લખાણ પર જાઓ

નારીપ્રતિષ્ઠા

વિકિસ્રોતમાંથી
નારીપ્રતિષ્ઠા
મણિલાલ દ્વિવેદી
૧૮૮૫





'નારી પ્રતિષ્ઠા'ની પ્રસ્તાવના
(પ્રથમાવૃત્તિની)


લગ્નનો વિધિ પૂરો થાય છે ત્યાં સુધીનો વિષય જુદા જુદા ૮ અંકોમાં "ગુજરાતી"માં પ્રસિદ્ધ થયેલો તે સંભાવિત વિદ્વાનોને પસંદ પડવાથી, બાકી રહેલો પુનરુદ્ધાહનો ભાગ ઉમેરી આ રૂપે પ્રસિદ્ધ કર્યો છે. નારી જાતિની સ્થિતિ, અને પુનર્લગ્નનો સૂક્ષ્મ પ્રસંગ એ ઉપર વિચાર કરતાં અત્રે જે જણાવ્યા છે તે સિદ્ધાન્તરૂપે લખેલું પુસ્તક ત્રણ વર્ષ સુધી મારી પાસે રહ્યું: તે એવા વિચારથી કે વિશેષ અનુભવથી કરી એ વિચારો વધારે પાકા ઘડાય. મારા વિચાર હતા તે જ વિશેષ દૃઢ થયા છે, ને તેમ થવામાં મેં આ પુસ્તક આજ સુધી કોઈને બતાવ્યું નહિ તે કારણ પણ હોઈ શકે એમ સમજી પુનર્લગ્ન વગેરે બાબતની ધામધૂમ થઈ રહી છે તેને પ્રસંગે આ પુસ્તક બહાર પાડવા મેં ગોઠવણ કરી છે. આમ કહેવાથી એમ આશા રાખું છું કે જે વિદ્વાનો આ પુસ્તક જુએ તેઓએ પ્રસિદ્ધ રીતે એ ઉપર ચર્ચા ચલાવવી કે હું મારા વિચારોની સારાસારતા જોઈ શકું. આવા વિષયોનું નિષ્પક્ષપાત અને નિરભિમાનથી વિવેચન થવું જોઈએ; અને તેમ થાય તેમાં જેમ હું મારા વિચાર ખોટા જણાયેથી ફેરવવાને તત્પર છું તેમ સર્વેએ રહેવું અને સત્ય માત્રને જ શોધવું એ મારી પ્રાર્થના છે.

નડીઆદ તા. ૧ અક્ટોબર ૧૮૮૫ મ. ન. દ્વિવેદી
નારી પ્રતિષ્ઠા

વિધાતાની સૃષ્ટિમાં પ્રત્યેક વસ્તુ સજોડ દીઠામાં આવે છે. ઉદ્‌ભિજવર્ગ, પશુવર્ગ, મનુષ્યવર્ગ એ સર્વેમાં સ્ત્રી અને પુરુષ એવી જોડી જણાય છે. આવી જાતની વિજાતીય સૃષ્ટિ રચવાનો મુખ્ય હેતુ મંડલની વૃદ્ધિ સિવાય બીજો જણાતો નથી. સ્ત્રી એ પોષકશક્તિનું સ્વરૂપ છે, પુરુષ ઉત્પાદકશક્તિનું સ્વરૂપ છે. બન્નેના યોગ વિના સૃષ્ટિકાર્ય સંભવતું નથી. વળી ઈશ્વર પોતે પણ એ શક્તિ વિના જગત રચી શકતો નથી એમ પુરાણ કહે છે. શાસ્ત્રમાં પ્રકૃતિ અને પુરુષ, માયા ને પરમાત્મા, વગેરે આ બે શક્તિનાં. તેઓ પરમાર્થદ્રષ્ટિથી એક છતાં પણ, ઘણાં ઘણાં ભિન્ન રૂપ માનેલાં છે. આ બે શક્તિઓ એક એકને પોતાનું કાર્ય કરવાને એટલી બધી અગત્યની છે કે એક વિના બીજી કેવલ નિરુપયોગી થઈ પડે તેમ છે. આ બન્ને શક્તિઓ આમ એક એકને આધારે રહે છે, એક એકનું અર્ધું અંગ બને છે. એ બેમાંની એકે શક્તિ સંપૂર્ણ નથી પણ બીજી વિના અર્ધી જ છે. જ્યારે પોષકશક્તિ ને ઉત્પાદકશક્તિ ભેગાં થાય ત્યારે જ એક આખી શક્તિ–આનંદ–ઉત્પન્ન થવાની. આ ઉપરથી સહજ સમજાશે કે સ્ત્રી અને પુરુષ અન્યોન્યનાં અર્ધા અંગ છે અને સ્ત્રી ખરેખરી અર્ધાંગના જ છે. આ ઠેકાણે સવાલ ઊઠે છે કે આપણા શાસ્ત્રમાં સ્ત્રીને ડાબું અંગ કેમ ગણી હશે? આ સવાલનો ખુલાસો આ ઠેકાણે કરવો બહુ જ અગત્યનો છે. વિલાયતમાં ને બીજા કેટલાએક પાશ્ચાત્ય દેશોમાં સ્ત્રીને માત્ર અર્ધાંગ જ ગણી છે, પછી ડાબું કે જમણું. વધારે સ્પષ્ટ રીતે કહીએ તો સ્ત્રી અને પુરુષના સર્વ હક સમાન ગણેલા છે. આ બે વિચારમાં કાંઈ ફરક છે કે નહિ તે વિચારીએ. પ્રથમ આપણા શાસ્ત્ર વિષે : નબળી, નરમ અને ઝપાટા ન ખમી શકે એવી શક્તિને આપણામાં ડાબી (વામ) એવી સંજ્ઞાથી જાણેલી છે. એથી ઊલટી સબલ કઠોર, અને સર્વ વ્યવહારમાં તત્પર શક્તિને જમણી એવી સંજ્ઞાથી જાણેલી છે. આ પ્રમાણે સ્ત્રીને "વામા" કહેવામાં માત્ર તેનો સ્વભાવ અને ધર્મ, જે આગળ કહ્યું તેમ પોષકરૂપ છે તે બતાવવાની મતલબ રહેલી જણાય છે. આ અર્થસંકલના ઉપરથી જ "વામ" એટલે સુંદર–મૃદુ–એ તાત્પર્ય ગ્રહણ થઈ શકે છે. મૃદુતા, લાલિત્ય, સૌંદર્ય અને નિર્બળતા, નિરાધારતા, એ ઉભયનો આ સ્થળે નિકટ સંબંધ છે. ઉત્પાદકશક્તિરૂ૫ પુરુષ જે અત્યંત મહેનત અને બલથી જ પોતાનું કાર્ય કર્યાં જાય છે, તેનાથી પોષકશક્તિસ્વરૂપ સ્ત્રી જે માત્ર પ્રેમથી, સંભાળથી પોષણ કરે છે તે વિશેષ નબળી–વામ છે. એક પગલું આગળ જવાથી બાકીનો હેતુ યથાર્થ જણાશે. ઉત્પાદકશક્તિ કરતાં પોષકશક્તિ વધારે જરૂરની છે. ખેતરમાં દાણા વાવ્યા પણ તેને પોષણકર્તા ખાતર, પાણી, તાપ વગેરે ન હોય તો ઊગવાના નહિ; તેમ ખાતર પાણી સર્વ છતાં ઉત્પાદક બીજ ન મળે તો પણ કંઈ ઊગવાનું નહિ. આમ પોષક ને ઉત્પાદકનો અનંતાશ્રય સંબંધ છે, તથાપિ એટલું સ્પષ્ટ જણાયું હશે કે પોષકશક્તિ સ્થિર (passive) છે ને ઉત્પાદકશક્તિ ચંચલ (active) છે. આ પ્રમાણે પોષકશક્તિને ઉત્પાદકશક્તિએ ટકાવી રાખવી જોઈએ અને પોતાનાથી વધારે જરૂરની ગણવી જોઈએ. આપણા શાસ્ત્રમાં સ્ત્રીને ડાબું અંગ ગણવાથી આ સિદ્ધાંતના પ્રથમ અર્ધમાંની મતલબ સૂચવેલી છે; પોષકશક્તિને ઉત્પાદકશક્તિએ ટકાવી રાખવી જોઈએ. ને તે યથાર્થ છે, પણ તેમાંથી બાકીના અર્થનું તરત જ ભાન થતું નથી. હવે પાશ્ચાત્ય લોકનો અભિપ્રાય તપાસીએ. સ્ત્રી અને પુરુષના હક સમાન છે. આવું બોલવું એમ બતાવે છે કે એક વાર હક સમાન ન હતા તે હવે સમાન ગણવા. પણ પોષકશક્તિ ને ઉત્પાદકશક્તિનો જે સંબંધ હવણાં જ બતાવ્યો તે ઉપરથી જણાશે કે એ બેને સમાન તો ગણાય જ નહિ. કદાપિ પુરુષોએ અસલના વખતમાં સ્ત્રીઓને હલકી ગણી તેમને યોગ્ય રીતે પાળી હશે નહિ ને તેથી જ એમ કહેવું થયું હશે કે સ્ત્રીપુરુષના હક સમાન ગણવા જોઈએ પણ સ્ત્રીને અધમ ગણવી એ જેટલી ભૂલ છે તેટલી જ ભૂલ સ્ત્રીને સમાન હકવાળી ગણવી એ પણ છે, આ વાત હવણાં જ વધારે સ્પષ્ટ થશે.

સ્ત્રી અને પુરુષના યથાર્થ ધર્મ તપાસવા જોઈએ અને તેટલા સારુ બંનેના બંધારણની તપાસ કરવી જરૂરની છે. સ્ત્રી જેવી પોષકશક્તિને જરૂરનાં જે સાધનો છે તે સિવાય પુરુષ અને સ્ત્રીના શારીરિક બંધારણમાં તફાવત જાણવામાં આવ્યો નથી. કેટલાક એમ જણાવે છે કે સ્ત્રીના મગજમાંનો પદાર્થ પુરુષના મગજમાંના પદાર્થ કરતાં અર્ધા કે પા શેર ઓછો છે. જો આમ હોય તો એ પુરાવાથી અમારા સિદ્ધાંતને બહુ પુષ્ટિ મળે એમ છે, પણ એ પુરાવો શંકા ભરેલો છે એમ ધારી તેનો ઉપયોગ કરવો યોગ્ય લાગતો નથી, પોષકશક્તિને જરૂરનાં સાધનો સિવાય સ્ત્રી અને પુરુષ વચ્ચે બીજો શારીરિક તફાવત નથી એમ કહ્યું તેથી એમ ન જાણવું કે પોષકશક્તિને જરૂરનાં સાધનો એના શારીરિક બલમાં કાંઈ ફેરફાર કરી શકતાં હશે નહિ. અથવા તે શક્તિનું કાર્ય કરનાર ઇન્દ્રિયોના વ્યાપારને લીધે સ્ત્રીના વ્યવહારમાં હરકત આવતી હશે નહિ. સ્ત્રીના અને પુરુષના હક સમાન ગણનાર એમ કહેવા માગે છે કે પુરુષો નોકરી કરતા હોય તો સ્ત્રીઓએ કરવી. પુરુષો વેપારની પેઢી ચલાવતા હોય તો સ્ત્રીઓએ ચલાવવી, પુરુષો જે જાતની છૂટ લેતા હોય તે સ્ત્રીઓએ લેવી. સ્તન અને ગર્ભાશય એ સ્ત્રીઓના પોષકતંત્રની મુખ્ય ઇન્દ્રિયો છે. ગર્ભાશય જ્યારે ભરાય છે, જ્યારે સ્ત્રી ગર્ભિણી હોય છે, ત્યારે સ્ત્રીને ઘરમાં રહેવું પડે છે ને લગભગ ૬ મહિના સુધી બહારના કામકાજમાં ફરાતું નથી એ જાણીતી વાત છે. પ્રસવ થયા પછી છોકરાની સંભાળ લેવામાંથી તેને અન્ય કાર્ય કરવાનો અવકાશ મળતો નથી. કદાપિ પુરુષો કહેશે કે અમુક સ્ત્રી કરતાં થોડા કામવાળો પુરુષ તેના બાળકની સંભાળ લે તો શી હરકત છે ? એ વાત ખરી પણ બાલકને પોષણ આપવાનું સાધન સ્તન તે તેની માતા પાસે રહ્યું તથા બાલકને પોતાની માને મૂકી બીજા પાસે રહેવાનો સ્વાભાવિક અણગમો હોય છે તેથી પણ એમ બનવું અશક્ય છે. હવે આ જાતની હરકત સ્ત્રીઓને સરાસરી ગણતાં અઢી ત્રણ વર્ષમાં એક વાર આવે છે. તે ઉપરાંત વળી પ્રતિમાસે જે રજસ્રાવ થયાં જાય છે તેથી પણ ૪–૫ દિવસ (ધર્મની અડચણ બાજુ પર રાખતાં) શારીરિક દુઃખ પેદા થાય છે. ને કામકાજમાંથી વેગળે રહેવું પડે છે. સ્ત્રીઓના શારીરિક ફેરફારથી થઈ આવતાં આ બધાં વિપ્ન ધ્યાનમાં લેતાં એમ જણાયા વિના રહેશે નહિ કે જગતકર્તાએ સ્ત્રીજાતિને કોઈ પણ જાતના સખત કામ સારુ બનાવેલી જ નથી. અર્થાત્ તેનાથી નોકરી, વેપાર વગેરે કામો જેમાં એક દિવસની ગેરહાજરીથી હજારો જાતની ઊથલપાથલ થઈ જાય તે થઈ શકે જ નહિ તેને વાતે તેને ઈશ્વરે બનાવેલી જ નથી. આપણને આથી પણ આગળ વિચારતાં એ વાત વધારે સ્પષ્ટ થશે. માણસના મનની શરીર ઉપર અને શરીરની મન ઉપર ઘણી મોટી સત્તા છે એ વાત જાણીતી છે. જો શરીર સારું તો મન સારું અને મન સારું તો શરીર સારું, કેવલ માનસિક–કલ્પિત વ્યાધિથી વિનાશ થયાના દાખલા જેમ થોડા નથી, તેમ રોગી શરીરને લીધે રોગી મનવાળાના દાખલા પણ ઓછા નથી. આ વાતમાં પુરુષ કરતાં સ્ત્રી વધારે જોખમદાર છે. તેના ગર્ભમાં જે બાલક પોષાય છે તેનું રૂપ તેની શક્તિ–માનસિક–પોતાની માના મનોબલ ઉપર આધાર રાખે છે. 'મનમાં હર્ષ કે શોકનો એકાએક ધક્કો લાગવાથી અધુરાઈ ગયાની વાત સર્વના જાણ્યામાં હશે જ. એક સ્ત્રી ત્રીજે મહીને રીંછના બચ્ચાને જોતાં ઘણી જ ગભરાઈ ગઈ અને બીની. તેના પહેલાંનાં ૧૧ છોકરાં ચપલ અને બુદ્ધિશાળી છતાં પણ આ તેનો બારમો છોકરો કેવળ મૂર્ખ જન્મ્યો. તે ચૌદ વર્ષની ઉમર સુધી જીવ્યો ત્યાં લગી રીંછના જેવા ચાળા કરતો.' વળી 'જે સ્ત્રીને પોતાના પતિ ઉપર ઉદાર પ્રેમ હોય અને તે પરદેશમાં દુઃખના ઝપાટા વેઠતો પડ્યો હોય તો, પેલી પ્રેમી પત્નીનું ચિત્ત એની પાછળ ભમ્યાં કરે છે; એના જ રૂપનું ધ્યાન ધર્યાં જાય છે. આવા પ્રસંગમાં જન્મેલું છોકરું બાપને મળતું આવે છે..... જો સ્ત્રી પોતાની જાતને બહુ ખૂબસૂરત કે હોશિયાર માની પોતાના વિચારમાં મગરૂર હોય તો છોકરું તેના પોતાના જેવું થશે. જો સ્ત્રી પોતાના બાપ, ભાઈ, વૈદ, પડોશી, કોઈનું રૂપ વખાણતી હશે અથવા કોઈ કારણથી પણ તેને મનમાં લાવ્યાં કરતી હશે તો તેના જેવું રૂપવાળું પોતાનું છોકરું નીવડશે.' આ રીતે જેનું મન બાલકના રૂપ અને ગુણ ઉપર અસર કરી શકે છે તેને આનંદી, પ્રફુલ્લ અને શાન્ત મન રાખવાની કેટલી જરૂર છે ! સાધારણ વ્યવહારકાર્યમાં પડવાથી મનને જે ખેદ, કોઈ વાર ખેદજન્ય મૃત્યુ, કોઈ વાર હર્ષ, કોઈ વાર આડા અવળા કાળા ધોળા વિચાર થાય છે તેમાંથી દૂર રહેવું સ્ત્રીઓને જેટલું જરૂરનું છે તેટલું બીજા કોઈને નથી. આ ઉપરથી પણ જણાશે કે સ્ત્રી જાતિને ઈશ્વરે કોઈ જાતના પુરુષવ્યાપાર કરવાને સર્જી નથી.

વળી આ વિચાર કરવો પણ જરૂરનો છે. પ્રત્યેક વસ્તુને તેના કર્તાએ એક જ કાર્ય માટે બનાવેલી છે. વૃક્ષને વૃક્ષનું જ કાર્ય છે. પશુનું કાર્ય ઘટતું નથી. પોષકયંત્રને જરૂરનાં સાધનયુક્ત સ્ત્રી અને તે વિનાનો ઉત્પાદક પુરુષ એવાં બે જુદાં સર્જવાની મતલબ બન્ને પાસે એક જ કાર્ય કરાવવાની સંભવતી નથી. એમ હોત તો એમ પણ કહી શકાય કે પુરુષને પોષકયંત્ર અને સ્ત્રીને ઉત્પાદકયંત્ર પણ ઈશ્વરે આપ્યું જ હોત. આ સાધારણ વિચારથી પણ સ્પષ્ટ જણાય છે કે સ્ત્રી અને પુરુષને ઈશ્વરે "સમાન હકવાળાં" સર્જ્યાં નથી.

