સોરઠી સંતો/પ્રવેશક

વિકિસ્રોતમાંથી
સોરઠી સંતો
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૮




પ્રવેશક

શૈવી, વૈશ્નવ, જૈન, અથવા સ્વામીપંથી: એવા કોઇ એક સંપ્રદાયની અંદર મહિમા પામેલા ધર્મગુરૂઓનાં આ વૃત્તાંતો નથી. આહીં સંઘરવામાં આવ્યાં છે તે અને હવે પછી સંઘરાશે તે તમામ તો લગભગ બીનસંપ્રદાયી અને ગ્રામ્ય વસતીના નીચામાં નીચા પડ સુધી ઉતરેલા ઇશ્વરપ્રેમી ને સેવાભાવી સામાન્ય સંતોનાં બયાનો છે. એનું 'લોક–સંતો' એવું નામ બરાબર અર્થવાહી લાગે છે કેમકે તેઓ લોકોને રંગે રંગાયા હતા, અને લોકો તેઓને રંગે. લોક–સમાજના નજીકમાં નજીકના ચોકીદારો તેઓ જ હતા. સાંપ્રદાયિક સંતો પૈકી જેઓ જેઓ આ કક્ષામાં આવી શકશે, તેઓને પણ બેશક અત્રે સંઘરવામાં આવશે.

ધાર્મિક વાતાવરણ

' સૈારાષ્ટ્ર ' એટલે મિલન–ભેામઃ શૂરાએાની તેમજ સંતજનોનીઃ સૈારાષ્ટ્ર એટલે પ્રણય–ભેામઃ સાંસારિક તેમજ પરમેશ્વરી પ્રેમિકોની: સૈારાષ્ટ્ર એટલે સમરાંગણ ધરાકામી તેમજ મુક્તિકામી, બન્ને જાતિના લડવૈયાઓનું. આ રસકસભરી ભેામ પર લોભાઈને જેમ ત્રણ દિશાએથી ક્ષત્રિકુલો ખડગ વીંઝવા આવ્યાં, ડુંગરિયાળ ગૌચરો અને અખંડ વહતી નદીઓથી નજરાઈને જેમ આહિર ચારણ ને ભરવાડ રબારી માલધારીઓ ગૌધન ધોળી ઉતર્યા, તેમ ગરવા ગિરનાર, સોમનાથ અને દ્વારામતીને ધર્મ-આકર્ષણે ભરતખંડના ખુણે ખુણેથી સંતો પધાર્યા. ગિરનાર એટલે ગુરૂ દત્તની નવ નાથ અને ચોરાસી સિદ્ધોવાળી તપસ્વી-સેનાનું બેસણું: અરધ ગુપ્ત અને અરધ પ્રગટ એવું એક તપોવન: પહાડનો પોતાનો જ દેખાવ કોઈ પલાંઠી વાળી યોગાસને બેઠેલા ત્રિકાલાતિત યોગી જેવો : પાષાણ પાણી અને વનસ્પતિના ત્રિગુણ પ્રભાવ તે ગરવા ગિરનારના : જૈન તીર્થંકર નેમીનાથ, હિન્દુ દેવતા દત્ત ગુરૂ, મુસ્લીમ એાલીઆ જમીયલશા અને શક્તિ જોગણી અંબાજી: એવાં સર્વેનું એ સૈયારું સંગમ-તીર્થ: એની સર્વદેશીય અસર સારા યે ભરતખંડ પર ગરવા ગિરનારે છાંટી.

સૈારાષ્ટ્રના આથમણા મહાસાગરને કિનારે સોમૈયાજી સ્થપાયા. કૃષ્ણચંદ્રના ઉતારા પણ સાગર-તીરે મંડાયા. એ બન્ને તીર્થોએ દીધું દરિયાઈ વાતાવરણ. અને આ ભરતખંડમાં વિરલ એવી સૂર્યદેવની તીર્થ–સ્થાપના પણ સોરઠને પાંચાળ–પ્રાંતે 'સૂરજ દેવળ' નામે પ્રખ્યાત થઈ. કોઈને ન નમનાર એવા કાઠી-કુલે ત્યાં જઈ એ આકાશી દેવની સન્મુખ શિર નમાવ્યાં.

લોભાઈ લોભાઈને દૂરદેશવાસી ભક્તજનો સોરઠમાં ઉતર્યા ? ને એણે પર્યટનને માર્ગ સમુદ્રના કિનારે કિનારે લીધો. આપણે ઉગમણે કિનારે જોતા જાઓ : ત્યાં યાત્રિકોની કેડી પડી છે: તળાજા, કોળીઆક, ખારી મીઠી વીરડી, ગોપનાથ, પીપાવાવ, મૂળ દ્વારકા, ઉપરગાળે આવેલાં ગુપ્ત-પ્રયાગ, તુલસીશ્યામ, પ્રભાસ- પાટણ, સુદામાપૂરી અને ત્યાંથી દ્વારામતી : એ મહાયાન પર તીર્થગામીએાનો સંઘ કૈં સેંકડાથી ચાલ્યો જ આવે છે. ભક્ત પીપાજી, રહીદાસ, તુળસીશ્યામના દૂધાધારી સ્થાપક વગેરે ઘણા ઘણા ત્યાં થઈને આવ્યા ને માર્ગે જ્યાં જ્યાં મન ઠર્યા ત્યાં ત્યાં ધર્મશાળા, સદાવ્રતો કે ગૌશાળાનાં તોરણ બાંધતા ગયા. અનેક ખાખી બાવાએાનાં બેસણા પણ એ જ રીતે આંહી બંધાયાં. શ્રીમત્ વલ્લભાચાર્યના દેશ-પર્યટન દરમ્યાન પાવન થયેલી ગણાતી ચોરાસી બેઠકો પૈકી એક સામટી આઠેક બેઠક તો આંહી સૌરાષ્ટ્રમાં જ ગણાવાય છે. પરંતુ આપણે તો તેથી યે જરા જૂની તવારીખમાં ડોકીયું કરીએ: સૌરાષ્ટ્ર પર મહાન અસર પાડીને અહિંસાને રંગે રંગનારો બૌધ ધર્મ એકવાર આંહી કેવળ રેવતાચળની જ આસપાસ નહિ, પણ છેક પુર્વ ખૂણામાં તળાજા સુધી પ્રવત્યો હશે. એભલ–મંડપ શાં ખંડિયરો એની સાક્ષી પૂરે છે.

આમ કેટલાં કેટલાં ધર્મ તત્ત્વોનો પાસ સોરઠનાં લોકોના અંતઃકરણો પર બેઠો હશે એ સમજી શકાય છે, યોગીઓના યોગ તત્ત્વનો, સોમનાથ–પ્રેમીઓનાં શૈવ તત્ત્વનો, બૌદ્ધમતના દયાતત્ત્વનો, અને ઇસ્લામની એકોપાસનો: ને આ બધી ભાત્ય ઉઠી તેનું કારણ સૌરાષ્ટ્રની જન–પ્રકૃતિ: મુખ્યત્વે પશુધારીઓ લક્ષ્મીનાં લાલચુ એાછાં, કુદરતનાં સંગીઓ, સ્વપ્નાવસ્થ, ઉર્મિભર્યા, ભાવઘેલડાં, શ્રદ્ધાળુ, અંધશ્રદ્ધાળુ, અને વહેમી પણ સારી પેઠે ! વળી દેહ મનથી જેમ યુદ્ધ વૈર અને પ્રેમમાં જોરાવર, તેમ- અથવા તેથી જ ત્યાગ, આસ્થા અને ભક્તિ પરત્વે પણ ઉગ્ર આવેશમય. એવી ભોં ઉપર ભક્તિનાં બીબાં ઘાટાં ઉઠ્યાં. જેમ લક્ષ્મીના ઢગલામાં લેટી લેટીને થાકેલાં અમેરિકાવાસીઓ કોઈ ધર્મ કલા કે સાહિત્યના વ્યાખ્યાન તરફ અથવા આધ્યાત્મિક વાતો તરફ તૃષાતૃરોની ધખનાથી ઢળે, તેમ લડાઈઓ, ધાડાં, રક્તપાત વગેરે બીનસલામતી જીવનક્રમમાં પીટાતાં સૌરાષ્ટ્રવાસીઓ ધર્મની શાંતિ તરફ સહેલાઈથી વળતાં હતાં.

