લખાણ પર જાઓ

સાહિત્યને ઓવારેથી/રંગભૂમિ–ઉદ્ધારક રણછોડભાઈ

વિકિસ્રોતમાંથી
← કલાપી–જીવન અને કેકારવ સાહિત્યને ઓવારેથી
રંગભૂમિ–ઉદ્ધારક રણછોડભાઈ
શંકરલાલ શાસ્ત્રી
શ્રી. કેશવલાલ ધ્રુવ : વિદ્યાર્થી જીવન →


રંગભૂમિ–ઉદ્ધારક રણછોડભાઈ

દી..બ. રણછોડભાઈ ઉદયરામની વિવિધ અને વિશિષ્ટ સાહિત્યસેવા આજે પણ સમભાવ અને પ્રશંસા માગી લે છે. ‘લઘુકૌમુદી’ અને ‘રાસમાળા’ના ભાષાંતરથી તથા ‘રણપિંગળ’ની શ્રમભરી રચનાથી તેમણે ગુજરાતી વાઙ્‌મયને અનોખી રીતે ઉપકૃત કર્યું છે. તેમાંએ ‘રણપિંગળ’ના વિપુલ ગ્રંથોએ તો હદ કરી છે ! અસામાન્ય બુદ્ધિ, અપાર ખંત અને અગાધ પાંડિત્યથી અંકિત થયેલા આ ગ્રંથ પદ્યરચનાના ઇતિહાસમાં તેમની વિલક્ષણ વિદ્વત્તા વડે આજે પણ અભ્યાસીને ઉપયોગી થઈ પડે છે. પણ પ્રસ્તુત લેખનો હેતુ તો રણછોડભાઈએ નાટ્–યસાહિત્યદ્વારા રંગભૂમિની જે સેવા કરી તેમને જ સવિશેષ વિચાર કરવાનો હોવાથી આજનો વિષય પણ નાટ્ય સાહિત્ય વડે મર્યાદિત જ બને છે.

રણછોડભાઈના જીવનનો સાહિત્યસર્જન કે સ્વાધ્યાય એ કાંઈ મુખ્ય વ્યવસાય ન હતો; પણ કચ્છભુજના અમાત્યપદે પહોંચવા ભાગ્યશાળી થયેલા આ દીવાન બહાદુરે રાજકારણ ખેડતાં ખેડતાં પોતાના સાહિત્યરોપને જતનથી જાળવી રાખ્યો હતો. ગુજરાતમાં બ્રિટિશ અમલની સ્થાપનાનો હજુ પ્રારંભકાળ હતો. ધર્મ, રાજકારણ, સમાજ અને સાહિત્ય : સૌ અવનવા વાતાવરણે રંગાતાં હતાં, ને ઇંગ્રેજી શિક્ષણના બળે પલટો પામતાં હતાં. દેશીઓ ત્યારે નિર્માલ્ય કે નાલાયક ન્હોતા ગણાતા. તેમના કેળવાયેલા વર્ગને સરકાર તરફથી આદરભર્યાં આમંત્રણ મળતાં, ને રાજયવહીવટમાં સ્થાન અપાતું. આવી પરિસ્થિતિમાં રાજકારણના રવિથી સાહિત્યરસ શોષાઈ જતો નહિ. ત્યારે મુત્સદ્દીગીરી અને વિદ્વતાને સહીપણાં હતાં; ઉચ્ચ રાજ્યાધિકાર અને વિદ્યાવ્યાસંગ વચ્ચે અવિરોધ પ્રવર્તતો. જીવન એકજ પ્રધાન પ્રવૃત્તિના વ્હેણથી સભર ભરાઈ જતું નહિ. જીવનને ઉદાત્ત અને ઉન્નત કરનાર સાહિત્યરસ કે તત્ત્વચિંતન ત્યારે સંસ્કારી ને સત્ત્વશાળી માનવીની ગમે તે પ્રવૃત્તિમાં સૂક્ષ્મ કે પ્રગટ રીતે અંતર્ગત થતું. દી. બ. મણિભાઈ જસભાઈ, મનસુખરામ સૂર્યરામ, હરિલાલ ધ્રુવ ને નરસિંહરાવ દીવેટીઆ તે યુગનાં ઉચિત દૃષ્ટાંતો છે. ઇ. સ. ૧૮૩૮માં જન્મેલા રણછોડભાઈ પણ આવા એક સંસ્કારી ને સમર્થ મહાજન હતા.

