લખાણ પર જાઓ

સાહિત્યને ઓવારેથી/શ્રી. ન્હાનાલાલ કવિ

વિકિસ્રોતમાંથી
← પ્રિન્સિપાલ આનંદશંકર ધ્રુવ સાહિત્યને ઓવારેથી
શ્રી. ન્હાનાલાલ કવિ
શંકરલાલ શાસ્ત્રી
શ્રી. કનૈયાલાલ મુનશી →



કવિ ન્હાનાલાલ

અને હવે લઈએ આપણી ગરવી ગુજરાતના ગૌરવવંતા કવિ ન્હાનાલાલ. સારાયે ગુજરાત કાઠિયાવાડનાં શહેર તથા ગામડામાં ઘૂમનાર, કુદરતી દૃશ્યોમાં રાચનાર, આર્યસંસ્કૃતિને વખાણનાર, અને અંધાર-ઉજાળતા બ્રહ્મવર્ચસને પૃથ્વી ઉપર ઉતારવાનાં સ્વપ્ન સેવનાર આ યુગકવિ કેટકેટલા રસપ્રદ ગ્રંથોની ગુજરાતી સાહિત્યવર્ગને લ્હાણી કરે છે, અગદ્યાપદ્યના આદ્યસ્રષ્ટા ને ડોલન શૈલીના આ હિમાયતી કવિતા–દેવીની આજે પણ ઉત્કટ ને આદરભરી સેવા કરે છે, અને આખરી સંગ્રામમાં મરણીઆ થનાર સૈનિકના નિઃસીમ ઉત્સાહથી ‘વન’માં પ્રવેશ પૂરો કર્યા પછી પણ યૌવનને શરમાવે તેવો સાહિત્યશ્રમ કરી રહ્યા છે.

કવિત્વનો વારસો મેળવનાર, ‘કવિ’ શબ્દને સાર્થક કરનાર, આ ક્રાન્તદર્શીએ આર્યાવર્તને, આર્યકુલને, અને આર્ય મનુજ ને મહિલાઓને માટે કેટકેટલું કવ્યું છે ! ‘ઇન્દુકુમાર’ અને મનોહર ‘ઉષા’ દ્વારા તેમણે યુવાનોની અભિલાષા અને આદર્શો વ્યક્ત કર્યા; રાસનું સાહિત્ય ખેડી દયારામ, દલપતરામ, નવલરામ વગેરેને વધુ મહિમાવંતા બનાવ્યા, અને ગુર્જર સુંદરીઓને વીરાની વીરપસલીથી ઋણી બનાવી. ‘જયા અને જયન્ત’ વડે નૈષ્ઠિક બ્રહ્મચર્યનો સંદેશો આપી તેમણે પ્રેમનાં વિવિધ સ્વરૂપ નીરખ્યાં; ઈતિહાસના પાઠ પઢી ભૂતકાળમાં નજર કરી, વર્તમાનને નિહાળ્યો, અને ભવિષ્યની સીમાઓ ઉચ્ચારી. મૂર્તિમાન બની જગતને સંબોધતા ત્રણે કાળને તેમણે ‘જયા-જયન્ત’માં વાચા દીધી; કાળને કાંઠડે બેસી કાળની સીમાઓ ભુંસતી ‘વિશ્વગીતા’ આપી; અને ઇતિહાસને ઓવારેથી સત્ય–સોહામણાં ‘અકબરશાહ’ અને ‘જહાંગીર–નૂરજહાં’ આપ્યાં. વિશેષમાં, ઈતિહાસાતીત ‘કુરુક્ષેત્ર’ કવતા આ કવિ ‘સંઘમિત્રા’ જેવી કેટલીયે ઐતિહાસિક કૃતિઓને જગત્પ્રકાશ બતાવવાના મનોરથ સેવી રહ્યા છે.

