લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૦
ગાંધીજીનો અક્ષરદેહ

સુધરેલી જાતિઓ સાથેની સમાનતા માટેની હિંદીઓની લાયકાતની સૌથી તાજી સાબિતી ૧૮૯૫ના ઓગસ્ટની ૨૩મી તારીખના લંડન टाईम्सમાંથી મળી આવે છે.

એ વાત સૌ કોઈ જાણે છે કે धि टाईम्सમાં 'હિંદી બાબતે' વિષે લખનાર બીજા કોઈ નહીં પણ સર વિલિયમ વિલ્સન હંટર છે જેઓ સૌથી આગળ પડતા હિંદના ઇતિહાસકાર છે. તેઓ કહે છે:

જે સાહસનાં કાર્યો અને એથી પણ વિશેષ જ્વલંત સહનશીલતાના દાખલાઓ વડે આ આટલું મોટું સન્માન હાંસલ કરવામાં આવ્યું હતું તેનું વર્ણન અહોબુદ્ધિની તીવ્ર લાગણી અનુભવ્યા સિવાય વાંચવાનું મુશ્કેલ છે. એક સિપાઈ કે જેને 'ઓર્ડર ઓફ મેરિટ' કહેતાં વીરતાનો ચાંદ મળ્યો હતો તેણે ઓછામાં ઓછા ૩૧ ઘા ઝીલ્યા હતા. धि इन्डियन डेईली न्यूझ કહે છે તેમ “કદાચ આ સંખ્યા સૌથી મોટી હોય.” બીજા એક સિપાઈને રોસની ટુકડી જે સાંકડા માર્ગ પર કપાઈ મરી હતી તે જગ્યા ઉપર ગોળી વાગી હતી. તેણે શાંતિથી પોતાના શરીરમાં પેઠેલી ગોળીને હાથ વડે ફંફોસીને શોધી કાઢી અને વેદનાનો ડર રાખ્યા વિના બંને હાથ વડે દબાવીને તેને ઉપર સુધી સરકાવી કાઢી. છેવટે જયારે તે એની આંગળીઓની પકડમાં આવી એટલે તેણે એ બહાર કાઢી નાખી. ત્યાર પછી લોહી નીકળતી હાલતમાં તેણે ફરીથી તેની રાઈફલ ખભે મૂકી અને એકવીસ માઈલની કૂચ કરી.
પણ જેમણે માનપાન મેળવ્યું છે એવા દેશી સિપાઈઓની બહાદુરી, જો આવી સાથીદાર પ્રજા મેળવવા બદલ આપણામાં એક જાતનું ગૌરવ જાગ્રત કરે છે તો એટલાં જ સાહસ અને દૃઢતાના દાખલાઓમાં જાણે ભીખ તરીકે નહીં હોય તેમ અપાયેલાં નજીવાં ઇનામો બહુ જુદા જ પ્રકારની ભાવનાઓ જાગ્રત કરે છે. ચોથી બંગાળ ઈન્ફન્ટ્રી (પાયદળ ટુકડી)ના બે પાણી વહેનારા ભિસ્તીઓને તેમણે 'કોરઘ ની લડાઈ દરમિયાન બતાવેલી બહાદુરી અને નિષ્ઠા માટે' યુદ્ધ ખરીતાઓમાં અદ્વિતીય સ્થાન અપાયું હતું. ખરેખર, આ ભયંકર ઘાટમાં તેમણે તેમના સાથીઓ પ્રત્યે જે મહાન સ્વાર્પણની ભાવના પ્રગટ કરી હતી તેનાથી વધારે ચડિયાતું ભાગ્યે જ કશું હોઈ શકે, એ જ ટુકડીના એક બીજા માણસના નામનો નિર્દેશ પણ કરવામાં આવ્યો હતો તે એ સંબંધમાં હતો કે સ્વર્ગીય કૅપ્ટન બેઈર્ડને ચિત્રાલ કિલ્લામાં લાવનારી ટુકડી સાથે જ્યારે તે હતો ત્યારે તેણે 'જવલંત બહાદુરી અને નિષ્ઠા બતાવ્યાં હતાં ' . . . સાચી વાત એ છે કે અનેક રીતે હિંદીઓ લાયક સાથીપ્રજા તરીકે ગણાવાનો હક કમાઈ રહ્યા છે. રણભૂમિ હમેશાં જાતિ જાતિઓ વચ્ચે ગૌરવભરી સમાનતા લાવનારું સૌથી ઝડપી સાધન બન્યું છે. પણ હિંદીઓ તો નાગરિક જીવનના વધારે ધીમા અને વધારે મુશ્કેલ તરીકાઓ વડે પણ આપણા સન્માનને પાત્ર થવાની લાયકાત સાબિત કરી રહ્યા છે. त्रण वर्ष पहेलां पूरा नहीं तो थोडे अंशेना मताधिकार धोरण उपर हिंदी विधान परिषदने विस्तृत करवानो प्रयोग करवामां आव्यो हतो. एना करतां आधीन राज्योनी बंधारणपूर्वकनी सरकारमां वधारे मोटो प्रयोग कदी करवामां आव्यो नहोतो. (નાગરી મેં કર્યું છે) એ પ્રયોગનું પરિણામ જેટલું બંગાળમાં શંકા ભરેલું લાગે છે એટલું હિંદના બીજા કોઈ ભાગમાં નથી લાગતું. બંગાળના લેફ્ટેનન્ટ ગવર્નરના ક્ષેત્રની વસ્તી સંખ્યામાં મદ્રાસ અને મુંબઈ પ્રાંતોની ભેગી વસ્તીના જેટલી છે અને વહીવટી દૃષ્ટિએ એ પ્રાંતને સમાલવાનો પ્રમાણમાં વધારે મુશ્કેલ છે.