અનાસક્તિયોગ/૧૨. ભક્તિયોગ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧૧. વિશ્વરૂપ-દર્શન-યોગ અનાસક્તિયોગ
૧૨. ભક્તિયોગ
ગાંધીજી
૧૩. ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ-વિભાગ-યોગ →૧૨

ભક્તિ યોગ

પુરુષોત્તમનાં દર્શન અનન્ય ભક્તિથી જ થાય એમ હોવાથી ભગવાનનાં દર્શન પછી તો ભક્તિનું સ્વરૂપ જ આલેખાય.

આ બારમો અધ્યાય બધાએ મોઢે કરી લેવો જોઈએ. નાનામાં નાનામાંનો આ એક છે. આમાં આપેલાં ભક્તનાં લક્ષણ નિત્ય મનન કરવા જેવાં છે.

૩૭

अर्जुन बोल्या :

આમ જે ભક્તો તમારું નિરંતર ધ્યાન ધરતા તમને ઉપાસે છે ને જેઓ તમારા અવિનાશી અવ્યક્ત સ્વરૂપનું ધ્યાન ધરે છે તેમાંના કયા યોગી શ્રેષ્ઠ ગણાય ? ૧.

श्री भगवान बोल्या :

નિત્ય ધ્યાન ધરતા, મારામાં મન આરોપીને જેઓ પ્રેમ અને શ્રદ્ધાપૂર્વક મને ઉપાસે છે તેમેને હું શ્રેષ્ઠ યોગી ગણું છું. ૨.

બધી ઈન્દ્રિયોને વશમાં રાખીને, બધે સમત્વ જાળવીને જેઓ અચિંત્ય, દૃઢ, અચળ, ધીર, સર્વવ્યાપી, અવ્યક્ત, અવર્ણનીય, અવિનાશી સ્વરૂપને ઉપાસે છે તે સર્વ પ્રાણીઓના હિતમાં પરોવાયેલા મને જ પામે છે. ૩-૪.

જેમનું ચિત્ત અવ્યક્તને વિશે ચોંટેલું છે તેમને કષ્ટ વધારે છે. અવ્યક્ત ગતિને દેહધારી કષ્ટથી જ પામી શકે. ૫.

નોંધ : દેહધારી મનુષ્ય અમૂર્ત સ્વરૂપની માત્ર કલ્પના જ કરી શકે, પણ તેની પાસે અમૂર્ત સ્વરૂપને સારુ એક પણ નિશ્ચયાત્મક શબ્દ નથી તેથી તેને નિષેધાત્મક 'નેતિ' શબ્દથી સંતોષ પામવો રહ્યો. એટલે જ મૂર્તિપૂજાનો નિષેધ કરનાર પણ સૂક્ષ્મ રીતે જોતાં મૂર્તિપૂજક જ હોય છે. પુસ્તકની પૂજા કરવી, દેવળમાં જઈને પૂજા કરવી, એક જ દિશામાં મુખ રાખી પૂજા કરવી એ બધાં સાકાર-પૂજાનાં લક્ષણ છે. આમ છતાં સાકારની પેલી પાર નિરાકાર અચિંત્ય સ્વરૂપ છે એમ તો બધાએ સમજ્યે જ છૂટકો. ભક્તિની પરાકાષ્ઠા એ કે ભક્ત ભગવાનમાં શમી જાય ને છેવટે કેવળ એક અદ્વિતીય, અરૂપી ભગવાન જ રહે. પણ આ સ્થિતિને સાકારની મારફતે સહેલાઈથી પહોંચાય. તેથી નિરાકારને સીધા પહોંચવાનો માર્ગ કષ્ટસાધ્ય કહ્યો.

પણ, હે પાર્થ ! જેઓ મારામાં પરાયણ રહી, બધાં કર્મો મને સમર્પણ કરી, એકનિષ્ઠાથી મારું ધ્યાન ધરતા મને ઉપાસે છે અને મારામાં જેમનું ચિત્ત પરોવાયેલું છે એવાઓને મરણધર્મી સંસારસાગરમાંથી હું ઝટ તારી લઉં છું. ૬-૭.

તારું મન મારામાં રાખ, તારી બુદ્ધિ મારામાં પરોવ, એટલે આ ભવ પછી નિઃસંશય મને જ પામીશ. ૮.

હવે જો તું મારે વિશે તારું મન સ્થિર કરવા અસમર્થ હોય તો હે ધનંજય ! અભ્યાસયોગ વડે મને પામવાની ઇચ્છા રાખ. ૯. એવો અભ્યાસ રાખવા પણ તું અસમર્થ હોય તો કર્મમાત્ર મને અર્પણ કર. એમ મારે નિમિત્તે કર્મ કરતો કરતો પણ તું મોક્ષ પામીશ. ૧૦.

