સોરઠી બહારવટીયા - ભાગ બીજો/જોધો માણેક : મૂળુ માણેક

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
સોરઠી બહારવટીયા - ભાગ બીજો
જોધો માણેક : મૂળુ માણેક
ઝવેરચંદ મેઘાણી
જેસાજી વેજાજી  →

જોધો માણેક : મૂળુ માણેક

૧. ભાગતા દુશ્મનોને એણે માર્યા નથી.
૨. પે મ ભજો ! બાપ ન ભાગો ! માનું દૂધ ન લજાવો ! એવા શબ્દે એણે શત્રુઓને પડકારી ઉલટું શૈાર્ય ચડાવ્યું છે.
૩. બહારવટાનાં અન્ય ઉંચાં બિરદો એણે બરાબર પાળ્યાં છે.
૪. ઇતિહાસકાર રા. સા. ભગવાનલાલ સંપતરામ એજન્સીના અધિકારી હોવા છતાં પણ લખી ગયા છે કે:

"બેશક તેઓ થોડા છતાં મોટી મોટી ફોજ સામા આવી બથ ભીડતા, ને શાબાસી પડકારાથી સારા સારા લડવૈયાનાં હાજાં નરમ કરી નાખતા. કારણ કે તેઓ મરણીયા થયા હતા. મરવું મારવું એજ તેઓએ નિશ્ચય કર્યો હતો. આમાંથ જીવતા રહી ઘેર બેસીશું એવી તેમને આશા જ નહોતી."

"તેઓ! ઉપર ગાયકવાડે જુલમ કર્યો હતો અને તેજ કારણથી તેઓને પોતાનાં ઘરબાર ને બાપુકા વતન મૂકી ભાગવું પડેલું. તેઓના સારા સારા લોકો કપાઈ ગયા હતા. ભૂખ તરસ ને ટાઢ તડકા વેઠી તેઓનાં મગજ ફરી ગયાં હતાં. અને તાલુકદારી તેમજ સરકારી ફોજ તેઓને એક જગે નરાંતે બેસવા દેતી નહોતી. તેથી વેર લેવું ને મરવું એ વિચારે તેઓના મગજમાં મજબૂત ઘર કર્યું હતુ."

"વાઘેરો વિષે દેશના લોકોને પણ ઘણું તપતું હતું. તેઓ જાણતા હતા કે બિચારા ઉપર ગાયકવાડે જુલમ કર્યો છે.

* * *
"હવે મૂળુ એકલો રહ્યો ને આ વખતથી નિરાશ થઈ ગયો. ઘણી

ભુખ તરસ, થાક ઉજાગરા, ફોજ મુવાનો અફસોસ, ભાઈ જેવા ભાઈનું મોત, તે પણ વિયોગમાં થયું. તેથી શું તેના મનને થોડું લાગતું હશે ? કહે છે કે કેટલીક વાર તો મૂળુ લાંઘણો ખેંચતો. ને કેટલીક વાર તેને સાત સાત દહાડા સુધી અનાજ નહિ મળેલું.

"દ્વારકાની લડાઈ વખતે જે દોઢ હજાર માણસનું ઉપરીપણું ભોગવતો તે હવે ફક્ત અંગત પાંચ સાત માણસથી રહ્યો. એટલું સારૂં થયું કે તેની આ દુઃખદાયક ઝીંદગીનો થોડા વખતમાં અંત આવી ગયો. બેશક તે હરામખોરનો ધંધો લઈ ફરતા, એટલે સામાન્ય રીતે જોતાં આપણે આવાં મૃત્યુથી ખુશી માનવી જોઈએ. તો પણ તેને એમ કરવા ગાયકવાડ સરકારે જુલમથી ફરજ પાડેલી.

"જમાનાની રીત સમજવા તેનામાં પહોંચ નહિ, એટલે તે કેટલીક બદસલાહને વશ થયેલો. તો પણ તેના મહાન વિચાર, તેનું શુરવીરપણું, તેની ઉદારતા, અને તેના આવા પ્રકારના મરણથી, તેના કુટુંબ પર ગુજરેલી અપદશા દેખી કઠણ દિલના માણસને પણ દયા આવ્યા વિના રહેજ નહિ. × × મૂળુનાં કામાં એવાં ન્હોતાં કે તેને આપણે હલકી પંક્તિના બહારવટીયાની જોડે સરખાવીએ.

* * *

"મને બીજા કોઈ ઢેડ અને પીડાકારક વાઘેર મૂવા તેનું કાંઈ તપતું નથી, પણ એક ઉચ્ચ ખાનદાન આખી ટોળી માટે જ તપે છે. અરે ! તે સર્વનો ઘાણ નીકળી ગયો."

"તેઓ સાવ અણસમજુ નહોતા. પણ તેઓને સોબતે ભૂલાવ્યા. હલકા વાઘેરોએ તેમના માથાં ફેરવી નાખ્યાં. અને વળી તેમાં ગાયકવાડી જુલ્મે વધારે અસર કરી."

"સિપાહી તો ખરાજ. મરવાં મારવાં તે તો હિસાબમાં નહિ, વાણીયાં ન હતા કે ભાઈ બાપા કહી કીધેલાં અપમાન સહન કરે."

"વૈર લેવાના જોશમાં દુર અંદેશે ભુંડું થશે તે સૂઝ્યું જ નહિ. જોધાના વિચાર તો આખર ઘડી સુધી સારા હતા, પણ બીજાએાએ તેને પરાણે ફસાવ્યો"

[ રા. સા. ભગવાનલાલ સંપતરામ
કૃત “સૌરાષ્ટ્ર દેશનો ઇતિહાસ”]

આંબલી બોરડીની ઠાંસોઠાંસ અટવી : ભુંભલા થોરની ગીચ અંધારી ઝાડી : ધોળે દિવસે પણ ગભરાવી નાખે એવું એ ત્રીસ ગાઉનું જંગલ*[૧]: એના કારમા પંથ કાપીને જાત્રાળુ ગોમતીજીને કાંઠે પહોંચે, ત્યાં આસમાની દરિયાની છોળો ઉછળીને રણછોડરાયના પગ પખાળે છે. જે રણછોડ ! જે રણછોડ ! લલકારતો જાત્રાળુ ઓખામંડળની ઝાડી વીંધે છે. રૂપાળા દરિયા ને કારમા વગડાની વચ્ચે એને કાબા લૂંટી ખાય છે. જાત્રાળુ પોતાને દેશ જઈને ગીતો ગાય છે કે

અસી કોસ કી ઝાડી લગત હે !
કાબા કઠિન કઠોર, દ્વારકામેં રાજ કરે રણછોડ !
ડંડા કુંદા છીન લેત હે !
તુંબા ડારત ફોડ, દ્વારકામેં રાજ કરે રણછોડ !

જળમાં કોઈ વ્હાણ ન હેમખેમ જાય, ને થળમાં ન જાત્રાળુ વણલૂંટ્યો જાય. એનું નામ જ ઓખો ! એવા ઓખામંડળમાં એક દિવસ કેવી બીના બની રહી હતી ?


 1. *ઓખામંડળની ઝાડી એટલી ગીચ હતી કે પૂર્વે ત્યાં ચોત્રીસઈંચ વરસાદ પડતો. આજે ઝાડી છેક જ કપાઈ ગઈ છે.

સોળ વરસની એક કુંવારકા : તળાવની પાળેથી પાણી ભરીને, ચાલી આવે છે : માથા ઉપર છલોછલ ભરેલી હેલ્ય : અને બન્ને હાથમાં ત્રણ ત્રણ વરસની દૂધમલી બે ખડેલી પાડીઓ : જોરાવર ખડેલીઓ રણકતી રણકતી મોટા ઠેકડા મારતી આવે છે. પણ પનીઆરીના માથા પરનું બેડું જરીકે ડગમગતું કે છલકાતું નથી. એને મન તો આ ખડેલીઓ જાણે હાથમાં ઉંદરડી રમતી આવતી હોય એવી લાગે છે. એની મુખમુદ્રામાં કે કાયામાં ક્યાંય થડકારો નથી.

નિરખીને અજાણ્યે અસવાર તો આઘેરો ઉભો જ થઈ રહ્યો. આ ભીનલાવરણી પનીઆરીનાં કાંડાંનું કૌવત નિરખીને એ રાજપૂત જુવાનનો શ્વાસ હેઠો બેસી ગયો. પડખે ચાલતા આદમી પાસેથી પોતે જાણી લીધું કે આ ગામનું નામ હમોસર : માછીમારની દીકરી : બાપનું નામ મલણ કાળો : હજી બાળ કુંવારડી જ છે.*[૧]

“ઓહોહો ! આના પેટમાં પાકે એ કેવા થાય ! મનધાર્યા મલક જીતી આપે !”


 1. કર્નલ વૉટસન પોતાના 'કાઠીઆવાડ સંગ્રહ'માં લખે છે તે પ્રમાણેતો આ કન્યા મલણકાળાની પોતાની નહિ પણ દત્તક દીકરી હતી.એટલે કે ઓખામંડળની અંદર હેરોળો નામની જે રાજપૂત જાતિનીચાવડા રાજપૂતોએ કતલ કરી નાખી, તે હરોળોના સરદારની આ પુત્રીને મલણે શરણે લીધી હતી. (જુઓ કા. સ. પાનું ૩૧૦ )
એવા વિચાર કરતો ઘોડેસ્વાર ઘોડો ફેરવ્યા વગર, પાછા

વળીને પોતાની ફુઇના આરંભડા ગામને ગઢે આવ્યો. આવીને રઢ્ય લીધી : “ફુઈ, પરણું તો એક એને જ.”

રાઠોડ રાજાની રાણી તો રજપૂતાણી હતી. કચ્છના ધણી રાવ જીયાજીની દીકરી હતી. એનાથી આ શે સંખાય ? કુળનાં અભિમાન કરતી એ બોલી :

“અરે બાપ ! ઈ તો કાબા : ગોપીયુનાં વસ્તર લૂંટનારા ; "પણ ફુઈ ! અરજણ જેવા અજોડ બાણાવળીનું ગાંડિવ આંચકી ગોપી તળાવની પાળે એની ભુજાયુંનો ગરવ ગાળનારા એ કાબા !”

“પણ વીરા ! એના તો માછલાં મારવાના ધંધા : કાળાં વહરાં એનાં રૂપ : અને તું તો કચ્છ ભુજનો ફટાયો : જદુવંશીનું ખોરડું : આપણને ઈ ખપે ?"

“ખપે તો ઈ એક જ ખપે ફુઈ ! જગતમાં બાકીની બધી નાની એટલી બેન્યું, ને મોટી એટલી માતાજીયું !”

આરંભડાના રાઠોડોને ઘેર રીસામણે આવેલા ભુજના કુંવર હમીરજીએ હમૂસરની સરોવર-પાળે દીઠેલી કાળુડી માછીમાર કન્યા ઉપર પોતાનો વંશ અને ગરાસ ઓળઘોળ કરી દીધો. ઓખામંડળના કાબાઓની સાથે એણે લોહીનો સંબંધ જોડ્યો. અને ઓખામંડળ ઉપર પોતાની આણ પાથરવા માંડી. બોડખેત્રી ગામનાં તોરણ બાંધ્યાં, 'વાઘેર' એની જાત કહેવાણી.

કાબાની એ કુંવરીને ખોળે જે દિવસ જદુવંશીના લોહીનો દૂધમલ દીકરો જન્મીને રમવા લાગ્યો, તે દિવસ ગામ પરગામનું લોક થોકેથોક વધામણીએ હલક્યું. વાઘેર બેટડાનાં રૂપ નિહાળી નિહાળીને માણસોનાં મ્હોંમાંથી નીકળી ગયું કે

“ઓહોહો ભા ! હી તે માણેક મોતી જેડો ! લાલમલાલ માણેક !”

તે દિવસથી 'માણેક' નામની અટક પડી. વાઘેરની તમામ કળીએામાં 'માણેક' શાખાની કળી ઉંચી લેખાણી. ઓખામંડળ એટલે તો ઠાંસોઠાંસ કાંટાળા વગડાં અને ઉંડા વખંભર ખડા. વળી કાબાકુળનો તો અવતાર જ લૂંટ કરવા સાટુ હતો. માછલાં મારે, મછવા લઈને દરિયામાં વ્હાણ લૂંટે, અને હડી કાઢીને ધરતીમાં જાત્રાળુઓ લૂંટે, પણ કાબા ભેળા રજપૂત ભળ્યા, તે દિવસથી માણેક રાજાઓએ તીર્થધામનું રક્ષણ આદર્યું અને જાત્રાવેરો ઠરાવી જાત્રાળુઓનું જતન કરવા માંડ્યું.

માણેક કળીમાં માંહે માંહે કોઈ અમૂલખ પુરૂષો પાક્યા. એણે વાઘેરોની જાતમાં ખાનદાનીના રંગ ચડાવ્યા. સમૈયો માણેક ઓખામાં આજ પણ ઘરોઘર સાંભરે છે. કેવી કેવી એની વાતો થાય છે:

સોરઠ ધરામાંથી એક દિવસ સવારે દ્વારકાના દરબારગઢમાં એક ગાડું આવીને છૂટ્યું છે. અંદરથી બે ધણીધણીઆણી ઉતર્યાં. સ્ત્રીના હૈયા ઉપર કેશુડા સરીખો બેટડો રમી રહ્યો છે.

ડેલીએ ગાડું છૂટેલ ભાળીને દરબાર સમૈયાજીએ સાદ કર્યો “કેર માડુ આય ?”

“સમૈયા માણેક ! હકડી ઓરત અચી આય. હી બાઈ તો હીં ચુવેતી કે મુ જે તો સો નારીએર સમૈયા માણેકજે કપારમે ઝોરણાં !” [એક એારત આવી છે, ને એ તો એમ કહેછે કે મારે તો સમૈયા માણેકના કપાળમાં એકસો નાળીએર ફોડવાં છે.]

પરદેશણ બાઈએ કહેવરાવ્યું : “બાપા ! ભૂલ ભૂલમાં મારાથી જીભ કચરાઈ ગઈ છે. દીકરો નો'તો થાતો, તે માનતા કરી કે જો શામળાજી દીકરો દેશે તે દ્વારકાના દેવરાજા સમૈયાને કપાળે હું એક સો શ્રીફળ વધેરીશ. મેં તો જાણ્યું તું કે સમૈયો માણેક દેવ થઈ ગયા હશે અને એનો પાળીઓ પૂજાતો હશે !"

“નાર સમૈયા ! તોજી માનતા ! ફોડ હણેં મથ્યો ! દેવજા ડીકરા !” એમ કહી કહી દાયરે દરબારની ઠેકડી આદરી.

સમૈયાએ દાતણની ચીરો નીચે નાખી, મોઢું ધેાઈ, દ્વારકાધીશની સામે હાથ જોડ્યા. ને પછી બાઈને કહેવરાવ્યું: “હલી અચ ! મંઝી ધી ! હલી અચ ! તોજી માનતા પૂરી કર. હી મથ્થો ખુલ્લો જ રખી ડીઆંસી ! [હાલી આવ.. મારી દીકરી ! હાલી આવ. ને તારી માનતા પૂરી કર. આ માથું મેં ખુલ્લું જ રાખી દીધું છે.”]

એક સો શ્રીફળનો હંબાડ કરીને બાઈ ઉભી રહી. દીકરાને સરૈયાના પગમાં રમતો મૂકયો. પહેલું શ્રીફળ ઉપાડ્યું. માણસ જેવા માણસના કૂણા માથાને પત્થર માનીને શ્રીફળ પછાડવા જાતાં એનો હાથ આંચકા લઈ ગયો. ત્યાં તો સમૈયાએ બાઈને ફરી પડકારી:

“અરે મંઝી ધી ! અરે બેટડી ! હી મથ્થો પત્થર જેડો તો આય ! હીન મથથેજી દયા મ રખ. ઝોર બરાબર.”

બાઈએ શ્રીફળ પછાડ્યું. માથાને અડ્યા પહેલાં અદ્ધરથી જ ફટાકો બોલ્યો. શ્રીફળનાં બે કાચલાં જમીન ઉપર જઈ પડ્યાં.

એક સો શ્રીફળ એ જ રીતે અદ્ધરથી જ ફુટ્યાં. માનતાવાળી બાઈ “બાપા ! બાપા !” કરતી સમૈયાના ચરણોમાં ઢળી પડી.

“બાઈ ! મઝી મા ! આંઉ ડેવ નાઈઆં. હી તો તોજે ધરમસેં થીયો આય. [બાઈ ! મારી મા ! હું કાંઈ દેવ નથી. આ તો તારા પોતાના જ ધર્મથી થયું છે.]

એટલું બોલીને સમૈયાએ પોતાની દીકરી માનેલી એ બાઈને પહેરામણી દીધી. બાઈ ગાડું જોડી ચાલી ગઈ.

+

સમૈયાનો કુંવર મુળુ માણેક કુફેલમાં ગરકાવ છે. એ માતેલા રાજકુંવરે વસ્તીની મરજાદ લોપવા માંડી છે. લોકોએ નગરશેઠ ઈંદરજી ભાઈની પાસે રાવ પહોંચાડી. બુઢ્ઢો ઈંદરજી ડગુ મગુ પગલે કચેરીમાં ગયો. શેઠને ભાળતાં જ સમૈયાએ દોટ દીધી :

“ઓહો કાકા ! આજે અચણો ખપ્યો ? [આપને આવવું પડયું ?]”

“હા સમૈયા ! બીયો ઈલાજ ન વો. [બીજો ઈલાજ નહોતો.]”

“કાકા ! ચ્યો, ફરમાવો. ”

“સમૈયા ! હાથી હરાડો થીયો !”

“કાકા, આંઉ બંધીનાસી.” [હું બાંધી લઉં છું.]

હાથી હરાયો થયો છે, તો એને હું બાંધી લઈશ: એટલી જ સમશ્યા થઇ. ઈંદરજી શેઠ દુકાન પર ગયા. ને દરબાર ન્હાઈને મંદિરમાં પહોંચ્યા. પાંચ માળા ફેરવી. પછી બે હાથ જોડીને બોલ્યા :

“હે ધજાવારા ! તુંમે જો સાચ વે, તે મુંજો પૂતર ત્રે ડિમેં મરે, નકાં આંઉ મરાં !” [ હે ધજાવાળા ! તારામાં સાચ હોય, તો મારો પુત્ર ત્રણ દિવસમાં મરે, નહિતર હું મરૂં !]

ત્રીજે જ દિવસે એ જુવાન દીકરા મૂળને જમનાં તેડાં આવેલાં.

વા પૂર્વજોના છેલ્લા બે નેકીદાર વારસદારોની આ વાર્તા છે.

સીત્તેર વરસ ઉપર ત્યાં અમરાપર નામે નાનું ગોકળીયું ગામડું હતું. આજે ત્યાં ગામનો ટીંબો યે નથી. ગામની જગ્યા ઉપર જમીન ખેડાય છે : દ્વારકાથી દોઢ બે ગાઉ જ આઘે :

એ અમરાપર ગામમાં જોધો માણેક અને બાપુ માણેક નામના બે ભાઈઓ, ઓખામંડળના વાઘેરોમાં ટીલાત ખોરડાના બે વારસો રહેતા હતા. રાજ તો ગાયકવાડ સરકારને હાથ ગયું છે. દ્વારકામાં પલટન પડી છે. ગામડે ગામડે પલટનનાં થાણાં થપાણાં છે. વાઘેર રાજાઓને ગાયકવાડે જીવાઈ બાંધી આપી છે. પણ હમણાં હમણાં તો અમરાપુરવાળા ટીલાતોને જીવાઈ મળવી યે બંધ પડી છે.

ગાયકવાડનો સૂબો બાપુ સખારામ મદછક બનીને દ્વારિકાના મહેલમાં બોલે છે કે

“કાય ! વાઘેરાત મંજે કાય આહેત ! [શું છે ! વાઘેર બાપડા શી વિસાતમાં છે ?]”

એ ટીલાત ખોરડાની વાઘેરણો આજ પાદરેથી પાણીનાં બેડાં ભરીને ઓસરીએ હેલ્યો ઉતારે છે, પણ એનાં મોઢાંની લાલી આજ નોખી ભાતની બની ગઈ છે. મોઢાં ઉપર ત્રાંબાં ધગ્યાં દેખાય છે.

એાસરીમાં જ પોતાના ધણીઓ બેઠા છે. પણ મુખડાની લાલપનું કોઈ કારણ પણ બાઈઓને નથી પૂછતું. પરસેવે ટપકતાં લાલ નેત્રોવાળી વાઘેરણો છંછેડાઈને બોલી :

“અસાંજા થેપાડાં આંઈ પર્યો ! અને હણે આંજી પાઘડી અસાંકે ડ્યો !” [અમારી થેપાડાં (ધાધરા) તમે પહેરો. અને હવે તમારી પાઘડી અમને આપો.]

બેય ભાઈઓનાં મ્હોં ઉંચા થયાં. જોધાએ ધીરે અવાજે પૂછ્યું કે “આજે શી નવાજૂની બની છે વળી ?”

“નવું શું થાય ? રોજે રોજ થઈ રહ્યું છે ને ! રજપૂતોને પાદર મોરલા મરે, ને રજપૂતાણીયુંનાં બેડાં કાંકરીએ વીંધાય: દાઢી મૂછના ધણીયું બેઠા બેઠા ઈ બધું સાંખી લ્યે !”

“કોણે મોરલા માર્યા ? કોણે કાંકરીઓ ફેંકી ?”

“બીજા કોણે ? દ્વારકાના પલટન વાળાઓએ.”

જોધાએ શિર નીચે ઢાળ્યું. પણ બાપુને અને એના દીકરા મુળુને તો ઝનૂન ચડવા લાગ્યું. ધીરી ધીરી ધમણની ફુંકે ઓચીંતો ભડકો થાય. તેમ ધીરે ધીરે વિચાર કરીને બાપ દીકરો ભભૂકી ઉઠ્યા.:

“જોધો ભા ! તોથી કીં નાઈ થીણું. અસાંથી સેન નાંઈ થાંદો. દ્વારકાં પાંજી આય, પલટણવાળેજી નાય ! પાંજી રોજી બંધ કરી છડ્યું આય ! પાણ પાંજો ગામ ગીની ગીંડો. [તારાથી કાંઈ નથી થવાનું. અને હવે અમારાથી સહન નથી થતું. દ્વારકા આપણી-આપણા બાપની છે, પલટણવાળાની નથી. શા માટે આપણી રોજી બંધ કરી ? આપણે આપણું ગામ પાછું લેશું.] ”

“દ્વારકા પાંજી આય !”

દેવળના ઘુમ્મટ જેવા જોદ્ધાના હૈયામાં પડઘો પડ્યો : “દ્વારકા પાંજી આય !"

ઓહોહોહો ! કેવો મીઠો પડઘો -! આખે શરીરે રોમરાઈ અવળી થઈ ગઈ. પણ ગરવો જોધો એ મમતાનો ઘુંટડો ગળી ગયો.

એવે ને એવે ધીરે અવાજે એણે ઉત્તર દીધો કે “ભાઈ ! વસઈ વાલેજા ચડાવ્યા મ ચડો. આજ પાંજે સેન કર્યા વન્યા બીયો ઇલાજ નાંય. હકડી ઘડીમેં પાંજા ચૂરા થીંદા. અચો, પાણ રામજીભાજી સલાહ ઘીનું [ભાઈ ! વસઈવાળા વાધેરોના ચડાવ્યા ચડો મા. આજ આપણે સહન કર્યા વિના બીજો ઈલાજ નથી. એક ઘડીમાં આપણા ચૂરા થઈ જશે. ચાલો આપણે રામજી ભાની સલાહ લઈએ.]

રામજી શેઠ નામે દ્વારકાનો ભાટીઓ હતો. અમરાપરવાળા વાધેરોનો સાચો ભાઈબંધ હતો. ડાહ્યા વેપારીએ આ ઉશ્કેરાયલા બાપ બેટાને ઠાવકી જીભે સલાહ આપી કે “ભાઈ, આજ લડવામાં માલ નથી. વસાઈવાળાના ચડાવ્યા ચડશો નહિ.”

રોજ રોજ પલટનવાળાઓની આવી છેડ સાંખતા સાંખતા વાઘેર ટીલાતો બેઠા રહ્યા. પણ પછી છેવટે એક દિવસ સહન કરવાની અવધિ આવી ગઈ.

ને ૧૮૫૮નો જાનેવારી મહિનો છે. વ્હેતાં વ્હેન પણ થંભી જાય એવી ટાઢ સૂસવાટા મારે છે. અધરાત ભાંગી નથી, પણ સોપો પડી ગયો છે. વગડામાં કોઈ વિલાપ કરતું હોય એવા સૂર કાઢતો પવન, બોરડીઓ ને આંબલીઓનાં પાંદડાને ખખડાવી, પછાડી, માવછોયાં બાળકો જેવાં બનાવી ઉપાડી જાય છે. અને એ બધું ય, ઓખામંડળનાં રાભડીયાં, કદાવર કુતરાં ટુટીઆં વાળીને પડ્યાં પડ્યાં સાંભળે છે, પણ ભસવાનું જોર બતાવી શકતાં નથી. ગામથી તદન નજીક ધૂતારાં શિયાળવાં લુચ્ચાઈની લાળી કરીને વગડો ગજાવે છે.

તેવે ટાણે ઓખામંડળના ધ્રાશણવેલ ગામના પાદરમાં, ટીલાવડ નામે ઓળખાતા ચામુંડાના વડલા નીચે, અંધારામાં પાંચ છ મોટી શગડીઓ સળગી રહી છે. અને શગડીને વીંટી પચીસ જણા, પાંચેક હોકા પતંગમાં ફેરવતા ફેરવતા, ઉભા ગોઠણ સાથે કસકસીને પછેડીની પલોંઠી ભીડી સજ્જ હથીઆરે બેઠા છે. મ્હોંયે બોકાનાં ભીડ્યાં છે. પચીસેનો પોશાક જાડેજા રજપૂતો પહેરે છે તેવી જ ઢબનો છે. પણ પહેરવેશમાંથી રાજવટને શોભે તેવી રિદ્ધિ સિદ્ધિ ઉડી ગઈ દેખાય છે. પાઘડીઓમાં પડેલા લીરા, ઘડીની અંદર સંતાડી દીધેલા છે. અને ચોરણીઓના થીગડાં પલાંઠી ભીડેલ પછેડી હેઠે દબાવેલાં છે. ઓખામંડળના રાજાઓની એ અધરાતે એવી હાલત હતી. “સહુ આવી ગયા ?” એમાંથી મોટેરા દેખાતા એક વાઘેરે ચારે બાજુ પોતાની ચિત્તા સરખી ચકચકતી આંખ ફેરવી.

“હા, રવા માણેક : આવવાના હતા એ સંધા આવી ગયા.” બીજાએ જવાબ દીધો.

“સાંઢીઓ સંધેય ગામે ફેરવ્યો'તો ને ?”

“તમામ ગામે. નેહડું યે બાકી નહિ.”

“અમરાપરથી કોણ કોણ હાજર છે ?”

“હું જોધો, બાપુ, ને મુળુ માણેક : ત્રણ જણા.” ગરવા અને ઓછાબોલા છતાં મીઠોબોલા મુખી જોધા માણેકે જવાબ વાળ્યો.

“બસ, માપાણી ટોળામાંથી ત્રણ જ જણ ? ઠીક, શુમણીયામાંથી ?”

“હું ખીમો, ઘડેચી વાળો ”

“ભલા. જોધાણી કોઈ ?”

“હું ભીમો. મેવાસેથી.”

“ઠાવકી વાત, કુંભાણી કોણ છે ?”

“હું હબુ. મકનપરથી.”

“બીજા કોણ કોણ માડુ છે ?”

“કરસન જસાણી ને ધુનો જસાણી મુળવા૫રથી : દેવા છબાણી ને રાયદે ભીમાણી શામળાસરથી : ધંધો ને સાજો પીંડારીઆ; અને વશીવાળામાંથી તું રવો, પાળો, રણમલ અને દેવો; એટલું થારાણી ખોરડું. "

મ્હોં મલકાવીને રવો બોલ્યો, “ત્યારે તો અમારા માડુ સંધાયથી વધુ એમ છે જોધા ? માથાં વાઢી દેવાં, એ છોકરાંની રમતું નથી, વસીવાળાને ઓખો જાય તેની ઉંડી દાઝ છે ભા !" “સાચું કહ્યું રવા માણેક !” જોધા માણેકે આ વસીવાળા ચારે જણાના ચહેરાની ખુન્નસભરી કરડાકી અને દોંગાઈની રેખા પારખીને ટુંકો જવાબ વાળ્યો.

“ત્યારે હવે લાવો વારૂ.”

