સોરઠી સંતો/વેલો બાવો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← દાના ભગત સોરઠી સંતો
વેલો બાવો
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૮


વેલો બાવો
કાળી કોયલ કલકલે, ભેરવ કરે ભભકાર,
નિત નગારાં ગડહડે, ગરનારી વેલનાથ !

શેરગઢ નામે જૂનાગઢ તાબાનું મૂળગરાસીયું ગામડું છે. એ ગામમાં જસમત સેંજળીઓ નામે એક કણબી રહેતો હતો.

સહુ પટેલોમાં જસમત પટેલ દૂબળો ખેડુ છે. તાણી તૂંસીને પેટગુજારો કરે છે.

એક દિવસ જસમતની ખડકીએ એક દસ-બાર વરસનો બાળક આવીને ઉભો રહ્યો. બાળકે સવાલ નાખ્યો કે “આતા, મને સાથી રાખશો ?”

“કેવો છે ભાઈ ?”

“કોળી છું આતા ! માવતર મરી ગયાં છે. એાથ વિનાનો આથડું છું.”

કોળીના દીકરાની નમણી મુખમુદ્રા ઉપર જસમતનાં નેત્રો ઠરવા માંડ્યાં.

“તારૂં નામ શું ભાઈ ?”

“વેલીયો. ” વિચાર કરીને જસમતે ડોકું ધુણાવ્યું: “ વેલીયા ! બાપા, મારે ઘેરે તારો સમાવેા થાય એવું નથી. મારા વાટકડીના શીરામણમાં બે ઉપર ત્રીજાનું પેટ નહિ ભરાય !”

જસમતના ઘરમાં ભલી ભોળી કણબણ હતી. એ પ્રભુપરાયણ સ્ત્રીને સંતાન નહોતું. વેલીયા ઉપર એને વ્હાલ વછૂટ્યું. ધણીને કહેવા લાગી કે “કણબી ! ભલેને રહ્યો છોકરો. એ પણ પોતાનાં ભાગ્ય ભેળાં બાંધીને જ આવતો હશે. અને રોટલો તો એના સાટુ રામ ઉતારશે. બાળ્યકો આપણી ટેલ કર્યા કરશે. વળી આપણે એને દેખીને છોરૂનાં દુઃખ વિસરશું.”

જસમત સમજતો કે કણબણ પોતાના કરતાં વધુ શાણી છે. કણબણને પોતે પોતાના ગરીબ ઘરની લખમી માનતો. એનું વેણ ન ઉથાપતો. તેથી વેલીયાને એણે રાખી લીધો. પૂછ્યું કે “એલા વેલીયા ! તારો મુસારો કેટલો માંડું, ભાઇ !”

“મુસારો તો તમને ઠીક પડે તે માંડજો આતા ! પણ મારે એક નીમ છે તે પાળવું જોશે.”

“શી બાબતનું નીમ ?”

“કે આ મારી માતાજી મને રોટલા ઘડી દેશે તો જ હું ખાઇશ. બીજા કોઇના હાથનું રાંધણું મારે ખપશે નહિ.”

સાંભળીને કણબણને એના પર બેવડું હેત ઉપજવા લાગ્યું. કરાર કબુલ થયા.

વળતે જ દિવસે જસમતના ઘરમાં રામરિદ્ધિ વર્તાવા લાગી. કોળીના દીકરાને પગલે કોઠીમાં સેં પુરાણી. ગામના દરબારે જસમતને ઢાંઢાની નવી જોડ્ય, સાંતી, અને એક સાંતીની નવી જમીન ખેડવા દીધાં. પટેલ અને એનો બાળુડો સાથી બીજે દિવસ જ્યારે બે સાંતી હાંકીને ખેતર ખેડવા નીકળ્યા ત્યારે ગામના કણબીઓ એ જોડલીને જોઇ રહ્યા.

આખો દિવસ કામ કરીને વેલો ઘેર આવે, તો પણ આતાના અને માડીના પગ ચાંપ્યા વગર સૂતો નથી. જસમતની તો ઉપાધિ માત્ર ચાલી ગઇ છે. એાછાબોલો અને ગરવો કોળીપૂત્ર જોત જોતામાં તો જસમતને પડખે જુવાન દીકરા જેવડો થઇ ગયો છે.

પટલાણી માને પણ વાંઝીઆ મેણાં ભાંગ્યાં. એને એક પછી એક સાત દીકરા અવતર્યા. જસમત અને પટલાણી આ જાડેરા કુટુંબ માટે વેલાનાં મંગળ પગલાંનો જ ગુણ ગાવા લાગ્યાં છે. પેટના સાત સાત દીકરા છતાં પણ વેલા ઉપરનું હેત ઓછું નથી થયું.

એક દિવસ સાંજે વેલો વાડીએથી આવ્યો. રોજની માફક આજે પણ આવીને એની આંખો માડીને જ ગોતવા લાગી. પણ ડોશીમા આજે ઘરમાં દેખાતાં નથી. વણ બોલ્યો પણ વેલો માડીને શોધી રહ્યો છે. વાળુ વેળા થઇ ગઇ છે. છોકરાઓએ કહ્યું “ વેલાભાઇ, હાલ્ય, રોટલા પીરસ્યા છે.”

“માડી ક્યાં ગયાં ?”

“માડી તો બહાર ગયાં છે. હાલો ખાઇ લઇએ.”

“ના, હું તો માડી આવીને ખવરાવશે તો જ ખાઇશ.”

વેલાએ જ્યારે હઠ લીધી ત્યારે પછી પટેલથી ન રહેવાયું: “માડી માડી કર મા ! ને છાનો માનો ખાઇ લે બાપ ! જો આ રહી તારી માડી !”

એમ કહી, કાંડું ઝાલી, વેલાને બીજા ઓરડામાં લઇ જઇ ડોશીનું મુડદું બતાવ્યું.

“જો આ ખાલી ખોળીયું પડ્યું છે. સવારે એને ફૂંકી દેશું. હવે એમાં તારી માડી ન મળે.”

“માડીને શું થયું ?”

“છાણના માઢવામાંથી સરપ ડસ્યો.”

“ના ના, મને જમાડ્યા વિના માડી જાય નહિ. મારૂં નીમ ભંગાવે નહિ.” એમ કહીને વેલો નીચે નમ્યો. માને ગળે બાઝીને કહ્યું : “મા ! મા ! ઉઠો. મને રોટલા કરી દ્યો ને ? હું ભૂખ્યો છું.”

બાળકની ઇચ્છાશકિતથી ડોશીને ઝેર ઉતરી ગયું. ઉઠીને ડોશીમા વેલાને બાઝી પડ્યાં.

(૨)

લા જસમત !”

"કાં ?"

“આ તારો સાથી તો તું ને દિવાળું કઢાવશે દિવાળું ! હવે એને કેટલોક પેંધાડવો છે ? ગમે તેમ તોય કોળો ખરો ને, કોળો ! એનાં તો હાડકાં જ હરામનાં થઇ ગયાં.”

“પણ છે શું ?”

“એ જરાક ખેતરે જઇને જો તો ખરો ! વિસવાસે તારાં બારે વા'ણ બૂડવાનાં છે. આંહીથી ધડસા જેવા રોટલા બાંધીને સાંઠીયું સૂડવા જાય છે, પણ ત્યાં તો ઓશીકે ટાઢી ભંભલી મેલીને ખીજડીને છાંયે દિ આખો ઉંઘી રહે છે. આ વૈશાખ ઉતરવા આવ્યા તો ય સાંઠીયું સૂડાઈ ન રહી !”

જસમતને તો વેલા ઉપર ઘણી ઘણી આસ્થા હતી. વેલો કદિ દગડાઇ કરે નહિ. એના કામમાં પોણા સોળ આની ન જ હોય. છતાં આજ પંદર વરસે જસમતનો વિશ્વાસ ડગી ગયો. એ તો વૈશાખને ધોમ ધખતે બપોરે કોચવાઇને દોડ્યા સીમાડાને ખેતરે. એના અંતરમાં એમ જ થઇ ગયું કે વેલો ઉંઘતો હોય તો પાટુ મારીને જગાડું. અને મુસારાની કોરીઓ જમા છે તે ન આપું. એના વિચારો વણસી ગયા.

ખેતરને શેઢે જઇને જસમતે શું જોયું ? સાચોસાચ : ખીજડીને છાંયડે, પાણીભરી શીતળ ભંભલીને ઓશીકે માથું ટેરવી વેલો ભરનીંદરમાં સૂતો છે.

પણ ખેતર રેઢુ નથી પડ્યું. કોદાળી એકલી એકલી ખોદી રહી છે. એકલી કોદાળી : એની મેળે ઉછળી ઉછળીને સાંઠીઓ સૂડી રહી છે.

ખેતર ગાદલા જેવું બની ગયું છે.

આ શું કૌતુક ! કોદાળી પોતાની મેળે ખોદે છે !

દેખીને જસમત ભાભો સજ્જડ થઇ ગયો. આ વેલો કોળો નહિ : કાઇક જોગી પુરૂષ : મેં આજ એને માટે મનમાં બુરા વિચારો બાંધ્યા !

વેલો જાગી ગયો. આતાને એણે ઉભેલો જોયો. વેલો સમજી ગયો.

દોડીને જસમત વેલાના પગમાં પડવા ગયો, ત્યાં વેલાએ આતાના હાથ ઝાલી લીધા. જસમત બોલ્યો :

“મને માફી આપો, મેં તમારી પાસે મજૂરીનાં કામ કરાવ્યાં. તમને મેં ન એાળખ્યા.”

