કર્યો છે, અને પ્રસ્તુત લેખને સંપૂર્ણ સમજવા તે પ્રથમ લેખ વાચકવર્ગને ઘણો ઉપયોગી થઈ પડશે. પ્રથમ લેખ મુખ્યત્વે સાહિત્યની દૃષ્ટિએ જ તૈયાર થયો હતો; ત્યારે પ્રસ્તુત લેખ કેટલીક સૂક્ષ્મ અને ગૂઢ વિગતો આપવા માટે છે. પ્રથમ લેખ અમીનસાહેબની જાહેરપ્રવૃત્તિઓ ઉપરથી તેમની ઓળખ આપવાનો એક અખતરો હતો, ત્યારે પ્રસ્તુત લેખ તેમના કાર્યપ્રદેશ અને મનઃસૃષ્ટિના અવલોકનથી તેમનું સમગ્ર વ્યક્તિત્વ આલેખવાનો એક નમ્ર પ્રયાસ છે. પ્રથમ લેખ પ્રસિદ્ધ થયો ત્યાર પછી મોતીભાઈ સાહેબે ‘ચરોતર’ માસિકના ૧૯૩૬ના ડીસેમ્બર અંકમાં એક નિવેદન વડે તે લેખમાં કરેલાં સૂચનો ઉપર વેધક પ્રકાશ નાખ્યો છે, અને જાહેર લોકસેવા વિષેનું પોતાનું પ્રમાણિક મંતવ્ય સ્પષ્ટ કર્યું છે. આવા નિવેદને આ લેખકને કૈંક વધુ કહેવાની તક આપી છે; નવી મુલાકાતોથી તેમનું માનસ લેખકને વધુ પારદર્શક લાગ્યું છે; અને થોડીશી વધુ સામગ્રી પણ આ લેખનું નિમિત્ત બની છે. વિનયી અને વિનમ્ર અમીનસાહેબ પોતાના કાર્યની કે જીવનની વિગતો આજે પણ મારા જેવાને જણાવવા તૈયાર નથી એટલું જ નહિ, પણ તેમનું સાન્નિધ્ય સેવતા સ્નેહીવર્ગને અને યુવકવૃંદને પોતાના વિષેની આવી હકીકતો અન્ય કોઇને ન આપવાનું સખત ફરમાન તેમણે ચાલુ જ રાખ્યું છે. વાચકવર્ગને તેથી સમજાશે કે ઉપર જણાવેલાં થોડાંક તત્ત્વો આ લેખનું ઉપાદાન કે નિમિત્તકારણ બન્યાં છે; અને તે બધાનો અત્ર અતિશયોક્તિ–રહિત અને સત્યપ્રધાન દૃષ્ટિએ જ ઉપયોગ કરવામાં આવ્યો છે.
મારા પ્રથમ લેખમાં શ્રી. મોતીભાઈને કરેલી એક બે નમ્ર સૂચનાઓ–તેમના કાર્યની અને કાર્યપ્રદેશની સંકુચિત મર્યાદાઓ વિષેની–અમૃતલાલ ઠક્કર સાહેબને પણ અતિશય ગમી ગઈ; અને અમીનસાહેબના દોહિત્ર શ્રી મહેન્દ્રભાઈને પણ ખૂબ પસંદ પડી. એ સૂચનાઓનું હાર્દ શ્રી. અમીનના અનેક પ્રશંસકો અને સ્નેહીઓને હજુ પણ સત્ય અને સ્વીકાર્ય લાગતું હશે. પણ દૃઢ સંકલ્પવાળું લોખંડી માનસ ધરાવનાર મોતીભાઈ સાહેબની વિચારસરણી કે કાર્ય પદ્ધતિ ઉપર તેની કાંઈ ઓછી જ અસર થઈ શકે છે ? દીવાન કચેરીની આકર્ષક નોકરી છોડી દઈ સ્વેચ્છાથી હેતુપૂર્વક શિક્ષક થયેલા અમીનસાહેબને લોકકેળવણી પણ વિદ્યાર્થીકેળવણીના જ એક અંગ જેવી લાગી; અને પ્રાપ્ત કરેલા અક્ષરજ્ઞાનને ટકાવવા માટે જ્ઞાન–પરબોની અર્થાત્ પુસ્તકાલય સંસ્થાઓની જરૂર જણાઈ. પુસ્તકાલય ખાતાના આ અમલદારનું માનસ મૂળ તો એક શિક્ષકનું જ હતું. શિક્ષણની જ દૃષ્ટિ સેવતાં તેમણે પુસ્તકાલય પ્રવૃત્તિને શ્રીમંત મહારાજા સાહેબના શુભ પ્રોત્સાહનથી આખા વડોદરા રાજ્યમાં વ્યાપક બનાવી. આવી શિક્ષકવૃતિએ જ તેમને છાત્રાલય પરિષદો, વિદ્યાર્થીસંમેલનો અને કેળવણી સંસ્થાઓમાં સક્રિય રસ લેતા કર્યાં; અને હરિજન પ્રવૃત્તિ તરફ પણ તેમની પ્રીતિ ઉપજાવી. ચરોતર વિદ્યાર્થી સહાયક સહકારી મંડળી લિ., વડોદરાનું ચરોતર બોર્ડિંગ, અને કેળવણી, પુસ્તકાલય તથા સહકારી ધોરણની સંસ્થાઓ વિષેની સાર્વજનિક પ્રવૃત્તિઓ આ એક જ પ્રધાન, પ્રેરક અને પાવનકારી વૃત્તિમાંથી ઉદ્ભવી છે. તેઓ પોતે પણ લખે છે કે:–
