પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૪
ગાંધીજીનો અક્ષરદેહ

શોધને માટે આપણે તેમના ઋણી છીએ. . . આરબોએ એ અંકો હિંદુઓ પાસેથી લઈ યુરોપમાં મોકલી આપ્યા હતા. . . ગણિતશાસ્ત્ર તેમ જ યંત્રવિદ્યાના હિંદુસ્તાનમાં દેશી ભાષામાં પ્રસિદ્ધ થયેલા ગ્રંથોની સંખ્યા ૧૮૭૭ની સાલમાં ૮૯ની અને ૧૮૮૨ની સાલમાં ૧૬૬ની હતી.

તે જ ઉચ્ચ કક્ષાનો ઇતિહાસકાર આગળ ચાલતાં કહે છે,

બ્રાહ્મણોનું વૈદકશાસ્ત્ર પણ સ્વતંત્ર રીતે વિકાસ પામ્યું હતું. . . પાણિનિના વ્યાકરણમાં ચોક્કસ રોગોનાં નામો ગણાવવામાં આવ્યાં છે તે પરથી માલૂમ પડે છે કે વૈદકશાસ્ત્રના અભ્યાસમાં તેના જમાના (એટલે કે ઈ. સ. પૂર્વે ૩૫૦)થીયે પહેલાં પ્રગતિ થઈ ચૂકી હતી. . . અરબી વૈદક તે વિષયના સંસ્કૃત ગ્રંથોના તરજુમાઓમાંથી લેવામાં આવેલા આધાર પર રચાયું હતું. . . . અને યુરોપનું વૈદક છેક ૧૭મા સૈકા સુધી અરબી વૈદક પર આધાર રાખતું હતું. . .. હિંદમાં દેશી ભાષાઓમાં પ્રસિદ્ધ થયેલા વૈદકશાસ્ત્રના ગ્રંથોની સંખ્યા ૧૮૭૭ની સાલમાં ૧૩૦ની અને ૧૮૮૨ની સાલમાં ૨૧૨ની હતી; ભૌતિક વિઘાના ગ્રંથોની સંખ્યા તે સાલમાં એ ઉપરાંત ૮૭ની હતી,

યુદ્ધની કળાની બાબતમાં લખતાં લેખક આગળ જણાવે છે:

એકલા આયુર્વેદને જ નહીં, યુદ્ધ, સંગીત અને સ્થાપત્યની કળાને પણ બ્રાહ્મણો પોતાના દિવ્ય પ્રેરણાથી મળેલા જ્ઞાનનાં વધારાનાં અંગો લેખતા હતા. . . સંસ્કૃત મહાકાવ્યો સાબિત કરી આપે છે કે યુદ્ધની વ્યૂહરચનાના વિચારને ઈશુના જન્મ પહેલાં માન્ય શાસ્ત્રનો દરજજો મળી ચૂકયો હતો અને અગ્નિપુરાણના પાછળના ભાગમાં તેની પદ્ધતિસરની ચર્ચાના કેટલાયે વિસ્તૃત વિભાગો જોવાના મળે છે.

હિંદુસ્તાનના સંગીતશાસ્ત્રને ફાળે એથીયે વધારે વ્યાપક અસર ફેલાવવાનું શ્રેય જાય છે. . . સંગીત લેખન પદ્ધતિ ઈરાનીઓ મારફતે અરબસ્તાન પહોંચી હતી અને અગિયારમા સૈકાની શરૂઆતમાં ગીદો દ' આરેઝોએ ત્યાંથી લઈને તેને યુરોપની સંગીત વિદ્યામાં દાખલ કરી હતી.

સ્થાપત્ય વિષે તે જ લેખક જણાવે છે :

બૌદ્ધો હિંદુસ્તાનના મોટા પથ્થરનાં બાંધકામો કરનારા હતા. ડુંગરાઓમાંથી કોરી કાઢેલી ગુફાઓમાં આવેલાં પથ્થરનાં પ્રાચીનમાં પ્રાચીન મંદિરોથી માંડીને છોબંધીથી ચકચકતાં અને શણગારથી ખીચોખીચ ભરેલાં છેક આધુનિક કાળમાં નિર્માણ થયેલાં જૈન દેરાસરો, એ બધી તેમનાં મઠો અને દેવળોની રચનાઓ બાવીસ સૈકાના લાંબા ગાળાનો સ્થાપત્યકળાનો ઇતિહાસ પ્રગટ કરે છે. યુરોપનાં દેવળોના ઊંચા અણીદાર મિનારા બૌદ્ધ સ્તૂપો પરથી લેવાયાં હોય એવો ઘણો સંભવ છે. . . હિંદુ કળાએ નિર્માણ, કરેલી એવી રચનાઓ મોજુદ છે જે આધુનિક જમાનામાં પણ સ્તુતિનો અને આશ્ચર્યનો એહોભાવ જગાડે છે....

ગ્વાલિયરના મહેલનું હિંદુ સ્થાપત્ય, હિંદની મુસ્લિમ મસીદો, આગ્રા અને દિલ્હીના મકબરાઓ, અને તેમની સાથેનાં દક્ષિણ ભારતનાં પ્રાચીન હિંદુ મંદિરો રેખાના લાવણ્યમાં તેમ જ બારીક કોતરણીવાળા શણગારની સમૃદ્ધિમાં હજી પણ અજોડ રહ્યાં છે.