લખાણ પર જાઓ

સાહિત્યને ઓવારેથી/દી. બ. કેશવલાલ ધ્રુવ

વિકિસ્રોતમાંથી
સાહિત્યને ઓવારેથી
દી. બ. કેશવલાલ ધ્રુવ
શંકરલાલ શાસ્ત્રી
પ્રિન્સિપાલ આનંદશંકર ધ્રુવ →



સાહિત્યને ઓવારેથી
ખંડ : ૧ લો
અવલોકનો
દી. બ. કેશવલાલ ધ્રુવ

અર્ધી સદીના તપ પછી વૃદ્ધ છતાંયે યુવા, અમિત્ર ને અજાતશત્રુ સરખા પેલા આપણા કેશવલાલભાઈ. સાહિત્યદેવને ધ્રુવની અટલ સ્થિરતાથી સેવતાં સેવતાં તેમણે કૈં કૈં જોયું અને અનુભવ્યું. ડૉ. ભંડારકર ગુરુનો વિદ્વત્તાયુગ જોયો; કવિ નર્મદાશંકરના સાહિત્યયુગનાં તેજ ઝીલ્યાં; નર્મદ–દલપતના કજીયા દીઠા, ગોવર્ધનરામનાં સાહિત્યનીર પીધાં; ‘જ્ઞાનસુધા’ અને ‘સુદર્શન’ ની સાઠમારી દીઠી; નરસિંહરાવ તથા બળવંતરાય ઠાકોરના કાવ્યખંડોના સરવાળા–બાદબાકી જોયાં, અને કવિ ન્હાનાલાલનાં પિંગળ–બંડ નીરખ્યાં. ગોવર્ધનયુગ આવ્યો અને ગયો. નરસિંહરાવયુગની ઉષા પ્રગટી અને વિલીન થઈ તેમણે ‘કાન્ત’ની કાન્તિ જોઈ, ન્હાનાલાલનું યુગાધિપત્ય જોયું, મુનશીનો મધ્યાહ્ન દીઠો, અને ત્યાર પછી તો કેટકેટલા સાહિત્ય–સિતારા તેમણે ઉગતા અને આથમતા નિહાળ્યા. અને ત્હોયે તેઓ ‘નિર્જન અરણ્યના શિવાલય સમા’ એકાન્તની ગંભીરતામાં મૂકભાવે સાહિત્યદેવની ઉપાસના કરતા આજે પણ તેવાજ ધ્યાનનિષ્ઠ રહ્યા છે. અધ્યાપક ધ્રુવ સાહિત્યના ઊંચા વ્યાસપીઠ ઉપરથી સારીયે સાહિત્યઆલમને આકર્ષે છે. તેમની વિદ્વત્તાનાં નીર ઊંડાં અને ઘેરાં છે, પણ તે સામાન્ય જનો માટે અપ્રાપ્ય; ને તેથીજ તેઓ કદી જનતાને આકર્ષી શક્યા નહિ, કે પોતાનો યુગ સરજાવી શક્યા નહિ. પદ્મનાભે અને ભાલણે તેમનાં દ્વાર ઠોક્યાં, અને ધ્રુવે તેમને આગમન દીધાં. કાલિદાસ, વિશાખદત્ત અને જયદેવનું તેમણે શરણ શોધ્યું, અને તેમની પ્રાચીન કીર્તિને વધુ ઉજાળી. તેઓ ધૂળમાંથી સોનું શોધે છે. તેમને પત્થરમાંથી પારસમણિ જડે છે. ગાંધીને ઘેર જવા નિર્માણ થયેલાં કાગળિયામાંથી, શુક્રવારી માટે ફેરીઆના હાથમાં જઈ પડેલી ચોપડીઓમાંથી, ને ઉધઈથી ખવાતા, અંધારી એારડીઓમાં જાળાંથી ઢંકાયેલા ચોપડાઓમાંથી તેઓ મહામૂલ્યવાન ને પ્રાણવાન સાહિત્ય સરજાવે છે, અને સાહિત્યદેવના ઝળહળતા દીવાઓમાં કેટલાયનો ઉમેરો કરે છે.