કવિ ન્હાનાલાલમાં ભાવનાની સુન્દરતા છે, અને ભવ્યતાની ઝાંખી છે; કલ્પના, મૃદુતા ને મધુરતા છે. લલિત અને મનોહર શબ્દાવલી, નાનાં સમતોલ વાક્યો, અને કલ્પનાના અનેરા વિહાર; આ બધું તેમની કૃતિઓને હૃદયંગમ બનાવે છે, અને વાચકને કવચિત્ મંત્રમુગ્ધ કરે છે ગુજરાતના કાવ્યસાહિત્યમાં પિંગળના પક્ષકાર કવિ–પિતાના આ કવિ–પુત્રે પિંગળ સામે બંડ જગાવ્યાં, ને ‘ડોલન’ વંતી અગદ્યાપદ્ય શૈલીને પ્રધાનપદ આપ્યું. અને આ સંક્ષોભકારી, ડોલન ભરેલી ‘નિર્બંધ રસચરણાવલી’ અગદ્યાપદ્ય શૈલી વિષેનાં કવિ ન્હાનાલાલ અને ‘મોટાલાલ’ વચ્ચેનાં સાહિત્યયુદ્ધો અમર બન્યાં હોય તેમ આજે પણ ઘણાયની સ્મૃતિમાં તાજાં હશે. કવિતાસ્રોત ચિત્તક્ષોભમાંથી જન્મે છે, એમ ઉચ્ચારનાર કવિની આ લાક્ષણિક કાવ્યશૈલી લોકપ્રસિદ્ધ અને અનુકરણથી પર છે એમ તો કબૂલ કરવું પડે, કારણકે ‘ગુજરાતનો તપસ્વી’ અને ‘સૌરાષ્ટ્રનો સાધુ’ એ બતાવ્યું છે કે અગદ્યાપદ્યશૈલીમાં કવિની આટઆટલી સફળતા હજુ અન્ય કોઈને નથી વરી.

કવિનાં કેટલાંક સર્જનો જેટલાં શબ્દસોહામણાં છે તેટલાં જ અર્થમાં ગૌરવવંતાં છે; અને ‘ઋજુ, ભવ્ય અને સુંદર શૈલીના પ્રવર્તક પ્રખ્યાત અંગ્રેજ કવિ ટેનીસનની યાદ આપે છે. ટેનીસન ‘રોમૅન્ટીસીસ્ટ’ અને ‘ક્લાસીસીસ્ટ’ બંને હતો; કાવ્યપ્રકાશના કર્તા મમ્મટ પણ ભાખે છે કે કવિતા એટલે શબ્દ અને અર્થ બંને. કવિ ન્હાનાલાલનાં કેટલાંક જ્ઞાનપૂર્ણ સૂત્રો, તેમના આદર્શભરેલા બોધ, અને તેમની રસિક વિચારશ્રેણી હરકોઈને તેમને માટે માન ઉપજાવે તેવાં છે. તેમની કવિતાને કલ્પનાની પાંખ સાથે અલંકારોની સુંદરતા પણ છે. તેમાં સાન્દય શીલથી શોભે છે, સ્વચ્છન્દતાથી નહિ; યૌવન સંયમથી ઊજળું બને છે, ઉચ્છ્રંખલતાથી નહિ; શૃંગાર રસસમાધિથી શુચિ બને છે, વિષયવાસનાથી નહિ. ક્યાંયે અનાર્યતાનું સમર્થન, અનીતિના અંતિમ વિજયઘોષ કે અસુરોનું સામ્રાજ્ય નહિ હોય; જ્યાં ત્યાં ઈશ્વરી સત્તાનો સ્વીકાર, જગતપિતાના પેગામનું પાલન ને પ્રેમ–છલોછલ ભક્તિ જ ઝળહળે છે. જાણે કે પૃથ્વી ઉપર રહીને દેવોના દિવ્યધામમાં વાચક વિચરતો હોયની !