આમ જ્યારે સ્ત્રીના હક પુરુષના હકની સમાન નથી, અને સ્ત્રી પુરુષથી અધમ પણ નથી ત્યારે પુરુષ પ્રતિ સ્ત્રીનો શો સંબંધ હશે એ જાણવું જોઈએ. એની તપાસ કરતાં પહેલાં મનુષ્યમાત્રમાં મોટામાં મોટું કર્તવ્ય શું છે તથા તે શી રીતે સંપાદન થાય છે તેની તપાસ કરવી ઘટે છે. મનુષ્યને સર્વ કરતાં બુદ્ધિ અને ચૈતન્ય અધિક છે. તેનો સદુપયોગ કરવો એ જ તેનું કર્તવ્ય છે. સર્વ ભૌતિક સાધનો તેના સુખને અર્થે જ સર્જાયેલાં છે. આ ચિત્રવિચિત્ર વિશ્વમાં જન્મ લીધાની શી સફલતા હશે? માણસનું મન પુરાતન કાલથી કોઈ શાશ્વત અવિનશ્વર વસ્તુની શોધમાં ભમ્યાં જ કરે છે. પૃથ્વી, વાયુ, આકાશ, જલ આદિથી પણ તે સંતુષ્ટ થયું નથી. સાધારણ પક્ષ જોતાં પશુપુત્રધનધાન્યાદિકની સંપત્તિથી પણ વિરામ્યું નથી. ધનધાન્યાદિ સંપત્તિની પ્રકૃતિ એવી છે કે અધિક પ્રાપ્તિની સાથે તેમને માટે અધિક ઉત્કંઠા થતી જાય છે. એમાં સંતોષની અવધિ નથી. એમ નિરવધિ અસંતોષથી નિરંતર ઉત્કંઠા ને ચિંતા થયાં જ જાય છે, ને ધનધાન્યાદિક જે આનંદ–કે સુખ આપનાર વિષય તેનાથી જ આખરે નિર્વેદ પેદા થાય છે. તે તેમનો હેતુ–આનંદ–પૂરો પાડી શકતાં નથી. એમ ભૌતિક વિષયનું સુખ ક્ષણિક, અનાનંદકર, અને નિરવધિ અસંતોષ દ્વારા નિર્વેદ પેદા કરવાવાળું છે. એને મૂકીને માણસ અનંત સુખ ક્યાં ખોળે ? એવું કયું સુખ મળે કે જેમાં ખામી ન હોય અને જે સ્વતઃ પરિપૂર્ણ અખંડ આનંદમય અબાધ હોય ? એ આનંદ બાહ્ય નથી, અબાહ્ય છે. શરીરની બહારના વિષયમાં નથી, શરીરમાં છે : આત્માના જ્ઞાનથી થતો આનંદ અખંડ, અબાધ, સ્વપૂર્ણ, અનંત છે. એ આત્મા સ્વપરતા તજી સર્વ સ્થલે પોતાના જ સ્વરૂપની પ્રતીતિ ભાળતો થાય તે એ આનંદની સીમા કહીએ તો ચાલે. એ પક્ષને અનુસરી સંસારમાં ભિન્ન ભિન્ન ભાસતા આત્મા આત્માનો યોગ પણ આનંદકારક અખંડ અનંત છે; એ જ પરમાત્મજ્ઞાનનું પ્રથમ પગલું છે. પારકાને પોતાનું કરવું, પોતે પારકા થવું, એ સંબંધમાંનો આનંદ અતુલ છે. સંસારમાં જો કહીં પણ આનંદસુખની પ્રતીતિ થતી હોય તો તે અહિંયાં જ છે. એ આનંદ પેદા કરનાર વિષય જે આત્મા તે ઇન્દ્રિયગ્રાહ્ય ન હોવાથી કોઈ પણ ઇન્દ્રિયને નિર્વેદ પેદા કરતો નથી. કેવલ જ્ઞાનગ્રાહ્ય હોવાથી આનંદ માત્ર જ ઉપજાવે છે. આત્મા ને આત્માનો અભ્યાસ અનિર્ભિન્ન ચાલ્યાં જાય છે ને પ્રેમમય આનંદ ઊપજી અંતે બે ભિન્ન ભાસતા આત્માની એકતા થાય છે. આ પ્રમાણે મનુષ્ય પોતાની સ્વાર્થવૃત્તિ તજીને પરમાર્થને માર્ગે ચડે છે. આમ એક એકના આત્માના યોગથી ઉત્પન્ન થતા સુખની સમાન અન્ય સુખ નથી, એથી સર્વ સંસારી સુખ નીચાં છે એ આપણે સિદ્ધ રીતે સમજી શકીએ છીએ, તેમજ મનુષ્યના જન્મનું સાફલ્ય પણ એ જ વૃત્તિ સર્વ જોડે કરી आत्मवत् अर्वभोओतेषु વ્યવહાર કરવામાં અને સર્વવ્યાપી પણ અલિપ્ત પરમાત્મામાં એ પ્રકારે લય પામી સંસારમાત્રથી મુક્ત થવામાં રહ્યું છે. જ્યાં સુધી આ વૃત્તિનું પ્રબલ માણસનામાં થયું નથી ત્યાં સુધી તે પોતાના ઈશ્વરી સ્વભાવ ઉપર નથી ગયો એમ જાણવું. એ વિનાના જેટલા વિકાર એનામાં જણાય છે તે એની પશુવૃત્તિમાંથી પેદા થયા છે એમ સમજતાં કાંઈ બાધ નથી. જેમ જેનામાં આ પ્રકારની વિશેષ પ્રેમવૃત્તિ તેમ તેનામાં અધિક ઐશ્વર્ય, તેમ તેનામાં ખરો, પુરુષાર્થ, તેમ તેનામાં વિશેષ ધર્મ અને સુખ. ટૂંકમાં કહેવાની મતલબ એવી છે કે મનુષ્યનું કર્તવ્ય પ્રત્યેક જાતની પ્રવૃદ્ધિ (progress) કરવી એવું છું; અને દિનપ્રતિદિન પ્રેમવૃત્તિને પ્રબલ કરી નીતિમાં સંપૂર્ણ થવાનું, તથા સ્વાર્થબુદ્ધિને પરમાર્થબુદ્ધિના તાબામાં લેઈ, અબાધ સર્વાધાર પરમતત્ત્વમાં નિશ્ચલ થઈ મોક્ષ પામવાનું છે.

જ્યારે મનુષ્યનો ધર્મ પ્રેમવૃત્તિના બળે કરીને સ્વાર્થબુદ્ધિને પરમાર્થબુદ્ધિના તાબામાં લેવાનો જ છે, ત્યારે આપણે તપાસવું જરૂરનું છે કે આ પ્રેમવૃત્તિ શી રીતે પ્રબળ થાય, ક્યાંથી પુષ્ટિ પામે ? આ સવાલનો નિર્ણય કરવા માટે સ્ત્રી અને પુરુષના માનસિક તફાવતની સૂક્ષ્મ દ્રષ્ટિએ શોધ કરવી જોઈએ. ‘સ્ત્રીનું રસેંદ્રિય (લાગણી Feeling) બહુ પ્રબળ છે. સ્ત્રીના કરતાં પુરુષ જેટલો શરીરબલમાં ચઢિયાતો છે તેટલી જ સ્ત્રી પુરુષના કરતાં પ્રેમવૃત્તિમાં ચઢિયાતી છે. આવી જાતિનું માનસિક બલ જ્યારે એનો સમાગમ–સંબંધ થાય ત્યારે અસર કરી શકે. પુરુષ અને પુરુષની મૈત્રી થાય, સ્ત્રી અને સ્ત્રીની મૈત્રી થાય તે કરતાં સ્ત્રી અને પુરુષની મૈત્રી વિશેષ જરૂરની અને વધારે દ્રઢ નીવડી શકે. શારીરબલપ્રધાન પુરુષને માનસિકબલપ્રધાન સ્ત્રી વિના, તેમજ માનસિકબલપ્રધાન સ્ત્રીને શારીરબલપ્રધાન પુરુષ વિના ક્ષણ પણ ચાલે તેમ નથી. બન્નેના સ્વભાવને પરિપૂર્ણ કરવા માટે એ બન્નેનો સંબંધ અવશ્યનો છે. સ્ત્રી અને પુરુષનાં બંધારણ શારીરિકમાનસિક જુદી જુદી જાતિનાં હોવાથી તથા તેમને કરવાનાં કાર્ય પણ ભિન્ન હોવાથી તેમની વચ્ચે કોઈ જાતની સ્પર્ધા ઉત્પન્ન થવાનો સંભવ આવતો નથી. જો બન્નેને એક જ કાર્ય કરવાનું હોય, અથવા બન્નેની દ્રષ્ટિ એક જ ઉત્કર્ષ ઉપર લાગુ થયેલી હોય તો તેમની વચ્ચે સ્પર્ધા થવાનો વધારે સંભવ અને તેથી મૈત્રીની વધારે શિથિલતા; વાસ્તે સ્ત્રી અને પુરુષ જેવાં સ્વભાવમાં ને તેથી કરીને વ્યવહારમાં કેવલ જુદાં પડતાં મનુષ્યનો સંબંધ અખંડ આનંદ પેદા કરે તેવો છે ને તેને ખંડિત થવાનો ભય અભાગ્યે જ આવી પડે છે. આવો સંબંધ જો અન્યોન્યની સંમતિથી ને ઇચ્છાથી થતો હોય તો પછી બાકી જ રહે નહિ. પ્રત્યેક મનુષ્ય જન્મે ત્યારથી કોઈ કોઈ મનુષ્યના સંબંધમાં તો આવ્યાં જ જાય છે. આવી તરેહના સંબંધથી ધીમે ધીમે પોતાની સ્વાર્થબુદ્ધિ છૂટતી જાય છે. પોતા ઉપર જ લાગી રહેલા વિચાર અળગા થઈ પારકા ઉપર વળવા માંડે છે. પુત્ર તરીકે માન, આજ્ઞાકારિત્વ વગેરે શીખતાં એથી ઊલટી સ્વાર્થબુદ્ધિ તજવા માંડે છે. ભાઈ ભાંડુ મિત્ર વગેરેના સંબંધથી હૃદયકોશનું ઉદ્‌ઘાટન થવા માંડે છે. પછીથી પરણવાનો સમય આવે છે. “આપણા ધર્મની કેળવણીનું મહત્ ફલ જે સમાન પ્રેમ તે પામવાનું આ પહેલું પગલું છે. જે માણસ પોતાના ઊંડામાં ઊંડા મર્મના મિત્ર તરીકે પસંદ કરેલી સ્ત્રી ઉપર જ પ્રીતિ રાખી શકતો નથી તે માણસ જ્યારે આટલા બધા અજાણ્યા જગત ઉપર સમાન પ્રીતિ રાખવાની વાત કરે ત્યારે માની પણ શકાય નહિ. માણસના હૃદયની સ્વાભાવિક સ્વાર્થબુદ્ધિ ઘસાઈ જવા માટે એક જ વસ્તુ ઉપર સજ્જડ જોડાઈ રહેલા અખંડ પ્રેમની મદદની જરૂર છે. ઉદાર અને ઊંડા પ્રેમનો જાતે અનુભવ કરતાં કરતાં આપણે પ્રેમવૃત્તિને એટલી સબળ કરી શકીએ છીએ કે પ્રાણીમાત્ર તરફ તે સમાન અને સુદ્રઢ રહે છે.” આવી રીતનો પ્રેમ એક વાર ઉત્પન્ન થયા પછી તેનો આનંદ એટલો મધુર અને હૃદયવેધક લાગે છે કે તે આનંદની અવર્ણ ખૂબીથી જ તે પ્રેમ નિરંતર જાગૃત રહ્યાં જાય છે. આવી પરિપૂર્ણ મૈત્રીને માટે જાતિનો ભેદ (સ્ત્રીપુરુષ) જરૂરનો છે. જેટલો વિશ્વાસ આવા સંબંધથી અન્યોન્ય ઉપર ઊપજે છે તેટલો વિશ્વાસ બીજા કોઈ સંબંધથી ઊપજતો નથી. માણસ જે અવિચ્છિન્ન અચલ સુખ આ જગતમાં ભોગવી શકે તે આ સંબંધમાંથી જ ઊપજે છે, કારણ કે પારકાના આનંદ માટે પોતે જીવવું એથી ઊંચું બીજાં સુખ હોઈ જ શકે નહિ. આપણા શાસ્ત્રમાં પ્રત્યેક ગૃહસ્થને ચાર આશ્રમ પાળવાના કહેલા છે. તેમાંનો બીજો ગૃહસ્થાશ્રમ છે. ગૃહસ્થ થયા વિના ત્રીજો વાનપ્રસ્થાશ્રમ ને ચોથો સંન્યસ્ત તે ગ્રહણ થતા નથી. આમાં પણ ઉપર જણાવેલી જ મતલબ હોવી જોઈએ, ગૃહસ્થાશ્રમમાં રહી સ્ત્રીના સમાગમ વડે પ્રેમવૃત્તિને સબલ કરી, आत्मवत् सर्वभूतेषु પોતા સમાન ભૂતમાત્રને ગણાવનાર વાનપ્રસ્થ સંન્યસ્તાદિ આશ્રમ તેમાં પ્રવેશ કરવો. આ પ્રમાણે સ્ત્રીને પ્રેમનો ઝરો માનેલી છે. તે જ પુરુષને કેળવી અને તેના શારીરબલનો તથા માનસિક બુદ્ધિનો પરમાર્થે ઉપયોગ કરતાં શીખવે છે. સ્ત્રીવર્ગની પત્ની તરીકે કેટલી મહત્તા છે તે આવા કોઈક વિચારથી સમજાય છે. હવે સ્ત્રીઓની માતા તરીકેની મહત્તા અને ધર્મ તપાસીએ. “નીતિના ધર્મ અને સાદા નિયમો મનમાં ઠસાવવાની સ્ત્રીઓની વિશેષ બુદ્ધિ દરેક વિદ્વાન પુરુષે વખાણેલી છે. સ્ત્રીનું રસેન્દ્રિય પુરુષ કરતાં વિશેષ બલવાળું હોવાથી તે સામાનામાં રસેન્દ્રિયનું બલ જલદી પેદા કરી શકે છે....... ધર્મ અને નીતિની બાબતમાં એવું છે કે માણસના મનમાં જે વિચારો પ્રથમથી અસ્તવ્યસ્ત ગબડ્યાં કરતા હોય તેને પાછળની કેળવણી વધારે શાસ્ત્રીય આકારમાં ગોઠવી દે છે. આટલા માટે રસેન્દ્રિયને સર્વથી પહેલાં કેળવવું જોઈએ. અને શાસ્ત્રીય કેળવણી આપવા માંડતા પહેલાં પ્રત્યેક રસેન્દ્રિયને સ્વતંત્ર સ્કૂર્તિ આપવી જોઈએ. આવી રીતે રસેન્દ્રિયને પ્રથમથી ખિલવવાનું કામ સ્ત્રીઓનું છે. નાની નાની બાબતોમાં બાળકને યથાર્થ માર્ગે ચલાવવાની ટેવ પાડવાથી આ જગતના વ્યવહાર બળે તેના મનમાં સ્વાર્થ ને પરમાર્થની જે ભારે ગરબડ ચાલનાર છે, તેમાં સત્ય પક્ષે ઊતરવાનું તે શીખે છે. આવી બાબતોમાં સારામાં સારો શિક્ષક પણ સારી માતાના કરતાં ઊતરતો છે. રીતસર શિક્ષણ આપ્યા વિના માતા દરેક નાના મોટા પ્રસંગે પોતાના બાળકને ઉદારતાનો આનંદ, અને સ્વાર્થબુદ્ધિના સંકોચનો શોક નિરંતર સમજાવ્યાં જ જશે. આ પ્રમાણેની માતાની સત્તા વિચારતાં આપણે સ્વાભાવિક રીતે સ્ત્રીઓની પત્ની તરીકેની સત્તા ઉપર ઊતરી શકીએ છીએ. લગ્ની વય થતા સુધી માતા પોતાના બાળકની સંભાળ રાખે છે. લગ્ન કરતા સુધી પુરુષના ઉપર સ્ત્રીની જે સત્તા ચાલતી હતી તે પોતાનાથી અજાણ હતી – સ્વીકૃત ન હતી. પણ લગ્ન કર્યાથી પુરુષ પોતાની ખુશીથી ને ઇચ્છાથી પોતાની બાકીની જિંદગી પર્યંત બીજી સ્ત્રીના તાબામાં જાય છે. આ પ્રમાણે પુરુષો પોતાની નીતિની કેળવણી - જે સ્ત્રીઓના હાથ નીચે લેવાની તે પરિપૂર્ણ કરે છે.” માતાની આ વિશેષ અસર અને સત્તાની પુષ્ટિમાં એટલું જ કહેવું જરૂરનું છે કે ઇતિહાસમાં જે મહાન પુરુષોનાં નામ સાંભળીએ છીએ તેમની મહત્તા વિશે તપાસ કરતાં તે પ્રત્યેકની માતા ઘણી મનોબલવાળી અને વિદ્વાન માલૂમ પડે છે.

પ્રત્યેક મંડલની નીતિનું મોટું યંત્ર સ્ત્રી છે. મનુએ પણ પોતાની સ્મૃતિમાં કહ્યું છે, કે જ્યાં સ્ત્રીવર્ગની સ્થિતિ અધમ છે ત્યાં ધર્મ નથી. આ પ્રમાણે નીતિને માર્ગે દોરનાર સ્ત્રી પોતાનું બલ યથાર્થ રીતે ચલાવી શકે તેટલા માટે જરૂરનું છે કે તેણે દુનિયાના પુરુષવ્યાપારમાંથી વેગળ રહેવું. સંસારવ્યવહારથી માણસનાં મન બૂઠાં થઈ જાય છે. અને રસેન્દ્રિય બહેર મારી જાય છે. સ્ત્રી જેનું વિશેષ બલ રસેન્દ્રિય અને પ્રેમમાં રહેલું છે તેને વ્યવહારમાં પડવાનું કેટલું ભયભરેલું છે એ હવે સ્પષ્ટ જણાયું હશે. વળી રસેન્દ્રિયની નિરંતર શુદ્ધતામાં તો વ્યવહારથી મોટામાં મોટો વાંધો આવી જાય છે; કારણ કે વ્યવહારપક્ષે માણસની સ્વાર્થબુદ્ધિ પ્રબલ વર્તે છે. કોઈ જોખમદારીની સ્થિતિમાં સ્ત્રીથી રહી શકાય તેમ નથી કારણ કે તેના મનમાં સ્નેહની ને કરુણાની લાગણી બહુ પ્રબલ છે તેથી તેનામાં ઘણું કરીને બલ વીર્ય થોડું હોય છે; અને આવા કારણથી મનને વિકારી કરી નાંખનાર સત્તાની સામે તે ઝાઝું થઈ શકતી નથી. જો સ્ત્રીઓ પુરુષવ્યવહારમાં પડે તો એક તરફથી દરેક ધંધાની અંદર તેમના હરીફ તેમને છેક હરાવી દે એવા જબરા નીકળે, અને બીજી તરફથી આ હરીફાઈને લીધે સ્ત્રીપુરુષના અન્યોન્ય પ્રેમભાવનું ઝરણ છૂપી રીતે મલિન થવા માંડે.