“આતા ! મને મજૂરી મીઠી લાગતી હતી. આંહી મારી તપસ્યા ચાલતી હતી. મને દીકરો થઇને રહેવા દીધો હોત તો ઠીક હતું. પણ આજ તમારી નજરે મારી એબ ઉઘાડી પડી. હવે મારે વસ્તીમાં રહેવું ઘટે નહિ. મારો મુસારો ચૂકાવી દો.”

જસમત બહુ કરગર્યો. પણ જોગી ન માન્યો. જતાં જતાં એટલું કહ્યું કે “આતા માગી લ્યો.”

“શું માગું ? તમારી દુવા માગું છું.”

“જાવ આતા, મારો કોલ છે. તમારા સેંજળીયા કુળનો કોઇ પણ જણ મારા મરતુક પછી ગિરનાર ઉપર મારી સાત વીરડીએ આવીને શિવરાતને દિ' તંબુરામાં ભજન બોલશે, તો હું એ વીરડીયુંમાં પાણી રૂપે આવીને તમને મળીશ. વરસ કેવું થાશે તેનો વરતારો કહીશ !”

મુસારાની કોરીઓ ગામનાં નાનાં છોકરાંને વહેંચતો વહેંચતો બાળુડો જોગી શેરગઢથી નીકળીને ગિરનારમાં ઉતરી ગયો.

(૩)

અઘોર નગારાં તારાં વાગે
ગરનારી વેલા ! અઘો૨ નગારાં તારાં વાગે !

ભવે રે સરમાં દાતણ રોપ્યાં રે
ચોય દશ વડલો બિરાજે-ગરનારી૦

ગેામુખી ગંગા, ભીમકંડ ભરિયા
પરચે પાણીડા પોંચાડે-ગરનારી૦

ચોસઠ જોગણી બાવન વીર રે
હોકાર્યાં મોઢા આગળ હાલે-ગરનારી૦

વેલનાથ ચરણે બોલ્યા, રામૈયો ધણી
ગરનારી ગરવે બિરાજે-ગ૨નારી૦

બાર વરસ સુધી એણે ગિરનારને પરકમ્મઓ દીધા કરી. કંદ મૂળ અને ફળ ફુલ આરોગ્યાં. પછી એ પણ ત્યજી દીધાં. ટુંકે ટુંકે અને ગુફાએ ગુફાએ ઉતારા કર્યા. બાર વરસની તપશ્ચર્યા પૂરી થયે ગિરનારની તળેટીમાં ભવેશ્વર આવી દાતણ કર્યું . દાતણની ચીર કરી એ જમીનમાં રોપી. એ રોપામાંથી વડલો ફાલ્યો. વડલાની લેલુબ ઘટા પથરાઇ ગઇ. આજ પણ એને વેલા-વડ નામે એાળખવામાં આવે છે.

તપસ્વી વેલાને કૈં કૈં સિદ્ધિઓ વરવા લાગી. કુદરતના નિયમો ઉપર એને કાબુ મળી ગયો. એને મુખમાંથી જ્ઞાન-વાણી વહેતી થઇ. પોતાના કોઈ ગિરનારી ગુરૂ યોગી વાઘનાથના નામ પર ભજનો આરંભ્યા

બાજી કેમ આવે હાથ
બાજી કેમ આવે હાથ રે
લાગી રે લડાયું કાયા શે'રમાં જી રે !

સમજે વાતું સમજાય
વેદે વાતું વદાય રે !
મૂરખ નરને ક્યાં જઈ કે'વું રે જી - બાજી૦

હે વીરા !
સાવી [૧]વસત હે તારા શે'રમાં રે જી;
દુનિયા અંધી મ થાવ !
દુનિયા ભૂલી મ જાવ રે !
કરો દીપક ને ઘર ઢુંઢીએ રે જી - બાજી૦

હે વીરા !
તરકસ તીરડા ભાથે ભર્યા રે જી;
થોથાં કાયકું ઉડાડ !
થોથાં કાયકું ઉડાડ રે !
મરઘો ચરે છે તારા વનમાં રે જી - બાજી૦

હે વીરા !
તખત તરવેણીના તીરમાં રે જી,
ધમણ્યું ધમે છે લુવાર
ધમણ્યું ધમે છે લુવાર !
નૂર ઝરે ધણીના, શૂરા પીવે જી - બાજી૦


 1. ૧.વસ્તુ

હે વીરા !
સાતમે [૧]સુન મારો શ્યામ વસે જી;
કસ્તૂરી છે ઘરમાં
કસ્તૂરી છે ઘરમાંય રે !
અકળ અવિનાશીનાં રાજ છે રે જી – બાજી૦

હે વીરા !
વાઘનાથ ચરણે વેલો બોલીયા રે જી;
ગુરૂ દૃશ્યુંનો દાતાર
ગુરૂ મુગતીનો ઓધાર રે
અધરમ ઓધારણ ગુરૂને ધારવા રે જી.


"અરે ભાઈ, આ ગામમાં કોઈ રાતવાસો રાખે એવું ખોરડું દેખાડશે ?”

“ક્યાં રેવું ?”

“રહું છું તો આરબની ટીંબલીએ. જાતનો કુંભાર છું. સામે ગામ પળાંસવે વેલા બાપુ પાસે જાતો'તો, ત્યાં તો આંહી ડેરવાવને સીમાડે જ દિ આથમ્યો.”

“હં ! ભગત છો ને? સારૂં ભગત, હાલ્યા જાવ રામ ઢાંગડને ઘેર, ત્યાં તમને ઉતારાનું ઠેપે પડશે.”

ડેરવાવ ગામના ફાટી ગયેલા કુકર્મી ખાંટોએ ચોરે બેઠાં બેઠાં આ પુંજા નામના કુંભાર ભગતની મશ્કરી કરવા માટે ક્રૂરમાં ક્રૂર ખાંટ શિકારી રામ ઢાંગડનું ખોરડું બતાવ્યું. ભોળીઓ કુંભાર મુસાફર રામને ખોરડે જઈ ઉતર્યો. પણ ઉતરતાંની વાર જ એને સમજાઇ ગયું કે ખાંટોએ પોતાને ભેખડાવી માર્યો છે !


 1. ૧. આકાશ

રામ ઢાંગડના ઘરમાં દેવી માતાની માનતા ચાલી રહી છે : વિકરાળ ડાકણ જેવી કાળીની દેવી–મૂર્તિ પાસે બકરાના ભક્ષ પથરાઈ ગયા છે. નિવેદમાં દારૂના સીસા પણ ધરેલા છે. રામડો કોળી દારૂના કેફમાં ચકચૂર બની અધરાતે પાપાચાર આદરે છે. માણસને ભરખી જાય તેવા અસૂર રૂપ દેખાતા ભૂવા ધૂણી રહ્યા છે. ડાકલાં વાગે છે.

એવામાં રામડાના રંગમાં ભંગ પડ્યો. એનો જુવાન દીકરો ફાટી પડ્યો.

એને જીવતો કરવા ક૫ટી ભૂવા ડાકલાં લૈને બેઠા. દેવીને રીઝવવા માટે બીજા કૈંક જીવ ચડાવી દીધા.

સવાર પડ્યું. નનામી બંધાવા લાગી. પૂંજો ભગત બેઠા બેઠા આ બધું જોઇ રહ્યા છે. જ્યારે રામ ઢાંગડનો મદ ઉતરી ગયો ત્યારે કુંભાર બોલ્યા “ભાઇ ! જીવ માર્યે જીવ ઉગરશે ? કે જીવ ઉગાર્યે ? આટલાં નિરાપરાધીને તમે કાપી નાખ્યાં ? ફક્ત એક દીકરાની આવરદાને સ્વારથે ?”

“ત્યારે શું કરૂં ભગત ? મારો જુવાનજોધ દીકરો જાય છે. માતા ડાકણી કાંઇ હોંકારો દેતી નથી.”

“તારો એક દીકરો જાય છે એમાં કેટલાં પશુડાંનાં છોરૂનાં તે પ્રાણ લીધા છે ભાઇ ?”

“હાય ! હાય ! ભાઇ, એનો હિસાબ જ નથી રહ્યો.”

“એ સહુના વિલાપ હવે સમજાય છે ?”

“સમજાય છે.”

“તો લે ઉપાડ આ કંઠી. આજથી બંદૂક મેલી દે.”

“કોની કંઠી ?”

“વેલા બાપુની.”

રામડે અહિંસાની કંઠી બાંધી. કોણ જાણે કેટલાં યે પશુ પંખીના આશીર્વાદ એકઠા થયા. એટલે દીકરાના ખેાળીયામાં પ્રાણ પાછા આવ્યા. પરબારે રામ પૂંજા ભગત ભેળો ખડખડ પહોંચ્યો. વેલા બાવાને ચરણે હાથ દીધા.

સાદી સીધી વાણીમાં વેલા બાવાએ એક જ વાત સમજાવી કે “ભાઈ ! હિંસા કરીશ મા ! પ્રભુ જેવો વસીલો મેલીને લોહીના રંગાડા પીનારી દેવીઓના આશરા હવે ગોતીશ મા.”


જ પાણીની હેલ્ય ભરીને આવતાં જ રામની વહુએ વાત કરી કે “પાદરમાં જ નદીને સામે કાંઠે એક રોઝડું ચરે છે. પણ અરધું ગામ ધરાય અને પંદર રૂપીઆ ચામડાના ઉપજે એવું જબ્બર ડીલ છે, કોળી ! ઝટ બંદૂક લઈને પોગી જા !”

“ના ના ! મારાથી હવે બંદૂક ન લેવાય. હું ગરૂજી બાપુને બોલે બંધાણો છું.”

“અરે પીટ્યા ! ખાંટ છે ? કે વાણીયો બામણ છો ? આંહી કયાં તારા ગુરૂ જોવા આવતાતા ?”