કેટલી જાતના સંતો

એ રંગોમાં રંગાઈને પ્રવર્તેલા સંતોની હવે આપણે વ્‍હેંચણ કરવી જોઈશે. હું એ સમુદાયના આટલા ભાગ પાડું છું.

૧. લંગોટધારી, ભભૂતધારી ગિરનારીઓ: ખાખી બાવાઓઃ જેનાં મુકામો મુખ્યત્વે કરીને ગિરનાર ફરતાં મળે છે. ધુંધળીનાથ, સિદ્ધનાથ, કરેણીનાથ, વગેરેની 'પટ્ટણ સો દટ્ટણ' જેવી અલગારી કથાઓ અાંહી પ્રચલિત છે. તેઓ સદંતર ત્યાગીઓ હતા. વસ્તીથી નિરાળા ગુફાવાસી કે તરૂછાયાના નિવાસી હતા. તપસ્વીઓ હતા. દુર્વાસાના વારસદાર-ક્રોધી પણ હોવા જોઈએ. આજ એનો પંથ અતિ જાલીમ બન્યો છે. એ ગામડાંને શોષે છે.

૨. બીનભજનિક, ધંધાર્થી, સંસારભોગી સત્પુરૂષો: ભેખ પહેરીને એકાંત તપશ્ચર્યા માટે અરણ્યમાં કે પર્વતોમાં ચાલી નીકળેલા નહિઃ પણ ગૃહ-સંસાર ચલાવતાં ચલાવતાં અથવા તો ફક્કડ અવસ્થામાં રહ્યે રહ્યે સુકૃત્યો–લોક સેવાનાં કૃત્યો કરે, વિકારોને જીતવા મથે.

૩. ત્રીજો સમુદાય તે ભજનિક સંતોનો

૪. ચોથો સમુદાય વાડીના સાધુઓનો: એટલે કે અંત્યજ ભક્તોનો, જેમાં રહીદાસ ચમાર, ત્રીકમ ને ભીમ મેઘવાળ, જીવણદાસ ચમાર વગેરે નામો ઝબુકે છે. એ વેલ્ય તો બહુ ફુલી ફાલી છે. એની ફોરમો સહુથી અનેરી છે. એની વાણીની તો જાણે 'ગુપત ગંગા' ફુટી નીકળી છે. 'દાસી જીવણ'નાં ભજનો મીરાંના પદોની બરાબરી કરે છે. એનો પણ અલાયદો જ વિભાગ કરીશું.

બીનભજનિક સંતેા

તેઓને ખાસ કોઈ પંથ સંપ્રદાય નહોતો. ખાસ કોઈ દેવપૂજા, ક્રિયાકાંડ, ધ્યાન કે સમાધિ નહોતાં. ભક્તિ-રસમાં તેઓ તન્મય બનેલા નહોતા. ભજનસાહિત્યના પણ બહુ ભોગી નહોતા. તેથી જ મોટે ભાગે ભજનની વાણીનો અભાવ અથવા દાના ભગત અને શાદુલ ભગતની વચ્ચે ઘટના બની ગયેલી (જુઓ પાનું ૪૯મું) તે પ્રમાણે વાણીની બહુલતા પ્રતિ કટાક્ષ પણ ખરો – એટલી સંસ્કારિતા પણ એાછીઃ મોટે ભાગે કર્મપ્રધાન હોવાથી વ્યવહાર-કુશળતા વાપરી જાણે તદ્દન પ્રભુમય ન હોવાથી રાગદ્વેષને ક્વચિત આધીન બની દુભાય, અંતરમાં ઘવાય, છુપો શાપ પણ આપી બેસે ખરા. એને 'સંતો' કરતાં 'સમાજ-સેવકો' કહીએ તો ચાલે.

એમનાં સુકૃત્યો ખાસ કરીને ક્યાં ક્યાં ? ગૌ–સેવા અને અન્નદાન. ગૌ–સેવા

'કામધેનુઓની ટેલ' એ પ્રત્યેક સંતને દેવામાં આવતો ગુરૂમંત્ર હતો. નાનપણથી જ 'વાછરૂ પારવું' ને ઘેાળો ચારવા લઈ જવા આપવામાં આવતી 'લાકડી' એ સંતના ધર્મદંડ સમી લેખાતી. ગાયોનાં છાણ વાસીદાં ઉપાડવાનો સૂંડો એની દીક્ષાના પ્રથમ પ્રભાતથી જ એનો સંગાથી બનતો. જાદરા, દાના અને ગીગા કે વીસામણ જેવા દરેક સિદ્ધિવંત ગણાતા સ્થાપકનો જીવન-પ્રારંભ ગાયોની જ ચાકરીથી થયેલો. દિવસ અને રાત્રિ ગાયોનાં જ ચરણો, જળાશયો વગેરેની ચિંતા એ લોકોને બાલ્યાવસ્થાથી જ ચોંટાડવામાં આવતી. એ ગૌસેવા જ તેઓની ત્યાગ વૈરાગ્યની કસોટી ગણાતી. ગીગા જેવા ભક્તનું જીવન એ તા'માં તવાઈને જ શુદ્ધ કુંદન બન્યું હતું. અને તેઓનો ગાયો પ્રત્યેનો પ્રેમ કેટલી કોટિએ પહોંચ્યો હશે તેના દૃષ્ટાંત રૂપે આપણે ગોરખા ભગતના જીવનમાં વાંચીએ છીએ કે જ્યારે મોરબીના દરબારી માણસો પાંચાળમાંથી એની જગ્યાની ગાયો લુંટી ગયાં, ત્યારે ગોરખાએ કહ્યું કે “ભાઈ, વાંસે વાછરૂ સોત દઈ મેલો: નીકર બાપડી કામધેનુ દૂવાશે !”

અન્ન-દાન.

ગૌસેવા જેટલું જ તીવ્ર લાગણીભર્યું કર્તવ્ય તે સદાવ્રતો તેમજ રાંધ્યું ધાન આપવાનું હતું. પોતાને આંગણે આવેલા હરકોઇ ક્ષુધાતૂરોને આહાર દેવો એ સર્વ ધર્મથી પરમ ધરમ ગણાતો. જગ્યાઓના આદ્ય સંસ્થાપકો પ્રથમ તો ઝોળી લઇને રોટલાના ટુકડા માગવા નીકળી પડતા. એમ કરતાં કરતાં તેએાને આંગણે અનાજનાં ગાડાંની ભેટો આવવા લાગતી, પછી વસ્તી પોતાના શિર પર લાગા નાખીને દાણા પૂરા પાડતી અને પછી ધીરે ધીરે જગ્યાએાને જમીનો પણ અર્પણ થતી ગઈ. આ બધી આવકને ભક્ત રાંધ્યા ધાન રૂપે ખેરાતમાં દઇ દેતો. પોતે ભૂખ્યાંને રામરોટી આપે છે એ એને માટે આત્મ-સંતોષ હતો. એ આપવામાં લાયક નાલાયક ન જોવાતાં. અન્નદાનમાં ભેદબુદ્ધિ નહોતી રખાતી. કતીકડા જેવા પ્રમાદી બાવાઓ, નિરધાર ઘરડાં લૂલાં પાંગળાંઓ, કે ચેપીલાં કોઢીઆં રક્તપીતીઆંઓ, સહુ સમાન ભાવે આ પોષણ પામતાં. પરનાતીલાંની કે રોગીયાંની સુગ રાખવી એ આવી ધર્મ જગ્યાએામાં નામંજૂર હતું. કોઢીઆં પીતીઆં રસોઈમાં કામે લાગે અથવા પિરસવા ઉઠે, તો કોઈથી મ્હોં બગાડી શકાતું નહિ.

