સૌરાષ્ટ્રની રસધાર ૨/કાંધલજી મેર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← કાળો મરમલ સૌરાષ્ટ્રની રસધાર ૨
૧૬. કાંધલજી મેર
ઝવેરચંદ મેઘાણી
કાળુજી મેર →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


૧૬
કાંધલજી મેર

ચારસો વરસની જૂની એક વાત છે, તે વખતે હજુ ઢાંક અને ઘૂમલીનગરની દેવભોમકા જેઠવા રાણાઓના હાથમાં હતી.

રાણાના દરબારમાં કાંધલજી નામે બરડાના ગામ ઓડદરનો એક મેર અમીર હતેા. કાંઈક કારણથી કાંધલજીનું મન જેઠવાની સાથે દુખાયેલું, તેથી પોતે જૂનાગઢના રા'ના દરબારમાં જઈને રિસામણે રહ્યા હતા.

રા'ના ઘરમાં તે વખતે જેઠવા રાણાની કન્યા હતી. એ રાણીને એક કુંવર અવતર્યો. રા'એ તે હઠ લીધી કે જેઠવાની પાસેથી કુંવરપછેડામાં ઢાંક શહેર લેવું.જેઠવો વિચારમાં પડ્યો. પેાતાની પુરાતન રાજધાની ઢાંક કેમ અપાય ? જેને ભીંતડે ભીંતડે નાગાજણ બાપુએ શાલિવાહનની સતી રાણીના હાથની સાનાની ગાર કરાવેલી, એ દેવતાઈનગરી ઢાંક કેમ દેવાય? જયાં પૂર્વજદેવે ભાટને માથાનું દાન દીધું, જ્યાં મસ્તક વિનાનું ધડ લડયું, મૂંગીપુરના ધણી શાલિવાહન જ્યાંથી ભોંઠો પડીને ભાગ્યો, એ અમરભૂમિ ઢાંક કેમ અપાય ? પાંચસો વરસની બંધાયેલી માયામમતા તોડવાનો વિચાર કરતાં જ જેઠવાની નસો તૂટવા લાગી. બીજી બાજુ જમાઈના રિસામણાનો ડર લાગ્યો, દીકરીના દુ:ખની ચિંતા જાગી. રા'ના હુમલાની ફાળ પેઠી.

આખરે જેઠવાને બારી સૂઝી. એને લાગ્યું કે કાંધલજી મારી આબરુ રાખશે; રિસાયા છે તોય ઢાંકની બેઆબરુ એ નહિ સાંખે. માતાની લાજ જાય ત્યારે દીકરો રિસાઈને બેઠો નહિ રહે. એણે રા'ને કહેવરાવ્યું : “અમારા કાંધલજીભાઈ ત્યાં છે. આ બાબતમાં એ જે કરે તે અમારે કબૂલ રહેશે.”

રા'ને તો એટલું જ જોતું હતું. કાંધલજી તો આપણો આશ્રિત છે : એ બીજું બોલે નહિ. એવો વિચાર કરીને કચેરીમાં કાંધલજીભાઈને રાણાનો કાગળ વંચાવ્યો. વાંચીને ગર્વથી, પ્રેમથી, ભક્તિથી, કાંધલજીની છાતી એક વેંત પહોળી થઈ, અને એના અંગરખાની કસો કડડ કડડ તૂટવા લાગી. અંતરર્યામી અંતરમાં બોલી ઊઠ્યો : 'વાહ મારા ધણી ! તેં તેા મને ગિરનારને આંગણે ઊજળો કરી બતાવ્યો.'

“કેમ કાંધલજીભાઈ !” રા'એ હસીને પૂછ્યું : “જોયાં તમારા જેઠવાનાં જોર ?”

ધોળી ધોળી સાગરના ફીણ જેવી દાઢી ઝાપટીને કાંધલજી બોલ્યા : “બાપ ! મારો ધણી તો ગાંડિયો છે. ઢાંક તો અમારી મા કહેવાય. એને જવાબ દેતાં ન આવડ્યું. દીકરીનાં માગાં હેાય, પણ માનાં માગાં ક્યાંય દેખ્યાં છે ?” એટલું બેાલતાં તો એની આંખમાં અંગારા મેલાઈ ગયા.

રા'નું રૂંવાડે રૂવાડું ખેંચાઈને ઊભું થઈ ગયું. એણે કહ્યું : “કાંધલજી, જૂનાગઢના રોટલા બહુ દી ખાધા. હવે ભાગવા માંડ્ય. ત્રણ દિવસની મહેતલ આપું છું. ચોથે દિવસે તું જ્યાં હોઈશ ત્યાંથી ઝાલીને તારા પ્રાણ લઈશ.”