સ્ત્રીવર્ગની જરૂર તથા તેનું કર્તવ્ય આપણા સમજવામાં આવ્યું. તેમ તેની વ્યવહાર માટે અશક્તિ અને અયોગ્યતા પણ આપણે દીઠી. ત્યારે હવે એક જ વાતનો વિચાર બાકી રહ્યો છે. સ્ત્રીઓનું પોષણ કોણે કરવું ? આગળ જે દલીલો આપવામાં આવેલી છે તે ઉપરથી જણાશે કે સ્ત્રીએ પોતે પોતાનું ગુજરાન કમાઈ લેવું એવી જગન્નિયંતાની ધારણા હશે નહિ. પ્રેમપોષકયંત્ર જે સ્ત્રી, તેને ઉત્પાદકતંત્ર પુરુષે પોષવી જોઈએ એ સિદ્ધાંત સહજ જ નીકળી આવે છે. સ્ત્રીની પુરુષને પોતાનું જીવતર પૂર્ણ કરવાને, ને પુરુષની સ્ત્રીને પોતાના શારીરબલવ્યાપાર કરવા માટે અગત્ય છે, તથાપિ સ્ત્રી માનસિક પ્રેમમાં ચઢે છે માટે તે પુરુષ કરતાં ઊંચા વર્ગની છે. માટે જ દરેક પુરુષે પોતાની પસંદ કરેલી સ્ત્રીનું રક્ષણ અને પોષણ કરવું એ તેનું કર્તવ્ય છે. આ ઉપરાંત સર્વ પુરુષોએ પણ સ્ત્રીવર્ગનું રક્ષણ કરવાની જવાબદારી પોતાને શિરે ધારવી ઘટે છે. જેને માબાપ અથવા પતિ ન હોય તેવી સ્ત્રીઓનું રક્ષણ મંડલ સમસ્તે કરવું ઘટે છે. તે એટલા સારુ કે તેઓ મંડલ સમસ્તની નીતિ વધારવામાં ઉપયોગી થઈ પડે અને અમૂલ્ય મદદ કરે.

આગળ કહ્યા તેવાં મહાન કાર્ય માટે સર્જેલી સ્ત્રીઓ પોતાના સ્વાભાવિક ગુણને યથાર્થ રીતે અમલમાં શી રીતે લાવી શકે એ સવાલ વિચારવાનો રહ્યો છે. અનુભવ સમાન આ જગતમાં બીજો શિક્ષક નથી; પણ સ્વાનુભવ અને અવલોકનની ટેવ પણ વયોવૃદ્ધ પુરુષો પાસેથી શીખવી પડે છે. આટલા સારુ વિદ્યાલયો સ્થાપી સ્ત્રી અને પુરુષોને ભણાવવામાં આવે છે. આજ કાલ કરતાં ઘણાંએક વર્ષથી કન્યાશાલાઓ સ્થપાઈ છે ને સ્થપાય છે પણ સ્ત્રીકેળવણીનો પ્રસાર ઇચ્છીએ તેટલો કે હિસાબમાં લેખીએ તેટલો થયો નથી; તેમ જે થયો છે તેનાં પરિણામ પણ સંતોષકારક નીવડ્યાં નથી. લોકો સ્ત્રીશિક્ષણનો લાભ લેવાને ઉલટ દેખાડતા નથી એટલું જ નહિ પણ ઘણાના દિલમાંથી સ્ત્રીશિક્ષણ અનીતિએ લેઈ જનાર છે એ વિચાર પણ નિવૃત્ત થયો નથી.

સ્ત્રીને કઈ જાતની કેળવણીની જરૂર છે એ આપણે પ્રથમ વિચારવું જોઈએ. જેને જે જાતનું કામ કરવાનું હોય તેને તે જાતના કામમાં ઉપયોગની થઈ પડે તેવી શિક્ષા જોઈએ. મનુષ્યમાત્રનું કર્તવ્ય (૧) આ જગતમાં સુખમાં રહેવું તથા બને તેટલું સુખ પ્રવર્તાવવું – એટલે સુધી કે – સર્વ જાતની વૃદ્ધિ પામતાં પામતાં; (૨) પરમસુખ, જે સર્વ વિશ્વવ્યાપી પરમાત્મા એ નામથી ઓળખાતા મહાધારમાં લય પામી અચલ આનંદમાં રહેવાનું, તે પામવું. આ વિચાર આપણે આગળ કરેલો છે. ને તેનો ફલિતાર્થ એ જ છે કે મુખ્ય હેતુ તે બીજો છે ને પ્રથમ હેતુ તેને અનુસરીને વર્તે છે એટલે ગૌણ છે. સ્પષ્ટ રીતે કહીએ તો જેથી બીજો હેતુ સિદ્ધ થવામાં વિરોધ આવે એવાં પ્રથમ હેતુ સાધતાં વાપરેલાં સાધન આપણે સ્વીકારવાં નહિ. આ સિદ્ધાંત પ્રમાણે વસ્તુની યોગ્યતા તપાસતાં, પ્રેમ દ્વારા પરમ પ્રેમમાં લઈ જનાર સ્ત્રી ઠરેલી છે. આ જગત પરત્વે તેનું બલ અને તેનો ઉપયોગ – પ્રેમમાં છે. એમ જોતાં સ્ત્રીના કર્તવ્યની મુખ્ય અવસ્થા બે થાય, પત્નીત્વ અને માતૃત્વ. પત્નીત્વને લાયક કરનાર જે સાધનરૂપ અવસ્થા–બાલ્ય–તેનો તથા પતિના મરણથી પ્રાપ્ત થતા એકાન્ત (છોકરાં વગેરે ન હોય તેવું) વૈધવ્યનો પણ સમાવેશ પત્નીત્વમાં કરીએ છીએ. ઉભય અવસ્થામાં પ્રેમ એ અનુગત છે; અર્થાત્ સ્ત્રીનું પ્રથમ ને મુખ્ય કર્તવ્ય પ્રેમનો વ્યવહાર એ જ છે. તો આ ગુણ દૃઢ થાય, ને વિશેષ ઉદ્દીપ્ત થાય તેમ કરવું એ સ્ત્રીકેળવણીનું પ્રથમ પગલું હોવું જ જોઈએ. પ્રથમ નિયમ તો એ નીકળ્યો કે જેથી કરી સ્ત્રીનું હૃદય વધારે કોમલ, વધારે પ્રેમાલ, અને તેથી કરીને વધારે નીતિમાન, ભક્તિમાન અને આસ્તિક થાય એવી કેળવણીની તેને ખરેખરી જરૂર છે. બીજાં તેને આ પ્રેમબલના આધારે ત્રણ જાતનાં કામ કરવાનાં છે : (૧) પોતાનો વિશેષ સુધારો, (૨) પોતાની પાસે નિકટ સંબંધવાળાં માણસ તરફ પોતાની ફરજ, (૩) પોતાના સિવાય બાકીના જગત પ્રતિ ધર્મ. આ ત્રણે કર્તવ્યનું નામ વ્યવહાર એવું આપીએ. વ્યવહારને માટે એક બીજાના અભિપ્રાય સમજવા તથા પોતે પણ વિચાર કરી જાણવો એ જરૂરનું છે તો ભાષાજ્ઞાન, તથા ગણિત, અને ઇતિહાસ તથા તે સર્વ કરતાં શાસ્ત્રજ્ઞાન (Science) એ ઘણાં જરૂરનાં છે. વળી આસપાસના વિશ્વચમત્કાર સમજવા અને તે ઉપર વિચાર કરી, પોતે તે જ્ઞાનનો ઉપયોગ કરી બીજાને ઉપયોગ કરાવવો એ પણ આ ઠેકાણે જરૂરનું છે. ને આટલા માટે ભૂતલવિદ્યા(physical geography)નું જ્ઞાન પણ આવશ્યક છે. ધર્મજ્ઞાન, વ્યવહારજ્ઞાન, અને કર્મજ્ઞાન અથવા જેથી ઉપજીવિકા સિદ્ધ થાય તે વિષયનું જ્ઞાન એ ત્રણ મળી કેળવણીનો વિષય પૂરો થાય છે. ઉપયોગ પક્ષે જોતાં કર્મજ્ઞાન પછી વ્યવહારજ્ઞાન ને પછી ધર્મજ્ઞાન એમ જોઈએ; પણ એ ત્રણના મુખ્ય અને ગૌણ ભાવ તરફ જોતાં ધર્મનો નિર્ણય થાય તો જ વ્યવહાર સારો થાય, વ્યવહાર સારો તો જ કર્મ શુદ્ધ.

પ્રથમ કર્મ : – સ્ત્રી જાતિને પોતાનું પોષણ કરવાની મુખ્ય ગરજ નથી; પણ વૈધવ્ય વગેરે પ્રસંગોમાં તે જરૂર પડે ખરી. તથાપિ તેણે જે સામાન્ય પક્ષે કર્મજ્ઞાન મેળવ્યું હશે તે જ તેના ધર્મજ્ઞાનના બલથી તેને પૂરતી ઉપજીવિકા મેળવી આપશે. આટલા સારુ સમર્થ પુરુષ વ્યાપાર–વેપાર, વેપારને લગતું યંત્ર શાસ્ત્ર વગેરે - સ્ત્રીઓએ મુખ્ય રીતે શીખવાં જ એ આવશ્યક નથી.

બીજો વ્યવહાર : જે મહાવૃત્તિ–પ્રેમ–ના અભાવે અનેક જાતનાં દુઃખ ઉત્પન્ન થાય છે તે પ્રબળ કરવા ઉપર સર્વથા લક્ષ હોવું જોઈએ, ને તેની સાથે જ શાસ્ત્રનું (science) જ્ઞાન એવું આપવું કે જેથી કરીને ઊછરતી સ્ત્રીઓ પોતાનાં સર્વ કર્તવ્યમાં સુખથી પ્રવૃત્તિ કરી શકે, કેવલ વાચન લેખન એ કેળવણી નથી. મરી જતાં બાળકની હેડકીઓ ગણતી યુવતીને, પુત્રના વ્યસનથી બળીને ક્ષીણ થતી માતાને, કે પુત્રીની હઠીલાઈથી થતા જમાઈના ત્રાસથી ખેદ પામતી ડોસીને સાતમી ચોપડી વાંચવાથી કે હિંદુસ્તાનના પાદશાહનાં નામની માળા ફેરવવાથી થોડો જ લાભ થવાનો છે. પોતાનું શરીર એ શાનું બનેલું છે ને કેમ ચાલે છે (physiolgy), અને તે કેમ સચવાય છે (medicine) તે સમજ્યા વિના કોઈ પણ સ્ત્રી બાલકને કેમ ઉછેરી શકવાની ? અમુક ટેવ કેમ પડે છે કે અમુક વૃત્તિ કેમ દોડી જાય છે તે (psychology) જાણ્યા વિના પોતાના બાલકને વારંવાર ‘હાઉ' બતાવીને ત્રાસ પાડનારી, અથવા, કેવલ હાથના બલથી જ નીતિમાં પકડી રાખનારી, માતા બાલકના અંત:કરણને શી હાનિ કે લાભ કરે છે તે કેમ સમજાશે ? પોતાના મન ઉપર કબજો ન રાખતાં, તેમજ વ્યય કરવામાં યોગ્યતા અથવા શક્તિનો (domestic economy) વિચાર ન કરતાં, રોજ ચંદનહાર અને ચીનાઈ સાડીને માટે કંકાસ કરી પોતાના સંબંધીઓને શું ખેદ પેદા કરતી હશે તેનું અનુમાન પણ કેમ કરી શકશે ? જાતે નાનાં નાનાં ગૃહકર્મમાં (house management) કુશલ ન હોવાથી તથા મોટાઈના ખોટા વહેમ મનમાં ભરાયાથી તે કેટલું નુકસાન વેઠતી હશે, છેતરાતી હશે, ઠગાતી હશે, બીજા પાસે તેવાં કામ કરાવવાનાં સાધન ન હોવાથી દુઃખ પણ શું પામતી હશે તેનો આપણને ક્યાંથી ખ્યાલ આવી શકે ? આ બધા ઉપરાંત સ્ત્રી પોતાની હઠીલાઈથી, અનુદારતાથી, અસદવૃત્તિથી, ટૂંકામાં સર્વને આહલાદકારક ચંદ્રપ્રકાશવત્ પ્રસરતા અગાધ પ્રેમના તેજ વિના, કેવી કાલરાત્રિરૂપ કંકાસની જ છબી બની રહેતી હશે તે કોણ સમજી શકે ? આ રીતે અવલોકન કરતાં વ્યવહારપક્ષનો બીજો વિષય જે પોતાની સંબંધી તરફની ફરજ તે અદા કરવાની કેળવણી કેવી હોવી જોઈએ તે સમજાય છે. તેની જ સાથે તેની ઉદારતા, તેની નીતિ, અર્થાત્, તેની જગત પ્રતિ વર્તણૂક – તે પણ તપાસી લઈએ. નીતિ તે શું ? જે સારું તે નીતિવાળું ને નઠારું તે અનીતિવાળું. પણ સારું શું ? જેથી જગતમાં જાતને સુખ થાય તે. પરણવું તે જાતે સુખી થવા માટે જ. ધણી ઠીક ન પડ્યો તો બીજો કરાય જ – સુખ માટે. મરી ગયો તો પુનર્લગ્નમાં તો વાંધો જ શાનો ? સુખ માટે. આ બધી નીતિ આપણી નથી, પારકી છે. આપણા લોક – એટલે આર્ય લોક – જાતના સુખને મુખ્ય નથી માનતા પણ જગતના સુખને મુખ્ય માને છે. ને બોધ કરે છે કે જ્યાં સુધી “હું” એ શબ્દ વિષેનો વ્યવહાર બધા જગતથી ભેદ રાખીને કરવામાં આવે ત્યાં સુધી નીતિ પાકી નથી થઈ એમ જાણવું. જ્યાં સુધી મને સુખ તે જગતમાત્રને, ને જગતમાત્રને દુઃખ એ મને એ વૃત્તિ દૃઢ થઈ નથી ત્યાં સુધી નીતિની વાત નકામી જેવી જ છે. આ જ આપણા ધર્મનો સિદ્ધાંત છે ને તેને વળગી રહેવાથી ઉદય જ થાય છે. એ સિદ્ધાંતમાં બતાવેલી નીતિ ઐહિક કહો કે પારલૌકિક કહો પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે એ તો નિશ્ચય. અમુક માણસે પોતાના ઉપર જ દૃષ્ટિ રાખી તે સધાય એવી જે નીતિ લેવી એ, (જોકે આજકાલની કેળવણીમાં તો તે જ બીજા આકારમાં પણ પ્રધાનપણે વર્તે છે) અનાર્ય અને આડે માર્ગે લઈ જનાર છે. હવે વિશેષ વિચાર કે : જેવો માણસનો અંત્યફલનો વિચાર તેવી તેની નીતિ. જે પોતાનું જ સુખ ચહાય છે તે તેવી જ નીતિ લેવાનો; જે પરમ સુખ ચહાય છે તે તેવી લેવાનો. આ બે મોટા નીતિના ભેદ છે ને પાશ્ચાત્ય દેશોમાં ને અત્રત્ય દેશોમાં એ જ ભેદને ધોરણે વ્યવહાર, રૂઢિ, ધર્મ વગેરેના પ્રસિદ્ધ તફાવત પડી ગયા છે. જ્યાં સુધી સનાતન ધર્મની નીતિએ માણસ ચઢે નહીં ત્યાં સુધી બીજા નીતિમાર્ગમાં ગયાનાં પરિણામ હાલની સ્ત્રીકેળવણીનાં જે થયાં મનાય છે તેવાં જ થવાનાં. જેમ ધર્મનું નામ સાંભળીને કાન ઢાંકવા, જ્ઞાતિભેદ ન ગણતાં અમર્યાદ થવું, કે બુટ મોજાં પહેરીને અંગ્રેજીમાં તડાકા મારવા એ સુધારો નથી; તેમ જેની તેની સાથે પટપટ જવાબ દેવા, તરત તરત વહાલા મિત્રોને આમંત્રણ કરવાં, સંબંધીઓને મોઢે મિઠાશ ને પાછળ ગમે તેમ એમ રાખવા, એ તથા ચળકતી સાડી, બુટના ચમચમાટ અને પંખાના ધીમા પવન એ સ્ત્રીકેળવણી પણ નથી જ; ખરી કેળવણી સ્વધર્મ પાળી, પરમધર્મ પામવામાં રહેલી છે ને તે આગળ જણાવેલે રસ્તે નહિ આપવામાં આવે ત્યાં સુધી કદાપિ પરિપૂર્ણ થનાર નથી એમ અમારું મત છે. ગીતામાં પણ કહ્યું છે કે स्वधर्मे निधनं श्रेय: परधर्मो भयावह: પોતાના જ ધર્મમાં રહીને મરવું તે સારું છે, પણ પારકા ધર્મમાં પડવું એ હાનિકારક છે. આ રીતે જણાવેલી શાસ્ત્રીય (scientific) અને નીતિની કેળવણી જ્યાં સુધી સ્ત્રીઓને આપવામાં આવશે નહિ અને કેવલ પારકા ઉપર જ આધાર રાખવામાં આવશે, ત્યાં સુધી આપણા સ્ત્રીવર્ગની સ્થિતિ છે તેથી પણ વિશેષ અધમ થવાનો ભય વધતો જ જવાનો.

