લખાણ પર જાઓ

અપરાધી/જેલની ઇસ્પિતાલે

વિકિસ્રોતમાંથી
← ગોઝારે કાંઠે અપરાધી
જેલની ઇસ્પિતાલે
ઝવેરચંદ મેઘાણી
એક પગલું આગળ →


૨૯. જેલની ઈસ્પિતાલે

પડાનો ટુકડો લઈને ખાંસી ખાતો, કમરથી બેવડ વળતો, અજવાળીના ઓરડાના એક ખૂણામાં જ મોટા લખોટા જેવડો બલગમ થૂંકતો કાંથડ હવાલદાર ચાલ્યો ગયો. એની પાછળ બીજા બધા પણ ગયા. અજવાળીના બાપની અવળચંડાઈથી તેમ જ માની ભલાઈથી ડરી–શરમાઈને ઘરમાં પ્રવેશ ન કરી શકેલાં આડોશીપાડોશીએ, પોલીસ-તપાસમાં પોતાના હક તરીકે શામિલ રહીને, પારકા ઘરમાં ઘૂસવાનો ભાગ લીધો હતો. ને તેમણે પણ હવાલદારની જોડાજોડ અજવાળીની પથારી, ઊંચી અભરાઈ, ઘાસમાં પડેલા ખાડા વગેરે તપાસ્યા હતા. પ્રત્યેકના હૈયામાં પારકે ઘેર ‘પોલીસ’ બનવાની હોંશ હતી – હોય જ છે.

“ગભરાણી તો નથીને, માડી ?” ખડકી ભીડીને પાછી આવેલી માતાએ પુત્રીની ગરદન ગરદન પરથી પસીનો લૂછ્યો.

“ના, મા !” અજવાળીએ ઉત્તર દીધો. એ ગભરાટ તો નહીં પણ અજાયબી અનુભવી રહી હતી. એને વિચારો ઊપડતા હતા : મેં શું બગાડ્યું છે ? કોનું બગાડ્યું છે ? રોયા એ શીદ મારી પાછળ લાગ્યા છે ? મેં તો ઊલટાની સારા માણસની બેઆબરૂ ઢાંકવા માટે થઈને મારે છોકરુ રોતું બંધ પાડ્યું. હતું તો મારું છોકરું ને ? ક્યાં બીજા કોઈનું હતું ? ક્યાં પારકા પુતરની ગળચી ચીપવા ગઈ છું હું ? તોય શું આ કાયદાનું, કોરટોનું ને પોલીસોનું કટક મારા ઉપર ઊતરી પડશે ? કીડી માથે કટકાઈ કરશે ? જાલિમ રોયા ! કરવા દે ને ! ભલેને કરે ! હું કબૂલ કરું જ નહીં ને ! મરી જાઉં તોય કાંઈ કબૂલ ન કરું. હું કોઈનું નામ જ નહીં દઉંને – પછી કાયદો ને કોરટ બાપડી મને શું કરવાની હતી !

રાત ગઈ. વળતા દિવસે પરષોત્તમ મહિનો બેઠો. પ્રભાતની તડકી ચડી. અને બ્રાહ્મણે ખડકીમાં ડોકું કાઢ્યું : “કાં, ડોસલી !” બામણે અંજુની માના આવકાર સામે અગ્નિના ટાંડા જેવા શબ્દો વેર્યાં : “ત્રણ ત્રણ વરસનાં ગણ્યાં ગણાય નહીં એટલાં પાપ કરીને આજ પરષોત્તમ મહિનાને તો વિસામો દે, પાપનું નિવારણ તો કર્ય.”

“આ દીકરીને ઝટ સુવાણ થઈ જાય તેવું કંઈક કરી દેશો, ગોરબાપા ?” અંજુની મા કરગરી.