કાંધલજી ઊભા થયેા. ભેટમાં તરવાર હતી તે ખેંચી કાઢીને એની પીંછીથી ત્યાં ને ત્યાં ભોંય ઉપર ત્રણ લીટા કર્યા. અક્કેક લીટો કરતો ગયો અને રા'ની સામે જોઈ બેાલતો ગયો : “આ એક દિવસ, આ બે દિવસ અને આ ત્રીજો દિવસ. જૂનાગઢના રા' ! તારી મહેતલના ત્રણ દિવસ પૂરા થઈ ગયા. લે હવે, આવ પડમાં, કર ઘા. મેરને મરતાં કેવુંક આવડે છે તે જોઈ લે.” "હાં ! હાં ! હાં ! કાંધલજી ! ” બેાલતી આખી કચેરી ઊભી થઈ ગઈ.

રા'એ કહ્યું : “ તુંને એમ મારું તો તો જગત કહેશે કે આશ્રિતને ઘરમાં ઘાલીને માર્યો, માટે ભાગવા માંડ્ય.”

ઘોડી ઉપર ચડીને કાંધલજી ચાલી નીકળ્યા. સાથે પોતાનો જુવાન ભાણેજ એરડેા હતેા. ચાલતાં ચાલતાં, ઘેાડીએ વણથળી ગામને પાદર નીકળી.

તે દિવસે ગામમાં નવસેં નાઘેારી *[૧] વરે પરણવા આવેલા. અત્યારે વરરાજા અને જાનૈયાઓ ગામ બહાર દિશા-દાતણ કરવા નીકળેલા છે. ઢોલ ધ્રબૂકે છે ને કેટલાય જાનૈયાઓ પટ્ટાબાજી ખેલે છે. ગામને ગોંદરે રમાતી આ વીર રમતો સહુના કાળજાંમાં શૌર્યનાં સરણાં વહાવી રહી છે. માર્ગે નીકળેલા સેંકડો વટેમાર્ગુઓ રમતો નીરખવા થંભી ગયા છે. એવે ટાણે આ ચાર-પાંચ ઘોડેસવારો કાં ઝપાટાભેર ભાગ્યા જાય છે? ઘોડીઓનાં મોઢામાં ફીણ છૂટયાં છે, ઘોડીઓ પરસેવે નીતરી રહી છે, તોય કાં અસવાર એના ડેબામાં એડી મારતા આવે છે? પાંચે આદમીના હાથમાં ઉઘાડાં ખડગ કેમ છે?

દોડી જઈને નવસો નાઘેારી વરરાજા આડા ફર્યા. ઘેાડીની લગામ ઝાલી રાખી. ચમકીને કાંધલજી બોલ્યા : “તમે મને એાળખો છો ? ”

નાઘોરી કહે : “ એાળખીએ છીએ. તમે અમારા મહેમાન એ જ મોટામાં મોટી ઓળખાણ. ગામને પાદરથી આજ તો તમ જેવો મહેમાન કસૂંબા લીધા વિના ન જઈ શકે.”

કાંધલજીએ કહ્યું : “ભાઈ ! તમે તમારી મેળે જ હમણાં ના પાડશો. મારી વાંસે જૂનાગઢની વહાર ચડી છે.” “ત્યારે તો, ભાઈ, હવે રામરામ કરો ! હવે તેા જઈ રહ્યા ! જાવા દઈએ તો નાઘોરીની જનેતામાં કંઈક ફેર પડયો જાણજો. ”

“અરે બાપુ ! તમારે ઘેર આજ વિવા છે. ગજબ થાય.”

“વિવા છે માટે જ ફુલદડે રમશું. કંકુના થાપા તો વાણિયા-બ્રાહ્મણના વિવાહમાંયે હોય છે. આપણને તે લોહીના થાપા જ શેાભે.”

નાઘેારીએાએ આખી વાત જાણી લીધી. કાંધલજીને કોઠાની અંદર પૂરી દીધા. અને નવસેં મીંઢળબંધ નાઘેારીઓ ગામને પાદર તલવાર ખેંચીને ખડા થઈ ગયા. જૂનાગઢની ફોજ આવી પહેાંચી. સંગ્રામ મચ્યો. સાંજ પડી ત્યાં નવસોયે મીંઢળબંધા વરરાજાએ લોહીની કંકુવરણી પથારી કરીને મીઠી નીંદરમાં પડ્યા. કોઈ કદીયે ન જગાડે એવી એ નીંદર, એવી નીંદર તે નાઘોરણેાની સુંવાળી છાતી ઉપરેય ન આવત.