વ્યવહારજ્ઞાનનો વિષય તપાસતાં નીતિમાર્ગને માટે જે કહેવામાં આવ્યું તેના સંબંધમાં હજુ કેટલીક વિશેષ બિના જણાવવાની જરૂર છે. જેને સનાતન નીતિ એમ કહી શ્રેયના સુલભ અને નિશ્ચિત માર્ગ રૂપે વર્ણવી તેવી નીતિ પ્રાપ્ત કરવા માટે શિક્ષણનો પ્રકાર અમુક રીતિનો જોઈએ એમ કહેવામાં આવ્યું. એ વાજબી છે, તથાપિ તેમાં નીતિ કઈ રીતે સારી સમજાવી કે શીખવી શકાય એ સમજવું આવશ્યક છે. નીતિ વિષેના પાઠ ગોખાવવાથી નીતિ સારી નીવડશે, કે માર મારવાના ડરથી કે એવા જ લાભ અલાભના નિયમથી નીતિ સુધરશે, કે સારાં જીવનચરિત્રો વંચાવવાથી જ નીતિ દૃઢ થઈ આવશે ? નીતિપાઠ ગોખવાથી તો નીતિનાં ભાષણ કેમ કરવાં તથા ઘણામાં ઘણી ઉત્તમ નીતિનો ડોળ કેવો રાખવો એ જ્ઞાન દૃઢ થશે ખરું, પણ તેથી જે અંતઃકરણને કેળવવાની ધારણા ને સન્માર્ગે પ્રવૃત્ત થવાની આશા તે સફલ થનાર નહિ. તેમજ કેવલ ભયથી જ નિયમમાં રાખેલાં માણસ કેટલો વખત નીતિમાં રહે એ આપણને સર્વથા જાણીતું જ છે. ભય કરનાર વસ્તુના અભાવના પ્રસંગમાં તે સ્વચ્છંદે વર્તે એટલું જ નહિ પણ તે વસ્તુ દૂર કરવાના જે સારા નરસા ઉપાય હોય તે પણ અંદરખાનેથી યોજવાના ચૂકે નહિ જ. સત્પુરુષોનાં જીવનચરિત્ર વાંચવાથી – જો તે યોગ્ય રીતે લખાયાં હોય તો – વાંચનારના અંતઃકરણ ઉપર તાદૃશ છાપ પડી રહે છે ખરી, અને તેથી કરીને તેને સન્માર્ગે ગૃહણ કરવાની પ્રબળ ઇચ્છા થઈ આવે છે ખરી. અર્થાત્ સન્માર્ગ યાને નીતિ, અને સુખ એ બે વચ્ચેના કાર્યકારણભાવનું મહાન સ્વરૂપ જેમ મનમાં દૃઢ થતું જાય તેમ તેમ એવી પણ અવસ્થા આવી જાય છે કે કાર્ય–સુખ–નો વિચાર આદર્યા વિના સ્વતઃ નીતિનો જ ભાવ સ્વભાવસિદ્ધ બની રહે છે; ને તે સ્વભાવના આનંદમાં જ સુખનો સમાવેશ અને તે સુખની પરિસીમા થઈ રહે છે. આ પ્રમાણેનો નીતિનો માર્ગ મનમાં દૃઢ કરવા માટે ઉપદેશમાત્રની પ્રવૃત્તિ છે. બીજા અનુભવજન્ય ઉપદેશ કરતાં આ ઉપદેશ કાંઈક વિલક્ષણ છે. દેવતાથી દઝાય એ દેવતાને એક જ વાર અડવાથી એવું નક્કી થાય છે કે ફરી તેમ કરવાની ઇચ્છા જ થતી નથી. પણ જૂઠું બોલવાથી કે વ્યભિચારથી દુઃખ થાય છે એ કાંઈક અંશે તેમ કર્યા પછી અનુભવાયા છતાં પણ ભૂલી જવાય છે; એટલું જ નહિ પણ પુનઃ પ્રસંગ આવતાં આગળનો અનુભવ કામ લાગતો નથી. મતલબ કે સન્માર્ગ અને સુખ એ વચ્ચેનો સંબંધ સહજગ્રાહ્ય નથી. અનુભવ થયા છતાં પણ જેનો નિશ્ચય મનમાં ઠરતો નથી તે વસ્તુ કેવલ સ્વભાવસિદ્ધ જ થઈ રહે એ તો કઠિન જ. આ ફલ ગૃહણ કરાવવામાં ભય, કે નીતિના પાઠ એ કેવલ નકામા છે, તેમજ જીવનચરિત્ર એ સબલ સાધન છતાં તરત નજર આગળ ન હોવાથી કલ્પના માત્રમાં જ રહે છે, અને જોઈએ તેવી અસર કરતાં નથી. તો જીવનચરિત્રો ઉપરાંત બીજું શું જોઈએ ? કોઈ તાદૃશ, જીવતાં માણસોનાં ઉદાહરણ. તેવાં બાલકને તો પોતાના ઘરમાં મળે, કે ભણવાની શાલામાં મળે. માબાપ ભાઈભાંડુ સર્વની જેવી ચાલ, જેવી રીતિ, જેવી નીતિ તેવી જ બાલકની, શાલામાં ભણાવનાર શિક્ષકની જેવી ઢબ, જેવી ચાલ. જેવી વૃત્તિ તેવી તેનું જ અનુકરણ કરવા તત્પર રહેલા તેના વિદ્યાર્થીઓની. જ્યાં સુધી પ્રથમ, ઘરની, અને બીજી, શાલાની પદ્ધતિ શુદ્ધ નથી ત્યાં સુધી ગમે તેટલા પાઠથી, ગમે તેટલા ત્રાસથી, કે ગમે તેટલાં ભાષણથી જુવાન બાલકોની નીતિ સુધરનાર નથી. જે માતા હરવખત પોતાના બાળકને મારી નાંખવાનો ભય બતાવીને પોતે જાતે જ નિરંતર જૂઠી પડતી હશે, તે પોતાના બાળકને જૂઠું બોલવાની અથવા વગર વિચારે વાત કરવાની ટેવ ગૃહણ કરતાં કેમ અટકાવી શકશે ? અથવા જે શિક્ષક ધનવાન વિદ્યાર્થીની મજાક વેઠીને પણ અસીલ વિદ્યાર્થીઓ નહિ જેવા વાંક માટે માર્યા જતો હશે તે પોતાના વિદ્યાર્થીઓને ખુશામત, અન્યાય, અમર્યાદા, તિરસ્કાર ને નિર્દયતાના ગુણ ગૃહણ કરતાં કેમ વારી શકશે ? કહેવાની મતલબ એટલી જ છે કે જો બાલકની નીતિ સુધારવી હોય તો પ્રથમ પોતાની નીતિ ને રીતિ સુધારવી એટલે બાલકની તરત જ સુધરશે. નીતિના પાઠ એ કેવલ નકામા જ છે પણ જીવનચરિત્રો, આગળ કહી તેવી તાદ્ર્શ નીતિની સહાય હોય તો, ઘણાં લાભકારી છે એ નિઃસંશય વાત છે. આટલું લંબાણ કરવાની મતલબ એટલી જ છે કે જે ઉચ્ચનીતિનો માર્ગ અમે આગળ કહ્યો તે વિષે ભાષણો રૂપે પાઠ લખીને બાળકોને તેનો ઉપદેશ કરવાનો અમારો હેતુ નથી, પણ તે નીતિએ સર્વ વયોવૃદ્ધ પુરુષ અને સ્ત્રીઓએ ચાલી બાલકોને જે મદદ ખરી જરૂરી છે તે આ રીતે કરવી એમ જણાવવાનો છે.

આ ઉપરાંત આમ લખવાનો બીજો હેતુ એવો છે કે આવા પ્રકારના વિચાર ઉપરથી કેટલાક સુજ્ઞ પુરુષો, મારા વિચાર પ્રમાણે, જે ભુલાવામાં પડે છે તેમાં ન પડે. ઘરની રીતભાત ને નીતિ, તથા શિક્ષકની રૂઢિ એ બે શુદ્ધ હોવાથી જ લાભ છે, એ સિદ્ધાંત લક્ષમાં રાખીને, આપણી હાલની સંસારી સ્થિતિથી તથા કેટલાક શિક્ષકોની રીતિથી પણ કંટાળી ગયેલા હાલના સુધારો કરતે કરતે થાકી ગયેલા વૃદ્ધ પુરુષો નિરાશ થઈને બેસે છે, ને એનો એ જ કંટાળાભરેલો જવાબ આપે છે કે જ્યાં સુધી ઘરસંસાર સુધરશે નહિ ત્યાં સુધી કંઈ ફેરફાર થનાર નથી. આ ઠેકાણે સ્વાભાવિક પ્રશ્ન છે કે શું સુધરેલી રીતિ, વહેમ વિનાનો દેશ, ને ઉત્તમ રૂઢિવાળો સંસાર એ તે સ્વર્ગમાંથી ઊતરી આવનારાં છે ? જો તેમ હોય તો આપણે વાટ જોઈને બેઠા છીએ, જ્યારે ઉત્તમ રીતિ, શુદ્ધ ધર્મ, ને નીતિપૂર્ણ મંડલ આવશે ત્યારે આપણે તદનુસાર પ્રવૃત્તિ કરીશું. પણ આ આશા જેવી ફોકટ છે તેવી નાપાયાદાર છે. શુદ્ધ નીતિ ને શુદ્ધ રીતિ તે કોણ નક્કી કરશે? ને કેમ ખબર પડશે ? મારું એમ મત છે કે કેળવણી – સદુપદેશ, સ‌દ્‌વૃત્તિ – એ જ નક્કી કરશે. यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जन: स यत्प्रमाणं कुरूते लोकस्तदनुवर्तते – જેમ શ્રેષ્ઠ પુરુષો આચરણ કરે છે તેમ બીજા પણ કરે છે, જે વાતને તે લોક પ્રમાણ ગણે છે તેને બીજા પણ ગણે છે એમ ગીતાજીમાં કહ્યું તેમ શ્રેષ્ઠ પુરુષોએ સદાચાર અને સદ્‌બુદ્ધિનો પ્રચાર વિસ્તારવો જોઈએ પણ નિરાશ થઈ ઘરસંસાર સુધરશે તો જ બીજું થશે એવી ખોટી હઠ લઈ બેસી રહેવું ન જોઈએ. કોઈને એમ લાગશે કે નીતિ સુધારવાનો ઉપાય સદાચાર બતાવ્યો, ને સદાચાર માટે જે ભાષણાદિકને નિરુપયોગી જેવાં ગણી કાઢ્યાં તે જ સૂચવ્યાં, એ ઊંટ કુંડાળે પાડ્યા જેવી તકરાર થઈ. પણ તેમ નથી. આચાર અર્થાત્ સદાચાર એ જ નીતિ પ્રવર્તાવવાનો મુખ્ય માર્ગ છે ને જે લોક ઘરસંસાર સુધાર્યો ચાહતા હોય તેમણે તરત જ પોતાનો આચાર સુધારવો એમ મારા કહેવાનું તાત્પર્ય છે. તેની સાથે જ જીવનચરિત્રાદિ દ્વારા સવૃત્તિનાં શુભ ફલ અને કુબુદ્ધિનાં ખરાબ પરિણામ તાદ્રશ ઉપદેશથી સમજાવવાં એટલો ઉપદેશનો પણ અવકાશ છે. કારણ કે અનાદિકાલથી ચાલી આવતા જનસ્વભાવના વૃત્તાંતમાંથી પણ સારો આચાર કયો છે એ નિર્ણય કરવાના ઘણા પ્રસંગ મળે છે. વળી કાર્યકારણભાવનો જે સર્વત્ર નિયમ–જેને આધારે નીતિ પણ પોતાની દ્રઢતા ગૃહણ કરે છે – તેને વ્યવહારજ્ઞાનના સર્વ વિભાગનું શાસ્ત્ર (science) વગેરે કર્મજ્ઞાન પ્રતિ ઉપકારક જ્ઞાન આપવાથી દ્રઢ કરતાં પણ અન્ય રીતે (indirectly) નીતિને પુષ્ટિ મળે છે. એટલા માટે તે ઉપર પણ મુખ્ય લક્ષ રાખવું જોઈએ. ઘરસંસારનો આચાર પણ આ જ્ઞાનના અભાવે જ કેટલો અશુદ્ધ રહે છે એ સર્વને જાણીતી વાત છે. માટે તે સુધારવામાં પણ આ જ્ઞાન ઉપયોગી ને મુખ્ય રીતે ઉપયોગી છે. આટલી આટલી કર્તવ્યતા છતાં પણ જે એમ બોલીને જ બેસી રહે છે કે ઘરસંસાર સુધર્યા વિના કેળવણી સુધરનાર નથી તે લોકો પોતાના બોલવાને તોડે છે એટલું જ નહિ પણ તેમને પોતાના જ બોલવા ઉપર ભરોસો નથી એવો ખોટો દાખલો બેસાડે છે.

જ્યારે ઘરસંસાર સુધારવામાં અને નીતિનો શુદ્ધ માર્ગ બતાવવામાં વયોવૃદ્ધ પુરુષના દાખલાની જ અસર પ્રધાનપણે સ્વીકારી, ત્યારે એક ઘણો મોટો જરૂરનો અને બારીક સંશય ઉત્પન્ન થાય છે. બાળકનામાં એકદમ સારાસારનિર્ણય કરવાની બુદ્ધિ હોતી નથી એ તો સર્વને સંમત વાત છે. તેવાં બાલક નીતિના વિષયમાં પોતાના વડીલનાં કાર્ય દેખીને જ જો પ્રવૃત્તિ કરે તો ઘણીવાર ભૂલમાં પડી જશે. ઘણી વાત એવી હશે કે જો સો વર્ષના ડોસાને અનુકૂલ હોય, પણ તેના વીસ વર્ષના જુવાન પુત્રને કદાપિ પ્રતિકૂલ નહિ, તો ફાયદો કરવાવાળી તો ન જ હોય. આવા પ્રસંગોમાં બાલકની બુદ્ધિ એ જ નિયામક ઠરે છે – પણ તે બુદ્ધિ તો કેવલ કાચી હોય છે. ત્યારે આવા વિચારનું નિયામક કોણ ? વૃદ્ધ પુરુષનાં વચન-સ્મૃતિ વગેરેમાં મનુ જેવાએ બતાવેલા વય ને જાતિ પ્રમાણેના ધર્મ-શ્રુતિમાં જણાવેલા સર્વને યથાશક્તિ અનુકૂલ સનાતન સિદ્ધાન્ત. આ રીતે વિચાર કરતાં વયોવૃદ્ધ પુરુષોના આચાર સાથે જે તેમના ઉપદેશની ને તે ઉપદેશને માનવાની કેટલી અગત્ય છે એ જણાશે.

આ ઉપરથી વળી એમ ન સમજવું કે બાલકના ને વૃદ્ધના ધર્મ કેવલ ભિન્ન હોવાથી એકનો આચાર બીજાને અનુકરણ કરવા લાયક નથી જ રહેતો માટે ઉપદેશમાત્ર એ જ વગર વિચારે પકડીને અમલમાં લાવ્યાં જવો. સત્ય, સરલતા, પ્રીતિ, બોલેલું પાળવું, ઇત્યાદિક ગુણ તો આબાલવૃદ્ધ સર્વને સામાન્ય છે. જોવાની આંખ તો બાલકનેએ છે ને વૃદ્ધને પણ છે. માટે તે વિષયમાં તો ઉભયનાં આચરણ એકાકાર જ રહે છે, અને એટલા માટે વૃદ્ધ પુરુષો તરફથી શુદ્ધ આચારની મુખ્ય અપેક્ષા છે. તેમજ જ્ઞાન, તપ, ઇન્દ્રિયદમન આદિક કર્મને વિષે વૃદ્ધ ને બાલ વચ્ચે ભેદ રહે છે જ તો તેવા પ્રસંગોમાં ઉપદેશ માત્રની જ સત્તા પ્રબલ રહે છે. આમ આચાર અને ઉપદેશ એ મુખ્ય અને ગૌણ પક્ષ છે. અથવા રૂપાંતરે અંગ અને અંગી છે.

આ વિચારો લક્ષમાં રાખી સનાતન ધર્મનીતિનો આચાર સર્વ સ્ત્રીપુરુષ ગૃહણ કરે, અને તદનુસાર ઉપદેશ આપે તો આપણી ઊછરતી બાલાઓ આગળના ભાગમાં વર્ણવેલી પ્રેમરૂપ–સુખરૂપ–ધર્મરૂપ–સ્વર્ગરૂપ–આનંદરૂપ પત્નીઓ, માતાઓ, દેવીઓ થાય એ સિદ્ધ વાત છે,

વ્યવહારજ્ઞાનનો વિષય સમાપ્ત કરતાં નીતિના માર્ગની ઉત્તમ પદ્ધતિ મુખ્યપક્ષે સદાચાર અને ગૌણભાવે સઉપદેશ એમ નિશ્ચય કરી બતાવી. આ વિચાર એક અંશ આગળ લઈ જવાથી આપણે સહજ રીતે ત્રીજો વિષય જે ધર્મજ્ઞાન તે ઉપર આવી શકીશું.

ધર્મજ્ઞાન : ધર્મ એ શબ્દના નાના પ્રકારના અર્થ કરવામાં આવે છે. ધર્મ એટલે પોતાની ઇતિકર્તવ્યતા અથવા ફરજ એમ કોઈ કહે છે, કોઈ ઈશ્વરનું ભજન એમ બતાવે છે, કોઈ શાસ્ત્ર સ્મૃતિ શ્રુતિનાં વચન પ્રમાણે વર્તવું એમ ઉપદેશ કરે છે, તો કોઈ નીતિમાર્ગે રહી સદાચાર પાળવો એમ ઠરાવે છે, કોઈ આથી પણ વિશેષ ઊંડા ઊતરીને ધર્મ એટલે ઈશ્વરને સમજવાનો પ્રયાસ અથવા માણસના અંતઃકરણમાંની સ્વાભાવિક ઈશ્વર તરફ વળતી વૃત્તિને સબલ કરી સંતોષ પમાડવાની શોધ અથવા જે નિરવધિ અને અનંત શક્તિના આવિર્ભાવ રૂપે આ જગતની પ્રવૃત્તિ થયાં જાય છે તેને ગૃહણ કરવાની આકાંક્ષા એમ પણ કહે છે. આથી પણ ઉપરાંત કેટલાક આપણા શાસ્ત્રવાળા ધર્મને પરમ પુરુષાર્થ અથવા મોક્ષ એવા નામથી વર્ણવે છે. કોઈ એવા પણ છે કે ખાવું, પીવું, આનંદ કરવો ને જીવ્યાં જવું એ જ ધર્મ એમ સમજે છે. પણ આ બધી તકરારોની સારાસારતા નક્કી કરવાનું આપણું કામ નથી. આ વિષય અત્રે કહેવાની જરૂર એટલી જ છે કે ધર્મ શબ્દ વડે કરીને અમે શું કહેવા ઇચ્છીએ છીએ તે જણાય.