“તારી દીકરીના દોષ આ ભવના ને પરભવના, બેય ભવના હશે, પટલાણી !” બ્રાહ્મણે આંગળીના વેઢા પર અંગૂઠો ફેરવવા માંડ્યો. “તમારી જાત અધમ, તમારા ધંધા ને તમારી મે’નતમજૂરી અધમ, મનને વિશે વિકારદોષ, અને પછી બાળહત્યાઓ ઇત્યાદિ ઇત્યાદિ દોષોની તમારા વરણને વિશે કાંઈ નવાઈ નથી. પણ હવે વાત એમ છે, કે અધમનેય ઓધારનારો ધરમ છે…”

એમ કહેતા કહેતા એ બ્રાહ્મણે અજવાળીની મા પાસેથી સવા પાંચ રૂપિયા, ઘીનો વાટકો, ઘઉંની ફાંટ, ગોળનું દડબું વગેરે લઈને ઓરડામાં સૂતેલી અજવાળીને દૂરથી ઊભીને જોઈ લીધી.

“પીળીપચ પડી ગઈ છે. જોયુંને બાપુ ?” માએ કહ્યું.

“હોય, સુમતિકુમતિના સપાટા ચાલ્યા જ કરે છે. મન છે ને, તે અતિશય ચલાયમાન પ્રકૃતિનું છે — તમારા વરણનું વિશેષ કરીને. વ્રતોપવાસાદિ કરાવજે, બાઈ, ચાતુર્માસનું ટાણું છે.” – વગેરે વગેરે આશ્વાસનો આપીને બ્રાહ્મણ ચાલ્યો ગયો. પાડોશમાં જઈને પાછી બ્રાહ્મણે એ જ પારાયણ માંડી હતી. માએ કાનોકાન સાંભળ્યું કે ત્યાં જઈ બ્રાહ્મણ અજવાળીના આચારવિચારની કૂથલી કરી રહ્યો હતો.

ત્રીજો દિવસ. ચળાઈને આવતી સવારની તડકીમાં અજવાળી ઊભી થઈને ઓરડામાં ચાલવા યત્ન કરતી હતી. “જો, માડી !” એણે શિરામણ લઈને આવતી મા પાસે હોંશે હોંશે વધામણી ખાધી. “હવે મારા પગમાં જોર આવી ગયું. હવે મને નખમાંય રોગ ન રિયો. કાલ તો હું મુંબી હાલી જઈશ, મા ! ત્યાં ભણાવે-ગણાવે, હોશિયાર કરે…”

“ના રે, માડી !” માએ જવાબ વાળ્યો : “મારે તને મુંબી નથી મોકલવી. કાલ્ય જ આપણે માશીને ઘેર જાવું છે. મારે હવે તારો વિવા કોઈ વાત પણ કરી નાખવો છે. માશીનો એક ભત્રીજો રાંડ્યો છે; જુવાન છે, નાણાં નથી એટલે બાપડો રઝળે છે. મારે એક દુકાનીય તારી ખપે નહીં, બેટા ! હું તો ત્યાં તને લઈ જઈને મારે હાથે જ ઘરઘાવી દઈશ. એને બાપડાને નાત્ય વગોવે છે : એની મામાં કાંક કે’વાપણું હતું ! જુલમ છેને ! મારા ભગવાન ! પંદર વરસ પહેલાં મૂએલી માનેય નાત્ય છોડે છે ! નાત્યને એ છોકરાનું ઘર મંડાવા દેવું નથી. પટલિયાઓને જૂનાં વેર હશે, તે છોકરા માથે વાળે છે. છોકરો માનતો નથી, પટલિયાઓને પગે માથું મેલતો નથી. એટલે બસ છોકરાનો પાટો ચડવા દે જ નહીં ને ! કાંઈ ફકર નહીં. તારા લાયકનો છે, માડી ! એનું ઘર સાચવીશ ને, તો છોકરો ધરતી ફાડીને ધાન પેદા કરે તેવો છે. તારા સાટુ થઈને હથેળીમાં દીવડો બાળે તેવો છે.”

