લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦૯
હિંદી મતાધિકાર

કુટુંબ સાથે સંસ્થાનમાં વસવાટ કર્યો છે અને જેઓ કાં તો મિલકત ધરાવે છે અથવા સારુંસરખું ભાડું ભરે છે તેઓ છે. હું એ પણ કહી દઉં કે જો મારી માહિતી સાચી હોય તો મોટા ભાગના આ મતદારો તેમની પોતાની માતૃભાષા વાંચી અને લખી શકે છે. આ રીતે જો હાલની હિંદી મતદારોની યાદી ભવિષ્યને માટે એક માર્ગદશિકાની ગરજ સારવાની હોય અને એમ માની લઈએ કે મતાધિકારની લાયકાત હાલ છે એ જ રહેવાની હોય તો એ યાદી યુરોપિયન દ્રષ્ટિબિંદુથી ઘણી સંતોષકારક છે. તેનું પ્રથમ કારણ એ છે કે સંખ્યાની દૃષ્ટિએ હિંદીઓની મતદાન સંખ્યા ધણી જ કંગાળ છે અને બીજું કારણ મોટાભાગના (૩/૪ થી વધારે) હિંદી મતદારો વેપારી વર્ગના છે. એ વાતનો પણ ખ્યાલ રખાવો જોઈએ કે સંસ્થાનમાં વેપાર કરતા હિંદીઓની સંખ્યા લાંબા સમય સુધી લગભગ તેની તે રહેશે. કારણ કે એક બાજુથી દર મહિને ઘણા લોકો આવે છે, જ્યારે એટલી જ સંખ્યા હિંદ જવા માટે નીકળે છે લગભગ અપવાદ વિના આવનારા લોકો જનારાઓની જગ્યા લે છે.

અત્યાર સુધી મેં બંને કોમોના સ્વાભાવિક માનસિક વલણની વાતને મારી દલીલોમાં જરા પણ સ્થાન આપ્યું નથી પણ માત્ર આંકડાઓની જ ચર્ચા કરી છે. આમ છતાં આ સ્વાભાવિક માનસિક વલણને બંનેની રાજદ્વારી પ્રવૃત્તિ સાથે ઓછી લેવાદેવા નહીં હશે. એ હકીકત વિષે મતભેદને સ્થાન નહીં હોઈ શકે કે નિયમ તરીકે હિંદીઓ રાજકારણમાં સક્રિય રીતે માથું નથી મારતા. તેમણે કોઈ પણ જગ્યાએ કદી રાજદ્વારી સત્તા ઝૂંટવી લેવાનો પ્રયાસ નથી કર્યો. તેમનો ધર્મ (પછી તે ધર્મ મુસ્લિમ હોય કે હિંદુ હોય, માત્ર નામનો ફરક કરવાથી યુગોની શીખ ભૂંસી કાઢી શકાતી નથી.) તેમને દુન્યવી પ્રવૃત્તિઓ તરફ ઉદાસીન રહેવાનું શીખવે છે. સ્વાભાવિક રીતે જ જ્યાં સુધી તેઓ માનભરી રોજી કમાઈ શકે છે ત્યાં સુધી તેમને સંતોષ રહે છે. હું એ વાત કહેવાની છૂટ લઉં છું કે, જો તેમની વેપારરોજગારની પ્રવૃત્તિઓને છુંદી નાખવાનો પ્રયાસ કરવામાં નહીં આવ્યો હોત, તેમને સમાજમાં અસ્પૃશ્યોને દરજજે ઉતારી પાડવાના પ્રયાસો નહીં કરવામાં આવ્યા હોત અને એ પ્રયાસોને વારંવાર બેવડાવાયા નહીં હોત, હકીકતમાં તેમને કાયમને માટે "લાકડાં ચોરનારા અને પાણી ભરનારા"ની હાલતમાં રાખી મૂકવાનો, એટલે ગિરમીટની હાલતમાં અથવા એને ખૂબ જ મળતી આવતી હાલતમાં રાખી મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો ન હોત તો મતાધિકાર બાબતનું આંદોલન ઊભું જ થયું ન હોત. હું તો એનાથી પણ આગળ જઈશ. મને એ વાત કહેવામાં સંકોચ થતો નથી કે હજી હાલ પણ રાજદ્વારી અાંદોલન શબ્દોના સાચા અર્થમાં કોઈ પણ જાતનું એવું આંદોલન અસ્તિત્વમાં નથી. પણ ભારે કમનસીબીની વાત એ છે કે અખબારો હિંદીઓને આ પ્રકારના આંદોલનના ઉત્પાદક તરીકે બતાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. હિંદીઓને તેમના હક મુજબના ધંધા રોજગાર ચલાવવાની છૂટ આપો, તેમને અપમાનિત કરવાના પ્રયાસ બંધ કરો, તેમની જોડે સામાન્ય રીતનો દયામાયાનો વર્તાવ રાખો, તો પછી મતાધિકારનો કોઈ પ્રશ્ન રહેશે નહીં, કારણ કે પછી તેઓ પોતાનાં નામો મતદારોની યાદી ઉપર દાખલ કરાવવાની તસ્દી સરખી પણ લેશે નહીં.

પરંતુ એવું કહેવામાં આવ્યું છે, અને તે પણ જવાબદાર વ્યક્તિઓ તરફથી કે થોડા જ હિંદીઓને રાજદ્રારી સત્તા જોઈએ છે અને તે થોડા મુસલમાન ચળવળખોરો છે અને ભૂત- કાળના અનુભવને આધારે હિંદઓએ એ વસ્તુ શીખવી જોઈએ કે તેમને માટે મુસલમાન રાજ્ય સર્વનાશ લાવનારું નીવડશે. આમાંનું પહેલું કથન પાયા વિનાનું છે અને છેલ્લું કથન ભારેમાં ભારે કમનસીબી ભરેલું અને દુ:ખદાયક છે. જો રાજદ્રારી સત્તા હાંસલ કરવાનો અર્થ વિધાનસભામાં ગાં.—૧૪