લખાણ પર જાઓ

સાહિત્યને ઓવારેથી

વિકિસ્રોતમાંથી
સાહિત્યને ઓવારેથી
શંકરલાલ શાસ્ત્રી
૧૯૩૩




સાહિત્યને ઓવારેથી
(ખંડ : ૧–૨)

(શ્રી. રમણલાલ વ. દેસાઈના આદિવચન સાથે)


કર્તા:


શંકરલાલ ગંગાશંકર શાસ્ત્રી, એમ. એ. એલ્‌એલ્‌. બી.

સંસ્કૃત અને ગુજરાતીના પ્રોફેસર,
બહાઉદ્દીન કોલેજ, જૂનાગઢ;
તથા

વ્રજલાલ શાસ્ત્રી રચિત ‘રસગંગા’ના સંપાદક







એન. એમ. ત્રિપાઠી એન્ડ કંપની

બુ ક સે લ ર્સ–૫ બ્લી શ ર્સ
પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ, ૨.

૧૯૩૯

દ્વિતીય આવૃત્તિ : સં. ૧૯૯૫ : રૂ. ૨–૪–૦

પ્રત ૧૦૦૦
Copy–Right

સર્વ હક્ક કર્તાને સ્વાધીન છે.













Printed at The Diamond jubilee Printing Press by Sureshchandra
Popatlal Parikh, Salapose Road, Ahmedabad
and
Published by P. J. Pandya for N. M. Tripathi & Co.,
Book-sellers and Publishers, Princess Street, Bombay, No. 2


અનુક્રમણિકા

ખંડ–૧ લો : અવલોકનો

વિષય પૃષ્ઠ
દી. બ. કેશવલાલ ધ્રુવ
પ્રિન્સિપાલ આનંદશંકર ધ્રુવ ૧૧
શ્રી. ન્હાનાલાલ કવિ ૨૪
શ્રી. કનૈયાલાલ મુનશી ૩૫
દી. બ. નર્મદાશંકર મહેતા ૫૨
શ્રી. રામનારાયણ વિ. પાઠક ૬૭
” ચંદ્રશંકર ન. પંડ્યા ૭૩
સાહિત્ય પરિષદ ૯૫
શ્રી. મોતીભાઈ ન. અમીન ૧૧૪

ખંડ ૨–જો : અર્ધ્ય

નરસિંહ મહેતો : આદિ ભક્તકવિ ૧૩૫
નરસૈયો : સાહિત્ય અને સંશોધનની નજરે ૧૪૩
વર્તમાન ગુજરાતને કવિ નર્મદનો વારસો ૧૫૦
છોટમ : એક ઉપેક્ષિત ભક્તકવિ ૧૫૯
વ્રજલાલ શાત્રી : એક સમર્થ સાક્ષર ૧૭૪
કલાપી–જીવન અને કેકારવ ૧૮૯
રંગભૂમિ–ઉદ્ધારક રણછોડભાઈ ૨૦૯
શ્રી. કેશવલાલ ધ્રુવ : વિદ્યાર્થી જીવન ૨૨૧
શ્રી. કેશવલાલ ધ્રુવ : સાહિત્ય-જીવન (૧) ૨૩૨
શ્રી. કેશવલાલ ધ્રુવ :  (ર) ૨૪૬
શ્રી. મોતીભાઈ અમીન : માનવતાની નજરે ૨૬૦
‘સાહિત્યને ઓવારેથી’ : કેટલાક અભિપ્રાયો ૨૭૯

આદિવચન

જ્યારે પ્રોફેસરોના વર્ગમાંથી કોઈ સાહિત્યકૃતિ સર્જ છે ત્યારે મને બહુજ હર્ષ થાય છે. પ્રોફેસરો અને શિક્ષકો એ આપણા સંસ્કારરક્ષકો અને સંસ્કારપ્રેરક નેતાઓ. જ્ઞાનનો પ્રચાર, જ્ઞાનની સાચવણી, જ્ઞાનની દોરવણી તેમના હાથમાં છે. કોલેજના ક્ષેત્રમાં જ તે સમાઈ ન રહે તો કોલેજ બહારની વિશાળ જનતાને પણ તેમના સઘન જ્ઞાનમાં ભાગ મળે. અને કોલેજ બહારની જનતાને પણ તેમની પાસેથી કેટલું બધું શીખવાનું છે ? ‘સાહિત્યને ઓવારેથી’ આપણે દૃષ્ટિ ફેંકીએ છીએ તો એ પ્રશ્નનો ઉત્તર સહજ મળે એમ છે.

