લખાણ પર જાઓ

સૌરાષ્ટ્રની રસધાર ૧/૧૫. મોખડોજી

વિકિસ્રોતમાંથી
← ૧૪. રાણજી ગોહિલ સૌરાષ્ટ્રની રસધાર ૧
૧૫. મોખડોજી
ઝવેરચંદ મેઘાણી
૧૬. બોળો →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


.

મોખડોજી

‘લેજે, મોખડા હડમાન, તારું દાણ!”

પેરંભ બેટને પડખે જે જે વહાણ નીકળે, તેના ખારવાઓ આવી રીતે એ ટાપુને અક્કેક નાળિયેર ચડાવે છે. ટાપુના ધણી મોખડાજીને મૂઆં છસો વરસ વીતી ગયાં, પણ એની આણ દરિયા ઉપરથી હજી નથી ઊતરી.

મોખડોજી રાણપુરવાળા રાણા રાણજી ગોહિલનો બેટોઃ માબાપના રાજપાટનો જે દિવસ દાળોવાટો નીકળી ગયો તે દિવસ મોખડોજી નાની અવસ્થાએ સગાંવહાલાંમાં પરગામ મહાલતો હતો. બાપુનું રાજ બોળાણું. એટલે મોખડાનાં આપકર્મ ઝળઝળી ઊઠ્યાં. જોબન બેસતાં એની ભુજાઓ ફાટવા લાગી. ઉમરાળા ઉપર કોળીઓની આણ હતી તે ઉથાપી મોખડાજીએ સેજક કુળની આણ થાપી. અને દરિયાકાંઠાની ઊભી પટ્ટીએ સમશેર ખેલવતો આગળ વધ્યો. ખોખરાના ડુંગર વચ્ચે એના ઘોડાના ડાબા ગાજ્યા અને ઘોઘા બંદર ઉપર એણે નેજો ચડાવ્યો.

ઘોઘાની સન્મુખ સમદર ગાજે છે. અને એનાં પાણીમાં વીંટાઈને એક ટાપુ પડ્યો છે. મોખડાની આંખ એ સાગરને ખોળે ઝૂલતી ધરતી ઉપર ઠરી. પૂછ્યું કે “એ બેટનું નામ શું?”

“પેરંભ બેટ, બાપા!” લોકોએ હકીકત દીધી : “પણ ઉજ્જડ પડ્યો છે – ચુડેલું રાસડા લ્યે એવો!”

“કાં?”

“સાવજ રે’ છે ડાલામથ્થો. પેરંભ ઉપર આજે એ વનરાજનાં તખત છે. ઘાટી ઝાડી અને ઊંચાં ઘાસ ઊભાં છે. માંહીં માનવીની છાતી થર રે’ એવું નથી. લટાળો કેસરી લા નાખે ત્યાં પ્રાણ નીકળી જાય તેવો મામલો છે.”

“તો એની લટાઉં ખેંચી કાઢીએ.” કહીને મોખડો ગોહિલ ભેળા ચાર-આઠ પટાધર રજપૂતોને લઈ ચાલ્યો; મછવો પેરંભને કાંઠે નાંગરી ઝાડીમાં પગલાં ભર્યા.

કહે છે કે ખાડી તરીને કાંઠેથી કેસરી પેરંભ બેટ જાતો. રોજ જઈને ભરખ કરતો, ભરખ કરીને પાછો વળતો. આજ એણે ઊંચા ઘાસની અંદર માનવીનો સંચાર સાંભળ્યો. એને મનુષ્યની ઘ્રાણ્ય આવી. એણે છલંગો મારી.