“હાજર છે ભા !” કહીને ધ્રાશણવેલના વાઢેલ ગરાસીઆ દાદાભાઈ ને રામાભાઈ ઉઠ્યા. સહુને થાળી પિરસાણી.

“ભારી દાખડો કર્યો દાદા ભા !”

બે હાથ જોડીને પોતાના વાઘેર ભાઈઓની સામે દાદોભા વાઢેલ ઉભો રહ્યો : “આપ તો ધણ જોગ, પણ અસાંજી સંપત એતરી, ભા !”

શગડીએ પોતાના હાથ પગ શેકતા, વાળુ કરીને સહુ બેઠા. એટલે વસીવાળા રવા માણેકે પોતાના બઠીઆ કાનની બુટ ખજવાળતાં ખજવાળતાં વાત ઉચ્ચારી કે

“ત્યારે હવે શું ધાર્યું છે સંધાએ ?”

“હવે તો ગળોગળ આવી ગયા છીએ.” જોધાણી કુંભાણીએ વાતને વેગ આપ્યો.

“ઓખામંડળના ધણી હતા, તે તો મિટાવી દીધા. પણ રાબ રોટલો ખાવા જેટલી જીવાઈ બાંધી આપી છે, તે પણ વહીવટદાર છો મહિનાથી ચૂકવતો નથી.”

“હાથે કરીને પગે કુવાડો આપણે જ માર્યો છે ને ?”

“કોણ છે ઈ માડુ ! જોધો માણેક ને ? જોધાએ કાયમ આપણી જ કસૂર કાઢી છે.”

“હું જૂઠ નથી બોલતો ભા ! આપણે રાજા મટીને ચોર ઠર્યા તે આપણે જ લખણે. પોણોસો વરસથી સંભારતા આવો; આપણે કેવાં કામાં કર્યાં ? નગર, પોરબંદર ને ગોંડળ જેવાં રજવાડામાં લૂંટ આદરી : એટલે માર ખાધો, ને ફક્ત પાંચ ગઢ, ને સતાવીસ ગામડાં રહ્યાં. “હા, પછી જોધા ભા ?” રવો દાઢવા લાગ્યો.

“ પછી શું ? પચાસ વરસ ઉપર આપડે જ વડવે ભેળા થઈ રાણી સરકારના વેપારીનું વ્હાણુ લૂંટ્યું. અને એમાંથી એક ગોરાને ને એક બાપડી મઢમને દરિયામાં ફેક્યાં. ફેંક્યા તો ફેંક્યા, પણ એ લૂંટ ને એ ખૂનની વળતર રૂપીઆ સવા લાખ ચૂકવવાનું કબુલીને પછી ખૂટલાઈ કરી ન ચૂકવ્યાં, ત્યારથી વાધેર ઈજ્જત ગુમાવીને ચાંચીઆ ઠર્યા. દરિયામાં લૂંટવા સિવાય આપણા વડવાએ કર્યું શું ? ઓખાના બારામાં ટોપીવાળાનાં વ્હાણ પેસી ગયાં તે આપણાં જ પાપે. ”

“રંગ છે વાધેરના પેટને ! બલોયાં પહેરો બલોયાં, જોધા ભા !”

“હવે તો ક્યારનાં યે બલોયાં કાંડામાં પડી ગયાં, રવા ભા ! તું ને હું જીવીએ છીએ, ને ઓખો ખાલસા થઈ ગયો, આપણે ધણી હતા તે જીવાઈદાર થયા. આપણે માથે લશ્કરનાં બટાલીઅન બેઠાં, ઠેર ઠેર થાણાં થપાણાં. કપ્તાનો રસીડાન્ટો, ને પોલીટીકાલોનું તો કીડીયારૂ ઉભરાણું ! અને આ ગાયકવાડીનો જુલમ તો હવે જોયો જાતો નથી. ”

“ગઈ ગુજરી જવા દો જોધા ભા ! અને હવે કહો, આપણે કરવું શું ?” જોધા માણેકના આજ્ઞાવશ વાઘેરોએ અગ્નિ ઉપર રાખ વાળી.

“આપણે કરીએ છીએ તેના ઉપર આ વસીવાળા ભાઈઓ ધુળ વાળી દે છે એનું શું કરવું ?” જોધાએ કહ્યું.

“શું ધુળ વાળી ?” રવો ડોળો ફાડીને બોલ્યો.

“તમે વગર કારણે આરંભડું ભાગ્યું. તોરમાં બેટનો કિલ્લો કબ્જે લીધો, એમ સાત ગામડાના ગરાસીઆએ ઉઠીને સમદરનાં પાણી જેવી સરકારની સત્તા સામે ઉતાવળી બાથ ભરી. એમાં સરકારની ધુંવાધાર તોપું આવીને આપણા બારામાં ડાચાં ફાડી ઉભી છે. અને જાત્રાળુઓ રણછોડરાયજીનાં દર્શને ન આવી શકે, એ પાતક કાંઈ ઓછું !” “અને જોધા ! તું ડાહ્યો ડમરો, તું વળી સરકારની સાથે નેકી જાળવીને શી કમાણી કાઢી આવ્યો ? કપિલા છઠ્ઠની જાત્રામાં અમે તો જાત્રાળુ પાસેથી કરોડુંનો માલ કબજે કરત. પણ તું સરકારનો હેતનો કટકો થાવા ગયો. તે જાત્રાળુની ચોકી કરીને ગાયકવાડને ચાર લાખ કોરીનો કર પેદા કરાવ્યો, તેનો સિરપાવ તને શું મળ્યો ? તું ચોર હો, તેમ તારા જામીન લેવાણા. તે દિ' તને કચેરીમાં બોલાવી ભુંડે હાલે કેદ કરવાની પણ પેરવી થઈ'તી અને હવે તારી જીવાઈ પણ રોકી રાખી. લે, લેતો જા ગાયકવાડી પાઘડી ! બોલ, રણછોડરાયજીના કસમ ખાઈને કહે, તેં રાજકોટ છાવણીમાં પણ ખબર કહેવરાવ્યા છે કે નહિ ?”

“હા ભાઈ, પંદર દહાડાની મેતલ આપી હતી.”

“પંદર દિવસ થઈ ગયા ?”

"હા."

“બસ, ત્યારે બોલો હવે જે રણછોડ !”

“જે રણછોડ !” ટીલાવડ કાંપી ઉઠે તેવા વિકરાલ અવાજે પચીસ ગળાં લલકારી ઉઠ્યાં.

“જોધા ભા !” જોધાનો ભાઈ બાપુ માણેક બોલ્યો. “ હું હજી આજ જ મારી રોજીની ઉધરાણી કરીને બાપુ સખારામ પાસેથી હાલ્યો આવું છું. અને એણે મને શું જવાબ દીધો, ખબર છે ? મ્હોંમાંથી ગાળ કાઢી. ”

“ હેં, ગાળ કાઢી ? જબાન કાપી લેવી'તી ને ?”

“શું કરૂં ભા ! તારો ડર લાગ્યો, નીકર હું વાઘેરનો બચ્ચો, ઈ ચટણાની ગાળ કાંઈ ખમું ? એણે તો સામેથી કહેવરાવ્યું છે કે અમરાપરને પાદર અમારા બે મકરાણીનાં ખૂન કર્યાં છે, માટે હવે તૈયારીમાં રહેજો, અમરાપરને તોપે ઉડાવવા આવું છું. ”

“મકરાણીનાં ખૂન ? શા સારૂ ?" “હા જોધાભા! મકરાણી ખંભે બંદૂકું ટીંગાડીને નીકળ્યા'તા અને પાદરની આંબલી માથે મોરલો બેઠો'તો તેને માથે ગોળી છોડી. મોરલો તો ભગવાનનું વાહન : એનું શાક કરીને બચારા મકા ખાતા'તા ? અમે દોડીને બેય મકાનું જ કાચું ને કાચું શાક સમળીયુંને ખવરાવી દીધું, તેનો બદલો લેવા બચાડો બાપુ સખારામ તોપુંના રેંકડા હાંકી લાવશે !”

“હા આજ અમરાપરનો વારો, ને કાલ બીજાં પચીસે ગામના પાયા ખોદી નાખશે. અને માપાણી ખોરડાના દીવડા જેવા ત્રણે જણા, જોધો, બાપુ ને મુળુ માણેક જેવા દાઢી મૂછના ધણી છતે ઓખો રાંડી પડશે. ખરૂં ને જોધા ?” રવો બોલ્યો.

“અરે, હજી જોજો તો ખરા, રણછોડરાયનાં દેરાંની મૂરતીયુંને માથે પણ ગોળા આફળશે.” વસઈવાળો રણમલ ધૂધકારી ઉઠ્યો.

“તે પહેલાં તો મુળુ માણેકને માથે માથું નહિ હોય બેલી !”

ખુણામાં છાનોમાનો મૂળુ માણેક બેઠો હતો તેણે મૂછે તાવ દઈને પહેલી જ વાર આ વચન કાઢ્યું. કોઈ ફણીધરની ફુંકે જાણે વડલામાં લા લાગી હોય તેવો સુસવાટો થયો.

“ત્યારે હવે પરિયાણ શું કરી રહ્યા છો ? કરો કેસરીયાં"

હાથ ઉપર માથું નાખીને જોધો વિચારમાં પડી ગયો. એણે ધીરેથી કહ્યું, “હજી વાર છે ભાઈ, અથર્યા મ થાવ."

"કાં?"

“ગાયકવાડની બાદશાઈ સામે બાથ ભરાશે ?"

“ગાયકવાડની બાદશાઈ તો રહી છેટી, ઠેઠ વડોદરે, અને આંહી તો લશ્કર વહીવટદારથી તોબા કરીને બેદિલ બેઠું છે. વાઘેરની ફુંકે સૂકલ પાંદડાં ઉડે તેમ ગાયકવાડનો વાવટો ઉડાડી દેશું.”

"પણ ભાઈ ! વાંસે સરકાર જેવો વશીલો છે. પાંચ સો વ્હાણ તોપું ભરીને ઓખાને ચૂડેલું રાસડા લ્યે તેવો કરી મેલશે.” જોધે ભવિષ્યમાં નજર નાખીને કાળની વાણી કાઢી.

“સરકાર તો હિંદુસ્તાનને કાંઠેથી હોકો ભરીને હાલી, જોધા ભા !" મૂળુએ મ્હોં મલકાવ્યું.

"કાં ?”

“કાં શું ? બળવો ફાટી નીકળ્યો છે. પલટનો સામી થઈ ગઈ છે. મરાઠાંના ભાલાની અણીએ, સોયમાં મોતી પરોવાય તેમ ગોરાનાં મઢ્યમ છોકરાં પરોવાય છે. સરકારનાં અંજળ ઉપડ્યાં."

“કોણે કહ્યું ?”

“એકે એક જાત્રાળુ આંખે જોયેલી વાત કરી રહ્યાં છે.”

“ હું ન માનું. અંગ્રેજ જાય નહિ, એની ખીલી તો શેષનાગની ફેણ માથે જડાઈ ગઈ છે ભાઈ, મ ભરમાઓ. અને સબૂર કરો. તેલ જુવો, તેલની ધાર જુવો.”

“જોધા ભા ! તારા પગુંમાં પડીયે છીએ. હવે તું અવળાં વેણ મ કાઢ. હવે આડા હાથ મ દે. અમથી સંખાતું નથી.”

“ઠીક ભાઈ, તમને સૂઝે એમ કરો. હું જાઉં છું, અમરાપરનો ઉગાર કરવા આદમી ભેળા કરી આવું. લ્યો જે રણછોડ !”

“જે રણછોડ, જોધા ભા ! હવે ફરી વાર વડલા હેઠ નહિ મળીએ. રણરાયની છાંયામાં મળશું હો !”

જોધો ઉઠ્યો. દાયરો વીખાણો. જોધાએ મૂળુને પડખે બોલાવીને શીખામણ દીધી કે “બેટા મુરૂ !”

“બોલો કાકા !”

“આ વસઈવાળાનો ચડાવ્યો ચડીશ મા હો. એનાં પરિયાણ પાપનાં છે, બાકી તો બેટા, જ્યાં તું ત્યાં જ હું, હું હવે આ ટાણે મારાં ધોળાંમાં ધૂળ નહિ ઘાલું.” હનુમાન જતિ જેવાં પગલાં ભરતો જોધો અંધારામાં ધાબળો ઓઢીને અદ્રશ્ય થયો, અને જુવાન મૂળુભાએ અમરાપર જઈ પોતાના વફાદાર રાયકાને હુકમ કર્યો:

“રાયકા ! વાઘેરોનાં પચીસે ગામડામાં ફરી વળજે. અને કહેતો જાજે કે શ્રાવણ શુદ એકમની અંધારી રાતે, દ્વારકાના કિલ્લાની પાછલી રાંગે, ઉગમણી દૃશ્યે, જસરાજ માણેકના પાળીઆ પાસે પાઘડીનો આંટો નાખી જાણનારા સહુ વાઘેર બચ્ચા હાજર થઈ જાય. જા ઝટ, જે રણછોડ ! ”

“જે રણછોડ !” કહીને રાયકે સાંઢીયાની દોરી હાથમાં લીધી. રાતોરાત સંદેશા ફેરવીને પ્રાગડ વાસ્ય પાછો અમરાપરના દરબારગઢની ડેલીએ સાંઢીયો ઝોકાર્યો.

“કહી આવ્યો ?”

“હા ભા !”

“શો જવાબ ?”

“જે રણછોડ !”

“સંધાએ ?”

“એકોએકે. બાઈયું પણ બચ્ચાં ઝોળીએ લઈને સાથે નીકળશે.”

275x275ps

“ખમા !ખમા રણછોડ રાયને હવે અમરાપર ગામમાં સહુથી લાંબાં બે ખોરડાં હોય તેનાં આડસર ખેંચી કાઢો.”

બે આડસરો કાઢીને તેની ઉંચી, આભને અડતી નીસરણી બનાવી. શ્રાવણ શુદ ૧ ની સાંજે, અંધારાં ઉતર્યા પછી મુળુ માણેકે ગઢની અંદર જઈને છેલ્લા જુવાર લીધા દીધા.

દિવસ આથમે ને જેમ ટપોટપ આભમાં એક પછી એક તારલા ઉગતા આવે, તેમ અમરાપરના પાદરમાં પણ શ્રાવણ શુદ એકમની સાંજે દિવસ આથમવાની સાથે જ ગામડે ગામડેથી વાઘેરો આવવા લાગ્યા.

દોઢસો વાઘેરોનો સંઘ, કેડીએ કેડીએથી આવીને અમરાપરને પાદર મુળુ માણેકના નેજા નીચે ખડો થયો. સામસામા જે રણછોડ ! રણછોડ ! ના સૂર બંધાઈ ગયા અને બધા બથો ભરી ભરી ભેટ્યા. આખું દળકટક અમરાપરથી ઉપડ્યું. અને જ્યાં સીમાડે પગ માંડ્યા ત્યાં ડાબી કોર ગધેડો ભૂંક્યો.

“મુરૂભા ! તારી ફતેના ડંકા જાણજે. ડાબો ગધેડો ભૂંક્યો. લાખ રૂપીઆનાં શુકન થાય છે.” બારાના ઠાકોર જેઠીજીએ શુકન પારખીને મુબારકી દીધી.

“સવારને પહોર દ્વારકા આપણું સમજજે મુરૂભા." વસઈવાળાએ મુળુને ચડાવ્યો.

“દ્વારકા મળે કે ન મળે, આપણું કામ તો હવે આ પાર કાં આ પાર મરી મટવાનું છે ભા !” મુળુભા પોરસ ખાઈને બોલ્યો.

પ્રાગડના દોરા ફુટ્યા. અને દ્વારકાના ગઢ અગ્નિકોણથી મુળુ માણેકે “જે રણછેડ !” કહી નીસરણી ઉભી કરાવી.

પણ નીસરણી એક હાથ ટુંકી પડી. ગઢ એટલો છેટો રહી ગયો. મુળુએ હાકલ પાડી કે “ભાઈ ! ક્યો વાઘેર બચ્ચો માનું ધાવણ ધરાઈ ધરાઈને ધાવ્યો છે ? છે કોઈ ઠેકનારો ?”

“હું !” કહીને પતરામલ માંયાણી નામનો જુવાન ચડ્યો. મ્હોંમાં તલવાર પકડીને એણે ઠેક મારી, “જે રણછોડ !” કરતો ગઢ માથે ગયો. ત્યાંથી ફાળીયું નાખીને બીજા સહુને ચડાવ્યા.

અત્યાર સુધી છાનુંમાનું કામ ચાલ્યું. પણ જેમ ગઢને માથે બસો દાઢીમૂછાળા ચડી ગયા, અને છતાં પણ આખો કિલ્લો અડદના દાણા છાંટયા હોય તેવા ઘારણમાં ઘોંટાઈ રહ્યો છે એવું જોયું, તેમ તો ઓખામંડળ આખોય ઉમટ્યો : વાઘેરનું એકેએક ખેારડુ હલક્યું. જે રણછેડ ! જે રણછોડ ! ના લલકાર મચ્યા. હૈયેહૈયું દળાણું. દિવાલો સાથે આફળતા દરિયા ઉપર સૂરજ મહારાજે મ્હોં કાઢ્યું, સમુદ્રે શંખનાદ ગજાવ્યા અને મુળુએ ચસ્કો કર્યો :

“જોધો કાકો અચેતો ! પાંજો પે અચેતો ! હણેં ફતે હુઈ વઈ ! ”

જોધો માણેક ચાલ્યો આવે છે. ઓચીંતો આ વિજય-ટંકાર દેખીને એના મ્હોં પર વાદળી છવાઈ ગઈ છે. વાઘેરોને ઉન્માદે ચડ્યા દેખી, દારૂડીયા જાદવાના સરદાર કૃષ્ણની માફક એને વિમાસણ ઉપડી. પણ જોધો સમય વર્તી ગયો.

“જે રણછેડ કાકા!”

“જે રણછેડ મુંજા પેટ ! રંગ રાખી ડીનો ડીકરા !”

કહેતો જોધો નીસરણીએ ચડ્યો, આડસરની નીસરણી કડાકા લેવા માંડી. અને ભૈરવની ફોજ જેવા વાઘેરોએ બજારમાં ઓડા બાંધી લીધા.

“નારાયણરાવ ક્યાં છે ? એની મેડીમાં કો'ક પહોંચો. ઈ જુલમના કરનારાને પગે ઝાલીને બે ફાડીયાં કરી નાખીએ, ઝાલો ઈ મહેતાને !” મુળુ માણેકે હુકમ દીધો. “નારાયણરાવને સજા મળી ગઈ, મુરૂભા !” મેડીએથી માણસે આવીને કહ્યું.

“કાં ?”

“પાયખાનામાં થઈને ભુંડે હાલે ભાગી છૂટ્યો.”

“ક્યાં ગયો ?”

“જામપુરામાં.”

“જીવતો જાશે બેટો ?”

“જાવા દે મુરૂભા. બાપ, ભાગતલને માથે ઘા ન્હોય.” જોધાએ ધીરેથી શીખામણ દીધી.

ત્યાં સામેથી ધડ ! ધડ ! ધડ ! બંદુકોના ચંભા થાતા આવે છે. રીડીયા થાય છે. અને ભેરી ફુંકતો ફુંકતો ગાયકવાડી સૂબો બાપુ સખારામ ફોજ લઈ હાલ્યો આવે છે.

“આ કોણ ?”

“બાપુ સખારામ. બીજો જાલીમ, જીવાઈને બદલે ગાળો દેનારો. એની તો જીવતી ચામડી ઉતરડી નાખીએ. "

પાંચ દસ લડવૈયાને લઈને બાપુ સખારામ વાઘેરોના વાદળ સામે ધસ્યો આવે છે. અને મુળુ માણેક બંદુક લઈ એને ટુંકો કરવા દોડે છે.

“ખમ્મા ! ભાઈ, જાળવી જા !” કહીને જોધાએ મુળુનું બાવડું ઝાલ્યું; “એને મરાય ? આટલી ફોજ સામે નીમકની રમત ખેલવા એકલો હાલ્યો આવે છે. છોડી દે એને. ”

મુળુ થંભી ગયો. છેટેથી અવાજ દીધો “હાલ્યો જા ભાઈ, ગાયકવાડના કુતરા, તને શું મારૂં ?"

પછી હુકમો દેવાયા.

“ભીમા ! તું વરવાળુ માથે પહોંચ ન જીતાય તો મ્હોં દેખાડતો મા. દરિયામાં ડુબી મરજે. ”

ભીમો માણેક ફોજ લઈને વરવાળુ ગામ પર ઉપડ્યો. “અને દેવા છબાણી ! તું બેટનો કબ્જો લેજે. તોપને મોઢે ઉડી જાજે, પણ હાર્યાના વાવડ દેવા પાછા મ વળજે. ”

“જે રણછોડ !” કહીને દેવા છબાણી શંખોદ્ધાર બેટ પર છૂટ્યો.

“પણ આ દ્વારકા ખાલી ક્યારે થઈ ગયું ? સરકારી માણસો બધાં ક્યાં સમાણાં ! "

દૂતોએ દોડતા આવીને ખબર દીધાઃ “જોધાભા, જામપરામાં ચારસો સરકારી જણ બેઠા છે.”

“લડવાની તૈયારી કરે છે ? કે ઓખો છોડીને ભાગવા રાજી છે ?”

“ભાગવા."

“અરે ભાગી રહ્યા. માંડો જામપરાને માથે તોપો ! ફુંકી દ્યો ! વડોદરે વાવડ દેવા એક છોકરૂં યે જીવતું ન નીકળે.”

આવા રીડીયા થયા. અને જોધો ઝાંખો પડી ગયો, ગરવી વાણીમાં એ બોલ્યો:

“ન ઘટે, મુંજા પે ! એવી વાતું વાઘેરૂંના મ્હોંમાં ન સમાય. એ બચાડા તો ચિઠ્ઠીયુંના ચાકર ! અને વળી પીઠ દેખાડીને ભાગે છે. એની ઓરતું, બાલ બચ્ચાં, ઘરડાં બુઢ્ઢાં રઝળી પડે. જાવા દો મારા ડીકરાઓ !”

ચારસો ગાયકવાડી ચાકરો, દ્વારકા દુશ્મનોના હાથમાં સુખશાંતિથી સોંપીને સીમાડા બહાર નીકળી ગયા. નગર રાજ્યના મહાલ જામખંભાળીયામાં જઈને ચારસો જણાએ પડાવ કર્યો અને આંહી દ્વારકામાં તો

ખંભે ખંભાતી ધોતીયાં, ધધકે લોહીની ધાર,
ગોમતી લાલ ગુલાલ, માણેક રંગી મૂળવા !

ગોમતી નદી સોલ્જરોના લોહીથી લાલ ગુલાલ બની ગઈ.

વાઘેરોના સાથમાં આજ વેપારી રામજીભા ઘૂમી રહ્યો છે. રામજી શેઠ દ્વારકાનું ભૂષણ બન્યો છે.

જોધો માણેકના એ દિલોજાન ભાઈબંધ પર જામપરામાંથી બાપુ સખારામનો સંદેશો આવ્યો કે “અમે ઘેરાઈ ગયા છીએ, ભૂખે મરીએ છીએ. કાંઈક અનાજ મોકલો. ”

રામજીભાએ જોધાને જાણ કરી. દાના દુશ્મન જોધાએ છાનામાના કહી દીધું કે “રામજીભા ! કોઈ ન જાણે તેમ ખોરાકી મોકલી આપો, પણ જો વાઘેરોને વાત પહોંચશે તો મારો ઈલાજ નથી. વન વનની લકડી આજ ભેળી થઈ છે.”

કિલ્લા બહાર રામજી શેઠની બે વખારો હતી, તેમાંથી ખોરાક મોકલાવા લાગ્યો. પણ વાઘેરોને ખબર પડી ગઈ કે દુશ્મનોને ખોરાક જાય છે. ગાંડા વાઘેરો રામજીની વખારો તોડી તોડીને માલ ફગાવવા લાગ્યા.

ત્યાં રામજી શેઠનો દીકરો લધુભા દોડતો આવ્યો. એની કૂહાડી જેવી જીભ ચાલી : “એ મછીયારાવ ! આંકે રાજ ખપે ? જ જો ખાવતા તીંજો ખોદોતા ? (એ માછીમારો ! તમને તે રાજ હોય ? જેનું ખાઓ છો એનું જ ખોદો છો ? ) "

“લધુભા ! તું ભલો થઈને જબાન સંભાળ ! અટાણે દીકરાનાં લગન નથી, પણ લડાઈ છે.”

એ રીતે વાઘેરોએ એને ઘણો વાર્યો, પણ લધુભા ન રહી શક્યો. ગાળોની ઝડી વરસાવવા લાગ્યો. ઝનૂને ચડેલા વાઘેરો : અને સામે એવો જ કોપેલો વાણીઓ : બીજું તો કાંઈ ન થઈ શકે, એટલે લધુભાને બાંધી, એના પગમાં બેડી પહેરાવી, મંદિરના કિલ્લામાં, શત્રુઓનાં મૂડદાંની સાથે એને પૂરી દીધો.

કિલ્લાનો બંદોબસ્ત કરીને જોધો જમવા આવ્યો : રામજીભાને ઘેરે જ એ રોજ રોટલા ખાતો. આજ ન્હાઈને પાટલે બેસે છે ત્યાં એને યાદ આવ્યું : “રામજીભા ! લધુભા કેમ ન મળે !" “ક્યાંક ગયો હશે. તું તારે ખાઈ લે ભાઈ !”

“હું શી રીતે ખાઉં ? તારો દીકરો ન જડે ને મને અન્ન શે ભાવે ? આ દાવાનળ સળગે છે એમાં કોને ખબર છે, શું થયું હશે ?”

જોધો થાળી ઉપરથી ઉઠી ગયો. લધુભાની ગોતે ચડ્યો. પતો મળ્યો કે એને તો કિલ્લામાં પૂર્યો છે. જોધાએ કિલ્લાનું તાળું તોડ્યું. લધુભાને બેડીઓમાં ઝકડાએલો જોયો. એના પગ લોહીવાળા દીઠા. જોધાને જોતાં જ લધુભાએ જીભ ચલાવી.

જોધાએ એને વાર્યો: “એ લધુભા ! ગુડીજો ટીલો તું ડીનો હો ! તોજી જીભ વશ રાખ ભા ! હીન ટાણે તો વન વનજી લકડી આય ! [ગળીની કાળી ટીલી તું જ મને દઈશ ભાઈ ! તું તારી જીભ વશ રાખ. અત્યારે તે આંહી વન વનની લાકડી ભેગી થઈ છે.]”

જોધાને લાગ્યું કે આ ખાનદાન ભાટીઆનું કુટુંબ ક્યાંઈક કચરાઈ જશે : એને આંહીથી ખસેડી નાખું.

અમરાપરથી બે ત્રણ ગાડાં મગાવી કિલ્લા બહાર જસરાજ માણેકના પાળીઆ પાસે ઉભાં રખાવ્યાં. પાંત્રીસ માણસોને હાથમાં નાળીએરના ઉલ્કા ઉપડાવી, દિશાએ જવાના બ્હાનાથી કિલ્લા બહાર કઢાવ્યાં. અમરાપર પોતાને ઘેર પહોંચતાં કર્યા. ફક્ત બુઢ્ઢા રામજી દાદો જ દ્વારકામાં રહ્યા.

જોધાને ઘેરે ચાર પાંચ ભેંસો મળે છે. રામજીભાઈનાં છૈયાંછોકરાંને રોજ જોધાની વહુઓ દૂધપાક પૂરી કરીને જમાડવા લાગી છે.

[અને આ વાત કરનાર, રામજી શેઠનો ૭૪ વર્ષનો પૌત્ર રતનશી શેઠ જે અત્યારે બેટમાં હયાત છે, તે કહે છે કે “મને આજ પણ એ દૂધપાક પૂરી સાંભરે છે.”]

ઢાંચો:પડાતો અક્ષરથી એ કુટુંબ જુદું પડ્યું : રામજી શેઠનો નાનેરો ભાઈ જેરામ, લધુભાનો દીકરો રતનશી અને દાદી વગેરે બેટમાં ગયાં. બેટમાં તેઓનું ઘર હતું. જલદ જીભવાલા લધુ શેઠ પોતાના ગુમાસ્તા વગેરેને લઈને ચાર ગાડાં જોડાવી જામખંભાળીઆ તરફ ચાલી નીકળ્યા.

રાતનો વખત છે. ગાડાં ચાલ્યાં જાય છે. કોઈને દુશ્મનનો વહેમ પણ નથી.

