સ્વામી વિવેકાનંદ/અભ્યાસી જીવન
← શ્રીરામકૃષ્ણની શિક્ષણ પદ્ધતિ અને નરેન્દ્રની તૈયારી | સ્વામી વિવેકાનંદ અભ્યાસી જીવન રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ |
નરેન્દ્રની યોગ્યતા → |
પ્રકરણ ૧૭ મું – અભ્યાસી જીવન.
અજ્ઞાનનાં બંધનો મનુષ્યને અહંતા મમતામાં બાંધી લે છે. એ બંધનનું નામજ સંસાર છે. એ બંધનમાંથી છૂટવું સહજ નથી. પ્રથમ તો એ બંધન બંધન તરીકે પણ કોઈકનેજ જણાતું હોઈ ઘણા ખરા મનુષ્યો તો ઉલટું એ બંધનોનેજ સર્વ સુખનું સાધન માની રહ્યા છે. શ્રીરામકૃષ્ણનાં નિશ્ચય, સાધના અને આધ્યાત્મિકતા વજ્ર જેવાં દૃઢ હતાં. તેમણે એ બાબતમાં જે અગાધ સામર્થ્ય દર્શાવ્યું છે તે પણ વજ્ર જેવું દૃઢ છે. ધાર્મિકતાની ફતેહ પરમાત્મ દર્શન-સાક્ષાત્કારમાંજ રહેલી છે. દેહાદિમાં વૃથા અહંતા મમતા રૂપે બંધાયેલાં બંધનોની પાર જવામાં અને પૂરું સચ્ચિદાનંદમય સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવામાંજ તેની સફળતા અને કૃતકૃત્યતા છે. અનેક તુચ્છ વાસનાઓ, સ્વભાવો અને માન્યતાઓની સામે યુદ્ધ કરવામાં જ મનુષ્ય જીવનનો ખરો પુરૂષાર્થ, મહિમા અને કીર્તિ છે. એ નિરપેક્ષ સ્વાતંત્ર્ય, એ અનુપમ મુક્ત દશા યા મોક્ષ એ સર્વ આ યુદ્ધનાંજ પરિણામ છે. સંસારની સર્વ તુચ્છ વસ્તુસ્થિતિઓથી પર એવું એ પરમપદ પરમાત્મદર્શનમાંજ રહેલું છે. સંસારનાં સુખ અનિત્ય હોવાનું ભાન જ્યારે મનુષ્યને થાય છે ત્યારે જ તે આવું યુદ્ધ પોતાની વાસનાઓ સામે મચાવી મૂકે છે. હજારોમાંથી કોઈકજ આ પ્રમાણેની સમજણ અને સાધના સાધી સાધુ–પવિત્રાત્મા થઈ શકે છે. ઉત્કટ જિજ્ઞાસા, પવિત્ર ચારિત્ર અને બાધક વસ્તુસ્થિતિ પ્રત્યે ત્યાગવૃત્તિ, એ એમાં મુખ્ય હથીયારો છે. સંસારના તુચ્છ પદાર્થો, પ્રપંચો અને મોહજાળની સામે થવામાં નરેન્દ્ર એ અમોઘ હથીયારોનો ઉપયોગ પૂર્ણ સામર્થ્યથી અને દૃઢ નિશ્ચયથી કર્યો હતો.