રામ ન માન્યા. ગામ આખું એને ઘેર હલક્યું: “એ રામડા ! એક વાર બંદૂક ઉપાડ. ફરી નહિ કહીએ. અને તારા ગુરૂને કોઇ વાત નહિ પોગાડે. અને તું રોઝડું તો જો ! નજરમાં સમાતું નથી.”

રામના અંતર ઉપર હજી પૂણ્યનો પાકો રંગ નહોતો ચડ્યો પાપમાં મન લપટી પડ્યું. બંદૂક ઉપાડી. પાદર જઇને જુવે ત્યાં તો સામે જ મોટી કોઈ દેસાણ ગાય જેવડું રોઝડું ચરે છે. નિરખીને રામના મ્હોંમાં પાણી આવ્યું.

રામડો તો મોતીમાર હતો. એનું નિશાન કોઈ દિવસ ખાલી નહોતું ગયું. એવા ઉડતાં પંખીડાં પાડનારને આ રોઝ બાપડું શી વિસાતમાં હતું ! એક ગોળી છૂટીઃ રોઝને ચેાંટી. પણ એ તો જરાક ઠેકીને વળી ચરવા માંડ્યું.

બીજી ગોળી છૂટીઃ ચોંટીઃ પણ રોઝ નથી પડતું, ઠેકીને પાછું ચરે છે.

ત્રીજી : ચેાથી : પાંચમી : એમ નવ ચોંટાડી. રોઝ ન પડ્યું. દિવસ આથમી ગયો. અંધારૂં થઇ ગયું. ઘવાએલ રોઝને કાલે સવારમાં જ ખેાળી કાઢશું, એમ ધારી સહુ ઘેર ગયા. રામ ડેલીએ જાય ત્યાં ખેપીએા આવીને વાટ જોતો બેઠો છે.

“રામભાઇ ! ગરૂજી બાપુ તેડાવે છે.”

“કાં ? કેમ ઓચીંતા ?”

“પંડે પથારીવશ છે. કહ્યું છે કે પાણી પીવા યે રામ ન રોકાય.”

બંદૂક હાથમાં જ રહી ગઇ. ઘેર મોકલી દેવાનું ઓસાણ ન ચડ્યું. દોટ દેતો રામ ગુરૂજીની પીડાથી ચિંતાતૂર બની પળાંસવે. આવ્યો. પૂછવા મંડ્યો:

“કેમ બાપુ ! એાચીંતા પડદે પડવું થયું ?”

“રામ ! અજાણ્યા બનીને પૂછછ ભાઇ ? નીમ તોડીને નિરપરાધી કાયા ઉપર નવ નવ ગાળીયું ચોડી ભાઇ ? અરેરે તને દયા ન આવી ? આમ તો જો ! આ મારા અંગે અંગે ફાંકાં !”

રામે બાવાજીનું શરીર વીંધાયલું દીઠું. નવ ઠેકાણેથી રૂધિર ચાલ્યાં જાય છે.

“અને ભાઇ, લે આ તારી નવે નવ ગોળીઓ.”

ગુરૂએ રામની જ બંદૂકની નવે ગોળીઓ ગણીને હાથમાં દીધી.

“બાપુ ! તમે હતા ?” ચેાંકીને રામે પૂછ્યું.

“બાપ ! હું નહિ, પણ મારા, તારા અને તમામના ઘટઘટમાં જે રમી રહ્યો છે એ ઠાકર હતા. અરેરે રામ ! વિચારી તો જો ! તેં કેને વીંધી નાખ્યો ? ચામડામાં તારૂં મન લોભાણું ?

સન્મુખ છીપર પડી હતી. બંદૂકને તે પર પછાડી રામડે કટકા કર્યા. વેલાના પગ ઝાલીને બેસી ગયો. નેત્રમાંથી નીરની ધારા મંડાઈ ગઈ. ગળું રૂંધાઈ ગયું. શું બોલે ? શબ્દ નીકળે તેમ નહોતું રહ્યું.

રામ ! હવે ઘેરે જા !”

“ઘર તો મારે આ ધરતી માથે નથી રહ્યું બાપુ !”

“અરે જાછ કે નહિ કોળા ? વયો જા, નીકર ચામડું ફાડી નાખીશ.” ગુરૂએ આંખો રાતી કરી.

“નહિ જાઉં, નહિ જ જઉં. ”

“નહિ જા એમ ? એલા શકરગર ! તલવારથી એના કટકા કરીને ભોંમાં ભંડારી દે એ પાપીઆને. તે વિના એ આંહીંથી નહિ ખસે.”

રામડે ગરદન નમાવી.

“ઠીક, શંકરગર ! હમણાં ખમ, એને આપણાં ગોળાનાં પાણી ભરી લેવા દે, પછી એના રાઈ રાઈ જેવડા ટુકડા કરીને આંહી જ દાટી દઈએ.”

ગુરૂએ પાણી ભરવાને બહાને રામડાને રફૂચક થઈ જવાનો સમય દીધો. એણે માન્યું કે મોતના ડર થકી રામ નાસી છૂટશે. પણ રૂંવે રૂંવે રંગાઈ ગયેલા રામને હવે મોતની બ્હીક ક્યાં રહી હતી ! ઠંડે કલેજે પાણી સીંચીને એણે ગોળા ભર્યા. ભરીને ગુરૂની સન્મુખ આવી મોતની વાટ જોતો બેઠો.

છેલ્લી વાર ગુરુએ ત્રાડ પાડી “ જાછ કે નહિ ?”

“ના બાપુ ! " ગુરૂએ છુરી ખેંચીને છલાંગ દીધી. રામને પછાડી, એની છાતી પર ચડી બેઠા. છુરી છાતીમાં જવાની વાર નથી. તો યે રામડો ન થડક્યો. એને તો જાણે અંતરમાં અજવાળું થયું. એના કંઠમાંથી આપોઆપ વાણી ફુટી. ગુરૂના ગોઠણ નીચે ચંપાઈને પડ્યાં પડ્યાં, મોતની છુરી મીઠી લાગતી હોય તેવા તોરમાં એણે આપજોડીયું ભજન ઉપાડ્યું :


જેમ રે [૧]ઉંડળમાં વેલે રામને લીધો
પ્રેમના પિયાલા વેલે પાઇ પીધા !
મેરૂ રે શિખરથી પધાર્યા મારો નાથજી
મૃગ સ્વરૂપે આવી ઉભા રે;
રામને ચળવા રૂખડિયો આવ્યા,
પૂરણ ઘા પંડે લીધા–જેમ૦

[૨]ગૌહત્યા રે ત્યારે ગુરૂ અમને બેઠી,
પૂરવ જલમનાં કરમ લાગ્યાં;
ભવસાગરમાં વેલે ભૂલો રે પાડ્યો,
સમશ્યાની ભેદે વેલે શરણુંમાં લીધા – જેમ૦

મહા દરિયામાં [૩]બેડી ડોલવા લાગી,
રૂદિયે ના જોયું મેં જાગી રે;
ભરમ વન્યાના ભાઈ ભરમાજી ભૂલ્યા;
એકલશીંગી ગુરૂએ વનમાં લૂંટ્યા -જેમ૦

કરણીનાં રે મારે કમાડ દેવાણાં,
આંખે અંધારી ગુરૂએ અમને દીધી રે;
વેલનાથ ચરણે બોલ્યા રામૈયો,

ખાવંદે ખબર મારી વેલી લીધી રે - જેમ૦

 1. ૧. બાથમાં
 2. ૨. રોઝડાં ગાયની જાત ગણાય છે.
 3. ૩. હોડી (જીવનરૂપી)

આંખેામાં શરણાગતીની મીઠાશ છલકી. છતાં ગુરૂ હજુ ઉતરતા નથી. ગુરૂ તો આ કુકર્મનાં મુખની વાણીમાં ન્હાય છે. એના અચંબાનો તો પાર જ નથી: ત્યાં રામડે ગુરૂના પગ નીચે પડ્યાં પડ્યાં બીજું ભજન ઉપાડ્યું:


મેં તેરા બંદીવાન
ગરનારી વેલા ! મેં તેરા બંદીવાન.

જ્ઞાની ભૂલ્યા, ધ્યાની ભૂલ્યા,
કાજી ભૂલ્યા કુરાન - ગરનારી૦

અમર તંબૂડા ભીંજાવા લાગ્યા,
તંબૂડા જમી અસમાન – ગરનારી૦

સતીએ સત ધરમ છોડ્યાં,
સૂરે છોડ્યાં હથીઆર – ગરનારી૦

વેલાને ચરણે બોલ્યા રામૈયો,
ઘરે આયા મારો દીવાન - ગરનારી૦

તો યે ગુરૂ ઉતરતા નથી. રામડાની છાતી ઉપર તો જાણે કમળનું ફુલ પડ્યું છે ! નિરક્ષર રામડાની રસના પર સરસ્વતીએ જાણે કે વીણા લઈને ગાવા માંડ્યું. કેવો પરમાનંદ એને અંતરે પ્રગટી નીકળ્યો ! જાણે ગિરનારનાં તરૂવરો એને રૂંવાડે રૂંવાડે રોપાયાં. જાણે મસ્તક પર ગિરનારનાં શિખરો ખડાં થયાં. લલાટમાં તિલક ખેંચાઈ ગયાં, અંગમાં ગંગા યમૂના

રેલાઈ અને નેત્રોમાં ચાંદો સુરજ ઝળેળ્યા :

ગરવાનાં [૧]ત્રીવર મારે રોમે રોમે રોપાણાં
[૨]શખરૂં રોપાવેલ મારે શિષે જી.