‘ઘે! ઘે! ઘે! ઘે!’ એ ત્રાડ ભેળી જ એક છલંગ: આઠેય અંગરક્ષકો અવળે મોઢે ઘાસમાં બેસી ગયા, અને એકલવાયા મોખડાએ સમશેરની ગાળાચી કરી. ડાબા હાથમાં ગેંડાની ઢાલ હતી તે માથા ઉપર ઓઢી લીધી. સાવજનો થાપો બરાબર એ ઢાલ ઉપર ઝીલ્યો તો ખરો, પણ શત્રુના અનોધા જોરની થપાટથી ડાબો હાથ ખળભળી પડ્યો. જુવાન મોખડાએ જમણી ભુજાથી સમશેર ઝીંકી; ઝીંકતાં અધ્ધરથી જ સાવજના બે નોખા કટકા થઈને નીચે પડ્યા. કેસરીને કેડથી જ નોખો કરી નાખ્યો હતો. સાવજ પડ્યો જાણી આઠેય રજપૂતો હોશિયાર બનીને ઘાસમાંથી ઊભા થયા. પણ મોં અવળાં હતાં તે સવળાં ફેરવવા જાય છે ત્યાં મોખડે હાક મારીઃ “હાં રજપૂતો ! હવે એને એ મોંએ સિધાવી જાઓ. હવે મને મોઢાં દેખાડવા ઊભા ન રે’શો, બાપ! રસ્તો મોકળો પડ્યો છે.”

નમાલા સાથીઓને વળાવી મોખડે પેરંભનો ટાપુ પોતાના કબજે લીધો. રાજધાની સ્થાપી રૈયત વસાવી. દરિયાનું નાકું ઝાલીને ચાંચિયા ઉપર કરવા માંડી. આવતાં જહાજો આગળથી પોતાનું દાણ લેવા લાગ્યો. મહાબળિયો મોખડો ‘હડમાન’ કહેવાણો. [] જળથળ બેય ઉપર એની આણ વર્તવા લાગી.

“અરે, મારું દાણ હોય નહિ, હું દિલ્હીનો વેપારી. પાદશાહનો પટો લઈ દેશાવર ખેડનારો.” “તું ગમે તે હો, ભા! આંહીં તો રા’ ને રંક તમામનું દાણ લેવાય છે. આ દરિયાની અમારે ચૉકી છે. દાણ તો દેવું પડશે.”

“તમને ભારે પડશે; હું પાદશાહનો વેપારી છું.”

“તો પાદશાહનો કાગળ લઈ આવ, ભા! અને ત્યાં સુધી તારો માલ આંહીં અમે સાચવી રાખશું. ઉતારી નાખ કાંઠે.”

“અરે, પણ મારા વહાણમાં ધૂળ જ છે, બીજું કાંઈ નથી.”

“તોય જગાત તો લેશું.”

દિલ્હીના સોદાગરે પોતાનાં વહાણમાં ભરેલી ધૂળ પેરંભ બેટમાં એક ખોરડાની અંદર ઠાલવી દીધી, અને મોખડા રાજા પાસે પહોંચ લખાવી લીધી. પહોંચમાં ‘ધૂળ' લખાવ્યું હતું. હતી પણ ધૂળ જ. પહોંચ લઈને સોદાગર પાદશાહ પાસે જવા નીકળ્યો.

આંહીં પેરંભમાં શું બન્યું? જે ખોરડામાં સોદાગરની ધૂળ ભરેલી એ ખોરડાની અડોઅડ એક જ પછીતે એક લુહાર લોઢું ઘડે. અડોઅડ જ એની ધમણ ધમાય અને ચૂલ ચાલે. લુહાર રોજ સવારે ઊઠીને ચૂલની રાખ કાઢે છે. અને રોજેરોજ એ રાખમાંથી એને સોનાની કટકીઓ જડે છે. લુહારને અચરજનો પાર ન રહ્યો. એણે મોખડા રાજાને જાણ કરી.