અને જો મારે નિમિત્તે કર્મ કરવા જેટલી પણ તારી શક્તિ ન હોય તો યત્નપૂર્વક બધાં કર્મોનાં ફળનો ત્યાગ કર. ૧૧.

અભ્યાસમાર્ગ કરતાં જ્ઞાનમાર્ગ શ્રેયસ્કર છે. જ્ઞાનમાર્ગ કરતાં ધ્યાનમાર્ગ વિશેષ છે. અને ધ્યાનમાર્ગ કરતાં કર્મફલત્યાગ સરસ છે, કેમ કે એ ત્યાગને અંતે તુરત શાન્તિ જ હોય. ૧૨.

નોંધ : અભ્યાસ એટલે ચિત્તવૃત્તિનિરોધની સાધના; જ્ઞાન એટલે શ્રવણમનનાદિ; ધ્યાન એટલે ઉપાસના. આટલાને પરિણામે જો કર્મફલત્યાગ ન જોવામાં આવે તો અભ્યાસ તે અભ્યાસ નથી, જ્ઞાન તે જ્ઞાન નથી, અને ધ્યાન તે ધ્યાન નથી.

[નોંધ : ચિત્ત અશાન્ત હોય તો ધ્યાન સંભવે નહીં, અને અશાન્તિનું કારણ તો જાતજાતની ફળ-વાસના જ છે, માટે ફળત્યાગ પ્રથમ કરવો જોઈએ. એ ત્યાગ પછી ધ્યાનને આવશ્યક એવી શાન્તિ તરત મળી શકે છે. -કા૦]

૩૮

જે પ્રાણીમાત્ર પ્રત્યે દ્વેષરહિત, સર્વનો મિત્ર, દયાવાન, ક્ષમાવાન, અહંતા-મમતા-રહિત, સુખ-દુઃખને વિશે સરખો, સદાય સંતોષી, યોગયુક્ત, ઇન્દ્રિય-નિગ્રહી, અને દૃઢ નિશ્ચય વાળો છે, તેમ જ મારે વિશે જેણે પોતાનાં બુદ્ધિ ને મન અર્પણ કર્યા છે, એવો મારો ભક્ત મને પ્રિય છે. ૧૩-૧૪.

જેનાથી લોકો ઉદ્વેગ નથી પામતા, જે લોકોથી ઉદ્વેગ નથી પામતો, જે હર્ષ, ક્રોધ, અદેખાઈ, ભયને અને વેગથી મુક્ત છે, તે મને પ્રિય છે. ૧૫.

જે ઇચ્છા-રહિત છે, પવિત્ર છે, દક્ષ એટલે સાવધાન છે, ફલપ્રાપ્તિ વિશે તટસ્થ છે, ભય કે ચિંતારહિત છે, સંકલ્પમાત્રનો જેણે ત્યાગ કર્યો છે તે મારો ભક્ત છે, તે મને પ્રિય છે. ૧૬.

જે હર્ષ પામતો નથી, જે દ્વેષ કરતો નથી, જે ચિંતા નથી કરતો, જે આશાઓ નથી બાંધતો, જે શુભાશુભનો ત્યાગ કરનારો છે, તે ભક્તિ-પરાયણ મને પ્રિય છે. ૧૭.

શત્રુ-મિત્ર, માન-અપમાન, ટાઢ-તડકો, સુખ-દુઃખ – આ બધાંને વિશે જે સમતાવાન છે, જેણે આસક્તિ છોડી છે, જે નિંદા ને સ્તુતિમાં સરખો વર્તે છે ને મૌન ધારણ કરે છે, જે કાંઈ મળે તેથી જેને સંતોષ છે, જેને પોતાનું એવું કોઈ આશ્રયનું સ્થાન નથી, જે સ્થિર ચિત્તવાળો છે, એવો ભક્ત મને પ્રિય છે. ૧૮-૧૯.


આ પવિત્ર અમૃતરૂપ જ્ઞાન જેઓ મારામાં પરાયણ રહીને શ્રદ્ધાપૂર્વક સેવે છે તેઓ મારા અતિશય પ્રિય ભક્ત છે. ૨૦.

ૐ તત્સત

જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રીભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો 'ભક્તિયોગ' નામનો બારમો અધ્યાય અત્રે પૂરો થાય છે.

* * *