અકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ/અકબરશાહ અને બીરબલ ભાગ-૯મો
| ← અકબરશાહ અને બીરબલ ભાગ ૮મો | અકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ અકબરશાહ અને બીરબલ ભાગ ૯મો નવલરામ પંડ્યા |
બીરબલનો આ ઝડાકો સાંભળતાં જ સભામાં સઘળાએ નીચું જોયું અને થોડીક ક્ષણ સુધી કોઇ કંઈપણ બોલી શક્યું નહિ. બધા વિચારમાં પડ્યા કે હવે બાદશાહ કોણ જાણે શું કરશે. પણ અકબરશાહ મોટા મનનો હતો અને તે સમજી ગયો કે પરોક્ષે મને બોધ કરવાને સારૂ જ બીરબલે આવાં કઠણ વચન કહ્યાં છે. તેથી તે એટલું જ બોલ્યો કે બીરબલ મ્હેં તને વર્ષાઋત્તુની કવિતા કરવાનું કહ્યું હતું, તેને ઠેકાણે તું આ શું બક્યો?
બીરબલે પોતાનું માથું જમીનની સાથે લગાડી ઘણી નમ્રતાથી કહ્યું કે જહાંપનાહ, એ વર્ષાઋતુની સાયંકાળનુંજ વર્ણન છે. એમાં એમ કહ્યું કે ભાતભાતના રંગથી મનને હરવાવાળી પાતળી વાદળીઓના ટોળામાં મિત્ર નામ સૂર્ય રાતો ચોળ થીર ઉભો છે, મેઘધનુષ્ય ચઢ્યું છે, અને ચંદ્રમા સામો આવ્યો છે. બાદશાહે કહ્યું કે અર્થ બરાબર બંધ બેસતો નથી, કેમકે સૂર્ય થીર ઉભો રહે એ વાત ખોટી છે. બીરબલે જવાબ આપ્યો કે સાહેબ ખરેખરોતો સૂર્ય ઉભો રહેતો નથીજ, પણ જો આથમતી વેળા ન્યાળીને જોઇએ છઇએ તો તે ઉભો રહેતો હોય એમજ દેખાય છે. જગન્નથ પંડિત વગેરે બીજા સૃષ્ટિ સૌંદર્યના અભ્યાસીઓએ સાક્ષી પૂરી કે સાંજે એ પ્રમાણે દેખાય છે ખરૂં. તેથી એ વાત તો સાબીત થઇ, ત્યારે બાદશાહે બીજી શંકા કાઢી કે વાદળીઓને પાતળી કહેવાનું પ્રયોજન શું?
આ સવાલનો જવાબ શી રીતે દેવો તેનો બીરબલ વિચાર કરતો હતો એટલામાં જોશીકવિ (જે પાછળથી બીરબલનો પરમ મિત્ર થયો હતો તે) બોલી ઉઠ્યો કે સાહેબ, આખા દુહામાં એજ વિશેષણ જ્યોતિષ પક્ષે ખરેખરું સાભિપ્રાયછે. વાદળીઓ જાડી ઘટ્ટ હોય તોતો તે ઘનઘોર દેખાય. અને વરસાદ આવે. જ્યારે વાદળીઓ પાતળી હોય ત્યારેજ તેને ભેદીને સૂર્યનાં કિરણ આપણી તર્ફ આવી શકે, અને આકાશમાં રંગબેરંગી લીલા જામી રહે.
પાદશાહ પંડે જ ભૂલ કાઢવાને ચાહે છે એમ જાણી મિયાંલબ્બે ત્યાં ખુણામાં બેઠા હતા તેણે ધણીયાણી લબાસની સાથે ભારે ટાહેલું ચલાવ્યું, પણ તેનો સાર એ હતો કે એક કાળેજ સૂર્ય ને ચંદ્રનું વર્ણન કર્યુંછે તે અશક્યછે બીરબલે હસીને એટલું જ કહ્યું કે મિયાં, તમારી અકલમાં હંમેશાં અમાસજ રહે છે એટલે તમે પુનેમનું વર્ણન ક્યાંથી સમજી શકો?
