હિંદમાતાને સંબોધન
Appearance
હિંદમાતાને સંબોધન મણિશંકર રત્નજી ભટ્ટ-'કાન્ત' |
હિંદમાતાને સંબોધન
ઓ હિંદ ! દેવભૂમિ ! સંતાન સૌ તમારાં !
કરીએ મળીને વંદન ! સ્વીકારજો અમારાં !
હિંદુ અને મુસલમિન : વિશ્વાસી, પારસી, જિન :
દેવી ! સમાન રીતે સંતાન સૌ તમારાં !
પોષો તમે સહુને, શુભ ખાનપાન બક્ષી :
સેવા કરે બને તે સંતાન સૌ તમારાં !
રોગી અને નીરોગી, નિર્ધન અને તવંગર,
જ્ઞાની અને નિરક્ષર : સંતાન સૌ તમારાં !
વાલ્મીકિ, વ્યાસ, નાનક, મીરાં, કબીર, તુલસી,
અકબર, શિવાજી, માતા ! સંતાન સૌ તમારાં !
સૌની સમાન માતા, સૌએ સમાન તેથી :
ના ઉચ્ચનીચ કોઈ સંતાન સૌ તમારાં !
ચાહો બધાં પરસ્પર : સાહો બધાં પરસ્પર
એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારાં !