"આ યુગના સૌથી મહાન પુરુષ"ના ઉછેર, વિકાસ અને કાર્યપદ્ધતિની પ્રેરણાદાયી કથાને, તેમનાં જ લખાણો અને ભાષણોના રૂપમાં સુલભ કરી આપે છે. આ ગ્રંથમાળા, આજની અને આવતી કાલની પેઢીને માટે, રાષ્ટ્રપિતાની વિકસતી અને વિસ્તરતી જતી વિચારસૃષ્ટિનો પરિચય પામવા માટે એક અમૂલ્ય દસ્તાવેજ છે.
પ્રથમ પુસ્તક એમનાં પ્રારંભિક અને ઘડતરનાં વર્ષોને આવરી લે છે. એનાં પાનાંમાં ગાંધીજીના અનેક અંગત અનુભવો અને "એક પ્રાચીન જાતિના લેાકોને અન્યાયી જુલમોમાંથી બચાવવા " માટે "રંગદ્વેષના દુર્ગ"– દક્ષિણ આફ્રિકામાં એમણે આદરેલા પ્રચંડ પુરુષાર્થનો પમરાટ છે. બૅરિસ્ટર ગાંધી લોકસેવક ગાંધીમાં પરિવર્તન પામવાનો શુભારંભ પણ આ પૃષ્ઠોમાં જોઈ શકાય છે.
દક્ષિણ આફ્રિકાની અખબારી આલમ પરની એમની પત્રધારા, ધારાસભાએાને તેમ જ એ સભાએાની બહારના યુરોપિયનોને સંબેધાયેલી એમની હૃદયસ્પર્શી અપીલો, દક્ષિણ આફ્રિકા, ઇંગ્લંડ તથા હિંદના હાકેમો પરનાં એમનાં વિનયી છતાં સ્પષ્ટભાષી વિનંતીપત્રો – એ બધાંમાં વાચકને ખુદ દક્ષિણ આફ્રિકાના કલ્યાણ માટે હિંદી અને યુરેપિયન સમાજ વચ્ચેના સંબંધો ન્યાય અને સહિષ્ણુતાના પાયા પર જ રચાવા જોઈએ, એવી એમની અડોલ નિષ્ઠાનાં દર્શન થાય છે.
બીજા પુસ્તકમાં ગાંધીજીની ગાથા એક નવા અને નાજુક તબક્કામાં પ્રવેશે છે. એમની સ્ટીમરને ચાર અઠવાડિયાં ક્વૉરેન્ટીનમાં રાખ્યા બાદ ડરબન બંદરે ઊતરતાં એક અંગ્રેજ ટોળાએ એમને મારેલા મરણતોલ મારનું – સત્યને ખાતર પોતાના પ્રાણને હોડમાં મૂકવાના એમના પ્રથમ સાહસનું-એમાં વર્ણન છે. [ –પાછલા ફ્લેપ પર ચાલુ