કોઇએ કહ્યું કે "ચાડા" અને "આયા" એ બે શબ્દની સંધિ કરી નાખી છે તેમ પ્રાકૃતમાં થતું નથી. જગન્નથપંડિતે જવાબ આપ્યો કે આ દુહામાં શ્લેષ છે તેથી એ દોષ ગણાય નહિ, પણ એટલું બોલીનેજ એ અચકાઇ ગયા, કેમકે વિચાર આવ્યો કે બાદશાહ જો શો શ્લેષછે એમ પૂછશે તો મારે એમની વિરૂદ્ધનો અર્થ કરી બતાવવો પડશે, પણ પાદશા તો મૂળથીજ એ અર્થ સમજી ગયો હતો. તે છતાં પોતે કાંઇક ગુસ્સાનો ડોળ કરીને કહ્યું કે બોલ, બીરબલ, એ દુહો ફરીથી, અને એમાં બીજો શો અર્થ રાખ્યો છે તે કહે.
હુકમ થયો એટલે કાંઇ ચાલે નહિ તેથી બીરબલે તે દુહો ફરીથી નીચે પ્રમાણે ભણ્યોઃ
रंगबेरंगी मनोहरी, पतरीपयोधरीवृंद;
मित्र ठरा थिर रकत हो; चाप चडाया चंद.
અને પછી એનો અર્થ કરતી વેળા ડર ખાઇને ઉભો રહ્યો. બાદશાહે કયું, બ્હી, નહિ, ને બરાબર અર્થ કર્, કેમકે અહિયાં ખાસમડળ જ બેઠું છે. આ ઉપરથી બીરબલને હીમત આવી અને એનો અર્થ "ભાતભાતના રંગથી મનને હરણ કરવાવાળી પાતળી સ્ત્રીઓના સમુદાયમાં મારો મિત્ર આસક્ત થઈને સ્થીર ઉભો છે, અને તેના સામો ચંદરાજા ધનુષ્ય ચડાવીને ધસી આવ્યો છે." એ રીતનો થાય છે એમ કહીને એણે ઘણી ઘણી આજીજી, દીનાતા થથા તજવીજથી પોતાની બેઅદબીને માટે માફી માગી, અને કહ્યું કે આ આખું મડળ આપને એ બાબતે કહેવા ઈચ્છતું હતું તેથી મ્હેં આપનું ભલું ચાહી મારૂં માથું આપની તરવારની ધારપર મૂક્યું છે. તે ચાહો તો કાપી નાંખો કે મહેરથી શિરપેચ બંધાવી સુશોભિત કરો. બીજા સભાસદો પણ પોતાની તર્ફના બે શબ્દ આ પ્રસંગે લાગ જોઇ બોલ્યા, અને સમજાવ્યું કે રાજના હિતમાટે આટલી ચેતવણી આપવી આપને જરૂરજ હતી.
અકબર તો મૂળથી જ સઘળો ભાવ સમજી ગયો હતો. તેતો બીરબલની હિંમત, હિતબુદ્ધિ, તથા ચતુરાઈથી ઘણોજ પ્રસન્ન થયો હતો. તેથી તેણે સઘળા મિત્રોને તથા તેમાં વિશેષે કરીને બીરબલનાં બહુજ વખાણ કર્યાં, અને તેમનો અંતઃકરણથી પાડ માન્યો. એણે કહ્યું કે મારાં ધનભાગ્ય સમજુંછું કે મને તમારા જેવા મત્રીઓ મળ્યા છે.બધાએ જવાબ આપ્યો કે એ આપની લાયકીછે કે તમે અમારો ગુણ માની લો છો, અને કદાપિ અમારામાં કાંઇ ગુણ છે તોપણ તેની કદર કરનાર આપના જેવા આ જગતમાં કોણ મળનાર છે.