આટલા સામાન્ય અને આવશ્યક પ્રસ્તાવ પછી રણછોડભાઈની સાહિત્ય–પ્રવૃત્તિ વિષે વ્યક્તિગત વિચારણા હજુ બાકી રહે છે. તેમની સમગ્ર કૃતિઓની વિપુલતા અને ગુણવત્તા ધ્યાનમાં લેતાં જણાય છે કે તેમને શાસ્ત્રીય વિષયો કરતાં સાહિત્ય તરફ વધુ અભિરુચિ હતી. સંસ્કૃત નાટકોના પરિચયથી રણછેડભાઈની રસિકતા પાંગરવા લાગી, અને ઈંગ્રેજી નાટકોના–ખાસ કરીને તો શેક્ષપીઅરના–અધ્યયનથી તે અનેકગણો વિકાસ પામ્યો. આવી આકર્ષક કૃતિઓના અભ્યાસથી તેમની સહજ સર્ગશક્તિ સળવળવા લાગી અને અંતે શબ્દદેહે પ્રગટ થઈ. આમ સંસ્કૃત નાટકોનાં ભાષાંતર કે સ્વતંત્ર સર્જનો દ્વારા તેમની નાટ્યસાહિત્યની સેવા વ્યક્ત થવા લાગી.

યુગબળોએ તત્કાલીન લેખકોના હૃદયમાં કૈં કૈં અવનવી અભિલાષા જાગૃત કરી. ક્રાન્તિ કે સુધારો, પલટો કે પ્રગતિ આવા અવનવા સૂરો ત્યારે ગુજરાતભરમાં ગુંજતા, અને લોકમાનસને આવરી લેતા. તો પછી શક્તિશાળી રણછોડભાઈ આવી સાહિત્યસેવાના કાર્યમાં શાને આળસુ બેસી રહે ? ગુજરાતી નાટકસાહિત્યનો વિકાસ, ગુર્જર રંગભૂમિનો સમુદ્ધાર, સમાજની મૂલગત સુધારણા : આવા કેટલાએ પ્રશ્નો તેમના યુવાન માનસમાં ઘોળાવા લાગ્યા. આમ ગુજરાતની પાંગરતી અસ્મિતા ત્યારે તેના ઉત્સાહી નવજુવાનોમાં પોતાનો આવિર્ભાવ શોધતી હતી; અને સાહિત્યસેવા પણ આવી અસ્મિતાનું જ સ્વાભાવિક પરિણામ હતું.

ઉપર જણાવ્યું છે તેમ સંસ્કૃત નાટ્યસાહિત્યના અભ્યાસથી રણછોડભાઈની રસિકતા વિકાસ પામી ઉચ્ચતર બની હતી. ભવાઈની ભાંડનીતિથી અને રંગભૂમિ ઉપર થતી તેની ભયાનક અસરથી તેઓ ત્રાસી જતા હતા. લોકહૃદય ઉપર આણ વર્તાવતી આ ભવાઈમાં ત્યારે બીભત્સતા, અશ્લીલતા, ને ગ્રામ્યતા ઘર કરી બેઠી હતી. ભવાઈની આ મલિનતા અને જડતા રંગભૂમિના નવા વાતાવરણમાં નજરે પડતી. અધમ અભિનયોથી, અશિષ્ટ સંવાદોથી, નેહનાં નખરાંથી ને વિદૂષકની વાચાળતાથી વિકૃત માનસનો પ્રેક્ષક વર્ગ ખૂબ પ્રસન્ન થતો, અને નાટકના વસ્તુ ઉપર વારી જતો. રસિકડા રમણભાઈને આ બધું અસહ્ય લાગ્યું. તેમણે સંસ્કૃત નાટ્યસાહિત્યને નિરખ્યું હતું, ને તેના નાટ્યશાસ્ત્રને ય અવલોક્યું હતું. ગુજરાતીની માતામહી સરખી સંસ્કૃત ભાષાનાં નાટક તો તેમને રસપ્રદ અને શિષ્ટ લાગતાં; તો પછી ગુજરાતી રંગભૂમિમાં આ ભીષણ બીભત્સતા શી ? નાટક કેવળ જનમનના રંજનાર્થે જ ન હોઈ શકે; તેનો ગૂઢ પણ અંતિમ ઉદ્દેશ તે નીતિને પોષવાનો અને માનવજીવનને ઉન્નત કરવાને હોય. તો આ નીતિવિમુખતા ને અશ્લીલતા ગુજરાતી રંગભૂમિ ઉપર શી રીતે નિભાવી લેવાય ? રણછોડભાઈનો રસિક સંસ્કારી આત્મા આ બધું જોઈ કકળી ઉઠશે, અને તેમની કલમ ત્યારથી કર્તવ્યપરાયણ બની.