મોખડાજી જોવા આવ્યા, ઝીણી નજરે જોયું. ચૂલની થડોથડ ભીંતમાં એક બાકોરું દીઠું. ઉંદરે ખોદેલા એ ભૉણમાંથી ઝીણી-ઝીણી રજ આવીને દેવતાથી ભરેલી ચૂલમાં ઝરી રહી છે. તપાસ કરતાં જાણ પડી કે આ તો દિલ્હીના સોદાગરની જ ઠાલવેલી ધૂળ. હાથમાં લઈને તપાસે તો અંદર સોનાની ઝીણી કણીઓ ઝગે છે.

“આ તો ધૂળ નહિ; આ તો છે તેજમતૂરી. સોદાગર દાણની ચોરીએ આપણને છેતરી ગયો.”

મોખડાજીએ એ તમામ રજ ગળાવીને સોનું પાડ્યું અને ખોરડામાં દરિયાની રેતી ભરી દીધી.

સોદાગર પાદશાહનો રુક્કો લઈને આવ્યો. મોખડાજીએ રજા દીધી કે “તારી ધૂળ ઉઠાવી જા.”

“આ ધૂળ મારી નહિ” વાણિયો ચમકીને બોલ્યો.

“કેમ ભા? તેં પહોંચમાં લખાવ્યા પ્રમાણે અમે ‘ધૂળ’ લખી દીધું છે. તારી ધૂળે ધૂળ લઈ જા.”

“મારી હતી તેજમતૂરી.”

“તો તેં કૂડું કાં લખાવ્યું?”

“હું અહીં ફોજ ઉતારીશ.”

“તો અમે કળશિયો ભરીને ઊભા રે’શું.”

વાણિયો ગયો. અને થોડે મહિને ફોજ ઊતરી. કેવી ફોજ ઊતરી?

ઉહા દળ આવિયો સુલતાન, ઝબકી રહી સારી જાન,
મેંગલ ઘટા ફોજાં મેલ, ઉલટા સમુંદર જ્યું ઉખેળ.
બેવટ હયદળ જળબોળ, ખેવટ ધૂંધળો ખગોળ,
આયો દલેસર અણવાર, સોરઠ નમાવા સરદાર.
હૂબક તોપ તાલી હીંક, ઝૂઝે કોણ ઝાલે ઝીંક,
કટકે રાજ નમિયા કેક, અણનમ મોખડો છે એક.

એ સુલતાને હાથીઓથી ભરપૂર હોજો મોકલી. જાણે સમુદ્રમાં ભરતીના લોઢ ઊછળી રહ્યા! જાણે જળપ્રલય થવા બેઠો! આકાશે જાણે. આંધી ચડી. તોપોની ગર્જના ચાલી. એની સામે કોણ ઝૂઝીને ટક્કર ઝીલે? એના સૈન્ય સામે કંઈક રાજ્યો નમી ગયાં. ન નમ્યો એક મોખડોજી.

ઘોઘા દિશા બાંધી ઘેર્ય, ફોજ ફરહરી ચહુ ફેર્ય,
બહાદુર મોખડે સુન બાત, અડપ્યો રાખવા અખિયાત.
રૂઠ્યો ભૂપ ત્રાંબક રોડ્ય, મારૂ બોલ મૂછાં મ્રોડ્ય,
‘નર હું મરધરાકો નાથ, સામો કોણ છે સમરાથ?’
‘અમસું કોણ જીતે આજ, લોપાં સાત પતસા લાજ!’
‘ભડ હું મોખડો અણભંગ, ઝટકે મચાડું રણજંગ.
‘દુશ્મન લડે જો રહું દેખ, લાજે શાલવાહન લેખ!
‘મોરે અભેવન કુલમાંય, ચડિયો ચકાવે ખગ સાહ્ય.’