પોણાત્રણસો પાનાની આ અભ્યાસપૂર્ણ કૃતિમાં વર્તમાન ગુજરાતના સંસ્કાર ને સંસ્કારસ્વામીઓનું પ્રો. શંકરલાલ શાસ્ત્રીએ આપણને સુંદર અને સચોટ દર્શન કરાવ્યું છે. એ દર્શન માટે ઊભી કરેલી મૂર્તિઓની પાછળ રહેલી પશ્ચાદ્‌ ભૂમિ, તેમના પ્રકાશ અને પ્રકાશ–વિસ્તાર, તથા સાથે સાથે તેમના પડછાયા પણ દોરી સર્વને ગમે એવાં અને છતાં મ્હોટે ભાગે સાચાં જીવંત ચિત્રોનું એક સરસ સંગ્રહસ્થાન તેમણે ગુજરાતી જનતા માટે રચ્યું છે.

નરસિંહ મહેતાથી માંડી આજ સુધીના સંસ્કારનેતાઓ એ સંગ્રહસ્થાનમાં આવી જશે એમ આપણને લાગે છે. અને વ્યક્તિઓનાં ચિત્રચરિત્ર-દર્શનની સાથે ગુર્જર સંસ્કારની આખી પીઠિકાનું દર્શન થાય એવી યોજના તેમાં સ્પષ્ટ દેખાઈ આવે છે.

 નરસિંહ, નર્મદ, યોગ્ય રીતે ઓળખાવેલો ઉપેક્ષિત ભક્તકવિ છોટમ, રણછોડભાઈ, ન્હાનાલાલ, કલાપી, મુનશી અને રામનારાયણ પાઠક સરખા આપણા કલાવિધાયકોનાં સમભાવભર્યાં ચિત્રો આમાં આવી જાય છે. કેશવલાલ ધ્રુવ, આનંદશંકર, નર્મદાશંકર મહેતા અને વ્રજલાલ શાસ્ત્રી સરખા વિદ્વાનોના સુઘટિત પરિચય આપણને આ સંગ્રહમાં મળે છે. ચંદ્રશંકર પંડ્યા અને મોતીભાઈ અમીન સરખા સંસ્કારસાધુઓની ઓળખાણ પણ આપણને અહીં થાય છે. મોતીભાઈ અમીન જેવા સંતાઈ રહેલા સાધુ, છુપી ધૂણી ધિકાવી તપ તપતા સાધુની શબ્દ–છબી શ્રી. શંકરલાલ ઉતારી શક્યા એ માટે તો હું તેમને મુબારકબાદી આપું છું.

આપણે ત્યાં શબ્દ-ચિત્રો, છાયા-ચિત્રો, જીવન-ચિત્રો, રેખા-ચિત્રો લખાયાં છે; જો કે એ ઘણાં નથી. નરસિંહરાવ, ન્હાનાલાલ, લીલાવતી મુનશી એ ત્રણ નામ મુખ્યત્વે યાદ આવે છે. તેમાં આ ચોથા સંગ્રહનો ઉમેરો થઈ ચૂક્યો છે. નરસિંહરાવનું વ્યક્તિત્વ તેમને તેમના અહં ભણી દોરી જઈ ‘સ્મરણમુકુર’ને હલાવી નાખે છે. કવિ ન્હાનાલાલની ઊર્મિ આવાં ચિત્રોને વિશિષ્ટતા અર્પવા છતાં અસામાન્ય બનાવી દે છે. લીલાવતીનાં રેખા-ચિત્રો ઉતાવળે પાડી લીધેલા ‘સ્નેપ-શોટ્સ’ છે. સમભાવથી, સદ્ભાવથી, ઝીણવટથી, આસપાસની સ્વાભાવિક ભૂમિકાને અનુલક્ષી ચીતરાયલાં જે વ્યક્તિચિત્રો પ્રો. શંકરલાલે આપ્યાં છે તે ત્રણેથી જુદી જ ભાત પાડે છે.