નાટ્યકૃતિ તરીકે ત્યારે દલપતરામનું ‘લક્ષ્મી’ નાટક બીનહરીફ રીતે સારો લોકાદાર પામતું હતું. અન્ય કોઈ નાટક કદાચ જો રંગભૂમિ ઉપર ભજવાતું નજરે પડતું, તો તે તરજુમિઆને ઉચ્છિષ્ટ હતું; પરંતુ દલપતરામનું ‘લક્ષ્મી’ નાટક પણ ગ્રાક નાટકનો ઇંગ્રેજી ભાષાંતર દ્વારા થયેલો અનુવાદ જ હતું. નાટકસમૃદ્ધ સંસ્કૃત ઉપરથી જ ઉતરી આવેલી ગુજરાતી રણછોડભાઈને નાટક પરત્વે તો છેક દીન અને હીન લાગી. પ્રેમાનંદને નામે જાણીતી થયેલી પેલી સંદિગ્ધ નાટકત્રયી હજુ તો પ્રકાશમાં યે ન્હોતી આવી. તેથી ગુજરાતી નાટક–સાહિત્યને વિકસાવવાના અને રંગભૂમિને ઉન્નત બનાવવાના હેતુથી આ પરિસ્થિતિમાં રણછોડભાઈએ સર્વ શક્ય પ્રયત્નો આદર્યા.

કાળક્રમ ધ્યાનમાં ન લેતાં આપણે ગણવીએ તો રણછોડભાઈ એ આ હેતુથી માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય નામે સંસ્કૃત નાટકોનાં ભાષાંતર કર્યાં; અને પૌરાણિક વિષયોનો આધાર લઈને ‘નળદમયંતી નાટક‘, ‘હરિશ્ચંદ્ર નાટક’, ‘તારામતી સ્વયંવર’, ‘બાણાસુર મદમર્દન’ તથા ‘મદાલસા’ અને ‘ઋતુધ્વજ’ નાટક જેવી કૃતિઓ આપી. પછી તેમણે ‘નાટ્યપ્રકાશ’ નામે નાટ્યકળા ઉપર શાસ્ત્રીય પુસ્તક રચ્યું, અને શેક્ષપીઅરનાં નાટકોથી ગુજરાતી જનતાને પરિચિત કરવા ‘શેક્ષપીઅર કથાસમાજ’ નામે ભાષાંતર આપ્યું. વિશેષમાં તેમણે પેલાં સુવિખ્યાત થયેલાં ‘જયકુમારી વિજય’ અને ‘લલિતાદુઃખદર્શક’ નામે સામાજિક નાટકો પણ રચ્યાં. રણછોડભાઈના માનસને સમજવા અને તેમની નાટ્યશક્તિઓને પિછાનવા આમાંની કેટલીક કૃતિઓ સંક્ષિપ્ત નોંધની અપેક્ષા રાખે છે, અને છેલ્લી બેઉને તો સવિશેષ સમાલોચનાની એ જરૂર છે.