સુલતાનની સેનાએ ઘોઘાની આસપાસ ઘેરો ઘાલ્યો. ચોપાસના રસ્તા બંધ કર્યા. મોખડાજીએ સમાચાર પેરંભમાં સાંભળ્યા. એનો કોપ ફાટી નીકળ્યો. યુદ્ધનાં નગારાં ગડગડ્યાં. મૂછોને વળ દઈને એ મારુ (મારવાડનો વંશજ) રાજા બોલી ઊઠ્યો કે “મારી સામે – મારવાડના નાથની સામે – ટકે એવો બળવંત કોણ છે? એક નહિ, પણ એવા સાત પાદશાહોની લાજ હું લોપી નાખું. હું મરદ છું. દુશ્મનોને લડતા હું દૂરથી જોઈ રહું તો મારા પૂર્વજ શાલિવાહનની કીર્તિ ઝાંખી પડે. મારા કુળમાં તો અભેમન્યુ જેવો વીર તરવાર પકડીને લડ્યો હતો, આખરે ચકરાવે ચડ્યો હતો.

સૂરા બરદ યહ સંભાળ, તરકસ ભીડિયાં તતકાળ,
વંકો રાણસુત દૈવાણ, પલ્લા ઝટક ઊઠ્યો પાણ.
લશ્કર સુબલ કરી લલકાર, તલસજ તોપખાના ત્યાર,
રાજા ખેધ મંડ્યે રાડ્ય, પે’લે મોરચે ગજ પાડ્ય.
સૂરા વઢણ ચડિયા સોય, હર હર કર્યે ભેળા હોય,
ખેલ ખાગધારા ખેલ, ઠેલે અસુર દળ આઠેલ,
ભાલાં ઝીંક લાગી ભાય, તોપાં જવન લાગી ત્રાય.

એવા એવા શૂરવીર પૂર્વજોનાં બિરદો સંભારીને પોતે ભાલો બાંધી સજ્જ થયો. બળવાન સૈન્ય લલકાર કરવા લાગ્યું. તોપખાનું તૈયાર બની ગયું. રાજા તો દુશ્મનોની પહેલી હારમાંથી જ હાથીને ધરતી પર ઢાળવા લાગ્યો. જુદ્ધે ચડેલા શૂરવીરો ‘હર હર મહાદેવ' કરીને એકઠા મળ્યા, તરવાર રમત રમવા લાગી. યવનોનાં દળ હઠવા લાગ્યાં. ભાલાનો ધસારો શત્રુઓથી ન ઝિલાયો.

સિંધર પાડ હોદા સોત, મીટે શાહ દીઠા મોત,
પાડે ઈરાની પાઠાણ, ખાલી પાલખી ખુરસાણ;
દૈતાં દેત કર્યું મૃતદાન, મેપત મોખડો હનુમાન,
ઢૂંઢે ઢૂંઢ દીધાં ઢાળ, ખળકે રગત વહતી ખાળ.
ગ્રીધણ અમખચરતી ગૂડ, ભરતી ભવાની ભેકુંડ,
સમહર દેખ થંભ્યો સૂર, હરખે ઝૂલ વરવા હૂર.

હાથીઓ અંબાડીની સાથે જ નીચે પડવા લાગ્યા. પાદશાહે તો પલકમાં મોત સામે ઊભેલું જોયું. ઈરાનીઓ ને પઠાણો પડવા લાગ્યા,

ખોરાસાની લોકો પાલખીમાંથી જમીનદોસ્ત બન્યા. હનુમાનજી જેવો

મોખડોજી જાણે દૈત્યોને આજે મૃતદેહોનાં દાન દઈ રહ્યો છે. શબના મોટા મોટા ગંજ ખડકાયા. રક્તની ખળખળ નીકો ચાલી. ગીધડાં માંસ ખાવા માંડ્યાં; જોગણીઓ ખપ્પર ભરવા લાગી, યુદ્ધ દેખીને દેવો થંભ્યા; અપ્સરાઓ મરેલા વીરોને વરવા આકાશમાં ઝૂલવા મંડી.