કેશવલાલભાઈએ સાહિત્ય પાછળ જ ભેખ લીધો; અને સાહિત્યના આ પરમભક્તે કાવ્યને ઉજાળ્યું, ભાષાશાસ્ત્રનાં ગર્ભધાર દીઠાં, અને છંદઃશાસ્ત્રને આવરી લીધું. સંસ્કૃત, અંગ્રેજી ને ગુજરાતી: એ ત્રણેયના કાવ્યપ્રવાહોનો તેમણે પોતાનામાં ત્રિવેણી સંગમ કરાવી જનતાને કૈં અવનવું આપ્યું. તેમણે વેદને જોયા, પણ તે ગુજરાતી છંદોનો વિકાસ જાણવા; તેમણે પ્રાકૃત, મરાઠી અને હિંદીને પિછાની, પણ તે ગુજરાતી સાહિત્યનાં તુલનાત્મક મૂલ્ય આંકવા; તેમણે કૌમુદી અને અષ્ટાધ્યાયી નીરખી પણ તે ગુજરાતી વ્યાકરણને વધુ વિશુદ્ધ કરવા; તેમણે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું પ્રમુખપદ સ્વીકાર્યું, તે ગુજરાતી સાહિત્યની પ્રવૃત્તિને વિકસાવવા; અને તેઓ અમદાવાદની ‘સાહિત્ય સભા’ના પ્રમુખ બન્યા, તે અમદાવાદને વધુ સાહિત્યરસિક બનાવવા.

અને સાહિત્યસેવા માટે તેમણે કેટલી બધી એકાગ્રતા દાખવી ? અંગ્રેજી કવિ મૅથ્યુ ઍરનોલ્ડે ગાયું છે તેમ એક જ ધ્યેય સેવતા એ શારદાના પટ્ટશિષ્યે રાજકારણને બાજુએ મૂક્યું, સમાજસેવા તરફ આંખ મીંચી, ધર્મસેવા તરફ પીઠ કરી, અને માત્ર ૐ नमः साहित्यदेवाय –એવો જ રાતદિવસ જાપ જપ્યો. રાષ્ટ્રીય ચળવળથી તેમનું હૈયું સ્પષ્ટ રીતે ડોલતું નથી,– જો કે તેમાં તેમની હૃદયથી સહાનુભૂતિ ઘણી છે;– અને સમાજના બંડથી તેમનું ધ્યાન વિભક્ત થતું નથી;–જો કે તેમના સામાજિક વિચારો ઘણા વિશાળ ને ઉન્નત છે;–રેલ હો કે દુકાળ હો, હિમ હો કે તીડ હો, સુરાજ્યવ્યવસ્થા હો કે અંધાધુંધી હો; ગમે તે હો. ત્હોયે તેમને મન તો સાહિત્યદેવની ઉપાસના એ જ મોક્ષનું પરમ સાધન.

કેશવલાલભાઇમાં સમભાવ છે, પણ તેમની અગાધ વિદ્વત્તાને લીધે મતભેદની સહિષ્ણુતા તેના પ્રમાણમાં થોડી લાગે. તેમનામાં ઉત્સાહ છે, પણ કલહની કાયરતા છે; વિવેચના અને ટીકાની શક્તિઓ છે, પણ છતાંયે તેમને ટીકાકારની જાહેર જોખમદારીઓ નથી વહોરવી. એકલા ને અટુલા રહીને સાહિત્યનાં તિલક કરતાં તેમનાં સિત્તેર સિત્તેર વર્ષો વહ્યાં, અને સર્વ અંગો શિથિલ થયાં, તોપણ તેમનું એક જ ધ્યેય. તેમને મન તો સાહિત્ય એ જ પરમ દૈવત છે, ને શબ્દબ્રહ્મ એ જ સાચું બ્રહ્મ છે. તેમને સત્ય પ્રિય છે, પણ સમાજ વધુ પ્રિય છે. મર્હુમ સર રમણભાઈ અને દી. બ. નર્મદાશંકર મહેતાના સંસ્કૃતિયુગનો પડઘો પાડતા હોય તેમ તેઓ લોકમતની વિરુદ્ધ જઈ પોતાનો સત્ય મત રજૂ કરતાં બહુ બહુ વિચાર કરે; અને વ્યક્તિગત વિરોધ પણ તેમને બહુજ થોડો ગમે. તેમને સાહિત્યમાં કંઈક નવીન ને અદ્ભુત સમૃદ્ધિ જોઈએ છે, પણ તે તેમના મનગમતા માર્ગે જ.

