હિંદ પાછા જશે.” હિંદીઓના આ કામ પર એકચિત્તથી ધ્યાન આપવાની મારી તમને અંતરથી
વિનંતી છે, અને તમારી જે લાગવગ હિંદીઓ ગમે ત્યાં રહેતા હોય છતાં તેમને સારુ તમે
વાપરતા આવ્યા છો અને આજે પણ વાપરો છો તે વાપરવાની તમને હું અપીલ કરું છું. છોકરાંઓ
બાપ તરફથી જે આશા રાખે તેવી હિંદીઓ તમારી પાસેથી રાખે છે. અહીં ખરેખર એવી
લાગણી છે.
મારે વિષે બે શબ્દ કહીને પૂરું કરું. હું હજી બિનઅનુભવી અને જુવાન છું અને તેથી ભૂલો કરું એવો પૂરો સંભવ છે. મેં ઉપાડેલી જવાબદારી છેક મારા ગજા બહારની છે. હું એટલું જણાવી લઉં કે આ કામ હું કંઈ પણ વળતર લીધા વગર કરું છું. એટલે તમે જોઈ શકશો કે મારા ગજા બહારનું આ કામ હિંદીઓને ખરચે કમાણી કરવાને સારુ મેં ઉપાડયું નથી. આ કામ હાથ પર લેવાને મળી શકે એવો હું જ અહીં એક છું એટલે તમે મને દોરવણી આપી માર્ગ બતાવવાની અને જરૂરી સૂચનાઓ આપવાની કૃપા કરશો તો મારા પર તમારો મોટો ઉપકાર થશે. બાળક બાપ તરફથી મળેલી સૂચનાઓ સ્વીકારે તેવી રીતે તેમનો હું સ્વીકાર કરીશ.
માનવંતી લેજિસ્લેટિવ કાઉન્સિલના પ્રમુખ
- અને મેમ્બર સાહેબો
- નાતાલ કૉલોનીમાં રહેનારા નીચે સહી કરનાર
- હિંદુસ્તાનીઓની
નમ્રતાપૂર્વક અરજ એ છે કે
૧. ફ્રૅન્ચાઈઝ લૉ એમેન્ડમેન્ટ બિલના સંબંધમાં આપ નામદારને અરજ કરવા અમને આ કૉલોનીમાં રહેનારી હિંદી કોમે નીમ્યા છે.
૨. ૧૮૯૪ના જુલાઈની ૪થી તારીખે ઑનરેબલ મિ. કૅમ્પબેલની મારફતે જે અરજી અમોએ કરી તે નિયમ મુજબ ન હોવાથી અરજદારો આ બીજી અરજી કરી નામદાર કાઉન્સિલનો અમૂલ્ય વખત રોકે છે તેને સારુ બહુ દિલગીર છે.
૩. જે બિલની ટીકા થાય છે તે બિલથી હિંદી કોમમાં બહુ અસંતોષ ને નિરાશાની લાગણી ઉત્પન્ન થઈ છે, એ વાત તરફ કોમના વિશ્વાસુ ને જવાબદાર સભાસદો તરીકે અરજદારો નામદાર કાઉન્સિલનું ધ્યાન ખેંચે છે. જેમ જેમ બિલની ચર્ચા હિંદી કોમમાં થતી આવે છે તેમ તેમ અરજદારોને કાને નીચેના શબ્દો વધારે આવે છે, “સરકાર માબાપ આપણને મારી નાખશે, હવે આપણે શું કરશું?”
૪. નામદાર કાઉન્સિલને બહુ માનપૂર્વક અમે કહીએ છીએ કે આ કંઈ તુચ્છકારી કાઢવા જેવો અભિપ્રાય નથી, પણ એવો અંત:કરણપૂર્વકનો છે કે નામદાર કાઉન્સિલે તે ઉપર બરાબર ધ્યાન દેવાનું છે.