“પણ પુસ્તકાલય ખાતામાં નોકરી કરતાં પણ શિક્ષક થવાના કોડ મેં અનેક રીતે સેવેલા; અને શાળાઓ, શિક્ષકો અને શિક્ષણ સાથે પરિચય ચાલુ પણ રાખેલો, એટલે નિવૃત્ત થતાં ઉલ્લાસથી શિક્ષકનું કામ સ્વીકારી લીધું. સાચું કહું તો શિક્ષક થવા માટે જ પુસ્તકાલય ખાતાની નોકરી ૬૨ વર્ષની ઉંમરે પણ પ્રયત્ન કરીને જ છોડી. વિદ્યાર્થી અવસ્થામાં શિક્ષક થવાનાં જ સ્વપ્નાં સેવતો………તો પછી નિવૃત્ત થઈ શિક્ષક થાઉં તેમાં મને કંઈ જ આશ્ચર્ય લાગ્યું નથી–લાગતું નથી. પણ હું ફક્ત શિક્ષક કોઈ વખત હતો જ નહિ, અને હવે તે થઈ શકવાનો પણ નથી. શિક્ષક હતો ત્યારે પણ પુસ્તકાલયો અને ગામડાંની બીજી પ્રવૃત્તિઓમાં રસ લેતો, અને ગામડાં અને ગ્રામજનો સાથે પરિચય સેવતો ૩[૩]
અગાઉના લેખમાં આ લેખકે અમીન સાહેબની સર્વ પ્રવૃત્તિઓને મુખ્યત્વે કેળવણીના મધ્યબિન્દુમાંથી જ ઉદ્ભવેલી મનાવી હતી, અને તેથી તેમને સાહિત્યના ઓવારે કલ્પેલા સરસ્વતી મંદિરના દ્વારપાળ તરીકે નિરૂપ્યા હતા. લેખકની આ માન્યતા શ્રી. અમીનના પોતાના જ નિખાલસ નિવેદનથી અપૂર્ણ અને દોષયુક્ત ઠરી છે, એમ જણાવતાં તેને આજે આનંદ થાય છે. પણ તેથી કરીને તેમની પ્રત્યક્ષ પુસ્તકાલયસેવા ને પરોક્ષ સરસ્વતીસેવા સાહિત્યની દૃષ્ટિએ આ પુસ્તકમાં સ્થાન પામવાના અધિકારથી કાંઈ વંચિત થતી નથી.
શ્રી. મોતીભાઈની જાહેર પ્રવૃત્તિઓનો આરંભ કેળવણીથી જ થયો છે, અને તેમની શિક્ષકવૃત્તિ જ તેમનાં સેવાકાર્યોનું ઉદ્ભવસ્થાન કહી શકાય. પણ તેથીયે આગળ જો અમીન સાહેબના માનસની ભીતરમાં પ્રવેશ કરીએ તો જણાય છે કે તે બધાની પાછળ પણ એક વિશિષ્ટ લક્ષણ તેમના સકળ જીવન ઉપર અધિકાર ભોગવે છે; અને આ છે તેમની ઉદાત્ત માનવતા. આ માનવતા શિક્ષણનાં ક્ષેત્રોને પ્રધાનતઃ આવરી લે છે; પણ તેનો પ્રબળ પ્રવાહ આટલાં જ ક્ષેત્રોમાં સમાઈ ન જતાં ઉભરાઈને અન્ય પ્રદેશો તરફ પણ ધસે છે. આની સાબીતી માટે તેમનાં પોતાનાં જ વચનો કરતાં કયો વધુ વિશ્વસનીય પુરાવો હોઈ શકે ? તેઓ પોતે જ જણાવે છે કે:
“મારો વિષય હવે એકલો કેળવણી કે સમાજસુધારો નથી રહ્યો; પણ ખેતી, વણાટ અને બીજા તેવા જ વિષયો તરફ મારૂં મન વળ્યું છે. શાળાઓની સાથે ગ્રામપંચાયતો અને સહકારી મંડળીઓની સુધારણા તરફ લક્ષ દોરાયું છે. ઉજળિયાત વર્ગોના પ્રશ્નો સાથે હરિજનો અને પછાત વર્ગોના પ્રશ્નો પણ વિચારાય છે.”૪[૪]
આથી પુનઃ વિચારતાં જણાય છે કે શ્રી. મોતીભાઈ કેવળ સરસ્વતીમંદિરના દ્વારપાળ જ નથી; પણ એથીય વધુ, ઉદાત્ત માનવતાથી ઉભરાતા એક હિંદી છે. પોતાના વતન વસો જેવા ચરોતર પ્રદેશના એક સ્થળનું કે પેટલાદ જેવા એક તાલુકાનું સેવાકાર્ય કરતાં કરતાં તેમણે ગુજરાત અને અખિલ ભારતની વિશાળ ભાવનાને જ પોષી છે, એમ તેમના નિખાલસ નિવેદન ઉપરથી જણાય છે. તેઓ કહે છે કે: “હિંદના કે ગુજરાતના એક નાનકડા ભાગ તરીકે જ આ નાના ક્ષેત્રમાં હું કામ કરું છું. . . અને વસોને એક પ્રયોગશાળા (લેબોરેટરી) ગણું છું.”૫[૫]
આવા લોકસેવકની કાર્યપદ્ધતિ જાણવી અને કાર્યની ગુણવત્તા માપવા પ્રયત્ન કરવો તે જનહિત માટે આવશ્યક અને ઉપકારક છે. શાંત અને મૂક રીતે શ્રી. મોતીભાઈએ જાહેર કાર્યનો આરંભ કર્યો છે, ને તેને વેગ આપ્યો છે. ઓલીવેર વેન્ડલ હોમ્સની નીચેની પંક્તિઓ તેમના સ્વભાવનું આ લક્ષણ બહુ ઉચિત રીતે પ્રકટ કરે છે:
“The noblest service comes from nameless hands, And the best servant does his work unseen.”