તેમનામાં પ્રણાલિકાભંગ છે અને નથી. તેમના જીવનક્રમને ક્રાન્તિકારી તત્ત્વો બહુ ઓછાં રુચે; હૃદયથી તે નિભાવી લે, પણ આચારથી તે વિકસાવવા તો ભાગ્યે જ તૈયાર હોય. પણ ત્હોયે કહેવું પડે કે તેમણે સાહિત્યક્ષેત્રના સંશોધનકાર્યમાં પ્રાચીન વિદ્વાનોની પ્રણાલિકાનો ભંગ કરી પાશ્ચાત્ય પંડિતોની તલસ્પર્શી અને નવીન પ્રથા સ્વીકારી છે.

કોઈનીએ અપ્રસન્નતા તેમને ગમતી નથી. તેમનામાં મુત્સદ્દીગીરી છે, પણ તે શાંત અને સૂઈ રહે તેવી. મ્યાનમાં રહેલી તલવારની માફક તેમની શક્તિઓ કોઇનોયે વિરોધ નથી કરતી. તેમને શત્રુ નથી, મિત્ર નથી; પક્ષ નથી, મંડળ નથી; શિષ્ય નથી કે અનુયાયી નથી; ને તેથી જ તેમને સાહિત્ય જગતમાં બહુ થોડા જ વિરોધીઓ છે. સત્ય પ્રિય ખરૂં, પણ મિઠાશ વધુ પ્રિય છે; ને તેથી જ તેઓ પોતાનાં મંતવ્યો જાહેરમાં પ્રગટ કરતાં કવચિત્‌ પાછી પાની કરે. ગમે તેમ પણ તેમના આ લાક્ષણિક સ્વભાવને લીધે તેઓ અનેક સાથે લડેલા આખડેલા આપણાં કવિ ન્હાનાલાલના પણ પૂજ્ય અને પ્રીતિપાત્ર છે.

કેશવલાલભાઈ એટલે વિશાળ દૃષ્ટિબિંદુવાળી સૂક્ષ્મ અને તલસ્પર્શી વિદ્વત્તા. તેમની વિદ્વત્તા કેવળ પ્રાંતિક અભિમાનથી જકડાયલી ન રહેતા ભારતવર્ષના પ્રાંતેપ્રાંતની તથા યુરોપના દેશોની વિદ્વત્તા સાથે પરિચય સાધે છે, અને તેના ગુણવગુણ શોધે છે. બીજું એ, કે તે વિદ્વત્તા સૂક્ષ્મ હોઈને બહુ ચોકસાઈવાળી પણ છે. કેશવલાલભાઈ જયારે ગુ. વ. સોસાયટી તરફથી કોષનું કામ કરતા, ત્યારે ફારસી, અરબી અને ઉર્દૂ શબ્દોના ચોક્કસ જ્ઞાન માટે વૃદ્ધાવસ્થામાં પણ બાળકના જેટલી ઉત્સુકતાથી અને તરુણના જેટલા ઉત્સાહથી તેઓ મોલ્વીને મિત્ર બનાવી તેમની પાસે કૈં કૈં શીખી લેતા. વિશેષમાં તેમની વિદ્વત્તા તલસ્પર્શી હોઈને કવિના જીવન તથા કવનનું હાર્દ સમજવા માટે પ્રસ્તૃત કવિના પુરોગામી કે અનુયાયી કવિઓનો પણ અભ્યાસ કરવાનું તેઓ ચૂકતા નથી; એટલું જ નહિ, પણ આ સિદ્ધાંતને પોતાનાં ભાષાંતરોની પ્રસ્તાવનાના સંશોધનકાર્યમાં તેમણે એક અટલ ને અચળ નિયમ બનાવ્યો છે; અને તેથી જ તેમની આ પ્રસ્તાવનાઓ તેમની વિદ્વત્તાનાં તેજે રંગાઈ અનેક વાચકોને આંજી દે છે.