તે યુગમાં દક્ષિણી અને પારસીઓએ ગુજરાતને રંગભૂમિ વડે રંજન કરવાના પ્રયાસો આરંભ્યા હતા. પણ તેમાંયે હજુ ભવાઈની ચેષ્ટા, કટાક્ષ ને હાંસી જ નજરે પડતાં; અને અશિષ્ટતા તથા બીભત્સતા જ અનુભવચોચર થતાં. નાટક કાંઇ નીતિવિમુખ કે અનીતિપોષક ન હોવું જોઇએ એ સિદ્ધાંત પ્રતિપાદન કરી રણછોડભાઈ એ પૌરાણિક વસ્તુ વડેજ “નળ–દમયંતી” આદિ નાટક રચ્યાં, ને પ્રાકૃત લોકની વિકૃત થયેલી રસવૃત્તિને સન્માર્ગે વાળી; તથા સંસ્કૃતના અગ્રગણ્ય નાટ્યકાર કાલીદાસનાં બે નાટકોને ગુજરાતીમાં ઉતારીને પ્રેક્ષકોની સુરુચિ અને કલાદૃષ્ટિને ઉચ્ચતર બનાવવા કોશીષ કરી. ‘નાટ્યપ્રકાશ’ રચી તેમણે જનતા સમક્ષ નાટકના મૂળભૂત સિદ્ધાંતો સ્ફુટ કર્યા, અને ‘શેક્ષપીઅર કથાસમાજ’ વડે ઈંગ્રેજી નાટકોના વસ્તુ અને હેતુનો ગુજરાતી વાચકવર્ગને ખ્યાલ આપ્યો.

અને છેવટે હવે આપણે તેમનાં બે સામાજિક નાટકો તરફ વળીએ. સૈકાઓથી ગુર્જર સાહિત્યનાં જળ ધાર્મિકતાની નહેરો દ્વારા જ વહેતાં હતાં. શામળ જેવા તેને લૌકિકતાના ભાગે વાળતા; પણ તેના જેવા તો કોઈ વિરલ જ હતા ! ધર્મબોધએ દયારામના યુગ સુધી સાહિત્ય ઉપર સત્તા ભોગવતો, બલ્કે સરમુખત્યારી કરતો; આ બંધીઆર નહેરમાંથી સાહિત્યજળને મુક્ત કરી તેને નવા સ્વાભાવિક માર્ગે યથેચ્છ વ્હેતા મૂકવાના પ્રયત્નો શરૂ થઈ ચૂક્યા હતા. કાવ્યોમાં કે નાટકમાં, આખ્યાનમાં કે વાર્તામાં અપાર્થિવ દેવો કે લોકોત્તર નરાધિપોનું જ નિરૂપણ જ્યાં ત્યાં નજરે પડતું. જેમાં માનવજીવન પોતે ઢંકાઈ જાય ને ઉવેખાય તેવા સાહિત્યને શું કરવાનું ? આવી સ્વતંત્ર વિચારણાએ ગુર્જરસાહિત્યને ધર્મના દાસત્વમાંથી છોડાવી તેને લૌકિક અને વધુ લોકભોગ્ય બનાવ્યું. આમ માનવજીવને અપાર્થિવતા ને લોકોત્તરતાને પદભ્રષ્ટ કરી સાહિત્યમાં પોતાનું ઉચિત સ્થાન પ્રાપ્ત કર્યું. માનવજીવનની સમષ્ટિમાંથી બનેલો ગુર્જર સમાજ ત્યારે કીડા જેવા દુષ્ટ રિવાજોથી (ઉદા. કજોડાં, બાળલગ્ન, વેશ્યાગમન વગેરે) ખદબદતો ને દુર્ગધ આપતો દેખાયો; અને રણછોડભાઈને આથી સામાજિક નાટકો, લખવાની પ્રેરણા મળી. તેમનામાં સમાજસુધારણાને આવશ્યક સક્રિય અનુકંપા હતી; અને નાટ્યરચનાને ઉચિત ઈશ્વરદત્ત સર્ગશક્તિ હતી. તેમના ‘જયકુમારી વિજય’ નામે નાટકના રચનાસમયનું– ઇ. સ. ૧૮૬૧નું–વાતાવરણ હતું.

પણ આ નાટક તેમણે સંસ્કૃત નાટકની ઢબે જ લખ્યું. નાન્દી, સૂત્રધાર, પ્રસ્તાવના ઈત્યાદિમાં તો સંસ્કૃત નાટકોને જ ‘જયકુમારી વિજય’ નાટક મુખ્યત્વે અનુસરે છે. “ભવાઈ ઉપર અભાવ ઉપજવાથી” અને “સામાન્ય સમજણવાળા લોક”ને નાટકના વિષયમાં પ્રવેશ કરાવવાના હેતુથી આ નાટક લખાયું છે, એમ લેખકે પોતે તેની પ્રસ્તાવનામાં જણાવ્યું છે.

