સાહિત્યને ઓવારેથી/વર્તમાન ગુજરાતને કવિ નર્મદનો વારસો

વિકિસ્રોતમાંથી
← નરસૈયો : સાહિત્ય અને સંશોધનની નજરે સાહિત્યને ઓવારેથી
વર્તમાન ગુજરાતને કવિ નર્મદનો વારસો
શંકરલાલ શાસ્ત્રી
છોટમ : એક ઉપેક્ષિત ભક્તકવિ →


વર્તમાન ગુજરાતને કવિ નર્મદનો વારસો

“હરિકૃપાથી મમ લેખચિત્રથી, જીવતો છઉં દમથી;
વીર સત્ય ને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી.”

×××

“કુદરત વાડી સારી ઘણી, તન ગાડી બે ઘોડા તણી;
કવિતા લાડી નર્મદરાજ, ખરી મોજ તે કરતો આજ.
કોઈ હોયે હાલે મસ્ત, કોઈ હોયે મા’લે મસ્ત.
કોઈ હોયે ઈશ્કે મસ્ત, સુખીયો નર્મદ ખ્યાલે મસ્ત.”

કુદરતનીયે માનીતી હોય તેવી આ સોરઠની ભૂમિ એટલે વીરતાભર્યો ઇતિહાસ અને પ્રેરણવંતુ સાહિત્ય. ઘૂઘવતાં મોજાંવાળા મહેરામણને બાજુએ મૂકીએ તો કહેવું પડે કે વનસ્પતિ–સોહામણા ગિરનારે અનેક વીરોને ઇતિહાસને પાને મહિમાવંતા કર્યા છે. એટલું જ નહિ, પણ હરિષેણ, માઘ, ગજેન્દ્ર બુચ અને કવિ નાનાલાલ જેવાને પ્રેરણાદાન દીધાં છે. ગિરનારની ગોદમાં નરસિંહ મહેતાથી પુનિત બનેલું જૂનાગઢ એક વખત સાહિત્યનું મુખ્ય ધામ હતું. અહિંથી ત્યારે કાવ્યપ્રવાહો નિકળતા અને સમૃદ્ધ વિદ્વતા વહેતી. નર્મદ શતાબ્દીના આ પ્રસંગે જૂનાગઢ સાહિત્યક્ષેત્રમાં કાંઈ પ્રથમ પગલાંજ નથી પાડતું. જૂનાગઢનો સાહિત્યકાળ તેને ગૌરવભર્યો વખાણને પાત્ર બનાવે તેવો છે, એમ ગુર્જર સાહિત્યનો ઇતિહાસ આજે ય સાખ પૂરે છે. પણ આજે તે આપણો વિષય નથી; અન્ય કોઈ પ્રસંગે સોરઠનું આ પાટનગર પોતાનાં સાહિત્ય મૂલ્ય આંકે એમ તેની સાહિત્યરસિક જનતા જરૂર ઇચ્છે.

આજે તો આપણે નર્મદશતાબ્દી ઉત્સવના પ્રસંગે આ મહાપુરુષનાં યથોચિત યશગાન ગાવા એકઠા થયા છીએ, ત્યારે તે માટે વિવેચકની કડક ન્યાયવૃત્તિ કરતાં પ્રશંસકની ગુણગ્રાહક દૃષ્ટિ વધુ જરૂરી છે. તેથી જ તેની ઉધાર બાજુ ઉવેખીને આ યુગપુરુષે ગુજરાતને આપેલા વારસાનો જ સ્હેજ વિચાર કરી હું સંતોષ માનીશ.

ગૃહસ્થો, આભનાં જળ ખોબામાં સમાય તો આ ઝળહળતા નર્મદનાં તેજ થોડી મિનિટના નાનકડા ભાષણમાં ઝીલાય. આતો એક ગગનવિહારી પુરુષને સ્પર્શવાનો વ્હેંતીયાનો ક્ષુદ્ર પ્રયત્ન છે.