આશા ભરેલા શબ્દોથી શ્રીરામકૃષ્ણ તેના માર્ગમાં જે ઉત્તેજન આપતા હતા તેમજ તેના પ્રત્યે જે અલૌકિક વહાલ દર્શાવતા હતા તેમાંથી નરેન્દ્ર ઘણુંજ બળ પામ્યો અને તેનામાં આત્મશ્રદ્ધા ખીલતી ચાલી. તે નિર્ભયતાના અભેદ્ય ખડક ઉપર ઉભો છે એવી તેને ખાત્રી થવા લાગી, પ્રથમ તર્ક વિતર્ક કરવામાં તેણે જે અગાધ બુદ્ધિ વાપરી હતી તે અગાધ બુદ્ધિનો ઉપયોગ હવે તે પોતાની આધ્યાત્મિકતાનો પાયો મજબુત કરવામાંજ કરવા લાગ્યો. તે હવે વિચારવંત બન્યો અને તોછડાઈને બદલે સહૃદયતાથી બોલવા લાગ્યો. તેનું ચિત્ત શાંત થયું અને ચિત્તની શાંતિને લીધે તે જે જે ભાવનાઓ કરતો તે ઘણીજ દૃઢ અને પ્રબળ બની ધારેલા ફળને ઘસડી લાવવા લાગી. અત્યાર સુધીમાં તે જે જુસ્સો બહાર દર્શાવતો હતો તે સઘળો જુસ્સો હવે અંતર્મુખ થઈને આત્માના પૂર્ણ વિકાસ તરફ વળતો ચાલ્યો. ટુંકામાં કહીએ તો હવે તેનું સઘળું ચારિત્ર્ય આધ્યાત્મિક રીતિએ બંધાતું હતું. તે હવે દૃઢ નિશ્ચયી થયો. ઉચ્ચતમ સિદ્ધાંતો તેના હૃદયમાં ઠસી રહ્યા. ઉંડી લાગણીઓથી તેનું મન ઉભરાઈ રહ્યું. તેનો અંતરાત્મા અનેક ઉર્મિઓથી ઉછળી રહ્યો. ઉચ્ચતમ આધ્યાત્મિક વિચારોએ તેના હૃદયને હલાવી મૂક્યું. વીસ બાવીસ વર્ષનો આ યુવક હવે પુખ્ત વયના મનુષ્યના જેવી જ્ઞાની ભક્તની દશા ભોગવવા લાગ્યો.
શ્રી રામકૃષ્ણ પોતાના સઘળા શિષ્યોને જે શિક્ષણ આપતા તેમાંથી દરેક પોતપોતાની બુદ્ધિ પ્રમાણેજ ગ્રહણ કરી શકતા. નરેન્દ્રનાં અગાધ બુદ્ધિ, વિશાળ હૃદય અને બહુશ્રત તથા તળસ્પર્શી અંતઃકરણ શ્રી રામકૃષ્ણના બોધને ખૂબ કસોટીપર ચડાવતાં અને તેનો રહસ્યાર્થ સમજતાં. તેનો બળવાન અંતરાત્મા શ્રીરામકૃષ્ણના આધ્યામિક ચેતન જોડે એકતાન થઈ રહ્યો હતો અને તેથી કરીને શ્રી રામકૃષ્ણના ઉપદેશ અને જીવનની પોથીનાં પાનાંને પાનાં તે સરલતાથી વાંચી શકતો; ત્યારે બીજાઓ તેમાંનાં થોડાં વાક્ય કે પાનાં વાંચવાને પણ કઠિનાઈથીજ શક્તિવાન થતા. નરેન્દ્રના અંતકરણમાં ખાતી વખતે, અભ્યાસ કરતી વખતે, શારીરિક ક્રિયા કરતી વખતે અને સ્વપ્નામાં પણ શ્રી રામકૃષ્ણના જ વિચારો રમી રહેતા.