તનડાનાં [૩] તલ્લક મારે [૪]લેલાડે લખીયાં રે
છાપ ગરનારી કેરી દિસે જી.

કાશી ને પ્રાચી કેડે દામોદર નાઇં રે
નેણલે નરખું રે ગરવો વેલો જી.

નવસો નવાણું નદીયું અંગડે ઉલટીયું રે
ગંગા જમના સરસતી જી.

નવલખ તારા મારી [૫] દેઇમાં દરસાણા રે
ચાંદો સૂરજ નેણે નીરખ્યાં જી.

કાયા છે ક્યારો ને પવન [૬]પાણેાતીયો ને
ગરનારી સીંચણહારા જી.

સતગુરૂ સીંચણહારા જી.

સાંભળી સાંભળીને ગુરૂનું અંતર ઓગળવા લાગ્યું. પાપીની પરીક્ષા પૂરી થઇ ગઇ. છાતી પરથી વેલો નીચે ઉતર્યો. રામને ઉઠાડ્યો. રામને અંગે લાગેલી રજ ખંખેરવા લાગ્યા.

“રામ ! બેટા આટલી વારમાં ?”

“ગુરૂને પ્રતાપે. ”

“તારી શી મરજી છે ?”

“ બીજી શી ? તમે મળ્યા પછી બીજી શી મરજી બાકી રહી ? હવે તે નજરથી અળગા ન થાજો ! હે બાળુડા ! સદાય સન્મુખ રેજો ! સન્મુખ જ રાખજો !


 1. ૧. તરૂવર
 2. ૨. શિખરે
 3. ૩. તિલક
 4. ૪. લલાટે
 5. પ. દેહ
 6. ૬. વાડીમાંપાણી વાળનાર.

કાયાના ઘડનારા મારી એ નાજરૂમાં રો' ને !
[૧]દેઇના માલમી મારી મીટ્યું માં રો' ને !
નજરૂમાં રો રે પંથના નાયક જી !

[૨]આ રે મારગડે આવતાં ને જાતાં
લખ ચોરાસીના ઓડા જી;
બાળુડો મળે તો દેઇનાં દાણ રે ચૂકવીએ
જીવને છોડાવે જમ લઈ જાતાં જી!
બાંધી અંધારી જીવને એણી પેરે લોઢે,
સતગુરૂ વન્યા એ કોણ છોડે જી !
બાળુડા વન્યા એ કોણ છોડે જી !

ધુમના ધણી તારી બેડલી સવાઈ
પાંચ ઋષિની બેડી બૂડી જી.

[૩]નરભેનાં નાંગળ નાખો હે ગરનારી વેલા !
સતની બેડીનાં સત પૂરો જી.

બાળ કારણીએ બિલ્લીહોળીમાં હોમાણા
અગનીમાંથી લઈ ઉગાર્યા જી.

હરચંદ કારણીએ નીર જ ભરિયાં
એક નરે રે ત્રણ એાધાર્યાં જી.

પાંડવું કારણીએ લીધા દશ અવતાર

[૪]પીયાડે પડતા ઓધાર્યાં જી.

 1. ૧. હે મારી દેહ-નૌકાના નાવિક ! તમે મારી નજરમાં રહેજો !
 2. ૨. દેહ-નૌકાને લઈ આ રસ્તે આવતાં લક્ષ ચોરાસીની
  આડી આવે છે, જમડારૂપી ચોકીદારોને દાણ ચૂકવવાનું તમે આવો
  તો જ બની શકે.
 3. ૩. 'નિર્ભયતા' નાં લંગર નાખીને મારી દેહ-નૌકાને બચાવો.
 4. ૪. પાતાળે (નરકમાં)

વેલનાથ ચરણે બોલ્યા રે રામૈયો

સતના માર્ગ સામાં ડગલાં જી.

તે દિવસથી રામડો મસ્તીમાં આવી ગયો. ભક્તિના અજર પ્યાલા એણે પચાવી લીધા. નિરંતર એના મ્હોંમાંથી મસ્તીનાં પદ રેલવા લાગ્યાં:

કાચી કેણે ઘડેલ મોરી કાયા રે !
[૧]ઘટડામાં [૨]લોવા, ઘટડામાં એરણ,
ઘટડામાં ઘાટ ઘડાયા રે - કાચી૦
ઘટડામાં ચાંદો, ઘટડામાં સૂરજ,
ઘટડામાં નવ લખ તારા રે - કાચી૦
ઘટડામાં વાડી, ઘટડામાં માલણ
ઘટડામાં સીંચણહારા રે - કાચી૦
ઘટડામાં તાળાં, ઘટડામાં કુંચીયું
ઘટડામાં ખેાલણહારા રે - કાચી૦
વેલનાથ ચરણે બોલ્યા રામૈયો ગુરુ
ઇ રે શબદ છે સાચા રે - કાચી૦

જાણે ગુરૂની પ્રેરણા એને રોમે રોમે રમતી થઇ ગઇ:

આજ મારી કાયાનો ઘડનાર
આજ મારી રોમરાનો રમનાર
મળીયલ મને માતા રે મીણલનો ભરથાર.
નવ નવ ખંડમાં રે [૩]નામચા તમારી બાપુ !

સૂબા નમે છડીદાર-મળીયલ૦

 1. હૃદયમાં
 2. લોઢું
 3. નામના
વેલા-વડ હેઠે બેસણાં તમારાં બાવા
[૧]સખરૂં તણો સરદાર - મળીયલ૦
ભૈરવ-જ૫ હેઠે ભોંયરાં તમારાં રે બાપુ !
ગરવો તમારો ગરાસ - મળીયલ૦
દામો-કુંડ તમારાં નાવણાં રે બાપુ !
ભવેશર સરખી બજાર - મળીયલ૦
વેલનાથ ચરણે બોલ્યા રામૈયો, બાપુ !
આતમ તણા હે ઓધાર - મળીયલ૦

ગુરૂને એણે ભૈરવ – જપના પહાડ પર રમનારો કહી બિરદાવ્યો. પાતાળમાં વાસુકી સાથે ખેલનાર કૃષ્ણાવતાર કહ્યો :

ગિરનારી ભેરવનો રમનારો !
ગિરનારી વાસંગીનો રમનારો !
અદ્ધર તખત ને અમર ગાદી
ગગન મંડળ દરસાણો રે - ગિરનારી૦
[૨]સરભંગીના ખેલ કોઇને નાવે કળ્યામાં
વેલો રમે ચોધારો રે - ગિરનારી૦
જળમાં પેસીને કાળી નાગને નાથ્યો રે
બાંધ્યો કમળ કેરો ભારો રે – ગિરનારી૦
ચારે તે ખેલ બાવે મૂઠીમાં રાખ્યા
રમે બાવનસું બાળો રે - ગિરનારી૦
વેલનાથ ચરણે બોલ્યા રામૈયો ધણી
તેજમાં તેજ સમાણો રે - ગિરનારી૦

 1. શિખરો.
 2. સર્વ ૫ંથનો.
બેઠલ [૧]બોરીયામાં આવી
ગરનારી ! બેઠલ બોરીયામાં આવી.
આપે તે રૂપ જાણી રોઝનું લીધું,
રામડાની બંદૂક ભંગાણી – ગરનારી૦
શાદૂળા સિંહને તમે વશ રે કીધો
ઉપર વાળી અસવારી – ગરનારી૦
[૨]ધુંધળીમલે ધંધ જગાડ્યો ધણી
પાટણ નાખ્યાં રે પલટાવી – ગરનારી૦
ભવેશ્વ૨માં દાતણ વાવ્યાં ગુરુ
શોભા વાવેલ બહુ સારી – ગરનારી૦
ભેરવ જ૫ હેઠે આપ બીરાજેલ
સોનમેં સમાતું બંધાવી – ગરનારી૦
વેલનાથ ચરણે બોલ્યા રામૈયો ધણી
શિખરૂંમાં સૂ૨તા ઠેરાણી – ગરનારી૦

રામને સૂઝી ગયું કે આ ગુરૂ કોઇ અસલી સમયના ગેબી સિદ્ધ છેઃ રોગીના રોગ ટાળે છે. પોતાના સાત વીરડામાં ગુપ્ત ગંગા વહાવે છે. ને કશા નૈવેદ્યના કામી નથી; કેવળ ભાવના જ ભોગી છે:

આ તો છે આગુનો ગેબી, એ જૂનો છે જોગી.
એ બાવા ! આબુ રે શિખરનું બેસણું
સધ ચોરાસીમાં વાસ,

 1. 'બોરીયો' નામે ગિરનારનો ગાળો છે.
 2. પ્રેહપાટણ (ઢાંક) ને 'પટ્ટણ સો દટ્ટણ' કરનાર મનાતા કોળી સંત ધુંધળીનાથના અવતાર તરીકે વેલો મનાય છે.
નતનાં રોગીલાં વેલાને પાયે પડે
દરદી આવે રે દુવાર – આ તો૦
એ વાલા ! અકળ અવિનાશી સામા મળિયા
દલમાં [૧]લે લાગી;
[૨]ગપત ગંગા ગુરૂને વીરડે રે આવે,
વેલો ભાવ રે તણા ભોગી – આ તો૦
એ વેલા ! શૂરા હોય તે સન્મુખ લડે
કાયર જાય ભાગી;
આવાગમણ્યું મારો વેલો નાથ ટાળે
પડતી મેલો પેાથી – આ તો૦
એ વાલા ! સમજી સમજી ધારણ્યું એ બાંધો
એનો ગરથ લીયોને ગોતી;
વેલનાથ ચરણે રામ બાવો બોલીયા
ઉગાર્યો[૩]+લેાધી – આ તો૦