હમલા વીર બાજે હાક, ડમરુ શિવ શક્તિ ડાક,
દેવા દાણવા જેમ દોય, લાગો મામલો વડલોય.
વેઢક વજાડી અણવાર, ત્રીજા પોર લગ તરવાર,
ચોરંગ ઉડ બાટાઝૂટ, તેગાંઝાળ બંગળ ત્રુટ,
સિંધુ રાગ બાગા સૂર, પળચર અમખચર ભ્રખપુર,
ઝૂઝે મોખડો રણજંગ, અશમર ઊડિયો ઉતબંગ.

વીરોની હાકલો વાગે છે, શંકર ડમરુ વગાડે છે, અને શક્તિઓ ડાકલાં બજાવી રહી છે. જાણે કે દેવો અને દાનવોનું યુદ્ધ થતું હોય ને! સામસામી તરવારો અથડાય છે, અને ભાલાં તેમજ બંદૂકોના ઘા પડી રહ્યા છે. સિંધુડા રાગ વાગ્યા, માંસભક્ષી પક્ષીઓ મુડદાંના ભક્ષથી તૃપ્ત બની ગયાં છે. મોખડો ઝૂઝે છે; તેમાં એનું માથું તરવારના ઘાથી ઊડી પડ્યું.

રાજા શીશ પડિયો રાન, મારુ ધડ લાગ્યો અસમાન,
શતવ્રત ભીષમરાં સરખોજ, ફારક કરે આધી ફોજ.
શર બિન બાહતો સમશેર, જવના દીધ દંતા જેર,
પેરંભનાથકો થર પગ્ગ, લડિયો સાત કોશાં લગ્ગ.
લશ્કર સરવ મરતે લાગ, તરકે નાખ્ય ગળિયલ ત્રાગ,
ધડ તો ધરણ ઢળિયો ધીંગ, સેજકહરો ભડ તરસીંગ.
માથો પડો ઘોઘા માંય, ધડ ગ્યો ખદડપર લગ ધાય,
સુતો પિંડ મેલ્યે સૂર, નરજણ નૂર ભળિયો નૂર.
નિરમળ ચાડ્ય પરિયાં નીર, ધન ધન સરઠકે રણધીર,
તું નરલોક ધન અવતાર, ધન ધન સુર-લોક સુધાર.

[]

રાજાનું એ માથું રણમાં પડ્યું, પણ ધડ ઝૂઝવા લાગ્યું. માથા વિના સમશેર ચલાવીને એણે યવનોના દાંત જેરી નાખ્યા. સાત કોસ સુધી સ્થિર પગે એ યુદ્ધમાં મંડાયો. []દુશ્મનનું લશ્કર હણાવા લાગ્યું. એટલે દુશ્મનોએ ગળીનો દોરો મંત્રીને નાખ્યો. ધડ પડ્યું. માથું મૂકીને ધડ છેક ખદડપર ગામ સુધી પહોંચ્યું. પિંડ છોડીને શૂરવીર પોઢી ગયો. તેજમાં તેજ મળી ગયું. ધન્ય છે તને, સોરઠના રણધીર! તું તારા પૂર્વજોના યશ ઉપર પાણી ચડાવ્યું.


𓅨❀☘𓅨❀☘

  1. પહેલી આવૃત્તિમાં ‘વહાણોની લૂંટફાટ કરવાનો લોભ લાગ્યો’ લખેલ તે બરાબર નહોતું.
  2. આ યુદ્ધ-વર્ણનનો છંદ ભાવનગરના રાજકવિ શ્રી પિંગળશીભાઈના પિતા પાતાભાઈનો રચેલો છે. તે ચારણી કાવ્યરચનાના નમૂના તરીકે ‘જશો વિલાસ’માંથી આંહીં મૂકેલ છે.
  3. 1. ગળીનો દોરો મુસલમાનનું ચિહ્‌ન ગણાતું. શુદ્ધ હિન્દુને એનો સ્પર્શ થાય તો એ ભ્રષ્ટ થાય. મોખડાજીનું ધડ પડતું નહોતું તે વખતે કોઈએ પાદશાહને આ ઇલાજ બતાવ્યો હતો.