પહેલું ગાડું લધુભાનું : એ નીકળી ગયું, પણ બીજું ગાડું નીકળતાં જ ઝાડવાંની ઓથેથી આદમી ઉઠ્યા. એમાંથી એક જણે બળદની નાથ પકડી.

ગાડાખેડુએ બૂમ પાડી “એ લધુભા, લૂંટારા !”

ઠેકીને બહાદૂર લધુભા ઉતર્યો. “કેર આય !” એવી હાકલ કરતો દોડ્યો આવ્યો. લૂંટારાઓને પડકારીને કહ્યું, “અચો હરામી ! અચો પાંજે ગડે ! [આવો મારે ગાડે.] ”

આવીને જુવે તો આદમીઓએ મ્હોં પર મોસરીયાં વાળેલાં: ફક્ત આંખો તગતગે: મોવડી હતો તેને ઝીણી નજરે નિહાળીને લધુભા બોલ્યો : “હાં ! વાહ વાહ ! તોજી અખતાં મું સુઝાણ્યો આય કે તું વરજાંગ અયેં.” [તારી આંખો પરથી સૂઝે છે કે તું તો વરજાંગ ! ]

લુંટારો ભોંઠો પડી ગયો. શરમથી હસીને ગરીબડે સૂરે કહેવા લાગ્યા કે “મુઠો ડન્ને લધુભા ! ચાર ચાર ગાઉ દોડી દોડીને અસેં મરી વીંયાંસી, પણ હણેં તો અસાંથી લુંટાય ન ! [ભોંઠા પાડ્યા ને, લધુભા ! ચાર ચાર ગાઉથી દોડીને અમે તો મરી ગયા. પણ હવે તો અમારાથી લુંટાય નહિ.]

“લૂંટને ! ઈન્ની પાસે તો બસો ચારસો કોરીંયેજો માલ હુંદો ! પણ મું આગર બ હજાર કોરીયું આય. હલ, ઈ આંકે ખપે તે ગીની વીંજે !” [ લૂંટને ! એની પાસે તો બસો ચારસો કોરીઓનો માલ હશે. પણ મારી પાસે તો બે હજાર કોરીઓ છે. હાલ, જોઈએ તો લઈ જા !]

“હણેં તો લધુભા ! સરમાઈ વીંયાંસી. તોજે મેતેકે, લૂંટણાવા ! ચો૫ડેમેં અસાંજે ખાતેમેં ખુબ કલમેંજા ઘોદાં માર્યું આય.” [હવે તો લધુભા ! અમે શરમાઈ ગયા છીએ. અમારે તો તને નહિ, પણ આ તારા મહેતાઓને જ લૂંટવા હતા. એણે ચોપડામાં અમારાં ખાતામાં ખૂબ કલમના ઘોદા માર્યા છે.]

"હણે કૂરો ?" લધુભાએ વાઘેરને પૂછ્યું,

“હણેં હલો. આંકે રણજી હુન કંધીતે છડી વેજું. નક આંકે બીયા કોક અચીને સંતાપીના. [ હવે ચાલો, તમને રણની પેલી બાજુ સુધી પહોંચાડી જઈએ. નીકર તમને બીજા કોઈક આવીને સંતાપશે.]

વાઘેર લૂંટારો ખસીયાણો પડી ગયો. કોઈ કુટુંબી પૂછે તેવી રીતે પૂછ્યું, “લધુભા ! ભૂખ લગી આય.”

“તો ડીયું ખાવા. જોધો માણેકજો પરતાપ આય.” [તો દઉં ખાવા. જોધા માણેકનો પ્રતાપ છે. ]

ખવરાવ્યું. લૂંટારો હતો તે વોળાવીયો બન્યો. લધુભાનાં ત્રણે ગાડાંને સામા કાંઠા સુધી પહોંચાડી આવ્યો.

રામજીના ભાઈ જેરામે બેટમાં પહોંચીને શું કર્યું ? બહાદુરી કરીને કિલ્લો બચાવ્યો, ગાયકવાડી સિપાહીઓને શૌર્ય ચડાવ્યું કે 'દ્વારકાવાળા ખૂટી ગયા. પણ તમે ખૂટશો મા. કિલ્લો સોંપશો મા.” એણે સામો પક્ષ લીધો.

સિપાહીઓ-પણ અમારે ખાવાનું શું કરવું ?

જેરામ-હું સગવડ કરી દઉં, મંદિરમાં વાંધો નથી.

વાઘેરો ચડી આવ્યા. મંદિરનો કિલ્લો બંધ દીઠો. અને આખી રાત કિલ્લા ઉપર કપાસીઆ તેલના દીવા માંડી એક આદમીને “ખબરદાર ! ખબરદાર !” એવી હાકલો સાથે ચોકી દેતો દીઠો. વાઘેરોએ અવાજ ઓળખ્યો. “એ અવાજ તો જેરામભાનો એ હશે ત્યાં સુધી કિલ્લો નહિ સોંપવા દે.” ગામ લૂંટ્યા વિના વાઘેરો પાછા દ્વારકા ગયા. જોધાને અને રામજીભાને તેડી લાવ્યા.

જુવાન જેરામભા કિલ્લા ઉપર ઉભો છે. નીચે ઉભાં ઉભાં જોધાએ અને રામજીભાએ સમજાવટ આદરી :

“ભાઈ જેરામભા ! હેઠો ઉતરી જા !” જોધો બોલ્યો

“ન ઉતરૂં, એમ કિલ્લો ન સોંપાય. તું તારે બે હજાર વાઘેરની ફોજ લઈને ચડી આવ. કિલ્લો જીતીને ખુશીથી લઈ લે. પણ ખુટલાઈ કરાવીને શું લેવા આવ્યો છે જોધાભા !”

“જેરામભા ! આજ તો હું તને શરમાવવા આવ્યો છું. અમારે રાજપાલટો આણવો છે, અને તું ઉઠીને શું ઓખાનો શત્રુ થઈશ ? જેરામભા ! દ્વારકા કોની ? દ્વારકા પાંજી આય.”

“દ્વારકા પાંજી આય !” એ વેણે જેરામનું હૈયું હલમલાવી નાખ્યું. તેમાં વળી રામજી શેઠનો સાદ પૂરાયો:

“ભાઈ જેરામ ! હવે હુજ્જત મ કર.”

જેરામ – તો એટલી બાંહેધરી દે, કે આ કિલ્લાના કોઈ પણ આદમી ઉપર ઘા ન કરવા, સહુને હેમખેમ સલાયા ભેળા થાવા દેવા.

જોધો - કબૂલ છે રણછોડરાયની સાખે !

કિલ્લાના સિપાહીઓને ગાયકવાડી કે સરકારી કુમક આવી નહિ. બચાવ લાંબો વખત થાય તેમ નહોતું રહ્યું. જેરામભાના રક્ષણ નીચે સહુ નીકળીને સલાયા ગામ તરફ ચાલતા થયા.

બરાબર શંખ તળાવ પાસે પહોંચે ત્યાં પાછળથી માંકડાં જેવા વાઘેરોનું એક ટોળું તેઓને આંબી ગયું અને ટોળાએ ચસ્કા કર્યા કે “મારો ! મારો ! મારો !”

આડો ઉભો રહીને જેરામભા બોલ્યો “ખબરદાર જો આગળ વધ્યા છે તો. તમે જોધાભાનો કોલ ઉથાપો છો ?" વાઘેરોએ હુજ્જત કરી : “જેરામભા ! આ સિપાઈઓએ અમારા એક આદમીને માર્યો છે એટલે અમે એક ધીંગાણું કર્યા વગર તો પાછા જવાના જ નથી.”

જેરામભાના હાથમાં લાકડી હતી. ધરતી ઉપર ધૂળમાં આડો લીટો કરીને કહ્યું કે “વાઘેર બચ્ચાઓ ! જો આ લીટો વિળોટો તો તમને જોધા માણેકની આણ છે. ”

એટલી આણ બસ હતી. લાકડીની લીટી હતી તે દિવાલ જેવી થઈ પડી. વાઘેરો પાછા વળી ગયા.

બેટ શંખોદ્ધાર ઉપર જોધાનો વાવટો ચડ્યો છે. જોધો દારૂગેાળા તપાસે છે. પૂછે છે:

“ભાઈ દેવા ! શો શો સરંજામ હાથમાં આવ્યો?”

“ઓગણીસ તોપો.”

“રંગ ! બીજું ? ”

“ફતેમારીઓ, સુરોખાર ને ગંધકથી ભરેલી."

“વાહ રણછોડ ! જેવું લીધું છે તેવું જ સાચવજે દેવા ! હજી મરદુંના મામલા વાંસે છે.”

“જેવી રણછોડરાયની મરજી, જોધાભા !”

દારૂગોળો તપાસીને જોધો માણેક પાછો વળ્યો. પણ બેટની બજારમાં નીકળે ત્યાં તો મંદિરોના દરવાજા ઉપર ચોકી કરવા બેઠેલા પીંડારા વાઘેરોને પૂજારીઓ ઉપર ત્રાસ ગુજારતા જોઈને જોધાની આંખ ફાટી ગઈ. પીંડારીયાના જાત્રાળુઓ પાસેથી પૈસા છોડાવી રહ્યા છે અને પૂજારીઓ ને જાત્રાળુઓ કુંજોનાં ટોળાંની માફક કળેળાટ કરે છે. ચુપાચુપ જોધો ઉભો ઉભો જોઈ રહ્યો છે. માણસોએ ચીસ પાડી “જોધા ભા, અમને બચાવો. આથી તો મરાઠા શું ભુંડા હતા ?”

પીંડારીયા જોધાને ભાળીને નીચું ઘાલી ગયા. જોધાએ કહ્યું:

“તમારા મોઢાં કાળાં કરો. માનું દૂધ લજાવ્યું ભા ! તમે રજપૂતનાં ફરજંદ છો ?”

એકેએક પીંડારીયાને ચોકી પરથી બરતરફ કરી બેટનો કિનારો છોડવા હુકમ દઈ દીધો. અને જોધાએ ન્યાયની અદાલત ભરી. પૂછવામાં આવ્યું “કોના ઉપર જુલમ થયો છે ભાઇ ?”

“મંદિરવાળા ભંડારી હરિમલ ઉપર.”

“શું થયું ? ”

“એને ઝાલીને અભડાવ્યા ”

“કોણે પાપીએ ?”

“રણમલ પીંડારે.”

“શા સારૂ ?”

“દંડ લેવા સારૂ.”

“બોલાવો રણમલને. ન આવે તો રસીથી બાંધીને લાવજો.”

રણમલને તેડી હાજર કરવામાં આવ્યો. જોધા માણેકે રણમલ તરફ પીઠ ફેરવી અને વચનો કહ્યાં:

“આટલા સારૂ હું પીંડારીયાઓને તેડી લાવ્યો'તો ખરૂં ને રણમલ ! જા, તુંને તે ગોળીએ દેવો જોઈએ, પણ હવે ભાગી છૂટ. ભંડારીજી કયાં છે ભાઈઓ ? ”

“જાંબુવંતીજીના મંદિરમાં સંતાણા છે.”

“હાલો મંદિરે.”

મંદિરે જઈને જોધા માણેકે ભંડારીની માફી માગી. અને એવો ઠરાવ કર્યો કે દર મહિને અક્કેક મંદિરવાળાએ વાઘેરોની ચોકીનો ખર્ચ ચુકવવો. બેટમાં બંદોબસ્ત કરીને જોધો દ્વારકા પાછો વળ્યો. જઈને જોવે તો દ્વારકામાં પણ દેકારો બોલે છે બંદૂક તાકીને વાઘેરો વેપારીઓ પાસેથી મ્હોંમાગ્યા દંડ ચૂકાવે છે. છકેલા વાઘેરો સ્ત્રીઓને અને છોકરાંને પોતાનાં ઘોડાંની હડફેટે ચડાવે છે પોતાને રહેવા માટે હરકોઈના ધર ખાલી કરાવે છે. જોધાએ સંતાઈને નજરોનજર એક દુકાન ઉપરનો બનાવ જોયો. આંખમાં સુરમો આંજીને ઓળેલી દાઢી મૂછ વાળો એક વાઘેર સાત હથીઆર સોતો એક વેપારીની દુકાને બેઠો છે. ઉઘાડો જમૈયો એના હાથમાં ચકચકે છે, સામે શેઠીયો થર ! થર ! ધ્રુજે છે, અને વાઘેર ડોળા ફાડીને કહે છે કે “મારા લેણાનું ખત ફાડી નાખ, નીકર હમણાં છાતીમાં આ હુલાવું છું.” એ વખતે જોધાનું ગળું રણક્યુ :

“તે પહેલાં તો બેલી ! તારી છાતીનું દળ આ જમૈયો નહિ માપી લ્યે ? રંગ છે વાઘેરાણીની કૂખને ! ”

એકેએક વાઘેર જેની શેહમાં દબાતો, તે જોધાજીને જોઈ જમૈયાવાળો આદમી ખસીઆણો પડી ગયો. ગામનું મહાજન ટપોટપ દુકાનો પરથી ઉતરીને જોધાને પગે લાગ્યું, અને સહુએ પોકાર કર્યો કે “જોધા બાપુ ! આટલું તો તમે દીઠું, પણ અદીઠું અમારે માથે શું શું થઈ રહ્યું છે તે જાણો છો ? કહો તો અમે ઉચાળા ભરીએ. કહો તો માલ મિલ્કત મેલીને હાથે પગે ઓખાના સીમાડા છાંડી જઈએ, પણ આવડો માર તો હવે નથી સહેવાતો. '

જોધાએ મહાજન ભેળું કર્યું. એક પડખે મહાજન બેઠું છે, બીજે પડખે વાઘેરો બેઠા છે, વચ્ચે જોધો પોતે બેઠો છે, મુળુ અને દેવો, બેય ભત્રીજા પણ હાજર છે, જોધાએ વાત શરૂ કરી :

“ભાઈ દેવા ! બેટા મુરૂ !”

“બોલો કાકા !” “આપણે ચોર લૂંટારા નથી. રાજા છીએ, આપણે મરાઠાની જેમ પરદેશથી પેટ અને પેટીયું ભરવા નથી આવ્યા. પણ આપણા બાપડાડાનું રાજ પાછું હાથ કરી, રજપૂતના ધરમ પાળવા આવ્યા છીએ, ”

“ સાચી વાત. ”

“ અને આ વસ્તી આપણાં બેટા બેટી છે, ”

“ કબૂલ. ”

“ આપણે માથે રણછોડરાય ધણી છે. "

“ ખમ્મા રણછોડ ! ”

“ ત્યારે રજપૂતના દીકરા બિરદ વગર રાજ કરે નહિ. સાંભળો આપણાં બિરદ:

પહેલું-વસ્તીના વાલની વાળી પણ ન લુંટવી.

બીજું–ઓરતોને બ્હેન દીકરી લેખવી.

ત્રીજું-જાત્રાળુને લૂંટવાં તો નહિ, પણ ચાલતા આવેલા ધારા પ્રમાણે કર વસુલ લઈને ઠેઠ રણના કાંઠા સુધી ચોકી પહેરામાં મેલી આવવાં.

“ બોલો ભાઈ, આ બિરદ ઉથાપે તેને ? ”

“ તેને તોપે ઉડાવવો. મુળુ બોલ્યો.

પછી જોધો વેપારીઓ તરફ ફરીને બોલ્યો.

“ કહો, ઈદરજી શેઠ, હીરા શેઠ, હવે તમે સવા મણની તળાઈમાં સૂજો. મારો સગો ભત્રીજો મુળુ પણ જો ક્યાંય કોઈને ટુંકારો કરે, તો વાવડ દેજો ! સજા કરીશ.”

“ ધન્ય છે બાપુ ! " મહાજનની છાતી ફાટવા લાગી.

“ ઉભા રહો. ધન્યવાદ પછી દેજો. તમારી જવાબદારી પણ સમજી લ્યો, તમારે અમને ખાવાનું તો આપવું જ પડશે. ઘર દીઠ ખાવાનું લેવાનો ઠરાવ કરીને જ તમારે ઉઠવાનું છે. આ તો લડાઈ છે. પોલકી નથી માંડી. અને જાંગલાઓને તમે કેમ કર ભરતા'તા ?”

“કબૂલ છે બાપુ !" કહીને મહાજને ઠરાવ ઘડ્યો.

“જે રણછોડ ! જે રણછોડ !” એવા નાદ થયા ને ડાયરો વીંખાણો.

૧૦

{{પડતો અક્ષર}શં}}ખોદ્વાર બેટથી થોડેક છેટે આજ સવારથી મનવારો ગોઠવાતી જાય છે. ચાર મોટી મનવારો સમીયાણીની દીવાદાંડી પાસે આવીને ઉભી રહી અને ત્રણ નાની બોટો ખાડીમાં ચોકી દેવા લાગી. સાતેના ઉપર અંગ્રેજી વાવટા ઉડે છે. તોપોનાં ડાચાં સાતેના તૂતક ઉપરથી બેટની સામે ફાટી રહ્યાં છે.

ધીંગાણાના શોખીન વાઘેરો કિનારા ઉપર નાચતા કૂદતા બોલવા લાગ્યા કે

“આયા ! ચીંથડેંજે પગે વારા આયા ભા ! ચીંથડેંજે પગે વાર ન લાલ મું વારા માંકડા આયા ! હીં ચીંથડેંજે પગે વારા કુરો કરી સકે ? (ચીંથરાના પગવાળા ને લાલ મ્હોં વાળા માંકડા આવ્યા, એ બિચારા શું કરી શકશે ?)"

ચીંથરાના પગવાળા એટલે મોજાંવાળા : વાઘેરોને મન આ મનવારો ને સોલ્જરો ચીથરાં જેટલાં જ વિસાતમાં હતાં. તાળીઓ પાડીને વાઘેરોએ ગોલંદાજને હાકલ કરીઃ

“હણેં વેરસી ! ખણો ઉન નડી તોપકે ! હકડો ભડાકો, ને ચીંથડેવારાજા ભુક્કા !”

બેટને આઘે આઘે છેડે બરાબર મોટા દરિયાને કાંઠે હાજી કરમાણીશા પીરની મોટી દરગાહ છે. હાજી કરમાણીશા ઓલીયો ઠેઠ ખંભાતથી, એક શિલાની નાવડી બનાવી, ધોકા ઉપર કફનીનો શઢ ચડાવી, આખો દરિયો તરતા તરતા બેટને આરે ઉતરી આવ્યા કહેવાય છે, એ જગ્યાની પાસે વાઘેર ગોલંદાજ વેરસીએ પોતાની નાની તોપમાં સીસાનો ભુક્કો, લોઢાના ચૂરા અને ગોળા વગેરે ખેરીચો ઠાંસી ઠાંસીને ભર્યો. મનવારોની સામે માંડીને તોપ દાગી, પણ ગોળા મનવારને આંબી જ ન શક્યા.

હવે મનવારોએ મારો ચલાવ્યો. મણ મણના ગોળાઓએ આવીને વાઘેરોની તોપના ભુક્કા બોલાવ્યા. કિનારો ખરેડી પડ્યો.

નાદાન વાઘેરો અણસમજુ છોકરાંની કાલી વાણી કાઢી કહેવા લાગ્યા :

“નાર તો ભા ! પાણ તો જાણ્યું જે હીતરી હીતરી નંડી ગોરી વીંજતો. પણ હે તો હેડા હેડ વીજેતો. હેડજો કરાર તો પાંજે ન વા ! હણે ભા ! ભજો ! [આપણે તો જાણ્યું કે આવડી આવડી નાનકડી ગોળીએ છોડશે. આ તો આવડા આવડા મોટા ગોળા ફેંકે છે. આવડા ગોળાનો તો આપણે કરાર નહોતો, હવે તો ભાઈ, ભાગો !]

કરમાણીશા પીરની દરગાહ ઉપરથી વાઘેરો ભાગ્યા. મંદિરોના કિલ્લામાં જઈને ભરાણા, અને આ બાજુથી દ્વારકાના દરિયામાં પણ મનવારોએ ડોકાં કાઢ્યાં.

કિનારેથી જોધો ને મૂળુ, બે જણા આ વાઘેરોના કાળની નિશાનીઓ સામે ઠરેલી નજરે નિરખી રહ્યા છે. જોધો જરાક મોઢું મલકાવી મૂળુની સામે જુવે છે. મૂળુનું માથું ખસીઆણું પડીને નીચે ઢળે છે.

“મુરૂભા ! બચ્યા ! કાળને કેવાં નોતરાં દીધાં આપણે ?”

હડુડુડુ ! હડુડુડુ ! દરિયામાંથી આગબોટોએ તોપોના બહાર આદરી દીધા. ઉપરાઉપરી ગોળાનો મે વરસવા લાગ્યા. ગઢની રાંગ તોડી. એટલે વાઘેર યોદ્ધાઓએ દુકાનોનો ઓથ લીધો. પલકવારમાં તો દુકાનો જમીદોસ્ત બની, એટલે વાઘેરો ખંડેરોનાં ભીંતડાં આડા ઉભા રહ્યા. ગ્રુપછાંટના ગોળા પડે છે. પડીને પછી ફાટે છે. ફાટતાં જ અંદરથી સેંકડો માણસોનો સંહાર કરી નાખે તેવી જ્વાળાઓ છૂટે છે, અને શું કરવું તે કાંઈ સુઝતું નથી. તે વખતે બુઢ્ઢાઓએ જુક્તિ સુઝાડી કે

“દોડો ભાઈ, ગોદડાં લઈ આવો. અને ગોદડાં ભીનાં કરી કરીને ગોળા પડે તેવાં જ ગોદડાં વડે દાબીને બુઝાવી નાખો. ”

પાણીમાં પલાળી પલાળીને ગોદડાં લઈ વાઘેરો ઉભા રહ્યા. જેવો ગોળો પડે, તેવા જ દોડી દોડીને ગોદડાં દબાવી દેવા લાગ્યા. ગોળા ઓલવાઈને ત્યાં ને ત્યાં થંભી ગયા. એક આખો દિવસ એ રીતે બચાવ થયો. દુરબીન માંડીને આગબોટવાળાએ જોયું તો વાઘેરોની કરામત કળાઈ ગઈ.

બીજે દિવસ પ્રભાતે આગબોટવાળાઓએ આગબોટો પાછી હટાવી. ગોળા બદલાવ્યા. તોપોના બહાર શરૂ થયા. આંહી વાઘેરો પણ ગોદડાં ભીંજાવીને હાજર ઉભા. પરંતુ આ વખતે ગોદડાં નકામાં નીવડ્યાં. ગોળા અદ્ધરથીજ ફાટી ફાટીને માણસોનો કચ્ચરધાણ વાળવા લાગ્યા. વાઘેરોનો ઇલાજ ન રહ્યો. દેવાએ પોકાર કર્યો કે “હવે કાંઈ ઉગારો ?”

"મંદિરમાં ગરી જઈએ.”

“અરરર ! ઇ ગાયુંના ખાનારાઓ મંદિર ઉપર ગોળા મારશે. અને આપણે ક્યે ભવ છૂટશું ?”

“બીજો ઈલાજ નથી. હમણાં ખલાસ થઈ જશું. બાકી મંદિર પર દુશ્મનો ગોળા નહિ છોડે.”

ભાન ભૂલીને વાઘેરો મંદિરમાં દાખલ થયા. ત્યાં તો મંદિરના ચોગાનમાં બે ગોળા તુટી પડ્યા. અને ગોદડે ઝાલવા જાય ત્યાં એમાંથી ઝેરી ગેસ છૂટ્યો. ઓલવવા જનારા આઠે આદમીઓ ગુંગળાઈને ઢળી પડ્યા. બીજો ગોળો બરાબર મોટા દેરાના ઘુમ્મટ પર વાગ્યો. એક થંભ ખરેડી પડ્યો. તે વખતે ત્રાસ પામીને દેવા છબાણીએ હાકલ દીધી:

“ભાઈઓ, હવે દુશ્મનોએ મરજાદ છાંડી છે. અને આપણાં પાપે આ દેવ ને આ દેરાંના ભુક્કા સમજજો. આપણાથી સગી આંખે હિંદવાણાના એ હાલ નહિ જોવાય. ભગવાનની મૂર્તિ તૂટે તે પહેલાં આપણો જ અંત ભલે આવી જાય, નીકળો બહાર. "

“પણ ક્યાં જાશું !”

“આરંભડે થઈને દ્વારકામાં”

ત્યાં તો જાસૂસ ખબર લઈ આવ્યો : “દેવાભા, જમીન માર્ગે આપણે હવે જઈ રહ્યા. નાકાં બાંધીને તોપખાનાં ચાલ્યા આવે છે. ભાળ્યા ભેળા જ ફુંકી દેશે.”

રઘુ શામજી નામનો એક ભાટીઓ : ભાંગ્યું તૂટ્યું અંગ્રેજી બોલી જાણે. એણે વાઘેરોને કહ્યું : “વષ્ટિ કરીએ. બીજો ઈલાજ નથી.”

કિનારે આવીને લોકોએ ધોળો વાવટો ચડાવ્યો. સુલેહની નિશાની સમજીને મનવારનો કપ્તાન કિનારે આવ્યો, જુવાન જુવાન વાઘેરો કિલ્લામાં રહ્યા. બુઢ્ઢા હતા તેને કિનારે લઈ ગયા.

કપ્તાન બોલ્યો કે “હથીઆર છોડી દ્યો.”

બુઢ્ઢા બોલ્યા “હથીઆર તો ન છડ્યું, હીં કિલ્લો સોંપી ડ્યું.”

દરમીઆન કિલ્લાના કોઠા પાસેની સાંકડી ગલ્લીમાં ખાડો કરી આડી રૂની મલીઓ ગોઠવી ચાર વાઘેરો તોપમાં ઢીંગલા ધરબીને છુપાઈ રહ્યા. વાઘેરો દગો રમ્યા. જોધો ત્યાં નહોતો.

પાંચસો સોલ્જરો ઉતર્યા. કાંઠે ચોકી મૂકીને પાંચસો જણા આગળ વધ્યા. વાઘેરોએ રૂની મલી આડથી તોપ દાગતાં પચીસ સાલ્જરોની લોથોનો ઢગલો થયો. અને તોપો દાગનારા બેય વાઘેરો તલવાર ખેંચીને ફોજમાં ઠેકી પડ્યા. આખી ફોજને પાછી હટાવી, ગોળીએ વીંધાઈને બેય જણાએ છેલ્લા “જે રણછોડ !” નો નાદ કર્યો. શ્વાસ છૂટી ગયા.

માણેકે સીંચોડો માંડિયો, વાઘેર ભરડે વાઢ,
સોજીરની કરી શેરડી, ઓર્યા ભડ ઓનાડ.

[માણેકે સંગ્રામ રૂપી સીંચોડો માંડી દીધો. જાણે વાઘેરો વાઢ ભરડવા બેઠા. ગોરા સોલ્જરો રૂપી શેરડી કરી. મોટા શુરવીરોને પીસી નાખ્યા.]

ફોજે આથમણી રાંગ છોડીને દખણાદી બાજુ નીસરણી માંડી. સોલ્જરો સીડી ઉપર ચડી રહ્યા છે, ત્યાં “જે રણછોડ !”ના નાદ સંભળાયા. દેવા છબાણી પાંચ વાઘેરોને લઈ દોડ્યો. નીસરણી નીચે પટકી, ગોરીઆળી વાળો ગીગો તલવાર ખેંચી “જે રણછોડ !" કરી સોલ્જરો વચ્ચે ઠેકી પડ્યો. ઉંચેથી વાઘેરોએ એને પડકાર્યો કે “ગીગા ભા ! જેડા ગાડર ગૂડેતા હેડ સોજરા ગુડજા ! (જેવા ઘેટા કાપીએ તેવા સોલ્જરોને કાપજે !)” એ પડકારો સાંભળી એણે ૩૦ સોલ્જરોની કતલ કરી નાખી, અને ફોજને ફક્ત સાત મરદોએ કિનારા ઉપર પાછી કાઢી મેલી. ઘામાં વેતરાઈ ગયેલો બેટનો રક્ષપાલ દેવો છબાણી દ્વારકાધીશની ધજા સામે મીટ માંડીને થોડી વારમાં પ્રાણ છોડી ગયો.