કવિ નર્મદનો જન્મ ઇ. સ. ૧૮૩૩માં, એટલે ઇસવી ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં. પણ આ યુગદૃષ્ટાની સર્વ શક્તિઓ પાંગરી ને પ્રફુલી તો તે સૈકાના ઉત્તરાર્ધમાં. પૂર્વાર્ધમાં ત્યારે ભારતવર્ષમાં પ્રાચીનતાનાં તેજ ઓસરતાં હતાં, ને પાશ્ચાત્ય સંસ્કૃતિ કીડીના વેગે તેની મોહક પગલીઓ પાડતી હતી. ઈંગ્રેજી રાજ્ય સ્થપાયું તેટલું સ્થિર થતું હતું, ને જીતીને જમાવટ કરતું હતું. ત્યારે લોર્ડ વિલિયમ બેન્ટિકનો સુધારો ભારત પ્રજાને નવાં જાદુ આંજતો હતો. જૂની માન્યતાઓ ને પ્રાચીન પ્રણાલિકાઓ પદભ્રષ્ટ થઈને પશ્ચિમના રંગવાળી નવી રાજ્યપદ્ધતિઓ અને નવા વિચારોને માર્ગ આપતી હતી. અંગ્રેજોની રાજ્યપદ્ધતિ ત્યારે શાંતિ ને સ્થિરતાના હેતુએ અનુકરણીય ને આદરપાત્ર ગણાતી. જનસમાજ તેનાં સૈકા-જૂનાં અનિષ્ઠોથી પીડાઈ વધુ ને વધુ નિર્માલ્ય બનતો હતો. સાહિત્યના આકાશમાં ત્યારે માત્ર દયારામ એકલો જ સર્વને આકર્ષતો ઝળહળતો હતો. ધર્મના પ્રદેશમાં વલ્લભ ને સ્વામીનારાયણના સંપ્રદાયો પોતાની આણ વર્તાવવા ભગીરથ પ્રયત્નો કરતા હતા. કવિ નર્મદના જન્મ વખતે ગુજરાતની આ સ્થિતિ હતી.

આ સંક્રાન્તિકાળે નવયુગની ઉષા ફૂટતી હતી ત્યારે ગુજરાતે જે મહાન્ પુરુષોને જન્મ આપ્યો છે, તેમની જાહેર સેવાઓએ ગુજરાતના સર્વદેશીય ઘડતરમાં કીમતી ફાળો આપ્યો છે. કવિ દલપતરામ, ભોળાનાથ સારાભાઈ, વ્રજલાલ શાસ્ત્રી, મહીપતરામ રૂપરામ, દાદાભાઈ નવરોજજી, સ્વામી દયાનંદ અને કવિ નર્મદાશંકરઃ ઇ. સ. ૧૮૨૦ થી ’૩૩ સુધીનાં તેર વર્ષના ગાળામાં જન્મેલા આ સપ્તકે ભવિષ્યમાં ધર્મ, સમાજ, સાહિત્ય અને રાજકારણની ચારે દિશા ઉજાળી. ઉંઘતી, સત્વહીન અને આત્મભાન ભૂલેલી પ્રજાને વિવિધ પ્રકારે તેની મોહનિદ્રામાંથી તેણે જગાડી, અને ગુજરાતને ગૌરવવંતું કીધું. ત્યારે ગામડાંમાં ગામઠી નિશાળોએ જૂજ કેળવણી મળતી, ને પાઠશાળાઓમાં પૂરાયેલી સંસ્કૃત ભાષા તો બ્રાહ્મણોનો જ ઈજારો મનાતી. આર્ય-સંસ્કૃતિ તે વખતે ઇસ્લામ ને ઉર્દુથી થોડી રંગાયેલી હતી; પણ પાશ્ચાત્ય ધર્મ કે ઈંગ્રેજીથી તો નિર્લિપ્ત જ. ત્યારે ખેડુતનો છોકરો ગામઠી નિશાળે માંડમાંડ લખતાં વાંચતાં શિખતો ને બોડા અક્ષરની સહી કરી જાણતો; તથા વણિકપુત્ર નામુંઠામું શિખી દુકાને વળગતો. તે પછી રજપૂત, ધારાળા ને અન્ય પછાત કોમોની કેળવણી કે અક્ષર જ્ઞાનનું તો પૂછવું જ શું? ઇંગ્રેજી વિદ્યા તો ત્યારે માત્ર કલ્પનાનોજ વિષય હતી. નર્મદ પોતે મુંબઈમાં જ ઉછર્યો અને કળવાયો હતો; પણ મુંબઈ કાંઈ સમગ્ર ગુજરાત ન્હોતું. આગગાડી, તાર, મિલો, સરકારી નિશાળો, કોલેજો, યુનિવર્સિટી, છાપાં, માસિકો, લોકસંસ્થાઓ, મ્યુનિસીપાલીટીઓ, ધારાસભાઓ ને પુસ્તકાલયો આ બધાં હજુ ગુજરાતમાં આવવાનાં હતાં.