અને આ બધામાં તેમનું આત્મલક્ષિત્વ જ નથી જણાતું ? ઘણાંયે ધર્મોનો ને સંપ્રદાયોનો કવિએ નિખાલસ હૃદયથી અભ્યાસ કર્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાય તો તેમને પિતૃકુળ તરફથી વારસામાં મળ્યો છે. કાળબળે પ્રાર્થનાસમાજે પણ તેમના હૃદયને આવરી લીધું, અને પછી તો કવિએ આર્યસમાજ, સનાતનધર્મ, પુષ્ટિસંપ્રદાય, જૈન, ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મનો પણ પરિચય સાધ્યો. ને તેથી જ તેઓ આજે બધા ધર્મોની યોગ્ય કદર કરી તેમાંથી સર્વસામાન્ય નિષ્કર્ષ શોધે છે. કવિ તો હાલ કહે છે કે ‘I have outgrown all cults’ (હું સર્વ સંપ્રદાયોથી પર છું). અને ખરેખર આવી વિશાળ ભાવના વિના ‘અકબરશાહ’માં સર્વસમન્વય અને વિશ્વકલ્યાણના આદર્શો તેઓ વ્યક્ત કરી શકે ખરા ? તેમનાં ‘બાદશાહનામા’ નાં ‘અકબરશાહ’ ને ‘જહાંગીર–નૂરજહાં’ જુઓ એટલે તમારી નજર આગળ હિન્દુ–મુસ્લીમ, વિરોધ ઓગળી જશે, ને ડૉ. ટાગોરના વિશ્વબન્ધુત્વની ઝાંખી થશે.

શ્રી. કવિ એ વિશાળ આમ્રવૃક્ષ છે; ને તેની ડાળીએ ડાળી મ્હોરેલી છે. તેનાં સૌંદર્યદર્શન કરવાં ને તેની કિંમત આંકવી એ છેક સહેલું કામ નથી. તેમની કેટલીક કૃતિઓમાં તો ઇતિહાસ અને કવિત્વ અભેદ્ય મિત્ર બની રહે છે; કારણકે તેમને મન ઈતિહાસનું ખૂન કરી “અસત્યોના પાયા ઉપર ધજાગરા રોપવા તે ઐતિહાસિક કલાયે નથી, કવિતા યે નથી.”

કવિની સર્જનપદ્ધતિ યે બહુ લાક્ષણિક છે. અભ્યાસ, ચિંતન, સર્જન, અને સમાલોચના: આ ચાર અવસ્થાઓ વટાવીને જ તેમની હરકોઈ કૃતિ જગતપ્રકાશ જુએ છે; કારણકે તેમના મતે તો આંબેથી કાચી કેરી ઉતારનારે ઉતાવળ ન કરતાં તેને પકવવા જેટલી ધીરજ રાખવી જોઈએ. ઉતાવળ, અપૂર્ણતા કે છીછરાપણું તેમને બહુ થોડું રુચે છે.

રાસસાહિત્યમાં પણ કવિ ન્હાનાલાલે બહુ કિંમતી ફાળો આપ્યો છે. ગરબા–ઘેલી ને રાસરમણે આનંદતી ગુર્જર સુન્દરીઓને તેમણે કેવા અદ્‌ભુત ને અમર રહે તેવા રાસ આપ્યા છે ! ‘મહીડાં’ ‘પૂછશો માં’ ‘રૂપલા રાતલડી’ ‘દેવનાં દાન દીધાં’ વગેરેમાં કવિએ કોઈ અનુપમ રીતે જ હૃદયના કોમળ ભાવોને સ્પર્શ્યા છે; અને વિશેષ પરિચય માટે ‘રાસકુંજ’ અને તેમાં આપેલી કવિની અભ્યાસપૂર્ણ પ્રસ્તાવના જુઓ. આજે તેમના કેટલાયે રાસ ને ઢાળ વિવિધ અનુકરણોનો વિષય બન્યા છે. પણ કવિએ આ બધું કર્યું તે પુરોગામીઓનું સાહિત્ય–ઋણ સ્વીકારીને જ.