કોઈ રખે એમ સમજે કે પ્રો. શંકરલાલે માત્ર ગુણગાન જ કર્યા છે. જનતાની દૃષ્ટિએ, અભ્યાસની દૃષ્ટિએ જે ખામી ખૂબી જણાઈ તે સર્વની વિગત આ ચિત્રોમાં ઉપસી આવે

છે. પ્રો. શંકરલાલ વિવેક ખોયા વગર સ્પષ્ટવક્તા બની શકે છે. આનંદશંકર, ન્હાનાલાલ, મુનશી જેવી વ્યકિતઓ સંબંધમાં પણ જનસમાજની પ્રચલિત ભાવના અને ભાવનો નીડરપણે ઉલ્લેખ કરી શકતા પ્રો. શંકરલાલમાં વ્યક્તિઓને પરખી કાઢવાની, સામાજીક પીઠિકાને સમજવાની, અને બન્નેનો સમન્વય કરી તેમની ખરી કિંમત આંકવાની શક્તિ ઊંચા પ્રમાણમાં રહેલી છે, એમે આ ‘સાહિત્યને ઓવારેથી’ આપણે સહજ જોઈ શકીશું.

પ્રો. શંકરેલાલે ઊંડા અભ્યાસનું પણ આપણને દર્શન કરાવ્યું છે. તેમના આવા વિસ્તૃત અને તલસ્પર્શી અભ્યાસ વગર આ રેખાચિત્રોમાં સચોટતા ન આવી શકી હોત.

‘સાહિત્યને ઓવારેથી’ નામે આ ગ્રંથ આપણને ગુજરાતને એક લાંબો, સળંગ, મનોહર, અને વિશિષ્ટતા–ભર્યો છતાં સાચા સંસ્કાર–પ્રવાહ, સાહિત્ય–પ્રવાહ બતાવનાર હોઈને ઇતિહાસ અને અભ્યાસની દૃષ્ટિએ બહુ ઉપયોગી અને વિશિષ્ટ ગુણવાળો છે. એમાં સમભાવ છે, પૂજ્યભાવ છે, છતાં ઉર્મિલતા નથી; એમાં ઊંડો અભ્યાસ છે, છતાં શુષ્કતા નથી; એમાં વિવેચનકલા છે, છતાં અહંની અંઘોળ નથી; એમાં સ્પષ્ટતા છે, પરંતુ સત્યવક્તાપણાનો ઘમંડ કે કડવાશ નથી.

ગુર્જર સાહિત્યમાં આ ‘અવલોકન અને અર્ધ્યનો’ સંગ્રહ વિશિષ્ટ અભ્યાસગ્રંથ હોવા ઉપરાંત જીવનચિત્રો કે ચરિત્રો અને વિવેચન કેવાં હોવાં જોઈએ તેનો એક ઉચ્ચ નમૂનો છે.

આવા અનેક ગ્રંથો પ્રો. શંકરલાલ શાસ્ત્રી લખે, સાહિત્ય અને સંસ્કારની સેવા કરે, અને પ્રોફેસરના ધર્મનું પાલન કરે એ જ અભિલાષા !

 કારણ કે પ્રોફેસરો પાસેથી આપણે ઘણું ઘણું માગીએ છીએ. આપણા સાહિત્ય અને સંસ્કારભંડારને સમૃદ્ધ કરનાર પ્રોફેસર આપણી પાસે છેક ઓછા તો નથી જ. બન્ને ધ્રુવો અને ન્હાનાલાલ તો આપણા પરમ પૂજ્ય પ્રોફેસરો છે જ, પરંતુ આપણી નજર પ્રો. અતિસુખશંકર, પ્રો. મેહનલાલ દવે, પ્રો. કાન્તિલાલ, પ્રો. રમણલાલ યાજ્ઞિક, પ્રો. પાઠકજી, પ્રો. જ્યોતિ મહેતા, પ્રો. ચતુરભાઈ પટેલ, પ્રો. રમણિક ત્રિવેદી,પ્રો. વ્યાસ. પ્રો. વિષ્ણુપ્રસાદ ને પ્રો. વિજ્યરાય જેવા ઉતાવળી દૃષ્ટિને પણ દેખાઈ આવતા સંસ્કારનેતાઓ ઉપર પડે એમાં કાંઈ આશ્ચર્ય છે ? એમની પાસેથી આપણને કેટલું બધું મળે એમ છે ? અને એ કેટલા બધા છે ?

પ્રો. શંકરલાલ શાસ્ત્રીને ધર્મપાલન અથે તો અભિનંદન આપું છું જ; પરંતુ એક સામાન્ય વાચકની દૃષ્ટિએ સાહિત્ય–ઈતિહાસની સુંદર નેતૃત્વ ચિત્રાવલી આપવા માટે પણ હું તેમને અભિનંદન આપું છું. આવાં વ્યક્તિ અને સાહિત્યકૃતિઓનાં અવલોકનો આપણે ત્યાં ઘણાં ઓછાં છે.

