લખાણ પર જાઓ

અખેગીતા/કડવું ૩૨ મું - મુમુક્ષુને સત્સંગની તૃષ્ણા

વિકિસ્રોતમાંથી
← કડવું ૩૧ મું- શાસ્ત્રોના મતો અખેગીતા
કડવું ૩૨ મું - મુમુક્ષુને સત્સંગની તૃષ્ણા
અખો
કડવું ૩૩ મું - સત્સંગનું માહાત્મ્ય અને દુર્જનનું દુર્ભાગ્ય →


કડવું ૩૨ મું - મુમુક્ષુને સત્સંગની તૃષ્ણા

રાગ ધન્યાશ્રી

સંતનો અતિમોટો મહિમાયજી, સીજે[] કારજ સંતપસાયજી[];
સંતના જશને ગીતા ગાયજી, સાધુ સેવતાં કારજ થાયજી. ૧

પૂર્વછાયા

કારજ થાય ને ગહેન[] પલાયે, જ્ઞાન યથાર્થ ઉપજે;
નિર્મલ નેત્ર તે કરે હરિજન, જો ભાવે સંતજનને ભજે. ૧

ભાઇ ભાવ ન ઉપજે જ્યાંહાં લગે, તૃષાવંતનેય[] જેમ તોયનો[];
ભાવવિના પુંથલી-તન[]-જેવો, કહાબે નહી તે કોયનો. ૨

ભાઇ રતિવિના[] રામ નવ મળે, ખરી કીધા વિના ખેપ[]
જેમ પિપાસા[] જાયે પાન કીધે, શું હોય કીધે જળ-લેપ[૧૦]

ભાઇ આદરવિણ[૧૧] આવે નહીં, સ્વેં[૧૨] આત્માનું જ્ઞાન;
સંતને સેવી કામ સાધો, સુખે પામો નિજધામ[૧૩]. ૪

સંત-સંગ કીધાવિના, જેહવો વનનો હોય પશુ;
ઉપજે ખપે તે વનનો વનમાં, તેહને વસ્તીનું નહિ સુખ કશું. ૫

સંત-સંગે સર્વ સમજે, પશુ ટળી થાય પાત્ર;
સંત કૃપાદૃષ્ટિ કર તો, નવપલ્લવ થાય ગાત્ર. ૬

કામ ક્રોધ લોભ મોહ તાપે, બળી રહ્યું જે મન;
તે જીવને ટાઢો થવાને, સંત તે પરજન્ય[૧૪]

મમતા ઘાણીએ જોતર્યા, જીવ ચઢ્યા કાળને હાથ;
તેહને સંત કૃપાદૃષ્ટિ કરીને, કાપી મૂકે નાથ. ૮

જેમ કેસરીકેરા[૧૫] ગંધથી, ભાઇ કરી[૧૬] પલાયે કોડ[૧૭];
તેમ સંતકેરા શબ્દ સુણતાં, બંધન જાય બહુ મોડ[૧૮]

કહે અખો એ ઠામ મહોટો, ઠરવાનો છે જંતને;
ઠરી જીવ ત્યારે ઠામ બેસે, જ્યારે સેવે હરિ-ગુરુ-સંતને. ૧૦

  1. સિદ્ધ થાય
  2. મહાત્માની કૃપાથી
  3. ઘેન
  4. તર્ષ્યાને
  5. પાણીનો
  6. વેશ્યાના છોકરા જેવો
  7. પ્રીતિવીના.
  8. પ્રયત્ન.
  9. તરસ
  10. પાણીને શરીરે ચોપડવું.
  11. સત્કાર વિના.
  12. પોતાના.
  13. પોતાનું સ્વરૂપ.
  14. વરસાદ.
  15. સિંહના.
  16. હાથી
  17. કરોડ.
  18. નાશ પામીને.