અને કવિમાં કેટકેટલી ગુણપૂજા છે ! નરસિંહ મહેતા, મીરાં, પ્રેમાનંદ, નર્મદાશંકર, નવલરામ, દલપતરામ, ગોવર્ધનરામની અને શિવાજી જેવા ભારત–વીરોની જયંતીઓમાં તેમણે કેટકેટલી આદરભરી ગુણસ્તુતિઓ ગાઈ છે ? ‘જાય છે તેની જગા નથી પૂરાતી’ એમ માનનાર આ સહૃદય ગુણદૃષ્ટાએ કેટલાયની જયંતીઓને સાહિત્યક્ષેત્રમાં અમર બનાવી છે.

એવા આ કવિમાં સ્ત્રીજાતિ માટેનાં અનહદ માન છે, પ્રકૃતિદેવીનાં વિવિધ દર્શન છે, સંન્યાસીના ત્યાગ છે, સ્નેહીના રસભંડાર છે, તે ભક્તની મસ્ત ભક્તિ છે. વર્લ્ડ કવિ એ રાષ્ટ્રપ્રેમી ને દેશાભિમાની કવિ છે. ‘ધન્ય હો ધન્ય જ પુણ્યપ્રદેશ,’ ‘ગિરનાર’ અને તેમનાં રાષ્ટ્રભક્તિનાં અન્ય કાવ્યો આપણને તેમના આ વિશિષ્ટ લક્ષણની ખાત્રી કરાવે છે. વિશેષ માટે ‘જહાંગીર–નૂરજહાં’ કે ‘અકબરશાહ’ માં કરેલાં ગરવી ગુજરાતનાં વર્ણનોમાં કવિકલમ કેવી થનગને છે તે જુઓ એટલે આપોઆપ આ બધું સમજાશે.

અને તે ઉપરાંત કવિનાં વિવેચનો અને પ્રાસંગિક ભાષણો અવલોકો. તેમની ઐતિહાસિક, તુલનાત્મક પદ્ધતિ રસપ્રદ યુગચિત્ર રજુ કરે છે; ને તેમણે જયંતીઓનાં ભાષણોમાં આપેલા સાલવારીના આંકડા આપોઆપ જ કાળદર્શન કરાવે છે. પણ ત્હો’યે આ સાથે જણાવવું પડે કે કવિદૃષ્ટિમાં અતિશયોક્તિના આંક બહુ તેજ હાઈ કવિનું કવિત્વ તેમની વિવેચનશક્તિને આવરી લે છે, ઉધાર બાજુને ઉવેખી જમે બાજુને હદપાર નમતી બતાવે છે, ને તેથી કવિ તે વિવેચક મટી માત્ર ગુણપૂજક જ બને છે.

કવિ તે સ્વભાવે કવિ જ છે, ને તેથી તેમનું નાટ્યકારત્વ–વિવેચનની માફક જ–કવિત્વ જેટલું સફળ નથી થયું. તેઓ પ્રથમ કવિ છે, પછી નાટ્યકાર છે, ને પછી વિવેચક છે. નાટકોમાં તેઓ જીવનના ગૂઢ સવાલોને કે આત્માના કૂટ પ્રશ્નોને તત્ત્વચિંતકની, સૌન્દર્યદ્રષ્ટાની કે ભક્ત હૃદયવાળા કવિની દ્રષ્ટિથી છણે છે. ‘બાદશાહનામાં’નાં બે પ્રસિદ્ધ નાટકોની ત્વરિત પ્રસંગમાળા બાદ કરીએ તો કવિનાં અન્ય નાટકોમાં કાર્યની ગતિ બહુ મંદ હોય છે, ને સ્પષ્ટ પાત્રનિરૂપણ કે સૂક્ષ્મ પાત્રવિકાસ પણ બહુ ધ્યાન ખેંચે તેવો હોતો નથી. તેમનાં પાત્રો અપાર્થિવ ને તેમની ભૂમિકા ઉચ્ચ; સર્વત્ર સત્યનો જ વિજય ને આદર્શોનો જ પમરાટ. સંસારમાં નજરે જોઈએ છીએ તેવી વિજય પામતી દુષ્ટતાઓ કે જગતજંજાળોને વાસ્તવિક ને વ્યવહારૂ ઉકેલ જેવું બહુ થોડું જણાય. પણ આ બધું શાને હોય ? કારણકે કવિ તે કલ્પનાવિહારી છે, આદર્શોના અભિલાષી છે.