શ્રી રામકૃષ્ણનું સમસ્ત જીવન અને બોધ આધ્યામિક ચેતન, વેદાન્તનાં અગાધ સત્ય અને ઉપનિષદોના ગુહ્ય સિદ્ધાંતોની સત્યતા અને ઉપયોગિતા દર્શાવનાર અને તેને સાબીત કરનાર એક ભવ્ય નમુનોજ હતું. તેમનું ચારિત્ર્ય હિંદુધર્મના રહસ્યરૂપ હતું. તે જીવન કોઈ અમુક પંથ, ધર્મ કે સમાજના સિદ્ધાંતો દર્શાવી રહ્યું નહોતું; પણ આત્માનાં નિત્ય અને સર્વ સામાન્ય સત્ય કે જે ઉપનિષદોમાં અહીં તહીં સ્થળે સ્થળે નજરે પડે છે અને જે આર્ય પ્રજાનો પરાપૂર્વથી ચાલતો આવતો એક મહાન ખજાનો છે તેમને–મહાન નિત્ય સત્યને તે દર્શાવી રહ્યું હતું ! ઉપર ઉપરથી જોનારને હિંદુધર્મ અમુક ધાર્મિક ક્રિયાઓ અને કથાઓમાંજ સમાઈ રહેલો ભાસે છે, પણ જ્યારે અદ્વૈતવાદના ભવ્ય સિદ્ધાંતોદ્વારા હિંદુધર્મનાં તત્વોનો બારીક અભ્યાસ કરવામાં આવે છે ત્યારે સમજાય છે કે હિંદુધર્મની ઈમારત અદ્વૈતવાદ જેવા એક અજેય અને અનુપમ વાદના મજબુત પાયા ઉપર રચાયેલી છે. તેની ધાર્મિક ક્રિયાઓ અને પૌરાણિક કથાઓ જુદા જુદા અધિકારવાળાં મનુષ્યને ધીમે ધીમે પરમ સત્યના દ્વાર તરફ લઈ જવાના ભિન્ન ભિન્ન માર્ગો છે. આ ક્રિયાઓ અને કથાઓની પાછળ તેમના રહસ્યરૂપે આધ્યાત્મિક સત્ય રહેલાં છે. પુરાણોમાં કહેલો ઈશ્વર સચ્ચિદાનંદરૂ૫ પરમાત્માનું સગુણ સ્વરૂપ છે અને તેમાં જણાવેલી ધાર્મિક ક્રિયાઓ પરબ્રહ્મ તરફ ચિત્તને એકાગ્ર કરાવનારાં સાધનો છે. આવા એકમાં અનેકરૂપે ભાસતા હિંદુધર્મની જાણે કે હાલતી ચાલતી જીવંત મૂર્તિ હોય તેવું શ્રી રામકૃષ્ણનું જીવન હતું.
નરેન્દ્ર જ્યારે બ્રહ્મોસમાજના સભાસદ થયો ત્યારે હિંદુધર્મ તરફ તેને અશ્રદ્ધા ઉત્પન્ન થઈ હતી. એ વખતે નરેન્દ્રે હિંદુધર્મનો બરાબર અભ્યાસ કર્યો નહોતો. જે મહાન તાત્વિક સત્ય ઉપર હિંદુધર્મની ઇમારત ચણાયેલી છે તે સત્ય તેણે એ સમયે બરાબર સાંભળ્યાં પણ નહોતાં. તે વખતે તેની ઉમર નાની હતી અને અસંખ્ય વર્ષથી ચાલતા આવતા ઘણા જુના, અનેક કાળના અનુભવોથી ભરેલો અને અનેક મહાસમર્થ અને બુદ્ધિશાળી ઋષિમુનિઓની અગાધ બુદ્ધિથી રચાયલો, ઘડાયલો, વિકાસને પામેલો જે સનાતન હિંદુધર્મ તે તેની સંકુચિત દૃષ્ટિ અને બીન અનુભવી ટુંકી બુદ્ધિમાં શી રીતે આવી શકે ?
એ સમયે પાશ્ચાત્ય વિદ્યા અને બ્રહ્મોસમાજના સિદ્ધાંતો તેને ઠીક લાગ્યાં તેનું એ પણ કારણ કે તેની અંગ્રેજી વિદ્યાથી કેળવાયલી બુદ્ધિને તે અનુકુળ થતાં, બ્રહ્મોસમાજ ઈશ્વરને માનતી તેથી નરેન્દ્ર પણ ઈશ્વરને માનતો; પણ અદ્વૈતવાદમાં દર્શાવેલા સર્વ વ્યાપી બ્રહ્મનું અસ્તિત્વ તેની કુણ્ઠિત બુદ્ધિથી સમજાઈ શકાતું નહોતું. શ્રીરામકૃષ્ણ પરમહંસની પાસે આવવા માંડ્યા પછીજ હિંદુધર્મનું ખરું સ્વરૂપ તેની નજરે પડવા માંડ્યું. આ સ્વરૂપ બાલ્યાવસ્થામાં