વાતને પણ વાપરવાનાં સાધનોના પ્રકારની વિચારણામાં ગૌણ લેખવામાં આવતી, કેમ કે તેઓ દૃઢપણે માનતા હતા કે ખોટાં સાધનો વડે કદી સારું ધ્યેય પાર પાડી શકાય નહીં અને ખોટાં સાધનો વડે જે કંઈ સિદ્ધિ મળેલી દેખાય તે સારા ધ્યેયની વિકૃતિ સિવાય બીજું કંઈ હોય નહીં.
તેમનાં લખાણો અને ભાષણોના આ સંગ્રહનું નિ:શંક તેમ જ કાયમ ટકી રહેનારું મૂલ્ય દેખીતું છે. કંઈ નહીં તો છ દાયકા પર ફેલાયેલા, અસાધારણ માનવભાવથી અને ઉગ્ર કર્મથી ભરેલા સાર્વજનિક જીવનને આવરી લેતા ગુરુના શબ્દો અહીં સંઘરાયા છે, એ શબ્દોએ એક અનન્ય પ્રવૃત્તિને ઘડી અને પોષી અને સફળતાને આરે પહોંચાડી; અસંખ્ય વ્યક્તિઓને પ્રેરણા આપી અને પ્રકાશ આપ્યો; નવજીવનનો રસ્તો ખેડ્યો અને દર્શાવ્યો; આધ્યાત્મિક અને શાશ્વત, સ્થળ અને કાળથી પર અને સમગ્ર માનવજાતિનાં તેમ જ સર્વ યુગોનાં લેખાય એવાં સંસ્કારનાં મૂલ્યો વિષે આગ્રહ કેળવ્યો. તેથી તે શબ્દોને સંઘરીને સાચવવાનો પ્રયાસ થાય છે તે તદ્દન યોગ્ય છે.
માનવના માનવ વિષેના શાશ્વત વિશ્વાસના દિલને પણ હલાવી મૂકનારા વિધાનમાં અને માનવમાત્રની આધ્યાત્મિક સંપત્તિમાં નીતિની ભાવના સ્વભાવગત રહેલી છે એ શ્રદ્ધામાં તેમની કાર્યપદ્ધતિ સમાયેલી છે. એમના આ વિચારમાં રહેલી સ્વતંત્રતા કેવળ કાયદાકાનૂનથી કે સત્તાધારીઓની આજ્ઞાથી સિદ્ધ થઈ શકે એવી નથી; કે કેવળ વિજ્ઞાનની અથવા યંત્રવિદ્યાની પ્રગતિથી મળી શકે એવી નથી. કોઈ પણ સમાજે ખરેખર સ્વતંત્ર રહેવાને માટે પોતાની વ્યવસ્થા સ્વતંત્રતાને કાજે યોજવી જોઈએ અને તે વ્યવસ્થાની યોજનાની શરૂઆત ખુદ વ્યક્તિએ પોતે કરવી જોઈએ, ભારતીય રાષ્ટ્રજીવન જેટલા પ્રમાણમાં તેમના વિચારોમાંથી પ્રેરણા લેતું રહેશે અને તેમના વિચારોને આધારે ઘડાશે તેટલા પ્રમાણમાં તે માનવસમાજની મુક્તિની પ્રેરણાનું સાધન બનશે. જેટલા પ્રમાણમાં સ્વતંત્ર હિંદ તેમના વિચારો ને આદર્શોનો અમલ કરી વધારે ને વધારે પૂર્ણ જીવન સિદ્ધ કરતું જશે તેટલા પ્રમાણમાં તે સંસ્કૃતિની સીમા વિસ્તારવામાં અને નવો રસ્તો ઉજાળવામાં સફળ થતું જશે.
તેમના ઘણા વિચારો જોકે હજી પૂરા પચાવવાના બાકી છે કોઈ પણ સમાજવ્યવસ્થા સ્વતંત્રતા સ્થાપવામાં કેટલો ફાળો આપે છે તે વાતની તુલના તે પોતાનાં અંગભૂત ઘટકોને પ્રત્યક્ષ કેટલી સ્વતંત્રતા આપે છે તેના પ્રમાણ પરથી કરવી જોઈએ એ બાબતમાં સૌ કોઈ સંમત છે છતાં અૌદ્યોગિક, સામાજિક કે રાજદ્રારી સ્વરૂપના કેન્દ્રિત સંગઠનમાં તેના કેન્દ્રિતપણાના પ્રમાણમાં વ્યક્તિની સ્વતંત્રતા પર કાપ પડયા વગર રહેતો નથી એ હકીકત હજી પૂરતા પ્રમાણમાં સમજાઈ નથી. એ બાબતમાં સોનેરી મધ્યમ માર્ગ હજી શોધાવો ને સ્વીકારાવો બાકી છે. ગાંધીજીના અર્થવ્યવસ્થાના ખ્યાલને તંગીના નહીં તોયે સખત કરકસરના ખ્યાલની સાથે ઘણી વાર ભેળી દેવામાં આવે છે. તેમના સંયમના આદર્શનો વિવિધતા કે સૌંદર્ય વગરના કડક નીતિના પાલનના લૂખા આદર્શ સાથે ગોટાળો કરવામાં આવે છે, તેમની જરૂરિયાતો થોડી અને મર્યાદિત હોવા છતાં તેમનું જીવન પરિપૂર્ણ અને સમૃદ્ધ હતું અને આજની ઘસાઈને પાતળી પડી ગયેલી શ્રદ્ધાની ભૂમિકામાં સાચું ન લાગે એટલા એ ઉદાત્ત જીવનમાં તેમણે પોતાની માન્યતા, આદર્શો અને શ્રદ્ધાની સચ્ચાઈની પ્રત્યક્ષ સાબિતી પૂરી પાડી હતી. તેમના આશ્રમના વાસીઓ સવારની તેમ જ સાંજની પ્રાર્થનામાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, શરીરશ્રમ, આસ્વાદ, અભય, સર્વધર્મસમભાવ, અસ્પૃશ્યતાનિવારણ અને સ્વદેશી એ બધાં પોતાનાં જે વ્રતોનો નિત્યપાઠ કરતા તેમને આપણે આ રીતે સમજવાં જોઈશે.