ધર્મ શબ્દનો ઉપર કહ્યાં તે સર્વ લક્ષણને વિષે એક વાત તો સર્વને સાધારણ જ છે. ધર્મ એટલે પ્રવૃત્તિનું નિમિત્ત, આમ જ કહીએ તો એ લક્ષણની અંદર આગળ જણાવેલા સર્વે લક્ષણોનો સમાવેશ થાય. પ્રત્યેક પ્રવૃત્તિનું મુખ્ય નિમિત્ત તે તે પ્રવૃત્તિનું ફલ એ જ હોવું જોઈએ. તો હવે આપણે ધર્મની સર્વતંત્ર વ્યાખ્યા કરી શકીશું. ધર્મ એટલે પ્રવૃત્તિપ્રવર્તક (અંતિમ ફલ અથવા આપણાં કૃત્યોનો આખરનો પરિણામ). આપણે ગમે તે કર્મ કરવું, ગમે તે જ્ઞાન પામવું તે સર્વ કોઈ અમુક ફલને માટે જ. આખા વિશ્વમાં અણુ માત્ર એક નિમિષવારે અપ્રવૃત્ત રહી શકતું નથી. તો તે સર્વ પ્રવૃત્તિ સહેતુક – એટલે સફલ પણ હોવી જોઈએ. આમ વિચાર કરતાં પ્રવૃત્તિના ઘણા પ્રકારમાંથી અમુક પ્રકાર સારો ને અમુક નઠારો એ તે તે પ્રવૃત્તિના પ્રવર્તક ફલની સારાસારતા ઉપર આધાર રાખે છે. આટલા માટે ભિન્ન ભિન્ન પ્રવૃત્તિના હેતુરૂપ ભિન્ન ભિન્ન ફલ, તેમાંનું કયું સારું ને કીયું નહિ એ નિશ્ચય કરવા તે જ ધર્મનું કર્તવ્ય ઠરે છે.

બીજી રીતે તપાસ કરીએ તો પણ પરિણામ આનો આ જ આવશે. આચાર, નીતિ, વ્યવહાર સારાં, સદ્, શુદ્ધ, શુભ રાખવાં એમ વારંવાર કહીએ છીએ, પણ સારાપણું, સત્તા, શુદ્ધતા કે શુભપણું એનું નિયામક કોણ ? આચાર, નીતિ એ સર્વે પ્રવૃત્તિ જ છે. પ્રવૃત્તિમાં અમુક પ્રવૃત્તિ સારી એ ઠરે શી રીતે ? તે પ્રવૃત્તિના ફલ તરફ લક્ષ રાખીને જ. ફલની સારાસારતાનો નિશ્ચય કરવાનું કામ ધર્મનું છે. માટે જો ધર્મજ્ઞાન નિશ્ચિત અને દ્રઢ હોય તો જ નીતિ, રીતિ ને વ્યવહાર શુદ્ધ થવાનાં, નહિ તો નહિ.

ધર્મનું લક્ષણ ઠરાવ્યા પછી હવે જોવું જોઈએ કે કયો ધર્મ–કીયું ફલ–તે સ્વીકારવા જેવું છે, ને કીધું નથી. આ પ્રશ્નના સંબંધમાં અમે આગળ લખ્યું છે એટલે અત્રે વિશેષ વિવેચન કરતા નથી. પ્રવૃત્તિમાત્રનો હેતુ સુખ ઠરે છે. સુખ તે માત્ર દુઃખનો અભાવ એ જ નહિ, પણ નિરંતર સ્વપૂર્ણ આનંદપરંપરા. તો આવું સુખ તે કીયું ? આપણા દુઃખનું કારણ મન છે એ સિદ્ધ વાત છે. દુઃખ અને સુખ માનવામાં છે. મનનો ત્યાગ કરવો અથવા અહંતા–હું પણું તજી દેવું એ જ આનંદ છે. બીજી રીતે, આખા વિશ્વ સાથે પોતાના “હું"પણાની એકતા કરવાથી, એવો કોઈ વિષય રહી શકે નહિ કે જે દુઃખનું કારણ થઈ પડે, અથવા પૂજ્યપાદ શ્રીમત્ શંકરાચાર્યના શબ્દોથી કહીએ તો પરમાત્મભાવ એ જ પરમ પુરુષાર્થ છે. આ પુરુષાર્થ કેમ સિદ્ધ થાય છે ને તે સિદ્ધ કરવાના ક્રમમાં સ્ત્રીસ્વભાવની સબલ વૃત્તિ-પ્રેમ–તેની કેટલી જરૂર છે એ આગળ સ્પષ્ટ રીતે બતાવેલું છે.

આ પ્રમાણે વિચાર કરતાં ધર્મજ્ઞાન એ જ ઉત્તમ ઠરે છે; અર્થાત્ વ્યવહાર અને કર્મ એ બેની પ્રવૃત્તિ ધર્મને આધારે થવી જરૂરની છે એ સિદ્ધ થાય છે. આ રીતનું ધર્મજ્ઞાન સર્વ જ્ઞાનને ઉપકારક છતાં પણ કેવલ બુદ્ધિ – અર્થાત્ અનુમાનગ્રાહ્ય નથી; એટલે નાનાં બાલકને તે એકદમ આપવા માંડવું એમ કહેવાની મતલબ ન જ હોય ને નથી. તાત્પર્ય એટલું જ કે વ્યવહાર તથા કર્મને માટે જે નિયમો રચાય, જે જ્ઞાન અપાય, તે સર્વ આ ધર્મ ઉપર લક્ષ રાખીને થવું જોઈએ. તેમાં એવા કોઈ આચાર ન દાખલ થઈ જવા જોઈએ કે જેથી આ ધર્મને હાનિ થાય. તેમજ આ ધર્મમાં જલદી પ્રવેશ કરાવી શકે એવી પ્રેમાદિક વૃત્તિઓને પણ મુખ્ય રીતે રીતિસર વૃદ્ધ પમાડવી જોઈએ, કે સર્વ જ્ઞાનની આખરે વિદ્યાર્થી સ્વતઃ જ ધર્મજ્ઞાન પણ કાલાન્તરે પામે.

આ ઠેકાણે શંકા કે : આવું ધર્મજ્ઞાન–ને એ ફલ તે કેવલ કલ્પિત છે; સાધ્ય નથી, એટલે તેવી છાયા પાછળ દોડવાથી નિષ્ફલતા સિવાય બીજો લાભ નથી. સત્ય બોલવું, પ્રીતિ રાખવી – એ વગેરે જે વાતો આપણને પૂર્ણ પરિચિત છે તેથી સુખ મળે છે એ તો આપણે જાણીએ છીએ જ. એવો કોઈ માણસ ભાગ્યે જ થયો હશે કે જે સર્વથા સત્ય જ બોલ્યો હશે. મહાન સત્યસ્વરૂપ ધર્મરાજા પણ नरो वा कुञरो वा એમ બોલેલા એ પ્રસિદ્ધ છે. આ પ્રમાણે શુદ્ધ સત્યતા એ પણ સાધિત, એટલે સાધ્ય પણ ન હોવાથી કલ્પિત માત્ર જ ઠરી. પણ એ જ કલ્પિત વસ્તુ આપણા સુખનું કેવડું મોટું સાધન છે ? જેટલે અંશે જે માણસનામાં સત્ય તેટલે અંશે તે માણસનું સુખ; તેમજ જેટલે અંશે જે માણસની આગળ બતાવેલા ધર્મ તરફ વૃત્તિ તેટલે અંશે તે માણસ બીજા કરતાં વધારે સુખી ને વધારે શ્રેષ્ઠ. આમ આ ધર્મનો સામાન્ય પક્ષે ઉપયોગ બતાવતાં, તથા એ જ ધર્મ સર્વને નિર્વિવાદ ગ્રાહ્ય છે તે પ્રસિદ્ધ કરતાં, અમે તે ધર્મ કેવલ નિઃસાધ્ય જ એટલે કલ્પિત માત્ર છે એમ કહેવા ઇચ્છતા નથી. એ ધર્મના સર્વ અંશ યથાર્થ રીતે પ્રાપ્ત કોઈએ કર્યા હશે. અથવા કરી શકાય કે નહિ એ શંકાનો નિર્ણય અત્રે કરવાની જરૂર નથી – કારણ એ વિષય બહુ તકરારથી ભરેલો છે ને સુગમ નથી. આપણી ચાલતી તકરારને માટે એટલું જ કહેવું બસ છે, કે એ ધર્મ સર્વથા સુખ વધારવાવાળો, સર્વગ્રાહી, ને તેથી પાલવાલાયક છે.

આ પ્રમાણે ધર્મ, વ્યવહાર અને કર્મના સિદ્ધાંત નક્કી કર્યા પછી જેમ બને તેમ ટૂંકા પણ સામાન્ય રીતે શિક્ષાપદ્ધતિના અમુક નિયમો બતાવવા જોઈએ. આટલા લખાણનું તાત્પર્ય કાઢીએ તો પ્રેમ અને બુદ્ધિ બેને સ્કૂર્તિ આપી પોતાની મેળે જ પરમજ્ઞાન ગૃહણ કરી શકે એવી સ્થિતિમાં માણસને લાવવું એ મુખ્ય સિદ્ધાંત ઠરે છે. એ વાત લક્ષમાં રાખી વિચાર કરતાં પ્રથમ જરૂરની વાત એ નીકળે છે કે અનુભવ એ જ શિક્ષણનો મોટો નિયમ છે. ને તે અનુભવ યોગ્ય રીતે પામી શકાય માટે અન્યોન્યના વિચાર ગૃહણ કરવાનું સાધન માણસ માણસને ઘણું જરૂરનું છે. આ પ્રમાણે ભાષાજ્ઞાનનો વિષય કેળવણીમાં પ્રથમથી જ આવે છે. આ જ્ઞાન આપવાની સાથે જ પ્રેમવૃત્તિ(good heart)ને સ્કૂર્તિ આપવી તથા ધીમે ધીમે યોગ્યતા પ્રમાણે બુદ્ધિને પણ જાગ્રત કરતા જવી એ બીજાં કામ છે. તેની જ સાથે તે તે વૃત્તિને અમુક રીતે આપેલું વલણ વ્યવહારમાં – અર્થાત્ – માણસનાં ચાલતાં કર્તવ્યમાં – અને અંતિમ ફલ પ્રતિ પણ – કેવા ઉપયોગવાળું છે એ નિરંતર લક્ષમાં રાખવાથી જ ઘણીખરી કેળવણીની પદ્ધતિનાં પરિણામ સારાં નીવડતાં નથી – ને ઘણું કરીને પોપટજ્ઞાન, કે આ ઠેકાણે ઉપયોગનું હોય તે મૂકી દઈને કાંઈક બીજું જ જ્ઞાન આપી દેવામાં આવે છે. જેમ જેમ ગૃહણ કરવાની શક્તિ વધતી જાય તેમ તેમ વ્યવહારજ્ઞાનમાં બતાવ્યું તેવું બુદ્ધિને ઉત્તેજક, અને નીતિને વધારનારું ધર્મયુક્ત પ્રેમપોષક જ્ઞાન પણ આપવું જોઈએ. કીયા વિષયનું ને કેવી રીતે જ્ઞાન આપવું એ વિષે અમે આગળ કહેલું જ છે. પણ તે કેટલી વયે, કેટલા કાળમાં ને કેટલું તથા કીયા ક્રમથી આપવું એ વિષય અત્રે દાખલ કરવાની જરૂર નથી.

સ્ત્રીને કેવલ પ્રેમસ્વભાવયુક્ત ઠરાવી તેને માટે યોગ્ય એવી કેળવણીના સામાન્ય રીતે નિયમો બતાવી દેવામાં અમારો ઉદ્દેશ એટલો જ છે કે અમે જેવું વર્ણન કર્યું છે તેવી સ્ત્રીજાતિ કોઈના દીઠામાં ન આવી હોય તો તેને તે કેમ નથી આવી તેનું કારણ (જણાવી તે કેળવણીનો અભાવ) સ્પષ્ટ જણાઈ આવે, તથા આ પ્રકારની શિક્ષણપદ્ધતિથી જરૂર તેવા પ્રકારનો સ્ત્રીવર્ગ નીવડી આવે એમ પણ ખાત્રી થઈ શકે. આમ લખવાથી એમ ન સમજવું કે સ્ત્રીજાતિ સ્વભાવથી જ અમે વર્ણવી છે તેવી નથી. અને આવી કેળવણીથી જ અમે તેને તેવી કરવા ઇચ્છીએ છીએ. તેનો જાતિસ્વભાવ આજકાલ ક્રમમાં દબાઈ રહ્યો છે, અને તે સ્વભાવને અનુકૂલ એવી કેળવણી જ જરૂરની છે. એટલે અમારો સિદ્ધાંત તો નિર્વિવાદ જ છે, પરંતુ "બાલકમાંથી જ માણસ થાય છે” એ લક્ષમાં રાખતાં સમજી શકાશે કે હાલ મળે છે તેવી કેળવણી પામેલી બાલકીઓ પ્રેમમૂર્તિરૂપ—માતાઓ કે પત્નીઓ નીવડે કે નહિ.

શિક્ષાપદ્ધતિના આ ધોરણ પ્રમાણે તૈયાર થયેલી આપણી આનંદમૂર્તિ બાલાઓના પ્રેમને અનુરૂપ લગ્નવિધિ કેવો જોઈએ તથા તે બાલાઓ પોતાના વૈધવ્યમાં આવી પડેલી નિર્ભાગી સખીઓને કેવી દૃષ્ટિથી જોશે એ બાબતનો વિચાર કરી આ વિષય સમાપ્ત કરીશું.

આવી રીતે કેળવાયેલી બાલકીઓનાં પોતાના જેવી જ કેળવણી લીધેલા પુરુષો સાથે લગ્ન થવાં જોઈએ. જે પરમ ફલને માટે મનુષ્ય માત્ર મહેનત કરે છે તે ફલ પ્રાપ્ત કરવાને માર્ગે ચઢવાનો વખત હવે આવે છે. આ માર્ગમાં સ્ત્રી નિર્વિઘ્ને ચાલી એ પરમપદને પહોંચે એને માટે પરિણયનસ્થિતિસ્વરૂપનું ફરીથી ટૂંકામાં સ્મરણ કરી જોવું જોઈએ. ઇતરેતર પ્રેમભાવને પૂર્ણ કરી પારકાને પોતાનું કરવાની કેળવણી લેતાં લેતાં પારલૌકિક પદ પામવા માટેનો, ને ભૂતમાત્રને પોતાના સમાન ગણવાનો હૃદયવિસ્તાર તે મેળવવો, એ પરિણયનની સ્થિતિ છે. આ સ્થિતિમાં રહી પોતાનો, ઇતરેતરોપકારધર્મ યથાર્થ રીતે પાળવા માટે કાંઈ નિયમ હશે કે નહિ ? પુરુષોની પાત્રાપાત્રતાનો વિચાર વેગળો રાખી પ્રકૃત વિષયાનુસાર સ્ત્રીમાત્રનો જ વ્યવહાર જોઈએ. સ્ત્રીઓને લગ્ન કરવામાં ત્રણ વાત ઉપર લક્ષ આપવાનું છે. વય, જ્ઞાન, ઇચ્છા. તે પોતાનાં અને પારકાનાં. પ્રથમ વયનો વિચાર કરીએ. શારીર શાસ્ત્રના નિયમ પ્રમાણે પુરુષના શરીરનું બંધારણ ૨૫ વર્ષ અને સ્ત્રીના શરીરનું બંધારણ ૧૬ વર્ષે પાકું થાય છે. આ વય થતા સુધી મનુષ્યના શરીરમાં જે લોહીનો સમૂહ છે તે મુખ્યત્વે કરીને શરીરનાં હાડ વગેરેના ઉપચયમાં વપરાય છે, અને એ શરીરના ઉપચય દ્વારા માનસિક બલનું પણ પોષણ કરે છે, ત્યાર પછી ૪૦-૪૫ વર્ષ સુધી શરીરની અવસ્થા સ્થિર રહે છે એમ સામાન્ય રીતે કહીએ તો ચાલે, શરીરનો ક્ષય ઘણું કરીને ૪પ વર્ષથી તે પછી ૬૦-૮૦ ૧૦૦ સુધી થયાં જાય છે. આમ શારીરશાસ્ત્રજ્ઞો કહે છે. હવે વિચારવાનું છે કે લગ્ન એટલે શારીરિક બંધારણનો ફેરફાર ખરો કે નહિ ? એ પ્રશ્નનો જવાબ કેવલ સ્પષ્ટ છે, કારણ કે લગ્નનો વ્યાવહારિક હેતુ જે પ્રજોત્પત્તિ તેમાં શરીરમાંના ઉકૃષ્ટમાં ઉત્કૃષ્ટ ધાતુ(લોહી)નો ક્ષય થાય છે એ સર્વને માલૂમ છે. જ્યારે શરીરના ઉપચયમાં શરીરનું લોહી કામે લાગતું હોય ત્યારે જ તે લોહીને બીજે માર્ગે લગાડવાથી શાં પરિણામ થાય તે જુઓ. શારીર બલની અને તે સાથે મનોબલની ક્ષીણતા. શરીરની હ્સ્વતા, અલ્પાયુષ, નિર્બલ પ્રજા, બીજી ત્રીજી પેઢીએ નિર્વંશ વગેરે. આની સાથે સંસાર ખટલામાં પડેલાં બાલકની શીખવા વગેરેની નાના પ્રકારની અશક્તિ અને તેથી ઉત્પન્ન થતું મરણ પર્યંતનું દુઃખ એ તો આપણે હિસાબમાં લેખ્યાં નથી. આ ઉપરથી એક વાત તો સિદ્ધ થઈ કે જ્યારે શરીરનો ઉપચય થઈ રહે અને લોહીને બીજું કર્તવ્ય ન રહે ત્યારે જ તેને અન્યમાર્ગે (પ્રજોત્પત્તિ) ચઢાવવું, અર્થાત્ સ્ત્રીઓએ ૧૬ વર્ષે અને પુરુષોએ ૨૫ વર્ષે લગ્ન કરવું જોઈએ. સ્ત્રીઓના સંબંધમાં હજુ એક રહસ્યવિચાર બાકી છે. સ્ત્રીઓના ગર્ભાશયમાં ઈંડાં તૈયાર થાય છે ને તેથી જ ઋતુસ્ત્રાવ તથા ગર્ભાધાન સંભવે છે, એમ શારીર શાસ્ત્રનો અભિપ્રાય છે. શારીરવિદ્યાનો સિદ્ધાંત છે કે પાકી ઉમરે પહોંચ્યા વિના આ ઈંડાં જોઈએ તેવી સ્થિતિમાં તૈયાર થતાં નથી, ને એમ નથી હોતું ત્યારે પ્રજોત્પત્તિ મન માનતી રીતે સબલ કે શક્તિમાન નીવડતી નથી. કોઈ કોઈ વાર તો આ ઇંડાં પેદા થતાં પહેલાં સંસર્ગ થવાથી ગર્ભાશયની સ્થિતિ બગડે છે ને વંધ્યપણાના અસહ્ય દુઃખથી સ્ત્રીપુરુષને મરણપર્યંત પીડાવું પડે છે. આ પ્રમાણે વિચારતાં સ્ત્રીઓએ પૂર્ણ વય થતાં પહેલાં લગ્ન કરવું હાનિકારક જણાય છે. હજુ એક બીજી બાબત વયના સંબંધમાં માત્ર કહેવી જ જોઈએ ને તે એ છે કે સ્ત્રીનો પતિ તેના કરતાં ૮-૯ વર્ષે મોટો જોઈએ.