પોતાના કુટુંબની ધાર્મિક ક્રિયાઓમાં તે નિહાળતો ખરો, પણ તે વખતે તે જે કાંઈ જોતો તે સઘળું એક બાળક તરીકેજ જોતો અને એક બાળકના સાદા ભોળા ભાવથીજ તે સઘળું ગ્રહણ કરતો. તેનામાં હજી સમજ શક્તિ આવી નહોતી અને જેમ જેમ શક્તિ આવતી ગઈ તેમ તેમ તેનામાં સંશયો પ્રવેશ કરતા ગયા. શ્રી રામકૃષ્ણની સંનિધિમાં તેની આધ્યાત્મિક બુદ્ધિ પરિપક્વતાએ પહોંચી અને જે ધાર્મિક સત્યો તેણે બાલ્યાવસ્થામાં માત્ર સાદા ભોળા ભાવથી અને અંધશ્રદ્ધાથી કુટુંબની ધાર્મિક રહેણી કરણીને અનુસરીનેજ ગ્રહ્યાં હતાં તેનાં તેજ સત્ય પરિપકવ બુદ્ધિ અને ઉંડી સમજથી તે હવે ગ્રહણ કરવા લાગ્યો. બાલ્યાવસ્થામાં ગ્રહેલાં સત્ય ઉપર યુવાવસ્થામાં સંશય રૂપી છારી વળી રહી હતી તે શ્રીરામકૃષ્ણની પવિત્ર સંનિધિમાં નાશ પામી અને તેનાં તેજ સત્યો બુદ્ધિ અને તર્કની કસોટિએ ચ્હડી વધારેને વધારે દિવ્ય ભાસવા લાગ્યાં. હવે વખતો વખત પોતાનું અંતઃકરણ અનેક પવિત્ર લાગણીઓથી ઉભરાઈ જતું નરેન્દ્રને ભાસતું અને સમાધિની દશામાં જાણે કે ઘસડાઈ જતું હોય તેમ તેને લાગતું. જ્યારે નરેન્દ્રનો આત્મા આમ ખીલી ઉઠતો ત્યારે તે ભક્તિરસથી પૂર્ણ એવાં ભજનો ઉપરા ઉપરી ગાવામાં ગરક થઈ જતો. તે ગાયાજ કરતો અને તેના આત્માની ઉન્નત દશાનું ભાન સ્વાભાવિક રીતે સર્વને થઈ રહેતું. તે ગાયાજ કરતો અને તેના સમસ્ત પવિત્ર આત્મા ભજનની ધૂનમાં પરોવાઈ રહેતો. તેનો સાદ શ્રોતાઓનાં હૃદયને ઉછાળી મૂકતો. આસપાસ સર્વત્ર આધ્યાત્મિક પવિત્રતાની પ્રભા પથરાઈ રહેતી અને શ્રીરામકૃષ્ણ સમાધિમાં આવી જતા !
વખતો વખત તેને લાગતું કે દક્ષિણેશ્વર આધ્યાત્મિકતાનું સ્થળ છે. આ સ્થળમાં ઉદ્ભવતી પવિત્ર લાગણીઓ અને શ્રી રામકૃષ્ણના સહવાસથી ઉત્પન્ન થતી આધ્યાત્મિક ચેતનાની ઉન્નત ઉર્મિઓથી હિંદુધર્મની સત્યતા અને શ્રીરામકૃષ્ણની મહત્તાને સ્વીકાર્યા વિના તેને છુટકોજ ન હતો.
આ પ્રમાણે અંગ્રેજી કોલેજનો અશ્રદ્ધાવાન વિદ્યાર્થી નરેન્દ્ર હવે શ્રદ્ધાવાન બની રહ્યો. પાશ્ચાત્ય વિદ્યાનો વિલાસી હવે વેદાંતના સત્યોમાંજ આનંદ માનવા લાગ્યો. હિંદુ જીવનને વખોડનાર અને પાશ્ચાત્ય પ્રજાઓના રીતરિવાજનો બચાવ કરનાર નરેન્દ્ર હવે ખરેખરો હિંદુ બની રહ્યો. સઘળી પ્રજાઓનું અસ્તિત્વ, સંરક્ષણ, તેમનું દીર્ધાયુ પણ આ મહાન આર્યધર્મવડેજ રહેશે; ઉપનિષદોનાં મહાન સત્યોવડેજ અખિલ વિશ્વમાં શાંતિ, પ્રેમ અને દયાભાવ પ્રસરશે, તે સત્યના અધ્યયનથીજ સઘળી પ્રજાઓ એક બીજાની સાથે હસ્તમેળાપ કરશે, ટૂંકામાં વેદાન્ત ધર્મજ સમસ્ત જગતનું આદર્શ થવાને યોગ્ય છે, એમ નરેન્દ્રનું દૃઢપણે માનવું થયું અને હિંદુ ધર્મ અને ભારતવર્ષ વિષે અત્યંત પ્રેમની લાગણીઓથી તેનું હૃદય ઉછાળા મારી રહ્યું.