તા. ૧૨ ફેબ્રુઆરી, ૧૯૩૮
વડોદરા
રમણલાલ વસંતલાલ દેસાઈ
}

દ્વિતીય આવૃત્તિની પ્રસ્તાવના

આપણા મર્યાદિત વિવેચન ને રેખાચિત્રોના સાહિત્યમાં ઉમેરો કરતી મારી આ પ્રથમ કૃતિનો સામયિકોએ તેમનાં સદ્ભાવભર્યાં અવલોકનોથી અને વિદ્વાનોએ તેમના કીમતી અભિપ્રાયોથી જે સત્કાર કર્યો છે, તે માટે હું તેમનો અત્યંત ઋણી છું. તેમાંયે વળી યુનિવર્સિટીએ આર્ટ્સ કોલેજના પ્રથમ વર્ષમાં ગુજરાતના એક પાઠયપુસ્તક તરીકે આ કૃતિની પસંદગી કરી તેની ગુણવત્તા અને પ્રસિદ્ધિને જે વેગ આપ્યો છે તેથી મને ખૂબ સંતોષ થયો છે, ને ભારે પ્રોત્સાહન મળ્યું છે. વિશેષ સંતોષની વાત તે એ છે કે યુવાન માનસનો જ પડઘો પાડવાનો પ્રયત્ન કરતી આ કૃતિ કોલેજમાં ભણતા અનેક યુવકોના હાથમાં જઈ પડશે, અને તેથી તેની પ્રસિદ્ધિનો પ્રધાન હેતુ ઘણે અંશે સિદ્ધ થશે.

આ નવી આવૃત્તિમાં મેં ક્વચિત્‌ પાઠફેર કર્યા છે, પહેલાંની ક્ષતિઓ દૂર કરી છે, ને નોંધ ઉમેરી છે. છતાં આ આવૃત્તિ ખૂબ ઉતાવળથી પ્રસિદ્ધ કરવી પડતી હોવાથી જોડણી કે ભાષાની જે કોઈ અશુદ્ધિઓ રહી ગઈ હોય તે વાચક નિભાવી લેશે તેમ વિનંતિ છે. માત્ર મહત્ત્વની અશુદ્ધિઓ પુસ્તકને અંતે આપવામાં આવી છે. વળી, આ આવૃત્તિમાં પુસ્તકના કાગળ, મુદ્રણ, જેકેટનું

ચિત્ર વગેરેમાં યથાવકાશ સુધારો કરવામાં આવ્યો છે. કેટલાક શુભેચ્છક મિત્રોએ પણ આ આવૃત્તિ માટે જે કીમતી સૂચનાઓ કરી અને સ્હાય આપી છે, તે માટે હું તેમને આભારી છું.

પ્રથમ આવૃત્તિ પ્રગટ થયા પછી દી. બ. કેશવલાલભાઈ, દી. બ. નર્મદાશંકર ને મોતીભાઈ અમીનના દુઃખદ અવસાનની પણ અહીં સખેદ નોંધ લેવામાં આવે છે.

અંતમાં, પુસ્તક આટલું નિયમિત પ્રગટ કરવા માટે આ આવૃત્તિના પ્રકાશક એન. એમ. ત્રિપાઠી એન્ડ કંપનીના ઉત્સાહી વ્યવસ્થાપક શ્રીયુત પી. જે. પંડ્યાને, અને અમદાવાદના ડાયમંડ પ્રેસના ખંતીલા માલીક શ્રી. પોપટલાલ પરીખને ખરેખર ધન્યવાદ ઘટે છે.


અમદાવાદ,
જ્યેષ્ઠ કૃષ્ણપક્ષ ૮, સં. ૧૯૯૫

શંકરલાલ ગં. શાસ્ત્રી
}




પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના

વર્ષોથી આ લેખકને કેટલાયે વિદ્યમાન ને વિદેહી સાક્ષરો તથા સર્જકો સાહિત્યસરોવરના જળમાં તરતા ને વિહાર કરતા દેખાય છે. અશ્રદ્ધા ને આશંકાને લીધે જળમાં ઉતર્યા વિના લેખક પગથીયા ઉપર જ ઉભા રહીને તેમને અવલોકવાના અને અર્ધ્ય આપવાના પ્રસંગ સાધે છે, ને તે રીતે અદ્ભુત આનંદ મેળવે છે. એવાં આ અવલોકનો ને અર્ધ્યો આજે પુસ્તક રૂપે સંગૃહીત થઈને જાહેર જનતા આગળ રજુ કરવામાં આવે છે.