જાહેરાત કે કીર્તિ કાજે નહિ, પણ કેવળ કર્તવ્યપાલનના સંતોષ ખાતર જ તેમણે અનેક જાહેર પ્રવૃત્તિઓ આરંભી છે ને વિકસાવી છે; અને માર્ગમાં આવતાં વિઘ્નોને વિદારી ધ્યેયપ્રાપ્તિ માટે અખૂટ ઉત્સાહ ને નિતાન્ત કર્તવ્યભક્તિ દાખવી છે. એકનિષ્ઠા તથા પ્રમાણિકતા તો તેમની સર્વ સાર્વજનિક પ્રવૃત્તિઓની સફળતાની ચાવી સમાન છે. છતાં આટલી શક્તિઓ ને ગુણો ધરાવતી તેમના જેવી વ્યક્તિને હંમેશાં જ કાંઈ વિજય નથી મળતો. આનું કારણ ગામડાનું સાર્વજનિક કાર્ય કરવામાં આડે આવતી મુશ્કેલીઓનો પ્રત્યક્ષ અનુભવ કરનારને જ સમજાય. શ્રી. અમીનનો કર્તવ્યપ્રદેશ મોટામોટાં શહેરો નહિ, પણ ચરોતરનાં નાનાં મોટાં ગામડાં જ છે. ગ્રામવાસીઓ સાદા છે, નિરક્ષર છે, દેવાદાર છે, દુઃખી છે, રોગગ્રસ્ત છે, ને અનેક સગવડોથી વંચિત છે એ બધુંય ખરું; છતાં ગામડાંની પટેલાઈ સ્વાર્થ, ઈર્ષ્યા, નિરુદ્યોગીપણું અને અપ્રમાણિકતા, આ બધાં સંકુચિત મનોદશા ને આંતરિક કલહને જ જન્મ આપે છે, અને તેને તીવ્ર બનાવે છે. વિરલા અશ્વિનો જ આવા પ્રતિરોધોને હઠાવી શકે. કોઈ એક પ્રશ્ન ઉપર જ્યારે તીવ્ર મતભેદને કારણે
બે પક્ષ પડ્યા હોય ત્યારે સબળ કે સ્વલ્પ બહુમતીથી જ કામ કરવું ઘણું કઠિન અને ક્લેશવર્ધક થઈ પડે છે. તેથી મતામતી પોષાય છે, અને રાગદ્વેષ વધી પડે છે. ગામડાના લોકો બંધારણીય કાનુનો ભાગ્યેજ સમજે છે, અને ભિન્ન મત માટે સહિષ્ણુતા પણ ક્વચિત્ જ દર્શાવી શકે છે; આ સ્થિતિનો સંગીન અનુભવ ધરાવતા અમીનસાહેબ એકમતથી જ જે શક્ય હોય તે કરે છે; અન્યથા તેને ભાવિ માટે મુલતવી રાખી પ્રચારકાર્ય અને પરિપક્વ સમયમાં શ્રદ્ધા ધરાવે છે. વસોની સહકારી બેંક, કેળવણીમંડળ કે પુસ્તકાલય સંસ્થાઓની સભામાં તેમણે એકમતે જ કુનેહથી કાર્ય કર્યું છે, અને તે રીતે ‘કજિયાનું મ્હોં કાળું’ કર્યું છે. આથી તેમણે વિરોધીઓને પોતાના કરી લીધા છે, ને પોતે સંગીન કાર્ય કરી શક્યા છે. આવા ઉત્તમ નિયમનું પાલન તેમના નક્કુર અનુભવમાંથી જ ઉદ્ભવ્યું છે. વિદ્યાર્થી સહાયક સહકારી મંડળી લિ. નું કે તે પહેલાંની પેટલાદ લોનફંડનું લેણું વસૂલ કરવામાં પણ તેઓ ભાગ્યે જ કોર્ટનું શરણું શોધે છે. તાણીને તૂટી જાય ત્યાર પહેલાં જ તેને છોડી દેવાની તેમનામાં કુનેહ અને કુશળતા છે. કોઈકને આમાં કદાચ કાયરતા કે નિર્બળતાની ઝાંખી થાય; પણ સહુની કાર્યપદ્ધતિ કાંઈ સરખી હોતી નથી. અને અમીનસાહેબની આ પદ્ધતિ પણ પ્રારંભદશામાં તો પ્રશંસાપાત્ર જ છે એમ નિઃશંક કહી શકાય.
આમ તેમની ઉદાત્ત માનવતાએ જ શ્રી. મોતીભાઈને જ અનેક સેવાકાર્યોની પ્રેરણા આપી છે, ને શિક્ષકવૃત્તિ આ માનવતાનો જ એક પ્રધાન અંશ છે, તેમનું હૃદયપટ ઉત્કૃષ્ટ માનવતાના વિશદ્ધ તારોથી–તાણાવાણાથી–વણાઈને તૈયાર થયું છે; અને તે મુખ્ય તારમાંથી ઉદ્ભવેલા કેટલાક સૂક્ષ્મ તાર આ પટને વિવિધતા અર્પી આકર્ષક બનાવે છે. કર્તવ્યપાલન, આત્મત્યાગ, ઇત્યાદિના સૂક્ષ્મ છતાં વિવિધવર્ણી તાર પણ તેમાં નજરે પડે છે. ઈશ્વરશ્રદ્ધાનો પ્રોજ્જ્વળરંગી ને બળવાન તાર પણ તેમાં દેખાય છે; અને હાસ્યવિનોદના તાર પણ પોતાની ભિન્નતાથી પટને મનોહર બનાવે છે. નિખાલસતા, નીડરતા, નિર્મોહ અને સત્યપાલનના પણ કેટલાય સૂક્ષ્મ તારો તેમાં સ્પષ્ટ ભળેલા જણાય છે. આ અલંકારયુક્ત કથન થોડાં ઉદાહરણથી વધુ સ્પષ્ટ થશે.