પોતાના જીવતરને આંગણે જાણે બાળુડો જોગી નવ નવે રૂપે પધાર્યા: રામ આનંદમાં નાચી ઉઠ્યો:

બાળૂડો પધાર્યા રે બાઈયું મારે આંગણે હો જી !
આજ મારે હૈયે હરખ ન માય
આજ મારે અંગડે ઉલટ ન માય – બાળૂડો૦
પગે ને પીરોજી રે ગરનારીને મોજડી હો જી !
હાલે છે કાંઈ ચટકતી રૂડી ચાલ – બાળૂડો૦
કેડ્યે ને કટારાં રે ગરનારીને વાંકડાં રે જી
ગળે છે કાંઇ ગેંડા તણી રે રૂડી ઢાલ – બાળૂડો૦

 1. લગની
 2. ગુપ્ત ગંગા કે સંસારમાં ફરી આવાગમન.
 3. *+ શિકારી.
બાંધે ને બાજુબંધ રે ગરનારીને બેરખા રે જી !
હાથે છે કાંઇ દસે આંગળીએ વેઢ – બાળૂડો૦
માથે ને મેવાડાં રે ગરનારીને મોળીયાં રે જી !
ખંભે છે કાંઇ ખાંતીલા રૂડા ખેસ – બાળૂડો૦
વેલાનો આ ચેલો રે રામ બાવો બોલીઆ રે જી !
ધણી મારા ! એાળે આવ્યાને ઉગાર – બાળૂડો૦


ગિરનારના શિખરોમાં કોઇ સાધુએ શબ્દ સંભળાવ્યો કે “જય વેલનાથ ! જય ગરનારી વેલનાથ !”

જોગીએાની જમાત 'જય વેલનાથ !' શબ્દનો આહાલેક સાંભળીને ઉશ્કેરાઇ ઉઠી. બોલનારને ઝાલ્યો પૂછ્યું “આ ગરવાના ટુંક પર કોનો જય ગાઓ છો ?”

“ગરનારી વેલનાથનો.”

“વેલનાથ કોણ ? નવ નાથમાં દસમો ક્યારે ઉમેરાણો :”

“કોળીને દેહે, ઘરસંસારીને રૂપે, જુનાગઢને કાળવે દરવાજે વેલનાથ વસે છે.”

કોળીનો દેહ : ઘરસંસારી : અને વસ્તીમાં વાસ : એટલું સાંભળીને ગુરૂ દત્તના શિખર પર રોષની ઝાળો પ્રગટ થઇ. આજ્ઞા થઇ કે “જાઓ ખાખીઓ ! એની પરીક્ષા કરો.'નાથ'નો દાવો જૂઠો હોય તો ચીપીઆ લગાવીને આંહી હાજર કરો !”

જમદૂત જેવા ખાખીઓ છૂટ્યા. કાળવે દરવાજે સોનરખ નદીને કિનારે વેલો બાવે ઘરબારીને વેશે રહે છે. ઘરમાં બે સ્ત્રીઓ છે. સંસારીનો ધર્મ સાચવીને રહે છે. જળમાં પોયણાં જેવું એનું નિર્લેપ જીવતર છે. ખાખીઓએ જઇને ધમકી માંડી : તું વેલનાથ ? તું ઓરનો ભોગવનારો નવ નાથની કોટિએ પહોંચી ગયો ? તું તો દુનિયાને છેતરી રહ્યો છે.”

“અરે ભાઇ !” વેલો બેાલ્યો. “હું કાંઇ નથી જાણતો. હું તો નાથે ય નથી, નાથના પગની રજમાત્ર પણ નથી. હું મારાથી થાય તેવી પ્રભુની ટેલ કરૂં છું. મને શીદ સંતાપો છો ?”

“નહિ, તું ઢોંગી છે, ચાલ તને ગુરૂ દત્ત બોલાવે છે.”

વેલો ચાલ્યો. પાછળ એાછાયા શી બે અર્ધાંગનાઓ પણ ચાલી. ખાખીઓ વેલાને ચીપીઆ ચોડતા આવે છે. બન્ને સ્ત્રીઓ આડા દેહ દેતી આવે છે.

કહેવાય છે કે ગિરનાર–દરવાજે એક વાણીઆના જુવાન પુત્રનું શબ નીકળ્યું. વેલા બાવાએ એના ખોળીઆમાં જીવ પાછા આણ્યો. અને પછી પોતાને વસ્તી સંતાપી સંતાપી તપસ્વી – જીવનમાં ભંગ પાડશે એમ બ્હીક લાગવાથી બાવાજી ભાગી નીકળ્યા. આગળ પાતે, પાછળ બન્ને સ્ત્રીએા, ચીપીઆવાળા ખાખી બાવાએા અને ડાઘુ વાણીયાનું ટોળું : એમ દોટાદોટ થઇ રહી. જગત પોતાને આમ સદાય સંતાપ્યા કરે એ કરતાં જમીનમાં સમાઇ જવાનું જોગીએ પસંદ કર્યું. દોડીને એણે ગિરનારનાં શિખરની દિશા સાંધી. ભેરવ–જપના ઉંચા અને ભયંકર ટુંક પાસે એને માટે ધરતી માતાએ મારગ કર્યો. પોતે એમાં જીવતા સમાણા. પાછળ મીણલ મા પણ ઉતરી ગયાં. ત્યાં શિલાનું ઢાંકણુ દેવાઇ ગયું. બહાર જસો મા એકલાં જરા છેટાં રહી ગયાં. પોતાના નાથને ગોતવા લાગ્યાં :

“બાવાજી ! ક્યાં છો ! ક્યાં સંતાણા !”

એવા પોકાર કર્યો. ત્યાં તો શિલાની ચીરાડમાંથી બહાર રહી ગયેલો મીણલમાની ચુંદડીનો છેડો એણે દીઠો. શિલા ઉપર બેસીને એણે કલ્પાંતનું ભજન આદર્યું :

[૧]અમસું ગરનારી !
અંતર કર્યો વાલે !
અંતર કર્યો રે !

પડદા-પોસંગી વેલો રમવા ગીયો.

એ...રમવા ગીયો રે
ખાવંદ જાતો રીયો રે !

ભોળવીને ભૂલવાડી ગીયો - અમસું૦

[૨]હો....સગડ હોય તો ધણીના
સગડ કઢાવું રે
સગડ કઢાવું રે

ત્રણે ભુવનમાંથી બાળૂડાને લાવું -અમસું૦

[૩]હો....થડ રે વાઢીને ધણી
પીછાં દઈ ગીયો રે
પીછાં દઈ ગીયો રે

રસ પવનમાં ગેબી રમવા ગીયો - અમસું૦

હો.....મથણાં મથી
દીનાનાથને બોલાવું રે
નાથને બોલાવું રે

ત્રણે ભુવનમાંથી બાલૂડાને લાવું - અમસું૦


 1. ૧. હે ગિરનારી ! તમે મારી સાથે અંતરાય પાડી. પરદે–પેાશ
  વેલો બાવો રમવા ચાલ્યો ગયો. મને ભેળવીને ભૂલથાપ દઈ ગયો.
 2. ૨. પૃથ્વી પર એનાં પગલાં પડ્યાં હોય, તો તો હું એનું પગેરૂં
  કઢાવીને ત્રણે લોકમાંથી એને શોધી કાઢું. પરંતુ એ તો અદૃશ્ય
  થઈ ગયો.
 3. ૩. જાણે કે ઝાડનું થડ વાઢીને મારા હાથમાં પાંદડાં દઈ ગયો.
  એ ગેબી ગુરૂ ગેબમાં રમવા ગયા.

[૧]હો....ગનાનની ગોળી ને
પરમનો રવાયો રે
મેરૂનો રવાયો રે
નખ શિખ નેતરાં લઉં તાણી - અમસું૦

હો....વેલનાથ ચરણે
બેાલ્યાં રે જસો મા
બોલ્યાં રે જસો મા
અખંડ ચૂડો મારે વેલનાથ ધણી - અમસું૦

આખરે શિલા ફરી વાર ઉધડી. અને સતી અંદર સમાણાં.

રાત પડી: અધરાત ભાંગી: કહે છે કે વેલનાથ બહાર નીકળ્યા. સન્મુખ જ ભૈરવ–જપનું આભ-અડતું સીધું કાળું શિખર ઉભું હતું. એથી યે ઉપર ગેબમાં તારલા ટમટમતા હતા. જાણે અમરધામના દીવડા દેખાતા હતા.

એ સીધા શિખર પર બાવોજી એમ ને એમ ચડ્યા. ભાંગતી કાળીઘોર અબોલ રાતે ખડાંગ ! ખડાંગ ! ખડાંગ ! એમ બાવાજીની ખડાઓ (ચાખડીઓ) બોલતી ગઇ, અને ચીકણા ગારામાં પગલાં પડે તેમ એ કાળમીંઢ પત્થરમાં ખડાઓનાં પગલાં પડતાં ગયાં. આવી લોક–કલ્પના છે.

જોગીરાજ ભેરવનાં ટુંક ઉપર દરશાણો: કેવો દરશાણો ? જાણે એનાં પગલાંના ભારથી ગિરનાર કડાકા લેવા લાગ્યો: કવિ કહે કે “એ અબધૂત ! ધીરે ધીરે પગલાં માંડ. નહિ તો ગરવો [ગિરનાર] ખડેડી પડશે :

વેલા બાવા તું હળવો હળવો હાલ્ય જો !
ગરવાને માથે રે રૂખડીઓ ઝળુંબીયો.

.
 1. *જ્ઞાનની

 
જેમ ઝળુંબે મોરલી માથે નાગ જો.
(એમ) ગરવાને માથે રે રૂખડીયો ઝળુંબીયો.

