સૌરાષ્ટ્રની રસધાર ૧/૧૦. આહીર યુગલના કોલ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૯. ભોળો કાત્યાળ સૌરાષ્ટ્રની રસધાર ૧
૧૦. આહીર યુગલ
ઝવેરચંદ મેઘાણી
૧૧. આનું નામ તે ધણી →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


.

આહીર યુગલના કોલ


"આટલી બધી પ્રીત કેમ સહેવાશે ? વિધાતા આપણી જોડલી વહેલી વીંખી તો નહિ નાખે ને ?"

"એવું અમંગળ શું કામ ભાખો છો ?"

"ના, ના, પણ ધાર્ય કે અચાનક મારું મોત નીપજે તો ?"

"તો પછી તમારી વાંસે જીવીને શું કરવું છે ?"

"મરવું શું રેઢું પડ્યું છે ? આ ભરપૂર જોબન, આ છલકાતાં રૂપ, આ સંસારની મીઠાશ એમ તજવાં દોહ્યલાં છે ! એ તો મોંએ વાતો થાય."

"હશે, પુરુષ જાતને મન પ્રાણ કાઢી આપવા વસમા હશે. પોતાની પરણેતરની વાંસે કોઇ પુરુષે દેહ પાડ્યો સાંભળ્યો નથી. નારીની જાત તો અનાદિથી ચિતા ઉપર ચડતી જ આવી છે, આયર !"

કાઠિયાવાડના દેવગામ નામના નાના ગામડામાં એક આયર રહેતો. નામ ધમળો. એને એકનો એક જુવાન દીકરો હતો. દીકરાનું નામ નાગ. નાગને પરણ્યાં હજુ ચારપાંચ મહિના થયેલા. રંભા જેવી નાર ઘરમાં આવેલી.

ઉપરની વાતો કરનારાં ધણી-ધણિયાણી તે આ જુવાન આયર નાગ અને એની પરણેતર છે. અધરાતે સૂવાના ઓરડામાં ઢોલિયા પર બેઠાં બેઠાં ચાતકની જોડલી સમાં આ અભણ સ્ત્રી-પુરુષ પોતપોતાની પ્રીતિનું વર્ણન કરી રહ્યાં હતાં. ઝાંખો ઝાંખો દીવો બળે છે. વાતોમાં ને વાતોમાં દીવાની વાટ્યે ફૂલ ચડી ગયેલ છે.

નાગને મનમાં થાતું : "ઓહો ! શું આ સ્ત્રીનું મારા ઉપર હેત ! મારી પાછળ આ બિચારી ઝૂરી-ઝૂરીને મરે હો !"

રોજ રાતે આવી આવી વાતો થાય. સ્ત્રી પણ પોતાના ધણીને તાવી જુએ : "હેં આયર ! હું મરું તો તમે શું કરો ?"

ગળગળો થઇને નાગ કહેતો : "મારા સમ ! એવું તું બોલ મા."

"ના, ના, પણ આમ જુઓ ! આ માથાની લટ ઊડી-ઊડીને મોઢા પર આવે છે. સ્ત્રીઓમાં કહેવાય કે જે બાયડીને આમ થાય એ મરી જાય ને એના ધણીને ઝટ નવી નાર આવે !"

"હું તને કરગરીને કહું છું કે એવું બોલ્ય મા."

"એમાં શું ? પુરુષને તો સ્ત્રી મરી ને ખાસડું ફાટ્યું એ બેય વાત બરોબર. હું મરું તો શું તમે બીજી નહિ પરણો ?"

આયરે નિસાસો નાખી કહ્યું : "પ્રભુને ખબર !"

"ત્યારે શું સતા થશો ?"

આવા મર્મપ્રહાર ક્યાં સુધી સહેવાય ? ધ્રુજતે હોઠે ને ગળગળે અવાજે નાગ બોલ્યો : "એક વાર મરી જુઓ, પછી જોઇ લેશું. મને નખરાં નથી આવડતાં."

પોતાના ધણીની મમતા જોઇને સ્ત્રી એને ગળે બાઝી પડી; ખડખડ હસીને એવી વાતો ઉડાડી દીધી. બેય જણાં પાછાં વિનોદમાં પડ્યાં.

રોજ રાતે આવી વાતો થાય છે તે સાંભળનાર એક ત્રીજો જણ પણ હતો. એ હતો નાગનો બાપ ધમળ પોતે. ખોરડું સાંકડું હોવાથી ધમળ એ જ ઓરડાની ઓસરીમાં સૂતો ને મોડી રાતે આ જુવાન જોડલીની કાલી કાલી વાતો એનાથી અણઇચ્છ્યે પણ સંભળાઇ જાતી. સાંભળીને મનમાં મનમાં એ હસતો. એના અંતરમાં થતું : 'જો ને આ જુવાનિયાં ! તાજી પ્રીતમાં ગાંડાંતૂર બનીને પ્રાણ કાઢવાની વાતો કરે છે. એક દિવસ પરીક્ષા તો લઉં !'