આમાં પ્રેમની સ્વતંત્ર ભાવના મૂર્તિમંત બની નાયકનાયિકાને વિઘ્નોને મ્હાત કરવાનું બળ આપે છે, અને અંતે તે બંને લગ્ન કરીને સુખી થાય છે. આ નાટક તેની લોકપ્રિયતાને લીધે વર્ષો સુધી અનુકરણનો અને ઉપભોગનો વિષય બન્યું. તેનાથી લેખક કીર્તિમાન બન્યા અને રંગભૂમિ રમ્ય ગણાતી થઈ. સામાન્ય જનસમૂહ માટે જ નાટક રચાયેલું હોવાથી તેનું સંવિધાન બહુ સાદું રાખ્યું છે તેવો નિખાલસ એકરાર પણ કર્તા તેની પ્રસ્તાવનામાં જ કરે છે. સંવાદને જ સાધતી અને અસ્થાને યોજાયેલી સુદીર્ઘ પદ્યરચનાઓ, રંગલાના સગાભાઈ સરખા વિદૂષકના ચેનચાળાઓ અને ભવાઈનાં તત્ત્વોને લીધે આ નાટક ઘણી વખત ગદ્યવાર્તાના શુષ્ક પ્રદેશમાં સરી પડે છે, અને ક્લેશકર તથા નીરસ બની જાય છે. સંસ્કૃત નાટકોની કૌશલભરી વસ્તુયોજના, કલાયુક્ત સંવિધાન કે ક્રમિક પાત્રવિકાસ ‘જયકુમારી વિજય’માં ન જડે તેથી વાચકે નિરાશ થવાનું નથી. આવી ખામીઓ છતાં પ્રચારાર્થે લખાયેલું આ નાટક રંગભૂમિ ઉપર સફળ થયું, સામાન્ય પ્રેક્ષકવર્ગને ખૂબ ગમી ગયું અને સુધારાને વેગ આપતું ગયું તે તો નિઃસંશય જ છે. આમ જેમને માટે આ નાટક રચાયું હતું, તેમને તે રૂચિકર થઈ પડ્યું; અને જે હેતુથી લખાયું હતું તે હેતુ પણ સફળ થયો. આવી સિદ્ધિથી રણછોડભાઈ યોગ્ય રીતે જ નાટ્યકાર તરીકે ખૂબ વખણાયા ને વિખ્યાત થયા.

પણ ગુર્જર નાટ્યસાહિત્યના ઉત્પાદક તરીકેની સર્વોત્કૃષ્ટ લોકપ્રિયતા તો રણછોડભાઈને ‘લલિતા દુઃખદર્શક’ નાટકથી જ મળી. આ નાટકની રચનાથી નાટ્યકાર રણછોડભાઈનો કીર્તિધ્વજ ગુજરાતભરમાં ફરકવા લાગ્યો. પ્રાકૃતજનની રુચિને સંતોષવા ખાતર કે અધમ વર્ગના પ્રેક્ષકગણના મનરંજનાર્થે નાટ્યકારે નીચી પાયરીએ ન ઉતરતાં એ વર્ગને પોતાના જ નક્કી કરેલા આદર્શે લઈ જવાય તે રીતે જ નાટક રચવું જોઈએ એવો તેમનો દૃઢ સિદ્ધાંત હતો. પણ આ સિદ્ધાંતથી રંગભૂમિનું ક્લુષિત વાતાવરણ સ્વચ્છ થયું ન થયું ત્યાર પહેલાં તો આ સિદ્ધાંતનો ભંગ કરનાર અધમ કૃતિઓથી તે પુનઃ મલિન બન્યું.