જેમ ઝળુંબે કૂવાને માથે કોસ જો.
(એમ) ગરવાને માથે રે રૂખડીયો ઝળુંબીયો.

જેમ ઝળુંબે બેટાને માથે બાપ જો,
(એમ) ગરવાને માથે રે રૂખડીયો ઝળુંબીયો.

જેમ ઝળુંબે નરને માથે નાર જો,
(એમ) ગરવાને માથે રે રૂખડીયો ઝળુંબીયો.

જેમ ઝળુંબે ધરતીને માથે આભ જો,
(એમ) ગરવાને માથે રે રૂખડીયો ઝળુંબીયો.


રામૈયાને ખબર પડી કે ગુરૂ તો ભૈરવ–જપ પર રમવા ગયો. વિરહઘેલડી કોઇ અબળાની માફક એ પોતાના 'ગરવા દેવ'ને ગોતવા લાગ્યો. કોઇ ભોમૈયો ! કોઇ મારગ બતાવે ! એવા સાદ દેતો એ ગિરનારમાં ભમે છે:

કોઇને ભોમૈયો રે બેની ! ગરવા દેવનો રે જી !
બેની ! અમને ભૂલ્યાં વિતાવો વાટ - કોઈને૦

કેટલી તે ખડકી રે,
કેટલાં પરનાળ જડ્યાં રે જી,

જડ્યા તે જડ્યાં કોઇ
તાળાં કુંચી ને કમાડ - કોઇને૦

સમંદર ને હાં જોયાં રે
ઘણાં જોયાં સાયરાં રે જી !

જોયાં તે જોયાં કાંઇ
ઉંડેરાં નીર અપાર –કોઇને૦

ચોરા ને આ જોયાં રે
ઘણાં જોયાં ચેાવટાં રે જી !
જોઇ તે જોઇ કાંઇ
અવળી બવળી બજાર – કોઇને૦

મંદિર ને આ જોયાં રે
જોયાં બીજા માળીયાં રે જી !
જોયા તે જોયા કાંઇ
ઉંચેરા મોલ અપાર - કોઇને૦

વેલાનો આ ચેલો રે
રામો બાવો બોલીયા રે જી
ધણી મારા !
એાળે આવ્યાને ઉગાર – કોઇને૦

ઘણો ઘણો શેાધ્યો. પણ ક્યાંયે ભાળ નથી મળતી. એના વિલાપ ચાલુ જ રહ્યા :

વનરામાં વાયા મારે વાય
બાળુડા ! વનરામાં વાયા મારે વાય છે;

હો.....અમે કોના લેશું રે હવે એાથ
ગરનારી ! કયે રે એંધાણે આવ્યા એાળખું !

[૧]દયા[૨]ઠાકરશી ભેળા લાવ્ય
બાળુડા ! દયા ઠાકરશી ભેળા લાવ્ય રે !
હો ભેળા માતા [૩]મીણલ ને [૪]મુંજલ હોય
ગરનારી ! એવે એંધાણે આવ્યા એાળખો - વનરામાં૦


 1. ૧. વેલાના દીકરા.
 2. ૨. વેલાના દીકરા.
 3. ૩. એની સ્ત્રીઓ
 4. ૪. એની સ્ત્રીઓ

 
આગુના અગવા લાવ્ય
બાળુડા ! આગુના અગવા લાવ્ય રે;
હો તારાં ભગવાં નિશાણ ભેળાં લાવ્ય
ગરનારી ! એવે એંધાણે આવ્યા ઓળખો - વનરામાં૦

ગરવાંહુંદાં યે તારાં ગામ
બાળુડા ! ગરવાંહુંદાં યે તારાં ગામ રે;
હો તારો થાને ને થોકે વાસ
ગરનારી ! ઇ રે એંધાણે આવ્યા એાળખો - વનરામાં૦

વેલાનો ચેલો રામ ગાય
બાળુડા ! વેલાનો ચેલો રામ ગાય છે;
હો ધણી ! શરણે આવ્યાને ઉગાર
ગરનારી ! ઇ રે એંધાણે આવ્યા ઓળખો !

કલ્પનાના વિહાર છોડીને થોડીવાર રામૈયો જાણે કે જીવનના તત્ત્વજ્ઞાન ઉપર ઉતરે છે. કાયા રૂપી શહેરનો વેપાર કરતાં જાણે કે પોતાને આવડતું નથી. મનુષ્યાવતાર જેવી મહામૂલી વસ્તુ મોહ રૂપી રેતીમાં વેરાઇ જાય છે :

 
દયા રે કરો ને ગરૂ મેરૂં કરો
મારા રૂદયા હૈ ભીતર જાણો વેલા ધણી !

મનખા જેવડું મહા પદારથ
વેળુમાં રે વેરાણું વેલા રે ધણી !

ચારે કોરથી વેપારી આવ્યા
(ઈ તો) વેપાર કરી નવ જાણે વેલા ધણી !

  
આ રે શે'રમાં બડી બડી વસ્તુ
ગાંઠે ન મળે નાણું વેલા ધણી !

ચારે કોરથી સળગાવી દેશે
(ઇ તો) સઘળું શે'ર લૂટાણું વેલા ધણી

વેલનાથ ચરણે બોલ્યા રામૈયો
ઓળે આવ્યાને ઉગારો વેલા ધણી !


હે ગિરનારના વાઘેલા ! એ વાઘનાથના શિષ્ય ! તમે વહેલા આવજો ! હું તો પાપી જ છું. મારામાં પલટો આવે તેવું નથી. પણ તમે આવીને મારી પ્રકૃતિ ફેરવો !

  
ગરવાના વેધેલ,
વાઘનાથના પરમેાદેલ રે !
હાકે વેલા આવજો રે !

અગનિના અંગારા રે
આ અગનિના અંગારા રે
ઘીમાં લઇને ઘુંટીયા રે જી !
કોયલા કાંઇ કેદિ ન ઉજળા હેાય – ગરવાના૦

દૂધે ને વળી દહીંએ રે (૨)
સીંચ્યો કડવો લીંબડો રે જી !
લીંબડીઓ કાંઇ કેદિ ન મીઠડો થાય - ગરવાના૦

ખીરૂ ને વળી ખાંડુ રે (૨)
પાયેલ [૧]વશીયલ નાગને રે જી !
નાગણીયું કાંઇ કેદિ ન [૨]નિરવિષ થાય – ગરવાના૦


 1. ૧. વિષભર્યો.
 2. ૨. વિષ વિનાની

 
વેલાને તે ચરણે રે
સ૨ભંગીને ચરણે રે
રામો બાવો બોલીયા રે જી !
લેજો લેજો સેવક તણી રે સંભાળ - ગરવાના૦

નાનાં બાળને રમાડી રીઝાવીને કેમ જાણે એાચીંતી માતા ચાલી નીકળી હોય ! એવી લાગણીથી રામ રડે છે :

 
સેજું પલંગ માથે પેાઢતાં
બાળૂડા ! સેજું પલંગ માથે પોઢતાં;
એવાં પથરે પોઢાડ્યાં નાનાં બાળ ગીરનારી !

મારી વસમી વેળાના !
મારી દોયલી વેળાના ગીરનારી !

ભૂખ તરસ ઘણી ભોગવી
બાળૂડા ! ભૂખ તરસ ઘણી ભોગવી;
મેં તો ઘણા ભોગવ્યા અપવાસ ગીરનારી !

અમર પીયાલા તારા હાથમાં
બાળૂડા ! અમર પીયાલા તારા હાથમાં;
આજ વિષની ગોળી શીદ પાવ ગીરનારી !

અમર વેલો જ્યારે આવશે
બાળૂડા ! અમર વેલો જ્યારે આવશે;
એવાં પીંગલે પોઢાડે નાનાં બાળ ગીરનારી !

વેલાને ચરણે બોલ્યા રામ
બાળૂડા ! વેલાને ચરણે બોલ્યા રામ છે;
આજ પડિયાં છે મારે તારાં કામ ગીરનારી !

 
મારી વસમી વેળાના !
મારી દોયલી વેળાના ગીરનારી !


હે ગુરૂ ! તું તો મારી રોમરાઇમાં રમી રહ્યો છે. તું તો મુજ સ્વરૂપી ખેાખરી છીપનું સાચું મોતી છે. તું તો મારી જીવન – નગરીનો અશ્વારોહી ચોકીદાર છે, મહાજન વેપારી છે. તું વિના આ જીવન રઝળી પડ્યું છે:

 
હાલો મારી રોમરાના રમનારા
બાપુ ! મારી કાયાનાં ઘડનારા રે
ગીરનારી વેલૈયો છે.

એવા ચાર ચાર મતવાલા રે
બાળપણમાં ભોગવ્યા હો જી !

મારી નાટુકલી નગરીમાં રે
ગીરનારી ઘોડો ફેરવે હાજી ! - હાલો૦

એવા ચાર ચાર મતવાલા રે
જુવાનીમાં ભોગવ્યા હો જી !

હાલો મારી ખોખરી છીપનામોતી રે !
મોતી હજી નાવીયા હો જી - હાલો૦

એવા એવા ચાર મતવાલા રે
બુઢાપણમાં ભોગવ્યા હો જી.

હાલો મારી નાટુકલી નગરીના
માજન હવે ઉછળ્યા હો જી - હાલો૦

 
ગુરૂ વેલાનો ચેલો રે
રામો બાવો બોલીયા હોજી !

અરે દાદા ! અમે સેવક ને તમે મારા રામ
રામ ! વેલા આવજો હોજી - હાલો૦

પછી તો રામે ભયાનક સમયનાં આગમ સંભળાવવા માંડ્યાં. પણ એમાં કાંઇ સ્પષ્ટ વાત નથી:

 
લીલુડાં રે વન ગરવા તણાં એ જી
હે વેલા ! તળીએ તમારો વાંસ હાં !
પીર રે [૧]પછમ કેરો રાજીયો રે જી !

