પસંદ કરવાનું કારણ એ છે કે તે બધીને એ ઢબે અલગ પાડવામાં કૃત્રિમપણું આવી ગયા વગર રહે નહીં. ઘણી વાર ગાંધીજી એક જ વિષયની અથવા મુદ્દાની ચર્ચા થોડા દિવસ દરમિયાન કયાંક એકાદ લેખમાં તો કયાંક એકાદ ભાષણમાં કે કયાંક કોઈકને લખેલા પત્રમાં કરતા. તેઓ જીવનને અલગ અલગ ખંડ પાડીને નહીં પણ એક અખંડ વસ્તુ તરીકે જોતા. પોતાના વિચારો તેઓ લેખ, ભાષણ અગર પત્રમાં એમ ગમે તે ઢબે વ્યક્ત કરતા તોયે તેમાં ખાસ કશો ફરક પડતો નહોતો. એ બધાં એક જ પુસ્તકમાં ચોકસાઈથી કાળક્રમે પાસે પાસે રાખવામાં આવ્યાં હોય તો ગાંધીજી કેવી રીતે કાર્ય કરતા અને જુદા જુદા મુદ્દાઓ એક પછી એક સામા આવતા જાય તેમ તેમ તેમનો કઈ રીતે વિચાર કરી નિકાલ કરતા તેનો વાચકને વધારે સાચો ને સ્પષ્ટ ખ્યાલ આવે એ રીતે આ પુસ્તકોમાં ગાંધીજીના માનસની સમૃદ્ધિ સોળે કળાએ પ્રગટ થશે કેમ કે તેઓ એક બાજુથી સાર્વજનિક જીવનની દૃષ્ટિથી ઘણા મહત્વની બાબતોની ચર્ચા કરતા હોય તે જ વખતે બીજી બાજુથી વ્યક્તિઓના અંગત જીવન સાથે ઘાડો સંબંધ ધરાવતા સવાલોમાં તેટલી જ ચીવટથી પોતાનું ચિત્ત પરોવતા હોય એવું જોવા મળે છે. જાહેર જીવનના સવાલોની ચર્ચા કરનારાં લખાણો અગર ભાષણોની વચ્ચે વચ્ચે વ્યક્તિઓને અંગત લખેલા પત્રો રાખવાથી તે બધાને અલગ પુસ્તકશ્રેણીમાં પ્રસિદ્ધ કરવાથી મળે તેના કરતાં ગાંધીજીના વ્યક્તિત્વનું વધારે સાચું અને વધારે પૂર્ણ પ્રતિબિમ્બ નીરખવાનું મળશે.
આ પુસ્તકશ્રેણીનો આશય ગાંધીજીના અસલ શબ્દોને બની શકે તેટલા પ્રમાણમાં જેવા ને તેવા આપવાનો હોવાથી તેમનાં ભાષણો, તેમની મુલાકાતો અને વાતચીતોના જે હેવાલો પ્રમાણભૂત સાચા લાગ્યા નથી તેમને છોડી દેવામાં આવ્યા છે અને તેવી જ રીતે પરોક્ષ નિવેદનને રૂપે અપાયેલા હેવાલો પણ એમાં લેવામાં આવ્યા નથી. ભાષણોની બાબતમાં જોકે પરોક્ષ નિવેદનને રૂપે અપાયેલા તેમના હેવાલની પ્રમાણભૂત સચ્ચાઈ વિષે શંકા ન હોય અથવા પ્રત્યક્ષ નિવેદનને રૂપે તેમનો હેવાલ મળે એમ ન હોય, અથવા બીજી રીતે મળી ન શકે એવી માહિતી તેમાંથી મળતી હોય તો તે રૂપમાં તે આપવામાં આવ્યા છે. તેવી જ રીતે ગાંધીજીએ વકીલ તરીકે કેવળ પોતાના વ્યવસાય પૂરતા લખેલા દસ્તાવેજ અગર પત્રો અને જે માત્ર શિરસ્તા મુજબ લખાયેલા તેમ જ જે તેમના ચરિત્રની દૃષ્ટિથી પ્રસ્તુત ન હોય તેવા કાગળો પણ આમાં સમાવવામાં આવ્યા નથી. વળી, જેને લખાયો હોય તેને જ જાણવાને લાયક ખાનગી પ્રકારના અથવા હાલ જીવતાં માણસોને જેમની પ્રસિદ્ધિથી મૂંઝવણ થવાનો સંભવ હોય તેવા પત્રોનો પણ અહીં સમાવેશ કરવામાં આવ્યો નથી.
હિંદી ને ગુજરાતીમાંથી અંગ્રેજી તરજુમા કરવાનું અને અંગ્રેજી ને ગુજરાતીમાંથી હિંદી તરજુમા કરવાનું કામ સંભાળથી પસંદ કરવામાં આવેલા અનુભવી અનુવાદકોના મંડળને સોંપાયું છે. શૈલીમાં એકધારાપણું જળવાય તેટલા ખાતર બની શકે ત્યાં સુધી એક જ પુસ્તકમાં સમાવવામાં આવેલાં લખાણોના તરજુમાનું કામ એક જ અનુવાદક કરે છે.
મળેલાં લખાણો વગેરેની સામગ્રીને પુસ્તકશ્રેણીમાં આપતાં પહેલાં અસલને વળગી રહેવાની ચીવટ રાખવામાં આવી છે. છાપકામની દેખીતી ભૂલો સુધારી લેવામાં આવી હોઈ જે શબ્દો મૂળમાં ટૂંકાવીને આપ્યા હોય તેમની સામાન્યપણે પૂરી જોડણી આપવામાં આવી છે.
અખબાર અથવા સામયિકોમાંનો લેખ ન હોય એવા લખાણની અથવા ગાંધીજીએ આપેલા ભાષણની તારીખ બધે ઠેકાણે એક જ રીતે શરૂઆતમાં મથાળે જમણી બાજુને ખૂણે સામાન્ય રીતે ટપાલના કાગળોમાં લખવાનો રિવાજ છે તે મુજબ આપવામાં આવી છે. કોઈ કોઈ