મોતીભાઈ સાહેબ મૂર્તિપૂજામાં ભાગ્યે જ શ્રદ્ધા ધરાવે છે, પણ તેઓ નાસ્તિક કે નિરીશ્વરવાદી તો નથી જ. ઈશ્વરના અસ્તિત્વમાં શ્રદ્ધા ધરાવીને તેઓ સામાન્ય રીતે પ્રાતઃકાળમાં ઊઠતાંવેંતજ એક અંગ્રેજી પુસ્તકમાંથી*[૬] પોતાની દૈનિક પ્રાર્થના ગંભીરતાથી વાંચે છે અને ત્યાર પછી જ ઇતર નિત્યકાર્યનો આરંભ કરે છે. એક સ્નેહીની સૂચના ઉપરથી તેઓ આમ નિયમિત રીતે શ્રીમદ્ ભગવદ્ગીતા વાંચવાની ઉમેદ ધરાવે છે. પણ આવા કર્મવીર અને ઉદાત્ત માનવીને એ આધ્યાત્મિક જ્ઞાન શુષ્ક લાગવાનો સંભવ છે; કારણ કે તેમને તો જનસેવામાં જ આધ્યાત્મિક પ્રગતિ દેખાય છે, ને વિશુદ્ધ કર્તવ્યપાલનમાં જ મોક્ષ ભાસે છે. શુભ કાર્ય માટે નિર્મળ વિચાર અને શુદ્ધ સંકલ્પ ઉપર ખૂબ ભાર મૂકતા હોવાથી જ તેઓ પ્રાતઃપ્રાર્થનામાંથી આમ ઘણી પ્રેરણા અને પવિત્રતા પ્રાપ્ત કરે છે.
તો પછી આટ–આટલી પ્રશંસાના અધિકારી શ્રી. મોતીભાઈ શાથી સમગ્ર હિંદમાં કે છેવટે આખા ગુજરાતમાં સુવિખ્યાત નથી ? કારણ કે તેઓને પોતાની શક્તિઓનું અને મર્યાદાઓનું પૂરેપૂરૂં ભાન છે. તેમની કાર્યપદ્ધતિ વિશાળતા નહિ, પણ સઘનતા તરફ જ મીટ માંડે છે. વિસ્તાર નહિ, પણ ગહનતા જ તેમનું ધ્યેયબિંદુ છે; અને તેથી તો તેમને ચરોતર કે પેટલાદ તાલુકો પણ વિશાળ ક્ષેત્ર લાગે છે. તેમનું આ ધ્યેયબિંદુ સમજ્યા પછી વતન–વહાલની સાંકડી મર્યાદાઓને શિથિલ કરવાનું મારૂં નમ્ર સૂચન અનુચિત જ ઠરે છે. તેમના નમ્ર નિવેદનમાં ખેડૂતની ઉપમા વડે તેમણે પોતાની મર્યાદિત શક્તિઓનો સ્વીકાર કરી પોતાની કાર્યપદ્ધતિ ખૂબ સ્ફુટ કરી છે.
વિશેષમાં, તેમના નિર્ભેળ હાસ્ય અને નિર્દોષ વિનોદને સમજવા નીચેનાં થોડાંક પ્રસંગોચિત ઉદાહરણો વાચકને ખૂબ રસપદ થશે.
ઇ. સ. ૧૯૩૬ ના ઓક્ટોબરની આખરે અમદાવાદમાં ગાંધીજીના પ્રમુખપદે મળેલી સાહિત્ય પરિષદ સંમેલનની બેઠકનો ભરચક કાર્યક્રમ ચાલુ હતો. બીજા દિવસની સવારની બેઠક પૂરી થયે પાછા ફરતાં ભદ્રના કિલ્લામાં અચાનક અમીનસાહેબ તેમના સ્નેહીવર્ગ સાથે મને ભેગા થયા. મારા પ્રથમ લેખની પ્રસિદ્ધિ પછી આ પહેલી જ વાર અમે મળ્યા. સંમેલનની સવારની બેઠકમાં મોતીભાઈ સાહેબ ચ્હાપાણી ઇત્યાદિનાં બંધનોમાંથી મુક્ત હોઈને વેળાસર હાજર થયેલા, અને આમ ઘણા પ્રેક્ષકો કરતાં વહેલા ગયેલા. બેઠક પૂરી થયે પ્રેમાભાઈ હોલમાંથી નિકળતી વખતે પણ શાંતિથી, બધા નિકળી જાય ત્યારે સૌથી પાછળ, અધીરાઈ વિના, ભીડ મટ્યે તેઓ બહાર નિકળતા. રસ્તામાં મને મળતાં વેંત જ તેઓએ કહ્યું: “શાસ્ત્રી, તમેય મારૂં ઠીક નામ પાડી દીધું છે.” “કેમ સાહેબ ?” જવાબ: “કેમ, હું તો દ્વારપાળ છું ને ? સંમેલનની આજની સવારની બેઠકમાં ઘણાથી વહેલા જઈ અને સૌથી પાછળ બહાર નિકળી મેં એ નામ બરાબર શોભાવ્યું છે. દ્વારપાળ આમ જ કરે ને ?” સાથેના અનેક મિત્રો કેવળ અટ્ટહાસ્યના વાતાવરણમાં જ આવી ગયા.