‘લલિતા દુઃખદર્શક’ નાટક કુલીનતાવાદનો ત્યાગ કરી ગુણ અને સંસ્કારની સમાન ભૂમિકા ઉપર જ લગ્ન કરવાનો બોધ દેવા માટે રચાયું છે. “આ કરતાં વળી તેને (કન્યાને) પસંદ પડતા યોગ્ય વર સાથે લગ્ન કરવા દેવું એ તો ઉત્તમ છે. આવો લાભકારક ધારો જેમ પ્રસરતો જશે તેમ આપણી હાલત સુધરશે.” આમ પ્રસ્તાવના પોતેજ લેખકની અભિલાષા અને વિચારસ્વતંત્રતા વ્યક્ત કરે છે. અનુભવ ને મ્હાવરો વધતાં આ નાટકમાં ભવાઈની અસર બહુ ઓછી દેખાય છે, પણ તેમાંથી તે સંપૂર્ણ મુક્ત તો નથી જ. રંગલાની રમુજ અહીં પણ ક્વચિત્ ક્વચિત્ “પંથીરામ” આપતો રહે છે, ને આ રીતે તે પોતાનું લાક્ષણિક પાંડિત્ય દાખવે છે. પાત્રોનો પદ્ધતિયુક્ત મનોવિકાસ, સુરેખ ને જીવંત પાત્રોનું નિરૂપણ, અને ઉચ્ચ કલાવિધાન જેવાં તત્ત્વો આ નાટકમાં અતિ વિરલ છે; ત્હોયે બેશક કહેવું જોઈએ કે પાત્રો લાક્ષણિક છે, પ્રસંગગૂંથણી આકર્ષક છે, વસ્તુ રસપ્રદ છે ને અંત હૃદયસ્પર્શી છે. પરંતુ, આમાં અસંભવિતતા, અતિશયોક્તિ કે અર્થહીન પુનરુક્તિ ક્વચિત્‌ સુરુચિનો ભંગ કરે છે, ને કાર્યની ગતિને સ્ખલિત કરે છે. સંવાદ કે વર્ણન માટે યોજાયલાં લાંબાં પદ્યો પણ દીર્ઘસૂત્રીપણું જ દાખવે છે, ને કલાક્ષતિ કરી નીરસતાનેજ નોતરે છે. છતાં એકંદરે તો નાટકના વાસ્તવદર્શી કે ચમત્કારી પ્રસંગો અને આકર્ષક દૃશ્યો પ્રેક્ષક વર્ગને પ્રસન્ન કરે છે. રંગભૂમિ ઉપરની નાટકની સફળતાએ તેને ખૂબ લોકપ્રિય બનાવ્યું; તથા પ્રેક્ષક સમુદાયના મન ઉપર તેણે તીવ્ર અને સચોટ અસર કરી. આમ તખ્તા–લાયકી, વાસ્તવ દર્શન, કાર્યની ગતિ અને પ્રચારહેતુને માટે ‘લલિતા–દુઃખદર્શક’ નાટક સુવિખ્યાત બની તેના કર્તાને યશકલગી ચઢાવે છે. વિશેષમાં આ નાટક સંસ્કૃત નાટકની નાન્દી, પ્રસ્તાવના આદિ વિશિષ્ટ અંશોથી મુક્ત છે ને સ્વતંત્ર રીતે જ રચાયું છે, તે હકીકત પણ ખૂબ નોંધપાત્ર છે.

પ્રસ્તુત નાટકની ગાઢ અને પ્રબળ અસરનું સૌથી વિશિષ્ટ કારણ તો તેની કરુણતા છે. નાટકનો ઉત્તરભાગ અનેક પાત્રોના એક પછી એક વિનાશથી ઘેરો કરુણ બનતો જાય છે; અને તેમાં યે નિરપરાધી, દયાપાત્ર નાયિકા લલિતાની અંતિમ, શાશ્વત વિદાય નાટકને કરુણ રસની પરાકાષ્ટાએ પહોંચાડે છે, ને પ્રેક્ષકના હૃદયમાં કેવળ શોકોર્મિઓ જ ઉછળાવે છે. આમ સંસ્કૃત નાટકે ભરત ‘નાટ્યશાસ્ત્ર’ના નિયમને અધીન રહી જે ન કર્યું તે રણછોડભાઈ એ કરી બતાવ્યું. નાટ્યાચાર્ય ભરતે मधुरेण समापयेत् નો સિદ્ધાંત સ્થાપી કેવળ સુખાન્ત નાટકોની જ રચનાને સંમતિ આપી છે. નાટક માત્ર હર્ષ અને સુખમાં જ પરિણમવું જોઈએ એવા અચળ નિયમે સંસ્કૃતસાહિત્યને કરુણાંત નાટકના દ્વિતીય પ્રકારથી કાયમ વંચિત રાખ્યું છે. સંસ્કૃત અને ઈંગ્રેજી નાટ્યસાહિત્યના જાણકાર રણછોડભાઈએ ઢાલની બંને બાજુઓ નિરખી, અને આ નવા પ્રકારની રચના કરવામાં તેમણે અપૂર્વ હિંમત દાખવી. તેમણે નાટ્યાચાર્યના નિયમને ઉવેખ્યો, કરુણાન્ત નાટક સર્જ્યું, એકજ સપાટે રંગભૂમિ સર કરી અને પ્રેક્ષકવર્ગપર પ્રભુત્વ સ્થાપ્યું. કરુણાન્ત નાટક વધુ આકર્ષક નિવડે છે, તો શા માટે તેની રચના ઇષ્ટ નથી ? માનવજીવન કાંઈ કેવળ સુખથી જ છલોછલ ભરેલું નથી; તેમાં વસ્તુતઃ તો હર્ષ અને વિષાદ બંનેને સ્થાન છે; તો પછી નાટક પણ શાને કરુણરસમાં ન પરિણમે ?