અને નર્મદ એટલે કોણ? ભગીરથ પ્રયત્ન, અણનમ ટેક અને અખૂટ ઉત્સાહના સંગ્રહસ્થાન સમો નવજુવાન નર્મદ જોતજોતામાં તો ભાષણો આપતો ને સભાઓ ગજવતો થઈ ગયો. પ્રારંભમાં ધીરા ભગતનાં પદોએ તેના કાવ્યસંસ્કારને સ્ફુરાવ્યા. ત્રણ વર્ષના સંગીન અને સતત અભ્યાસ પછી પચ્ચીસમે વર્ષે સરસ્વતીનો પ્રસાદ વાંછતો નર્મદ કલમને ખોળે બેઠો, ને તેણે જીંદગીભરનો ભેખ લીધો. સમાજ સુધારામાં ને સાહિત્યક્ષેત્રમાં આવા નિષ્કામ ભેખ આજે પણ કેટલા વિરલ છે? ગરીબાઈની સામે યુદ્ધ ખેલતો, લોકસંઘને વિસ્મય પમાડતો, કાયરોને ત્રાડ દેતો, અને દંભીઓને પડકાર કરતો આ નરવીર ટુંક સમયમાં જ આખા ગુજરાતમાં જાણીતો થયો. તેણે ગુર્જરકાવ્યના પ્રવાહ પલટાવ્યા, મૂઢ સમાજને જાગૃત કર્યો, ને વિકૃત થતા સંપ્રદાયની સાન ઠેકાણે આણી.

મહેરામણની જેમ આ મહાપુની મહત્ત્વાકાંક્ષાને યે મર્યાદાઓ ન્હોતી. તેને વ્હેમોના અભેદ્ય દુર્ગો તોડવા હતા. બાળલગ્ન જેવી અનિષ્ટ રૂઢિઓને જમીનદોસ્ત કરવી હતી; તથા સાહિત્યને વિશાળ અને વિવિધ બનાવવું હતું. આમ જનતાની સર્વદેશીય પ્રગતિ સાધી સમસ્ત ગુજરાતને ગરવી અને મહિમાવંતી બનાવવાની તે મહેચ્છા સેવતો હતો.