“હવે આપણો સરદાર પડતે આપણે આંહી રહી શું કરશું ? અને હમણાં ફોજ બેવડી થઈને ઉમટશે.” એમ કહીને કિલ્લેદારો નાઠા, ગોળાનો વરસાદ ન સહેવાયાથી દ્વારકાવાળા નવસો જણા પણ નીકળી ગયા, કિલ્લાનાં બારણાં ખુલ્લાં મૂકાઈ ગયાં. રખેને હજુ પણ આગબોટો ગોળા છોડે, એવી બ્હીકે બેટના મહાજને કિનારે જઈ ફોજના કપ્તાન ડોનલ સાહેબને ખબર દીધા કે “વાઘેરો બોટ ખાલી કરીને નાસી છૂટ્યા છે, માટે

હવે સુખેથી પધારો બેટમાં !”
૧૧

અંધારી રાતે દ્વારકામાંથી ગોરાઓની ગોળીઓ વીંધાતા વાઘેરો જીવ લઈને નાસી છૂટ્યા છે. કોઈ એક બીજાને ભાળી શકતું નથી. કાંટામાં ક્યાંથી ગોરાની ગોળી વછૂટશે એ નક્કી નથી. દ્વારકા ખાલી કરીને બેભાન વાધેરો ભાગ્યા જાય છે.

અંધારામાં દોડતા જતા એક આદમીનું ઠેબું એક નીચે પડેલા બીજા આદમીને વાગ્યું. દોડનાર વાધેર બ્હીનો નહિ, ઉભો રહ્યો. નીચે વળ્યો. પડેલા માણસને પડકાર્યો “તું કોણ?”

ઘાયલ પડેલા આદમીએ આ પૂછનારનો અવાજ પારખ્યોઃ “કોણ સુમણો કુંભાણી, મકનપુરવાળો તો નહિ ?”

“હા, હું તો એજ. પણ તું કોણ ?”

“મને ન ઓળખ્યો ? સુમણા ! હું તારો શત્રુ : તારી અસ્ત્રીને ઉપાડી જનાર હું વેરસી !”

“તું વેરસી ! તું અાંહી ક્યાંથી ?”

“જખમી થઈને પડ્યો છું. વસઈવાળા મને પડ્યો મેલીને ભાગી ગયા છે, ને હું પોગું એમ નથી, માટે સુમણા ! તું મને મારીને તારૂં વેર વાળી લે. મેં તારો ભારી અપરાધ કર્યો છે.”

“વેર ? વેરસી, અટાણે તું વેરી નથી. અટાણે તો બાપનો દીકરો છે. વેર તો આપણે પછી વાળશું, વેર જૂનાં નહિ થાય.”

એટલું કહીને સુમણાએ પોતાના શત્રુને કાંધ પર ઉઠાવી લીધો. લઈને અંધારે રસ્તો કાપ્યો. ઠેઠ વસઈ જઈને સહીસલામત

ઘેર મૂકીને પાછો વળ્યો.
૧ર

બેટ અને દ્વારકા ખાલી કરીને જોધો પોતાની ફોજ સાથે ભાગી છૂટ્યો છે. સાંઢીયા ઉપર નાનાં બચ્ચાંને ખડક્યા છે. અને ઓરતો પોતાનાં ધાવણાં છોકરાંનાં ખોયાં માથા ઉપર લટકાવીને મરદોની સાથે રાતોરાત ઉપડતે પગલે નાસી છૂટી છે. થોડેક જાય ત્યાં સામા વાવડ આવે છે કે “ભાઈ, પાછા વળો. એ રસ્તે સોજીરોની ચોકી લાગી ગઈ છે.” એ માર્ગ મેલીને બીજે માર્ગે જાય, તો ત્યાંથી પણ નાકાબંધી થઈ ગયાના સમાચાર મળે છે.

એમ થાતાં થાતાં આખી રાતના રઝળપાટને અંતે પ્રભાતે વાઘેરોનું દળ પોશીત્રાની સીમમાં નીકળ્યું છે. પાછળ સરકારી વારના પણ ડાબા બોલતા આવે છે. જોધા માણેકે સાદ દીધો કે “ભાઈ, સામે ડાભાળા ખડામાં દાખલ થઈ જાયેં તો જ ઉગારો છે. માટે હડી કાઢો.”

ડાભાળો ખડો નામની ગીચ ઝાડી છે, અને ત્યાં દરિયામાંથી એક સરણું વહ્યું આવે છે, તેમાં ધુણા માતાની સ્થાપના છે. એ ઝાડીમાં પહોંંચતાં તો બહારવટીયા પ્રભુને ખોળે બેસી જાય એવી વંકી એ જગ્યા હતી. ડાભાળો ખડો એક ખેતરવા રહ્યો એટલે સાથે માતાને ભુવો હતો તે બોલ્યો કે

“જોધા બાપુ ! હવે ભો' નથી. માતાજી ફોજને ખમ્મા વાંછે છે.”

“કેમ કરીને જાણ્યું ભાઈ ?” “આ જુવો, માતાજીની ધજા સામે પવને ઉડે છે. હવે વારના ભાર નથી કે આપણને અાંબે. માતાજીએ વગડામાં અાંધળાં ભીંત કરી મેલ્યાં હશે.”

ડાભાળા ખડામાં જઈને બહારવટીયાઓએ પડાવ નાખી દીધો. ચોફરતી ચોકીઓ ગોઠવાઈ ગઈ. ભેળી ઘંટીઓ લીધેલી તે માંડીને વાધેર ગરાસણીઓ દાણા દળવા બેસી ગઈ, જોધા માણેકનો દાયરો પણ રાજાની કચેરી જેવો દિવસ બધો ભરાયલો જ રહેવા લાગ્યા. સહુ આગેવાનો આ ઓચીંતી ઉથલ પાથલને યાદ કરી કરી, શું થઈ ગયું તેના વિચારમાં ડુબી ગયા, જાણે સ્વપનું આવીને ઉડી ગયું. જોધાજીએ માણસોને પૂછ્યું,

“દ્વારકાના કાંઈ વાવડ ?”

“વાવડ તો બહુ વસમા છે બાપુ ! સોજીરોએ દેરાં માથે અકેકાર ગુજારવા માંડ્યા છે.”

“શું થયું ભાઈ ?”

“દખણામૂરતીની પ્રતિમાજીના જમણા હાથની આંગળીયું અને નાસકા ખંડિત કરી. બીજી મૂર્તિયું ને પણ ભાંગફોડ કરી ”

“હા ! હા !” કહી જોધાએ અાંખ મીંચી.

“બીજું બેટમાં તો આપણે કિલ્લો ખાલી કર્યાની રાતે જ સોજીરો દાખલ થઈ ગયા, વળતે દિ' સવારમાં ડોનવેલ સાબે સોજીરૂંને લૂંટ કરવાને હુકમ દીધો.”

“લૂંટ કરવાનો હુકમ ?”

“હા બાપુ, લૂંટ કરવાનો હુકમ દીધો, એટલે પેલા પરથમ તો કરાંચીના વહાણોમાં દારૂ સંઘરેલો હતો ઈ હાથ લાગ્યો એટલે સોજીરો પી પીને ચકચૂર થયા. પછી ઉઘાડી તરવારે કૂતરાંની, મીંદડાંની, ઢોર ઢાંખર જે મળ્યું તેની અને રૈયતનાં નિર્દોષ માણસુંની વિના કારણ કતલ કરવા લાગ્યા.” “હં !” કહીને જોધા માણેકે નિસાસો મેલ્યો. બીજા બેઠેલા, તેઓના પંજા પટોપટ પોતાની તરવાર માથે ગયા. આ જોઈને જોધાજી બોલ્યા “ધીરા થાવ ભાઈ ! હજી વાત અધુરી છે, પછી કેમ થયું ભાઈ ?”

“મંદિરની દિવાલ તૂટી હતી તેમાંથી એક સોનાની પાટ જડી, ગોરાને લાગ્યું કે દિવાલોમાં રોગી પાટો જ ભરી હશે ! એટલે વળતે દિ' સોજીરોની પલટન કિલ્લાને સુરંગ દઈને ફુંકી નાખવા માટે આવી. વસ્તીએ કાલાવાલા કર્યા કે આમાં અમારાં દેરાં છે, ને દેરાંમાં મૂર્તિયું છે. માટે જાળવી જાઓ. પલટનનો સાહેબ બોલ્યો કે “બે કલાકમાં તમારી મૂર્તિ ઉઠાવી જાઓ, નહિ તો ટુકડો ય નહિ રહે.” મૂર્તિઓ ઉપાડીને રાધાજીની ગાશાળામાં પધરાવી, અને ચાર પડખેથી સુરંગ ભરીને ફોજવાળાઓએ આખો કિલ્લો અને ભેળા તમામ દેરાંને ફુંકી દીધાં. અટાણે તો ત્યાં દિવસે ય ખંડેરો ખાવા ધાય છે, રાતે તો ઉભા રહેવાતું નથી.”

“અને હવે ?”

“હવે તે હાંઉ, લૂંટ આદરી છે. દેરાંમાંથી નાણાં મળતા જાય છે તેમ તેમ લૂંટારાઓને ઉમંગ ચડતો જાય છે. ભગવાનને પહેરાવવાના અઢળક દાગીના, રોકડ...."

“અને વસ્તીએ પોતાનાં ઘરાણાં નાણાં દેરામાં સાચવવા મેલ્યાં છે તે ?”

“તે પણ ભેળાં જ જાશે બાપુ ? કોણ ભાવ પૂછશે ?”

“રણછોડરાય ! રણછોડરાય ! અમારાં પાપ અાંબી ગયાં ! સૂકાં ભેળાં લીલાં ય બળી જાશે. સત્યાનાશ વ્હોર્યું', મુરૂભા !” એમ બોલતો બુઢ્ઢો ચોધાર આંસુડે રોવા લાગ્યો.

આમ વાત થાય છે ત્યાં ખેભર્યો, સાંઢીયો ઝાડીમાં દોડ્યો આવે છે, અને માર્ગે બેઠેલ અસવાર, સાંઢીયો ઝૂક્યો ન ઝૂક્યો ત્યાં તો ઉપરથી કુદકો મારીને દાયરામાં શ્વાસ લીધા વિના વાવડ આપે છે : “આપણી ગોતમાં ફોજું દસે દૃશ્યે પાટકે છે. એક પલટન વશી ગઈ'તી, ત્યાં કોઈ બારવટીયો તો હાથ લાગ્યો નહિ, એટલે ફોજવાળાએ ગામને આગ લગાડી અને ધરમશાળાને સુરંગ નાખી ફુંકી દીધી.”

“વશી બાળી નાખ્યું ? માંહીની વસ્તીનું શું થયું ?”

“કો'ક ભાગી નીકળ્યાં, ને કો'ક સળગી મર્યાં. ઢોર ઢાંખર તો ખીલે બાંધેલાં જ સસડી મુવાં હશે.”

“પછી ફોજ કેણી કોર ઉતરી ?”

“સગડ લીયે છે. પોશીતરા, સામળાસર અને રાજપરા સુધી પગેરૂં ગયું છે, ને હમણાં અહીં આવ્યા સમજો બાપુ !"

“હવે આપણને કોણ સંઘરશે ? દોઢ હજાર માણસોને સંતાવા જેવી વંકી જગ્યા હવે ફક્ત એક જ રહી છે, હાલો. ભાઈ, આભપરો આપણને આશરો દેશે.”

પોરબંદર અને નગર રાજ્યના સીમાડા ઉપર પંદરેક ગાઉમાં બરડો ડુંગર પથરાયો છે, અને એના જામનગર તાબાના ઉચેરા ભાગને 'આભપરો' નામે ઓળખવામાં આવે છે. આભપરો આભની સાથે જ વાતો કરી રહ્યો છે. જેઠવા રાજાઓને કાજે ભૂતના હાથે બાંધેલ હલામણ જેઠવાનું ઘુમલી નગર, કે જ્યાં હલામણની વિજોગણ સુંદરી સોનનાં અાંસુડાં ટપક્યાં હતાં; જ્યાં રાખાયત નામનો ફુટતી મૂછોવાળો બાબરીયો જુવાન ગાયોનાં ધણ દુશ્મનોના હાથમાંથી વાળવા જતાં મીંઢોળ સોતો મોતની સેજમાં સૂતો હતો અને એની વાંસે વિલાપ કરતી વિજોગણ સોન કંસારીએ જેઠવા રાજાની કૂડી નજરમાંથી ઉગરવા બરડાઈ બ્રાહ્મણોનો એાથ લઈ, રાજાની કતલમાં સવા શેર જનોઈ ઉતરે તેટલા અટંકી બ્રાહ્મણોને વઢાવ્યા હતા; જ્યાં વેણુ નદીને કાંઠે રાણા મેહ જેઠવાએ, ઉજળાવરણી ને ઉજળાંલક્ષણી ઉજળી નામની ચારણ-કન્યાની પ્રીતિના કાલાવાલા નકારી, એના શાપથી ગળત કોઢમાં ગળવાનું કબુલી લીધુ હતું. એવા આભપરા ડુંગર ઉપર રાજા શૈલકુમાર જેઠવાએ ભૂતને હાથે બંધાવેલાં કાળુભા, કચોળીયું ને સાફુંદો નામનાં ત્રણ પૂરાતની તળાવ છે. એ તળાવની પાળે ઝાડવાંમાં ને પોલા પાણાઓની બખોલોમાં વાઘેરોના કબીલાએ ઘંટીઓ માંડીને ગામ વસાવ્યું. નીચેના બરડા મુલકમાંથી અને નગરનાં પરગણાંમાંથી ખેડુતોની ખળાવાડોમાંથી ખોરાકી પૂરતા દાણા પાડા ઉપર લાદી લાદીને લાવવા લાગ્યા. અને જોધાની મુખમુદ્રા ઉપર મરણીયાપણાના રંગ તરવરી ઉઠ્યા : જોધો પોતાના ખરા રૂપમાં આવ્યો. એણે અંગ્રેજોની સાથે મહા વેર જગાડ્યું : એનું દિલ પ્રભુની સાથે લાગી ગયું :

મનડો મોલાસેં લગાયો
જોધો માણેક રૂપમેં આયો !
કમરૂં કસીને માણેકે બંધીયું અલા !
ગાયકવાડકે નમાયો — જોધો ૦
કેસર કપડાં અલાલા ! માણેકે રંગીયાં ને
તરવારેસેં રમાયો — જોધો ૦
જોધા માણેકજી ચડી અસવારી અલા !
સતીયેંકે સીસ નમાયો — જોધા ૦
ઉંચુ ટેકરો આભપરેજો અલ્લા !
તે પર દંગો રચાયો — જોધો ૦
શેખ ઈસાક ચયે સૂણે મુંજા સાજન !
દાતાર મદતેમેં આયો — જોધો ૦

[જોધો માણેક સાચા રૂપમાં આવ્યો. એણે પાતાનું દિલ પ્રભુ સાથે લગાવી દીધું. માણેકે કસી કસીને કમર બાંધી દુનિયામાં ડંકો બજાવ્યો, કેસરીયાં કપડાં રંગીને માણેક તરવારે રમ્યા. જોધા માણેકની અસવારી ચડી. પાદરમાં સતીઓના પાળીઆ હતા તેને જોધાજીએ માથું નમાવી પ્રણામ કર્યા. આભપરાના ઉંચા ટેકરા ઉપર ધીંગાણું મચાવ્યું. કવિ શેખ ઈસાક કહે છે કે ઓ મારા સ્વજનો ! સાંભળો ! એની મદદમાં દાતાર આવ્યો. ]

૧૩

દ્વારકાના અંગ્રેજ હાકેમના બંગલામાં મડમ મેરી પોતાના સ્વામી બારટન સાહેબની સાથે જીકર લઈ બેઠી છે : સાહેબ ઓરતને સમજાવે છે: “મેરી, તું હઠીલી થા નહિ આજ આપણે અાંહી સરકારી હાકેમ બનીને આવેલ છીએ. અાંહી વાધેરોનું બહારવટું સળગે છે. આપણે સેલગાહે નથી આવ્યા !”

“ના ના. ચાહે તેમ કરો, મારે જોધા માણેકને જોવો છે. એની બહાદુરીની વાતો સાંભળ્યા પછી મારી ધીરજ રહેતી નથી.”

“પણ એ બહારવટીયો છે, બંડખોર છે. એના શિર પર અંગ્રેજોની કતલનો આરોપ ઉભો છે. એને છુપા મળાય જ નહિ. એને તો જોતાં જ ઝાલી લેવો જોઈએ.”

“એક જ વાત સ્વામી ! મારે એ શુરવીરને નિરખવો છે.”

સાહેબનો ઈલાજ ન રહ્યો. એણે જોધા માણેકને આભપરેથી ઉતારી લાવવા માટે દ્વારકાવાળા રામજી શેઠને આજ્ઞા કરી. રામજી શેઠ અકળાયો.

“સાહેબ, એકવચની રહેશો ! દગો નહિ થાય કે ?”

“રામજી શેઠ, મારી ખાનદાની પર ભરોસો રાખીને બોલાવો.”

રામજીએ અાભપરાની ટોચે છુપા સમાચાર પહોંચાડ્યા કે “જોધાભા આવી જજો. સમાધાની થાય તેવું છે.”

જોધો ઉતર્યો. ઓખાનું માણેક ઉતર્યું. રૂપની તો સોરઠમાં જોડી નહોતી. આજાનબાહુ : મસ્ત પહોળી છાતી : બાજઠ જેવા ખંભા: વાંકડી મૂછો : જાડેજી દાઢી: મોટી મોટી અાંખોમાં મીઠપ ભરેલી : ને પંડ પર પૂરાં હથીઆર : આજ પણ ભલભલાઓ પોતાના વડીલોને મ્હોંયેથી સાંભળેલી એ વાઘેર રાજાનાં અનોધાં રૂપની વાતો કરે છે.

ગામ બહારની ગીચ ઝાડીમાં આવીને જોધાએ પડાવ નાખ્યો. રામજીભાને સમાચાર મોકલ્યા. રામજી શેઠ મડમ પાસે દોડ્યો. સવારથી મડમનું હૈયું હરણના બચ્ચાની માફક કૂદકા મારતું હતું. આજ કાઠીઆવાડી જવાંમર્દીનો નમૂનો જોવાના એના કોડ પૂરા થવાના છે. અંગ્રેજની દીકરીને બહાદૂર નર નિરખવાના ઉછરંગ છે. “મડમ સાબ ! જોધો માણેક હાજર છે.”

“ઓ ! ઓ ! એને અાંહી ન લાવજો ! અાંહી ન લાવજો ! કદાચ સાહેબ ક્યાંઈક દગો કરે ! અાંહી કચેરીમાં નહિ, પણ બહાર જંગલમાં જ મળવાનું રાખજો !”

મેરીના અંતરમાં ફિકરનો ફફડાટ હતો. પોતાના ધણી ઉપર પણ એને પૂરો વિશ્વાસ નહોતો બેસતો.

સાહેબે ખુશીથી બહાર જઈને મળવાનું કબુલ કર્યું. રામજી શેઠ પોતાના રાજાને ખબર દેવા ગયા. એ બુઢ્ઢા ભેરૂને દેખતાંની વાર જ જોધો સામે દોડ્યો. ભાટીઆને બથમાં ઘાલીને મળ્યો અને ઉભરાતે હૈયે બોલ્યો “રામજી ભા ! જીરે જીરે મલ્યાસીં પાણ ! પાંકે તો ભરોંસો ન વો !” [ રામજીભાઈ ! જીવતાં જીવત આપણે મળ્યા ખરા ! મને તો ભરોસો નહોતો.]

રામજી શેઠની છાતી પણ ભરાઈ આવી. ભેળો પોતાના દીકરાનો દીકરો રતનશી, દસ વરસનો હતો, તે આ ભાઈબંધીનાં હેત જોઈ રહ્યો. [રતનશી આજે બેટમાં હયાત છે.]

સાહેબ આવ્યા. મડમ આવ્યાં. બન્નેએ જોધાની સાથે હાથ મિલાવ્યા. ગોરાં વરવહુ એ ઘઉંવરણા અને અભણ બળવાખોરની ખાનદાન મુખમુદ્રા સામે પ્રેમભીની મીટ માંડી જોધાની રેખા યે રેખાને જાણે પીવા લાગ્યાં. સાહેબ મડમ સામે જુવે, ને મડમ સાહેબ સામે જુવે. બેયની આંખો જાણે જોધાને માટે કાંઈક વાતો કરી રહી છે. મડમનું અબોલ મ્હોં જાણે કરૂણાભરી ભાષામાં કહી રહ્યું છે કે “ઓખા મંડળનો સાચો માલીક તો અા આપણે તો ફકત બથાવી પડ્યાં. આનાં બાળ બચ્ચાંનું શું ? એની ઓરત કયાં જઈ જન્મારો કાઢશે ? કાંઈ વિચાર થાય છે ?”

મડમની અાંખો પલળતી દેખાણી. બાર્ટને કહ્યું “જોધા માણેક ! તમે અાંહી મારી પાસે નજરકેદ રહેશો ? હું તમારૂં બહારવટું પાર પડાવું. તમારો ગુન્હો નથી. ગુન્હો તો તમને ઉશ્કેરનારનો છે. અાંહી રહો. હું તમારે માટે વિષ્ઠિ ચલાવું.” જોધાએ રામજીભા સામે જોયું. રામજી તો વટનો કટકો હતો. તેણે કહ્યું “ના સાહેબ, જોધોભા તો ઓખાનો રાજા છે. એને નજરકેદ ન હોય, એ તો છુટો જ ફરશે. બાકી હું એનો હામી થઈને રહેવા તૈયાર છું.”

“રામજી શેઠ ! હું દિલગીર છું, કાયદાએ મારા હાથ બાંધી લીધા છે. એને હામી ઉપર ન છોડાય. તમે એને અાંહી રહેવા દ્યો. હું એને રાજાની રીતે રાખીશ.”

“ના ! ના ! ના !” બુઢ્ઢા રામજીએ ડોકું ધુણાવ્યું: “મારે ભરોસે આવેલા મારા રાજાને માથે ક્યાંઈક દગો થાય, તો મારી સાત પેઢી બોળાય ! હું ન માનું, જોધાભા ! પાછા વળી જાવ.”

સાહેબે અફસોસ બતાવ્યો. મડમ તો બહારવટીયાની મુખમુદ્રા ઉપર ઉઠતા રંગોને જ નિરખે છે. આખરે જોધો ઉઠ્યો. સાહેબ મડમે ફરી હાથ મિલાવ્યા, કાળી મોટી અાંખોમાંથી મીઠપ નીતારતો બહારવટીયો રણછોડરાયના મંદિર તરફ ઉભો રહ્યો, હાથ જોડ્યા. આભપરા દીમનો વળી નીકળ્યો. એનાં નેત્રો બોલતાં હતાં કે “ઓખાને છેલ્લા રામરામ છે !”

ઝાડીમાં એનાં પગલાંના ધબકારા સાંભળતી મડમ કાન દઈને ઉભી રહી.

૧૪

દાત્રાણા ગામના ચોરા ઉપર માણસોનો જમાવ થઈ ગયો છે; અને એક ગોરો સાહેબ કમરમાં તલવાર, બીજી કમરે રીવોલ્વર, છાતી ઉપર કારતૂસોનો પટો, સોનાની સાંકળી વાળી ટોપી, ગોઠણ સુધી ચળકાટ મારતા ચામડાના જોડા, પહાડ જેવો ઘોડો અને ફકત પાંચ અસવારો, એટલી સજાવટ સાથે ઉભો ઉભો ગામના પટેલને પૂછે છે “કીધર ગયા બારવટીયા લોગ ?”

પટેલ જવાબ આપતાં અચકાય છે. એની જીભ થોથરાય છે. કોઈ જઈને બહારવટીયાને બાતમી આપી દેશે તો પોતાના જ ઓઘામાં બારવટીયા પોતાને જીવતો સળગાવી દેશે એવી એના દિલમાં ફાળ છે. સાહેબે પોતાનો પ્રભાવ છાંટ્યો કે

“ગભરાયગા, ઓર નહિં બોલેગા, તો પકડ જાયગા, હમ હમારા બલોચ લોગકો તુમારા ઘર પર છોડ દેગા. વાસ્તે સીધા બોલો, કીધર હે બારવટીયા ?"

“સાહેબ, ચરકલા, ગુરગઢ અને દાતરડાના પાદરમાં થઈને બહારવટીયા ભવનેશ્વરના ડુંગરમાં ને પછી આભપરા માથે ગયા છે.”

“કિતના આદમી ?"

“બારસો ! ”

“રોટી કોન દેતા હે ?"

“સાહેબ, અમારા ગામનો પાડાવાળો પોતાનો પાડો છોડાવવા આભપરે ગયો'તો, એ નજરે જોયેલ વાત કહે છે કે બારસો યે જણા પડખેની ખળાવાડોમાંથી બાજરો લાવીને ફક્ત એની ઘૂઘરી બાફીને પેટ ભરે છે. અને જોધો માણેક બોલ્યો છે કે જામ સાહેબના મુકલમાં પૈસા વડીયે ખાધાનું મળશે તો ત્યાં સુધી અમારે લોકોને લુંટવા નથી. નીકર પછી મોટાં ગામોને ધમરોળવાં પડશે.” “અચ્છા ! સરકાર ઉસકી ચમડી ઉતારેગા !”

એટલું કહીને રતુંબડા મોઢાવાળા સાહેબે ઘોડો દોટાવી મૂક્યો, માર્ગે સાહેબને વિચાર ઉપડે છે : બાલબચ્ચાં, ઓરતો ને મરદો પોતાના નોકને ખાતર બાજરીનાં બાફણાં ઉપર ગુજારો કરે છે, એની સામે ટક્કર ઝીલવાનું આ ભાડુતી માણસોનું શું ગજું છે ?"૧૫

ભપરા ઉપર દિવસ બધો ચોકી કરતા કરતા બહારવટીયા જૂના કોઠાનુ સમારકામ ચલાવે છે અને રાતે દાયરો ભેળો થઈ દાંડીયા રાસ રમે છે. વાઘેરણો પોતાના ચોક જમાવીને ડુંગરનાં યે હૈયાં ફુલાય એવે કંઠે રાસડા ગાય છે, એવા ગુલ્તાનને એક સમે ચોકીદારે જોધાની પાસે અાવીને જણાવ્યું કે “બાપુ, હેઠલી ચોકીએથી વાવડ આવ્યા છે કે ચાર જણા તમને મળવા રજા માગે છે.” “કોણ કોણ ?”

“દેવડાનો પટલ ગાંગજી, સંધી બાવા જુણેજાનો દીકરો, ને બે સૈયદ છે.”

“સૈયદ ભેળો છે ? ત્યારે તો નક્કી વષ્ટિ સાટુ આવતા હશે. સૈયદ તો મુસલમાનોનું દેવસ્થાનું કે'વાય. ગા' ગણાય. એને આવવા દેજો ભા !”

એક પછી એક નાકું અને ચોકી વળોટતા ચારે મહેમાનો આભપરાના નવા રાજાઓના કડક બંદોબસ્તથી દંગ થાતા થાતા આવી પહોંચ્યા. જોધા માણેક તથા મુળુ માણેકને પગે હાથ દઈને મળ્યા. બોલ્યા કે “જોધા ભા ! વેર ગાયકવાડ સામે, અને શીદ જુનાગઢ જામનગરને સંતાપો છો ? અમે તમારૂં શું બગાડ્યું છે ?”

“ભાઈ, અમને સહુને જેર કરવા સાટુ તમારાં રજવાડાં શીદ ગાયકવાડ અને અંગ્રેજની સાથે ભળ્યાં છે, તેનો જવાબ મને પ્રથમ આપો. અમે એનું શું બગાડ્યું છે ?”

“પણ કોઈ રીતે હથીઆર મેલી દ્યો ? સરકાર ગઈ ગુજરી ભૂલી જવા તૈયાર છે.”

“ખબરદાર વાઘેર બચ્ચાઓ !” વીઘો સુમણીઓ ખુણામાંથી વિજળીને વેગે ઉભો થયો, "હથીઆર મેલશો મા નીકર મારી માફક કાળાં પાણીની સજા સમજજો. રજપૂત પ્રાણ છોડે, પણ હથીઆર ન છોડે.”

જોધાએ મહેમાનોને હાથ જોડી કહ્યું કે “એ વાત મેલી દ્યો. અમને હવે ઈશ્વર સિવાય કોઈ માથે ભરોસો નથી. અને મેં તો હવે મારા મોતની સજાઈ પાથરી લીધી છે. હું હવે મારો માનખ્યો નહિ બગાડું."

પહાડ ઉપર જે કાંઈ આછી પાતળી રાબડી હતી તે પિરસીને મહેમાનોને જમાડયા. હાથ જોડી બેાલ્યો કે “ભાઈયું ! આપ તો ઘણ જોગ, પણ અસાંજી સંપત એતરી !” છેક છેલ્લા ગાળાની ચોકી સુધી મહેમાનોને વાધેરો મૂકી આવ્યા.