આ પ્રમાણે વાત ચાલેછે એટલામાં ઝવેરીઓને બોલાવ્યા હશે તે ત્યાં આવી પહોંચ્યા, અને એકેકથી ચડીઆતો માલ દેખાડવા લાગ્યા. એ ઝવેરાત જોઇ સઘળાનાં મન રાજી થયા અને બાદશાહે કેટલીક ખરીદી કરવી હતી તે કરી. એવામાં કોઇએ પછ્યું કે હીરાથી અંધારે અજવાળા થાય એમ કહેવાય છે તે ખરૂં હશે? ઝવેરીઓ કહે કે સારો હીરો હોય તો થાય, અને કેટલાક શાસ્ત્રીઓએ કહ્યું કે ન થાય, કેમકે રત્નમાંકાંઇ જાતનું તેજ નથી. એ વાતનું પારખું જોવાને સારૂ ભંડારમાંથી બાદશાહે કોહિનૂર હીરો મંગાવ્યો, ને પાસેની એક ઓરડીમાં મૂકી જોયો તો ઝળકતો માલમ પડ્યો. શાસ્ત્રીઓએ કહ્યું કે એમ નહિ, છેક અંધારામાં મૂકવો જોઇએ. તે ઉપરથી તેને ભાંયરામાં ભાંયરૂ હતું ત્યાં મૂક્યો. ત્યારે તો કાંઇ પણ તેજ માલમ પડ્યું નહિ. તે ઉપરથી બધાને ખાત્રી થઇ કે હીરામાં જાતનું તેજ તો કાંઇ નથી, પણ તેના ઉપર થોડુંએ અજવાળું પડેતો તે પરાવર્તન પમાડી ઘણું દેખાડે. મિયાંલબ્બએ કહ્યું કે ત્યારે હીરામાં કાંઇ ખૂબી રહી નહિ.
બીરબલે જવાબ આપ્યો કે મોટી ખૂબી એ કે કોઇનો જરા ગુણ જોતાંજ તેને સો ગણો વધારીને બતાવે છે. તે ઉપરથી રાજાટોડરમલ નીચે પ્રમાણે બોલ્યાઃ
गुनदिनकरके किरनको, कीर्त्ति परावर्तन;
सो जाकी ज्यौं पात्रता, त्यौंही होत उत्पन्न.
અર્થઃ- ગુણરૂપી સૂર્યછે તેનાં કિરણનું જે પરાવર્તન પામવું તેને કીર્તિ કહીએ. તે (કીર્તિ) જે પદાર્થ ઉપર પડે છે તેની પાત્રતા પ્રમાણે ઉત્પન્ન થાય છે, એટલે કીર્તિ સારી નઠારી થવી એ મૂળ ધણીના ગુણ ઉપર આધાર રાખતી નથી, પણ સામા માણસના સ્વભાવ ઉઅપર આધાર રાખેછે.જેમકે જગન્નાથપંડિત, મુલ્લાફૈઝી વગેરેની અકબરશાહ ખૂબી ગણેછે અને મુલ્લાં ઝનૂનુદ્દીન જેવા નિંદા કરે છે તે બધાનું કારણ એજ કે પંડિતો તો એના એજછે, પણ એની કદર જાણનારની પાત્રતા જુદી જુદીછે. તે ઉપરથી બીરબલ બોલ્યો કેઃ
पूरन परावर्तन करत, किरन मनीमानीक;
झले झरा न जलैं यदि, पत्थर जो अरसिक.
અર્થઃ- મણિમાણેક જે છે તે પોતાની ઉપર પડેલાં કિરણોને સંપૂર્ણ રીતે પરાવર્તન પમાડેછે, અને પત્થર જે અરસિક છે તે કદી બળી જાય તોપણ જરાએ ઝલે મારતો નથી. જગન્નાથે કહ્યું કે રાજા ટોડરમલ્લે બહુ ડાહી વાત કરી.કીર્તિ એ ગુણનું ખરેખરૂં પરાવર્તન જ છે. ગુણ હોય નહિ તો પરાવર્તન પડેજ નહિ. અને હોય તો પડ્યા વિના પણ રહે નહિ. તે કેટલું ને કેવું પડે તે પાત્રતા ઉપર આધાર રાખે છે, ગુણની ઉપર નહિ.