ગુર્જર સાહિત્યને કવિ નર્મદે સંપ્રદાયનાં સાંકડાં બંધનોમાંથી મુક્ત કરી તેનો ધોધમાર પ્રવાહ વહેવરાવ્યો. તેને મન સાહિત્ય એક લોકકલ્યાણનું સાહિત્ય જ–સાધન જ–હતું. નર્મદજીવન એટલે પ્રજાના વિવિધ પ્રશ્નોનું મંથન. સમકાલીન દલપતરામની માફક આપણો નર્મદ પણ કેવળ સાહિત્યસ્રષ્ટા જ નહિ, પણ સંદેશવાહક હતો. તેની પ્રેરક અને વ્યાપક આર્ષદૃષ્ટિ સંસ્કૃત, ગુજરાતી, ઇંગ્રેજી ને હિંદી સાહિત્ય ઉપર ફરી વળી; અને સંસ્કૃતિઓનાં સંધિકાળે સરસ્વતીના આ લાડીલા ભક્તે તેનાં વિરાટ પગલાંથી પ્રાચીન તથા અર્વાચીન, બંનેને માપવાના પ્રયત્ન કર્યા. તેણે ‘રસપ્રવેશ’, ‘અલંકારપ્રવેશ’, અને ‘પિંગળપ્રવેશ’ આપ્યા, વ્યાકરણો રચ્યાં, નાટકો આલેખ્યાં, રસિકને રુચે તેવું ઋતુવર્ણન, પ્રેમાનંદની ઢબનું ‘રુકિમણીહરણ’, શામળની શૈલીવાળી ‘જીવરાજ’ ને ‘વીરસિંહ’ જેવી યુગપલટો દર્શાવતી વાર્તાઓ, ધીરાના જેવાં પદ અને દયારામના જેવી ગરબીઓ આપી. ગદ્ય પણ કાવ્ય હોઈ શકે એવું તેનું હિંમત અને ડહાપણભર્યું વચન ગુજરાતી સાહિત્યમાં હવે આટલા વર્ષે આજે સ્વીકારાયું છે. કુદરતમાં શાંતિ શોધતા આ કવિએ પ્રકૃતિસૌંદર્ય ઉપર કાવ્ય રચવાની પહેલ કરી, મહાકાવ્ય લખવાની તીવ્ર અભિલાષા સેવી, અને મહાકાવ્યને ઉચિત વીરવૃત્તની કલ્પના કરી. સમાજની જેમ સાહિત્યના પણ તેને રંગ પલટાવવા હતા. તેના આત્મવર્ચસના જોરદાર ફુવારાએ તેના કાવ્યપ્રદેશને એટલો તો સિંચી નાખ્યો કે તેનું આત્મલક્ષિત્વ સર્વત્ર ઉછાળા મારતું હતું. વેગવંતી મસ્ત શૈલી વડે તેણે કાવ્યના અખૂટ ભંડાર ભર્યા; તથા સરળ ને પ્રસંગોચિત પ્રૌઢ શૈલીએ ગુજરાતના ગદ્યસ્વામીની કીર્તિ મેળવી. તેના નિબંધો, ભાષણો અને લેખો; કાળમાહાત્મ્ય ગાતો ને ઇતિહાસના બોધપાઠ સારવતો તેનો ‘રાજ્યરંગ’; નિષ્કામ વિચાર-પરિવર્તનના પડઘા પાડતો તેનો ‘ધર્મવિચાર’; રામાયણ, મહાભારત અને ‘ઇલિયડ’નો તેણે આપેલો સાર; તેનાં કવિચરિત્ર તથા ‘કથા-કોષ’; કેળવણી, સુધારો, સંપ, હુન્નરઉદ્યોગ અને સમાજની ત્રુટિઓ ઉપરના તેના ઉદ્‌ગારો: આ બધાં આજે પણ તેની સાહિત્યસેવા ઉપર આપણી પાસે પ્રશંસાનાં પુષ્પો વેરાવે છે. અને તેનો કીર્તિકલશ સરખો, તેનાં અખૂટ ધૈર્ય, નિઃસીમ ઉદ્યોગ અને ગહન ભાષાજ્ઞાનથી લખાયેલો, ને આશ્રયવિહોણી તથા કદરહીન સ્થિતિમાં છપાયેલો એ ‘નર્મકોષ’. ગરવી ગુજરાતને અર્પણ થએલો આ કોષ આજે પણ તેનો અનુપમ સ્મારક ગ્રંથ છે !