સંસ્કૃત સાહિત્યમાં કરુણાન્ત નાટકના અભાવનાં મૂળ કારણો જરા જાણવા જેવાં છે. આર્યમાનસ અને આર્યસંસ્કૃતિનું આ કારણોમાં પ્રતિબિંબ પડતું હોવાથી સ્હેજ વિષયાન્તર કરીને પણ આ કારણની અહીં સંક્ષિપ્ત સમીક્ષા કરવામાં આવે છે.

નાટકની મૂળ ઉત્પત્તિ ધાર્મિક વાતાવરણમાં જ થઈ હતી. પ્રારંભમાં કંસહન્તા શ્રીકૃષ્ણ જેવા દેવો તેમાં નાયક તરીકે નિરૂપાતા હોવાથી નાટકને કરુણાન્ત બનાવવું એ ઈષ્ટ ન હતું; કારણકે લોકોની ધર્મભાવના દૈવી પાત્રોનો પરાભવ કે વિનાશનું નિરૂપણ સાંખી લેવા તૈયાર ન હતી. બીજું કારણ એ છે કે કાળબળે તેમાં નિરૂપાતાં માનવ પાત્રોની લોકોત્તરતાએ આ પ્રણાલિકાનું સમર્થન કર્યું. નિયત ધ્યેયે દોરી જવા સમર્થ હોય તે જ વસ્તુતઃ નાયક ગણાતો; પણ આવું સામર્થ્ય અસામાન્ય માનવીનો–લોકોત્તર પૃથ્વીપતિનો જ–ઈજારો મનાતો. તે કુલીન, પરાક્રમી અને ધીરોદાત્ત આલેખાતો. આવા ગુણનિધાન ભૂપતિનો પરાભવ કે વિનાશ પ્રેક્ષકો કલ્પી શકતા જ નહિ, અને નાટ્યકારો તેથી તે નિરૂપતા જ નહિ. સમર્થ નરાધિપ સરખા નાયકને નાટકના અંત ભાગમાં વિષાદ કે વિનાશની ખીણમાં હડસેલી ન દેવાય; પરિણામે નાટક કદી કરૂણાન્ત બની જ ન શક્યું. પણ સંસ્કૃત સાહિત્યમાં કરૂણાન્ત નાટકના અભાવનું એક ત્રીજું કારણ હજુ બાકી રહે છે. આ જન્મે નહિ, તે આવતે જન્મે અંતે તો સાધુઓ જ ઉગરે છે, ને દુષ્ટનો વિનાશ થાય છે. ગીતાના ગાનાર શ્રીકૃષ્ણ મહારાજને આ કોલ નાટકમાં પણ ધ્યાનપાત્ર બને છે. ધર્માત્માઓનો વિજય અને પાપીઓનો પરાભવ એ સિદ્ધાંત મનુષ્યની ઈશ્વરી શ્રદ્ધામાં જ આજે પણ, સર્વોત્તમ શરણ મેળવી રહ્યો છે. આ જન્મે નહિ તો જન્મ–જન્માંતરે જન્માંતરે પણ આખરે તો સદાચરણીઓ જ સુખી થાય અને દુષ્ટ વિલય પામે. આ નિયમનું સમર્થન એક જ જન્મની કથા નિરૂપતું નાટક પણ કેમ ચૂકે ? બે ત્રણ જન્મોની કથા આલેખી આ નિયમનું આબાદ સમર્થન કરનાર બાણ જેવા કથાકાર બહુ વિરલ હોય. વાસ્તવિકતા ને સરળતા ખાતર પણ નાટકે એક જ જીવનના–જન્મના–પ્રસંગો આલેખી ઉપરના નિયમનું સમર્થન કર્યું, અને તે રીતે માનવીઓની દૈવી શ્રદ્ધાને દૃઢ કરી. આ બધાં કારણોને લીધે સંસ્કૃત નાટક કેવળ સુખાન્ત જ રહ્યું, ને કરુણાન્ત નાટકનો નવો પ્રકાર કાયમને માટે અણસર્જ્યો જ રહ્યો.