આ ઠેકાણે શંકા ઊઠે છે કે ૧૬ વર્ષે સ્ત્રીઓને લગ્ન કરવાનું કહ્યું, પણ આ તો કલિકાલ છે એમાં બાર બાર વર્ષની કન્યાઓ ગર્ભ ધરે છે તેનું કેમ ? સત્ય છે. કદાચિત્ બાર વર્ષે પણ ગર્ભ રહેતો હશે. પરંતુ પ્રથમ કહેવું જોઈએ કે એ કાંઈ સામાન્ય નિયમ નથી. એ એક અનિયમિત ચમત્કાર માત્ર છે. જેમ કોઈ વૃક્ષને કૃત્રિમ ગરમી વગેરે આપી આપીને તથા કાચના ઘર વગેરેમાં પૂરીને તેને ઋતુ થતા પહેલાં પણ ફલવાન બનાવે છે તેવો આ પ્રસંગ છે. જેમ એમ પેદા કરેલા ફલમાં તે જ જાતિના નિયમિત રીતે પેદા થયેલા ફલ જેટલી મીઠાશ કે કૌવત હોતાં નથી તેમ જ આ રીતે થયેલા બાલકનું પણ સમજવું. કૃત્રિમ ગરમી ઇત્યાદિક જેમ ફલ પેદા કરવામાં સહાયભૂત છે તેમ આ અનિયમિત બાલક પેદા કરવામાં સંગતિબલ સહાયકારક છે એમ સમજાય છે. સંગતિના બલથી વિશ્વમાં બહુ બહુ ચમત્કાર થાય છે. માબાપની કુચેષ્ટા, સખી સ્વજનની કુચેષ્ટા, વૃદ્ધજનની પૌત્રને જોવાની ઉત્કંઠા ઇત્યાદિ કારણોથી સુશિક્ષણ ન પામ્યાથી ગમે તેમ વળી જવા તત્પર રહેલું મન ઉશ્કેરાય છે; ને તે ઉશ્કેરાયેલા મન દ્વારા શરીરની ઇંદ્રિયો ઋતુ થતા પહેલાં પણ બલ કરી ઊઠે છે. આટલા સારુ સુસંગતિ અને સદબોધની અપેક્ષા છે, તો હવે આ કુમાર્ગ તથા બલાત્કારને અટકાવનારું જે જ્ઞાન તેનો વિચાર કરીએ.

સ્ત્રીશિક્ષણના જે ધોરી નિયમની આગળ સૂચના કરેલી છે તે નિયમાનુસાર પ્રાપ્ત કરેલું જ્ઞાન સ્ત્રીઓને પોતાના કર્તવ્યમાં–પત્નીધર્મ, માતૃધર્મ ઇત્યાદિકમાં કેટલું અગત્યનું છે એ પણ તે જ ઠેકાણે બતાવેલું છે. અત્રે વિશેષમાં એટલું કહેવાની જરૂર છે કે સારા મનવાળી અને કેળવાયેલી સબલ સ્ત્રીઓના ઉપર પ્રજાના, વિશેષે પુત્ર પ્રજાના, શારીરિક અને માનસિક બલનો આધાર છે એમ ડાક્ટર બોવીડોડ નામના પ્રખ્યાત અમેરિકન વિદ્વાનનો અભિપ્રાય છે. પુત્રાદિકની મુખ્ય કેળવણીનો આધાર તેમની મા ઉપર રહે છે એ લક્ષમાં લેતાં આ અભિપ્રાય બહુ રીતે ખરો લાગે છે. આ ઉપરાંત વળી પોતાના પતિ સાથે પ્રેમસુખનો અનુભવ કરી પરમપદ પામવાને, જ્ઞાન એ જ એક માર્ગ છે. આ પ્રમાણે સ્ત્રીઓને જે જ્ઞાનની અગત્ય છે તે જણાવી તેના પતિનામાં કેવું જ્ઞાન જોઈએ તેની અત્રે સૂચના માત્ર કરવી જોઈએ. પતિનામાં જે જ્ઞાનની પ્રથમ અપેક્ષા રહે છે તે એ કે જેથી કરીને પોતાની તથા પોતાના કુટુંબની શરીરયાત્રા નિભાવી શકે. એ તો માત્ર સામાન્ય જ્ઞાન થયું. પણ આ સંસારમાં સુખદુઃખમાં ને નિરાશાના નિર્વેદમાં શાથી કરી ટકી રહેવાય ? આ વિચાર કરતાં એમ જ ભાસે છે કે જેમ જેનું જ્ઞાન વધારે તેમ તેને અધિક સંતોષ, અધિક નીતિ, અધિક સુખ ને અધિક ધર્મવિચાર. આટલા સારુ પોતાનો પતિ પણ પરિપૂર્ણ જ્ઞાનવાન હોવો જોઈએ એ સિદ્ધ વાત છે. પોતાને યોગ્ય વયવાળો અને જ્ઞાનવાળો પતિ મળવો એ કાંઈ સાધારણ વાત નથી. જે સ્ત્રીને હાલના રિવાજ પ્રમાણે પોતાને અનુરૂપ પતિ, કે જે પતિને સ્વાનુરૂપ પત્ની મળી હોય તેનાં ધન્ય ભાગ્ય. જ્યાં માબાપ પતિ ખોળી લાવે ત્યાં અનુરૂપતાની કે યોગ્યતાની શી વાત ? લગ્નની સરકારી કાયદાની ભાષાથી આપણા વિચાર મુજબ વ્યાખ્યા કરીએ તો તે એવી થાય કે એક અખંડ કરાર. તો કરારનું સ્વરૂપ એવું છે કે ઉભય પક્ષની અનુમતિ ન હોય તો થયેલા કરાર પણ રદ થાય છે. માબાપ એ આ બાબતમાં ઉભય પક્ષના પ્રતિનિધિ રૂપે છે એ ખરું પણ બાલકને તેની સંમતિ લીધા વિના ગમે ત્યાં ફેંકવું એ કેવલ તેને પથરા જેવું, ઢોર જેવું કે એક પ્રજોત્પાદકયંત્ર જેવું ગણવા બરાબર છે. માબાપની આજ્ઞા ને આમન્યામાં રહીને કન્યાએ પોતાને યોગ્ય પતિ મેળવવો જોઈએ. કન્યાને મુખ્ય જોવાનું એ છે કે પોતાનો તથા પતિનો સ્વભાવ અનુકૂલ અને અન્યોન્યને પુષ્ટિ આપે એવો છે કે નહિ. આ જાતની તપાસ માટે જે મોટી વયની અર્થાત્ પાકા વિચારની જરૂર પડે છે તે ઉપરથી પણ કન્યાને મોટી કરી પરણાવવાના વિચારને પુષ્ટિ મળે છે એ લક્ષમાં લેવા લાયક છે.

પતિ પસંદ કરવા વાસ્તે યુવતી કન્યાએ ઘર ઘર ભટકવું એ ભયકારક છે. એ ઉપરથી એમ સૂચવવાની જરૂર પડે છે કે માબાપ જે પુરુષને પસંદ કરે તેની યોગ્યયોગ્યતાનો વિચાર પોતાની મર્યાદામાં રહીને યુક્તિથી કરી જોવો. અથવા પોતાને યોગ્ય લાગતા પતિની સૂચના માબાપને કરવી. મરણ પર્યત જેની સાથે જોડાવાનું છે તેને પસંદ કરવામાં અનેક પ્રકારની ભૂલો આવી જાય છે. જ્ઞાનથી પક્વ થયેલું પણ અનુભવી મન કોઈ વાર ક્ષણિક આકારથી તો કોઈ વાર બાહ્યજ્ઞાનાદિકના ઢોંગથી છેતરાય છે. આટલા માટે જનપરીક્ષાના વિકટ કાર્યમાં અનુભવી માબાપની કે એવા જ કોઈ વડીલની સહાયની નિરંતર જરૂર રહે છે; માટે તે સહાય વિના કન્યાઓએ કેવલ સ્વતંત્ર વર્તવું એવી ભલામણ કરતાં બહુ વિચાર પડે છે. છતાં પણ એટલું તો સિદ્ધ જ છે કે પતિપત્ની તરીકે જોડાનાર કહી તેવી પૂર્ણ વયવાળાં બાલકોની સંમતિ સિવાય લગ્ન કેવલ અપૂર્ણ અને તેથી ગમે તેવી રીતે છૂટી જાય અથવા અવળાં નીવડે એવાં રહે છે.

પતિ પસંદ કરવામાં હજુ એક વિશેષ સૂચના કરવાની બાકી છે. કુલના મિથ્યા અભિમાનથી ઘણા જણ ફસાયા છે ને ફસશે. કુલ એટલે શું તેનો જેમ કોઈને ખ્યાલ જ ન હોય એવો વ્યવહાર ચાલે છે; પરંતુ કુલની મૂલ ઉત્પત્તિનો વિચાર કરવામાં આવતો હોય એમ જણાતું નથી. જે કુટુંબમાં વિદ્યા, ધન, સુશીલતા ઇત્યાદિકનો વાસ જણાયેલો તેને સારા ઊંચા કુલમાં ગણેલાં; પણ તે જ કુલના વશપરંપરા આવેલા પુત્રપૌત્રાદિક પણ તેવા સુગુણી નીવડે એ નક્કી નથી. કુલ એ નામ માત્રનો જ વ્યવહાર છે. કુલીન માણસોનામાં અસલનું કુલીનત્વ–કુલીનતાના ગુણ–તો રહ્યું નથી. અને નઠારા રિવાજે કરીને કહેવાતા કુલીન માણસોને કન્યા મલવાનો અને પહેરામણી મલવાનો ભરોસો રહ્યો, એટલે તેમાંના ઘણા બેદરકાર અભણ ને કુછંદી જ રહે છે. આ પ્રમાણે કુલના રિવાજથી કરીને વરકન્યાનાં જોડાં સારાં નથી નીવડતાં એટલું જ નહિ, પણ કુલીન માણસની જાતને તથા તેના સંબંધીઓને કેટલી કેટલી જાતની વેદના વેઠવી પડે છે. આવી કુલીનતા માત્રની જ લાયકીને લીધે પરણેલો પતિ તે "વર” એ સંજ્ઞાને લાયક જ નથી. વર એ નામ વૃ એટલે પસંદ કરવું એ ધાતુ ઉપરથી થયું છે; અને કન્યાએ રૂપગુણવયને લીધે પોતાના પતિ તરીકે પસંદ કરેલો એવો અર્થ સૂચવે છે. પણ અસલ જે કારણસર “વર” કહેતા હશે તે કારણ તો આજ ઘસાઈ ગયું ને “વર" એવો શબ્દ માત્ર કોઈ અનિશ્ચિત અર્થમાં કાયમ રહી ગયો છે.

કુલથી કરીને એક બીજી હાનિ થાય છે તે આ “વર” શબ્દના સંબંધમાં યાદ આવે છે. કન્યાને પતિ પસંદ કરવામાં જેમ વધારે અવકાશ તેમ સારો “વર” મલવાની વધારે આશા. અર્થાત્ ૧૦ કુલીન કરતાં ૫૦૦ કુલીન માણસોમાંથી જો પતિ પસંદ કરવાનો હોય તો તે સ્વેચ્છાનુસાર, વિદ્વાન અને પૂરવયસ્ક મલવાનો વધારે સંભવ રહે એ ઉઘાડું છે. તેમજ કુલીન ઘરને મૂકીને નાતના સર્વ ઘરમાંથી જો વર પસંદ કરવામાં આવે અથવા પોતાની નાતને મૂકી કોઈ પણ નાતમાંથી પસંદ કરવામાં આવે તો વધારે સારો ને યોગ્ય “વર” મલવાની ખાત્રીપૂર્વક આશા રહે. લખવાનો ઉદ્દેશ એમ નથી કે આટલા માટે જ્ઞાતિભેદ તોડી નાંખવો, પણ જે હોય તે જ્ઞાતિમાં પણ જેમ બને તેમ સર્વ જણમાંથી “વર” પસંદ કરવો એ જ લાભકારક છે.

લગ્ન કરવામાં કેવા વિચાર લક્ષમાં રાખવા જોઈએ એ બાબત ઉપયોગદષ્ટિથી બની શકે તેટલો વિચાર કરી ગયા; પણ લગ્નના ઉદ્દેશ ને મતલબ વિષે સ્પષ્ટ વિવેચન કરવાની જરૂર છે. સ્ત્રીપુરુષોને પરણવાની શા માટે જરૂર છે, તથા પરણવાથી શું ફલ પ્રાપ્ત થાય છે એ વિચારનું યથાર્થ સ્વરૂપ જ્યાં સુધી શિક્ષણ દ્વારા તથા વિચાર દ્વારા સમજાયું નથી ત્યાં સુધી આપણા સ્ત્રીવર્ગની અને તેથી કરી આખા મંડલની સ્થિતિ પણ મલિન અને અપરિપક્વ જ રહેવાની.

કોઈ વિદ્વાન કહે છે કે “ખાવું, ઊંઘવું, ભય પામવો, ને પ્રજોત્પત્તિને માટે જરૂરનાં કર્મ કરવાં એ તો માણસ અને પશુ ઉભયને સમાન છે. પણ તે બે વચ્ચે ભેદ ઉત્પન્ન કરનાર ધર્મ માત્ર જ છે ને તેથી જ માણસ પશુ બરાબર નથી.” આ ધર્મનું સ્વરૂપ વારંવાર સ્પષ્ટ કરીને બતાવવામાં આવેલું જ છે. તથાપિ વળી કાંઈક આ લગ્ન સંબંધમાં પણ જણાવવાની જરૂર રહે છે. ઉત્તરોત્તર વૃદ્ધિ પામતાં – ધર્મ (શાસ્ત્રોક્તાચાર), અર્થ, કામ – પ્રાપ્ત કરતાં અંતે પ્રતિમનુષ્યે એવી અવસ્થાએ પહોંચવું જોઈએ, જેમાં દુઃખનો સંભવ પણ ન હોય અને જે આનંદમય, અબાધ અને નિત્ય હોય (મોક્ષ). આવી સ્થિતિએ પહોંચેલો માણસ પોતાની અને સ્વાતિરિક્ત જગતની વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદ જોઈ શકતો નથી. આમ છે ત્યારે એટલું જ સિદ્ધ થયું કે તેને દ્વૈતભાવ વિના જ સ્વપૂર્ણ અખંડ આનંદમય પ્રેમ નિરંતર રહે છે. આ અવસ્થા કે સ્થાન કે તે જે કંઈ હોય તે પ્રાપ્ત કરવા યોગ્ય છે, તથા તેમાં જ સર્વ ધર્મકર્મનું પર્યવસાન હોવું જોઈએ. લગ્ન અથવા પરણવાનું જે મહત્ કર્મ તે આજ ફલને પહોંચાડનારું છે કે નહિ તે સમજવું જોઈએ. બે મનુષ્યનો યોગ પ્રજા ઉત્પન્ન કરવા માટે અથવા એકનું રક્ષણ બીજાએ કરવું એટલા માટે જ થાય છે એમ કહેવાય નહિ, સંસારમાં સુખનું સ્વરૂપ તપાસી જોઈશું તો, પ્રેમાંશથી રહિત કેવલ ઉપજીવિકા માટેનાં જ, કે પ્રજોત્પત્તિ માટેનાં કર્મ નીરસ છે એટલું જ નહિ પણ સુખ આપવા કરતાં દુઃખ–ક્લેષ—નિર્વેદ પેદા કરવાવાળાં છે. જે અંશ વડે કરીને અમુક કર્મ આનંદ ઉપજાવે છે તે અંશ – સતું. ચિત્, આનંદ, – પ્રેમમય જ છે. વળી માણસ જાતે એકલું જ હોય તો તેને ઝાઝી શ્રમ કરવાની જરૂર પડતી નથી; તેમજ એકદમ એકલાએ જ પ્રેમમય આનંદનો અનુભવ બની શકતો નથી. ત્યારે બીજા માણસ સાથે સંબંધ કરી વિશેષ શ્રમ વગેરે ઉઠાવવો કબૂલ કરી માણસ શા માટે બંધાય છે ? ઉપજીવિકા માટે કે કેવલ પશુધર્મ પાલવા માટે ? એમ જ હોય તો તે જાતે એકલું રહી વધારે સહેલાઈથી પાળી શકત; પોતાના સ્વભાવની વૃત્તિઓને–પશુવૃત્તિઓને પણ–વધારે સહેલાઈથી સંતોષ પમાડી શકત. પણ તેના અંતરની પ્રબલ ધર્મ-પ્રેમ–વૃત્તિ તે જ સંતોષ પામત નહિ ને તેથી તે દુઃખી રહેત. એ વૃત્તિના સંતોષ માટે ને એ વૃત્તિની પરિપૂર્ણતા માટે જ માણસમાણસનો યોગ થાય છે ને સંભવે છે. આ પ્રેમાંશ દૃઢ થતે થતે મોક્ષ પર્યંત અદ્વિતીય આનંદરૂપ બને એ સર્વ કર્મનું અને મુખ્ય કરીને લગ્નકાર્યનું પર્યવસાન. સિદ્ધાંત એ જ કે પ્રેમ એ જ પરણવામાં મુખ્ય નિયમ, ને તે સચવાય તથા આગળ પણ યથાર્થ ચાલુ રહે એમ કરવા માટે, જ્ઞાન, વય, ઇચ્છા ઇત્યાદિકના વિચારની જરૂ૨. શાસ્ત્રમાં (આપસ્તંબગૃહ્યસૂત્રમાં) પણ પ્રસિદ્ધ નિયમ છે કે यस्यां मनुश्चक्षुषोऽनुरागस्तस्यामृद्धि: જેના ઉપર મન અને ચક્ષુ ઉભય ઠરે તેવી કાન્તાને જ પરણવું. આમાં પણ મન એટલે મનોધર્મ–પ્રેમાદિક–નું મલતાપણું એ પ્રથમ માન્યું છે માટે સિદ્ધ પક્ષ એ જ છે કે પ્રેમ એ જ લગ્નનું ખરું નિયામક છે.