બીજું ઉદાહરણ વસોના ગોપાળદાસ બાગમાં આવેલા બાલમંદિર પરનું છે. તેના ક્રિડાંગણમાં બાળકો માટે તૈયાર કરાવેલે હીંચકે એક નાની બાળકી ઝોલા ખાતી હતી. અમીનસાહેબ મને બધું બતાવતા હતા. બાળકી પાસે આવતાં તેમણે કહ્યું: “કેમ, શું કરો છો ?” પ્રત્યુત્તર: “હીંચકા ખાઈએ છીએ.” અમીનસાહેબે પોતાની લાકડીથી હીંચકો અટકાવી કહ્યું “અમે નહિ ખાવા દઈએ.” બાળકી કહે: “તો હું તમને મારીશ–મારી નાખીશ.” (બાળકીનો આત્મવિશ્વાસ ને હિંમત એ બાલમંદિરને આભારી હશે, પણ હિંસકવૃત્તિ તો આપણા સમાજનાં માબાપોની જ હિંસકવૃત્તિનો પડઘો લાગે છે.) અમીનસાહેબ કહે: “ત્હોય ઝોલા ખાવા નહિ દઈએ.” પુત્રવિહોણા આ કાર્યકર્તા પારકાંના બાળકો તરફ પોતાનાં જ અપત્યના જેટલું વહાલ દાખવે છે, અને તેમને વિનોદથી રમાડે છે. શિક્ષકો પણ કોઈ બાળકને તુંકારથી એકવચનમાં સંબોધતા નથી, ને તે રીતે બાળપણથી જ તેમનામાં સ્વમાન અને સન્માનની ભાવના જાગૃત કરવામાં આવે છે. શારીરિક શિક્ષાનો સંપૂર્ણ પ્રતિબંધ એ તો શ્રી. મોતીભાઈની દેખરેખ હેઠળ ચાલતી વસોની કેળવણી સંસ્થાઓનું એક વિશિષ્ટ લક્ષણ છે.
ત્રીજો પ્રસંગ પણ ગોપાળદાસ બાગમાં આવેલી ઇંગ્રેજી શાળાનાં બાળકોનો છે. અમે બીજા ધોરણના વર્ગમાં પ્રવેશ કર્યો ત્યારે અંગ્રેજી શ્રુતલેખન (Dictation) ચાલતું હતું. અનેક બાળકોએ 'ઈન્ડીપેન્ડન્ટ પેન’થી નોટમાં અંગ્રેજી શબ્દો લખ્યા હતા. શિક્ષકે અમીન સાહેબને તે બધા બતાવ્યા. બાળકોનો અભ્યાસ ને સફાઈ પ્રશંસાપાત્ર હતાં. પણ તે દરમ્યાન શ્રી. મોતીભાઈ અન્ય વસ્તુ જ વિચારી રહ્યા હતા. અનેક બાળકો પાસે આવી પેન જોઈ. એક બે બાળકોને તેમણે પૂછ્યું “પેન કોણે આપી?” કોઈએ કહ્યું: “સાહેબ, મારા ભાઈ પાસેથી મેળવી છે.” તો અન્ય કહે: “સાહેબ, મારા બાપે ખરીદી આપી છે.” અમીન સાહેબ હસતાં હસતાં કહે: “ઘેર રડીને, માબાપને પજવીને પેન મેળવી હશે ? હું જાણું તો…” “ના સાહેબ.” અને પછી આવી પેન રાખનાર બાળકની ગણતરી કરી તેની સારી સંખ્યા જણાઈ તરત જ તેઓ ગંભીર થયા, કારણ કે પરદેશી માલના મોહક અને વ્યાપક સ્વરૂપે તેમની સ્વદેશી ભાવનાને આ વખતે કારી ઘા કર્યો હતો.
હજી એક વિશેષ દૃષ્ટાંત આપું છું. ગોપાળદાસ બાગ આગળની ભાગોળેથી સાંજના અમે ફરવા જતા હતા; સાથે એક બે બીજા સ્નેહીઓ પણ હતા. વણસર ગામના કુંભારની કુઇનાં જાદુઈ અને ઇલમી પાણીની ત્યારે સર્વત્ર હાક વાગતી હતી. પચાસ ને સો સો માઈલના અંતરેથી પણ લોકો ગાડી, ખટારામાં કે ગાડામાં મુસાફરી કરીને, અથવા નજીક હોય તો પગપાળા જઇને વણસરનું આ પાણી લેઈ આવતા. સૌ કોઈ ગામડિયા ત્યારે વણસર તરફ ઉભરાતા; અને માટલુ દેગડું, ઘડો કે બરણી ભરીને એ જાદૂઈ પાણી લાવતા. લોકવાયકા હતી કે એ પાણીથી ગમે તે રોગ મટે છે. તેનો પરચો અને પ્રતાપ અતિશયોક્તિ ભેર વખણાતા. કહેવાતું કે કૂઈ આગળ કલેક્ટર સાહેબની મોટર પણ અટકી પડી, ને નાળિયેર વધેર્યું ત્યારે જ તે આગળ ચાલી ! આવા વાતાવરણમાં સાંજના પાણીથી ભરેલા પાત્રને માથે મૂકીને ઘર તરફ પાછા ફરતા અનેક માણસો અમે જોયા. અમીનસાહેબ તો આ જાદુઈ પાણીમાં શાની શ્રદ્ધા ધરાવે ? પણ તે વિષે તેમણે ઘણું સાંભળ્યું હતું. ગામડિયાઓના ભોળપણનો અમને ચોક્કસ ખ્યાલ આપવાના શુભ હેતુથી તેમણે એક વટેમાર્ગુને કહ્યું: “કેમ ઠાકોર, આ પાણી સવારમાં કડવું હોય છે, બપોરે તૂરૂં લાગે છે, ને સાંજે ગળ્યું લાગે છે, એ ખરી વાત કે ?” જવાબ: “હા, બાપજી; તદ્દન સાચું. આ તે કંઈ પાણી છે ! નરી જાદૂઈ દવા જાણે ! રોગ માત્ર તેનાથી મટે છે. ભગવાને જ જાણે અમ સરખા ગરીબો માટે મોકલ્યું લાગે છે,” એમ કહી તે ચાલતો થયો. વિનોદના મૂળમાં રહેલી ગંભીરતા અમે ત્યારે સંપૂર્ણ સમજી શક્યા. કેવળ વિનોદ ખાતર હાસ્ય ઉપજાવવાની કળા પણ આ ગંભીર લાગતા પુરૂષને સહજ છે એ જાણી ઘણાને આશ્ચર્ય થશે, આથી વિશેષ ઉદાહરણ સપ્રમાણતાનો ભંગ કરે તે ભયે હું જતાં કરૂં છું.