સમાજસુધારામાં પણ સર્વત્ર વિરાટ પગલે વિચરનાર આ સંસ્કારસ્વામીએ શું નથી કર્યું? વિધવાવિવાહ, સ્ત્રીકેળવણી, હુન્નરઉદ્યોગ, કુળમોટપ, જ્ઞાતિદૂષણો અને બીજાં સંખ્યાબંધ અનિષ્ટોની સામે નર્મદે તેની કલમ વડે કેવા સચોટ પ્રહાર કર્યા છે? અનેક સંપ્રદાયોનાં રહસ્ય સમજતા નર્મદે તેનાં પથ્ય અને અપથ્ય તત્ત્વો યુગદૃષ્ટાની એક વેધક નજરે જ નિહાળી લીધાં. માટીમાંથી મર્દ સરજવાનાં, કાયરને કેસરી કરવાનાં, અત્યાચારીએને ઉખેડવાનાં ને દંભીઓને ડારવાનાં આ ધીર વીર નર્મદે આકરાં વ્રત લીધાં હતાં. નર્મદ તે રક્ષક નહિ પણ છેદક હતો; સંધિદૂત નહિ, પણ સેનાની હતો. તે માત્ર મંત્રદ્રષ્ટા જ ન્હોતો, પણ શસ્ત્રોનો ને શાસ્ત્રોનોયે જાણકાર હતો. પેટે પાટા બાંધી પૌંઆ ઉપર રહીને પણ જીવનભર સંગ્રામ બેલનાર આ સેનાનીનાં સ્વપ્નો તેના સમયમાં કેટલાં સફળ થયાં? આજે પણ હજુ તે પાંગરે ને પ્રફુલ્લે છે, ફળવતાં તો નથી જ થયાં. રાજકારણ પરત્વે તેણે આલેખેલાં બ્રિટિશ રાજ્યતંત્ર અને રાજ્યઅમલનાં વિશિષ્ટ લક્ષણો આજે પણ ભવિષ્યવાણી સમાં લાગે છે. દેશપ્રેમ અને દેશોન્નતિ તેની સર્વગ્રાહી નજરમાંથી કેમ મુક્ત રહે ?

ટુંકમાં, ગુજરાતની ઉન્નતિ અર્થે ભાષાભિમાન સતેજ કરવામાં, સાહિત્યને સમૃદ્ધ બનાવવામાં, સમાજને સામર્થ્ય આપવામાં આ સબળ સેનાનીએ તેની સર્વ શક્તિઓ ખર્ચી નાખી; અને તેથી જ તેને આજે પણ આપણે સંભારીએ છીએ. નર્મદ એક વ્યકિત ન હતો, પણ વિશાળ સંસ્થાથી યે વધારે હતો. સંસ્થાઓ ને મંડળો હજુ આજે પણ નથી સાધી શક્યાં, તે તેણે એકલી જાતે, એકલા હાથે, ગરીબાઈ સામે પટા ખેલતાં ખેલતાં, ને જનસમાજના પ્રહારો ઝીલતાં ઝીલતાં કરી બતાવ્યું છે. આજે પણ આપણી ભાષામાં વિદ્વત્તાપૂર્ણ કોષ કે પ્રમાણભૂત વ્યાકરણ ક્યાં છે ? સુવિખ્યાત મહાકાવ્ય કે તેને ઉચિત ઈંગ્રેજી ‘બ્લૅન્ક વર્સ’ને મળતું કોઈ વૃત્ત આજે પણ ગુજરાતી સાહિત્યમાં દેખાય છે ખરાં ? ‘દાંડિયા’ના જેવા મર્મવેધક પ્રહારો દેતાં સામયિકો કે અગાધ વિદ્વતાના પમરાટવાળા લેખોમાં આજે પણ આપણા સાહિત્યે કેટલી પ્રગતિ કરી છે? ઠામઠામ નર્મદની સાહિત્યપ્રવૃત્તિમાં જ અર્વાચીન સાહિત્યના અંશો નજરે પડે છે. વર્તમાન સમાજ પણ હજુ નર્મદને ચીલે જ ચાલે છે. તેણે પાડેલી પગવાટો હજુ આજે પણ ધોરી રાજમાર્ગો નથી બની. સુધારાના આ હિમાયતીએ ઈસવી ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં જે કવ્યું અને કર્યું તે આજે આપણે વીસમી સદીનાં આટલાં વર્ષો પછીયે સંપૂર્ણ સાધી શક્યા છીએ ખરા ? સ્ત્રીકેળવણી, બાળલગ્ન, વિધવાવિવાહ, ભૂતપ્રેતના વ્હેમ, પ્રેતભોજન, જ્ઞાતિબંધન, પરદેશગમન, અને કુળવાનશાહી: આ બધાંમાં આજે પણ નર્મદના સમય કરતાં આપણે કેટલા આગળ વધ્યા છીએ તે વિચારવા જેવું છે. સુધારો તે નર્મદને મન રાજકીય સુધારો જ ન્હોતો. “પ્રજાનાં તન, મન, અને ધનમાં વ્યવસ્થાપૂર્વક જે વધારો કરવો” તે જ તેને મન સાચો સુધારો હતો. ધર્માચાર્યોમાં મૂળ નાંખી બેઠેલાં ઘોર અનિષ્ટોના નિકંદનમાં નર્મદનું પ્રિય આ ગુજરાત તેનાથી કેટલું આગળ વધ્યું છે ? આ બધું વિચારીએ તો કબૂલ કરવું પડે કે નર્મદયુગના આ સૌ પ્રજાપ્રશ્નો જ્યાંસુધી સફળ રીતે ઉકેલાયા નથી, ત્યાં સુધી નર્મદયુગ હજુ આથમ્યો નથી. નર્મદ એ સમસ્ત ગુજરાતને હાકલ મારતો મહાપુરુષ હતો. દલપતરામ પણ તેટલા વિરાટ તો નહિ જ. તેનાં આદર્યાં આજે પણ કેટલાંયે અધુરાં છે, ને ગુજરાત ‘बाणोच्ष्टिं जगत सर्वम् ।’ એ પ્રમાણે નર્મદના ઉચ્છિષ્ટ પ્રદેશને જ ખેડી રહ્યું છે. સંક્ષેપમાં નર્મદનો ભવ્ય વારસો વર્તમાન ગુજરાતને સ્વીકારવો પડે તેવો મોંઘો અને મૂલ્યવાન છે.