પ્રસ્તુત પુસ્તકનું સ્વરૂપ હજુ ખુલાસાના બે વિશેષ બોલની અપેક્ષા રાખે છે. આમાંના કેટલાક લેખ આજથી સાતેક વર્ષ ઉપર ‘પ્રસ્થાન’માં તેના વિદ્વાન ને સદ્ભાવશીલ તંત્રી શ્રી. રામનારાયણ પાઠકની મમતાને લીધે પ્રસિદ્ધિ પામ્યા હતા. ત્યારથી આ લેખકની આવી પ્રવૃત્તિ અવારનવાર ચાલુજ રહેલી છે. પ્રસિદ્ધ થયેલા કેટલાક લેખો વિષેનાં સ્નેહીઓ અને શુભેચ્છકોનાં પ્રશંસાત્મક વચનોએ આ લેખકને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે, અને તેથી જ તે આજે ઉત્તેજિત થઈને આ લેખસંગ્રહ પ્રગટ કરે છે.

અગાઉ પ્રસિદ્ધ થયેલા કેટલાક લેખોમાં મેં ઘણો સુધારો વધારે કરીને તેમને અદ્યતન બનાવ્યા છે; અને અન્ય નવીન લેખો પણ તૈયાર કરી અત્ર ઉમેરવામાં આવ્યા છે. પ્રથમ ખંડના લેખોમાં અવલોકનો વડે લેખકે નવયુગના યુવકમાનસનો જ નિતાન્ત નિખાલસતાથી પડઘો પાડવા પ્રયત્ન

કર્યો છે; અને તેમ કરતાં સુરુચિ, વિવેક ને ગુણગ્રાહિતા વિસરાય નહિ તેટલી કાળજી રાખી છે. બીજા ખંડના લેખો અર્ધ્ય રૂપે જ હોઈને ગુણકદ્રષ્ટિએ જ તૈયાર થયા છે, અને તેથી તેમાં વિષયીભૂત ચરિત્રનાયકનું દોષનિરૂપણ એ અછતું કે વિરલ જ બનાવી દીધું છે. આમ આદરભર્યું ગુણદર્શન જ અર્ધ્યમાં પ્રાધાન્ય ભોગવે છે.

બધાજ લેખો જાત–માહિતી, સળંગ અવલોકન, પ્રત્યક્ષ અભ્યાસ કે દીર્ધ ચિંતન પછી જ તૈયાર કરવામાં આવ્યા છે. આટલો ખુલાસો અસ્મિતાનો દોષ કરીને પણ કરે અત્ર મને આવશ્યક લાગે છે. શક્ય હોય ત્યાં પ્રત્યક્ષ મુલાકાતો લઈ નિરૂપ્યમાણ વ્યક્તિઓને સાચી સહાનુભૂતિથી સમજવાનો ને ન્યાય આપવાનો મેં પ્રયત્ન કર્યો છે, અને તેમ કરવા જતાં પોતાનું વક્તવ્ય ઢંકાઈ ન જાય કે સત્ય હકીકત વિકૃત ન થાય તેટલી કાળજી રાખવામાં આવી છે. આવા કાર્યમાં પ્રત્યક્ષ મુલાકાતો વડે મને સંગીન પ્રોત્સાહન આપનાર દી. બ. કેશવલાલભાઈ આદિ અનેક સરસ્વતીભક્તોનો હું અત્યંત ઋણી છું. શ્રી. મોતીભાઈ અમીન સાહેબે તો તેમના વિષેના મારા તૈયાર લેખોને જાતે સુધારી આપીને તેમાંની ત્રુટિઓ ને અશુદ્ધિઓ દૂર કરી આપી છે, તે માટે હું તેમનો પણ આભારી છું.

કેટલાક લેખોમાં વિચારો કે હકીકતની પુનરુક્તિ થવા દીધી છે; કારણ કે લેખની તાદૃશતા, સરસતા તથા સંપૂર્ણતા અક્ષત રાખવા માટે તેમ કરવું અને આવશ્યક અને ઇષ્ટ લાગ્યું છે. સુજ્ઞ વાચકવર્ગ આ દ્રષ્ટિએ આ પુનરુક્તિદોષ નિભાવી લે તેમ વિનંતિ છે.