રોજ સવારે વહેલો ઊઠીને નાગ સાંતી જોડી ખેતરે જાય, તે ઠેઠ સાંજે ઝાલર ટાણે પાછો વળે. બપોરનું ભાત માથે મેલીને આયરાણી પોતે રોજે વાડીએ જાય. સાંજ પડે ત્યાં તો, જેમ વાછરુ પોતાની માની વાટ જોઇ રહે તેમ આયરાણી ઓસરીએ ઊભી ઊભી મીટ માંડી સાંતીના ખખડાટની વાટ જુએ.

એક દિવસ નાગ તો વાડીએ ગયેલો. કોસ હાંકતો હાંકતો આયર જુવાન પ્રીતિના દુહા ગાય છે : અને માથે ઝાડની ઘટામાં કોયલ ટૌકે છે. મંડાણની ગરેડી જાણે કોઇ સજણને બોલાવતી હોય એવી ચીસો પાડે છે અને ધોરિયામાં ચાલ્યું જાતું પાણી કોણ જાણે ક્યાં આઘે આઘે વસનારા પરદેશીને ભેટવા દોડ્યું જાતું હોય એવું દેખાય છે.

જોઇ જોઇને આયર કોસ હાંકતો હાંકતો મીઠી હલકે છકડિયા દુહા ઉપાડે છે :

સજણ એડાં કીજિયે, જેડી વાડીહુંદી વેલ,
મરે પણ મેલે નહિ, જેણે બાળપણાની બેલ્ય:
બાળપણાની બેલ્ય તે લાગી ગુગળી,
સોજાં સાજણ ને ઉત્તરની વીજળી,
ઘડતાળિયા જીવ ને થઇ લે-મેલ્ય,
સજણ એડાં કીજિયે, જેડી વાડીહુંદી વેલ!

વેણે વેણે વાડી પડઘા પૂરે છે. મોરલાય સામા ચંદ્રાવળા ગાતા હોય તેવા, ડોકના ત્રણ ત્રણ કટકા કરી ગળકે છે. અને વળી પાછો નાગ કોસ ખેંચતો લલકારે છે :

સજણ એડાં કીજિયે, જેડી લટીઅળ કેળ,
દૂધમાં સાકર ભેળીએ, તે કવોક લીએ મેળ :
કેવોક લીએ મેળ તે સળી ભરી ચાખીએ,
વાલું સજણ હોય તેને પાડોશમાં રાખીએ,
ચંપે ને મરવે વીંટાણી નાગરવેલ !
ચુડ કે સજણ એડાં કીજિયે, જેડી લટીઅળ કેળ.

એમ ગાતાં ગાતાં બપોર થયા. હમણાં સજણ ભાત લઇને આવશે, હાલ્યું આવતું હશે : પોતાના સૂર સાંભળતું હશે, એમ ઉલ્લાસમાં આવીને ત્રીજો ચંદ્રાવળો ગાય છે :

સજણાંને એમ રાખીએ, જેમ સાયર રાખે વા'ણ,
માલમી આવે મલપતા, સરમાં કરે સાન :

સરમાં કરે સાન તે ભારી,

નનકડાં સેણને નો રાખીએ મારી !
સમદર જળ સરખાં ભર્યાં, તાવે સાયરમાં તાણ,
સમણાંને એમ રાખીએ, જેમ સાયર રાખે વા'ણ,

મધ્યાહ્ન થયો. ગામના મારગ ઉપર મોટી બે આંખો માંડીને આયર જુએ છે કે ક્યાંય ઓલી ભાતવાળી આવે છે ? આજ કાં એની પવનમાં ફરકતી રાતી કામળી કળાતી નથી ?

ત્યાં તો નાગનો બાપ ધમળ આવી પહોંચ્યો નાગે નજર કરી તો બાપુના મોં ઉપર શ્યામ વાદળી દેખી.

"કાં બાપુ, અટાણે કેમ ?"

આંખો લૂછતો ધમળ બોલ્યો : "ભાઇ ! ગજબ થયો. વહુને તો એરુ આભડ્યો. દીકરી મારી ! જોતજોતામાં તો એના પ્રાણ નીકળી ગયા. તને બોલાવવાનું ટાણું ન રહ્યું."

"ક્યાં છે ?"

"એને તો દેન દેવા લઇ ગયા."

"એ-એ-એમ ? એટલું છેટું પડી ગયું ?" આટલું બોલતાં તો નાગે પોતાની પડખે પડેલું દાતરડું ઉપાડીને પેટમાં ઉતારી દીધું. 'હાં ! હાં ! હાં !' કરતો બાપ જ્યાં હાથ ઝાલવા જાય ત્યાં તો દીકરાનો લોહીલોહાણ દેહ ધરતી પર ઢળી પડ્યો.

બરાબર કાળજામાં ઘા આવેલો એટલે જીવવાની આશા નહોતી. નાગે દેહ છોડ્યો. બાપ ચોધાર આંસુએ રોયો, અને પેલી આયરાણીએ રોયુ, કૂટ્યું, પોતાના ભરથારની ચિતાના ભડકા આઘે ઊભાં ઊભાં જોયા અને ઝૂરવા લાગી.