ભજનિક સંતો

એને આપણે કવિ-ભકતો કહીશું : ખાસ કરીને કબીર સાહેબની વાણીની અસર તળે આવેલા એ મીરાં અને નરસિંહના અનુગામીઓ હતા. લોક-સેવાને બદલે સાહિત્ય-સૃજન એમનો મનપસંદ વિષય હતો. ઉર્મિના આવેશ અનુભવી અપાર્થિવ મસ્તી–ecstacy–માં ચડી જઇ એ ભજનિકો કવિતા જોડતા. અલખ, અગમ, ગગન–જ્યોત, બ્રહ્મ-ઝાલરી, વગેરે તત્ત્વનું ચિંતન કરનારા એ શેાધકો-Seekers હતા. અથવા બધા જ કાંઈ શેાધકો નહોતા; શાબ્દિક અનુકરણ કરનારા પણ હતા. અગમનિગમની ન સમજાય તેવી ઘણી વાતો તેઓનાં કાવ્યોમાં ઉતરતી. એ પોતે પણ કદાચ સ્પષ્ટ ન સમજે તેવી શબ્દ-રચના તેએા કાવ્યોમાં આણતા. એ કવિતા એકલાં શુષ્ક વૈરાગ્યની નહોતી. જીવનની અસારતાનાં જ એ એકલાં કલ્પાંતો નહોતાં. પરંતુ એમાં તો આત્માની સમાધિના સૂર સુદ્ધાં હતા. બ્રહ્મના ભેદ પામવાની તાલાવેલીના, વિરહાકૂલ ગોપીના, સુફી ફિલસુફના તેમજ વ્યવહારગામી સુજ્ઞના સૂરોનું એમાં એકીકરણ હતું.

એ કાવ્યમાં કોઇ પંથનો આગ્રહ નથી. કોઇ એક દેવતાની સ્તુતિ નથી, પણ શરણાગતી, મસ્તી, આનંદ-ઉદ્વેક ને પ્રભુવિરહના ભાવો ગવાયા છે. જીવનની લોલૂપતા, સ્વાર્થાંધતા, ને જડતા ઉપર મર્મ પ્રહારો પણ છે. ગુરૂભક્તિ પણ સવિશેષ છે.

આ પ્રથમ ખંડમાં તો આપણે ફક્ત એ પ્રદેશની કોર જ 'વેલા બાવા'ના વૃત્તાંતમાં દેખીએ છીએ. એના ખરેખરા વિહાર તો હવે પછીના ખંડોમાં કરીશું.

આ ભજનિક–સંતોના સંઘમાં કેટલાક તો ઉદ્યમવંત ઘરબારીઓ જ હતાઃ જેવા કે મીઠો ઢાઢી, ભેાજો ભગત વગેરે. બાકી ઘણા ખરા ઘરબારી છતાં પણ બીનરોજગારી, કેવળ વસ્તીની સહાય પર રહેનારા હતા : જેવા કે ભાણ સાહેબ, ખીમ સાહેબ, રવિ સાહેબ વગેરે : કબીરજીની માફ સંસારવાસીઓ હતા, છતાં ભેખધારી કહેવાતા.

તેએાની ફિલ્સુફી

આ સોરઠી સંતોની જીવન-ફિલસુફી શી હતી ? તેઓના ચિંતનમાંથી કયો ધ્વનિ ઉઠતો ?

પ્રથમ તો તેએાની દૃષ્ટિમાં ન્યાત જાતોનું ઉંચનીચપણું નાશ પામ્યું હતું. સર્વે મનુષ્ય પ્રભુ પિતાનાં અને પૃથ્વી માતાનાં સંતાનો હતાં. સર્વેને ધર્મ આચરવાનો, ઉપદેશ દેવાનો, મુક્તિ મેળવવાનો અધિકાર હતો. તેથી જ આપણે તેઓના સંઘમાં આહિર, ચારણ, ગધઇ, કુંભાર, કાઠી, અધમ મનાતા અંત્યજ કોળી, વગેરે તમામ જાતના સંતોનો બેધડક સમાવેશ જોઇએ છીએ. મોટા નાનાની મારામારી મચ્યાનો બહુ ઇતિહાસ આપણને મળતો નથી.

એજ ઉદાર વલણ પાપીઓ અને પતિતો પ્રત્યે અંગીકાર થયેલું જોવાય છે. ઘોરમાં ઘોર પાપાત્માની સામે પણ પવિત્રાણનાં દ્વાર બંધ થઈ નથી જતા એ આ સંતોનો સૂર છે. રામડો શિકારી, જાદરો ચોર, વીસામણ લુંટારો, જારકર્મ કરી બેસનારી ગધઇ નારી લાખુ, અથવા ગરીબોનાં ગળાં કરનાર વ્યાજખાઉ વાણીઓ રવિદાસ : એ તમામને તરી જતાં ક્ષણ માત્રની પણ વાર નથી લાગી. તેઓને કોઇ સંતે શા૫ આપી નરકવાસની વાટ દેખાડી નથી, પણ પરિપક્વ થયેલા ફળની માફક, તેઓનાં પાપાચરણની મધોમધમાં પસ્તાવાની એક જ ઘડી આવતાં તેઓને ચુંટી લીધા છે. સમાજ પોતાની મરજાદી રૂઢીઓના મિથ્યાભિમાનમાં ચકચૂર થઈ જ્યારે ગધઇ યુવતી લાખુને એક જ ચારિત્ર્ય–દોષને કારણે તિરસ્કાર દઈ કુવામાં ધકેલતો હતો ત્યારે એ જ વસ્તીમાં રહેનાર, વસ્તીની જ સખાવત પર નિભનાર અને જૂના યુગના સંસ્કારો ધરાવનાર ભગત દાનાએ દુનિયાની તમન્ના રાખ્યા વિના એ અબળાને ઉગારી, આશરો દીધો, ગર્ભ-પાલન કર્યું, સુવાવડ કરી, ગીગલા બેટાને રમાડ્યો અને છેવટે સંત પદ દીધું. પોતે એ ગધઈ માતાની રાંધેલી રસોઇ એના સાથે એક જ થાળીમાં બેસીને જમ્યા.

એવી જ રીતે આપા દાનાએ ન્યાતની નિર્દય રૂઢીચૂસ્તતા સામે ઉગ્ર લડત કરી બે રાજગર બાળકોને ન્યાતમાં લેવરાવ્યા. વટાળના સાંકડા વિચારો એનાથી સહન ન કરી શકાયા. આ રીતે તેઓ દુનિયાની અંદર રહ્યા રહ્યા પણ દુન્યવી સમાજના સાંકડાપણાની સામે ઉઠેલા હતા.

ત્રીજું : સૌરાષ્ટ્રની ઉતરતી જાતિઓમાં દેવી–પૂજાની ઓથે જીવ હિંસા પ્રચલિત હતી. અને કાઠી રજપૂત જેવી જાતિઓમાં માંસાહાર, સૂરા-પાન વગેરેનું જોર હતું. એ મેલાં દેવ-દેવીની પૂજા ત્યજાવી પ્રભુભક્તિ અને સદાચરણ પર ઘણા મોટા સમૂહને લઇ જનાર પણ આ સંત વર્ગ જ હતો. જીવહિંસાનું જોર તેઓએ ઘણે મોટે અંશે તોડ્યું હતું. પશુઓનાં બલિદાન, ભૂવાનાં ધૂણવાં, દોરા ને ધાગા, વગેરે વહેમો ટાળી 'ઠાકર' અને 'દયાદાન' પર પ્રીતિ નીપજાવવાનો તેઓનો પ્રયત્ન હતો.