તેમની એ વિદ્વત્તામાં ઇતિહાસની દૃષ્ટિ છે, ને વ્યવહારની ઝાંખી પણ છે. અનેક કવિઓનો સમય નક્કી કરવામાં તેમણે ભારતના તત્કાલીન ઇતિહાસને જરાયે ઉવેખ્યો નથી. તેમની વ્યવહારદૃષ્ટિનું પણ એક ઉદાહરણ આપી તેને મૂર્ત બનાવું ? અધ્યાપક ધ્રુવને તેમના એક ગુજરાતી ભાષાંતરમાં અધમ પાત્રોની ભાષા તરીકે અંત્યજોની વાણી વાપરવી હતી. તે માટે પોતે લખેલી ભાષા ગમે તેટલી સારી હોય પણ સ્વાભાવિક ન બને એ શંકાથી તેમણે એક અંત્યજ શિક્ષકને બોલાવી તેની પાસે પોતાને જોઈતી ભાષાની સ્વાભાવિકતા (naturalness) લાવવા પ્રયત્ન કર્યો.

કેશવલાલભાઇની વિદ્વત્તા બહુધા વિચરે, પણ વધારે ભાગે તો અર્વાચીન કરતાં પ્રાચીન સાહિત્ય તરફ વધુ નજર રાખે તેવી ખરી. તેમની વિદ્વત્તામાં પુરાતત્ત્વના રજકણો છે. તેથી કોઈક વખત તો એમજ લાગે કે સંશોધન એ તેમની વિદ્વત્તાનો અર્ક હશે; તે કવચિત્‌ એમ લાગે કે રસિકતા–રસાનુસારી ભાષાંતરોને લીધે–તે જ તેમના જીવનનું રહસ્ય હશે. તેમને તો શબ્દબ્રહ્મ એજ સાચું બ્રહ્મ હોઈ તીર્થયાત્રાની પણ બહુ ઈચ્છા થતી નથી. કદાચ જો તેઓ તીર્થયાત્રાએ જાય તોપણ મૂર્તિપૂજા કરતાં પણ તેમની નજર તો તાડપત્રો, શિલાલેખો, પ્રાચીન ઇતિહાસ કે લોકજીવન તરફ જ હોય.

અધ્યયનની આવી એકાગ્રતાએ કેશવલાલભાઈને ઉપર જણાવ્યું તેમ અનેક લાલચોમાંથી બચાવી લીધા. તેઓ અધ્યાપનકાર્ય માટે કચ્છના મહારાવના મમતાભર્યા આમંત્રણને વશ થઈ કચ્છ–ભુજ ગયા, પણ આ અધ્યાપક તે નિરંતર અધ્યાપક જ રહ્યા; અને કદીયે તેમણે શિક્ષકવૃત્તિને સાધન બનાવી રાજતંત્રના હોદ્દેદાર બનવા અન્યની માફક ઈચ્છા સરખી પણ ના કરી. આ જ ધેયથી પ્રેરાઈ તેમણે સુપાત્ર શ્રોતાવર્ગ મેળવવા લોકમતની પણ વિરુદ્ધ જઈને ઉગ્ર અસહકારના સમયમાં, સને ૧૯૨૧–૨૨ માં, ગુજરાત કોલેજમાં ગુજરાતીના પ્રોફેસરની પદવી સ્વીકારી. ઘણાને આમાં દેશદ્રોહની ગંધ આવી; પણ સરસ્વતી વિના બીજા બધાને ઉવેખનાર કેશવલાલભાઈ પોતાની દૃષ્ટિએ અધ્યાપન માટે મળેલી આ અણમોલ તક કાંઈ ગુમાવે ખરા ? તેવીજ નિમણુંક એલ્ફિન્સ્ટન કોલેજમાં સ્વ. નરસિંહરાવભાઈની પણ થયેલી. અંતે જ્યારે ‘નવજીવન’ના પાને આ બંને સાક્ષરોની શુભ નિશાની મહાત્માજીએ ખાતરી આપી ત્યારે જ તેમની વિરુદ્ધનો લોકમત કંઈક શાંત પડ્યો.