જ્યારે પહેલીજવાર શ્રી રામકૃષ્ણ નરેન્દ્રને “अहं ब्रह्मास्मि” નો અર્થ સમજાવવા માંડ્યા ત્યારે નરેન્દ્ર બોલી ઉઠ્યો હતા કે “હું પ્રભુ છું, શિવ છું,” એમ કહેવું એ ઈશ્વરનું અપમાન કરવા બરાબર છે ! શ્રીરામકૃષ્ણે જ્યારે તેને કહ્યું કે આપણો આત્મા અને પરમાત્મા એકજ છે, ત્યારે નરેન્દ્ર કેવળ સ્તબ્ધજ બની ગયો હતો અને તે કહેવા લાગ્યો હતો કે “એમ હોયજ નહિ ! એ ખોટું છે !”
પરંતુ આ વિષયમાં શ્રીરામકૃષ્ણનું જીવંત દૃષ્ટાંત નરેન્દ્ર માટે અતિશય ઉપકારક થઈ પડ્યું હતું. આત્મા અને પરમાત્માની એકતા વિષે વાત કરતાં શ્રીરામકૃષ્ણ કોઈ કોઈવાર નિર્વિકલ્પ સમાધિમાં આવી જઈ આ પરમ સત્યની સત્યતાનો અનુભવ પોતાનાજ દાખલાથી પ્રત્યક્ષ કરાવતા. સવિકલ્પ-ભાવસમાધિમાં આવતા એ વેળાએ તે બ્રહ્માનંદઆત્માનંદમાં ડૂબતા અને નિર્વિકલ્પ દશામાં આવતાં તે શરીરનું સઘળું ભાન ભૂલી જઈને માત્ર સત્-ચિત્-આનંદની મૂર્તિ રૂપેજ તે સર્વને ભાસતા.
શ્રીરામકૃષ્ણે નરેન્દ્રને બ્રહ્મનું ખરું સ્વરૂપ સમજાવનાર શાસ્ત્રોનું અધ્યયન કરવાનું કહ્યું હતું ત્યારે નરેન્દ્રે તે વાંચવાની ના પાડી હતી. પરંતુ પરમકૃપાળુ અને ધીરજવાન શ્રીરામકૃષ્ણ તેને ધીમે રહીને કહ્યું કે “તું મને તો વાંચી સંભળાવીશને? ભલે, તું તેમાં ધ્યાન આપતો નહિ !” ત્યારેજ નરેન્દ્રે તેમ કરવાની હા પાડી હતી. ઘણી વખત આવી યુક્તિઓ શ્રીરામકૃષ્ણે રચી હતી અને ઘણી વખત નરેન્દ્ર આમ પોતાની મરજી વિરૂદ્ધ શાસ્ત્રો વાંચી સંભળાવ્યાં હતાં. આમ વાંચતે વાંચતે તેનો ઉચ્ચ અધિકારયુક્ત પવિત્ર આત્મા, બ્રહ્મનાં વર્ણનો, બ્રહ્મના વિચારો અને બ્રહ્મવિષેની ઉક્તિઓમાં ગરક થઈ જતો. તે વર્ણનો તેના આભામાં ઉંડાં પેશી જતાં અને તેનો આત્મા બ્રહ્મના વિચારોથી ઉછળી રહેતો. આમ શ્રીરામકૃષ્ણની યુક્તિથી અનાયાસે નરેન્દ્રના મનમાં વેદાન્તના સિદ્ધાંતો ઉતર્યા હતા અને આત્મસાક્ષાત્કારની લગની લાગી હતી.