કેટલાક આધુનિક વિવેચકો કહે છે કે મહાકાવ્ય લખે તે મહાકવિ. કવિનું ‘બાદશાહનામું’ કે ‘કુરુક્ષેત્ર’ આપણી આ મહાકાવ્યની આશા પૂરશે કે ? કવિ તે આ યુગના મહાકવિ છે, પણ તેઓ સર્વકાલીન મહાકવિ ગણાય ત્યાર પહેલાં તો આપણને તેમનામાં કાલીદાસની વ્યંજના ને કલા, અને શેક્સપીઅરનું માનવહૃદયનું સૂક્ષ્મ અવલોકન ને તેનું સ્વંયવિકાસ પામતું વિવિધ પાત્રનિરૂપણ વગેરે દ્રષ્ટિગોચર થવું જોઈએ ને ?

કવિ ન્હાનાલાલને છંદોબદ્ધ રચના પણ હસ્તસિદ્ધ છે. ‘પ્રભો અંતર્યામી,’ ઉત્તરાયણ વખતનું કાવ્ય, પિતૃતર્પણ, મેઘદૂતનું ભાષાંતર અને અન્ય છૂટાછવાયાં કાવ્યો તેના સબળ પુરાવા છે, પણ તેમાંએ પાછો યતિભંગ આવે કે શ્લોકમાં માત્રામેળ છંદનું તત્ત્વ આવે. છતાં તેમની છંદોબદ્ધતા ભાવવાહી છે. તેમની ‘સંઘમિત્રા’ આનો નિર્ણય કરવામાં આપણને વધુ મદદગાર થાય છે.

ગદ્યક્ષેત્રમાં પણ કવિની કલમે કીમતી ફાળો આપ્યો છે. પછી ભલેને તે ‘ઉષા’ની નવલકથા હોય કે સરસ્વતીચંદ્ર વિષેની કાદંબરી–કથા હોય, સાહિત્યમંથન હોય કે સંસારમંથન હોય, કવીશ્વર દલપતરામની જીવનકથા હોય કે ‘સોરઠી તવારીખના થર’ ની પુસ્તિકા હોય; સર્વત્ર કવિની પદ્ધતિ તે વ્યક્તિગત રીતે જ વિશિષ્ટ છે. યુગબળોની ઓળખ, ઐતિહાસિક દૃષ્ટિ, મૌલિક ચિંતન, વિપુલ સાધનસામગ્રી, ઊર્મિલ ઉલ્લાસ અને કમનીય પદાવલી તેમના ગદ્યનાં એ સામાન્ય લક્ષણો છે. તેમાં ગુણગ્રાહિતા ને સહાનુભૂતિ છે તથા ઉદાર દૃષ્ટિ ને અનુભવબોલ છે. પણ ક્વચિત્‌ કોઈ ઉત્તુંગ કલ્પના, પ્રમાણ–ઔચિત્યની ઉણપ કે કેવળ અતિશયોક્તિ તેમના લક્ષ્યને ચૂકાવે છે, અને સત્યને ઢાંકી દે છે. એક રીતે તો તેમનું ગદ્ય પણ નિર્બંધ કાવ્ય જ બની પદ્ય સાથે સ્પર્ધા કરતું લાગે છે. યમક, વ્યુત્ક્રમ, સમતલ વાક્યખંડો અને નવીન શબ્દપ્રયોગો કવિના ગદ્યને યે અનન્ય ને અનનુકરણીય જ રાખે છે. કવિની શૈલી ગદ્યમાં કે પદ્યમાં જેમ વિલક્ષણ છે, તેમ તેમનું દર્શન (vision) પણ મૌલિક અને લાક્ષણિક છે. એ દર્શનમાં વિવિધતા ને નૂતનતા છે; તેમજ ગહનતા અને વિસ્તાર પણ છે. સંક્ષેપમાં, કવિને જેટલી સત્ત્વશાલી સાહિત્યધનની પરખ છે, તેટલી જ તેમને સાચા કવિત્વની કદર છે; અને તેથીયે વધુ તેમને સાહિત્યસેવાની તમન્ના છે.