વળી શાસ્ત્રમાં ચાર આશ્રમ પ્રસિદ્ધ છે. તેમાં બ્રહ્મચર્યની સીમા ૨૫ વર્ષની છે ને તે પછી ગૃહસ્થાશ્રમનો આરંભ થાય છે. માણસ સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી સારાસાર ગ્રહણ કરવાને તથા પ્રેમનું સ્વરૂપ સમજવાને તત્પર થાય એટલા માટે, તથા મોટી વયે લગ્ન થવાથી પ્રજોત્પત્તિ સબલ, બુદ્ધિમાન, અને દીર્ધાયુ થાય તે માટે તથા મોટી વયે પ્રેમપૂર્વક લગ્ન થયાનું સુખ અનુભવ્યા પછી વૈધવ્યનો અથવા ફરી લગ્ન કરવાની ઇચ્છા માત્રનો પણ પ્રસંગ ન આવે એટલા માટે પણ બ્રહ્મચર્યઅવસ્થાની સીમા ઘણા વિચારપૂર્વક રાખેલી છે. આ બ્રહ્મચર્યમાંથી છૂટી ગુરુજનોની સંમતિથી લગ્ન કરી ગૃહસ્થાશ્રમનો આરંભ થાય છે. ગૃહસ્થાશ્રમની સીમા પણ બીજાં ૨૪ વર્ષ સુધીની જાણવા પ્રમાણે છે. આ કાલમાં સ્ત્રીપુરુષ પોતાની પ્રેમવૃત્તિને એવી સબલ કરી લે છે કે સંસારના વિકાર પમાડનાર પદાર્થોનો ઉપભોગ કરી કરી ત્યાગ કરતે કરતે કેવલ આનંદવૃત્તિ જ અવશિષ્ટ રહે છે, ને તે ચિદાનંદ ધીમે ધીમે દઢતા ગ્રહણ કરી વાનપ્રસ્થ તથા સંન્યાસ – ઇચ્છાપૂર્વક કર્મનો ત્યાગ–નો રસ્તો તૈયાર કરે છે. આમ ન થાય તો કામ્યકર્મના ત્યાગરૂપ, તથા કેવલ आत्मवत् सर्वभूतेषु વ્યવહાર કરાવનાર પરમ પદ યથાર્થ પામી નહિ જ શકાય એમ ધારી એમ પણ નિયમ જાણવામાં છે કે ગૃહસ્થાશ્રમ કર્યા વિના વાનપ્રસ્થાદિક ગ્રહણ કરવા યોગ્ય નથી. આ સર્વ વિચાર સૂક્ષ્મદ્રષ્ટિથી ધ્યાનમાં લેતાં લગ્ન કરવાનું શુદ્ધ પારમાર્થિક સ્વરૂપ આપણા ધ્યાનમાં ઊતરી શકે છે. કેવલ ધર્મ–મોલ–પ્રતિ પ્રેમ ઉપકારક છે એટલું જ નહિ. પ્રેમના સંસ્કાર પામેલા મનવાળાં પુરુષો કે સ્ત્રીઓએ–આ જગતમાં લીન થયેલાં માણસોએ- ઈશ્વરભક્તિનાં, મિત્રભક્તિનાં, જીવિતદાન પર્યंત પણ મોટાં શુભ કૃત્યો કરેલાં છે. તેવાं મહાનુભાવ મનુષ્યોના વિચાર અદ્યાપિ પણ આખા જગતના વ્યાપારમાં ગુંથાઈ ગયેલા છે. એ પ્રેમભક્તિનો આનંદ અને તે આનંદજન્ય ઉત્સાહપૂર્વક શુભકર્મ તે એવું ઉપકારી, સર્વગ્રાહી અને પ્રતાપી હોય છે, કે તે સર્વદા ટકી રહે છે અને પાછળથી થનારા લોકોને સારા દાખલારૂપ થઈ પડે છે. આ ભક્તિની અનન્યપર એકતામાં જ સ્ત્રીઓએ અને પુરુષોએ પોતાના જીવ ખોયા છે, પોતાનાં સુખ તજ્યાં છે, પોતાને શિર દુઃખના ભાર ઉઠાવ્યા છે. એ જ પ્રેમ–અનન્ય પ્રેમ–થી સતીઓ ચિતા પર બળી મરી છે. પ્રતાપી યોદ્ધાઓ પણ સ્તબ્ધ બની મરમ પામ્યા છે. પ્રેમાનંદ એ જ ધર્મ, એ જ સુખ, એ જ મોક્ષ એમ સર્વ વ્યવહારનો ને સર્વ પરમાર્થનો ઉપદેશ છે, ને જ્યાં સુધી તે લક્ષમાં રાખી લગ્નની પ્રવૃત્તિ થતી નથી ત્યાં સુધી અનાચાર, અનીતિ, ક્લેશ, દુઃખ, અધર્મનો નાશ થનાર નથી એ સ્પષ્ટ જ છે.

વય, જ્ઞાન, અને ઇચ્છા વિષે નિશ્ચય કરી જોડાયેલાં સ્ત્રીપુરુષોનાં જોડાં સુખી અને આનંદમાં રહેનાર નીવડવાનાં એ આપણે સમજી શક્યા. તેમજ એ પણ સિદ્ધ વાત થઈ કે જેમ વયની અને પ્રેમની અનુકૂલતા તેમ સંતતિની સબલતા, બુદ્ધિશાલિતા, પણ ચાલ્યાં જ આવવાનાં. જનસ્વભાવના સામાન્ય નિયમો લક્ષમાં લેતાં લગ્નનો જે અર્થ થઈ શકે તે કર્યો અને લગ્નવિધિને આ લોક તથા પરલોકના સુખનું સાધન ઠરાવી સંસારનાં સર્વ કર્તવ્યમાં મુખ્ય પદવીએ સ્થાપ્યો. જે કારણ માટે લગ્નવિધિ સ્ત્રી તથા પુરુષ ઉભયને જરૂરનો ગણવામાં આવ્યો તે જ કારણોનો વિચાર કરતાં જેના મનને સંતોષ કે સુખ પ્રાપ્ત થયું નથી એવાં સ્ત્રીપુરુષને ફરીથી લગ્ન કરીને અથવા બીજી રીતે વ્યવહાર કરીને પણ તે સુખ કે તે સંતોષ પ્રાપ્ત કરવો ઉચિત છે ? અર્થાત્ પુનર્લગ્નનો અવકાશ આવે છે કે નહિ ?

મનુષ્યજાતિમાં જે ગુણોથી મનુષ્યત્વ પ્રાપ્ત થઈ પશુ આદિથી કહેલું છે, તેથી તેના પતિના અભાવે પણ તેની પાસે પોષણનાં સાધન તો હશે જ. વળી સ્ત્રીઓને જે પ્રકારની શિક્ષા લેવાની બતાવી છે તે પ્રમાણે વિધવા થાય તો પણ તેને ઉપજીવિકાનાં સાધન પૂરતાં મલી આવે તેમ છે. પોતે પ્રાપ્ત કરેલી વિદ્યા બીજાને આપવાના કામમાં લાગવું, બીજાં બાલકોને મોટાં કરવામાં મદદ કરવી એ ધંધા તેમને માટે પૂરતા છે, અને તેથી તથા બીજાં જે કાંઈ સૂક્ષ્મ કામ તેમનાથી બને તે કરવાથી તેમની ઉપજીવિકા નીભી રહેશે એ સ્પષ્ટ જ છે. આ સર્વ ઉપરાંત જે અનાથ અને માબાપ વિનાની વિધવાઓ હોય તેને અમુક પ્રકારનું પ્રેમવ્યાપારને અનુકૂલ યોગ્ય કામ સોંપી મંડલ સમસ્તે પોષણ આપવું એમ પણ અમોએ સૂચના કરેલી છે તે નિરાશ્રિત વિધવાના પોષણ માટે પૂરતું સાધન છે. આમ વિચાર કરી જોતાં કેવલ ઉપજીવિકા કે પોષણ માટે જ પુનર્લગ્ન કરવાની આવશ્યકતા બતાવનાર પુરુષો સ્ત્રીઓની પશુવૃત્તિને ઉત્તેજન આપી પોતાની પશુવૃત્તિને સંતોષ પમાડવાનો માર્ગ સાધતા હોય તેવું જણાય છે. કોઈ પણ સ્ત્રીને કેવલ પોષણ આપવા માટે પોતાની જાત વેચવા કહેશો તો તે કદી વેચશે નહિ; છતાં વિધવાઓને તેવો ઉપદેશ કરવો એ કેટલું પાપભરેલું છે તેનો આપણે વિચાર પણ કરતા નથી. હવે જો કેવલ વિષયવાંછનાથી જ બીજો પતિ કરવાની જરૂર છે એમ કહેવા માગીએ તોપણ વાજબી નથી. જે સ્ત્રી માત્ર વિષયવાંછનાથી જ ભરેલી છે તે કોઈની પણ પત્ની થવાને લાયક નથી એ વાત, સાબિતીનાં કારણો આપ્યા સિવાય પણ સિદ્ધ જ છે. અને એ વિચાર પણ સ્ત્રીઓની પશુવૃત્તિ માત્રને વિસ્તૃત કરી કુમાર્ગે લઈ જવાનું રૂપાન્તર છે એમ કહેવું જોઈએ. એક જ પ્રેમથી એક દિવસ પણ પતિ પાસે રહ્યા પછી બીજો પતિ કરવાની ઇચ્છા જો આવાં અનીતિભરેલાં ઉત્તેજન ન હોય તો ભાગ્યે જ થાય. યોગ્ય વય થયા સિવાય લગ્ન કરવું એ વાત લક્ષમાં લીધા પછી, તથા અન્યોન્યને અનુકૂલ જ્ઞાન પ્રેમાદિકથી જ બંધાવું એ વિચાર દઢ થયા પછી, પરણેલાં સ્ત્રીપુરુષને પ્રથમ તો તે જુદી પડે છે તેમાં “પ્રેમ” મુખ્ય છે. આ શબ્દના પરિપૂર્ણ અર્થ વિષે અને તેના વિસ્તારથી જ મોક્ષ પર્યત પણ તેના અર્થની અવધિ વિષે આપણે આગળ કહેલું છે. આ પ્રેમને જ આધીન સર્વ લગ્નનું તંત્ર હોવું જોઈએ. જેઓ પરિપૂર્ણ પ્રેમથી જોડાયેલાં છે, તેમને તો વિયોગ થયા પછી–મરણજન્ય પણ–ફરી પરણવાનો વિચાર પણ પાપ જેવો લાગે એ સ્વાભાવિક છે. ફરી લગ્ન કરવાનું કારણ શું ? ફરી લગ્ન કરવાનાં જે કારણો હાલ દર્શાવવામાં આવે છે તેમાં સ્ત્રીને માટે એક તો પોતાની જાતનું પોષણ કરનારની જરૂર, બીજાં બાળકો હોય તો તેની સંભાળ રાખનારની આવશ્યકતા; ત્રીજો અપરિતુષ્ટ વિષયલાલસા, ખાવું, પીવું, સંભાળ કરવી ઇત્યાદિક જે ધર્મ માણસમાં છે તે જ ઇતર પ્રાણીમાં પણ છે. એટલે કે આ વૃત્તિઓને જ પ્રધાન રાખી માણસ જેટલા વ્યવહાર કરે તેટલા તેની પશુવૃત્તિના વ્યવહાર એમ કહી શકાય. અને તે તે વૃત્તિને કબજે રાખી જે આનંદકારક અને સર્વને તથા પોતાને સંતોષજનક વ્યવહાર થાય છે તે તેની પ્રેમબુદ્ધિમાંથી ઉત્પન્ન થયેલો હોવાને લીધે ઈશ્વરી વ્યાપાર પણ કહી શકાય. જો પશુવૃત્તિ એ જ લગ્નનું નિયામક હોત તો પુનર્લગ્નનો પ્રસંગ તરત જ પ્રાપ્ત થાત. આપણે જે નિર્ણય કર્યો તે પ્રમાણે તો આવો પ્રસંગ સંભવતો નથી. આમ જોતાં જે કારણોને માટે પુનર્લગ્ન કરવાની જરૂર બતાવી તે કારણોથી માણસની પશુવૃત્તિ માત્રને ઉત્તેજન મળે છે : એટલે જે વૃત્તિને ખરું જોતાં તાબે રાખી પરમસુખ શોધવામાં રહેવું જોઈએ તે જ વૃત્તિને ઉત્તેજન આપી ધર્મભ્રષ્ટ યાને સન્માર્ગથી વિરુદ્ધ જવાના ઉપદેશ બરાબર એ કહેવું છે. કોઈ એમ કહેશે કે આવા પ્રેમના વિચાર કરવાથી શું ક્ષુધા નહિ લાગે, કે વિષયવાંછના નહિ થાય જે તેને માટે પ્રથમથી બંદોબસ્ત ન કરવો ? આ બધાનો જવાબ અમે જે આગળ કહેલું છે તેનો વિચાર કરવાથી આવી જશે. પ્રથમ તો સર્વ રીતે યોગ્ય – અર્થાત્ પોષણ કરવાને પણ યોગ્ય – એવા જ પુરુષને સ્ત્રીએ પતિ કરવો એમ મરણજન્ય વિયોગનો પ્રસંગ જ વિરલ છે, ને કદાપિ અદૃષ્ટબલે આવી પડે તોપણ તેવામાં પુનર્લગ્નની વાંછના થાય એ ઘટતું જ નથી. પ્રેમની શક્તિ એટલી અગાધ છે કે તેને જ બલે માણસ જીવી શકે છે, ને વિયોગમાં પણ તેને જ આધીન રહી માણસ બીજી વસ્તુ ઉપર લક્ષ સરખું આપતો નથી એ જ પ્રેમના બલથી શુદ્ધ આચારવાળી રજપૂતાણીઓ ચિતા ઉપર બળી મરી છે, એથી જ સ્ત્રીપુરુષોના પ્રાણ સ્વતઃ ઊડી ગયા છે. એ પ્રેમને જ પુષ્ટ કરવામાં જ્યારે કેવલ્યસુખ આગળ બતાવ્યા મુજબ રહ્યું છે ત્યારે તે પ્રેમના પ્રવાહમાં ઠામઠામથી કચરો નંખાવવાનો ઉપદેશ કરવો એ કેટલું હાનિકારક ને તેથી જ અધર્મયુક્ત કે પાપયુક્ત છે એ વિચારી લેવું.

માણસનું મન એ એક અકલ અને અગાધ યંત્ર છે, એમાંથી કલ્પનામાં પણ ન ઊતરી શકે તેવી ઉત્પત્તિઓ થાય છે : એ જ ગહન માર્ગોમાં પ્રવેશ કરે છે, ને અગમ્ય વાણી ભાખે છે. સ્ત્રીઓને વિષયસુખની લાલસા વધારે થાય કે ઓછી થાય એ યદ્યપિ દેશની હવા વગેરે અને શરીરના બંધારણ ઉપર આધાર રાખે છે, તોપણ તેમાં મુખ્ય વાત મન છે. મનને જેમ લઈ જાય તેમ જાય. જો એક જ પતિનો અને તેના ઉપર લીનતાનો સંસ્કાર દૃઢ થઈ ગયો તો તે કોઈ દિવસ ખસનાર નહિ. જો બીજો કોઈ નિશ્ચય પ્રાપ્ત થયો તો તે પણ જનાર નહિ. આવી રીતની આ અકલ ઇંદ્રિયને જેવું વલણ આપીએ તેવે માર્ગે જાય. સુશિક્ષા લઈ પ્રેમમાં પ્રવીણ થયેલા મન ઉપર પુનર્લગ્નનો ઉપદેશ જેમ પથ્થર ઉપર પાણી બરાબર છે તેમ પુનર્લગ્ન જ કરવાને અર્થાત્ વિષયસુખમાં જ – આસક્ત થયેલા માણસને પ્રેમનો બોધ નિરર્થ જ છે. પણ એમ થવાનું કારણ માત્ર મનનું વલણ જ છે. જો મનની વૃત્તિ પ્રથમથી જ સારી રાખી હોય તો પરિણામ સારાં જ થાય. કોઈ કહેશે કે સંસારમાં ફરી પરણે તેમાં શું પાપ આવી ગયું કે તેવી વૃત્તિ ન થવા દેવી ? માણસના જીવિતનું પરમ ફલ શું છે એ વાતનો વિચાર કરતી વખતે આ બાબતનો નિશ્ચય કરેલો છે જે ને તે નિશ્ચયથી જે વિચાર કે આચાર વિરુદ્ધ હોય તે પાપયુક્ત જ ગણીએ છીએ. એક પ્રેમમાં દૃઢ રહેવાથી આ નિશ્ચયને કેવું સહેલાઈથી પહોંચી શકાય છે એ પણ પ્રતિપાદન કરેલું છે. તો એ સહજસિદ્ધ જ છે કે પ્રથમથી જ પ્રેમવૃત્તિને દૃઢ કરી પુનર્લગ્નનો અવકાશ ન આવવા દેવો એ શ્રેયસ્કર, સુખકારક, અને કલ્યાણકારી છે. પણ આપણા સુધારાવાળાઓ તો પુનર્લગ્નના ઉપદેશ કરવામાં જ મચ્યા રહે છે; એટલે આ વાતની આશા પણ ક્યાંથી રખાય ? જો સારાસાર વિચાર કરે તો તેઓનો વાસ્તવિક ધર્મ તો પુનર્લગ્નની વિરુદ્ધ ઉપદેશ આપવાનો હોવો જોઈએ પણ તેમ ન કરવાનું કારણ તેઓ પોતે જ સારી રીતે સમજતા હશે.