शुद्ध सुगुनरुप सुरज इक, विविध कीर्ति प्रतिबिंब;
लाल लीलम मिट्टी स्फटिक अंबुआदि आलंब.
અર્થઃ-સુગુણરૂપી સૂરજ તો નિર્મળો એકજ છે, પણ તેનાં કીર્તિરૂપી પ્રતિબિંબ લાલ લીલમ, સ્ફટિક, માટી , પાણી વગેરે જૂદા જૂદા પદાર્થનું આલંબન પામે છે તે પ્રમાણે જૂદાં જૂદાં પાડે છે.
ફૈઝીએ કહ્યું કે ખૂબ કહી, જેમ સૂરજનાં કિરણો નિર્મળ છે તો પણ લાલમાંથી જોતાં લાલ, લીલમમાંથી જોતાં લીલાં, સ્ફટિકમાંથી ચળકતાં ધોળાં, માટીમાંથી શૂન્ય અને પાણીમાંથી કેવળ નિર્મળ દેખાય છે, તેમ ગુણીજન તો એકનો એક હોય છે પણ તેને જૂદા જૂદા માણસો જૂદે જૂદે ભાવે જોય છે. પ્રસંગ જોઈ બીરબલે અટકચાળું કર્યું કે મિયાંલબ્બે, "લાલલીલમ મિટ્ટી સ્ફટિક" એમાંથી તમને શેમાં ગણવા, અને એમ બોલતાં "મિટ્ટી" શબ્દ પર એવો ભાર મૂક્યો કે એના પશ્નો જવાબ તેમાંજ આવી રહ્યો. મિયાં સાહેબ તો બિચારા અમાસ પુનેમની બાબતમાં પોતાની ભૂલ થઈ હતી તેના હૈયાશોકમાંજ ગિરફ્તાર હતા, અને તેમાં આ બીજો સપાટો સાંભળી છેકજ ગભરાઇ ગયા. તેથી જવબ દેવા માંડ્યો પણ કાંઇ બોલાઈ શક્યું નહિ, અને પેલી અમાસ પુનેમની વાત મનમાં ઘોળાયા કરતી હતી તેથી ગભરાટમાં "કાળી પુનમની રાત" એમજ બોલાઇ ગયું. આ સાંભળી આખી સભા હડખડ હસી પડી, અને મિયાંલબ્બે છેક રડવા જેવા થઈ ગયા.
એ વેળા ઉદાર બીરબલ પોતેજ એની મદદે આવ્યો એણે કહ્યું કે સાહેબ, મિયાંલબ્બે તો સમશ્યા પૂછેછે અને કહેછે કે છેલ્લું ચરણ 'કાળીપૂર્નિમા રાત્ર' એવી એક આ પ્રસંગને અનુસરી કવિતા બનાવો. બાદશાહે કહ્યું કે ત્યારે તે તુંજ બનાવ. જેવો હુકમ કહી તેણે નીચેનો દુહો બોલી બતાવ્યોઃ-
नरम सुखद संजोगिको, गरम बिजोगी गात्र;
कर्ममर्मभरी रोगिको, काली पूर्णीमारात्र.
અર્થઃ- શરદ પુનમની રાત સંજોગીને નરમ ને સુખદાયક લાગેછે, તેજ વિજોગીના શરીરને ગરમ લાગે છે; અને રોગીને કાળી ભયંકર જણાય છેકેમકે તે રાતમાં એના કર્મનો સઘળો મર્મ ભરેલો છે.
જોશીએ કહ્યું કે વૈદ્યક્શાસ્ત્રમાં અમાસ પૂનેમ રોગીને ભારે ગણી છે, અને વળતાં પાણી થવાનાં હોય છે તો તે દિવસથીજ થવા લાગે છે, નહિતો તે ચાલતો થાયછે, માટે એ રાતને કર્મમર્મભરી કહ્યું એ ખરેખરૂં યથાર્થ છે.
__________**************__________