અને હવે કવિની ભાષા માટે પણ બે બોલ કહી દઉં. ઉપર જણાવ્યું તેમ તે લલિત, સુંદર ને મનોહર છે; છતાં કહેવું જોઈએ કે ખાસ જરૂર વિના પણ ક્વચિત્‌ તે વ્યાકરણદોષથી કલુષિત થાય છે; ‘સૃજન’, ‘ચંદ્રી’ ‘પરિશુદ્ધવું’ ‘સંક્રાન્તવું’ જેવા શબ્દો તેનાં સ્પષ્ટ ઉદાહરણ છે. જરૂરિયાત વિના આવાં બંડ જગાવવાથી નવા યોજેલા શબ્દો શું અમર થશે ? પુનરુક્તિ, ને કોઈકવાર તો અર્થહીન પુનરુક્તિ એ પણ કવિભાષાની અન્ય ખામી છે. આવી પુનરુક્તિને કારણે એક વખત એમ પણ કહેવાતું કે કવિએ ‘બ્રહ્મ’ શબ્દને બજારૂ ચીજ બનાવી દીધી છે. વિશેષમાં, કેટલીક કૃતિઓમાં અપ્રચલિત સંસ્કૃત કે ફારસી શબ્દોનો અતિરેક વાચકને કંટાળો ઉપજાવે છે; કારણ કે તે માટે નથી હોતી સમજુતી કે ન મળે નોંધ. કોઈક વખત તે અર્થની ક્લિષ્ટતા કે ભાવની અસ્પષ્ટતા પણ તેમની કવિત્વશક્તિમાં ઉણપ લાવે છે.

હૈયે જીવંતા કાવ્યસાહિત્ય અવલોકતાં જણાવવું પડે કે કવિ ન્હાનાલાલ તે અર્વાચીનયુગમાં શિષ્ટવર્ગના પ્રતિભાશાળી મહાન કવિ છે, આધુનિક કવિઓના અગ્રણી છે. તેમનું કવિત્વ પ્રતિભાવંતું છે, ને તેમનું સર્જનક્ષેત્ર વિશાળ છે. સમૃદ્ધ સાહિત્યસંસ્થા હોય તેમ દરવર્ષે તેઓ અવનવા રસાળ ગ્રંથો ગુજરાતી શિષ્ટવર્ગને પિરસે છે; અને તેથી ગુર્જરસાહિત્યને વિશેષ ગૌરવવંતું બનાવે છે.