નીડરતા પણ વાજબી પ્રસંગોએ અમીનસાહેબ અણનમ રીતે બતાવી શકે છે, કારણ કે પોતે અંગીકૃત કરેલા કાર્યમાં યત્કિંચિત્ સ્વાર્થને પણ તેઓ સ્થાન આપતા નથી. ભયના માર્યા પોતાનું મંતવ્ય ફેરવવું કે અન્યની ખુશામત કરવી તે આ ચરોતરી પાટીદારના સ્વભાવમાં જ નથી. પોલિસખાતું, રેવન્યુખાતું, કે કેળવણીખાતું તેમને પોતાની સત્તાથી આંજી શક્યું નથી, કે શેહથી ડરાવી શક્યું નથી. તેમની નિસ્વાર્થ વૃત્તિ વડોદરા રાજ્યના દીવાનસાહેબ સુધીયે વાજબી ફરિયાદ માટે પહોંચી જવા જેટલા તેમને નીડર બનાવે છે. નિખાલસતા તો તેમની રગેરગમાં ઊંડી ઊતરેલી છે. આતિથ્ય દેવામાં કે સ્વીકારવામાં તેઓ ઉપચાર કે આડંબર વિનાની નિખાલસતા જ દાખવે છે. જાહેર પ્રવૃત્તિઓમાં પણ પ્રતિપક્ષીની નિર્બળતા કે પોતાની યોજનાની સબળતા નિખાલસપણે તેઓ જણાવી દે છે. નીચેનું એક સાદું ઉદાહરણ તેમની લાગણીવેડાથી મુક્ત રહેતી નિખાલસ વૃત્તિને યોગ્ય રીતે પ્રગટ કરે છે.
ગયા એપ્રિલ માસના ઉત્તરાર્ધમાં સૂર્યના સખત તાપમાં ખરે બપોરે કોઈ એક આશાભર્યો ગામડીઓ કેટલાય ઉત્સાહથી અમીન સાહેબને ઘેર આવ્યો. ખેડા જિલ્લા બહારના કોઈ દૂર ગામડેથી તે અત્ર મોતીભાઈ સાહેબની ખ્યાતિથી પ્રેરાઈને તેમને મળવા આવ્યો હતો. પોતાના વતનનો પ્રતિનિધિ બનીને એક નમ્ર વિનંતિ કરવા ઘર પૂછતો પૂછતો અમીન સાહેબને ત્યાં તે આવી પહોંચ્યો હતો. અમે જમીને મેડા ઉપર જતા હતા. પેલો પ્રવાસી નમ્રતાથી કહેવા લાગ્યો: “સાહેબ, ગામમાં એક મંદિર સમરાવીએ છીએ, અને એક કૂવો કરાવીએ છીએ. આપનું નામ સાંભળી હું મદદ માટે આવ્યો છું; તો કંઈક મહેરબાની કરશો.” અમીનસાહેબે તેને ગામનું નામ પૂછીને જણાવ્યું કે તે ચરોતર પ્રદેશનું નથી. પેલો પુનઃ કહેવા લાગ્યો. “સાહેબ હું બહુ મોટી આશાએ આવ્યો છું. નિરાશ ન કરતા.” તેને પ્રત્યુત્તર મળ્યો: “હું તો મારા પેટલાદ તાલુકાને જ નથી પહોંચી વળતો. તો વળી તમારૂં ગામ તો ચરોતરની ય બહાર આવ્યું; એને માટે તે હું મદદ ક્યાંથી લાવું ? અમારા ય હાથ બંધાયેલા હોય છે. જિલ્લા કે તાલુકા સમિતિને અરજ કરો.” ગામડિયો કહે: “પણ બાપજી, થોડી ઘણી મદદ તો આપ કરો જ. બધે આપ મદદ આપો છો, અને અમારા ગામને જ ટાળી મૂકશો ?” તે બિચારો ભૌગોલિક પ્રદેશના ભેદનું રહસ્ય બરાબર સમજ્યો ન્હોતો. નરી નિખાલસતાથી અમીનસાહેબે પ્રત્યુત્તર દીધા “જુઓ, કહેનારા કહી રહ્યા ! મંદિર માટે તો હું પાઇ ન આપું કે ન અપાવું; અને કૂવા માટે મારી શક્તિ નથી, મારી પાસે તેવાં નાણાં નથી. હું લાચાર છું. સમિતિને અરજી કરો તો તમારા ગામના કૂવા માટેની ભલામણ કરવા કે કરાવવા તજવીજ કરીશ.” નિરાશ વદને પેલા ગામડિયાએ ચાલતી પકડી. કેવી નિખાલસતા અને કેટલું મર્યાદાપાલન !
વિશેષમાં, નિર્મોહ કે નિરહંકાર પણ તેમનામાં અથાગ છે. અમલદાર તરીકે પોતાનાં પર્યટનોમાં કે બદલી અથવા નિવૃત્તિના પ્રસંગે પણ માનપાન લેવાનો, જલસાઓ સ્વીકારવાનો, કે હારતોરાથી વિભૂષિત થવાનો તેમણે હંમેશાં એક નિયમ તરીકે સંપૂર્ણ ને સફળ ઈનકાર જ કર્યો છે; તેમ જ કેવળ ખુશામત વૃત્તિથી અમલદારશાહીને પ્રસન્ન કરવા માટે તેમણે પોતે સમારંભો કે હારના પ્રસંગો ભાગ્યે જ ઉપસ્થિત કર્યા છે. આના સમર્થનમાં વળી એક વાત જણાવી લેઉં. એક વખત કોઈ આનંદની પળે તેઓ નિખાલસતાથી મને કહેવા લાગ્યા: “અને મારા જીવનની મોટામાં મોટી ઈચ્છા તો એ છે કે. . .” કંઈક મહત્વની વાત તેઓ જણાવે છે તેમ ધારી હું પણ સાવધ અને ગંભીર બન્યો, ને બોલ્યો: “શી સાહેબ ?” “મારા મરણ બાદ મારૂં કઈ પણ પ્રકારનું સ્મારક ઉભું ન થાય તે. વસોના આ મારા મિત્રો ને સ્નેહીઓ તેમ કર્યા વિના જંપશે નહિ તેવો મને ભય છે; જો કે હું તો મારી ઈચ્છા બર લાવવા બનતી તજવીજ કરૂં છું જ, પણ કોણ જાણે કેવીક મારી ઈચ્છા સિદ્ધ થશે ?” મરણોત્તર સ્થિતિ માટે પણ આટલો નિર્મોહ ને નમ્રભાવ સેવતા અમીનસાહેબ કેટલા મહાન અને પ્રશંસાપાત્ર છે ? ‘માનવસાગરનું પોતે એક બુદ્બુદ; મહાન ભેખધારી આગળ પોતાની સેવા તો કેટલી અલ્પ ને તુચ્છ છે !’ આ જ ભાવ તેમના હૃદયને હંમેશાં શુદ્ધ અને પવિત્ર રાખે છે.