કોઠા ઉપર બેઠાં બેઠાં કાંધલજીએ કસૂંબલ ઘરચોળાવાળી જોબનવંતી નાઘોરણોને હીબકાં ભરતી ભાળી, મોડિયાનાં મોતી વીંખતી વીંખતી તરુણીએાનાં વેણ સાંભળ્યાં : “આપણા ધણીએાનો કાળ હજી અાંહી બેસી રહ્યો છે !” એ સાંભળીને કાંધલજીએ કોઠા ઉપરથી પડતું મેલ્યું. તલવારની ગાળાચી કરી. પોતાનું માથું ઉતારીને નીચે મૂકયું. બે ભુજામાં બે તલવારે લીધી : અને ધડ ધીંગાણામાં ઊતર્યું. લશ્કરને એક ગાઉ સુધી તગડયું. સીમાડા માથે કેાઈ એ ગળીનો ત્રાગડો નાખી ધડને પાડયું, અને માથું દરબારગઢમાં રહ્યું.

તું કાંધલજી કાટકયો, ફેાજાં અંગ ફેલે,
કાળુઓત * [૨] મીંડો *[૩] કિયો, ઘોડાં અંગ ઘેરે.

હે કાળુ મેરના પુત્ર કાંધલજી, તું ફેાજ ઉપર તૂટી પડયો. અને

તારા થોડા ઘોડેસવારથી તેં શત્રુઓને ઘેરી લીધા.

અને સહુથી સરસ તો ભાણેજ એરડો લાગ્યો.

હરમ્યું ઊતરિયું હરખથી, કાંધલને જોવા કોય,
નાઘોરી વર નેાય, અપસર વરીઓ તું એરડા !

કાંધલને જોવા સ્વર્ગમાંથી હુરમો (અપ્સરાએા) ઊતરી, અપ્સરાએાને એમ લાગ્યું કે આ યુદ્ધરૂપી લગ્નમાં નાઘોરીઓ વરરાજા નથી લાગતા, ખરો વરરાજા તેા એરડો લાગે છે; તેથી અપ્સરાઓ એરડાને પરણી.

બુડાધર, બરડા તણી, લંગરી વધારી લાજ,
કાંધલ આડો કમાડ, આંબો થિયો તું એરડા !

હે એરડા, તેં તો બરડા પ્રદેશની કીર્તિ વધારી, તારા મામા કાંધલજીની આડે તેં કમાડરૂપ બનીને રક્ષણ કર્યું.

અત્યારે કાંધલજીનું માથું વણથળીના દરબારગઢમાં પૂજાય છે, અને ધડની ખાંભી સીમાડે પૂજાય છે. રા'એ કાંધલજીના માથામાં ઉબેણ નદીને કાંઠે જમીન આપી હતી, તે જમીન અત્યારે નાઘોરીનો વંશજ કોઈ મુંજાવર ભોગવે છે.

કાંધલજીના વંશજોએ દર વિવાહે એક કોરી (પાવલું ) કર નાઘેારીના વંશજોને બાંધી આપેલો છે, ને પોરની સાલ સુધી એક ફકીર કાંધલજીના વંશજો ઓડદરિયા મેરો પાસેથી પાવલું પાવલું કર ઉઘરાવી ગયો છે.

એ ધીંગાણા પછી નાઘેારીઓ અને મેરો બન્ને “લોહી- ભાઈઓ ” કહેવાય છે. કાંધલજીના વંશજો હજુ ફટાણામાં છે, ને તેનું ફળિયું તે 'જીફળિયું' ( કાંધલ અધ્યાહાર ) કહેવાય છે.

  1. નાઘોરી મુસલમાનોની એક જાત છે. વણથળીમાં અસલ નાઘેારી જમાદારોની આણ ફરતી.
  2. * કાળુંસુત .
  3. × તલનાં એાથડાં ખળાવાડમાં ખંખેરે ત્યાર પછી તલની ચોપાસ તલનાં ગોળ ગૂંથીને કુંડાળું કરે છે. આંહી કાંધલજીએ પોતાના થોડા ઘોડેસવારોથી દુશ્મનરૂપી અનેક હલની આસપાસ કુંડાળું' ( મીડું ) કર્યું', એવું રૂપક છે.