હરિ આવ્યા છે નારીના વેશે રે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
હરિ આવ્યા છે નારીના વેશે રે
નરસિંહ મહેતા
રાગ સોરઠ

[આ પદ ઝારીના ચાર પદો માંનું એક છે. કહેવાય છે કે એક રાત્રે ભજન કીર્તન કરતાં નરસિંહ મહેતાને તરસ લાગી અને તેમણે તેમની સગી રતનબાઈને બોલાવી. તે રતનબાઈ ઝારીમાં પાણી લઈને આવી, ત્યારે તેમને રતનબાઈમાં મોહિની સ્વરૂપ શ્રી કૃષ્ણના દર્શન થયા અને તેમણે જે ચાર પદો લખ્યા તે 'ઝારીના પદો' તરીકે ઓળખાય છે.]


હરિ આવ્યા છે નારીના વેશે રે, એને કોઈ જુવો રે,
શિવ બ્રહ્મા જેનું ધ્યાન ધરે છે, તેને જોઈ જોઈ દુઃખડાં ખુવો રે. એને. ટેક.
બંધવ એનો તતક્ષણ ઊઠ્યો, આવ્યો મંદિર જાણી રે,
રતનબાઈ ઘણું વ્યાકુળ ફરે છે, તમો લ્યોને, મેહેતા જળપાણી રે. એને.
પરમેશ્વરે પુત્રી કરી જાણી, સભામધ્ય આણી રે,
અંતર્ધાન થયા અલબેલો, વાત સહુકોએ જાણી રે. એને.
જેજેકાર થયો જગમાંહી, હરખ વાધ્યો હઇએરે.
નરસૈંયાચો સ્વામી ભલે મળીયો, એનાચરણકમળમાં લઇએરે. એને.


અન્ય સંસ્કરણ


હરિ આવ્યા છે નારીના વેશે રે, એને કોઈ જુઓ રે,
શિવ બ્રહ્મા જેનું ધ્યાન હરે, તેને જોઈ જોઈ દુઃખડાં ખુઓ રે. ...૧

માતા પિતા એના મનમાં વિમાસે : કહો, એ ક્યાં થકી આવી રે?
અચરત સરખું સહુબે ભાસે : એ જલઝારી ક્યાં લાવી રે? ...૨

બંધવ એનો તત્ક્ષણ ઊઠ્યો, આવ્યો મંદિર જાણી રે,
રતનબાઈ ઘણું વ્યાકુળ ફરે છે : 'તમે લ્યોને, મહેતાજી ! પાણી રે.' ...૩

પરમેશ્વરે પુત્રી કરી જાણી, સભા મધ્યે આણી રે,
અંતર્ધાન થયા અલબેલો, વાત સહુ કોઈએ જાણી રે. ...૪

જયજયકાર થયો જ્ગમાંહે, હરખ વધ્યો હૈયે રે,
નરસૈંયાનો સ્વામી ભલે મળિયો, એનાચરણકમળમાં રહીએ રે. ...૫