કવિની કૃતિઓની આટલી સમીક્ષા પછી કવિને હવે આપણે મનુષ્યભાવે નીરખીએ. કવિ સ્વભાવે નીડર છે, તેવા જ નિખાલસ છે; માની છે પણ માયાળુ છે; ને તેથી જ તેમનાં ભાવભીનાં આતિથ્ય મે’માનોની મુક્તકંઠે પ્રશંસા પામ્યાં છે. તેમનામાં ઉત્સાહ ને સેવાભાવના છે, પણ તે આવેશથી રંગાઈ જાય તેવાં. તેઓ જો રીઝે તો માથું આપે, ને ખીઝે તો કટ્ટર વિરોધી બને, કારણકે કવિસ્વભાવ સ્નેહમાં તેમજ વિરોધમાં બહુ તીવ્ર છે. તેથી જ એ તીવ્ર આવેશમાં અસહિષ્ણુતા તેના સુર પુરાવી કવિહૃદયની ઉદારતા ઉપર વિજય મેળવે છે, ને તેમને મિત્રોમાં ને સમાજમાં ક્વચિત્ અપ્રિય બનાવે છે. તેથી જ કરીને કવિએ કેટકેટલા કલહ કર્યા ને કેટલાયના ગાઢ સ્નેહસંબંધ જતા કર્યા. નીડરતા, આવેશ ને અસહિષ્ણુતાને લીધે કેટલાયને કવિ ન્હાનાલાલ મનુષ્ય તરીકે બહુ પ્રાકૃત લાગે છે, પણ ન્યાયની ખાતર જણાવવું જોઈએ કે કવિ તે કવિત્વના ઉચ્ચ મેરુ શિખરે વિરાજેલા હોઈ મનુષ્ય તરીકે છેક તળેટીએ ઉભેલા દેખાય છે. આ લાક્ષણિક સ્વભાવને લીધે તે કવિને પણ ઓછું શોષવું પડ્યું નથી ! નહિ તો તેમણે અસહકારના વખતમાં દેશદાઝે પ્રેરાઈને કરેલો નોકરીનો ત્યાગ, તેમના સુવર્ણ મહોત્સવના પ્રસંગો, ને તેમનો સાહિત્ય પરિષદ સાથેનો અસહકાર આમ આજે આપણે માટે દુઃખભર્યાં સ્મરણના જ વિષયો ના બને. કોઈક અધન્ય પળે ગાંધીજી સાથે તેમને ખડાખાષ્ટાં થયાં, ને ત્યારથી કવિનું જાહેર જીવન વણખીલ્યું જ રહ્યું. પણ ગુજરાતને તેથી લાભ જ થયો છે. આ પ્રતિકૂળ સંયોગોએ જ કવિની કવિત્વશક્તિને એકાગ્ર કરી ને તેને પૂરબહારમાં પ્રફુલ્લાવી. સાચા હૃદયના આ કવિની જાહેર, સામાજિક કે રાજકીય સેવાઓ દેખાઈ ના દેખાઈ ને અદીઠ બની. એક સૂચના કરી લઉં ? નિષ્પક્ષપાત રીતે બંને પક્ષનું સાંભળી શુદ્ધ ન્યાય આપી કવિને સંતોષી કે અદ્ભુત પ્રેમબળે તેમને જીતી લેઈ વિદ્યાપીઠ ને સાહિત્યપરિષદ સાથેનાં કવિનાં રૂસણાં છોડાવનાર આખા ગુજરાતમાં કોઈ પણ નહિ હોય ? મહાત્માજી પણ તેમને ના અપનાવી શકે ? સંયોગો જોતાં માત્ર આટલી સૂચનાથી જ સંતોષ માનવો રહ્યો.

કવિ માટે હજુ પણ એક વસ્તુ બાકી રહી જાય છે. તેઓ લોકજીવનને સ્પર્શે છે અથવા દૂરથી સહાનુભૂતિની નજરે નિહાળે છે; પણ તેમાં લીન થતા ના કહી શકાય. કવિ, તે પહેલાં કહ્યું તેમ, મુખ્યત્વે શિષ્ટ વર્ગના જ કવિ છે. કવિ દલપતરામનું ‘ક. દ. ડા.’ તરીકે લોકજીવનમાં ગામડે ગામડે જેવું સ્થાન હતું, તેનું આજે કવિ ન્હાનાલાલનું કહી શકાય ? સરકારી બાળપોથી ને વાચનમાળાનાં અન્ય પુસ્તકોમાં કવિના નામનિર્દેશ સાથેની અથવા વગરની તેમની કવિતાઓ એકંદરે તો ગામડાંમાં ઠીક ઠીક શ્રવણગોચર થાય છે, ને તેટલે અંશે બાળસાહિત્યમાં ને લોકજીવનમાં યે કવિનું સ્થાન છે. પણ તેમના પિતા જેટલું તે ચિરકાલીન ને લોકપ્રિય નિવડશે ખરૂં ? આશા છે કે નીડર ને નિખાલસ કવિ આ નીડરતા ને નિખાલસતાની કદર કરશે.