અધ્યાપક ધ્રુવમાં જેવી અભ્યાસની એકાગ્રતા છે, તેવી જ કલહની કાયરતા છે. પહેલાં કહ્યું છે તેમ કોઈની ખફગી કે અપ્રસન્નતા વહોરવી તેમને ગમતી નથી ને તેથી જ આજે પણ પ્રાચીન વિષય ઉપર ‘પ્રેમાભાઈ હૉલ’માં જાહેર ભાષણો આપનાર કેશવલાલભાઈએ વૃદ્ધાવસ્થાના નિમિત્તે સને ૧૯૦૩ માં ગુજરાત કૉલેજની ડીબેટીંગ સેસાયટી તરફથી ગોઠવાયેલા ‘કવિ ન્હાનાલાલનાં કાવ્યો’ ઉપરના ભાષણનું પ્રમુખપદ વિદ્યાર્થીઓની નમ્ર વિનંતિઓ છતાં નહોતું સ્વીકાર્યું, અને તેમને નિરાશ કર્યા હતા. સુયોગ્ય પ્રમુખ મળવાને અભાવે ભાષણ અગાઉથી જાહેર કરાયેલું હોવા છતાં પડતું મૂકવું પડે તેવી સ્થિતિ આવી. અંતે ઉત્સાહી વિદ્યાર્થીઓએ અન્ય કોઈના અભાવે એક ફેલોને તે પ્રમુખપદ આપી પોતાનું કામ આટોપ્યું.

વિદ્યાર્થીઓ સાથેને કેશવલાલભાઈનો વ્યક્તિગત સંબંધ બહુ મમતાભર્યો હોય છે; પણ છતાંયે તેમની સાથેનો આ અધ્યાપકનો સામુદાયિક સહકાર થોડો હાવાથી વિદ્યાર્થીગણને તેમની વિદ્વત્તાનાં તેજ બહુધા દુઃસહ લાગે છે. ઠોઠ કે બેદરકાર વિદ્યાર્થી તો કેશવલાલભાઈને પોતાની મુશ્કેલીઓ પૂછવાની પણ હિંમત ના કરે; કારણ કે તેને પોતાની બુદ્ધિનું પ્રદર્શન થવાની બીક લાગતી હોય ! ગમે તે કારણો હોય પણ આમવર્ગમાં અધ્યાપક રામનારાયણભાઈને સત્કારનાર વિદ્યાર્થીઆલમ ને યુવકવર્ગ કેશવલાલભાઈને સાહિત્યની ઉમરાવશાહીના ઊંચા આસન ઉપર જ બેઠેલા માને છે.