આજ સુધીમાં તેઓએ તનથી, મનથી તેમજ ધનથી ચરોતરની અને ખાસ કરીને પેટલાદ તાલુકાની ને વસોની વિવિધ સેવાઓ કરી છે, તથા તે રીતે ગુજરાતને પણ ઋણી કર્યું છે. પોતે હાથ ધરેલી હરકોઈ જાહેર સંસ્થામાં તેમણે ઉદાર ને પ્રસન્ન ચિત્તે સારો આર્થિક ફાળો આપ્યો છે, ને આમ વિત્તૈષણાથી પર થવાનો પ્રયત્ન કર્યો છે.
આજે તેઓ બાળકેળવણીના, પ્રાથમિક કેળવણીના ને સહકેળવણીના પ્રયોગો કરી રહ્યા છે, અને તેના જટિલ પ્રશ્નોને ધરમૂળથી વિચારતા જાય છે. કુમાર અને કુમારીઓનાં સામાજિક કર્તવ્યો ભિન્ન હોવાથી સહકેળવણીને બદલે તેમની જરૂરિયાતોને ઉચિત જૂદી કેળવણી આપવી જોઈએ, ને તે જ કેળવણી વધુ સફળ થાય; કેળવણી તે કોઈ રાજકારણની દાસી નથી, અને તેનું દૃષ્ટિબિંદુ કેવળ એક રાષ્ટ્ર નહિ, પણ સમગ્ર જગત્ હોવું જોઈએ. આવાં આવાં તેમનાં મંતવ્યો કેવળ કલ્પનામૂલક નથી, પણ સંગીન અનુભવ ઉપરથી જ રચાયેલાં છે. કેળવણીની વાસ્તવિક ગૂંચને તેઓ સ્વતંત્ર વિચારશક્તિથી નિરખે છે, ને શક્ય હોય ત્યાં તેમને ઉકેલે છે. પ્રાથમિક કે માધ્યામિક શિક્ષણ આપતી શાળાઓમાં હુન્નરઉદ્યોગની આવશ્યકતા જ્યારે આજે ખૂબ ચર્ચાસ્પદ વિષય બની શિક્ષિત વર્ગનું ધ્યાન ખેંચી રહી છે, ત્યારે વસોની એ. જે. હાઈસ્કૂલે તો શ્રી. મોતીભાઈની પ્રેરણા ને દેખરેખ હેઠળ તેનો ઘણાં વર્ષો થયાં આકર્ષક આરંભ કરી દીધો છે.
ચરોતરની આવી મૂક ભાવે સંગીન સેવા કરનાર અમીનસાહેબ આજે વસો કેળવણી મંડળના અગ્રણી છે, વસો સહકારી બેંક લિ. ના પ્રમુખ છે, ‘ચરોતર’ માસિકના તંત્રી છે, ચરોતર વિદ્યાર્થી સહાયક સહકારી મંડળી લિ. ના મંત્રી છે, પુસ્તકાલય સહાયક સહકારી મંડળી લિ. ના અધ્યક્ષ છે; અને પેટલાદ તાલુકાની શિક્ષણ, આરોગ્ય તથા પુસ્તકાલય વિષેની પ્રવૃત્તિઓ ચલાવતી સંસ્થાઓના તેઓ સર્જક કે સુકાની છે. શિક્ષક થવાના કોડ ધરાવતા આ કાર્યકર્તા આમ સેવા કરતાં કરતાં કેળવણીમાં વિશારદ બન્યા છે એટલું જ નહિ, પણ એક સામયિકના તંત્રી થયા છે, અને સહકારશાસ્ત્રના જ્ઞાતા બન્યા છે.
ત્યારે આ સર્વ પ્રવૃત્તિઓના સાર રૂપ તેમનું સૌથી મોટું કાર્ય કયું ? તેમનાં પોતાનાં જ વચન આ પ્રશ્નનો પ્રત્યુત્તર આપે છે:— મારી જિંદગીનું મોટામાં મોટું કામ કયું એમ જો કોઈ પૂછે તો હું પેટલાદ લોનફંડના કામને આગળ ધરૂં. મારા જીવનમાં સારૂં છે તેમાંનું ઘણું પેટલાદ લોનફંડને આભારી છે. મારામાં જે દોષો અને ત્રુટિઓ છે તે આ લોનફંડના વહીવટમાં ઉતરી છે. પણ ચરોતર વિદ્યાર્થી સ. સ. મંડળ લિ. ના વહીવટમાં તે દૂર કરવામાં આવી છે. આ ફંડને લઈને અનેક વિધાર્થીઓ સાથેનો મારો સંબંધ ત્રીસ વર્ષ સુધી સતત લંબાયો છે… … … આ કામ કરવાથી થોડે ખર્ચે મોટાં ફળ મેળવી શકાયાં છે, સ્વાશ્રયના ધોરણે યુવકોની મહત્ત્વાકાંક્ષા પોષી શકાઈ છે, અને નજીવા સ્વાર્થના ભાગે પરોપકારનું મહાન કાર્ય કરી શકાયું છે.૬[૭]
પેટલાદ, આણંદ કે વસો તેમની જાહેર પ્રવૃત્તિઓનાં પ્રધાન કેન્દ્રો છે. શ્રી અમૃતલાલ ઠક્કર જેવાને પણ ગજરાતમાં કે ગુજરાત બહાર કોઈ જાહેર કાર્ય માટે સ્વયંસેવકોની જરૂર હોય ત્યારે શ્રદ્ધા ને સંતોષની વૃત્તિથી તેમની દૃષ્ટિએ આ કેન્દ્રો તરફ જ દોડે છે, એ હકીકત શ્રી. મોતીભાઈનાં સેવાકાર્યની સબળ અસર પુરવાર કરવા માટે પૂરતી છે.