આ પુસ્તક વિવિધતા, નિખાલસતા, ગુણગ્રાહિતા, ગહનતા

અને શૈલી પર કેવું બન્યું છે તેનો નિર્ણય તો સહૃદય વાચકોએ જ કરવો રહ્યો. વિદ્વાન વિવેચકોની કસોટીએ ચઢીને આ કૃતિ જો તેમને સંતોષ ઉપજાવશે, તો લેખક પોતાનો શ્રમ સફળ થયેલો માનશે એટલું જ નહિ, પણ ભવિષ્યમાં ‘સાહિત્યને ઓવારે’ થી આવી કે અન્ય કોઈ વિશિષ્ટ પ્રવૃત્તિ કરવા ય પ્રયત્નશીલ બનશે.

શ્રી. ભાવનગર દરબારની ગ્રંથોત્તેજક સમિતિએ આ સાહિત્યસેવામાં અત્યંત ઉત્સાહ પ્રેરીને મને જે ઉદાર મદદ કરી છે, તે માટે હું નામદાર ભાવનગર દરબારનો અત્ર અંતઃકરણપૂર્વક આભાર માનું છું.

વળી, પ્રથમથી જ ‘સોલ એજન્ટ’ થવાની તૈયારી દાખવી પ્રસ્તુત પુસ્તકના કાર્યને અતિસરલ બનાવનાર વડોદરાના ‘પુસ્તકાલય સહાયક સહકારી મંડળ લિ.’નો આભાર માનવાનું હું વિસરી શકું જ નહિ. મંડળના આવા સક્રિય અને ત્વરિત સહકાર માટે હું તેની કાર્યવાહક સમિતિનો, અને વિશેષમાં તેના અધ્યક્ષનો અત્રે ઉપકાર માનું છું.

આ પુસ્તકનું આદિવચન લખી આપવાની તસ્દી લેઈ મને સવિશેષ પ્રોત્સાહન આપનાર ગુજરાતના જાણીતા નવલકથાકાર શ્રી. રમણલાલ વ. દેસાઈનો પણ હું અત્ર ઉપકાર માનું છું. વળી ફુરસદની વિરલ પળોમાં આ પુસ્તકને વાંચી જઈ સહાનુભૂતિભર્યો અભિપ્રાય – કે જે પુસ્તકના જેકેટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે – લખી મોકલવા માટે આપણા વયોવૃદ્ધ વિદ્વાન દી. બ. કૃષ્ણલાલ ઝવેરી સાહેબ, તથા કાર્યોત્સાહે નિત્ય નવજુવાન લાગતા આપણા સમર્થ સાહિત્યસ્રષ્ટા અને સમાલોચક શ્રી. કનૈયાલાલ મુનશી તરફ હું સહૃદય કૃતજ્ઞતા દાખવું છું.

પુસ્તકના ‘જેકેટ’ ઉપરનું મનોરમ ચિત્ર અહીંની એ. વી. સ્કૂલના ઉત્સાહી ચિત્રશિક્ષક અને મારા સ્નેહી શ્રી. ઝવેરલાલ ગિરધરલાલ શેઠના જ પ્રયત્નનું પરિણામ છે.……

વિશેષમાં શ્રી મહાવીર જૈન પ્રિન્ટિગ પ્રેસના માલિક અને તેના કાર્યકરોને તેમણે પુસ્તકપ્રકાશનમાં દર્શાવેલી ઝડપ અને ઉત્સાહ માટે ધન્યવાદ ઘટે છે.[]……

અંતમાં, ગુજરાતની સાહિત્યપ્રિય જનતા આવા પુસ્તકને જો સહર્ષ સત્કારી લેશે, તો આ લેખક કૃતકૃત્યતા અને ઉત્સાહ બંને અનુભવશે. તો આશા છે કે વિકશીલ વાચકો અને વિદ્વાન વિવેચકો ક્ષીરનીર ન્યાયે આ કૃતિની ત્રુટિઓને નિભાવી લેઈને તેના સદ્‌અંશો તરફ ધ્યાન આપશે.

ચૈત્ર, શુદી ૧, સં. ૧૯૯૪
જૂનાગઢ
શંકરલાલ ગં. શાસ્ત્રી
}






Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.
  1. * પ્રસ્તુત ચિત્ર દ્વિતીય આવૃત્તિમાં બદલી નાખવામાં આવ્યું છે.

    —કર્તા.