નર્મદ તો યુગપ્રતિમા હતો, યુગનો વિરાટ પુરુષ હતો; સમયબળોનો તે કેવળ પરપોટો નહિ, પણ ધોધમાર પ્રવાહ હતો. દલપતરામ પ્રજા ઉપર મેઘની જેમ મંદ અને શીતળ જળ સિંચતા, પણ નર્મદ તો દાવાનળની જેમ બધાને ડારતો અને દઝાડતો.

તેવા આ યુગસ્વામી, સમર્થ સાહિત્યસ્રષ્ટા ને સમર્થ સાક્ષર, સમર્થ ઇતિહાસકાર ને સમર્થ સમાજસુધારક, સ્વદેશાભિમાની નરકેસરી નર્મદનો આત્મા આજે પણ ગુજરાતની સર્વદેશીય પ્રગતિ માટે હાક દેતો પ્રજાજનને જાગૃત કરે છે. શબ્દદેહે ગાયેલી ગરવી ગુજરાતની અસ્મિતાનાં પાન કરાવનાર નર્મદનું અમર સ્મારક કરવા આપણે તે શી રીતે શક્તિમાન થઈએ ? આદર્શોને આચારમાં ઉતારનાર, કવેલા ઉપદેશોને અમલમાં મૂકનાર આ અજેય યોદ્ધાનાં આજે માત્ર યશોગાન કરીને જ આપણે સંતોષ માનીએ; કારણકે જ્યાં સુધી ગુજરાતી સાહિત્ય છે, ત્યાંસુધી નર્મદ આપબળે જ અમર છે. વીરને તો વીરતાભરી યશોગાથાઓ જ યોગ્ય અર્ધ્ય બને છે, અને તેનું સ્મરણ માત્રજ આપણાં રોમાંચ ખડાં કરે છે.

જીવનભરના મહારથી, સમૃદ્ધ સાહિત્યસ્રષ્ટા ને અનેરા સ્વપ્નદૃષ્ટા, ગરવી ગુજરાતની અસ્મિતાને પોષનાર, આદર્શના આદિત્યનાં અનેકધા કિરણ ઝીલનાર, સંક્રાન્તિયુગના સંદેશવાહક, ઓ નરવીર નર્મદ, તારા અમર આત્માને આજે આ જૂનાગઢની જનતાનાં અનેકગણાં નમ્ર વંદન હો ! *[૧]


  1. * જૂનાગઢના નર્મદશતાબ્દી સમારંભ વખતે તા. ૨૪-૮-૩૩ના રોજ ના. દિવાન સાહેબના પ્રમુખપદે મુખ્ય વક્તા તરીકે આ ભાષણ વાંચવામાં આવ્યું હતું.–કર્તા