આ બધાં વિશિષ્ટ લક્ષણવાળા કવિ ન્હાનાલાલ અભિમાનીને ત્રાડ દે છે, વિરાધીને પછાડે છે, ને શિષ્ય જેવા નાનેરાઓને સાથ આપે છે, દોરે છે, વખાણે છે. કવિસ્વભાવની પારાશીશીમાં ક્ષુદ્ર તે મહાન દેખાય છે, ને અણુ તે મેરુશિખર બને છે. તેથી સત્ય હકીકતો પણ રાગદ્વેષની રજથી ઢંકાયેલી રહી અપૂર્ણ દેખાય છે. માનીતાની મોટાઈ વધારવાની અને વિરોધીઓની લઘુતા સાધવાની પ્રબળ ઇચ્છા તેમની મહાનુભાવતાને પણ મ્હાત કરી તેમના શબ્દ–દેહે ગાયેલા આર્ય આદર્શોને કવિજીવનમાં વ્યક્ત થતા રોકે છે. જો તેમના પાર્થિવ સ્વભાવમાં તેમનાં પાત્રોની અપાર્થિવતા ભળે, આ દેહે તેમણે કરેલી ભાવનાઓને પરિમળ તેઓ સગાં, સ્નેહીઓ અને સમાજમાં ફેલાવે, તેઓ રાગદ્વેષથી પર થઈ સત્યના પૂજારી બને, સદ્ભાવથી વિરોધીઓ સાથે કામ લે, અને અભિમાન વિના પ્રશંસકો સાથે સમભાવ કેળવે, તો ગુજરાત નહિ જોયેલો કવિ જુએ, સાહિત્યને સમર્થ સાહિત્યસ્રષ્ટા મળે, રાષ્ટ્રને એક પ્રેરક ભક્ત મળે, ને તેમની આર્યસંસ્કૃતિનો સંદેશ ઘેરેઘેર ઝીલાય. તો જ તેમની કાવ્યચંદ્રિકા દરેક સહૃદય વાચકને આહ્‌લાદ આપે. કવિવર મહાગુજરાતની આ અભિલાષા ક્યારે પૂરી પાડશે ? સાહિત્યમાં ‘કુરુક્ષેત્ર’ સર્જતા આ કોડીલા કવિ જીવનનું કુરુક્ષેત્ર ક્યારે મિટાવશે ?

પણ આ ‘જો ને તો’ની કલ્પનાને બાજુએ મૂકીને વિચારીએ તોપણ જણાશે કે કવિ ન્હાનાલાલ એ અર્વાચીન યુગના મહાન સાહિત્યસરજનહાર છે, ને ભવ્ય આમ્રવૃક્ષ જેટલા મનોહર અને મધુર છે. કાણાને કાણો કહેવાની તેમની ઝનુની નીડરતાને લીધે ભલે તેમનાં મૂલ્ય આજે લોકદૃષ્ટિએ ઓછાં અંકાય; આવતી કાલે તો તેમની સુયોગ્ય કદર જ થશે. વિશ્વનિયંતા તેમની સહજ બુદ્ધિને અને ઉચ્ચ કવિત્વશક્તિને વરેણ્ય ભર્ગના ફુવારાથી વધુ નિર્મળ અને વધુ પવિત્ર બનાવે ! આવી ઉન્નત અભિલાષા સેવતી બૃહદ્ ગુજરાતની સાહિત્યજનતાનાં આ જ્ઞાને અને વયે વૃદ્ધ થયેલા યુગકવિને અનેકગણાં આદરભર્યાં વંદન હો !