ચૌદમે દિવસે તો એને પિયરથી ગાડું તેડવા આવ્યું. બાઇ ચડીને ચાલી નીકળી. પાદરમાં પોતાના ભરથારની તાજી ચિતા જોઇને બે-ચાર આંસું પાડ્યાં. પણ મનની વેદનાને ભૂંસાતાં શી વાર લાગે ? બાર મહિના વીત્યા ત્યાં તો સજણના હૈયામાંથી નાગનાં સંભારણાં નીકળી ગયાં. જોબન આવીને એના કાનમાં કહેવા લાગ્યું, 'હવે શી વાર છે ?'

કશી વાર નહોતી. બીજા કોઇ એક ગામના આયર સાથે એના ભાઇઓએ એને નાતરે દીધી. એને તેડવા નવે સાસરિયેથી મહેમાનો આવ્યાં. ઘુઘરિયાળી વેલડીમાં બેસીને આયર જુવાનડી પાછી કંકુને ચાંદલે નવે ઘેર જવા નીકળી.

સાંજનું ટાણું થયું. વેલડી રસ્તામાં દેવગામને પાદર ઊભી રહી. તેડવા આવનારમાંથી બે-ચાર જુવાનો ગામમાં નાસ્તો લેવા નીકળી પડ્યા. પણ ચોરા આગળ તે રાતે ભવાઇ રમાતી હતી. જુવાનો ભવાઇ જોવામાં નાસ્તાની વાત ભૂલી ગયા અને ઘણો સમય ચાલ્યો ગયો.

અંતે અકળાઇ આયર જુવાનડીએ વેલડીના માફામાંથી બહાર ડોકિયું કર્યું. નજર કરે ત્યાં સામે એ કોણ ઊભેલો ?

એક તાજો પાળિયો : રુધિર જેવા તાજા સિંદૂરમા રંગાયેલા અબોલ પથ્થરનો એક પાળિયો.

કંકુના ચાંદલાવાળી જોબનવંતીને સાંભર્યું - એ પહેલી વારનું પરણેતર; માયરામાં બેઠેલો વિશાળ છાતીવાળો એ જુવાન - જેની તાજી ફૂટતી મૂછો એ જોબનવંતીએ પાંખા પાંખા પાનેતરમાંથી નીરખેલી; એને સાંભરી આવી - પહેલવહેલી રાત અને બીજી એવી ઘણીય અજવાળી રાત્રિઓ; એને સાંભર્યા એ માઝમ રાતના પહોર અને એકબીજાની ચિતા ઉપર ચડવાના અધરાતે આપેલા કોલ; અને અંતે સાંભર્યું એ કાળજામાં ખૂંતેલું દાતરડું.

આશાભેર નવે સાસરિયે જનારી આયરાણીના મોંમાંથી એક ઊંડો નિસાસો નીકળી ગયો.

પાદરમાં એ ટાણે ગામના છોકરા 'સાતતાળી' રમતા હતા અને ગાડાખેડુને પૂછગાછ કરતા હતા કે 'વેલ્યમાં કોણ છે?' એમાંથી એક ચારણનો છોકરો સંતાઇને ઝાડની ઓથે ઊભેલો. ચકોર છોકરો જાણી ગયો હતો કે આ તો નાગ આયરની જ બાયડી, આજ નાતરે જવા નીકળી છે. છોકરે અજવાળી રાતની પહેલે પહોર આ દેખાવ જોયો; પાળિયાની સામે મીટ માંડી રહેલી આયર નારીને જોઇ. ચોપાસની અખંડ શાંતિમાં નીકળી પડેલો એ નિસાસો સાંભળ્યો; તક જોઇને છોકરાએ દુહાનાં બે ચારણો જોડી કાઢ્યાં અને સરવે સાદે લલકારી કહ્યાં :

નાગ ! નિહાળી જોય, પોળાં મન પાથરીએ નહિ,
કાઠ ચડ્યાં નહિ કોય, (આ તો) ધંધે લાગ્યાં ધમળાઉત !

હે નાગ ! જરા ઊંડું નિહાળીને જો ! ગમે તેની ઉપર પ્રેમ પાથરીએ નહિ. તેં જેના ઉપર પ્રેમ પાથર્યો તે તો તારી ચિતા ઉપર ચડીને બળી મરવા ન આવી. એટલું જ નહિ, પણ હે ધમળના પુત્ર ! એ તો પોતાને ધંધે વળગી ગઇ-બીજે નાતરું કરીને ચાલી.

બાઇએ આ દુહો સાંભળ્યો-અક્ષરે અક્ષર સાંભળ્યો. સમજી ગઇ. બાકી હતું તે બધું યાદ આવ્યું. વેલ્યમાંથી નીચે ઊતરીને પાળિયા પાસે જઇ બેઠી. પોતાનાં નવાં સગાંને આખી કથની રડતાં રડતાં કહી સંભળાવી; ને પ્રીતમના પાળિયાની સમક્ષ ચિતા ખડકાવી એ જ શણગાર સોતી ને કપાળમાં એ મંગલ ચાંદલા સોતી આયરાણી ચિતા ઉપર ચડી ગઇ.

𓅨❀☘𓅨❀☘