તેઓ ગામડાંની દુર્દશા જાણે છે, ખેતીની પડતી પિછાને છે, જમીન મહેસૂલનો અસહ્ય બોજો તેમને અકળાવે છે, અમલદારી જુલમને તેઓ પડકાર દે છે, વેઠને વખોડી કાઢે છે, અને ગામડાંના આંતરિક ક્લેશથી ને અજ્ઞાનથી ત્રાસી જાય છે, તેઓ ગરીબ છતાં બુદ્ધિશાળી વિદ્યાર્થીની બ્હાંય ઝાલે છે, સામાન્ય વિદ્યાર્થીને જરૂરી શીખ દે છે, ને ઉચ્છ્રંખલ વિદ્યાર્થીઓનાં હૃદય જીતી લે છે. વિશુદ્ધ અને ઉત્તમ વિચાર જ મનને નિર્મળ રાખી શકે છે, અને સદ્વિચાર માનવ જીવનના ઘડતરમાં કીમતી તત્ત્વ છે, એ તેમની માન્યતા તેમને વિદ્યાર્થી–માનસ સમજવામાં ખૂબ મદદગાર થાય છે. તેઓ જેમ ગ્રામજનોની ઉદારતા કે લુચ્ચાઈથી તથા ખેડૂતોની ખાનદાની કે ખંધાઈથી પરિચિત છે, તેમજ વિદ્યાર્થી–આલમની સાદાઈ અને વિલાસવૃત્તિથી પણ વાકેફ છે.
આચરણમાં મુકાય તેટલું મિત ભાષણ કરનારા આ અમીનસાહેબ સ્વભાવે સાત્ત્વિક અને ગુણગ્રાહક છે. શિસ્ત અને સંયમ તેમને પ્રિય છે; અને અતિશયોક્તિ ને આડંબર તો તેમના આગળ ટકી શકતાં જ નથી. હજુ બે વર્ષ સુધી તેઓ પોતાનું પ્રવૃત્તિમય જીવન આમ ચાલુ રાખનાર છે, અને પછી ઈશ્વરેચ્છા હશે તો તેમાંથી નિવૃત્તિ લેશે. એ નિવૃત્તિસમયમાં તેઓ પોતાના વિદ્યાર્થીજીવનનાં મધુર સંસ્મરણો અને પોતાના જાહેરજીવનનાં મીઠાં સંભારણાં જનતાની જાણ માટે વિગતવાર લેખ રૂપે પ્રસિદ્ધ કરશે એવી હું સકારણ આશા રાખું છું. સાર્વજનિક કાર્યોની જવાબદારીમાંથી મુક્ત થતાં તેઓ વિષે સર્વને ઘણી ચોક્કસ હકીકત જાણવાની મળશે. ત્યારે ય જો ગુજરાત આવા અનુભવી અને સેવાશીલ કાર્યકર્તાનો લાભ ઉઠાવવા જેટલું જાગૃત થાય છે તો તેને મહાન્ સદ્ભાગ્ય ગણાશે. ‘સાઠી’માંયે કુશાગ્ર બુદ્ધિ, નિર્મળ મન અને અખૂટ ઉત્સાહ ધરાવતા ચરોતરના આ સપૂત ઉપર ઇશ્વરના ‘શરદઃ શત’ ના આશીર્વાદ ઊતરો અને તેમની પાવનકારી પ્રવૃત્તિઓનો પ્રવાહ અખંડિત રીતે ચાલુ રહે એ જ આપણી તેમના તરફની શુભેચ્છા હોઈ શકે. ગરવી ગુજરાત તેમના નિઃસ્વાર્થ કાર્યને આગળ ધપાવીને જ વધુ ગૌરવવંતી બનશે, અને ત્યારે જ તે તેમની મહત્તાનાં સાચાં મૂલ્ય આંકી શકશે.*[૮]
- ↑ ૧. જુઓ ‘ચરોતર’ માસિક વર્ષ ૧, અંક ૧૧, પૃ. ૩૯૬
- ↑ ૨. જુઓ ‘ચરોતર’ વર્ષ ૭, અંક ૧, પૃ. ૧૪
- ↑ ૩ જુઓ ‘ચરોતર’, વર્ષ ૬, અંક ૧૨, ૫, ૪૨૦
- ↑ ૪ જુઓ ‘ચરોતર’ વર્ષ ૬, અંક ૧૨, પૃ. ૪૨૧
- ↑ ૫ જુઓ ‘ચરોતર’ વર્ષ ૬, અંક ૧૨, પૃ. ૪૨૧
- ↑ *‘Precept and Practice’ by Constance M. Whishaw.
- ↑ ૬ જુવો ‘ચરોતર’ વર્ષ ૭, અંક ૨, પૃ. ૬ર
- ↑ મોતીભાઈ સાહેબના દુઃખદ અવસાનની પ્રથમ ખંડમાં નોંધ લેવામાં આવી છે જ.—કર્તા