હરિરસ ગાવા ને જે મળે ખાવા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
હરિરસ ગાવા ને જે મળે ખાવા
નરસિંહ મહેતા


હરિરસ ગાવા ને જે મળે ખાવા, હરિની ઈચ્છાનો સંતોષ લાવી,
કરમચા ભોગ તે ભોગવ્ય છૂટકો, નીપજે સર્વથા હોય ભાવી. - હરિરસ. ૧.

ઘેર દારા એક સુંદરી સાધવી, હરિ-જશ તેહને અધિક વહાલા,
નહીં કોઈ વેધ-વિચાર મનમાં ધરે, ન લહે, પરપંચ અસ્ત્રીના ચાલા - હરિરસ. ૨.

એક છે પુત્રને એક પુત્રી થઈ, જેનું મામેરું કરશે લક્ષ્મીનાથ,
સુત તણુ નામ તે દાસ શામળ ધર્યું, વુહવામાં કૃષ્ણજી રહેશે સાથે. - હરિરસ. ૩.

દ્વાદશ વરસ થયા છે કુંવરને, કામિની આવી ઊભી કંથ પાસે,
'આપણું ઘર તે આદ્ય મોટુ સદા, નિર્ધન વિહવા કેમ થાશે ? ' - હરિરસ. ૪.

'દુઃખ મ ધર ભામિની ! વાત સુણ કામિની, પૂરશે મનોરથ કૃષ્ણકામી
ધ્યાન ધર કૃષ્ણનુ, રાખ મન પ્રસન્ન તું સહાય થાશે નરસૈયાનો સ્વામી.' - હરિરસ. ૫.