અજવાળીની આંખો સામે પોતાના વર થનારા માણસનો એક મીઠો ચિતાર માના અણઘડ શબ્દોમાંથી પણ તરવરી રહ્યો. એવો કોઈક વર વેળાસર મળી જાયને… તો… કેવું સુખ ! અજવાળીના અંતરમાં હરણાંની જાણે કૂદાકૂદ ચાલી. બીજું તો શું ? હું એને સુખી કરીશ ને આ મારું કામ કોઈના જાણ્યામાં નહીં આવે. કાલ સવારે તો અમે ચાલ્યાં જશું. ફુલેસ-બુલેસ વાત વીસરી જાશે. નિયાધીશસા’બ પણ સમજશે કે હશે, અંજુડી ગામ મેલીને જાતી રહી ને ? હાંઉ ત્યારે, એલા ફુલેસો ! હવે તમે એની ખણખોદ કરશો મા. છોકરી બાપડી ભલેને ઠેકાણે પડી જતી ! અને એમાંય જો શિવરાજસાબ નિયાધીશ હશે તો તો એ બચાડા જીવ હવાલદારને કહ્યા વિના રે’ કે’દી? — કે કાંથડ હવાલદાર, તમે શું જાણો ? હું જાણું છું. અંજુડીનો કશોય અપરાધ નથી. એણે તો કોકની આબરૂ ઢાંકી છે. અંજુડીનો પીછો લેવો છોડી દ્યો, હવાલદાર ! મારો હુકમ છે, જાવ !

કલ્પનાના સુખ-દોર પર ચગેલી કોઈ નટડીના જેવું અજવાળીનું મોં આ વિચારની જળધારે ધોવાઈને જાણે મધુર મધુર, વધુ ને વધુ મધુર બનતું ચાલ્યું. એને ખબર નહોતી રહી કે પોતે ને મા ક્યારે ખાટલા પર બેસી ગયાં હતાં. એણે ધીરે ધીરે માની સામે મીટ માંડી. એણે કોણ જાણે કેવાય સુખની ધૂનમાં, મસ્તીમાં, મુક્તિમાં, માને ગળે હાથ નાખીને, માના ગાલ પર બકી ભરી લીધી — જે બકીઓ પોતાની છેક જ ધાવણી વયમાં માને ભરવાની ટેવ પડેલી.

“કાલ પરોઢિયે જ નીકળી જાયેં, ખરું ને ?” માએ પૂછ્યું.

“મને વેલી ઉઠાડીશ ને, મા ? મારાથી જગાશે નહીં.” અજવાળી આતુર બની.

“તું તારે ફડકો રાખીશ મા. આપણે ગાડી ચૂકવી નથી — પરોઢિયે જ નીકળી જાવું છે. કોઈને જાણ પણ થાય શેની ! તારા બાપને હાલતી વખત કહી દઈશ. લાંબી પંચાત કરવા કોણ બેસે એની હારે ?”

એટલી વાત થાય છે ત્યાં જ ખડકીની બહાર ઘોડાની એક ટપાગાડી આવીને ઊભી રહી. ફાળ ખાતી મા ખડકી સુધી ગઈ. એ પહોંચે તે પૂર્વે જ બહારથી આગળિયો ઉઘાડીને કોઈએ બારણું ખોલી નાખ્યું ને દમલેલ અવાજ નીકળ્યો :

“ચાલ બાઈ, તારી દીકરીને તૈયાર કર.”

ગઈ કાલવાળો જ એ હવાલદાર, ને બે બીજા યુનિફોર્મ પહેરેલ પોલીસ.

“ક્યાં લઈ જવી છે પણ એને તમારે ? એ માંદી મરે છે તે તો જોવો.” માની આંતરડી કકળી ઊઠી.

“માંદી છે તો સરકાર સાજી કરશે.”

“ક્યાં ?”

“જેલની ઇસ્પિતાલે.”

અને તે પછી થોડી વારે, મીઠી કાગાનીંદરમાં પડેલી અજવાળીએ ઝબકીને માતાના શબ્દ સાંભળ્યા : “અંજુ, બેટા, ફુલેસ તને લઈ જવા આવેલ છે.”

ને એ શબ્દોની પાછળ જનેતાના કલેજામાંથી વછૂટતી બંદૂકના ધડાકા જેવા ધૂસકા નીકળ્યા.