૧૬

રકારનો હુકમ છૂટ્યો કે નગરનું રાજ્ય જાણી બુઝીને જ આભપરામાં બહારવટીયાને આશરો આપે છે. માટે જો નગરની ફોજ એને આભપરો નહિ છોડાવે, તો નગરનું રાજ ડલ થઈ જશે. જામના કારભારી ને વજીર લમણે હાથ દઈને વિચાર કરવા લાગ્યા. ઘણી ઘણી વિષ્ઠિ ઘૂમલીના ડુંગર ઉપર જામ રાજાએ મોકલી, પણ વિષ્ઠિવાળા લાચાર મ્હોંયે પાછા વળ્યા.

જામે કચેરીમાં પૂછ્યું : “લાવો વષ્ટિવાળાઓને. બાલીયા રેવાદાસ ! તમને શું કહ્યું ?”

“બાપુ ! જામને ચરણે હથીઆર છોડવા વાઘેરો તૈયાર છે. પણ અંગ્રેજોને પગે નહિ.”

“હાં. બીજું કોણ ગયું'તું?"

“બાપુ, અમે પબજી કરંગીયો ને મેરામણ.”

“શા ખબર ?”

“એજ : કહે છે કે આ જગ્યા નહિ છોડીએ. અમારી રોજીની વાત ગળામાં લઈને જામ જો ચારણ ભાટની જામીનગીરી આપે, તો જામના કૂતરા થઈને ચાલ્યા આવવા તૈયાર છીએ. પણ સરકારનો તો અમને ભરોસો નથી. ”

“કેમ ?”

“એકવાર હથીઆર છોડાવીને વિશ્વાસધાત કર્યો માટે !”

“કેટલા જણ છે ?”

“પંદરસો હથીઆરબંધ : અરધ બંદૂકદાર, ને અરધા અાડ હથીઆરે." “શું કરે છે ?”

“જૂનો કોટ સમારે છે.”

ફોસલાવવાની આશા છોડી દઈને દરેક મોટા મોટા રાજ્યે પોતપોતાની ફોજો ભેળી કરી. છ છ બાજુએથી ઘેરો ઘાલ્યો.


૧૭

માગશર વદ નોમની પાછલી રાતે શિયાળાનો ચંદ્રમા અનોધાં તેજ પાથરતો હતો. આભપરાની ટુંકો એ તેજમાં તરબોળ બની ન્હાતી હતી. ઘૂમલીનાં દેવતાઈ ખંડેરોની -એ તળાવો, વાવો, કૂવાઓ, દેરાંઓ ને ભોંયરાંઓની એકવાર અલોપ થઈ ગયેલી દુનિયા જાણે ફરીવાર સજીવન થઈ ગઈ હતી. કડકડતી ટાઢમાં પહેરવા પૂરાં લૂગડાં ન હોવાથી વાઘેરનાં બચ્ચાં તાપણાંની આસપાસ પોઢતાં હતાં. ચોકીદારો બોકાનાં વાળીને પોતાનાં અધઉધાડાં અંગ ભડકા કરી કરીને તાપતા હતા. તે વખતે મોડપરના ગઢ ઉપરથી તોપના એક...બે...ને ત્રણ બાર થયા. તોપ પડતાં જ ગાળે ગાળેથી ફોજો ચડી. ઘૂમલીની દિશાએથી કંસારીની કેડીએ નગરનાં છસો માણસોની હાર બંધાઈ : દાડમાની કેડીએ ને નલઝરની કેડીએ બસો બસો સરકારી પલ્ટનીયાએ પગલાં માંડ્યાં. કિલ્લેસરથી ત્રણસે અને દંતાળો ડુંગર હાથ કરવા માટે સાડા પાંચસો ચડ્યા.

એમ આશરે બે હજાર ને ત્રણસો પૂરેપૂરા હથીઆરધારીઓએ વાઘેરોને વીંટી લીધા. જાણ થાતાં જ બહારવટીયાએ સામનો કરી હાકલ દીધી કે “હલ્યા અચો મુંજા પે ! હલ્યા અચો ! [હાલ્યા આવો મારા બાપ ! હાલ્યા આવો !]"

વાઘેર બચ્ચાના મ્હોંમાંથી ભર લડાઈમાં પોતાના કટ્ટા અને અધમ શત્રુની સામે પણ “હલ્યા અચો મુંજા પે !” સિવાય બીજો સખૂત કદિ નીકળ્યો નહોતો. મહેમાનને આદરમાન આપતા હોય, અને શત્રુઓને ઉલટા શુરાતન ચડાવતા હોય એવા પોરસના પડકારા દઈ પચાસ પચાસ બહારવટીયાના જણે જેવે તેવે હથીઆરે આ કેળવાયેલી ને સાધનવાળી પલટનોનો સામનો કર્યો, મરદની રીતે ટપોટપ ગોળીએ વીંધાતા ગયા. કંસારીનાં દેરાંને મોર્ચે, આશાપરાના ધડાની ચોકી, વીણુનો ધડો, એમ એક પછી એક ચોકીઓ પડતી ચાલી.

બીજી બાજુથી સરકારે પાસ્તર ગામના રબારી માંડા હોણને ભોમીઓ બનાવી, એના એક સો રબારીઓને ખંભે રબરની અને કાગળની તોપો ઉપડાવી આભપરે ચડાવી. દિવસ ઉગ્યો અને તોપો છૂટી. કાળુભા અને સાકુંદા તળાવમાં ગોળા પડ્યા. પાણી છોળે ચડ્યાં. સુરજને પગે લાગતો જોધો બોલ્યો કે “થઈ ચૂકયું. આપણા પીવાનાં પાણીમાં ઝેરના ગેળા પડ્યા. હવે આભપરો છોડીને ભાગી છૂટીએ.”

પોતાનાં સાતસો જુવાનોને આભપરે સૂવાડીને બારવટીયાએ દંતાળાને ડુંગરે એક દિવસને ઓથ લીધો. જોધા માણેકે આ પ્રમાણે ટુકડીઓ વ્હેંચીઃ “મુરૂભા ! તું એક સો માણસે માધવપૂરની કોર, પો૨બંદ૨ માથે ભીંસ કર.”

“દેવા ભા ! તું એક સો માણસે હાલારમાં ઉતરી ગોંડળ જામનગરને હંફાવ.”

“હું પોતે ગીરમાં ગાયકવાડને ધબેડું છું.”

“વેરસી ! તું ઓખાને ઉંધવા મ દેજે !"

“ધના ને રાણાજી ! તમે બારાડીને તોબા પોકરાવો !”

“ભલાં !” કહીને સહુએ જોધાની આજ્ઞા શિર પર ચડાવી. રાત પડતાં અંધારે નોખનોખી ટુકડીઓ, ઓરતો ને બચ્ચાં સહિત પોતપોતાને માર્ગે ભૂખી તરસી ચાલી નીકળી.

૧૮

[૧]કોડીનાર મારીને જાય
ઓખાનો વાઘેર કોડીનાર મારીને જાય !
ગોમતીનો રાજા કોડીનાર મારીને જાય !

આમથણે નાકેથી ધણ વાળીને
ઉગમણે નાકે લઈ જાય– ઓખાનો૦

નીસરણીયું માંડીને ગામમાં ઉતર્યાં ને
બંદીવાનની બેડીયું ભંગાય–ઓખાનો૦


 1. કીનકેઈડ સાહેબે બહારવટીયાનાં આવાં કેટલાંક કાઠીઆવાડી
  રણગીતોને “Ballad” નામ આપી, અંગ્રેજી ભાષામા ઉતાર્યાં છે. પોતે ભાષાન્તર કરવામાં અતિશય છૂટ લેતા હોવાથી એના અનુવાદો અસલ ગીત કરતાં સરસ થાય છે. અને કેટલાક વાર તો જૂનાં સાથે મીંડવવા જતાં પંક્તિઓ મળતી નથી. નીચેનું Ballad આ ગીતનું જ ભાષાન્તર હોવાનું દિસે છે. એમાં કેટલીક પંક્તિઓ મળતી નથી. કેટલીક

કોડીનાર મારીને જોધોભા ગાદીએ બેઠા ત્યારે
કોડીનારનો ધણી કોઈ ન થાય-ઓખાનો૦

દાયરો કરીને કસુંબા રે કાઢીયા ને
સાકરૂંના ડુંગા વેંચાય–ઓખાનો૦
રંગડા વાઘેરને દેવાય–ઓખાનો૦

ખરે રે બપોરે બજારૂં લુંટીયું ને
માયાના સાંઢીયા ભરાય-ઓખાનો૦

બ્રામણ સૈદુંને દાન તો દીધાં ને
ગામમાં મીઠાયું વેંચાય–ઓખાનો૦

ગાયું કેરે ગોંદરે નીર્યાં કપાસીયા ને
પાદરે ચોરાસી જમાય-ઓખાનો૦

દેસ પરદેસે કાગળો લખાણા ને
વાતું તારી વડોદરે વંચાય–ઓખાનો૦

હૈયાની ધારણે બોલ્યા રે નથુનાથ
તારા જસડા ગામોગામ ગવાય–ઓખાનો૦

[૧]
1

O! fair Kodinar, she stands on the cursed
mahratta's lands,

[In heavens there was neither moon nor star !]

They were waghirs strong and tall and
they climbed the loop-holed wall;
Then was heard the Banias' wail but
their tears had no avail,
When the king of Okha looted Kodinar.

2

Then a mighty feast he made for the
twice-born and the Dhed,
And the sweet-balls they were scattered
free and far,
Though each Brahmin ate and ate, yet he
emptied not his plate,
When the lord of Gomti looted Kodinar.

3

And they revelled late and longer, and they
chanted many a song.
(O his glory there is nothing that can mar
And the Bhats for gifts did come
and they thumped the kettle drum;
When the prince of Dwarka looted Kodinar.

4

And he gave with open hand to each
maiden in the land
As the sat bedecked within the bridal car,
Though the sports they scarce could tell, not
a single waghir fell;
When Jodha Manik looted Kodinar.

“કોડીનાર ભાંગવા આવું છું. આવજો બચાવવા !” એમ પ્રથમથી જ ગાયકવાડ રાજને જાસો દઈ, ગિરના ગાળા ઓળંગતો ઓળંગતો બુઢ્ઢો જોધો માણેક પરોડિયાને અંધારે કોડીનારના કોટની રાંગે આવી પહોંચ્યો.

આખી ગાયકવાડી ફોજ તો ગામમાંથી ભાગી છૂટી હતી, પણ ગામને ઝાંપે કોઠા ઉપર એક આદમી અડગ હિંમતથી ઉભો હતો. વાઘેરો આવ્યા તેને એ એકલ આદમી સૂનકાર પડેલા કોઠામાંથી બંદૂક ચલાવી ગોળીએ વધાવતો હતો. એનું નામ આદમ મકરાણી.

“વાહ જમાદાર !” વાધેરોએ એ વીરને નીચે ઉભાં ઉભાં પડકાર્યો; “શાબાસ ભાઈ ! ગાયકવાડના આટલા સિપાઈમાં એક તેં જ નીમક સાચું કર્યું. હવે બારો નીકળી જા, તારે માર્ગે પડ, તારૂં નામ કોઈ ન લીયે.”

આવી શાબાસીને આદમ મકરાણી ન સમજી શક્યો. હતો બહાદૂર, પણ મનની મોટપનો છાંટો ય નહોતો. એણે ગાળો દેવા માંડી. વાઘેરોએ ફરીવાર એને ચેતાવ્યો કે “જમાદાર ! જબાન સમાલો ! અને ઉતરી જાઓ. અમે ઘા નથી કરતા, માટે ખાનદાન બનો.”

પણ આદમે ખાનદાની ન ઓળખી. એણે હલકટ બોલ કાઢવા માંડ્યા. અને દગો કરીને એણે મૂળુ માણેકના ભાણેજ ઉપર ગોળી છોડી. ભાણેજની લોથ નીચે પડતાં જ વાઘેરોએ જોધા સામે જોયું. જોધાએ આજ્ઞા દીધી :

“હાણે કુત્તો આય, સિપાઈ નાંય. હાણે હીંકે હણો ! (હવે એ કુતરો છે. સિપાઈ નથી રહ્યો. હવે એને મારો !)

એ વેણ બોલાતાં જ મીયા માણેકની બંદુક છૂટી. એકજ ભડાકે આદમ મકરાણીને કોઠા ઉપરથી ઉપાડી લીધો.

આદમને ખતમ કરીને જ્યાં દિવાલ પર ચડવા જાય છે ત્યાં ગામ વચ્ચોવચની એક મેડીમાંથી તોપનો માર થયો. એક પછી એક ગોળા પડવા લાગ્યા. જોધો જોઈ રહ્યો : “ આ કોણ જાગ્યો ?”

જાણભેદુએ કહ્યું “કોડીનારના નગર શેઠ કરસનદાસની એ મેડી, જોધાભા ! અરબસ્તાન સુધી એનાં વ્હાણ હાલે છે.”

“વાણીએ તોપો માંડી ?”

“જોધાભા ! એ તો નાઘેર કાંઠાનો વાણીઓ : રજપૂત જેવો.”

ધડ ! ધડ ! ગોળા આવવા લાગ્યા, તે વખતે જોધા માણેકની મીટ પોતાના એક ભેરૂબંધ ઉપર મંડાણી. ભેરૂબંધ સમજી ગયો. કાઠીઆવાડનાં રાજસ્થાન માંહેલો એ એક જાડેજો ઠાકોર હતો. કરડો, કદાવર અને બંદૂકનો સાધેલ એ રજપૂત આંબલી પર ચડ્યો. બરાબર તોપવાળી મેડીમાં તીણી નજર નોંધીને એણે ભડાકો કર્યો. નગરશેઠના આરબ ગોલંદાજને વીંધી લીધો.

ગોલંદાજ વીંધાતાં જ મેડી પરથી વાણીઆએ શરણાગતિની કપડી કરી. (ધોળો વાવટો બતાવ્યો.) પછી જોધો માણેક કોટને નીસરણી માંડીને ઉઘાડી તલવારે આગળ થઈને ચડ્યો. દરવાનોને ઠાર કરી. દરવાજા ઉઘાડા ફટાક મેલી, પોતાના સરખે સરખા સો જણને અંદર દાખલ કર્યા. બંદુકોમાં આઠ આઠ પૈસાભારની વજનદાર ગોળીઓ ઠાંસી, બેબે ખોબે દારૂ ભરી માણસો જે ઘડીયે હલ્લા કરવાં ચાલ્યા તે ઘડીયે જોધો આંગળી ઉંચી કરીને ઉભો રહ્યો:-

“સાંભળી લ્યો ભાઈ ! વસ્તીની બોનું ડીકરીયુંને પોતપોતાની બોનું ડીકરીયું ગણીને ચાલજો. પ્રથમ મેતા મુસદ્દીઓને હાથ કરજો ! પછી વેપારીઓને પકડજો ! બીજો જે સામો ન થાય એને મ બોલાવજો !”

ગામમાં પેસીને વાઘેરો છૂટા છવાયા ભડાકા કરવા લાગ્યા, તેટલામાં બાજુની ખડકી ઉઘાડીને એક ડોશી બહાર ડોકાણી. હાથ જોડીને બહારવટીયાને વિનવવા લાગી કે “એ બાપા ! બંદૂકું બંધ કરો. મારૂં ગરીબનું ઘર ભાંગી પડશે.” “શું છે માડી ?” જોધાએ પૂછ્યું.

“મારે એકનો એક દીકરો છે, એની વહુને અટાણે છોરૂ આવવાનું ટાણું છે. આ ધડાકા સાંભળીને વહુ બાપડી ફાટી મરશે."

જોધાએ હાથ ઉંચો કરી ગોળીબાર થંભાવ્યા.

કાયસ્થ દેશાઇનું ઘર હતું, બહારવટીયા ત્યાં લૂંટી રહ્યા હતા. ચાર વરસના એક નાના છોકરાના પગમાંથી તોડા કાઢતા હતા. છોકરો રોતો હતો.

“ભાઈ માધવરાય !” એ છોકરાની બ્હેને હાકલ કરી: “રોવે છે શીદ ભાઈ ? તું જીવતો રહીશ તો તોડા ઘણા મળી રે'શે, રો મા, માધવરાય !”

“માધવરાય” નામ સાંભળતાં જ વાઘેરો અટકી ગયા. એક બીજાની સામે જોઈ કહેવા લાગ્યા કે “પાં તો માધુરાયજા કૂતરા આહાં ! માધુરાય તો અસાંજા ઠાકોર ! [આપણે તો માધવરાયના કૂતરા છીએ. માધવરાય તો આપણા પ્રભુ કહેવાય.”

એ બાળકને માધવપુરવાળા પ્યારા પ્રભુ માધવરાયનો નામેરી જાણીને વાઘેરો પગે લાગ્યા અને વગર લૂંટ્યે બહાર નીકળી ગયા.

ગામ કબજે કરી કચેરી ભરીને બહારવટીયાએ બેઠક જમાવી. નગરશેઠ કરસનદાસને સન્મુખ બેસારેલા છે. નગરશેઠે હાથ જોડીને કહ્યું કે “તમારે શરણે આવ્યા છીએ. હવે અમારી આબરૂ રાખો અને કોરે કાગળે દંડનો આંકડો માંડો.”

કહેવાય છે કે બહારવટીએ પાંચ હજાર રાળ (Rials નામનું પોર્ટુગીઝ નાણું કે જેનું, દીવ નજીક હોવાથી નાઘેરમાં ચલણ હતું.) એટલે કે રૂા. ૧૨૫૦૦ દંડ માંડ્યો. શેઠે દંડ કબૂલ કર્યો. પછી વિનતિ કરી કે “સહુ દાયરો લઈને મારે ઘેર પગલાં કરો.”

બહારવટીયો વિશ્વાસ મૂકીને શેઠને ઘેર પરોણો બન્યો. ઘરને ભોંય તળીએ તો કાંઈ નહોતું, પણ પહેલે માળે જાય ત્યાં બહારવટીયાએ જોયું કે તેલની મોટી કડાઓ ઉકળી રહી છે. ઉપલે માળે જાય તો પાણા ગોફણો વગેરેના ઢગલા પડ્યા છે. તેથી યે ઉપરને માળે ચડતાં તો બંદૂક, દારૂગોળો અને તલવારના ગંજ દીઠા, અગાસી પર ત્રણ ઠાલી તોપો દેખી.

હસીને બહારવટીઆએ પુછ્યું “કાં શેઠ, શો વિચાર હતો ?”

નગરશેઠે જવાબ દીધો “બાપા, નાઘેર તો સોમનાથજીની ભૂમિ છે. આ ભૂમિ ઉપર તો લાખો શૂરાપૂરાનાં લોહી છંટાણા છે. મરવું મારવું એ અમારે મોટી વાત નથી. સાચું બોલું છું કે જો તમારામાં ધરમ ન દેખ્યો હોત, ને જો મને ગામની બાયું દીકરીયુંની બેઇજ્જતીની બીક હોત, તો –બડાઈ નથી મારતો ૫ણ-લડતે લડતે ચોથી ભોંયે ચડત અને તેમ છતાં ન પહોંચત તો સુરંગ ફોડીને મેડી ઉડાડી દેત. પણ તમારૂં ધરમજુદ્ધ જોઈને પ્રેમ આવ્યો એટલે આ ગોઠ દીધી છે, જોધા માણેક !”

“રંગ તુંને ભા ! રંગ વાણીઆ ! એમ બોલતો બહારવટીયો હેતભરપૂર હૈયે નગરશેઠને બથ ભરી ભેટી પડ્યો.

પાંચ હજાર રાળની થેલીઓ ભરીને શેઠના દીકરાઓએ બહારવટીયાની સન્મુખ ધરી દીધી. ધરીને પગે લાગ્યા.

“દીકરાઓ !” બહારવટીયો બોલ્યો, “આ હું તમને પાઘડીના કરીને પાછા આપુ છું.”

ગોઠ જમીને બહારવટીયો નીકળી ગયો. [૨]શેઠનો દંડ ન લીધો.

સરકારી કચેરીની અને દુકાનોની લુંટ ચલાવી. બીજે દીવસે બ્રાહ્મણોને ચોરાસી જમાડી, ગાયોને ગોંદરે કપાસીઆ નીર્યા. ત્રીજે દિવસે કસુંબા કાઢી દાયરા ભર્યા ચારણ બારોટોની વાર્તા ને નાથબાવાના રાવણહથ્થા સાંભળ્યા. ત્રણે દિવસ કોડીનારના ગઢ ઉપર વાઘેર રાજાનો નીલે નેજો ફરકતો રહ્યો. ત્રણ દિવસ સુધી રીતસર ત્યાં રાજ ચલાવ્યું. ન્યાય ચુકાવ્યા, રક્ષણ કર્યું ને કેદીઓ છોડ્યા. ચોથે દિવસે ચાલી નીકળ્યા. ગિરના કોઈ


 1. વધુ ધટનાઓ વર્ણવી છે. કદાચ એ ધટનાવાળી મૂળ પંક્તિઓ મારા શોધેલા ગીતમાંથી ઉડી ગઈ હશે. “Outlaws of Kathiawarના પૃષ્ઠ ૩૮ પર એ લખે છે કે:- I have unearthed the following ballad which is written in a gay, jingling metre, and affords relief after the somewhat wearisome quatrains of the Kathi bards:-
 2. *આ શેઠને પાછળથી વેલણ ગામ ઈનામમાં મળેલું અને દિ. બ. મણિભાઈ જશભાઈના કારોબારમાં શ્રીમંત સરકાર એને ઘેર જઈ આવેલા.
વંકા ગાળામાં બેસી કોડીનારની લુંટનો ભાગ પાડ્યો. જોધાએ

પૂછયું “કુલ આપણે કેટલા જણ ?”

“એક સો ને બે.”

“ઠીક ત્યારે, એક સો ને બે સરખા ભાગ પાડો ભા !”

“ના ના જોધા ભા ! એમ નહિ બને. તું અમારો રાજા છો. પ્રથમ તારી મોટાઈનો ભાગ કાઢીએ. તે પછી જ અમારા એક સો ને બે સરખા ભાગ પડાશે.”

મોટાઈનો ભાગ કાઢ્યા પછી સરખે સરખા ભાગ પડ્યા. અકકેક માથા દીઠ ત્રણ સો ત્રણ સો કોરી વ્હેંચાણી. અને બારવટીયા હિરણ્ય નદીને કાંઠે વાંસાઢોળના ડુંગરામાં આવ્યા. નદીની લીલી પાટ ને પીળી પાટ ભરી હતી પડખે એક ઘટાદાર આંબલી હતી. જોધાએ એ આંબલી નીચે ઉતારો કરવાનો મનસૂબો જાહેર કર્યો.

તેજ વખતે બરાબર એક વટેમાગું ત્યાંથી નીકળ્યો. એણે શીખામણ દીધી કે “ભાઈ, આંહી કોઈ દાનસ્તું માણસ રાત રોકાતું નથી. એવી વ્હેમવાળી આ જગ્યા છે, પછી તો જેવી તમારી મરજી !”

જોધાએ કહ્યું “ અરે ભાઈ ! ખડીયામાં ખાંપણ લઈને ફરનારાને તો સંધીય જગ્યા સોના જેવી.”

પડાવ નાખ્યો. બીજા જ દિવસથી જોધાને તાવ ચડ્યો. ત્રીજે દિવસે જોધાને પોતાનું મોત સુઝ્યું. મરતી વખતે એણે એટલું જ કહ્યું કે “ભાઈ ! મને મુરૂની તો ભે નથી. પણ દેવો ક્યાંઈક લપટશે એવો વ્હેમ આવે છે. દેવાને મારી રામદુવાઈ ક—”

એટલું વેણ અધુરૂં રહ્યું, ને જોધાનો જીવ ખોળીયું ખાલી કરીને ચાલી નીકળ્યો. હિરણ્યને કાંઠે જોધાને દેન દીધું. એક સો ને એક માણસોએ લુગડાં કાળા રંગમાં રંગીને પહેરી લીધાં. આખી ટુકડી જઈને મૂળુ ભેળી થઈ ગઈ. જે આંબલી નીચે જોધાએ પ્રાણ છોડ્યા, તે આજ પણ “જોધા આંબલી” નામે એાળખાય છે. સાંસણ ગામથી લીમધરા જતાં, વાંસાઢોળ ડુંગરની તળેટીમાં હિરણ્ય નદીને કાંઠે આ આંબલી ઉભી છે.

૧૯

"મરતાં મરતાં કાકા કાંઈ બોલ્યા'તા ?”

“હા, મુરૂભા ! કહ્યું'તું કે મુરૂનો તો મને ભરોસો સોળે સોળ આના છે, પણ દેવો લપટ્યા વિના નહિ રહે.”

મુળુ માણેકે નિસાસો નાખ્યા. એનાથી બોલાઈ ગયું કે “દેવો ! સાચી વાત. દેવો ભાઈ ઘણો ય હતો તો દેવતા જેવો, પણ એના જુલમની વાતું મારે કાને પોગીયું છે. અને વાઘેરૂંના નેજાના સતનો આધાર જોધો કાકો જાતાં મારો રૂદીયો હવે આ ધીંગાણામાં ઠરતો નથી. મુને ફાળ પડે છે કે દેવો ભાઈ વખતે વાઘેરૂંના વાવટાને બટ્ટો બેસારશે.”

ઓખામંડળના થડમાં કોઈ વંકી જગ્યાએ ઉતરીને મૂળુ માણેકે કાકાનું સ્નાન કર્યું છે, કાળાં લુગડાં પહેર્યાં છે, અને કાકાનો પ્રતાપ પરવારી બેસવાથી એને બારવટું સંકેલી લેવાના મનસૂબા ઉપડ્યા છે. પડખે [૧]દેવુબાઈ બ્હેન પણ ઉભી છે. એનાથી ન રહેવાયું. ભાઈની સંગાથે રઝળી રઝળીને પોતાનાં અનોધાં રૂપ હારી બેઠેલી, નીચોવાઈને કંગાલ બની ગયેલી બ્હેને આ ટાણે ભાઈને પડકાર્યો કે

“ભા ! દુ:ખ ભોગવવાં દોહ્યલાં થઈ પડ્યાં ? ત્રીસ જ વરસની અવસ્થાએ ઘડપણ ચડ્યાં?”


 1. *“દેવુબાઈ' નામની બ્હેન બાળકુંવારી રહીને બળવામાં વાઘેરોને પડકારતી બહાર નીકળેલી, એ વાત બીજે સ્થળેથી મળી હતી. પણ દ્વારકાના વાઘેરો 'દેવુબાઈ' જેવું કોઈ પાત્ર થઈ ગયાનો ઈન્કાર કરે છે.

“બોનબા ! દુઃખથી તો થાક્યો નથી. સાતસો સાતસો વાઘેરોએ કંટાળીને ગોરા પાસે હથીયાર મેલી દીધાં, તેનાથી યે અકળાતો નથી. પણ દેવાના ઓછાયાથી ડરૂં છું. કાકો દેવતાઈ નર હતા. એનાં છેલ્લાં વેણ ઈ તો પેગંબરનાં વેણ લેખાય !”

“ફકર મ કરજે. એવું થાશે તે દિ' દેવ માનો જણ્યો ભાઈ છે, તો પણ હું એનું માથું વાઢી લઈશ."

આમ વાતો થાય છે ત્યાં બાતમીદાર આવી પહોંચ્યો. એનું મ્હોં પડી ગયું હતું.

“શા ખબર છે બેલી ?”

“મુરૂભા ! ધ્રાંસણવેલ રાંડી પડ્યું. રામાભાઈની દેહ પડી ગઇ. આસોભા પણ ગુજરી ગયા. મુલવાસર વાળા મેપા જસાણીને પણ ગોળીના જખમ થયા. અને બાપુએ ને હબુ કુંભાણીએ સરકારને પગે હથીઆર મેલ્યાં.”

મુળુ માણેકે ફરી વાર સ્નાન કર્યું. નવા સમાચાર મળવા ઉપરથી વિચાર કરવા બેસે છે, ત્યાં એક સાંઢીયો આવીને ઝુક્યો. અસવારે આવીને રામ રામ કર્યા.

“ઓહો ! દુદા રબારી ! તમે ક્યાંથી બાપા ?” એમ કહેતો મૂળુ ઉભો થઈને મળ્યો.

“મુળુ બાપુ ! તમારા ભલા સારૂ આવેલ છું. મારે કાંઈ સવારથ નથી. પણ ઓખો રઝળી પડશે એ વાતનું મને લાગી આવે છે. માટે સંતાતો, લપાતો, ચોર બનીને આવ્યો છું.”

“બેાલો ભા !”

કુટિલતાની રમતો રમતી આંખે, કાળા સીસમ જેવો, ટુંકી ગરદન ને બઠીઆ કાનવાળો દુદો રબારી ઈસારો કરીને મુળુભાને એકાંતે તેડી ગયો. કાનમાં કહ્યું કે “બારટન સાહેબ અભેવચન આપે છે, જમીન પાછી સોંપાવી દેવા કોલ દે છે, એક દિવસની પણ સજા નહિ પડવા આપે. માટે સોંપાઈ જાઓ. અટાણે લાગ છે. ગુન્હેગાર તો કાકો હતો. તમે તો છોકરૂં છો. તમારો કાંઈ ગુન્હો જ નથી.”