દળમાં જોઉં રે ગરનારી તારી વાટ હાં !
અવચળ જોઉ રે વેલૈયા તારી વાટ હા -પીર રે૦

[૨]એાતર થકી રે દળ આવશે હો જી
ગઢ ઢેલડી મેલાણ હાં – પીર રે૦

કાષ્ટના ઘોડા જ્યારે ધોડશે રે જી
ગઢ જૂનાની બજાર હાં – પીર રે૦

[૩]હરણાં હાટડીયુંમાં બેસશે એ જી,
એનાં માજન કરશે મૂલ હાં – પીર રે૦

દળમાં જોઉં રે નેજાળા ! તારી વાટ હાં !
અવચળ જોઉં રે ગરનારી ! તારી વાટ હાં !
પી૨ રે૦


 1. ૧. પશ્ચિમ
 2. ૨. ઉત્તરેથી સૈન્ય આવશે ને દિલ્હીને ગઢે મુકામ કરશે
 3. 'હરણાં હાટડીયુંમાં બેસશે' - ગામ ઉજજડ થશે (લોકોક્તિ)
ભેળી ભવાની ગઢ ભેળશે રે જી,
તારી વસ્તુ સંભાળ મારા વીર હાં - પીર રે૦
ભીડ્યું પડે ને ગુરૂ સાંભરે જી,
અરે વેલો આવ્યા વાર બે વાર હાં - પીર રે૦
વેલનાથ ચરણે રામો બોલીયા રે જી,
અરે બાળૂડો મળીયા અંગો રે અંગ હાં -
પીર રે૦

છેવટે રામૈયાએ બીજું આગમ ભાખ્યું: જાણે પશ્ચિમ દિશામાંથી કોઈ અવતારી પુરૂષ આવશે અને દિલ્હી (ઢેલડી) ગઢ પર ઉતારા કરશે. તે કાળે મહાયોદ્ધા જાગશેઃ ગિરનાર ઘણેણશેઃ

ગરવો ધણેણ્યો વાજાં વાગશે હો જી.
વાગે અનહદ તૂર
વાગે ત્રાંબાળુ તૂર રે
ગરવો ધણેણ્યો વાજાં વાગશે હો જી.
સતીયુ સંદેશા તમને મોકલે રે જી;
વેલા ! સૂતા હો તો જાગ !
એાલીયા ! સૂતા હો તો જાગ રે
એવા એવા સૂતા નરને જગાડજો હો જી !
ગરવે નેજા ઝળેળ્યા
ગુરવે નેજા ઝળેળ્યા રે

આવ્યા [૧]કળુને હવે એાળખો રે જી !


 1. ૧. કલિયુગ

 
પછમ દશાએ સાયબો આવશે એ જી
ગરવે [૧]હુકાળ્યું મચાવે
ગરવે હુંકાળ્યું મચાવે રે
તેર તેર મણના [૨]તીરડા ચાલશે એ જી !

મણ ત્રીસની કમાન
મણ ત્રીસની કમાન
એવા એવા જોધા દળમાં જાગશે એ જી !

ગઢ ગરવેથી ગેબી જાગશે એ જી
ગઢ ઢેલડીએ મેલાણ
ગઢ ઢેલડીએ મેલાણ
જો જો રે તમાશા રવિ ઉગતે એ જી !

એક એક નર સૂતો ગઢની પ્રેાળમાં એ જી !
જાણે [૩]નવહથો જોધ
જાણે નવહથો જોધ રે
એવા એવા સૂતા નરને જગાડજો એ જી !

તખત તરવેણીના તીરમાં એ જી
ધમણ્યું ધમે છે લૂવાર
ધમણ્યું ધમે છે લૂવાર રે
અવચળ અવિનાશી એનાં રાજ છે રે જી !

વેલનાથ ચરણે રામ બોલીયા રે જી
જુગ પંચોરો આવે
જુગ પંચોરો આવે
જુગના પતિ હવે જાગજે એ જી !


 1. ૧. હાહાકાર
 2. ૨. તીર
 3. ૩. નવ હાથ ઊંચો

 
વેલાને ચરણે રામે બોલીયા રે જી
ગુરૂ દૃશ્યુંનો દાતાર
ગુરૂ મુગતીનો આધાર રે
જુગના સ્વામી રે હવે જાગજો એ જી !

પોતે જાણે ગુરૂજીના ધર્મ–સૈન્યનો શૂરો લડવૈયો બન્યો છે:

 
નેજા રે ઝળક્યા ગુરૂના નામના
ગગને ગડેડ્યાં નિશાણ;
સૂરા સામા રણુવટ સાંચર્યા
ઉગતે રવિ ભાણ;
વીરા મારા ! કાયરના ૨ણમાં કેમ રહીએ,
કરીએ સૂરાના રણમાં સંગ્રામ !

ચલગત પેરી મારા શામની રે
૨ધ સાધનાં રે રેણ;
રેણ ઉતારી રાણે રાજીએ
એનાં અવચળ વંકડાં વેણ - વીરા મારા૦

ઓથારી નર ઉઠિયા એનાં
ઉંઘ ભેળી રે ઉંઘ;
મનડાં માયામાં એનાં મોહી રીયાં
ભલી એની બીડાણી બુંબ - વીરા મારા૦

માનવી જાણે નર મરી ગયા
એણે અમર ધર્યો અવતાર;
નૂરી જનનાં રે ગામ હોશે
રઘુપુરી માંહે વાસ - વીરા મારા૦

 
અમરાપુરીનો ગઢ ભેળતાં
સહુને હોશે હાણ;
મોટા મુનિવરે મન જીતીયાં
જીત્યાં અમરાપુરીના ધામ - વીરા મારા૦

અલખ નરને કોણે ન લખ્યો
અણલખ્યો અવતાર;
[૧]ટાંક લઈને કોણે ન તેળ્યા
અણતોળ્યો એનો ભાર – વીરા મારા૦

આ કળજુગને કૂડીએ
પેરી બગાડ્યે ભેખ;
આંધળે વાટું પકડીયું ને
દીઠા વણનો રે દેશ – વીરા મારા૦

[૨]નીર નવાણે ને ધરમ ઠેકાણે
વાવળીયા વહી જાય;
વેલનાથ-ચરણે રામ બોલ્યા
સતે સત રે થપાય – વીરા મારા૦

પોતાના ગુરૂજીનો મહિમા ગાય છે. ગુરૂને પ્રભુપદ આપી દે છે. પ્રભુ ને ગુરૂ એકાકાર થઈ જતા દેખાય છે. પોતે જાણે પોઢેલી સુંદરી છે ને ગુરૂ રૂપી સાયબો દુશ્મનેને કાપવા માટે અખંડ જાગૃત રહી એની રક્ષા કરે છે:


 1. ૧ તાલાં ત્રાજવાં
 2. ૨ 'નીર નવાણે ને ધરમ ઠેકાણે' એ કહેવત થઈ પડેલ છે. ભાવ એ છે કે હવે તે ધર્મ કોઇ કોઇ ઠેકાણે જ રહ્યો છે,

 
એવા રમતીયાળ ગુરૂજી હમારા
આકાશી [૧]પિયાળ ચૌદ લોકમાં રમી રીયા જી !

જરાક પાણી બાળા પરષોતમના હાથમાં
એવાં સાત સમદર ને આકાશીનાં નીર
ગરનારીની તુંબડીને તળે સમાણાં જી – એવા૦
બાળુડાની તુંબડીને તળે સમાણાં જી – એવા૦

સંસારીનાં સોગઠાં બાળુડાના હાથમાં
એવા દાવ ખેલે છે ગીરનારી વેલનાથ – એવા૦

હું રે સૂતી મારો સાયબો જાગે જી
એવા વેરી દશમનને કાપેવા........ હા – એવા૦

એાહંગ, સોહંગ મારો સત ગુરૂ જાણે
કાળે વરી દુશમનની વાટ – એવા૦

સરગની નિશાણી સાયબો કેને રે બતાવે
ત્રણે ભુવનનાં તાળાં તમારે હાથ - એવા૦

ગતિ ને મતિ મારા ગુરૂજીની ગાંઠે જી
ગુરૂજીના ગુંજામાં છે ગરનાર હાં - એવા૦

વેલનાથ ચરણે બોલ્યા રામૈયા
દાસ રે રામયાને ચરણોમાં રાખ-એવા૦


 1. ૩ પાતાળ
એાળખજો રે કોઈ એાળખાવજો !
બાળા જોગીને કોઈ બોલાવજો !
આ કળજુગની દોરી વેલે લીધી હાથ
દોરીમાં બોલે દીનોનાથ,
મેરૂ શિખર ને ગગન ધામ
તીયાં વસે છે વેલૈયો નાથ.
દીઠી કરી અણદીઠી નવ થાય
ઈ રે કાયાનો ગઢ કેમ લેવાય !
અવળી ગુલાંટે જે નર જાય
ઈ કાયાને ગઢ એમ જીતાય.
પેલા તે સોટે પૂગ્યા રામ
જ્યાં હતા ધણીના વિશરામ.
ધરમધણી બાવે સાખીઆ પૂર્યા
તે દિ' વેલૈયો ચતરાયા થીયા.
વેલાને ચરણે બેાલ્યા રામ
તમારી સરીખાં મારે કામ,