ચેાથું : મોટાં મોટાં મંદિરો ચણાવી, દિવસ રાત પત્થરની પ્રતિમાઓને સાજ શણગાર કરાવવા : દિનમાં આઠ વાર આરતી, શયન કે ઉત્થાનનાં દર્શન કરાવવાં : અન્નકુટ પૂરવા : પ્રતિમાઓનાં વસ્ત્રાભૂષણ પર દ્રવ્યની છોળો ઉરાડવીઃ એ બધા બાહ્ય આચાર આ વર્ગમાં બહુ ભાગે નજીવા જ જોવામાં આવે છે. તેમ સામાન્ય રીતે પોતાની નિરક્ષરતાને કાણે, તેમજ કર્મમાર્ગી જીવનનાં રોકાણોને પરિણામે, શાસ્ત્રાભ્યાસ, પુરાણ કથાનાં કથન વગેરે તો ભાગ્યે જ તેઓનાં વૃત્તાંતોમાંથી નીકળે છે. જે કાંઇ વાણી હતી તે અનુભવની, નિરીક્ષણની અને વહેવારની જ હતી; ધર્મના અવગાહનની નહોતી. ઉલટું વિદ્યાભ્યાસ તેમજ વિધિ ક્રિયાકાંડ સામે તો તેઓના ભજન-સાહિત્યમાં ઘણા ઉગ્ર કટાક્ષો ઠેર ઠેર નજરે પડે છે : સ્થૂલ ધર્મવહેવારને તેઓ ઘણી વાર ભાવનારૂપે જીવી કાઢીને ક્રિયાકાંડ પ્રતિ બેપરવાઈ કેળવતા :

જેમ કે

ઘટડામાં ચાંદો, ઘટડામાં સૂરજ,

ઘટડામાં નવલખ તારા રે

કાચી કેણે ધડેલી મોરી કાયા.

અથવા

ગરવાનાં ત્રોવર મારે રોમે રામે રોપાણાં,
શિખરૂં રોપાવેલ મારે શિષે જી.

નવસો નવાણુ નદીયું અંગડે ઉલટીયું રે

ગંગા જમના સરસતી જી.

ગંગા-યમુના કે કાશી કેદારની યાત્રાઓ ન થાય તે કશી ફિકર નહિ: સદાચરણ પાળનારને તો અંતઃકરણમાં જ ગંગા છે, અને ખુદ ગંગાને પણ પોતાના મળ ધોવા સંતોને ચરણે આવવું પડે છે, એવાં સદાં જીવન-સૂત્રો તેઓ લોકોને શીખવી ગયા છે.

મેળા

મેળાએાની પ્રથામાં સંતોએ ઘણું જીવન મેલી દીધું હતું. મેળાને તીર્થસ્થળો સાથે સંધાડી દઇ, તીર્થસ્થાન, ભજનકીર્તન, અન્નદાન અને પોતાની હાજરી વગેરે વડે ધાર્મિક વિશુદ્ધિનો પાસ આપવાનો એ પ્રયત્ન હતો. એવા નિર્ભય વાતાવરણને લીધે નર તેમજ નારી, બન્નેનાં વૃંદ ઉમટતાં. એ શુદ્ધ વાતાવરણની એાથે સાહિત્ય, કળા, રમતો, શરીરબળ, હટાણું, પશુપાલન વગેરે પોષાતાં. મેળાઓની આજે ઝડપભેર જે અધોગતિ થતી જાય છે, તે પરથી ગમ પડે છે કે જે આ લોકસંતોની જીવન-વિશુદ્ધ મેળાઓમાં ન સીંચાણી હોત, તો તેમાં સારાં તત્ત્વ ખીલી શક્યાં જ ન હોત.

સંતોની જગ્યાઓ

પ્રથમ સાદી પર્ણકૂટી કે માટીનું સાદું ભીંતડું: પંથીઓને અથવા પશુઓને માટે પાણી પીવાની ને ન્હાવાની કૂઈ કે અવેડી : નિરાધાર ક્ષુધાતૂરોને માટે રોટલા માગી લાવવાની એક ઝોળી: એકાદ દૂબળી 'કામધેનું' : આ રીતે જગ્યાનો પાયો રોપાય. પાંચ પાંચ સાત સાત ગાઉ સુધી સંતો ઝોળી ફેરવે. ટુકડા, ઉધરાવે. સહુ સાથે બેસીને ખાય.

પછી લોકો પોતાનાં ખેડ વેપાર પર લાગા કરી આપે : સદાવ્રત ચાલુ થાય : પરગજુ ને ઉધમી પ્રજા પોતાની કમાઇમાંથી ધર્માદાનો હિસ્સો કાઢી અનાજની ગુણીઓ કે ગાડીઓ ઠલવી જાય. રસોડાં વહેતાં થાય. ધેનુઓ વધે. કામ કરનારા વધે.

તે પછી સંત પુરૂષની સિદ્ધિનો મહિમા દાખવારા બે ત્રણ પરચા ચમત્કારો બહાર પડે: વસ્તીની આસ્થા વધેઃ ઇષ્ટ ફળની સિદ્ધિ માટે માનતા માની હોય તે પરિપૂર્ણ થતાં લોકો પોતાનાં ગાયો, ઘેાડાં, નિર્વંશીએાની ઘરવકરી વગેરે જગ્યામાં અર્પણ કરી જાય.

એટલે જગ્યાએ ધર્યાં બે રૂપઃ એક અનાથ-આશ્રમનું અને બીજું ગૌશાળાનું. અપંગો, કોઢીયાં પોતીયાંઓ, નમાયાં ને નબાપાં, નિરધારો ને બુઢ્ઢા, અશક્તો, સાચા ત્યાગીઓ અને જૂઠા એદીઓ બધાંનો ત્યાં આશરો બંધાયો. રાજ, સમાજ કે વ્હાલામાં વ્‍હાલું સગું પણ જેને ન સાંચવે તેને આ જગ્યાઓ સાંચવતી. વિના સગાયે એનાં પાસ પરૂ ને મળમૂત્ર અાંહી ધોવાતાં.

પછી રાજદરબારોએ તો આસ્થાને વશ બની જમીનો આપવા માંડી. પણ મૂળ સ્થાપકો આ પ્રલોભનનું બુરું પરિણામ સમજતા હતા. તેથી જ આપા દાના જેવા ડાહ્યા પુરૂષે આખાં ને આખાં ગામડાંનાં દાન સ્વીકારવાની પણ ના પાડેલી. છતાં બહોળી લોક–સેવાની અભિલાષાએ આવા ગરાસો આખરે સ્વીકારાયા એટલે સેવાનો પરિગ્રહ વધ્યો.