મુળુનું દિલ માની ગયું. રબારી તો ભગવાનના ઘરનું માણસ : પેટમાં પાપ ન્હોય ; ને ગોરા ગમે તેવા તો યે બોલ કોલ પાળનારા; એમ સમજી મૂળુએ અંગ્રેજને શરણે જવાનો મારગ લીધો. માણસોને કહી દીધું કે “ભા ! હવે વીખરાઈ જાવ. બારવટાનો સવાદ હવે નથી રહ્યો. બોન દેવુબાઈને પણ અમરાપર લઈ જાવ. હું સીધો સાહેબ પાસે જાઉ છું.”

“ભા, બોન કહે છે એક વાર ચાર આંખો ભેળી કરતા જાવ.”

“ના નહિ આવું. બોનની આંખેાના અંગારા મને વળી પાછો ઉશ્કેરી મૂકશે.”

“ભા ! બોને કહેવરાવ્યું છે કે ઓખાનો ધણી ગોરા નોકરને પગે હથીઆર ધરશે ત્યારે જોયા જેવો રૂડો લાગશે હો !”

૨૦

મરેલી શહેરમાં તે દિવસ કાંઈ માણસ હલક્યું છે ને ! ચાર ગોરા સાહેબોની અદાલત બેઠી છે. અને બહારવટીયા ઉપર મુકર્દમો ચાલે છે. જુબાનીઓ ને સાક્ષીઓના ઢગલા થઈ પડ્યા છે, પીંજરામાં બીજા બધા વાઘેરો ઉભા છે. ફકત મુળુ માણેક જ નથી.

“મુલુકો ક્યું નહિ સમજાયા !” એમ ચારે ગોરાઓ પૂછે છે.

અમલદારોએ જવાબ દીધો, “ સાહેબ, મુળુ માણેક વચન આપીને બદલી ગયો."

એવે ઓચીંતો ત્રીસ વર્ષનો વાંકડી મૂછવાળો મુળુ દેખાયો. આંખે અંગે હથીઆર ઠાંસેલાં : ગમગીન છતાં પ્રતાપી ચ્હેરો : “ખમ્મા મુરૂભા ! મુરૂભા આવ્યો !” એવી વધાઈ પીંજરામાં ઉભેલા કેદીઓના મ્હોંમાંથી વછૂટી.

“ટોપીવાળા સાહેબો !” મુળુ બોલ્યો, “મુળુ માણેક બીજા હજાર ગુન્હા કરે, પણ વચન આપીને ન ફરે. હું ભાગી નીકળવા નહોતો રોકાણો. પણ મારી મા બ્હેનો અને ઓરતોને મુલાજાભેર ક્યાંઈક ઓથે રાખી આવવા મુંઝાતો હતો. કેમકે ઓખો તો અટાણે તમારા બુલોચી પલ્ટનીયાઓના પંજામાં પડ્યો છે. અને બલોચો અમારી બ્હેન દીકરીઓની લાજું લૂંટે છે.”

બોલતાં બોલતાં મૂળુ માણેકની આંખમાં કાળ રમવા લાગ્યો.

[૧]મુકર્દમો ચાલ્યો. જુબાનીઓ લેવાઈ, ફેંસલો લખીને ગોરાઓ ઉપડી ગયા. એની પાછળથી ફેંસલો વંચાણો કે “સુડતાલીસ વાઘેરોને પાંચ પાંચ વર્ષની, અને મુળુને ચૌદ વર્ષની સખ્ત મજૂરીની સજા. એના પિતા બાપુ માણેકને સાત વરસની સજા. તમામને વડોદરે રેવાકાંઠા જેલમાં ઉઠાવી જવાના.”

ખડ ! ખડ ! ખડ ! દાંત કાઢીને મુળુ બોલ્યોઃ “ક્યાં છે વાઘેરોને વિશ્વાસઘાતી કહેનારા ? વિશ્વાસઘાતી તે સાહેબનાં વેણ ઉપર ભરોસો રાખીને હથીઆર મેલનારા વાઘેરો ? કે અમને અભેવચન આપીને પછી કાળે પાણીએ કાઢનાર અંગ્રેજો !”

કચેરીની અંદર મુળુ માણેકની તલવાર કબજે કરવામાં આવી. સારાં હથીઆર તો બધાં ગીરમાં દાટી દીધેલાં. ફકત આ એક કટાઈ ગયેલા વટની, મીયાન વગરની તલવાર હતી.


 1. *“આ વખતના કેદીઓની જુબાની ઉપરથી સાફ માલુમ પડ્યું કે ગાયકવાડી અધિકારીઓએ તેઓનાં રોજ બંધ કર્યા, અને વારે વારે તેઓના ઉપર ચડાઈ કરવાના ડારા દીધા તેથી તેઓને આ તોફાન કરવાની જરૂર પડી. પોલીટીકલ ખાતામાં જોધો એકવાર ફરીઆદે ગયેલો, ને ત્યાંથી કાંઈ દિલાસો પણ મળેલો પણ પાછળથી કાંઈ થયું નહિ. મુળુ પેાતાનાં રોજ પેટે, લગ્ન ખરચ સારૂ બે હજાર કોરી લેવા ગયો હતો પણ તેને મળી નહિ હતી.” ['ઓખામંડળના વાઘેરોની માહેતી]
મીયાનને બદલે વડવાઈ વીંટેલી હતી. તલવાર જોઈને ગોરા

અમલદારો હસવા લાગ્યા. મૂળુને ટોણો માર્યો કે “એસી તલવારસે તુમ સારે મુલુકકો ડરાતા થા !”

આંખ ફાડીને મુળુએ જવાબ દીધો કે “ભુરીયા ! તરાર તરાર કુરો ચેતો ! તરારમેં કીં નારણો આય ? પાંજો કંડો નાર ! કંડો. [ભુરીયા ! તલવાર તલવાર શું કરે છે ? તલવારમાં તો શું જોવાનું બળ્યું છે ? આ મારૂ કાંડુ જો ! કાંડું.]”

એટલું બોલતાં બોલતાં જુવાન બહારવટીએ પોતાનું લોખંડી કાંડું બતાવ્યું. સાહેબો ભેાંઠા પડીને ચુપ થઈ રહ્યા.

સુડતાલીસ સાથીઓની સાથે મુળુ વડોદરે રેવાકાંઠા જેલ તરફ ચાલી નીકળ્યો.

૨૧

ગડામાં એક ઘોડેસવાર ચાલ્યો જાય છે. ટારડું ઘોડું ગણી ગણીને ડગલાં માંડે છે. બેસુમાર બગાંઓ કરડી રહી છે એટલે ઘોડાના પૂછડાને તો ઝંપ જ નથી. શરીરની બન્ને બાજુ મોઢું નાખી નાખીને ઘોડું બગાંઓને વડચકાં ભરતું જાય છે. અને પીઠ પર બેઠેલો લાંબી ધોળી દાઢી વાળો બંધાણી અસવાર, એક હાથે ઘોડાનું ચોકડું ડોંંચે છે, બીજે હાથે સરકનું દોરડું ફેરવી ફેરવી મારે છે, બે પગે ઘોડાના પેટાળમાં એડીઓ મારે છે, પોતે આખું શરીર હચમચાવે છે ને જીભના ડચકારા કરે છે. એમ છ છ જાતની કરામતો કરવા છતાં ઘોડું તો સરખી ચાલ્યે જ ચાલ્યું જાય છે. અસવાર ઘોડાને ફોસલાવે છે કે

“હાલ્ય મારા બાપ હાલ્ય, ઝટ પગ ઉપાડ. મોડું થાશે તો શીખ નહિ મળે ” એક અલમસ્ત આદમી ઉઘાડે શરીરે ખેતરમાં ઘાસ વાઢતો હતો એણે આ શબ્દો સાંભળીને પૂછ્યું “ એ બારોટજી ! ક્યાં ઝટ પોગવું છે ?”

“પોગવું છે ભાઈ, પોગવું તો છે દુલા રાજાની પાસે, ઝટ જઈને દુવા કે'વા છે ! આહાહા મૂળવો, કરાફાતનો વાઘેર મૂળવો !

કેસરીયા વાઘા કરી, કાંકણ બાંધ્યું કોય,
જગત ઉભી જોય, માણેક પરણે મૂળવો !

અને મુળવા ! તારી શી વાત !

તું ટોડા ગોપાળતણ, જો મેલીને જાત,
(તો તો) સવખંડ ચેરો થાત, માણેક તાહળો મૂળવા !

બારોટે બે દુહા લલકાર્યા, ત્યાં વગડો આખો જાણે સજીવન થઈ ગયો. મજૂર મૂલી, ખેડુતો, પશુઓ, સહુ ઉચાં માથાં કરી સાંભળી રહ્યાં. તેમ તો બારોટની ગળી ગયેલ ભુજાઓમાં બેવડું જોર આવ્યું. હાથ લાંબા કરીને લલકારવા લાગ્યો:

મૂળુ મૂછે હાથ, તરવારે બીજો તવા,
હત જો ત્રીજો હાથ (તો) નર અંગરેજ આગળ નમત!

“રંગ મૂળવા રંગ ! બેય હાથ તો રોકાઈ ગયા, એક હાથ મૂછનો તાવ દે છે ને બીજો તરવારની મૂઠ ઉપર જાય છે. ત્રીજો હાથ કાઢે ક્યાંથી ? અમરેલીવાળા ભુરીયાઓ ઘણુંય કહ્યું કે મુળુ માણેક ! સલામ કર, પણ ત્રીજા હાથ વગર સલામ શેની કરે ?”

“અરે પણ બારોટ | ફટકી કાં ગયું ? મુળુ માણેક તો વડોદરે રેવાકાંઠાની જેલમાં સડે છે ! ખોટાં બોકાસાં કાં પાડો ? ગળું દુખવા આવશે !" “એ ભૂત છો કે પલીત ? જાણતો ય નથી ઝોડ જેવા ? મૂળવો સાવઝ પાંજરે સામે કદિ ? ઈ તો એ આવ્યો છૂટીને.”

“હેં ? શી રીતે છૂટ્યો ? માફી માગીને ?”

“તારી જીભમાં ગોખરૂ વાગે ! માળા કાળમુખા ! મૂળવો માફી માગે ? એ જેલ તોડી જેલ !”

“જેલ તોડી ? વજ્જર જેવી જેલ તોડી ?”

“હા હા ! ઈ તો સંધાય ભેરૂડા મત બાંધીને સામટા દરવાજે દોડ્યા. જોવે ત્યાં તો બારીમાં સામાં પચીસ સંગીન ધરીને ૫લ્ટનીઆ ઉભેલા. પણ રંગ છે ગોરીયાળીવાળા દેવા છબાણીને. સવાશેર સુંઠ એની જણનારીએ ખાધી ખરી બાપ ! તે ઈ દેવે પડકારો કર્યો કે હાં મારા ભાઈયું ! મારી દયા કોઈ આણશો મા. હું સંગીન આડું મારૂં ડીલ દઈ દઉં છું. તમે જોરથી મારાં શરીર સામે ધસારો દઈને નીકળી જાજો. એમ કરી દેવો ડેલીની બારી આડે ડીલ દઈને ઉભો રહ્યો. બીજા સહુ, પલ્ટનીઆઓની બંદુક દેવાના ડીલમાં સલવાઈ રહી એટલે લાગ ભાળીને નીકળી ગયા.”

“અને દેવો ?”

“દેવો ય આંતરડાં લબડતાં'તાં તે ડોકમાં નાખીને હાલ્યો.”

“તે શું મુરૂભા નીકળી આવ્યા છે ?"

“હા હા, ને વાઘેરૂંને કરે છે ભેળા. મોટી ફોજ બાંધીને બારવટું ફરી માંડે છે. જાઉં છું મોજ લેવા. આજ છે માધવપરના વાવડ. આજ તો ખોબે ખોબે કોરીયું ને સોનામોરૂં વ્હેંચશે મારો વાલીડો !"

દળ આવ્યાં દખણી તણાં, ભાલાળા ભોપાળ
સામા પાગ શીંગાળ, માણેક ભરતો મૂળવો.

[દક્ષિણીઓનાં ભાલાવાળાં સૈન્ય આવ્યાં, પણ સિંહ સમાન મૂળુ માણેક તો એની સામે પગલાં ભરીને ચાલ્યો.] અને એ મલકનાં માનવી !

મૂળવે અંગરેજ મારિયા, કાગળ જાય કરાંચી
અંતરમાં મઢમ ઉદરકે, સૈરૂં વાત સાચી !

[મુળુ માણેકે અંગ્રેજોને માર્યા, તેના કાગળો કરાંચી પહોંચ્યા. હૃદયમાં ફાળ પામતી મડમો પોતાની સહીયરોને પૂછવા લાગી કે “હેં બેન, મારા ધણીને મૂળુએ માર્યો એ સાચી વાત ?"]

એવા એવા દુહા લલકારતો ને પોતાના બુલંદ અવાજથી વગડો ગજાવતો બારોટ ટારડી ઘોડીને સરપટાં મારતો મારતો ચાલી નીકળ્યો.

સાંતીડાં થોભાવીને વાઘેરો વિચાર કરવા માંડ્યા. એકે કહ્યું,

“માળે બારોટે દુવા સારા બણાવ્યા !”

બીજો સાંતીડાને ધીંહરૂં નાખીને મંડ્યો ગામ તરફ હાલવા. પહેલાએ પૂછ્યું “કાં ?”

“હવે સાંતી શીદ હાંકીએ ? મુરૂભાની ભેળા ભળી જાયેં. ભળીને ફરી વાર વાઘેરોનું જૂથ બાંધીએ.”

“હાલો તઈં આપણે ય.”

બેઉ ખેડુતો ચાલી નીકળ્યા. ઘાસનો ભારો વાઢીને પોતાના માથા પર ચડાવવા મથી રહેલ એક કોળી પણ થંભીને ઉભો થઈ રહ્યો. બે ઘડી વિચાર કરીને એણે પણ ભારો ફગાવી દીધો. દાતરડાનો ઘા કરી દીધો અને હાલ્યો. બીજાએ પૂછ્યું ”કાં ભાઈ ? કેમ ફટક્યું ?"

“જાશું મુળુભા ભેળા.“

“કાં ?”

"ભારા વેચી વેચીને દમ નીકળી ગયો !”
રર

રીતે ઈ. સ. ૧૮૬૫, સપ્ટેમ્બર તારીખ ૨૬ ના રોજ રેવાકાંઠા જેલ તોડીને બહારવટીયો વીસ વાઘેર કેદીઓને લઈ કાઠીઆવાડમાં ઉતર્યો. ઓખામાં વાત ફુટી કે મુળુભા પાછો આવ્યો છે.

આવીને પહેલા સમાચાર એણે ઓખાના પૂછ્યા:

“પાંજો ઓખો કીં આય ?”

સંબંધીઓએ જાણ કરી “મુળુભા, ઓખાને માથે તો રેસીડન્ટ રાઈસ સાહેબે બલોચોને મોકળા મેલી દીધા છે.”

“શું કરે છે બલોચો ?”

“જેટલો બની શકે એટલો જુલમ: જાહેર રસ્તે રૈયતની વહુ દીકરીઓને ઝાલી લાજ લૂંટી રહ્યા છે. અને વસ્તી પોકાર કરવા આવે છે તો રાઈસ સાહેબ ઉલ્ટો ધમકાવે છે."

“કેટલુંક થયાં આમ ચાલે છે ?”

“ત્રણ વરસ થયાં.”

સાંભળીને મુળુનો કોઠો ખદખદી ઉઠ્યો. એણે આજ્ઞા દીધી કે “ભાઈ, ઝટ ફોજ ભેળી કરો. હવે તો નથી રહેવાતું.”

જોતજોતામાં તો વાઘેરો ને ખાટસવાદીઓનાં જૂથ આવીને બંધાઈ ગયાં.

કેસરીઆ વાઘા મુળુ માણેકના શરીર ઉપર ઝૂલવા લાગ્યા. એણે પોતાનાં માણસોને કહ્યું કે “બેલી, બારવટામાં શુકન કરવાં છે માધવપૂર ભાંગીને. જેલમાંથી જ માનતા કરી હતી કે માધવરાયજીની સલામું લેવા આવીશ. માટે પહેલું માધવપુર.”

“મુળુભા ! માધવપુર પોરબંદરનો મહાલ છે હો ! અને જેઠવા રાજાએ ચોકી પહેરા કડક રાખ્યા હશે.” “આપણે પણ ચોકી પહેરાની વચ્ચે જ દાદાનાં દર્શન કરવાં છે, ભાઈ ! નધણીઆતાને માથે નથી જાવું.”

કંઠાળી મુલક સોના જેવાં અનાજ દેતો હતો, એની બરકતમાં વેપારી વાણીયા ને ખોજા ડૂબી ગયા હતા. ચાલીસ સિંધી જુવાનોનું થાણું માધવપૂરની ચોકી કરતું હતું. બહારવટીયા ઓચીંતા ક્યારે પડશે એ બ્હીકથી આખી રાત “જાગતા સૂજો ! ખબરદાર !” એવા પડકારા થતા હતા. એક દિવસ ઉડતા ખબર આવ્યા કે આજ રાતે બહારવટીયા પડશે. ખરે બપોરે કોટના દરવાજા દેવાઈ ગયા. પણ રાતે કોઈ ન આવ્યું. ખબર આવ્યા કે પાંચ ગાઉ આઘે ગોરશેર નામના ગામે અપશુકન થવાથી બહારવટીયા પાછા વળી ગયા.

માહ મહિનો ચાલે છે. લગ્નસરાના દિવસ છે. બહારવટીયાની ખાનદાની પર ભરોસો રાખી લોકોએ વિવાહ માંડ્યો છે. માધવપૂરને પાદર ભાયા માવદિયાની જાન પડેલી; અને રાતે કેશવા કામરીયાનું ફુલેકું ચડનારૂ હતું. એવે માહ વદ બીજ ને બુધવારે રાતે મુળુ અને દેવાની ટોળી માધવપૂરને ટીંબે માધવરાયને દર્શને ઉતરી.

હથીઆરબંધ નવતર જુવાનોએ પ્રથમ તો ગામ જોવા માટે જાન તથા ફુલેકાની ધામધુમમાં ભળી જઈ દીવાટાણે ગામમાં પગ મૂક્યો. શેરીએ શેરીએ મહાલ્યા. ફુલેકાંવાળા માને છે કે આ નવતર જુવાનો જાનની સાથે આવ્યા છે, અને જાનવાળા જાણે છે કે એ તો ફુલેકાવાળા ભેળા હશે.

ફુલેકાનાં ઢોલ શરણાઈ શાંત થઈ ગયાં. બજારો બંધ થઈ. ગામ નીંદરમાં પડ્યું. તે વખતે બહારવટીયા પોલીસના થાણા ઉપર પડ્યા. બંદુક નોંધીને ઉભા રહ્યા. મૂળુ બોલ્યો “અટાણે હથીઆર છોડી દીયો. નીકર અમારે તો માડુ મારવો ને કુત્તો મારવો બરાબર છે.”

હથીઆર છોડાવી, માણસોને કોઠામાં કેદ કરી, મૂળુએ ચારે દરવાજે ચોકીદાર મૂક્યા. વાઘેર પહેરગીરો એ કડકડતી ટાઢમાં માઢની બારીઓ સળગાવીને તાપતા તાપતા કાફીઓ લલકારવા લાગ્યા. અને હજામો પાસે જાનની મશાલો ઉપડાવી મૂળુ તથા દેવો માધવરાયજીને મંદિરે ચડ્યા.

“માણસોએ કહ્યું કે “મુળુભા ! મંદરને મોટાં તાળાં દીધાં છે.”

“અરે ક્યાં મરી ગયો પૂજારી ?”

“ભેનો માર્યો સંતાઈ રહ્યો છે. કુંચીયું એની કડ્યે લટકે છે.”

“પકડી લાવો ઈ ભામટાને.”

પૂજારી સંતાઈ ગયો હતો એને ખોળીને હાજર કર્યો.

“એ બાપુ ! માધવરાયના અંગ માથેથી દાગીના ન લેવાય હો !”

“હવે મુંગો મર, મોટા ભગતડા ! તારે એકને જ માધવરાય વા'લો હશે ખરૂં ને ? મુંગો મુંગો મને કમાડ ખોલી દે. મારે દરશન કરવાં છે. દાગીના નથી જોતા.”

મુળુના ડોળા ફર્યા કે બ્રાહ્મણે ચાવી ફગાવી, મંદિરનાં તોતીંગ કમાડ ઉઘડ્યાં. માધવરાય ! માધવરાય ! ખમા મારા ડાડા ! એમ જાપ જપતો મુળુ મંદિરમાં દાખલ થયો. દોડીને પ્રતિમાજીને બથ ભરી લીધી. ડાડા ! ખમા ડાડા ! એમ પોકાર કરતાં કરતાં મુળુ પોકે પોકે રોઈ પડ્યો. માણસો જોઈ રહ્યાં કે “આ શું કરે છે ? આની ડાગળી ખસી ગઈ કે શું થયું ?”

સારી પેઠે કોઠો ખાલી કરીને મુળુ ઉઠ્યો. પાછલે પગે ચાલતો ચાલતો બે હાથ જોડીને બહાર નીકળ્યો.

દુકાનોમાંથી રેશમી વસ્ત્રનો તાકો ઉપાડી લાવી મંદિર ઉપર નવી ધજા ચડાવી. પછી મુળુએ હુકમ આપ્યો કે “કોઈને લૂંટ્યા કે રંઝાડયા વિના ફક્ત લુવાણા અને ખોજા વેપારીઓને આંહી શાંતિથી બોલાવી લાવો.”

મંદિરને ઓટલે બુંગણ ગાદલાં પથરાવી મૂળુએ દરબાર ભર્યો. વેપારીઓને કહી દીધુ કે બ્રાહ્મણોની ચોરાસી જમાડવી માટે બ્રાહ્મણો માગે તેટલો સીધો સામાન કાઢી આપો. શેરાની ચોરાશી રંધાણી. તમામ માણસો માટે શેરાનાં સદાવ્રત મંડાઈ ગયાં.

હિન્દુ મુસલમીનનાં તમામ દેવસ્થાનો પર નવી ધજા ને નિવેદ ચડાવ્યાં.

લોકોની ભેળા બહારવટીયા દાંડીયા-રાસ રમ્યા. કોળી પટેલીઆઓની સ્ત્રીઓ પાસે રાસડા લેવરાવ્યા.

ત્રાસ વીતાવ્યો ફક્ત વેપારીઓ ઉપર. સતાવવાની મનાઈ છતાં કેટલાક ફાટેલા જુવાનોએ કોઈ કોઈ ઠેકાણે લુંટફાટ કરી; દર દાગીના કઢાવ્યા. દુકાનો ફાડી ફાડી રસ્તા ઉપર ઘી, ગોળ, સાકર, અનાજ, કપાસીઆ વગેરેના ઢગલા કર્યા. અને ગામલોકોને હાકલ દીધી કે “ખાવું હોય એટલું ખાઓ, ને લેવું હોય એટલું ઘેર લઈ જાઓ !”

વેપારીઓના ચોપડા મંગાવી સળગાવી મૂકયા.

“ગલાલચંદ શેઠ,” બહારવટીયાએ હુકમ કર્યો, “તું અમારો મેતો. આ બધા વેપારીઓ પાસેથી એની મત્તાના પ્રમાણમાં દંડનો આંકડો ઠરાવી ઉઘરાવી લે ભા : અને જેની પાસે રોકડ ન હોય એની પાસે એના દંડ પૂરતી કિમ્મતનો જ દાગીનો વસૂલ લેજે. વધુ મા લેજે ભા ! નીકર તુને માધવરાયજી પૂછસે !”

ગલાલચંદ શેઠે દંડના આંકડા મૂક્યા. ધનજી મુખીની દસ હજાર કોરી રાખી છ હજારનો માલ પાછો આપી દીધો.

ઠક્કર કેશવજી જેઠા નામે એક માલદાર વેપારીને મનાવતાં કોઈ બહારવટીયાના માણસે કાન ઉપર વગાડ્યું ને એને કાને લોહી નીકળ્યું. જોતાં જ મૂળુએ ત્રાડ પાડી કે “કોઈને એક ચરકો પણ કરવાનો નથી. અને આ શેઠને લોહી નીકળવાથી મારૂ દિલ દુ:ખાણું છે. એને કશોય દંડ કર્યા વગર છોડી મૂકો! ”

ખોજા કામના કોઈ વેપારીની એક રતન નામની ડોશી પોતાના દર દાગીના લઈને એક બ્રાહ્મણના ઘરમાં સંતાઈ ગઈ. એનો પિછો લઈને બહારવટીયા આવી ચડ્યા. ખુબ ધમકી આપી પૂછપરછ કરી, પણ બ્રાહ્મણ કુટુંબે કહ્યું કે “આ ડોસી તો અમારા ઘરનાં છે.”

“તો ખાવ એની સાથે એક થાળીમાં.”

બ્રાહ્મણો એ રતન ડોશીને એક થાળીમાં જમાડ્યાં. ઈતબાર રાખીને બહારવટીયા ચાલ્યા ગયા.

એક ખોજાના ઘરમાં પેઠા. કોઈ ન મળે. “એલા ભાઈ ભારી લાગ !” કહેતા બહારવટીયા અંદર પેઠા. પેસતાં જ એક ઓરતને સુવાવડના પથારીમાં પડેલી દીઠી. ચુપાચુપ બહારવટીયા બહાર નીકળી ગયા.

સાંજે ઢોલ શરણાઈ વગડાવતા અને ગલાલે રમતા વાઘેરો લોકોના મોટા ટોળા ઉપર મૂઠીએ મૂઠીએ કોરીઓ વરસાવતા નીકળી ગયા. એકંદર એક લાખ કોરીનું નુક્શાન કરી ગયા. દેવા વિઠ્ઠલ નામના શેઠે જીવની જેમ જાળવીને દાટી રાખેલી જામશાહી કોરીઓનો ખજાનો વાઘેરો ખાલી કરતા ગયા. તે ઉપરથી હજુ પણ માધવપૂરને મેળે આવનારી કંઠાળની મેરાણીઓ એક કટાક્ષનો રાસડો બેાલે છે તેની એક લીટી આ છે:

“દેવા ! તારી જૂની જામશાઈ કાઢી.”

બીજે જ દિવસે ગલાલચંદ શેઠ અલોપ થયો. કોઈને નથી ખબર કે એ ક્યાં ગયો. કદાચ એણે શરમથી કે બ્હીકથી આપઘાત કર્યો હશે.એનો પતો લાગ્યો જ નથી.

બીજે દિવસે દરબારી ગિસત આવી. ગામ ઉપર ન કરવાનો જુલમ કરી, મોજ ઉડાવી ચાલી નીકળી.

૨૩

{{પડતો અક્ષર|સૂ}ઈ નામના ગામને પાદર માતાનો પીપળો હતો. એક દેરૂં હતું. આજ ઝડી થવાથી પીપળો પડી ગયો છે. દેરૂં હજુ ઉભું છે.

માતાને થાનકે બહારવટીયા બેઠેલા છે, અને એનો સંગાથી જે સીદી હતો તે પીપળાની ડાળે ચડીને ખેાબા ભરી ભરી દોકડા ઉછાળે છે. નીચે ઉભેલા નાનકડાં છોકરાં એ દોકડા વીણતાં વીણતાં ને ઝીલતાં ઝીલતાં રાજી થાય છે.

મુળુ માણેક ને દેવો માણેક નીચે બેઠા બેઠા બેાલે છે કે “ભાઈ સીદી ! છોકરાંવને દોકડા સાટુ ટગવ મા. કોરીયું ભરી ભરીને વરસાવ. બાળારાજા રાજી થઈને દુવા દેશે.”

બહારવટીયા બચ્ચાંઓના આવા ગેલ જોઈ જોઈ મેાજ કરે છે, ત્યાં વાવડ આવ્યા કે “સડોદડવાળો રાજા બહાદૂર [૧]જાલમસિંહજી નગરથી જામ વીભાની મોટી ફોજ લઈ આજ મરણીયો બનીને આવે છે. ને લગોલગ આવી પહોંચ્યો છે.

ફોજ આવી ! વાર આવી ! એ બોકાસો સાંભળતાં જ છોકરાં ગામમાં ભાગ્યાં ને બહારવટીઆ રણ ભણી ભાગી છૂટ્યા.