ગિરનારી વેલાના ઉતારા કોઇ 'સમદર બેટ'માં હોવાનું રામૈયે ગાયું. કયો એ બેટ, તેની ખબર પડતી નથી. પણ રામૈયા મસ્તીએ ચડ્યા, એની સન્મુખ ગુરૂજીનું સુંદર તપસ્વી સ્વરૂપ રમવા લાગ્યું:

ગરનારીના ઉતારા રે
ભાઈ ! વેલાના ઉતારા રે
સમદર બેટમાં રે જી !
ટાઢા એવા ટુકડા રે બાલુડાને જમવા રે જી;
જે જે એની જમ્યા તણી ચતુરાઈ - ગરનારીના૦
ફાટલ એવાં વસ્ત્ર રે બાળુડાને પેરવા રે જી;
જો જો એની પેર્યા તણી ચતુરાઈ - ગરનારીના૦
સૂળીને તે માથે રે બાળુડાના સાથરા રે જી;
જે જે એની પાઢ્યા તણી ચતુરાઈ - ગરનારીના૦
વેલાને તે ચરણે રે રામો બાવો બોલીયા રે જી;
દેજે ! દેજે ! પીરૂના ચરણુંમાં વાસ – ગરનારીના૦
ગરનારી ! ગરવો શણગાર રે
જૂના જોગી ! ગરવો શણગાર રે
જૂનાણું જોયાની મારે હામ છે.
મરઘી-કંડ કાંઠે ઉભી જોગણ રે
બાળુડા ! મરઘી કંડ કાંઠે ઉભી જોગણી રે
જોગણી કરે લલકાર રે - જૂનાણું૦
ચડવા ઘોડો પીરને હંસલો
બાળુડા ! ચડવા ઘોડે પીરને હંસલો
ખળકે તીર ને કમાન રે - જૂનાણું૦
વેલાનો ચેલો રામ બોલીયા રે
બાળુડા ! વેલાનો ચેલો રામ બોલીયા રે
આવ્યા શરણે ઉગાર રે - જૂનાણું૦

આ પ્રભાતીયું નારણ માંડળીઆ નામના કોઈ કણબીએ રચ્યું છે:

જાગોને ગરવાના રે રાજા !
જાગોને ગરનારી રાજા !
તમ જાગે પરભાત ભયા.
દામે રે કંડ ગરૂ ! વાડી તમારી
ટાઢાં રે જળ એ કરિયાં:
દામા કંડમાં નાવાં ધોવાં
પંડનાં પ્રાછત દૂર થીયાં - જાગોને૦
ભવનાથજીમાં મેળો ભરાણો
કુળ તેત્રીસ દેવ જોવા મળ્યા;
ભવનાથજીમાં રે ભજન કરતાં
લખ ચોરાશીના ફેરા ટળ્યા - જાગેાને૦
ઉંચું રે દેવળ માતા અંબાનું કહીએ
નીચા વાઘેશરીના મોલ રે;
વેદીઆ નર ત્યાં વેદ જ વાંચે
મુનિવર તારૂં ધ્યાન ધરે – જાગોને૦
તાલ પખાજ વેલા ! જંતર વાગે
ઝાલરીએ ઝણકાર ભયો;
વેલનાથ ચરણે ગાય નારણ માંડળીઓ
શરણે આવીને તમારે રીયો – જાગોને૦

મૈયારી ગામના ગરાસીઆ રાણીંગ મેર પણ વેલાના દાસ બન્યા. એણે ભજન આદર્યા :

રાણીંગદાસ સરભંગી સાબના ચેલા.
રાણીંગદાસ ગિરનારી સાબના ચેલા.
મેલી મયારી ને મેલી રે મમતા
હુવા ગરાસીઆ ઘેલા - રાણીંગદાસ૦
ગરવેથી ગેબી જોર બજાવે ને
પાયા પિયાલા લઈ પૂરા - રાણીંગદાસ૦
પીયા પિયાલા મગન ભયા મન
છૂટી સેનામાં ગજ ગેલા - રાણીંગદાસ૦
શબદે મારે ને શબદે જીવાડે ધણી
શબદ સૂકાને કરે લીલા - રાણીંગદાસ૦
વેલનાથ ચરણે બોલ્યા રાણીંગદાસ
માતા મીણાં ને પિતા વેલા - રાણીંગદાસ૦

ભૈરવ–જપના શિખરની નજીક સાત વીરડા છે. એ વીરડા વેલા બાવાના કહેવાય છે. દર વર્ષે મહા શિવરાત્રિના મેળા વખતે એક વેલા બાવાના વંશ માંહેલો માણસ ને એક સેંજળીઆ કણબીનો કુટુંબી એ વીરડા પર જાય છે. પાંદડાનો કુચો વાળી ચોળી વીરડા સાફ કરે છે. લોબાનનો ધૂપ પેટાવે છે. પછી એકતારાના સૂર સાથે આરાધ ઉપાડે છે કે:

આવો તો આનંદ થાય
નાવો તો પત જાય રે :
ગરવા વાળા નાથ વેલા !
આ રે અવસર આવજો !
અનહદ વાજાં વાગીયાં સ્વામી !
જોઉં તમારી વાટ રે;
હું સુવાગણ સુંદરી
મારે તમારે વિશવાસ રે – આવો તો૦
કાયામાં [૧]કાળીંગો વ્યાપ્યો
થોડે થોડે ખાય રે :
ભવસાગરમાં બેડી બૂડતાં
બાવે પકડેલ બાંય રે – આવો તો૦
[૨]સામસામાં નિશાન ઘુરે ધણી !
ઘાયે પડઘાયે જાગ રે;
ખડગ ખાંડું હાથ લીધું
ભાગ્યે, કાળીંગો જાય રે – આવો તો૦
વેલનાથ તમારા હાથમાં
બાજીગરના ખેલ રે;
વેલા ચરણે બોલ્યા રામૈયો
ફેર [૩]મનખ્યો લાવ્ય રે-આવો૦

કહે છે કે પૂર્વે આ ગીત ગવાતું ત્યારે સહુ માણસો દેખે તેમ પત્થરોમાંથી પાણીનાં ઝરણ આવતાં અને વીરડા જળે ભરાતા.

એ પરથી તો વરસ મપાતું. વીરડા છલી જાય તો સોળ આના વરસ : ને અધૂરા રહે તો તે પ્રમાણે.

વરસની એંધાણી જોવા માટે ઘણા ઘણા કણબીઓ ત્યાં જતા. નજરે જોનારા આ વાતની સાખ પૂરે છે.


 1. કળિયુગ
 2. વેલાને ખડગ લઇ કવિની સાથે લડતો કલ્પેલ છે.
 3. મનુષ્યાવતાર

એક વધુ આગમ-ગીત નીચે મુજબનું મળ્યું છે, એ ગીતમાં તો પરચાઓ પ્રત્યે તિરસ્કાર જ દર્શાવ્યો છેઃ

વેલા ધણી ! વચન સુણાવ રે !
આગમ વેળાની કરૂં વિનતિ.


[૧]બાળૂડા ! બાળૂડા ! મુવાં મૈયતને બોલાવશે
એને હથેળીમાં પરમેશ્વર દેખાડે રે
એવા પાખંડી નર જાગશે !


[૨]બાળૂડા ! બાળૂડા ! જળને માથે આસન વાળશે;
એનાં અદ્ધર પોતીઅાં સૂકાય રે - એવા૦


[૩]બાળૂડા ! બાળૂડા ! બગલાંની વાંસે બાળા ધોડશે,
એક નર ને ઘણી નાર રે - એવા૦


બાળૂડા ! બાળૂડા ! ઘોડામુખા નર તો જાગશે,
એની વાણીમાં સમજે નહિ કોઈ રે–એવા૦

 1. એ બાળુડા યોગી ! ભવિષ્યમાં તો એવા પાખંડીઓ જાગશે કે જે મુવેલાં મનુષ્યોને બોલતાં કરીને અંધશ્રદ્ધાળુઓને એવી ભ્રમણા ઉપજાવશે કે જાણે તેઓ પ્રભુની શક્તિ ધરાવે છે.
 2. એ પાખંડીઓ પાણી પર આસન વાળીને મેલી વિદ્યાને બળે પોતાનાં વસ્ત્રો અદ્ધર સૂકાતાં બતાવશે.
 3. એવા ઉપરથી ચોક્ખાં દેખાતા પાખંડીઓની પાછળ ભોળાં લોકો દોડશે, એક એક પુરૂષને ઘણી સ્ત્રીઓ વળગશે.

વેલનાથ ચરણે રામો બોલીઆ રે જી
ઈ છે આગમનાં એંધાણ રે
આગમ વેળાની કરૂં વિનતિ.


વેલા બાવાને 'બાળુડો' 'ગરનારી' 'ગરવાના રાજા' ને 'સરભંગી' એવાં બિરુદ અપાતાંઃ સરભંગી એટલે સર્વ પંથનો; કોઈ એકાદ સંપ્રદાયનો નહિ.

રામ બાવાએ આવાં ત્રણસો ભજનો રચ્યા કહેવાય છે. કેટલાએકમાં શબ્દની વિકૃતિ એટલી બધી થઈ ગઈ છે કે અર્થ સૂઝતો નથી.

વેલા ભગતની સમાધી સૈારાષ્ટ્રમાં ખાખરીયા સ્ટેશન પાસે ખડખડ ગામમાં છે, જગ્યા સાદી છે. દેવમંદિર જેવું કશું નથી. બીજી જગ્યા ગિરનારની તળેટીમાં ભવેશ્વર પાસે છે.

એની ચોથી પાંચમી પેઢીનાં કુટુંબો ખડખડમાં વસે છે. એ લોકો સૈારાષ્ટ્રના ઘણા કોળીઓ પાસેથી કાંઈક લાગો ઉઘરાવીને નભે છે.