સંસારમાં 'સ્થિરતા' એ એક મોટો ગુણ છે. અને ધીરજ, ગંભીરતા એ સર્વ આ ગુણનાં રૂપાંતર છે. અમુક પ્રકારની સ્થિરતામાં સુખમાત્રનો સમાવેશ થઈ શકે છે. જો સ્થિરતા ન હોય તો માણસ કેટલું દુઃખી થાય છે, કેવાં કેવાં કામ કરે છે એ સર્વ વૃત્તાન્તો આપણને ઇતિહાસ દ્વારા સુપ્રસિદ્ધ છે, જે લોક એક મૂકી બીજાને ને બીજાં મૂકી ત્રીજાને એમ ભમ્યાં કરે છે તે સામાન્ય રીતે જોતાં મૈત્રીમાં કે રાજકીય પક્ષમાં પણ સુખ પામતા નથી. દૃઢતા અથવા સ્થિરતાનો ગુણ જેમ બીજે બધે ઠેકાણે – તેમ ઘરસંસારમાં પણ પરિપૂર્ણ ઉપયોગનો જાણવો; તે એટલે સુધી કે તે વિના સુખ એ શબ્દની આશા રાખવી નહિ. હવે સ્ત્રીને વિષયસુખનું પ્રબલ થયું, કે કોઈ રીતે ઠીક ન પડવું કે પછી બીજો પતિ કરવા જાય તેમાં શો વાંધો ? અને જ્યારે પતિ મરી ગયા પછી બીજો કરે, ત્યારે જીવતાં પણ શા માટે બીજો ન કરે ? ઉભય પક્ષે અમે તો એમ જવાબ આપીએ કે જે સુખ કે સમાધાન પ્રાપ્ત કરવાની આશાથી તે સ્ત્રી ફરી પરણવા નીકળે છે તે જ તેને પ્રાપ્ત થવાનું નહિ. એક સ્થિતિમાંનો વ્યવહાર અનુકૂલ ન પડ્યાથી બીજી સ્થિતિ શોધનાર માણસ સ્વાભાવિક રીતે બીજી સ્થિતિને પ્રથમની કરતાં ઊંચા પ્રકારની નીવડવાની આશા રાખે, પણ, જનસ્વભાવના વિચિત્ર નાટકમાં વારંવાર તેમ બની આવતું નથી. તેથી તથા જરા જરા વાંધો આવવાથી તે સ્ત્રીને પતિ બદલવાની જે ખરાબ ટેવ પડી તેથી, વળી બીજો પતિ પણ થોડે દિવસે જૂનો થતાં નકામો થઈ પડવાનો. જો પતિ જીવતાં પુનર્લગ્ન નહિ કરવાનું હોય તો પતિને દૂર કરવાની પણ ફરજ પડવાની અને એક નવું નાટક થઈ આવવાનું. આમ આવી રીતે ભ્રમિત થયેલી સ્ત્રીઓ ક્યાં સુખ પામશે ? ક્યાં અટકશે ? શું શું નહિ કરે ? એ કલ્પના કરી શકાતી નથી. માટે યોગ્ય માર્ગ તો લગ્ન એક જ અને અચલ સમજી, પતિ પસંદ કરતાં તપાસ રાખી, મલે તેથી વિર્વાહ કરી દેવયોગે પ્રાપ્ત થતા વૈધવ્ય સમયે શાસ્ત્રોક્ત વિધવાધર્મ પાલી એક પ્રેમપોષક પુણ્યદાનમાં નિરત રહેવું એમાં જ રહેલો છે. આપણાં શાસ્ત્રોમાં વિધવાને માટે જે ધર્મ કહેલા છે તે સર્વથા વિષયવાંછના દૂર કરી મનને પ્રેમવૃત્તિમાં દઢ કરવા માટે જ. એ સર્વનું ગ્રહણ કરી પ્રેમવૃત્તિમાં દઢ રહી આખરે કલ્યાણે પહોંચવું એ જેમ સર્વ મનુષ્યનો તેમ અમારી આર્યવિધવાઓનો પણ સનાતન ધર્મ સદા હો એ અમારી શુભ વાંછના છે.

લગ્ન એક જ અને અખંડ હોવું જોઈએ, નહિ તો એટલી અનવસ્થા થઈ આવે કે લગ્ન કરવાનો મુખ્ય ઉદ્દેશ નિષ્ફલ થાય. પ્રેમથી યંત્રિત દંપતી અવિચલ થઈ, એક જ વાર પરણે તેમાં જ મોક્ષ પર્યંતના સુખનો પણ સમાવેશ થાય છે એ આપણે વારંવાર કહેલું છે. આ પ્રમાણે થયેલાં લગ્નથી અનીતિનો વધારો થતો નથી. પુનર્લગ્નની બારી જે વખતે ખુલ્લી મૂકવામાં આવે છે તે વખતે તે રસ્તેથી કેટલા અને કેવા દુર્ગુણો અંદર દાખલ થઈ જાય છે તે કહી શકાતું નથી. કેવલ પશુવૃત્તિને જ ઉત્તેજન આપવામાં માણસાઈ હોય તો પુનરુદ્વાહ અયોગ્ય નથી એમ કહેવાય; નહિ તો તે વૃત્તિના વિસ્તારથી જે પરિણામ અન્ય સ્થલે સંભવે તે આ વિષયમાં પણ બની આવ્યા વિના રહેતાં નથી. "જે હેતુથી લગ્નની જરૂર બતાવવામાં આવી તે પાર પાડવા માટે જરૂરનું છે કે તે એક અને અચલ હોવું જોઈએ. આ બન્ને શરત એટલી બધી જરૂરની છે કે તે, સ્ત્રીપુરુષનો સંબંધ જ્યાં અયોગ્ય રીતિનો હોય ત્યાં પણ માલમ પડી આવે છે. પ્રેમમાર્ગમાં અચલ ન રહેવાથી તથા પ્રેમને પોતાની સગવડનું સાધારણ સાધન ગણવાથી સુખ પ્રાપ્ત થઈ શકે છે એમ જે બોલવું થાય છે તે વ્યવહાર તથા નીતિના સિદ્ધાન્તોના અત્યંત અજ્ઞાન સિવાય બીજા કીયા કારણથી થતું હશે તે સમજી શકાતું નથી....... માણસનાં સ્વાભાવિક અસ્થિરતા અને તરંગોને નિયમમાં રાખવા માટે મંડલીએ વચ્ચે પડવાની જરૂર છે; નહિ તો સુખને માટે એક પછી એક વ્યર્થ અને દુઃખકારક પ્રયત્ન કરતે કરતે માણસનું જીવતર છેક નિષ્ફલ અને ઘણી નીચી પદ્ધતિનું થઈ પડે." અર્થાત્ પુનર્લગ્ન ન કરવું એવો જ નિયમ સર્વથા રાખવો જોઈએ, નહિ તો લગ્નના હેતુ અન્યથા સમજાવાથી, અને અનીતિને માટે દ્વાર ઊઘડવાથી, માણસને કોઈ વાર પરિપૂર્ણ કે ખરું સુખ પ્રાપ્ત થનાર નથી. જ્યાં પુનર્લગ્ન પ્રસિદ્ધ વ્યવહારમાં આવેલું છે ત્યાં લગ્નનો હેતુ ભાગ્યે જ યથાર્થ સમજાતો હશે, અથવા નીતિના માર્ગને જોઈએ તેવી રીતે ક્વચિત જ વળગી રહેવામાં આવતું હશે.

પુનર્લગ્ન એ માણસના સ્વભાવને કેટલું અણગમતું છે એનો ખ્યાલ જે દેશોમાં પુનર્લગ્નનો રિવાજ ચાલુ છે ત્યાં પણ તેમ ન કરવામાં પ્રતિષ્ઠા મનાય છે એ જાણવા પરથી આપણે કરી શકીશું. જેઓ કહે છે કે પુનર્લગ્ન ન થવાથી વિધવાઓ કુમાર્ગે જાય છે તેઓને આ વાત પણ વિચારવાલાયક છે કે પુનર્લગ્ન થવા દેવાથી પણ માણસ જાતના સ્વભાવની, એક લગ્ન કરવું એ જ શ્રેષ્ઠ છે એમ માનવાની વૃત્તિને, અને તે વૃત્તિ યથાર્થ રીતે ન હોય તો પણ પ્રતિષ્ઠાની ખાતર જ તેવો આચાર રાખી અંદરથી ગમે તેવો આચાર થવાના સંભવને, અટકાવી શકનાર નથી. વિધવાઓને છૂપો અનાચાર કરતી અટકાવવા માટે પ્રસિદ્ધ અનાચારનો માર્ગ બાંધી આપવા કરતાં અનાચાર કરવાની મરજી ન થાય તેવો ઉપદેશ ને તેવો વ્યવહાર રાખવો એ વધારે ડહાપણભરેલું છે. માણસના સ્વભાવમાંની ખરી વૃત્તિ તો પુનર્લગ્નની વિરુદ્ધ જ માલમ પડે છે પણ ઉપદેશ અને સંગતિના બલથી તે કોઈ કોઈ વાર બદલાઈ જાય છે : ને "સુધારો" કરવા ચાહનારાઓને અવળે માર્ગે દોરે છે. માણસના સ્વભાવની શુદ્ધ અને મૂલ વૃત્તિને જ દઢ કરવાનો માર્ગ શોધવો એ વધારે કલ્યાણકારી અને સુખસાધ્ય છે.

આ રીતે તપાસ કરતાં નીતિથી, ધર્મથી, માણસના સ્વભાવથી પુનર્લગ્ન વિરુદ્ધ છે એ આપણે સ્પષ્ટ રીતે જોઈએ છીએ; તેમજ એ પણ સિદ્ધ થઈ આવે છે કે જે સુખને અર્થે પુનર્લગ્ન કરવાનો આગ્રહ કરવામાં આવે છે તે સુખ પણ તેથી પ્રાપ્ત થતું નથી. વળી અર્થશાસ્ત્રના નિયમ પ્રમાણે પણ પુનર્લગ્ન ન હોય એ લાભકારક વાત છે. પ્રજાની વૃદ્ધિથી કરીને દેશની સમૃદ્ધિમાં જે વિભાગ પડે છે તેથી તથા તેની તે જમીનમાંથી પાક વધારે લેવાની ફરજ પડવાથી જમીનનો કસ ઓછો થાય છે તેથી, દેશની અવસ્થા ઘણી ગરીબ થવા માંડે છે ને પૈસેટકે તથા વિદ્યા વગેરેની બાબતોમાં પણ સાધનહીન હોવાથી લોક દુઃખી થવા લાગે છે. અમુક હદ ઉપરાંત પ્રજાની વૃદ્ધિ ન થઈ જાય માટે મરણ, મહાવ્યાધિ, યુદ્ધ, દુકાળ, વગેરે પ્રસંગ સ્વાભાવિક રીતે જ બન્યાં જાય છે. પુનર્લગ્ન ન કરવા દેવાં અને પ્રજા ઓછી થવા દેવી એ પણ આ રીતે પ્રજાની વૃદ્ધિ થવાથી દેશને જે હાનિ થવાનો સંભવ તે અટકાવવાનું એક સ્વાભાવિક સાધન છે. આમ વિચારતાં પુનર્લગ્ન ન કરવું એ સર્વ રીતે લાભકારક વાત જણાય છે; તે છતાં વારંવાર તે કરવું એમ જ ઉપદેશ શા આધારે કરવો એ અમારાથી સમજી શકાતું નથી.

સ્ત્રીપુરુષના હક સમાન માનવાવાળા આ પ્રસંગે પૂછુયા વિના નહિ રહે કે જ્યારે પુનર્લગ્ન કરવાની ના કહી ત્યારે સ્ત્રીપુરુષ ઉભયને કે એકલી સ્ત્રીને જ. અમે તો આગળથી જ સ્ત્રીને પ્રેમભાવમાં પુરુષ કરતાં કાંઈક અંશે ચઢિયાતી માની છે, ને જ્યારે પ્રેમભાવ જ પુનર્લગ્ન કરવામાં બાધક છે ત્યારે સ્ત્રીએ તો જરૂર તે ન કરવું એમ સિદ્ધ થયા વિના રહેતું નથી. પુરુષનું શ્રેયસ્ પણ એ જ પ્રેમભાવમાં, ને તે પ્રેમભાવના પ્રૌઢ વિસ્તારમાં રહેલું હોવાથી તેમને પણ એક પ્રેમની જરૂર ઉઘાડી જ છે. એટલે તેમને પણ એ પુનર્લગ્નનો પ્રસંગ આવી શકતો નથી. જેમ વ્યવહારમાં, બોલવામાં, રીતિમાં ને છેવટે ધર્મમાં પણ ઐક્ય–અદ્વિતીયતાની–અવશ્ય જરૂર છે, ને તે એટલે સુધી કે તે અદ્વૈતભાવ વિના ખરો ધર્મ, ખરી નીતિ, કે ખરો વ્યવહાર હાથ થયો છે એમ મનાય જ નહિ, તેમ લગ્નની બાબતમાં પણ જીવતાં કે મુવા પછી પણ સર્વ કાલ ચાલુ રહે તેવા ઐક્યની પૂરી આવશ્યકતા છે એ જ અમારો વારંવાર પ્રતિપાદન કરેલો સિદ્ધાન્ત લક્ષમાં રાખવાથી પુનર્લગ્નનો અવકાશ માત્ર પણ આવી શકશે નહિ.

માણસ પોતે બને તેટલી યોજનાઓ કરે, બાલલગ્ન ન કરે, વય, જ્ઞાન, સમૃદ્ધિ જોઈને લગ્ન કરે, તથાપિ વૈધવ્ય નહિ જ આવે એમ તો પ્રારબ્ધના અદૃષ્ટ પણ અચૂક અંકોડામાં જડાયેલા કોઈ માણસથી કહી શકાય તેમ નથી જ. આવા પ્રસંગોમાં જ પ્રેમનો જ મહિમા વારંવાર કહ્યો તે ઉપયોગનો અને ફલદાતા છે. જે પ્રારબ્ધના નિયમને યથાર્થ રીતે સમજતાં હશે તે તો બીજો વિચાર પોતાની જાતે કદાપિ ધારતાં જ હશે નહિ; તેને જ આધીન રહી પ્રાપ્ત થયેલાં પોતાનાં કર્તવ્યમાં જરા પણ પાછાં પડતાં હશે નહિ. ખરું સુખ, ખરો ધર્મ ને ખરું કલ્યાણ આપણા ધર્મની સનાતન નીતિએ ચાલવામાં જ છે તે જાણ્યા છતાં જે અસન્માર્ગે જવા ઇચ્છે, તેને તો બ્રહ્મા પણ અટકાવી શકનાર નથી. તેમના ઉપર પણ શુદ્ધ જ્ઞાનવાળા લોકોએ ઉદાર બુદ્ધિથી પ્રીતિ રાખવી અને તેમણે અનાચારથી જે દુઃખ પ્રાપ્ત કરેલું છે તેમાં વળી તિરસ્કારની પીડા કદાપિ પણ ઉમેરવી નહિ.

*****

સૂચના — આ વિષય લખતે લખતે સમાપ્ત થઈ રહેવાના પ્રસંગમાં સ્ત્રી તો ભોગ્ય છે અને પુરુષ તેનો ભોક્તા છે એવી તકરાર મારા લક્ષમાં કોઈ વિદ્વાને આણી હતી. એ વાત સ્વીકારવાનો ફલિતાર્થ એ થાય કે સ્ત્રી પુરુષને આધીન રહેવી જોઈએ. પુરુષ સ્ત્રી જીવતાં કે તેના મુવા પછી પણ બીજી સ્ત્રીઓ કરી શકે પણ સ્ત્રી તેમ ન કરી શકે, વગેરે. ભોગ્ય અને ભોક્તા આ શબ્દો વિષે વધારે વિવેચન કરતાં એમ ઠર્યું કે જેટલા જેટલા ઉપભોગના પદાર્થ જગતમાં છે તે સર્વમાં શિરોમણિ સ્ત્રી છે, તે સમાન બીજું નથી, ને તેને પુરુષે ભોગવવાની છે. આપણાં શાસ્ત્રોમાં કહેલી આ વાતથી પણ આપણે જે આગળ કહેલું છે તેથી બીજું સિદ્ધ થતું નથી. સ્ત્રી ભોગ્ય વસ્તુમાં શ્રેષ્ઠ–સર્વ કરતાં સારામાં સારો આનંદ આપનાર–પ્રેમસ્થાન – છે. એટલે જ તેને સર્વેએ પોતાનો પ્રેમભાવ વધારી સુખી થવા માટે પોષવી જોઈએ ને પાસે રાખવી જોઈએ. સ્ત્રી દ્વારા પ્રેમભાવની વૃદ્ધિ ઇચ્છનાર અને સુખ પામનાર પુરુષ પોતે પસંદ કરેલી સ્ત્રીને, બન્ને પ્રેમમાં જ અવિચ્છિન્ન પૂર્ણ થાય માટે, પોષણ પાલન આપે છે, ને તેથી જ ભોક્તા કહેવાય છે. જો ભોગ્ય અને ભોક્તા આ શબ્દના અર્થ સ્પષ્ટ રીતે પ્રતીત થતા હોય તો, તે શબ્દના સામાન્ય અર્થ ઉપરથી જ એક કરતાં વિશેષ પતિ કે પત્ની કરવાનો જે આગ્રહ કરવામાં આવે છે તે મિથ્યા છે એ સ્પષ્ટ જણાઈ આવશે.