છે કે તેઓ કાયદેસર મોડા નહોતા અને બિલમાં આવેલ બાબત એટલી બધી અગત્યની હતી અને છે અને તે ઇન્ડિયન બ્રિટિશ રૈયતની સાથે એવો સંબંધ રાખે છે કે ગવર્નમેન્ટ અથવા તો ઑનરેબલ કાઉન્સિલ કે ઑનરેબલ ઍસેમ્બલીએ ત્રીજી વંચાવણી થવા દીધા પહેલાં પોતાના ઠરાવોનો ફરી વિચાર કરી આપ નામદારના અરજદારની હકીકત બરાબર તપાસી હોત તો ખોટું ન કહેવાત.
૧૦. ભાષણોમાં તેમ જ બિલની શરૂઆતમાં એમ કહેવામાં આવ્યું છે કે એશિયાની કોમોએ કદી ફ્રૅંચાઈઝનો હક ભોગવ્યો નથી અને વળી ભાષણમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે એશિયાની કોમો ફ્રૅંચાઈઝને સારુ લાયક નથી. તે વખતે એશિયાના લોકોને વોટ ન કરવા દેવા સારુ આ બે મુખ્ય કારણો અપાતાં હતાં. આપના અરજદાર ધારે છે કે આ બે વાંધાનું નિરાકરણ તો પૂરતી રીતે ઑનરેબલ ઍસેમ્બલીને આપેલી અરજીથી થઈ જાય છે.
૧૧. હિંદુસ્તાનીઓને ફ્રૅંચાઈઝ રહેવા દેવા સામેના બે વાંધા તૂટી પડયા એમ જોકે ખુલ્લી રીતે કબૂલ કરવામાં નહોતું આવ્યું તોપણ એમ થયું એ ચૂપકીથી કબૂલ થયું દેખાયું. કેમ કે બિલની બીજી વંચાવણી વખતે ઑનરેબલ ઍસેમ્બલીમાં વધારે ખુલ્લી રીતે જણાવવામાં આવ્યું હતું કે ઇન્ડિયનને વોટમાંથી બાતલ કરવા એ પૉલિસીના કારણથી વાજબી છે. બીજી સુનાવણી વેળા તે વધારાનો બચાવ ન્યાય તથા નીતિને આધારે કરતા હતા. ત્રીજી સુનાવણી વેળા એમ કહેવામાં આવ્યું કે જો ઈન્ડિયનને વોટ દેવામાં આવશે તો યુરોપિયન વોટ ઢંકાઈ જશે ને દેશીનું રાજ્ય ઇન્ડિયનના હાથમાં જશે.
૧૨. બંને હાઉસને બહુ માન સહિત આપના અરજદાર કહે છે કે આ બીક પાયા વિનાની છે. આજ પણ યુરોપિયનના પ્રમાણમાં ઘણા જ થોડા ઇન્ડિયન ઇલેક્ટર છે. જે ઇન્ડિયનો બંધાઈને આવે છે તેઓને બાંધણી નભે ત્યાં સુધી ને ત્યાર બાદ ઘણાં વર્ષ સુધી વોટને સારુ પૂરી મિલકતની લાયકાત પણ ન હોઈ શકે. વળી, એ પણ જાણીતી વાત છે કે પોતાને પૈસે જેઓ આવે છે તેઓ થોડાં વર્ષ રહી ઘેર જાય છે ને તેની બદલીએ બીજા આવે છે. એટલે વેપારી વર્ગના વોટ તો ઘણું કરી હમેશાં તેટલા જ રહે. વળી, બીજી વાત પણ ભૂલવી ન જોઈએ તે એ કે જેટલે દરજજે યુરોપિયન કોમ કૉલોનીના રાજ્યપ્રકરણી કામમાં ધ્યાન રાખે છે તેટલે દરજ્જે ઇન્ડિયન કોમ નથી રાખતી. એમ જણાય છે કે ૪૫,૦૦૦ યુરોપિયન છે ને તેટલાં ઇન્ડિયન છે. આ વાત જ બતાવે છે કે યુરોપિયન તથા ઇન્ડિયન વોટ વચ્ચે કેટલો તફાવત છે. અને અરજદાર કહે છે કે ઘણા કાળ સુધી ઇન્ડિયન નાતાલ પાર્લમેન્ટમાં બેસે એવું બનવાનું જ નથી. આને વાસ્તે કંઈ પુરાવાની જરૂર હોય એવું પણ જણાતું નથી.
૧૩. અને જો આપ નામદારના અરજદાર વોટનો હક ધરાવવાને નાલાયક ન હોય ને કૉલોનીના રાજયમાં તેને મુખ્યત્વે કરીને પોતાની ઉપરના રાજ્યમાં કંઈ ભાગ મળે તો કંઈ હરકત ખરી?
૧૪ અરજદાર અરજી કરે છે કે બિલ દેખીતી રીતે પાછળપડતું ને ગેરવાજબી છે.
૧૫. જેઓ વોટરના લિસ્ટ ઉપર છે તેઓને રહેવા દેવાના છે તે વાત જ આ૫ના અરજદારના નમ્રતાપૂર્વક મત પ્રમાણે ફ્રૅંચાઈઝની જવાબદારી ને તેના હક સમજવાની શક્તિ અરજદારમાં છે એમ કબૂલ કરે છે ભાષણ વખતે કહેવામાં આવ્યું હતું તે પ્રમાણે અરજદાર નાલાયક છે છતાં પણ તેને રહેવા દેવાના છે એવું આપના અરજદાર કદી માનશે નહીં.