એનું મેલું ફળ મૂળ સ્થાપનારના મૃત્યુ પછી તૂર્ત જ આવ્યું. સ્થાપકોએ કાં તો પોતાના અથવા ભાઈ ભત્રીજાના વંશમાં એ જગ્યાની સોંપણી કરી, અથવા કોઈ સુપાત્ર ચેલાને બેસાડવાની પ્રથા પાડી. નવા સંતો સેવક મટીને ગાદીપતિ બન્યા. છડી, પધરામણી ને સામૈયાંની જાળમાં ફસાયા. પૂર્વજે કરેલી કમાઈને જોરે અંધ- શ્રદ્ધાળુઓમાં પોતાના જૂઠા પરચાની વાત ફેલાવી. મૂળ સ્થાપકની દીન મઢુલીની સન્મુખ જ મોટા મહેલો ખડા કર્યા. મંદિરોનાં ઇંડાં પણ આસમાને ચડાવ્યાં. વાહનેા, રૈયાસતો, ને વૈભવવિલાસો વધારી રાજદરબારોની હોડ કરી. જગ્યાને વંશ પરંપરાની જાગીરો બનાવી, ને કાં તો જગ્યાના વારસા માટે લડતા ચેલાએાએ અદાલતે ચડી લાગતી વળગતી રાજસત્તાઓનાં આધિપત્ય સ્વીકાર્યા. ભેખને નામે કેવળ ભગવા રેશમની ધજા રહી. ગોશાળામાં ગાયો ઉપવાસ કરતી ખીલે બંધાઈ રહી. ઘોડહારમાં ઘોડાં લાંઘણ કરી કરી મુવાં ને કાં અમલદારોને જ ખપમાં આવ્યાં. અને ધર્મઘેલડાં અંધશ્રદ્ધાળુ લોકોએ તો “ગાયના દૂધ સામું જોઈએ, ગાયના ઓખર સામું કાંઈ જોવાય ?” એવાં નાદાન સૂત્ર પકડી રાખી આ પાપનાં થાનકોને પોતાની સખાવતો વડે પોષ્યે જ રાખ્યાં. એટલે જ આજે 'આપા વીસામણ' જેવાની જગ્યાઓ બધા ધર્મકર્મથી પરવારી બેઠી છે, આપો વીસામણ તો કાઠીઓની કેવળ જૂઠા સોગંદ ખાવા પૂરતો જ રહ્યો ને ભીમનાથ જેવા સ્થળો પર મહંત નામધારી પામર માનવી વ્યસન, બહુપત્નીત્વ વિલાસ વગેરેમાં ડુબી ગયો છે ત્યાં સુધી પણ લોકોએ પોતાની સખાવતોના લાગા બંધ નથી કર્યા. આપા દાનાની જગ્યા તો કેવળ કુટુંબી જાગીર જ બની ગઈ છે. સંત દેવીદાસની પરબ- વાવડીની જગ્યા પર એક અજાણી બાઈએ કુટુંબનું સ્વામીત્વ જમાવ્યું છે. વીરપુર જલા ભગતની જગ્યા એના કુટુંબીઓને વારસામાં ઉતરી છે. બચી હોય તો અપવાદ રૂપી એકાદ પીપાવાવ જેવી પુનિત જગ્યા. ત્યાંના મહંત આજ પણ સાચા સેવક જ રહ્યા છે. બાકીના ઘણા ઘણા સંત મહંતોના મઠોનો ઇતિહાસ વધતો એાછો શેાચનીય છે.

પરચાનાં સત્યાસત્ય

હવે આપણે સોરઠી સંતોના એક શોચનીય, ભ્રમણાજનક અને અનર્થકારી અંગ ઉપર આવીએ છીએ, એ અંગ છે પરચાનું–ચમત્કારોનું. ચમત્કારોના થર કેવળ સોરઠી સંતોના જ નહિ, પણ દુનિયાના લગભગ તમામ પ્રદેશના પુરાતન સંતોની તવારીખ પર બાઝેલા જોવાય છે, ખુદ ઈસુખ્રીસ્તથી માંડી, અથવા તેની યે પૂર્વના યહુદી સંતોથી આરંભી, ખ્રીસ્ત ધર્મના અનેકાનેક ઓલીઆઓ – કે જેને saints કહેવામાં આવે છે તેઓના ચમત્કારો સુવિખ્યાત છે. ઇસ્લામના ઓલીયાઓનાં ચારિત્રોમાં પણ ' કરામતો 'ની બાજુ હાસ્યજનક હદ લગી ગયેલી વર્ણવાય છે. દક્ષિણ હિન્દના તામિલ તેમજ મહારાષ્ટ્રી સંતોના ચમત્કારો પુસ્તકોમાં સંઘરાયા છે. આપણે ઘર આંગણે મીરાનું વિષપાન, પ્રભુ-પ્રતિમા સાથે મીરાંની પ્રેમષ્ટિઓ, નરસિંહ મહેતાની હુંડીનો શામળા ગિરધારીએ કરેલો સીકાર, કુંવરબાઇનું મામેરૂં પૂર્યાની, કારાગૃહમાં રત્નહાર પહોંચાડ્યાની, મલ્લાર રાગિણીના જોરે મેઘ વરસાવ્યાની વગેરે વાતો આવે છે, ને સાહિત્યમાં એ બધી હકીકતો સત્ય જેવી બની વણાઈ ગઈ છે. એ જ રીતે આ સોરઠી સંતોના પહેલા જ પાના પરથી પરચાની શરૂઆત થાય છે અને તે છેલ્લે સુધી આવ્યા જ કરે છે.

આ ચમત્કારો ને પરચાઓ શું છે ? એ કેવળ નિર્મલ છે ? મેલી જાદુગરી છે? નજરબંદી છે ? કે શુદ્ધ સત્ય વસ્તુસ્થિતિ છે ? વાદળીના ધોધમાર વર્ષણ વચ્ચે કોરાં નળીઅાં રાખી દેવાં, મરેલાને પાછા પ્રાણ આપવા, એક નિ:શ્વાસ અથવા શાપ વડે લીલાને સૂકાં કરી દેવાં, જળાશયનાં નીરમાં અદલાબદલી આણવી, દાતણની ચીર વાવી વડલો ઉગાડવો અથવા પીપળાની ડાળી કુદરતી રીતે ન કોળે છતાં તેને કોળાવવી, સૂકી ધરતીનાં પડોમાંથી પાણી ખેંચી પીયાવા રચવા, પશુને વાગેલી ગોળીનાં વીંધ પોતાના દેહમાં અનુભવવાં, એ સર્વ સૃષ્ટિમાં શો ભેદ સમાયલો છે ?

એનો ભેદ પામવાના પ્રયાસો આ યુગે - વિજ્ઞાનનાં નક્કર સત્યો પર પોતાના પાયા ચણીને બુદ્ધિનું શુદ્ધ આરાધન કરનાર આ યુગે પણ કરી જોયા છે. આ મહાયુગની સત્યશોધક વૃત્તિએ કોઈ પણ વસ્તુને કોઈના ભરોસા પર ન સ્વીકારતાં, પરંપરાની પૂજનીયતાને ઠોકરે વધાવી, દરેક સત્યને પોતાની બુદ્ધિ-તુલાએ ચડાવી જોખી જોયું છે, અને એ તુલામાં બેસીને જોખાવાની ના પાડનાર ચાહે તેવી પ્રતિષ્ઠાવંત વસ્તુને પણ ફગાવી દીધી છે. પરંતુ પ્રત્યેક માન્યતા અથવા વસ્તુની આવી ઉગ્ર હાજરી લેવાના હકદાર આ મહાયુગે સાથેસાથ પોતાની ચકાસણીનાં સાધનો પણ બની શક્યાં તેટલાં સૂક્ષ્મ, પારગામી ને બહોળાં વસાવ્યાં છે. એણે પોતાની કોઈ શેાધને કે પોતાના કોઈ પણ નિર્ણયને છેલ્લા નથી માની લીધાં. આ પંચમહાભૂતોના કેવળ સ્થૂલ સ્વરૂપ સુધી જ પોતાની દૃષ્ટિમર્યાદા ન માનતાં એણે તો અણદીઠ, અગોચર, ગેબી લેખાતી દુનિયાનાં દ્વાર પણ ખખડાવ્યાં છે, ને ક્લેરવાયન્સ, ઑકલ્ટીઝમ, મેસ્મેરીઝમ વગેરે ચાવીઓ શોધી કાઢી એ ગેબનાં તાળાં ઉઘાડવા મથ્યું છે. એ શેાધકો શ્રદ્ધાળુ ધર્મિષ્ઠો નથી, પણ કડક કઠોર વૈજ્ઞાનિકો છે. એ આર્યાવર્ત જેવા પ્રભુધેલડા ને ધર્મઘેલડા દેશનાં નિવાસીઓ નથી પણ પશ્ચિમના બુદ્ધિપ્રધાન જડવાદમાં જન્મેલા, ઉછરેલા, નિર્દય સત્યશોધકો છે ને તેવાઓની શોધકતા આસ્તે આસ્તે પોકારે છે કે આ પંચમહાભૂતનું પૂતળું જે માનવ–શરીર તેને અને બાહેરની પ્રચંડ પંચભૂત-સૃષ્ટિને ઘાટો સંબંધ છે. માનવ-દેહમાં રમતી માનસિક ને આત્મિક શક્તિઓ એ પંચ- મહાભૂતની રચના પર અદૃશ્ય કાબુ મેળવીને પોતાની ઇચ્છા અનુસાર એની ધડભાંજ કરી શકે છે. superhuman અથવા supernatural એવી એ સિદ્ધિ નથી. એ કોઈ આકાશવાસી ઈષ્ટદેવના આરાધન વડે સાંપડેલી જડીબુટ્ટી અથવા મંત્રસિદ્ધિ નથી. પરંતુ સારા ને નરસા સહુ માણસોની આંતરિક ઇચ્છા- કેળવવાથી, સાંકળવાથી, કુદરતના ગુપ્ત નિયમોનું જ્ઞાન પામવાથી અટલ પરિણામ તરીકે પ્રાપ્ત થતી સિદ્ધિ છે – વૈજ્ઞાનિક સિદ્ધિના જેવી જ એ સિદ્ધિ છે ! વીજળી, વરાળ, પાણી, વાયુ, અગ્નિ, વગેરે પર વિજ્ઞાનના જાણભેદુએ જે કબ્જો મેળવી કાઢ્યો, તે જ પ્રકારના કબ્જાની આ બધી માનસિક સિદ્ધિઓ છે. તફાવત માત્ર એટલો જ છે કે વિજ્ઞાનવીરોએ પોતાના પરિમિત વિજ્ઞાનના નિયમોને રીતસર ગોઠવી સર્વગમ્ય ને સર્વસુલભ બનાવી લીધાં, જ્યારે આ ગેબી વિજ્ઞાનને એવા બંધારણપૂર્વકના નિયમ પર ગોઠવવાનું કાર્ય એ શેાધકો હજુ કરી શક્યા નથી. આ બધા વિષયને લગતું સાહિત્ય થીઓસોફીના ક્ષેત્રમાં ખેડાયું છે, અને બીજા ઘણાએ એને ઉકેલી રહ્યા છે. જીજ્ઞાસુઓએ એ સર્વ શેાધી લેવું રહ્યું છે. અાંહી તો એના આટલા ઉલ્લેખથી જ આપણું કાજ સરે છે.