કવિ પ્રેમાનંદ ઉપરનો અધ્યાપક ધ્રુવનો અભ્યાસ બહુ જ અગાધ છે. સૂક્ષ્મ સંશોધનદૃષ્ટિ, સચોટ સર્વગ્રાહી નજર, તુલનાત્મક પદ્ધતિ અને પદ્યબંધની કસોટીથી તેઓ અણખેડ્યા પ્રદેશોમાં ભમી જાદુગરની માફક અવનવી ને ચમત્કારભરેલી વસ્તુઓ આપણી આગળ ખડી કરે છે. સર્વત્ર તેમનું છેલ્લું સાધન—ઐતિહાસિક દૃષ્ટિથી પણ પર–તેમની પાબંધ કસોટી (metrical test) છે. પદ્યજ્ઞાન એ તેમનો જાદુઈ રાજદંડ છે; ને તેનેજ આધારે તેઓ ત્રણ ત્રણ પ્રેમાનંદોની સૂચના કરે છે. સામાન્ય જનતા વિચારમૂઢ બની આ મંતવ્યોને હસી કાઢે છે. પણ કોઈ તેમની દલીલોના રદીઆ નથી આપતું—આપી શકતું. ધ્રુવ સાહેબ તેમનાં મંતવ્યોમાં બહુજ ઉદાર હોય છે, ને વાજબી દલીલો તો પ્રતિપક્ષીને મોંઢેથીય સાંભળવા હંમેશાં ઉત્સુક હોય છે. પ્રેમાનંદને પણ તેઓ અનૈતિહાસિક રીતે ખોટો યશ આપવા તૈયાર નથી જ હોતા. પ્રેમાનંદ તેમનો માનીતો કવિ છે, છતાંય તેઓ તેના અવગુણો તરફ આંખ મીંચતા નથી. પદ્યરચનાઓમાં ને પ્રેમાનંદના કવિજીવનમાં કાળબળે નવું જ્ઞાન ઊપજતાં તેમણે પોતાની માન્યતાઓ બેધડક ફેરવી છે, તે પહેલાંની ત્રુટીઓ કબૂલ કરી છે. એક એક શબ્દની વ્યુત્પત્તિ પાછળ કલાકના કલાક કે દિવસોના દિવસ ગાળનાર આ સાક્ષરવર્યની ધીરજ કદીયે ખૂટતી નથી, ને ઉત્સાહ ઓસરતો નથી. ગુજરાત અને ગુજરાત બહાર પણ ગુજરાતી ભાષામાં આપણને વનવેલી (blank verse)ના પ્રયોગ કરી બતાવનાર અધ્યાપક ધ્રુવના જેવો સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી ને અંગ્રેજી પદ્યરચનાનો તુલનામક ને તલસ્પર્શી અભ્યાસ બહુ થોડાનો જ હશે.

અમલદાર પિતાના આ વિદ્યોપાસક પુત્રે મહેસૂલી અમલદારીના કોડ અનુકૂલ સંયોગો છતાં યે જતા કર્યા અને આખું જીવન સરસ્વતીને સમર્પ્યું. મુદ્રારાક્ષસની અંગ્રેજી આવૃત્તિથી તેમણે મહારાષ્ટ્રમાં પણ પોતાની વિદ્વત્તાની નોબત વગડાવી, ને સંશોધનના લેખોથી યુરોપના સંસ્કૃતપ્રિય દેશોમાં પોતાની કીર્તિ સ્થાપી. તેમનામાં સાહિત્યસેવાની અનેકગણી શક્તિઓ છે, અગાધ અને અમેય જ્ઞાન છે, પણ છતાંયે તેમના કેટલાક લાક્ષણિક ગુણોને લીધે તેમણે સામુદાયિક સાહિત્યસેવા બહુ જ થોડી કરી. વર્ષો થયાં પ્રમુખ છે, છતાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી જેવી સદ્ધર સંસ્થાને તેઓ ખૂબ લોકોપકારક અને લોકપ્રિય ભાગ્યે જ બનાવી શક્યા; કેટલાંય વર્ષો વિદ્યાદાતા ગુરુ તરીકે ગાળ્યાં, છતાં વિદ્યાર્થી સંઘનો સાહિત્યશોખ તેઓ વિશેષ કેળવી શક્યા નહિ; અને સાહિત્ય પાછળ આખું જીવન નીચોવી નાખ્યું, છતાં ગુજરાતની સાહિત્યશક્તિને ઉન્નત અને ઓજસભરી બનાવી ભારત વર્ષના અન્ય પ્રાંતોને ગુજરાત તરફ અતિશય આકર્ષી શક્યા નહિ. આ બધું કદાચ તેમની શરમાળ શક્તિઓને અનુકૂળ નહિ હોય ! આ અપ્રિય પણ નિખાલસ વચન માટે ધ્રુવ સાહેબની મને વણમાગી ક્ષમા મળી જશે એવી હું શ્રદ્ધા રાખું છું.