“આ સઘળું બ્રહ્મ છે. જે દૃશ્ય છે અને જે અદૃશ્ય છે; જે જ્ઞાત છે અને જે અજ્ઞાત છે; સ્વર્ગ, મૃત્યુલોક; વેદ અને જે વેદ નથી. તે પણ; જે આદિ છે અને જે આદિ નથી તે પણ; એ સઘળું જ બ્રહ્મ છે. અખિલ વિશ્વ બ્રહ્મ છે. સત્ય બ્રહ્મ છે અને સઘળું બ્રહ્મ છે. બ્રહ્મ શિવાય બીજું કંઈ છેજ નહિ. આત્મા પણ બ્રહ્મ છે અને પરમાત્મા પણ બ્રહ્મ છે. દેવતાઓ પણ બ્રહ્મ છે. જે આ અનુભવે છે તેજ પરમ વસ્તુને પામે છે; તેજ ઇંદ્રિયો અને બુદ્ધિની મોહ જાળમાંથી ખરેખરો છૂટે છે. જેવી રીતે સર્પ પોતાની જુની કાંચળી ઉતારી નાંખે છે તેવી રીતે તે સર્વ બંધનોને કહાડી નાંખે છે, અને પોતે દિવ્ય- બ્રહ્મ-બની રહે છે.” ઉપનિષદો આમ કથે છે. જેમ જેમ નરેન્દ્ર આવા ઉચ્ચ વિચારો વાંચતો ગયો તેમ તેમ તેનો સંસ્કારી આત્મા આ જગતના તુચ્છ પદાર્થો અને વાસનાઓથી ઉંચે ને ઊંચે ઉઠતો ગયો. શ્રી રામકૃષ્ણ તો એવા પ્રસંગો વંચાતાં ભાન ભૂલી જતા અને સત્-ચિત્-આનંદ સ્વરૂપ તે બની રહેતા. ઉપનિષદો જે મહાન સત્યોને કથી રહ્યાં છે તે સત્ય આ પરમાવસ્થાનીજ ઉક્તિઓ અને ઉર્મિઓ છે. તેનાં તેજ સત્યો શ્રીરામકૃષ્ણ તેવી ઉર્મિઓમાં વારંવાર આવી જઈને ઉચ્ચારતા અને નરેન્દ્ર તેનું શ્રવણ કરતો, મનન કરતો અને નિદિધ્યાસન કરતો. આમ ઉપનિષદોનું અધ્યયન અને બ્રહ્મનિષ્ઠ શ્રીરામકૃષ્ણના આચરણની એક્તા સધાતી અને તે એકતાના સાક્ષાત દર્શનથી ચકિત થતો થતો નરેન્દ્ર સર્વ શાસ્ત્રોનું, સર્વ ઉપનિષદોનું, સર્વ વેદાન્તનું રહસ્ય ગ્રહણ કરતો. આધ્યાત્મિક વાતાવરણની પવિત્રતા આવી રીતે તેનામાં આવી રહી. હવે તે સંસારની તુચ્છ વાસનાઓથી સદાને માટે મુક્ત થઈને નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત, અવિનાશી આત્માનું જ રટણ ધ્યાન કરવા લાગ્યો! शिवोहम् शिवोहम् । ब्रह्मसत्यम्, जगन्मिथ्या । अयं आत्मा ब्रह्म । તેના મનમાં-હૃદયમાંઆત્મામાં જાગૃતમાં, સ્વપ્નમાં, નિંદ્રામાં સર્વત્ર એજ નાદ ચાલી રહ્યો.
પરણવાનો તિરસ્કાર તો તેને નાનપણથીજ હતો તે હવે પૂરેપૂરો દ્રઢ થઈ તેને લાગ્યું કે તેનો જન્મ સંન્યાસી થવાને માટેજ છે અને તેનું ધારવું અનેક જન્માક્ષર જોનારા જોશીઓના તેમજ હસ્તરેખાદિ બાહ્ય ચિન્હો જોઈ ભવિષ્ય ભાખનારા ભવિષ્યવેત્તાઓના કથનને મળતુંજ હતું.