બહારવટીયા પાળા ને વાર ઘોડાંવાળી : રાજબહાદૂર લગોલગ આવી જાય છે, વાઘેરોના હાથમાં ભરેલી બંદૂકો છે, પણ મુળુ માણેકની આજ્ઞા છે કે “વારને બીવરાવજો. ભડાકો ન કરશો. ચાહે તેમ તોયે એ રાજાનું કુળ છે. હજારૂનો પાળનાર વદે.”

થાતાં થાતાં તો વાર આંબી ગઈ, અને બહારવટીયા આકળા થયા. ત્યારે મુળુએ કહ્યું “ મીયા માણેક ! રાજબહાદુરને રોકી દે. પણ જોજે હો, એને જખમ કરતો નહિ.”

પાછળથી લાંબાને ડુંગરે જે મરાણો તેજ મીયો માણેક આખી ફોજની સામે એકલો ઉભો રહ્યો. બંદૂક છાતીએ ચડાવી પડકાર દીધા કે “રાજા બહાદૂર ! તુને અબ ઘડી મારી પાડું. પણ મારા રાજાની મનાઈ છે. પણ હવે જો એક કદમ ભર્યો છે ને, તો આટલી વાર લાગશે. તપાસ તારો જમૈયો.”

એટલું બોલીને મીયે બંદુક ફટકારી. ગોળી શત્રુની કમર પર અડકીને ગઈ, શરીરને ચરકો પણ કર્યા વગર રાજા બહાદૂરનો જમૈયો ઉડાવી દીધો. મીયો મ્હોં મલકાવીને બોલ્યો:

“આટલી વાર ! રાજા બહાદૂર ! પણ તુને ન મરાય. તું તો લાખુનો પાળનાર !”

જમૈયો જાલમસંગરે, ભાંજો તે ભોપાળ
દેવે જંજાઉં છોડીયું, ગો ઉડે એંધાણ.

રાજા બહાદૂર પાછા ફરી ગયા ! એની કાફીઓ જોડાઈ;

જાલમસંગ રાજા વાઘેરસેં કજીયો કીધો !
વાઘેરસેં કજીઓ કીધો રે-જાલમ૦


 1. *અત્યારના જામ રણજીતના સગા દાદા.

પેલો ધીંગાણો પીપરડીજો કીયો
[૧]ઉતે રાણોજી [૨]સૂરોપૂરો થીયો-જાલમ૦

બીજો ધીંગાણો રણમેં કીયો
ઉતે જમૈયો [૩]પીયો રે રીયો–જાલમ૦

ત્રીજો રે ધીંગાણો ખડેમેં કીયો.
ઉતે આલો જમાદાર તર રે રીયો–જાલમ૦

ચેાથો ધીંગાણો માછરડે કીયો.
ઉતે હેબત લટૂંર સાયબ રીયો-જાલમ૦

હૈડાજી ધારણે બોલ્યા રે નથુનાથ
તોજો નામ બેલી મડદેમેં રીયો-જાલમ૦

બરડામાં રાણાનું અડવાણું ભાંગીને જ્યારે બહારવટીયા ભાગ્યા ત્યારે પોરબંદરની ફોજ લઈ નાગર જોદ્ધો ઘેલો બક્ષી વાંસે ચડેલો. વાર જ્યારે લગોલગ થઈ ત્યારે એજ મીયા માણેકે ઉભા રહી ઘેલા બક્ષીને પડકારેલ કે “ઘેલા બક્ષી ! આટલી વાર લાગશે. સંભાળ તારી કમરમાંની દેત."

કાગળ ચિઠ્ઠીઓ લખવા માટે ખડીયાનું કામ કરતી લાંબી દોતો અસલમાં ભેટની અંદર રખાતી મીયાની બંદુકે એક જ ભડાકે એ દોતને ઘેલા બક્ષીની કમરમાંથી ઉડાવી દીધી હતી. અને શત્રુના અંગને ઈજા થવા નહોતી આપી.

આવો જ બંદુક મારનાર જમાદાર શકર મકરાણી આ ટોળીમાં હતો. એક દિવસ એક હિંદુસ્તાની પુરબીઓ ઠાકોર બહારવટીયા ભેગો ભળવા માટે આવ્યો. એની પરીક્ષા કરવા માટે શકર જમાદાર પોતાની ભેટમાં બાંધેલ જમૈયા ઉપર લીંબુ ઠેરવી ઉભો રહ્યો અને પછી એણે ઠાકોરને કહ્યું “ગોળી મારો ઔર યે નીંબુ કો ઉડા દો.”


 1. ત્યાં
 2. લડાઈમાં મરે તેને 'સૂરોપૂરો
 3. પડ્યો

પુરબીયો ઠાકોર તો મોતીમાર હતો. એણે બેધડક બંદુક ચલાવી લીંબુનું નિશાન પાડ્યું. પણ પછી પૂછ્યું કે “શંકર જમાદાર, તમે બ્હીના નહિ ? મારી ગાળી આડી જાત તો ?"

શકરે જવાબ દીધો : “જેની ગોળી આડી જાય તેના ધણીને આવી છાતી જામેલ હોય નહિ, ઠાકોર!"

૨૪

દેવાને કહી દ્યો કે મને મોઢું ન દેખાડે.”

ત્રણસો માણસની બેઠક વચ્ચે મૂળુ માણેકે આ શબ્દો કાઢ્યા, અને આખો દાયરો ઓઝપાઈ ગયો. ઓચીંતો જેમ આભ ફાટે તેમ લાગ્યું. સામે સવાલ કરવાની કોઈની છાતી ચાલી નહિ. ફકત બુઢ્ઢો રાણાજી માણેક હતો એણે હળવેથી નીચે જઈને કહ્યું:

“ભા ! તું ડાહ્યો છે. પણ કાંઈ ઉતાવળ તો નથી થાતી ને બાપા ?”

“રાણાજી ભા ! દેવાને જીવતો જાવા દઉં છું, ઈ તો ઉતાવળને સાટે ઉલ્ટી ઢીલ થઈ લેખાશે. પણ શું કરૂં ! આજ બેન દેવુબાઈ નથી, નીકર આટલું મોડું ન થાવા દેત.”

“બચ્ચા ! આવડો બધો વાંક ?"

“વાંકની તો અવધિ આવી રહી. મને હવે ઝાઝું બોલાવો મા. હું રણછોડરાયની આંખમાં દીવડા ઓલવાતા જોઉ છું. ઓખો આપણું સમશાન બનશે. જગત આપણને સંભારી સંભારી આપણા નામ માથે થુ! થુ ! કરશે. ઈ બધું આ કુકર્મી દેવાને પાપે.”

એ ને એ વખતે દેવા માણેકે પોતાનાં ઘોડાં ને પેદલ માણસો નોખાં પાડ્યાં. જાતો જાતો દેવો બોલતો ગયો કે “મલક બધાની બાઈયુંને બોન જ કહ્યા કરતો મુળવો મર હવે ઓખો જીતી લ્યે !”

“હે કૂતા !” એટલું જ બોલીને મુળુ બેઠો રહ્યો.

૨૫

કેવો છો ભા ?”

“સૂતાર છું."

“આંહીં શીદ આવ્યો છો ? અમારે કાંઈ આ ડુંગરા માથે મેડીયું નથી બંધાવવી.”

“હું આવ્યો છું મારા વખાનો માર્યો બાપુ ! સાંભળું છું કે સહુનાં સંકટ મુળુ માણેક ફોડે છે.”

“તને વળી કેવાનું સંકટ પડ્યું છે ?”

“મારી વેરે સગપણ કરેલી કન્યાને... ગામના સૂતાર સવેલી ઉપાડી જાય છે.”

“તે ભાઈ, અમે કાંઈ સહુના વીવા કરી દેવા બહાર નીકળ્યા છીએ ? જા, જઈને તારી નાત ભેળી કર.”

“નાત પાસે ગયો'તો. પણ સામાવાળા પાસે ઠીક ઠીક જીવ છે. નાતને એણે રૂપીઆ ચૂકવ્યા ને જમણ દીધું. એટલે પછી ગરીબની વાર હવે નાત શેની કરે ?"

“નાતે ય રૂશ્વત ખાધી ? હરામી નાત કાંઈ પેધી છે ! તે, ભાઈ, તારા રાજાની પાસે જાને ?” “ત્યાં ય જઈ આવ્યો. પણ સામાવાળાએ રાજાને ય રૂપીઆ ચાંપ્યા. રૂપીઆ ખાઈને રાજા કહે છે કે તમારી નાતના કામમાં અમે વચ્ચે નહિ આવીએ !”

“આવી નાત ને આવા રાજા !"

“મુળુભા બાપુ ! તમે મારો નીયા કરે : હું રાંડીરાંડનો દીકરો : નાનેથી મારે માથે વેવાર પડ્યો. વાંસલા ચલાવી ચલાવી પાઈએ પાઈએ નાણાં સંધર્યા. પાંચસો કોરી દીધી ત્યારે માંડ વેવીશાળ થયું. હું તે કોડે કોડે લગન સમજવા જાઉ છું, ત્યાં તો સાસરાએ ધક્કો દઈને કહ્યું “જા જા ભિખારી, તને ઓળખે છે કોણ ?” આવો અનીયા ? અને તમારૂં બારવટુ ચાલે તે ટાણે ?”

“હેં એલા, કન્યાનું મન કોના ઉપર છે ? તારા ઉપર ? કે સામાવાળા ઉપર ?”

“મારા ઉપર, બાપુ ! સામાવાળો તો ફક્ત શાહુકાર છે, કાંઈ મારા જેવો રૂડો નથી. એના હાથમાં તો વાંસલો ભળે છે જ ક્યાં ? ને હું અધરાત સુધી કામ કરૂં એવો. આ જુવોને મારી ભુજાઉં ! સાંજ પડ્યે પાંચ ઝાડવાં કુવાડે કુવાડે પાડી નાખું ! ખબર છે ?”

“બસ ત્યારે, બાવડાં સાબૂત હોય તો નીકળ અમારી હારે બારવટે. જો, લાવ તારો હાથ. આ કોલ દઉં છું. મુળુ માણેક પંડે તને કોલ દે છે, કે ઈ કન્યા સાથે તુને જ પરણાવવો. પણ એક શરત કબુલ છે?”

“બોલો બાપુ !”

“તુને પરણાવીએ. પણ એક રાત ઉપર વધારે વાર ઘેરે નહિ રેવાય. એકલે પંડે અમારી સાથે નીકળી જાવું પડશે. બારવટીયા એટલા તો જોગી જતિ, જાણછ ને ?”

સૂતાર થોડી વાર ખચકાણો. પરણેતરની એક જ રાત અને તે પછીના સેંકડો સુખી દિવસો સડેડાટ એની આંખ સામેથી નીકળી ગયા. ઘરની શીતળ છાંયડીવાળી કોડ : હેલ્યે પાણી ભરતી સુતારણ : ખભા ઉપર ખેલતાં નાનાં છોકરાં; એ બધુંય સ્વપનું એક ઘડીમાં સમાઈ ગયું. ઝબક્યો હોય તેવી ઉતાવળે મુળુભાને પગે હાથ નાખીને કહે છે કે “કબુલ છે બાપુ ! મારે તો ઈ અધરમના કરવાવાળા - ઈ સવેલડાં લઈ જનારા શાહુકાર માથે અને ઈ અનીતિનાં દલાલાં આરોગનાર નાત ને દરબાર માથે આખો અવતાર વેર વાળ્યે જ છૂટકો છે.”

“રંગ તુંને ! બેાલ, જાન કેદિ'ને કયાંથી નીકળવાની છે ?”

દિવસ અને જગ્યા નક્કી થયાં. બહારવટીયાઓએ છાનામાના ઓડા બાંધ્યા. બરાબર બપોરે સુતારની જાનનાં ગાડાં ખડખડ્યાં. વરના માથા ઉપર ટબુડી ખખડાવીને લૂણ ઉતારતી બહેન ગાઈ રહી છે કે

મેઘવરણા વાઘા વરરાજા !
કેસર ભીનાં વરને છાંટણાં.
સીમડીએ કેમ જાશો વરરાજા !
સીમડીએ ગેાવાળીડો રોકશે.
ગોવાળીડાને રૂડી રીત જ દેશું
પછી રે લાખેણી લાડી પરણશું !

અને હાથમાં તરવાર વાળો વરરાજા મૂછોના આંકડા ચડાવતો બેઠો છે.

ત્યાં માર્ગે બોકાનીદાર બહારવટીયા ખડા થઈ ગયા. ગાડાં થંભ્યાં, જાનમાં રીડારીડ થઈ પડી. બંદૂક તાકીને બહારવટીયો બોલ્યો:

“કોઈ ઉઠશેા મા. ને કોઈ રીડ્યું ય પાડશો મા. અમારે કોઈને લુંટવા નથી. ફકત એક હરામી વરરાજાને જ નીચે પછાડો.”

બાવડું ઝાલીને માણસોએ વરને પછાડ્યો. મુળુએ હાકલ કરી “હવે કાઢ્ય તારાં ઘરાણાં”

ઘરાણાંનો ઢગલો થયો: મુળુ પોતાના ભેરૂ સૂતાર તરફ ફર્યો. "પેરી લે બેલી !” ફરીવાર વર તરફ જોયું: “છોડ્ય મીંઢળ!"

મીંઢળ છૂટ્યાં. બહારવટીએ કહ્યું, “બાંધી દ્યો ભેરૂને કાંડે !”

મીંઢળ, દાગીના, તરવાર, તોડા, તમામ શણગાર વરના શરીરેથી ઉતરીને ભાઈબંધ સુતારને શરીરે શોભવા લાગ્યાં.

“હવે ચડી જા ગાડે બેલી !”

ભાઈબંધ ગાડે ચડ્યો. મુળુ જોઈ રહ્યો. “વાહ ! ઠાવકો જુવાન હો ! આ સવેલીચોરના કરતાં તો તું ને આ વેશ વધુ અરઘે છે. એ બાઈ ! વરની બોન ! કેમ ચુપ થઈ ગઈ ? આને માથેથી લૂણ ઉતારવા માંડ. ને સહુ બાઈયુ દીકરીયું જેમ ગાતી'તી તેમજ ગાવા માંડો, જો આ સવેલીચોરને જીવતો રાખવો હોય તો.”

ગીત ઉપડ્યાં. લૂણ ઉતરવા માંડ્યાં.

“ હાં હાંકો જાન, અમે ભેળા છીએ.”

સવેલીચોરને જંગલમાં કેદ રાખી બહારવટીઓ મુળુ પોતાના સાચા ભાઈબંધને પરણાવવા ચાલ્યો. કોઈ ચું ચા કરી શક્યું નહિ. સહુએ થરથરતે શરીરે ઝટપટ વિવાહ ઉકેલ્યા. સાચા વર વેરે કન્યા ચાર મંગળ વર્તી જાન પાછી વળી. એ ને એ ગાડે બહારવટીયો વરવહુને એના ગામમાં લઈ ગયો. અને સાંજરે ગામને સીમાડે ઉભા રહી ભાઈબંધને ભલામણ કરી કે “ભાઈબંધ ! આપણો કરાર યાદ કરજે. કાલ સવારે સામા ડુંગરામાં આવી મળવાનું છે, નીકર તારૂ મોત સમજજે !”

૨૬

"અરે મહેરબાન ! આંગળી ચીંધ્યાની ગુનેગારી ? મારા ગામમાં બહારવટીયા ભરાણા છે, એવા વાવડ દીધાનું ઉલટું આ ફળ ? સંચોડું ગામ જ સળગાવી દેશો ?”

“બીજો ઈલાજ નથી. તમે સંધીઓ પણ શામિલ છો. તમારા ગામને સાફ કરવું જ પડશે.”

રોઘડા ગામને પાદર ગામેતી તૈયબ સંધી આડો પડી પડી પાઘડી ઉતારે છે, અને બે ગોરા સાહેબો ઘાસનો સળગતો પૂળો લઈ ગામને આગ લગાડે છે. વાર્યા રહેતા નથી. ભેળી બલોચોની ફોજ છે.

બે ગેારામાં એક છે ઓખામંડળનો જાલીમ રેસીડેન્ટ રાઈસ ને બીજો છે આસીસ્ટટં પોલીટીકલ હેબર્ટ સાહેબ.

બહારવટીયા ગામની અંદર ઝાંપા આડાં ગાડાં મેલીને ઓથ લઈ ગયા છે. હલ્યા અચો ! હલ્યા અચો ! એવા ચસ્કા કરે છે.

વાડ્યમાં પૂળો મેલાણો. ગામ સળગ્યું, પણ સામી બહારવટીયાઓની સનસનાટ કરતી ગોળીઓ આવી. ફોજના ત્રણ બલૂચો પડ્યા. ફોજ પાછી હટી.

આખરે તોપ આવી પહોંચી. બે બહાર કર્યા ત્યાં તોપ બગડી ગઈ.

“વીંટી લ્યો ગામને.” એવા હુકમ દઈ ગોરાઓએ ગામ ફરતો ઘેરો ઘાલ્યો. રાત પડી ગઈ. ગોરાઓ પોતાના તંબુમાં પેઠા.

ચંદ્રમા આથમીને અધારાં ઉતર્યાં. અને પોષ મહિનાની ટાઢમાં ટુટીઆં વાળીને બેઠેલાં કૂતરાં ભસવા લાગ્યાં.

પહેરગીરોએ પોતાની તીણી આંખે અંધારાં ચીરીને જોયું: બુમ પાડી “ભાઈ, બહારવટીયા જાય છે."

“ચુપ રહો ! ચુપ રહો !: ટાઢ વાય છે.” કહીને ફોજના બલુચો સુતા રહ્યા. સાહેબોના તંબુ અને બલુચોની ચોકી, બે ય વચ્ચે થઈને બહારવટીઆ ચાલી નીકળ્યા, પણ કોઈ સળવળ્યું નહિ.

સવાર પડ્યું ને સેનામાં શુરાતન પ્રગટ્યું. બીંગલ ફુંકાણાં. હુકમ છૂટ્યો કે “હાં, ગામ ઉપર હલ્લો કરો.”

સેનાએ શાંતિથી ગામ લુંટ્યું. બલુચોએ અબળાઓની આબરૂ પાડી. એ અત્યાચાર એક પહોર ચાલ્યો.

લુંટ અને બદફેલી ખતમ કરાવીને ગોરાઓ તંબુમાં આવ્યા પોતે બહારવટીયાને કેવી બહાદુરીથી નસાડ્યા તેનો અહેવાલ

તા. ૨૭ : ૧૧ : ૧૮૬૫
લખવા બેઠા.
૨૭

થાણાદેવળી ગામની દરબાર કચારીમાં, લખમણ વાળા દરબારની હાજરીમાં અભરામ નામના મકરાણીએ નીચે પ્રમાણે વાત વારે વારે કહી સંભળાવેલી : આભપરા ડુંગર ઉપર, સોન કંસારીનાં દેરાંની ઓથ લઈ પોણોસો વાઘેરો સાથે મૂળુ માણેક પડ્યો હતો. એની સામે નગર વડોદરાની મળી નવ સો માણસની ફોજે, નીચલે ગાળેથી મોરચા માંડ્યા. ફોજની પાસે નવી નવી ઢબનાં હથીઆર છે, દારૂગોળા છે: ને વાઘેરો તો જેવાં જડ્યાં તેવાં હથીઆરે ટક્કર લઈ રહ્યા છે.

રોંઢા સુધી ટપાટપી બોલી, પણ ગીસ્તને વાઘેરો પાછી ન વાળી શક્યા. ધીરે ધીરે ગીસ્ત પગલાં દબાવતી ઓરી આવવા લાગી. બહારવટીયાની પાસે દારૂગોળો ખૂટી ગયો. મુળુ મરણીયો થયો. એણે આજ્ઞા દીધી કે “બાલબચ્ચાંને ડુંગરાની પાછલી બાજુએ ઉતારી નાખો. અને છેલ્લી વારના 'જે રણછોડ' કરી જૂદા પડી જાઓ !”

પોણોસો વાઘેરો તરવારો દાંતમાં ભીંસીને છેલ્લા અક્કેક બબ્બે ભડાકા જેટલા દારૂવાળી બંદૂકો સાથે હેઠા ઉતર્યા, પણ ઉપરથી આવતા પોણોસોનો ધસારો એ ફોજને પંદરસો જેટલો લાગ્યો.

ગીસ્ત ભાગી. પોણોસો મરણીયાના હલ્લા નિહાળતાં જ ગીસ્તના આત્મામાંથી રામ ગયા. આડી અવળી ગાળે ગાળે અટવાતી ફોજ ઉપડી અને મૂળુએ હાકલ કરી કે “ભજો મા ! પે ભજો મા ! નીમક લજાવો મા, જુવાન્યો ભજો મા !” પણ ગીસ્ત તો ભાગી તે ભાગી જ.

“ખબરદાર ભાઈ !” મુળુએ માણસોને કહ્યું: “ભજાને માથે ઘા ન કરજો હો કે !”

ભાગતા શત્રુની ઉપર ઘા ન કરવાનું વાઘેર બહારવટીઆનું બિરદ હતું. તે પ્રમાણે વાઘેરોએ બંદૂક વછોડવી બંધ કરી. પણ બંદૂકના ધુમાડા વીખરાયા અને ઉઘાડા અજવાળામાં વાઘેરોએ એક આદમીને ઉભેલો દીઠો: જાણે મસ્જીદમાં નમાજ પડતે હોયની એવો અચળ બની ઉભો છે, એને મોતનો ડર નથી.

બુંગણ ઉપર દારૂગોળા ને હથીઆરોને પથારો પડ્યો છે. ખાવાનાં ભાતાં પડ્યાં છેઃ અને એ બધાની વચ્ચે ઉભો છે એક જુવાન આદમી: હાથમાં છે જમૈયો: જમૈયો ચક ! ચક ! ચક ! ચક ! થઈ રહ્યો છે. જુવાનને ઝીણી પાતળી દાઢી છે. મુસલમાન દેખાય છે. પણ નકલ નહિ, અસલ મુસલમાન છે: આરબ છે: ભેટમાં ત્રણ ચાર જમૈયા ધબ્યા છે.

ધસારો કરતો બહારવટીયો ઉભો રહી ગયો. પાછળ ધસી આવતાં માણસોને પોતે પંજો આડો ધરી અટકાવ્યા. અને હુકમ કર્યો : “એને કેડી દઈ દ્યો બેલી : એ બહાદુર છે : નવસોમાંથી એકલો ઉભો રહ્યો છે, એને માથે ઘા ન હોય. કેડી દઈ દ્યો.”

માણસોએ મારગ તારવી દીધો. શત્રુને ચાલ્યા જવાની દિશા દીધી.

પણ શત્રુ ખસતો નથી.

એ તો ઉભો જ છે; હાથમાં ઉગામેલો ચક ! ચક ! જમૈયો ; ઠરેલી આંખો : ભરેલું બદન : ગુલાબના ગોટા જેવું મ્હોં : એવો શત્રુ, ભાગી ગયેલી ગીસ્તના દારૂગોળા ને સરંજામની વચ્ચે, બુંગણ ઉપર ઉભો છે. એકલો ઉભો છે.

બહારવટીયો નિરખી નિરખીને જોઈ રહ્યો. બોલ્યો “શાબાશ બેલી ! છાતીવાળા જુવાન ! ચાલ્યો જા દોસ્ત ! તુંને ન મરાય ! તું શૂરો : ચાલ્યો જા !”

તો ય આરબ ઉભે છે. બહારવટીયાને દારૂગોળો હાથ કરવાની ઉતાવળ છે, આકળો બહારવટીયો ફરી પડકારો કરે છે કે

“હટી જા જુવાન, ઝટ હટી જા !"

જુવાનના હોઠમાંથી અવાજ નીકળ્યો “નહિ હટેગા !”

“અરે બાપ ! હટી જા. તું આંહી જાને નથી આવ્યો.”

“નહિ હટેગા ! હમ નીમક ખાયા ! હમ નહિ હટેગા !”

“અરે ભા ! હટી જા, અમારે દારૂગોળો હાથ કરવો છે.” “યે મેઘજીન, ઔર દારૂગોળા, હમારા સિર સાટે. સિર પડેગા, પીછે ઇસ સરંજામ પર તુમારા હાથ પડેગા. હમ નહિ હટેગા. હમ નીમક ખાયા."

બહારવટીયાએ આ વિલાયતી જૂવાનના ગુલાબી બદન પર સાચો રંગ પારખ્યો. સાથીઓની તરફ વળીને કહ્યું કે “આવા વીરને એકલાને આપણે સામટા જણ ભેળા થઈને મારી પાડીએ ઈ શોભે ! બોલો ભાઈઓ !”

માણસો બોલતાં નહોતાં. જમૈયાવાળા જુવાનને જોઈ રહ્યાં હતાં. જુવાન અબોલ હતો, પણ એના દેખાવની ખુમારી જાણે હાકલ કરી કરીને બોલતી હતી કે “નહિ હટેગા, નીમક ખાયા.”

મુળુએ આજ્ઞા કરી : “આવો બેલી ! આપણે સહુ બાજુએ બેસી જાયીં. આપણામાંથી એક એક જણ ઉઠે. ને આ જોવાનની હારે જુદ્ધ માંડે. બાકી ઈ પડે ત્યાર પહેલાં એના સરંજામને અડવું અગરાજ છે. ”

બધા જણ બાજુએ બેઠા. એક જુવાન ઉઠીને આરબ સાથે બાખડ્યો. નીમકની રમત રમતો રમતો આરબ આખરે પડ્યો. મુળુએ મરતા શત્રુની પીઠ થાબડી :

“શાબાશ તારી જણનારીને જુવાન !”

આરબની લાશ ઉપર બહારવટીયાએ કીનખાબની સોડ્ય ઓઢાડી, લોબાનનો સુગંધી ધુપ દીધો, અને મુસલમાનની રીતે બહારવટીયાએ જુવાનને દફનાવ્યો.

વાત કરનાર મકરાણી અભરામે કહ્યું કે “બાપુ ! હું યે ઈ નવસો જણાની ગીસ્તમાં હતો. ભાગવાનું વેળુ ન રહેવાથી હું ઝાડવાની ઓથે સંતાઈ ગયો'તો. સંતાઈને મેં આ આખો ય કિસ્સો નજરોનજર દીઠો'તો. જેવું જોયું છે તેવું જ કહું છું.”

૨૮

ડુંગરની ભેખ ઉપર માથું ઢાળીને મૂળુ માણેક બેઠો છે. રોઈ રોઈને આંખો ઘોલર મરચાં જેવી રાતી થઈ ગઈ છે. પડખે બેઠેલા માણસો એને દિલાસો આપવા લાગ્યા:

“મુરૂભા ! છાતી થર રાખો. હવે કાંઈ મુવેલો દેવોભા પાછો થોડો આવે તેમ છે ?”

“બેલી ! ભાઈ મૂવો તે કારણે નથી હું રોતો. એવા સાત ભાઈને પણ રણછોડરાયના નામ માથે ઘોળ્યા કરૂં, પણ દેવો તો અમારા કુળને બોળીને મુવો.”

થોડીવાર બહારવટીયો છાનો રહ્યો. પછી બોલ્યો “મારી મનની મનમાં રહી ગઈ. દેવાના કટકા મારાથી થઈ શક્યા હોત તો મારા હાથ કેવા ઠરત ! દુનિયાને દેખાડત કે ભાઈએ સગા ભાઈને અધરમ સાટુ છેદી નાખ્યો. પણ હવે બાજી ગઈ.”

“મુરૂભા ! માછરડાને પાદર વડલા નીચે સાહેબોએ દેવુભાની લોથ લટકાવી છે.”

“ભલે લટકાવી. જગત જોશે કે અધર્મીના એવા હેવાલ હોય. રંગ છે સાહેબોને. ભલે એની કાયાને કાગડા કૂતરા ખાતા.”

“મુરૂભા ! હવે ઈ લોથમાં તો દેવુભાને આતમા નથી રહ્યો. પાપનો કરનારો પ્રાણ તો ચાલ્યો ગયો છે. અને ખોળીયું તો હિન્દુ મુસલમાન સહુને મન સરખું જ પાક લેખાય. એ ખોળીયાને અવલ મંજિલ પોગાડ્યા વિના દેવુભાનો જીવ પ્રેતલોકમાં ઝંપશે નહિ.”