પરચા અને સંતો

હવે સંતોને તથા આવી ગેબી સિદ્ધિઓને શો સંબંધ હોઈ શકે ? એ સવાલ ઉઠે છે. આના જવાબમાં આપણને જ્ઞાનીઓ એવી સમજ આપે છે કે સંતો બે પ્રકારના હોય : એક ત્યાગી ને બીજો યોગી. ત્યાગીનું લક્ષ્ય બહારની કોઈ શક્તિ સિદ્ધિઓ મેળવવાં ન જતાં કેવળ પોતાના જ મનની શુદ્ધિ કરી લેવાનું, કામ ક્રોધ મદ મોહ આદિ વિકારો પર વિજય મેળવવાનું છે; જ્યારે યોગીનો મનોરથ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી પ્રભુને પામવાનો હોય છે. ત્યાગી સાત્ત્વિકતાને આરાધે છે, યોગી રાજસી તત્ત્વને ભજે છે. ત્યાગી તો વિકારમુકત બની જગતને ચરણે ચગદાઈ જવા પણ તત્પર રહે છે, જ્યારે યોગી સત્તા પ્રાપ્ત કરી પોતાને દમવા આવનાર દુનિયાને ડારે પણ ખરો. ત્યાગી મૂક્તિનો કામી છે. યોગી શક્તિનો કામી છે. ગૌતમ બુદ્ધ ત્યાગીની કોટિમાં સંચર્યા હતા, અને તે પછીના ઘણા બૌધ સાધુઓ શક્તિને માર્ગે વળી તાંત્રિકો બન્યા હતા. જૈન તીર્થંકરો ત્યાગીએા હતા, જૈન સાધુએ સદા ત્યાગના જ માર્ગો રહી જીતેન્દ્રિય બનવાનું છે; પણ તેમાં યે યોગનો, તંત્રનો શક્તિનો ઉપાસક યતિવર્ગ નીકળ્યો હતો. મહાત્મા ગાંધી ત્યાગધર્મી છે, અરવિંદ ઘેાષ યોગને પંથે શક્તિના ઝરા શોધે છે. દયાનંદ સહજાનંદ વગેરે કેવળ ત્યાગી યે નહિ, પણ બન્નેના મેળ મેળવનારા હતા. દયાનંદનું વૈરાગ્ય જ્યાં જ્યાં એના વ્યક્તિત્વની છાપ પાડવા અશક્ત નીવડ્યું હતું, ત્યાં ત્યાં એણે પોતાનાં નેત્રોનાં તેજ વડે, અવાજના પ્રતાપ વડે, મક્કમ ઇચ્છાશક્તિની મદદથી માણસેને ડાર્યા છે, ને પોતાનાં વર્ચસ્વ સ્થાપ્યાં છે. સહજાનંદ ત્યાગમય હતા, છતાં ઘણા મોટા અને જડ, પાખંડી સમુદાય પર પોતાનું પરિબલ પાથરવા માટે એણે ચમત્કારો બતાવ્યા.

આ સોરઠી સંત મંડલની અંદર પણ ત્યાગ અને યોગ ઉભયનું મિશ્રણ આપણી નજરે ચડે છે. ખરેખરા વૈરાગ્યમાં ગળી જઇ પ્રભુઇચ્છાને માર્ગે પોતાનું શુદ્ધ સમર્પણ કરી દેનારા નિર્વિકારી જીતેન્દ્રિયો તમામ તો એ નહિ જ હોય. પોતાની ઇચ્છાશક્તિને – Will powerને – હિંસક પણ બની જાય એટલી હદ સુધી કેટલાકોએ કેળવી હશે. એટલું પોતાનામાં પ્રભુત્વ – ઇશ્વરી તત્ત્વ વસેલું હોવાનો કદાચ પોતાને જ એ ભ્રમ હશે. જન્મથી જ અથવા તે કહો કે પૂર્વજન્મથી જ ઇચ્છા શક્તિના – will forceના અથવા soul forceના એવા બળીયા મનુષ્યોનું અસ્તિત્વ માનવું કઠિન નથી એ માની શકાય એવી વાત છે. એમાં આત્મશ્રદ્ધા ને પ્રભુશ્રદ્ધા બન્નેની શક્તિ કામ કરી રહી હોય છે. એ શક્તિની વ્યવસ્થિત કેળવણી તેએાને કદાચ ન યે આવડી હોય. એ કેળવણી કુદરતી રીતે જ થઈ ગઈ હોય, અને પોતે એ શક્તિની પ્રાપ્તિને ઇશ્વરી પ્રસાદ રૂપ જ સમજી લીધી હોય. આ દેહે અને ચાહે તે કોઇ માનવીને માટે એ સાધ્ય છે તેવું તેઓ ન યે માનતા હોય. અને આવા અજ્ઞાનને પ્રતાપે જ કદાચ તેઓએ પોતાની સિદ્ધિએાનો સ્ફોટ જગતની સન્મુખ નહિ કર્યો હોય.

એટલે જ આ ચરિત્રોમાં કેટલાક ચમત્કારો ચાહીને અમુક કાજ સાધવા માટે બુદ્ધિપૂર્વક અજમાવેલા લાગે છે, કેટલાકમાં ચમત્કારનો અંશ એાછો અને ઇચ્છાશક્તિ, કરૂણા ભાવના તથા કાંઇક વિજ્ઞાનતત્વ, એ ત્રણેનો અંશ અધિક છે. દૃષ્ટાંત તરીકે દાના ભગતે કણબીની દીકરીનાં માથું ચાટી લઈને ઉંદરીનો વ્યાધિ મટાડ્યો, એ ઘટનામાં કશી અપ્રાપ્ય ને ઈશ્વરી સિદ્ધિનું આરોપણ કરવાની જરૂર નથી. એક તો થૂંક પોતે જ સામાન્ય રીતે અકસીર ઔષધિનાં તત્વો ધરાવનાર વસ્તુ છે. તેની અંદર એ ચાટનાર પુરૂષની અનંત કરૂણા રેડાણી. અખૂટ પ્રભુશ્રદ્ધા પણ સીંચાઇ ગઇ. અનુકમ્પા અને આસ્થા તો લગભગ દરેક માનવના જીવનમાં કેવા બળવાન ઉપચારની ગરજ સારે છે તે આપણા સહુના અનુભવની વાત છે. એ પ્રબલ ઉપચાર-શક્તિ સામાન્ય જીવદયાના પ્રસંગ કરતાં દાના ભગતવાળી આ ઘટનામાં સહસ્ત્રગણી પ્રબળ બની ગઇ હોવી જોઇએ. નહિ તો જીભે ચાટવાની ઉર્મિ કદિ ન આવે. ને આટલા પ્રાબલ્યની તાત્કાલિક અસર એ છોકરીના માથાના વ્યાધિ પર નીપજે તેમાં કસો યે અચંબો નથી.