સંક્ષેપમાં, રણછોડભાઈએ નાટકને વિશુદ્ધ કરવા પ્રશસ્ય પ્રયત્નો આદર્યા. તેને તેમણે નીતિબોધક અને રોચક કર્યું, તથા સહેતુક ને સ્વતંત્ર બનાવ્યું. અશ્લીલતા અને ગ્રામ્યતા રંગભૂમિ ઉપરથી અદીઠ થતાં લાગ્યાં, ને પહેલાંનું મલિન વાતાવરણ ઉચ્ચ તત્ત્વોને માર્ગ આપતું થયું. વિકૃત લોકરુચિનો અનાદર કરવાની ને તેની સામે ઝઝૂમવાની રણછોડભાઈએ હિંમત દાખવી અને રંગભૂમિના ઉચ્ચ આદર્શો મૂર્ત કર્યા. તેના “ઉન્નતિસાધક અંશો” આગળ વિકૃત મનોદશા ને ભવાઈની બીભત્સતા પરવરતી લાગી. સુરુચિ ને સંસ્કાર અપથ્ય તત્ત્વોને દાબી દઇ લોકજીવનને ઉન્નત બનાવવા પ્રવૃત્ત થયાં. આમ ગુજરાતી નાટ્યસાહિત્યનો આરંભ હિંદુ સમાજમાં સુધારો કરવાની ભાવનાથી થયો અને રણછોડભાઈ તેમાં અગ્રેસર ગણાયા. પણ પાછળથી રણછોડભાઈને નાટક અને રંગભૂમિ વિષેના નિયમો અને આદર્શોની ઉપેક્ષા થઈ. નવાં નાટકો તેમનાં સામાજિક નાટકોનું આંધળું અનુકરણ કરી રણછોડભાઈના પવિત્ર હેતુને નિષ્ફળ બનાવતાં ગયાં. પાછળ રહી માત્ર જૂની પરિસ્થિતિ, તેની તે વિકૃત મનોદશા, અને અધમ કલાદષ્ટિ ! રંગભૂમિ પરત્વે રણછોડભાઈનાં આરંભેલાં ને આદરેલાં હજુ પણ અધુરાં રહ્યાં છે. ગુજરાતની રંગભૂમિ જ્યાં સુધી ઉન્નત ન બને, લોકમાનસ સંસ્કારી ન થાય, અને શિષ્ટ ગણાતાં નાટકો શ્રાવ્ય જ ન રહેતાં દૃશ્યની લાયકાત દાખવી રંગભૂમિ ઉપર ફતેહ ન મેળવે ત્યાં સુધી તે રણછોડભાઈને આદર્શો વણપાંગર્યા. વણફાલ્યા–જ રહ્યા છે. વર્તમાન રંગભૂમિમાં પલટો થતો જાય છે , પણ તે અતિ અલ્પ અને સામાન્ય છે. અધમ તમાશ–બીનોના રુચિતંત્રથી જ આપણે નાટકની તખ્તા–લાયકીને નિરખવી જોઇએ નહિ. આમ જો રંગભૂમિનું ઉચ્ચીકરણ થાય તે ગુજરાતી નાટ્યસાહિત્યના અગ્રેસર અને રંગભૂમિના ઉદ્ધારક રણછોડભાઈનો આત્મા આજે પણ સંતોષ અનુભશે ! ધન્ય હો આવા ઉત્સાહી સાહિત્યસેવકને અને સમાજસુધારકને ! *[]


  1. * પ્રસ્તુત લેખ મુંબઈની રણછોડભાઈ શતાબ્દી–મહહોત્સવ સમિતિએ પ્રસિદ્ધ કરેલા ‘રણછોડભાઈ શતાબ્દી ગ્રંથ’માં પણ પ્રગટ થયો છે.—કર્તા (બીજી આવૃત્તિ)