"ભલે, તો લઈ આવીએ. ” માછરડાને પાદર પાકી ચોકી વચ્ચે દેવાનું મડદું લટકે છે. દેવાએ ન કરવાનું પાતક કર્યું. મૂળુએ જાકારો દીધા પછી દેવો પોતાનાં વીસ માણસોની સાથે ગામડાં ભાંગતો ને કુફેલ આચરતો. એક દિવસ બહારવટીયા બુટાવદર નામના ગામ પર પડ્યા. ગામ ભાંગ્યું. ગામનો કોઠો કબ્જે લીધો. હીણી મતિના ભાઈબંધોનો ચડાવ્યો દેવો દારૂમાં ચકચાર બન્યો. અને એ એ અક્કલના ખોઈ બેઠેલાના કાનમાં ભેરૂએ ફુક્યું કે "દેવુભા! આયરના દીકરાની વહુ:તારે લાયક એનાં રૂપ ! તું આ ગામનો રાજા કહેવા. હુકમ દે, ઉઠાવી લાવીએ!"

"રે'વા દે! દેવુભા, અલ્લાના કસમ છે તને ! એ કામો રે'વા દે ! ખુદાનો ખોફ ઉતરશે, રે'વા દે !"

મકરાણી સાથી સક્કર જમાદાર, કે જે ખંભાળીએથી દેવાની સાથે ભળેલો, તેણે આ બુરાઇમાંથી દેવાને ઘણો વાર્યો. પણ દેવાનો દેવ રૂઠ્યો હતો.

વરવો ચંદ્રવાડીઓ નામે આહિર: એના દીકરા શવાની આણાત સ્ત્રીને અધરાતે ઉઠાવી જઇ લંપટોએ કોઠામાં પૂરી. આખી રાત એ કાળો કોઠો આહિર અબળાના વિલાપે કમ્પતો રહ્યો. સવારે એને પાછા ઉઠાવી ઘેરે નાખી ગયા.

બીજા દિવસની અધરાત પડી. કોઠામાંથી કુકર્મીઓ ફરીવાર વછૂટ્યા. આહિરને ઘેર આવ્યા. ઘરમાં આહિરાણી ન દેખી. વરવાને પૂછ્યું. "ક્યાં છે બાઈ? બતાવ."

"હું નથી જાણતો."

"દ્યો એને ડામ."

વરવાને શરીરે જામગરીઓ ચાંપી ચાંપી ડામ દીધા. વેદના ન શહેવાણી ત્યારે વરવો માન્યો: "આ પટારામાં છે."

પટારામાંથી બાઇને ઉઠાવી. પ્રભાતે એનું અધમૂવું ખોળીયું પાછું આવ્યું. ઓખામંડળની ધરતી પર નિસાસા વરસાવતી આહિરાણીએ શ્વાસ બંધ કર્યા.

બુઢ્ઢો આહિર વરવો જાણે આભને પૂછતો હતો કે, "ક્યાં જાઉં?"

"ઢાંકને ડુંગરે, જલદી પોગ, સાહેબોનું જૂથ છે." ધીરે અવાજે એટલું બોલીને એક વટેમાર્ગુ ચાલ્યો ગયો.

મૂઠીઓ વાળીને વરવાએ હડી દીધી. શ્વાસેભર્યો, અંધારાભરી આંખે ઢાંક પહોંચ્યો. ગોરાઓની બંદૂકો ડુંગરાની અંદર દીપડાના શિકાર ખેલે છે. કાઠીઆવાડ એજન્સીના અંગ્રેજ અમલદારો, જેની જુવાની, જળભરપૂર સાયર જેવી છલકી રહી છે, તેના પગોમાં આહિરે માથું મેલી ધ્રૂશકે ધ્રૂશકે રોવા માંડ્યું. પોતાને માથે ગુજરેલા અકેકારની કથની કહી. જુવાન્ ગોરાનું લોહી તપી ગયું.પૂછ્યું,

"ક્યાં છે બદમાશો?"

"બુટાવદરના કોઠામાં."

અંગ્રેજોએ ઘોડાં પલાણ્યાં. ઇ.સ. ૧૯૬૭ના ડીસેમ્બર મહિનાની ૨૯મી તારીખ છે. ગોરાઓનો પાક દિવસ છે. લૂંટારાઓને ઠાર કરી મોટાં ઇનામો મેળવવાના કોડ ઉછળે છે. આજનું ટાણું કેદિ' આવશે? આવો સોંઘો સુજશ ફરી નહિ જડે.

કાલી પલટણના મેજર એચ.ડી. રેન્ડોલ
આસીસ્ટંટ પોલીટીકલ એજન્ટ કેપ્ટન હેબર્ટ
આસીસ્ટંટ પોલીટીકલ એજન્ટ લાટુશ
આસીસ્ટંટ પોલીટીકલ એજન્ટહેન્ડરસન
કેપ્ટન હેરીસન
જમાદાર અલવી
જામનગર સીબંધીના જમાદાર નથુ આલા
જામનગર સીબંધીના રાજા બહાદુર જાલમસિંહ એટલા જણાની સરદારીએ ફોજ ઉપડી. ઘોડાંનો ઘેર થઈ ગયો. બંદૂકોમાં કારતૂસ ચડી ગયા. આભ ધુંધળો થયો.

બુટાવદરના કોઠા ઉપરથી ચાડિકાએ ડમરી દીઠી એટલે દેવાને ચેતાવ્યો કે “ દેવુભા, વાર આવતી વરતાય છે.”

ફોજ પહોંચે તે પહેલાં તો કોઠા ઉપરથી ઠેકી ઠેકીને દેવાની ટુકડી ભાગી છૂટી. અને વ્હારે એનો પીછો લીધો. વાઘેરો ઉતરીને વડાળી ગયા. વડાળી થઈને નવાગામ નીકળ્યા. નવાગામના વાડમાં પલટનના માણસો આંબી ગયા. ધીંગાણું થયું. બે વાઘેર ને ત્રણ પલટનીયા કામ આવ્યા, પછી ફોજવાળાએ એાડા બાંધ્યા. સાહેબે આજ્ઞા કરી કે “રાજા બહાદૂર જાલમસંગ ! તમે ફગાસીઆ અને જામવાળીના ડુંગર ઝાલો.”

જાલમસંગ ફગાસીએ ચાલ્યા. અને વાઘેરોએ માછરડાની ધાર ઝાલી.

માછરડાની ધાર તો નાની એવી ટેકરી છે. ચારે બાજુ મેદાન છે. ઉગમણી નદી ચાલી જાય છે. ટેકરી ઉપર કાંઈયે એાથ નથી. ત્યાં વાઘેરોએ ખાડા ખોદીને જેવી તેવી આડશ કરી દીધી.

ત્રણસો હથીઆરધારીઓએ ત્રણ બાજુથી લુંટારાને વીંટી લીધા.

“સાહેબ !” ઉપર પહેાંચવા માટે આકળા થઈ ગયેલા ગોરા સાહેબ લાટુશને રાવ બહાદુર પોપટ વેલજી નામના અધિકારીએ વાર્યા, “સાહેબ ! સાહસ નથી કરવા જેવું, ધીરા રહેજો !”

“હવે વાણીયો થા મા, વાણીયો !” એવો જલદ જવાબ આપીને લાટુશે ધાર ઉપર ઘોડાં મારી મૂકયાં.

ઉપરથી બહારવટીયાની ગોળીએાના મે વરસ્યા. પેડુમાં જખ્મ ખાઈને જુવાન લાટુશ ઘોડા ઉપરથી ઉછળ્યો. નીચે પટકાયો.

ફોજના ગોળીબારે વાઘેરોનો પણ સોથ વાળ્યો. દુષ્ટ દેવોભા પણ છેલ્લે છેલ્લે ખરી બહાદૂરી બતાવતો, જખ્મોમાં વેતરાઈ જઈને ઢાલને ટેકે પડ્યો હતો. બાજુમાં બે જોટાળી બંદૂક હતી. મરતો મરતો એ મીંયા અલ્વીની વાટ જોતો હતો. અલ્વીને પોતાની સાથે લઈ જવાની એની છેલ્લી ઈચ્છા હતી. એ વખતે લાટુશના મોતથી વિફરેલો હેબર્ટ હાથમાં ઉઘાડી તલવાર લઈ ઘૂમે છે. એવે એણે એક જગ્યાએ દેવાને પડેલો દીઠો. એને મુવેલો માની ગોરો તલવારની અણી હૂલાવવા ગયો. મરણની તૈયારી કરતા વાઘેરે સુતાં સુતાં પોતાના પડખામાં પડેલી બંદૂક ઉપાડી હેબર્ટને ત્યાં ને ત્યાં ફુંકી દીધો અને પોતે પણ થડકારાથી શ્વાસ છોડ્યો. (કહે છે કે લાટૂશને પણ દેવાએ ત્યાં જ મારેલો.)

એ ધીંગાણાંમાં કામ આવેલા એાગણીસ જણની લાશો બીજે દિવસે માછરડાને પાદર વડલાની ડાળે લટકી ત્યારે મુલકમાં થરેરાટી બોલી ગઈ.

મધરાતે મુળુ માણેક આવી પહોંચ્યો. ચોકી વચ્ચેથી ભાઈની લાશ ઉપાડી ગયો. સોગઠીને પાદર જઈને લાશને દેન દીધું.

માણેકે માંડવ રોપીયા, વાગે ત્રંબક તૂર,
દેવે ખાગેથી ડંસીયા હેબર્ટ ને લટૂર.

[માણેક વાઘેરે માંડવા રોપ્યા, ત્રાંબાળુ ઢોલ ને તૂરીના નાદ થયા. દેવાએ તલવારથી હેબર્ટ અને લટૂશ, બન્ને ગોરાઓને માર્યા.]

[૧]માછરડે શકત્યું મળી પરનાળે ૨ગત પીવા,
અપસ૨ થઈ ઉતાવળી વર દેવો વરવા.

આજે ત્યાં-માછરડા પર બે સાહેબોની કબરો છે.

બુઢ્ઢા વાઘેરો દ્વારકાને બંદીખાને પડ્યા પડ્યા રોજેરોજ અને પ્હોરે પ્હોરે ધીંગાણાંના સમાચારની વાટ જેવે છે. બહારવટામાં કોણ કોણ મર્યું તેની બાતમી આ બુઢ્ઢાએાને દરોગો આપ્યા કરે છે. એ રીતે આજે આવીને દરોગાએ સંભળાવ્યું કે “રવા માણેક !"

લબડતી ચામડીવાળા, સુકાએલા વાઘેર કેદીએ ઉચું જોયું.

“રવા માણેક ! માછરડાની ધારે તારો દેવો મર્યો.”

સૂકું મ્હોં મલકાવીને કેદીએ માથુ ધુણાવ્યું : “મરે નહિ, જેલર સાબ ! મારો દેવડો આમે આમે મરે નહિ. ખોટી વાત.”

દરોગાએ કહ્યું “બુઢ્ઢા, દેવો બે ગોરાને મારીને મર્યો.”

સાંભળતાં જ બુઢ્ઢાની આંખ ચળકી. ટટ્ટાર થઈને એણે પુછયુ “બે ગોરાને ?”

“હા, હેબર્ટ અને લાટુશ બેને.”

“આહા ! ભો દેવડો ભેા ! રંગ આાય ! રંગ આાય ! રંગ દેવડો !"

એટલું બોલતાં બુઢ્ઢો હરખના ઉન્માદમાં ત્યાં ને ત્યાં ઢગલો થઈ પડ્યો. પોરસથી એની છાતી ફુલાણી અને શ્વાસ ચાલ્યો ગયો.


 1. *કીનકેઈડનું ભાષાન્તર:
  On Macharda Hill the Goddess (Kali)
  came to drink the blood of men
  And the Apsuras came in haste to wed
  the hero dev (Manik).
૨૯
"મુરૂભા આ વાડીની ઘટા ઠાવકી છે. ભૂખ્યા થાક્યા આંહી જ વિસામો લઈએ.”

“હા વેરસી ! માણસું અનાજની ના પાડશે. પણ ઝાડવાં કાંઈ છાંયડીની ના પાડશે ?"

હસીને જવાબ દેતાં દેતાં બહારવટીઆએ પોતાના દુબળા દેહ ઉપરથી હથીયાર છોડ્યાં. બરડાના વાછરડા ગામની સીમમાં એક વાડીનાં ઘટાદાર ઝાડવાં હેઠળ એણે પોતાનું થાકેલું ડીલ પડતું મેલ્યું. ભૂખ અને ઉજાગરે એના પહાડી દેહને પણ પછાડી નાખ્યો હતો.

વૈશાખની ઉની લૂ વાતી હતી. ચારે કોર ઝાંઝવાં ! ઝાંઝવાં ! ઝાંઝવાં ! જાણે નદી સરોવર ભર્યા છે; ને કાંઠે મોટી નગરીઓ જામી પડી છે !

બીજા ચાર સાથીડા ભેળા હતા તેણે પણ હથીયાર પડીયાર ઉતારીને ઓસીકે મેલ્યાં. ઝાડને થડ ટેકો દઈ પરાણે હસતું મ્હોં રાખતો બહારવટીયો બોલ્યો:

“જોયું ભાઈ જગતીયા ! આ ઝાંઝવાં જોયાં ! ઓખો જાણે આઘો ઉભો ઉભો હાંસી કરી રહ્યો છે ! અરે ભુંડા ! પાંજો વતન થઈને ટરપરાવછ ? અટાણે ?”

મુળુએ મ્હોં મલકાવ્યું : એની આંખેામાં જળજળીયાં છલી આવ્યાં. હાદો કુરાણી જોઈ રહ્યો : “હઠ મુરૂભા ! કોચવાઈ જવાય કે ?”

“અરે ના રે ના ! ઈ તો મુંને જોધો કાકો ને દેવોભા સાંભરી આવ્યો. પંદરસોની ફોજ ફેરવતા, તેમાંથી આજ પાંચ રહ્યા હવે પાંચમાંથી તો કોઈ ખસે એમ નથી ને ભાઈ ? ”

નાગસી ચારણે પોરસ ચડાવ્યો: “આ પાંચ તો પાંડવું જેવા રીયા છીએ મુરૂભા. હવે તે ખસીએં ? આવો સાથ છોડીએ ?”

“અને હવે ક્યાં ઝાઝા દિ' કાઢવા છે ? ઠીક લાંઘણું થાવા લાગી છે. હવે તો દ્વારકાનો ધણી વેલી વેલી દોરી ખેંચી લેશે !” મૂળુ પરાણે હસતો હસતો બોલ્યો.

“એ... ભૂખનો વાંધો નહિ મુરુભા ! ” વેરસી બગાસું ખાતો બોલ્યો: “ભૂખ ખમાય, ઉજાગરા ન ખમાય. અટાણે ભલેને કોઈ ભોજન ન આપે ! કાંઈ ઉંઘવાની કોઈ ના પાડે એમ છે ? ઉંઘ કરીને ભૂખ વિસરશું.”

સહુએ એક પછી એક બગાસાં ખાધાં.

“મૂરૂભા ! હથીયાર છોડવાનુ મન થાય છે ?”

“હવે હથીઆર છોડું ? કિનારે આવીને બુડું ? અટાણે તો દેવાવાળું ગીત મ્હોંયે ચડે છે.”

ધીરે કંઠે મુળુ ગાવા લાગ્યો:

* ના રે છડિયાં હથીયાર અલાલા બેલી !
મરણેજો હકડી વાર, દેવોભા ચેતો
મુરૂભા વંકડા ! ના છડિયાં હથીયાર !

[હથીઆર નહિ છોડીએ. અલ્લા ! અલ્લા ! કરો ઓ ભાઈઓ ! એક વાર મરવું તો છે જ. દેવોભા કહે છે કે ઓ વંકડા મરદ મુળુભા ! આપણે હથીઆર નહિ છોડીએ.]

પેલો ધીંગાણો પીપરડીજો કીયો ઉતે
કીને ન ખાધી માર, દેવોભા ચેતો
મુરૂભા વંકડા ! ના છડિયાં તલવાર !

પહેલું ધીંગાણું પીપરડીનું કર્યું. ત્યાં કોઇએ માર ન ખાધો.]

લટૂર હેબટજી વારૂં રે ચડિયું બેલી !
ઝલ્લી માછરડેજી ધાર, દેવોભા ચેતો
મુરૂભા વંકડા ! ના છડિયાં તલવાર.

[હેબટ લટૂરની ફોજ ચડી, ત્યારે માછરડાની ધાર પર ચડ્યા.]

જોટો ૨ફલ હણે છાતીએ ચડાયો નાર
હેબટ લટૂર મુંજો ઘા, દેવોભા ચેતો
મુરૂભા વંકડા ! ના છડિયાં તલવાર.

[જોટાળી રાઈફલ છાતીએ ચડાવીને કહ્યું કે જોઈ લેજે હેબટ લટુર ! મારો ઘા કેવો થાય છે.]

દાબે પડખે ભૈરવ બોલે જુવાનો !
ધીંગાણેમેં લોહેણજી ઘમસાણ, દેવોભા ચેતો-મુરૂભા૦

[ડાબી બાજુએ ભેરવ-પક્ષી બોલ્યું છે. માટે આજ તો ધીંગાણામાં લોઢાનાં ઘમસાણ બોલશે. આજ મરશું એવાં શૂકન દેખાય છે.]

ચારે જણા લ્હેરથી ગીત ઝીલવા લાગ્યા. ગાઈને ભૂખદુ:ખ વિસરવા લાગ્યા.

ગાતો ગાતો મુળુ ઝોલે ચડ્યો, નીંદરે ઘેરાણો. ચારે સાથીડાનાં પોપચાં પણ ભારી થવા લાગ્યાં. ભેળો એક જણ ચાડીકો હતો. એને બેસાડ્યો ઝાડ માથે. અને પાંચેને નીંદરે ઢાળી દીધા. લાંઘણો, ઉજાગરા અને રઝળપાટ થકી લોથપોથ થયેલાં શરીરો ઘસઘસાટ નખાઈ ગયાં. બંદુક લઈને ઝાડ ઉપર બેઠેલ ચાડીકાને પણ ઝોલાં આવવા લાગ્યાં. બંદુક પર ટેકો લઈને એ પણ જામી ગયો.

સીમમાં એક આદમી આંટા મારે છે. એણે આ સૂતેલા નરોને નિરખ્યા. ઓળખ્યા. બાજુમાં જ પોરબંદરની ફોજ પડી હતી તેને જઈ વાવડ દીધા.

ફોજનો દેકારો બેાલ્યો ત્યારે બહારવટીયા જાગ્યા. મુળુને મીઠું સ્વપ્નું ચાલતું હતું. જાણે ગાયકવાડી સૂબા બાપુ સખારામે એને બે હજાર કોરી આપી છે ને પોતે એ પૈસા ખરચી પરણવા ગયો છે: ફુલેકે ચડ્યો છે: રૂપાળી વાઘેરાણી જાણે રાતના છેલ્લે પહોરે એનું કપાળ પંપાળે છે.

એ મીઠું સોણું ભાંગી ગયું. જાગે ત્યાં સામે મોત ઉભું છે. બહારવટીઓ ઉઠ્યો. ગીસ્તની સન્મુખ પગલાં માંડ્યાં. ભેરૂઓએ હાકલ દીધી:

“મુળુભા ! આમ આભપરા દીમના.”

“ના ભાઈ, હવે તો રણછોડરાયજીના દીમના !”

બહારવટીઓ ફોજની સન્મુખ ચાલ્યો. વાર આંબે તે પહેલાં તો પાંચ જણાએ ગામ બહારના એક ઘરનો ઓથ લીધો. એ ઘર ઢેઢનું હતું.

વારમાંથી હાકલ પડી: “તલવાર નાખી દે, જીવવું હોય તો.”

જવાબમાં ખોરડામાંથી બહારવટીયો ગહેક્યો: ભેળા ચારે ભેરૂએ સૂર પૂરાવ્યા: શૂરવીરોએ જાણે પોતાના મોત વેળાની પ્રાર્થના ઉપાડી :

[૧]ના છડીયાં તલવાર અલ્લા લા બેલી !
મરણે જો હકડી વાર ! દેવોભા ચેતો
મુરૂભા વંકડા ! ના છડીયાં તલવાર.


 1. *કીનકેઈડ આના ભાષાન્તરમાં પણ બહુ છૂટ લે છે: એ લખે છે !
  Here is a quatrain that was supposed to have

“એ ભાઇ ! જીવવા સાટુ નો'તા નીકળ્યા. અને પે ! આવી જાવ. મરદુંના ઘા જોવા હોય તો ઓરા આવો. આઘે ઉભા ઉભા કાં પડકારા કરો ?"

પાંચ જણા ખોરડામાં ભરાઈ બેઠા હતા, પણ રાજનાં પાંચસો જણમાંથી કોઈની છાતી નહોતી કે પડખે આવે, છેટેથી જ બંદુકોનો તાશેરો થયો.

પણ બંદુકની ઝીંકે ખોરડું પડ્યું નહિ. બહારવટીઆએપણ સામો ગોળીએથી જવાબ વાળ્યો.

“એલા સળગાવો ખોરડું ? ” ગીસ્તમાં ગોઠવણ થવા લાગી.

બંદુકના ગજ સાથે દારૂની કોથળી ટીંગાડી કોથળીની સાથે લાંબી જામગરી બાંધી. જામગરી સળગાવીને ગજનો ઘા કર્યો. ખોરડા ઉપર પડતાં જ દારૂને દા લાગ્યો. ઘડીકમાં તો ખોરડાને મોટા મોટા ભડકાએ ઘેરી લીધું.

જયારે બહારવટીઓ ધુમાડે મુંઝાઈ ગયા, ત્યારે મુળુએ પોતાના ચારણ ભેરૂને સાદ દીધો : “નાગસી ભા ! તું ચારણ છે. માટે તું મારૂં માથુ ઉતારી લે. મારૂં મોત ગીસ્તને હાથે બગડવા મ દે. મારૂં માથુ વાઢીને ફોજ લઈ જાશે અને મલકને દેખાડશે, એથી તો ભલું કે તુ દેવીપૂતર જ વાઢી લે.”

ચારણ ધ્રૂજી ઉઠ્યો. મુળુભાનું માથું વાઢવાનું જોર એની છાતીમાં નહોતું . દડ ! દડ ! દડ ! ચારણનાં નેત્રોમાંથી નીર દડી પડ્યાં.


been chanted as the storming party carne up and from its spirit, might have been sung on "the banks of the proud Hurotaa:-
“Hear the brothers Manik aay,
"Fame or death be ours to-day,
“Captives we ahall never be,
"Death may find, but find us free.
“બસ ! ચારણ ! મારૂં મોત બગાડવું જ ઠર્યું કે ? ઠીક ત્યારે બેલી, ઉઘાડી નાખો બારણું.”

[૧]પાંચે જણા બહાર નીકળ્યા. સામેથી ગોળીઓની ઝીંક બોલી અને આંહી છેલ્લા નાદ સંભળાણા:

“જે રણછોડ ! જે રણછોડ ! જે રણછોડ !”

ઈંદર લોકથી ઉતરીયું, રંભાઉં બોળે રૂપ
માણેક પરણે મૂળવો, જ્યાં ભેળા થીયા ભૂપ.

[ઇંદ્રલોકથી રંભાઓ મહા રૂપ લઈને ઉતરી: જ્યાં ભૂપતિઓ ભેળા થયા છે અને મૂળુ માણેક પરણે છે ત્યાં–રણક્ષેત્રમાં.]

નારીયું નત્ય રંડાય, નર કેદિ રંડાય નહિ,
ઓખો રંડાણો આજ, માણેક મરતે મૂળવો.

[સ્ત્રીઓ તો રંડાય છે. પણ પુરષ કદિ રંડાતો નથી. છતાં આજ તો મૂળુ માણેક મરતાં એાખો (ઓખામંડળ) કે જે પુરૂષવાચક છે, તે રાંડી ૫ડ્યેા. નિરાધાર બન્યો.]

૩૦

પોરબંદરની બજારમાં શેઠ નાનજી પ્રેમજીની દુકાન પર ગીસ્ત ઉભી છે. વચ્ચે પડ્યું છે એક વાઢી લીધેલું માથું : કાળો ભમ્મર લાંબો ચોટલો વીખરાણો છે.


 1. *કોઈ જાણકારો એમ પણ કહે છે કે મુળુ માણેક છેલ્લી વાર ટોખરા પાસે ઘેરાણો ત્યારે તેના સાથી હરદાસ રબારીએ કહ્યું “મુળુભા ! તું એકલો બહાર નીકળી જા, તું એકડો આબાદ રહીશ તો મીંડાં તો ઘણાં ચડી જશે.” મહા મહેનતે મુળુ માણેકે આ સલાહ સ્વીકારી;- ધાબળો ઓઢી, તલવારનો પટો કાઢી બહાર નીકળ્યા. પણ ધાબળાનો છેડો ઉંચો થઈ જતાં ડાબા પગમાં રાજચિન્હ તરીકે સોનાનો તોડો હતો તે દેખાઈ જતાં જ મકરાણી જમાદાર શોરાબ વાલેછંગાએ ઘા કર્યો ને બહારવટીયાને મારી પાડ્યો. પછી તો કાઠીઆવાડમાં ખબર પડતાં, વાઘેરોના પોરસવાળો એક સરવૈયો રાજપૂત સો ગાઉ ઉપરથી ઘોડે ચડીને આવ્યો અને મુળુ માણેકના મારનાર એ જમાદાર શોરાબ વાલેછંગાને ગોતીને ઠાર માર્યો.
નમણા મોઢા ઉપર લોહી રેળાયા છતાં યે મ્હોં રૂડપ મેલતું નથી.

હમણાં જાણે હોઠ ફરફરાવીને હોંકારો દેશે ! એવા માથા ઉપર ગીસ્તના માણસો દારૂ છંટાવતા હતા.

પાસે ઉભેલા એક નાગર જુવાને એ વાઢેલા માથાની મુખમુદ્રા એાળખી એના મ્હોંમાંથી વેણ નીકળી પડયું કે “આ તો મુળુ માણેકનું માથુ !”

પચાસેક આંખો એ બોલનાર ઉપર ચોંટી ગઈ. સહુને અજાયબી થઈ. મીયાં અલ્વીનો એક જાસૂસ પડખે ઉભો હતો તેણે આ નાગર જુવાનને નરમાશથી પૂછ્યું “તમે કેમ કરીને જાણ્યું ભાઈ !”

એક જ પલમાં જુવાન ચેતી ગયો. એ માથાના ધણીને વારેવારે દીઠેલો, ઘેરે નોતરેલો, પ્રેમથી હૈયા સરસો ચાંપેલો, એ બધી વાત ભૂલીને જવાબ દીધો કે “એ તો બહુ રૂપાળું મોઢું છે, તેથી એમ લાગ્યું.”

વાત અટકી ગઈ. નાગર બચ્ચો અણીને સમયે ઉગરી ગયો, અને એ રૂપાળા માથાને કપાએલું દેખી, ભાંગી પડતે હૈયે ઘર તરફ ચાલ્યો ગયો.

ગોમતીએ ઘૂંઘટ તાણીયા, રોયા રણછોડરાય !
મોતી હુતું તે રોળાઈ ગીયું, માણેક ડુંગરમાંય.

[ગેામતીએ શોકથી મ્હોં પર ઘૂમટો ઢાંક્યેા. રણછોડરાય પણ ૨ડ્યા. કેમકે માણેક રૂપી મહામેાલું મોતી ડુંગરમાં નાશ પામ્યું.]

ઐતિહાસિક માહિતી

૧- વૉટસન કૃત 'કાઠીઆવાડ સર્વ સંગ્રહ' :પાનું ૧૧૬-૧૧૭ ૩૧૩-૩૧૮ : વૉટસનનું વર્ણન ઉપરછલ્લું અને અમલદારશાહીની એકપક્ષી દૃષ્ટિથી જ લખાએલું છે.

૨. 'એાખામંડળના વાઘેરોની માહિતી': રચનાર- દુ. જ. મંકેાડી તથા હ. જૂ. વ્યાસ, દ્વારકા; મૂળ રા. સા. ભગવાનલાલ સંપતરામે લખેલ ઈતિહાસ પરથી ઉતારેલું આ પુસ્તક ઈ. સ. ૧૮૯૫માં પ્રગટ થયેલું. એમાં સારી પેઠે, સમતોલ અને પ્રયત્નપૂર્વક એકઠી કરેલી માહિતી છે.

૩. મારા વૃત્તાંતમાં મહત્ત્વના પાત્ર રૂપે આવનાર રામજી શેઠના પૌત્ર રતનશી ભાઈ, કે જે આમાંની અમૂક ઘટનાઓના ખુદ સાક્ષી છે, તે હજુ બેટમાં હૈયાત છે. જોધા માણેકની મહાનુભાવતા એણે નજરોનજર દીઠી છે.

૪. આ નવી આવૃત્તિમાં ઝીણી મોટી જે ઘણી ઘણી હકીકતો ઉમેરી શકાઈ છે, તે લગભગ સાક્ષી રૂપે જીવતા માણસો પાસેથી મળેલી છે. તેઓનાં નામ આપી શકાય તેમ નથી.