અંતમાં, આ વયોવૃદ્ધ સાક્ષરવર્ય તેમના અભિમત માર્ગે હાલ પણ અખંડ ઉત્સાહથી કાર્ય કરી રહ્યા છે. હજી તેમને ભાલણની કાદંબરીનો ઉત્તરાર્ધ આપવો છે, ભાસના નાટકને હજુ ગુજરાતીમાં અવતારવું છે, અને પ્રેમાનંદને નામે ચઢેલી પેલી નાટકત્રયીનું સંશોધનાત્મક સંપાદનનું કાર્ય હાથમાં લેઈ તેનું કર્તૃત્વ નક્કી કરવું છે.[] આજે પણ તેમની ‘પોસ્ટ–ગ્રેજ્યુએટ સ્ટડીઝ’ની પ્રિય યોજનાનાં તેમને સ્પષ્ટ અને સુરેખ સ્વપ્ન આવે છે. અમદાવાદના ‘સાહિત્યના પંચદેવ’ પૈકીના આ એક દેવ અનેકના વૃદ્ધ તેમજ તરુણોના–આદરપાત્ર છે, અને સ્નેહવશ થઈ તેઓ ‘પ્રેમાભાઈ હોલ’ના વ્યાસપીઠ ઉપરથી વૃદ્ધાવસ્થામાંયે જોરદાર વાણી વહેવરાવે છે. અમદાવાદમાં ભરાયેલા સાહિત્ય પરિષદ સંમેલનમાં મહાત્માજીના પ્રમુખપદ માટેની દરખાસ્ત મૂકીને તેમણે અમદાવાદની સાહિત્યરસિક જનતાનું પ્રતિનિધિત્વ સાચવ્યું હતું, પણ આવું સામુદાયિક કાર્ય તેઓ ભારે સંકોચ અને શરમથી જ કરતા લાગે છે. બહુધા તો તેમનું કાર્ય વૈયક્તિકને વિદ્વદ્‌ભોગ્ય છે; લોકભોગ્ય કે સામુદાયિક બહુજ થોડું. કેશવલાલભાઈ આમ બહુ બહુ કરવાના કોડ ધરાવે છે, અને ભૂતકાળમાં પણ તેમણે અનેકવિધ કર્યું. યુનિવર્સિટી તરફથી તેમણે આપેલાં ભાષાશાસ્ત્રવિષયક ભાષણો પણ એવી તો પ્રચંડ વિદ્વત્તાથી ભરપુર છે કે પૃથગ્‌ જન તો બિચારો પછાડ જ ખાય ! પણ આ બધામાં તેમનો દોષ કેમ કઢાય ? વિદ્વત્તા કે સાહિત્યસેવા એ કાંઈ કારખાનાનાં બીબાં ના બની શકે. નાનેરાઓને તેઓ સાથ આપે છે, પણ તેને સ્વાશ્રયી બનાવે તેવો. કોઈ સમર્થ ને અધ્યયનશીલ યુવક પણ તેમની વિદ્વતાનાં ઉત્તુંગ મોજાનાં પ્રહાર ખાઈ પાછો પડે, પણ તેમાં કોનો વાંક ? અર્ધી સદીનાં તપ કરી વિદ્યાદેવીનાં વર્ચસ્‌ નિરખનાર એ પરમભક્તને સમજવા તે કેટલું દુર્ઘટ કામ ? અને છેવટે તેમની ઉજ્જવળ ને અગાધ સાહિત્ય સેવા માટે તેમની જનસમાજને જણાતી મર્યાદાઓ તરફ ધ્યાન ન આપતાં સરસ્વતીના એ કોડીલા અને સેવાપરાયણ ભક્તને આપણે નમ્ર અને આદરભરી અનેકાનેક અંજલિઓ આપીએ ![]

  1. ❋ આ ત્રણ નાટકોમાંથી ‘રોષદર્શિકાસત્યભામાખ્યાન’નું સંપાદન અને વિવેચન તો તેઓ પોતે કરતા ગયા છે. —કર્તા (બીજી આવૃત્તિ)
  2. ❋ આ નવી આવૃત્તિમાં કેશવલાલભાઈના દુઃખદ અવસાનની સખેદ નોંધ લેવામાં આવે છે.–કર્તા