આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૩
- કરતાં વધારે ફળદાયી અને ચિત્તને વધારે ઉચ્ચ સપાટીએ લઈ જનારો મૂળ ઉપનિષદોના અભ્યાસ સિવાયનો બીજો દુનિયાભરમાં મળે એવો નથી. તે મારા જીવનમાં દિલાસારૂપ થયો છે, મારા મરણ વેળાએ પણ એ જ દિલાસારૂપ થશે.
વિજ્ઞાનની વાત પર આવતાં સર વિલિયમ હન્ટર કહે છે:
- પશ્ચિમના વ્યાકરણવેત્તાઓ હજી જયારે ભાષાશાસ્ત્રને અકસ્માત્ સરખા ભાસતા શબ્દો કે પ્રયોગોના પાયા પર ચર્ચતા હતા, ખરે જ, તે વખતે હિંદુસ્તાનમાં તે શાસ્ત્રને તેનાં મૂળ તત્ત્વો સુધી લઈ જવામાં આવ્યું હતું; અને આધુનિક ભાષાશાસ્ત્રનો ઊગમ યુરોપિયન વિદ્રાનોએ સંસ્કૃતનો અભ્યાસ શરૂ કર્યો તે પછીનો છે. . . . પાણિનિનું વ્યાકરણ દુનિયાભરનાં વ્યાકરણોમાં શ્રેષ્ઠ સ્થાને શોભે છે. . . . સંસ્કૃત ભાષારૂપી આખીયે પ્રાકૃતિક ઘટનાને તેમાં તર્કશુદ્ધ સુમેળને સ્વરૂપે વ્યવસ્થિત દર્શાવેલી હોઈ માનવીની શોધકબુદ્ધિ અને ઉદ્યમની સુંદરમાં સુંદર સિદ્ધિઓમાંની એક લેખે તે આગળ તરી આવે છે.
विलेज कोम्युनिटीझ(ગ્રામસમાજો)ની છેલ્લામાં છેલ્લી આવૃત્તિમાં પ્રસિદ્ધ થયેલા પોતાના રેડે વ્યાખ્યાનમાં વિજ્ઞાનના એ જ ક્ષેત્ર વિષે બોલતાં સર એચ. એસ. મેઈન કહે છે:
- હિંદુસ્તાને દુનિયાને કમ્પૅરૅટિવ ફાઈલૉલૉજી (ભાષાઓની સરખામણીનું વિજ્ઞાન) અને કમ્પૅરૅટિવ માઈથૉલૉજી (પુરાણોની સરખામણીનું વિજ્ઞાન) આપ્યાં છે, ભાષાનું શાસ્ત્ર અને લોકકથાઓનું શાસ્ત્ર એ બંને કરતાં જરાયે ઓછું ઉપયોગી નહીં એવું નવું શાસ્ત્ર હજી તે આપે એવો સંભવ છે. તેને કમ્પૅરૅટિવ જુરિસપ્રુડ્રન્સ (ન્યાયની પદ્ધતિઓની સરખામણીનું વિજ્ઞાન) નામ આપતાં મને સંકોચ રહે છે કેમ કે તે હયાતીમાં આવશે ત્યારે તેનું ક્ષેત્ર કાયદાકાનૂનના ક્ષેત્ર કરતાં ઘણું વધારે વ્યાપક હશે. એનું કારણ એવું છે કે હિંદુસ્તાનમાં સમાન માતૃભાષામાંથી ઊતરી આવેલી બીજી કોઈ પણ ભાષાના કરતાં વધારે પ્રાચીન આર્ય ભાષાનો સમાવેશ થાય છે (અથવા વધારે ચોકસાઈથી કહીએ તો થતો હતો) અને પૌરાણિક વ્યક્તિઓ રૂપે બીજાં સ્થળોએ જેટલી પૂર્ણતાથી નિશ્ચિત થઈ ચૂકયાં છે તેના કરતાં ઓછી પૂર્ણતાથી નિશ્ચિત થયેલાં પ્રાકૃતિક પદાર્થોનાં નામો નો સમાવેશ થાય છે એટલું જ નહીં, હિંદુસ્તાનની સરહદોની પાર જીવતાં રહેલાં જોવાનાં મળે છે તેના કરતાં વૃદ્ધિ અને વિકાસની ઘણી વધારે પહેલાંની કક્ષાનાં આર્ય સંસ્થાઓ, આર્ય રીતરિવાજો, આર્ય કાનૂનો, આર્ય આદર્શો, આર્ય શ્રદ્ધાઓ વગેરેની એક આખી દુનિયાનો પણ સમાવેશ થાય છે.
ભારતીય ખગોળશાસ્ત્ર વિષે તે જ ઇતિહાસલેખક [હંટર] કહે છે:
- બ્રાહ્મણોનું ખગોળશાસ્ત્ર વારાફરતી વધારે પડતી સ્તુતિ અને નાહકના તિરસ્કારનો વિષય બન્યું છે. . . . કેટલાક મુદ્દાઓમાં બ્રાહ્મણો ગ્રીક ખગોળશાસ્ત્રીઓ કરતાં પણ આગળ વધ્યા હતા. તેમની કીર્તિ પશ્ચિમના બધાયે મુલકોમાં ફેલાઈ હતી અને क्रॉनिकॉन पाश्चेल નામના ગ્રંથમાં પણ, તેનો ઉલ્લેખ થયેલો છે. આઠમા અને નવમા સૈકામાં આરબો તેમના શિષ્યો બન્યા હતા.
ફરીથી સર વિલિયમ હંટરનાં લખાણોમાંથી ટાંકતાં જણાવું કે :
- બીજગણિતમાં તેમ જ અંકગણિતમાં પશ્ચિમની મદદ પર આધાર રાખ્યા વગર બ્રાહ્મણોએ ઊંચા પ્રકારની પ્રવીણતા સાધી હતી. દશાંશની પદ્ધતિના અંકોની નિશાનીઓની