તે જ મિસાલે દાના ભક્તે ઘોડાની જીભ સાંધ્યાનું દૃષ્ટાંત સમજીએ: શરીર–શાસ્ત્રીઓ કહે છે કે શરીરના સર્વ ભાગો કરતાં જીભનાં પરમાણુઓની રૂઝણ-શક્તિ ઘણી વધુ ત્વરિત છે. એનો જખમ ઝડપથી મળી જાય છે. તે ઉપરાંત ઘોડાની જીભના ટુકડાના રેવણ વખતે સંત દાનાની દયાશક્તિ પણ તીવ્રતાથી એ જીભનાં પુદ્ગલોને જોડાવાનું ગુપ્ત જોર આપી રહી હશે એ કલ્પવું કઠિન નથી. જગતના કોઇ પણ સ્થલ સાધન કરતાં આંતર્વૃત્તિનું કૌવત ઘણું અધિક હોય છે એ સુવિદિત છે. અંતઃકરણની શુદ્ધ દુવા, પ્રભુપ્રાર્થના, ઇત્યાદિનો પ્રભાવ માનવ-શરીર પર પડે જ છે, એમ બધા કબૂલશે. અને એવો જ પ્રભાવ વનસ્પતિ કે પશુજીવ પર પણ પડવો જ જોઈએ એમ માનવું, જગદીશ બોઝની શોધ પછીના આ સમયમાં લગારે કઠિન નથી. પાંચ મહાભૂતોના હૃદય–તાર પરસ્પર રણઝણી રહ્યા છે. એક તાર પર જરી કમ્પ થતાં જ અન્ય અનેક તારો ને એનાં આંદોલને હલાવી શકે છે. માત્ર એ હલનમાંથી સુસંવાદી સંગીત જન્માવવું હોય તો જેમ તારોની ગોઠવણ આવડવી જોઈએ, તેમ પ્રકૃતિનાં તમામ તત્ત્વોમાં આપણા હૃદય-સૂરોના ધ્વનિ જગવવા માટે પ્રકૃતિ અને આપણ બન્નેના આતમ–તારોની સૂરીલી ગોઠવણ જ આવશ્યક છે.

એ ગોઠવણ તદ્દન સાદી છે. દૃષ્ટાંત લઈએ: રતા ભક્તને ખેાળે રમવા સાવઝ આવ્યા. હિંસકોએ હિંસા મેલી સંતના ચરણ ચાટ્યા. એમાં કશો ચમત્કાર નથી. ભ્રાતૃભાવના તારોએ ત્યાં મધુરો મેળ લઇ લીધો. એજ રીતે દાનાના આતમ-તાર પૃથ્વીનાં પડ તળે વહેતી સરવાણી સાથે કાં ન મળ્યા હોય ? પછી એ સરવાણી બહાર નીકળી પ્રતિધ્વનિ કાં ન પાડે ? એમાં જાદુ કે ચમત્કાર કશું ય નથી. વિશ્વતત્ત્વોની રચના કોઇ ઘણા તારો વાળા વાદ્ય જેવી છે. એ તારો એક બીજાની પડખોપડખ છે. અનુકમ્પાયમાન છે. પણ એનો મેળ નથી મળ્યો હતો. મેળ મળે ત્યારે બેશક એ મનધાર્યું પરિણામ આપે. અજ્ઞાનીઓ એને પરચા કહે.

ચમત્કારોનાં પરિણામ

આટલે સુધી તો ચમત્કારનું વૈજ્ઞાનિકપણું આપણે ચર્ચ્યું. અને દલીલ ખાતર અથવા શ્રદ્ધાપૂર્વક માની પણ લઇએ કે કેટલાક સોરઠી લોકસંતોએ પ્રકૃતિના નિયમો સાથે આટલી હદ સુધીની એકતાનના સાધી હશે. પરંતુ તેથી શું એ સિદ્ધિનો ચમત્કારરૂપે ઉપયોગ થવો ઘટિત હતો ? ઈષ્ટ હતો ? એનું પરિણામ કેવું આવ્યું છે ? પ્રજાના માનસ પર એની અસર કેવી માઠી નીવડી છે ?

સંતોનાં વૃત્તાંતો વાંચતાં પરચાને લગતી આટલી વાતો તરી આવે છે:

૧. એક પછી એક દરેક માણસે પોતાના ગુરૂનો કાંઇક ચમત્કાર જોયા પછી જ એનું શિષ્યપદ સ્વીકાર્યું છે. તે સિવાય એ શિષ્યને ખરો વૈરાગ્ય આવ્યો જ નથી. ગુરૂના એકલા ચારિત્રના ગુણો દેખીને કોઈ ચેલો ખરેખરો ગળ્યો નથી.

૨. લોક સમુદાય પણ સંતના નર્યાં શિયળ–તપને અથવા ત્યાગ-સંયમને નમ્યો નથી. સંતની એકલી સમજાવટ કદિ વસ્તીએ માની નથી. એકલા જ્ઞાનને હૃદયપૂર્વક કાન દીધા નથી. એકલી નિર્વિકાર જીવન-દશા જોઇને જનતા પીગળી નથી. પણ એના એકાદ પરચા થકી અંજાઇ જઇ માથુ નમાવ્યું છે. કાં તો એના કોપનું બુરું પરિણામ કલ્પી ભય સેવીને સીધાં આચરણ કર્યા છે, અથવા એની માનતા માનવામાં ઈષ્ઠ ફળની સિદ્ધિ થવાથી એનો પ્રતાપ અંગીકાર કર્યો છે. પરિણામ એવું આવ્યું કે ૧. સંતજીવનની ત્યાગમયતા, નિર્વિકારતા અને તપશ્ચર્યા કરતાં વધુ મોટો મહિમા પરચા બતાવવાની નીચેરી સિદ્ધિને મળ્યો. લોકોને ન સમજાયું કે પરચા તો પાર્થિવ વસ્તુ છે, એક જાતનું માનસિક સત્તાબળ છે, મૂક્તિનું સાધન નથી. અને જેમ એક પાપી માણસ પણ કસરત કરીને અંગબળ ખીલાવી શકે છે, તેમ પાપી અથવા સામાન્ય ચારિત્રનો માણસ પણ પરચાની સિદ્ધિની પ્રાપ્તિ પ્રયત્નો વડે કરી શકે છે. આ વસ્તુ સદંતર વિસરાઇ ગઇ. પરચા-શક્તિને પ્રજાએ પ્રભુદત્ત માની લીધી.

૨. ગુરૂશ્રદ્ધાનું મંડાણ શિયળમય જીવન પર નહિ પણ ભય અને લાલચ પર મંડાયું: “ભાઈ ! ક્યાંઈક આપણું ધનોત પનોત કાઢી નાખશે ! અથવા તો દીકરા દેશે. રોગ મટાડશે ! માટે પગે પડો !” આ હતું લોક-માનસ.

૩. પરચા આપવાની શક્તિ મહિમા–પદે સ્થપાયા પછી તો ચાહે તેવા પતિત પુરૂષના નામ સાથે પણ કલ્પિત પરચાઓ જોડી લોકોમાં તેનો પ્રચાર કરવાની કુનેહો વપરાવા લાગી. અમૂક સંતે અમૂક માણસને અમૂક જાતનો પરચો બતાવ્યો એવી ગપ અત્યંત સ્હેલાઈથી ગળી જવાની પ્રકૃતિ ગ્રામ્ય પ્રજામાં રૂઢ થઇ ગઇ છે. એટલે 'પરચા' સિદ્ધિની વસ્તુ મટી પાખંડની વસ્તુ બની ગયા. અને એનું સત્યાસત્ય ચકાસવાનું કોઇ સાધન જ હોઇ શકે નહિ તેથી પાખંડ જોશભેર પ્રવર્ત્યું.

ઉપર કહ્યા અનર્થોનો વિચાર કર્યા પછી આપણો સ્પષ્ટ નિર્ણય એક જ હોવો જોઇએ કે પરચા–એ સાચા હોય અથવા ખોટા- અતિ અનિષ્ટ વસ્તુ છે. એ ભલે સિદ્ધિ હોય, ભલે કેળવી શકાય તેવી હોય, છતાં એ ભ્રામક, વહેમપોષક અને વિપથગામી મનોદશાની માતા હોવાથી આપણને ન ખપે. પરચા–શક્તિના પડદા આડે પાપાચાર ચલાવનાર સિદ્ધોની નહિ, પણ પરચા-શક્તિ વિનાના ચારિત્ર્યવંત અને પ્રભુપરાયણ ભક્તોની જ આપણને જરૂર છે. અથવા તે પરચા-શક્તિ વડે પ્રજા પર અનેકાનેક ઉપકારો કરી શકાતા હોય - જેવા કે દાના ભક્તે કર્યા – તો તે ઉપકારોને પણ આપણે જતા કરવા જોઇએ, કેમકે એ વ્હેમને તેમજ અંધશ્રદ્ધાને ઉત્તેજે છે, તેમજ એ અનર્થ માટે વપરાવાનો પણ ભય છે.

ગેારખો ભગત પોતાના જ ઉપર ત્રાસ વર્તાવનાર દરબાર નાજા કરપડાને, એના પરાજયને સમે એને નગ્નદશામાં પડેલો સાંભળી, લુગડાંની પોટલી લઈ એને પહેરાવવા ગયા, અથવા પોતાની ગાયો ચોરી જનારાઓને વાછરડાં પણ મોકલી દેવાની સૂચના કરી; એવી એની ક્ષમા-ભાવનાની પડખોપડખ જ્યારે આપણે સાંભળીએ છીએ કે એણે હોકાની નળી ફુંકાવીને થાનમાં બેઠે બેઠે મોરબીનો ગઢ પાડ્યો, ઘોડહાર તોડી તથા કુંવરને પછાડ્યો, ત્યારે આપણને બે જાતને અફસોસ થાય છે : એક તો પોતાની સિદ્ધિના આવા દુરૂપયોગ માટે, ને બીજો આવા કૂડા સામર્થ્યને નમન કરનારા લોકોને માટે. ગેરખાની સંત તરીકેની મહત્તા તો પેલા ક્ષમાના પ્રસંગેામાં ઝલકે છે, એ વૈર લઈ શકનારી સિદ્ધિમાં નહિ.

એજ દૃષ્ટિથી જાદરા ભગતને તપાસીએ: મેપા ભક્તની ચાકફેરણીના પ્રહારો ખાઇને પણ એણે મારનારના ચરણો ચૂમ્યા. એ એની મહાનુભાવતા : રાગદ્વેષાદિ શત્રુઓ પરનો એનો વિજય: પછી એણે બકરી જીવતી કરવાના કે મોઘરી સાટે ગાયો આપવાના પરચા ન બતાવ્યા હોય તો પણ એનું સંતપણું ઝાંખું નથી જ પડતું.

સાચા કે જુઠા, પરચા ન જ જોઇએ. સંસારમાં નંદન વન ઉતારે તે પણ ન જોઇએ. પ્રભુએ પાંચાલીનાં ચીર ન પૂર્યા હોત તો તેથી શું એ સતીનું સતીત્વ નિસ્તેજ થઇ જવાનું હતું ? પાંચાલીની હજારોની પુત્રીએાની શિયળ-લુંટને સમયે શ્રી પ્રભુ નથી પધારતા તેનું શું ? એ વસ્ત્રહરણનો જવાબ ઇશ્વરી વસ્ત્ર-પૂરણથી નહિ પણ ભીમની ગદા વડે અથવા અર્જુનના ગાંડિવ વડે થવો જોઇતો હતો.

નરસિંહ મહેતાને કારાગૃહમાં હાર ન મળ્યો હોત તો ? અથવા કુંવરબાઇનું મામેરૂ પ્રભુએ ન પૂર્યું હોત તો ? તો શું નરસિંહની ભક્તિમાં ન્યૂનતા ભણાત ? મીરાંના વિષ-કટોરા અમૃતમય ન બન્યા હોત તો શું ઇશ્વરનું અસ્તિત્વ અને મીરાંનું સતીત્વ ખોટું પડત ?

ના. એની નિરાધારતામાં અને શહીદીમાં જ સંતો તો અમર બને છે. દયાનંદ કે શ્રદ્ધાનંદને પરચા પૂરવાની જરૂર નથી પડી. ગૌતમ બુદ્ધે પણ કહ્યું હતું કે મારો પ્રભાવ લોકો પર બેસારવા માટે મારે Jugglery (જાદુગીરી) કરવાની જરૂર નથી.

પરચા આપણને ઠગે છે, શુદ્ધાત્મા ન હોય તો પણ એ સિદ્ધિ પામી શકે છે, મેલાને પણ મળે એવી એ વિદ્યા છે. ચારિત્ર્યને બદલે ચમત્કાર આપણી તુલનાનું ધોરણ બને છે. એનાથી ઉત્પન્ન કરેલી શ્રદ્ધા તે શ્રદ્ધા નથી, ભય છે, સ્વાર્થની લાલચ છે.

આ ચોપડીમાંના ચરિત્ર આલેખવા બેસતાં, પરચાઓ મારાથી છોડી શકાયા નથી. કંઠસ્થ ઇતિહાસ-સાહિત્યને વફાદાર રહેવા માટેની મારી એ ફરજ થઇ પડી હતી. સલાહકારોની સલાહ પણ એવીજ પડી. અન્ય પ્રાંતોમાં ને દેશોમાં થએલા આવા સંગ્રહોમાં પણ એ જ પ્રણાલી જોવામાં આવી. એટલે લાગ્યું કે કંઠસ્થ સાહિત્યના સંપાદકે પોતાની વિવેકબુદ્ધિ પોતાના પ્રવેશકમાં જ વાપરવી રહી. વસ્તુના સંગ્રહકાર્યમાં તો એના હાથ અમુક રીતે બંધાયેલા જ હોય છે. વળી 'પરચા' એક શાસ્ત્રીય વિષય છે, અભ્યાસનું અંગ છે. અનભ્યાસી એની સાથે મનફાવતી રમત રમી શકે નહિ. એના ઉપર ખાસ અભ્યાસી જનોના નિર્ણયો મેળવ્યા પછી જ એનું સાચ જૂઠ નક્કી થઇ શકે. માટે જ મેં એ બધાને આંહી સંઘરેલા છે.

છતાં એક છૂટ મેં લીધી છે. પરચાઓના થર પર થર ચડેલા છે. તેમાંથી હું આ સંતોની નક્કર જીવન–મહત્તા વીણી લેવા મથ્યો છું. પણ કેટલીક મહત્તાનું સુવર્ણ એ માટીની સાથે એવું તો એકમેક થઇ રહ્યું છે, કે સાચા કીમીઆગર થકી જ એ જૂદું પાડી શકાય. હું એ નથી કરી શક્યો, છતાં નરી માટીને તો મેં ફેંકી જ દીધી છે. જેટલી ધૂળ સોના સાથે ભળેલી છે, તેટલી જ મારે રાખવી પડી છે. જેટલા પરચા સંતોની જીવ દયા ને જન-સેવાનાના દ્યોતક છે, એટલા જ આંહી સંઘર્યા છે.

સંપાદક